દરિયાપારના બહારવટિયા/૧. કુમારી કારમન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. કુમારી કારમન

પ્રાણ નિચોવીને જેના ઉપર પ્રીતિનું પ્રત્યેક ટીપું ટપકાવી નાખ્યું હોય, ઇતબાર રાખીને જેના ખોળામાં મીઠું ઓશીકું કર્યું હોય, વિશ્વાસની ઘેરી નીંદમાં જેની સાથેના ભાવિ સંસારનાં કનકમય સ્વપ્ન માણ્યાં હોય, જેની જીવતી પ્રતિમા કરતાં પ્રભુને પણ ઊતરતો ગણ્યો હોય, એ જ જીવનસર્વસ્વને, એ જ સુખસોણલાની મૂર્તિને જ્યારે ભાંગીને ભુક્કો થઈ જતી જોઈએ, કલ્પનાના એ જ કોટકાંગરાના ચૂરેચૂરા થઈ તેની મિટ્ટીમાંથી વિશ્વાસઘાત અને દગલબાજીની દુર્ગંધો ઊઠી શ્વાસોચ્છ્વાસ ગૂંગળાવી નાખતી અનુભવીએ, જ્યારે કોઈ ઓચિંતા રહસ્યછેદનની એક જ પલમાં આપણા પગ નીચેની પ્રશાન્ત ધરતીને ભૂકમ્પના કડાકા સાથે સહસ્ત્રધા ચિરાઈ જતી ભાળીએ, ને એ ધરતીના પેટાળમાં એકલવાયા, નિરાધાર અને નગ્ન શરીરે આપણે ઊભા હોઈએ તેવું લાગે – ત્યારે, તે ઘડીએ કાં તો માનવી વિધાતાના એ વજ્રપ્રહારની નીચે ચમકી, હેબતાઈ, વાંકા વળી, એ ફાટેલી પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે – ઘણાખરાની તો એ જ ગતિ થાય છે – અથવા તો માનવીના આત્માની અંદરથી વિરાટ જાગી ઊઠે છે, એનું મસ્તક ટટ્ટાર બને છે, એના હાથ ઊંચકાય છે, એ સામો ઘા ઝીંકે છે, ને એ એક જ ઘાની અંદર માનવી પોતાના જીવનનો, વિચારનો, વિવેકનો અને જન્મ-સુખનો સરવાળો થતો અનુભવે છે, એ એક જ આઘાતમાં માનવી સો વર્ષનું આયુષ્ય જીવી કાઢે છે – ભલે પછી એ ઘા કેવળ વૈરની વસૂલાતનો હોય. આવાં જ કો અગ્નિમય રજકણોની ઘડેલી હતી કુમારી કારમન: સાધ્વી-મઠનાં નારંગી ફળોની ફોરમો વાતી ફૂલવાડીઓમાં ઊછરેલી એ મધુર મૂર્તિ, એ વિશ્વાસુ અને ભોળી કુમારિકા હતી. પ્રભુ પર અને પ્રભુપ્રતિમા સમાં માનવીઓ પર એ બાલિકાનો વિશ્વાસ પરિપૂર્ણ અને નિરંજન હતો. અને એના અંતઃકરણે પાપનો સૂર સરખોયે કદી સાંભળ્યો નહોતો. મઠની શ્યામવસ્ત્રી અને શાંતિપ્રેમી સાધ્વીઓએ એને શીખવ્યું હતું કે જગત તેમ જ જગતને વિશે રહેલી કિરતારની સરજેલી તમામ કૃતિઓ સંપૂર્ણ છે, એ જ દૃષ્ટિએ તું એને જોતી રહેજે, બેટા! મઠની ચાર દીવાલો વચ્ચે, એ ધર્મશીલ અને પ્રભુમય જીવનપ્રવાહની ઉજમાળી નાની દુનિયા વચ્ચે, દુર્જનતાનો ઓછાયોય કુમારી કારમને કદી દીઠો નહોતો. બાપુ મરી ગયા તે વેળા આ કન્યાએ આવું મહેકતું અંતઃકરણ લઈને એક દિવસે દુનિયામાં પ્રવેશ કર્યો, અને પાટનગરમાં પોતાના મોટેરા ભાઈની જોડે સંસારયાત્રા શરૂ કરી દીધી. બાપુના જબ્બર વગવસીલાવાળી ત્યાંની બૅન્કમાં મોટા ભાઈ ડિરેક્ટર છે. પિતાની પ્રતિષ્ઠા અને મોહબ્બતોની માતબર લાગવગનો લાભ મોટા ભાઈને સાંપડેલો છે. મરતાં મરતાં પિતાની આખરી ઇચ્છા એ જ હતી કે ભાઈ, બહેનને હવે આશ્રમમાંથી તેડાવી લઈને તારી રક્ષામાં રાખજે. માતા તો ઘણાં વર્ષોથી મરી ગઈ હતી. બાપુનો દેહ પડ્યા પછી બે ભાઈબહેન ઉપરાંત ત્રીજું કોઈ એ ઘર માં નથી રહ્યું. ‘ભાઈ! ભાઈ!’ કરતી કુમારી કારમન જ્યારે રેલગાડીના ડબામાંથી ઉતરી પડીને ભાઈને કંઠે ભુજાઓ વીંટી વળી, વારે ભાઈ ઘણાં વર્ષના ગાળા પછી દીઠેલી બહેનનું એ ખીલતું જોબન દેખીને ચકિત બની ગયો. ‘અરે કારમન, તું આવડી મોટી થઈ ગઈ!’ એમ કહી એ બહેનને નખશિખ નિહાળવા લાગ્યો. છેલ્લી દીઠી હતી: નાની, ત્રાઠેલ મૃગલી જેવી બીકણ અને શરમાળ. આજે આટલાં જ થોડાં વર્ષોમાં - અઢાર જ વર્ષની ઉમ્મરે - એણે એ કળીની શી ફૂલખિલાવટ દેખી! કાળા ઓઢણામાંથી અને સાદા સાધુ-પોશાકની અંદરથી જાણે કે હાથીદાંતની કે કંડારેલી હોય તેવી એની ડોકની લાલ લાલ ઝાંય અને મોટી બે નિર્મલ આંખોની ઝલક એના આસમાની અતલસ-શા કેશ વચ્ચે ઝળહળી ઊઠી, ભાઈના પ્રેમમાં મગરૂરીની ભભક ભળી ગઈ. ભાઈની બાજુએ હસતી, ખેલતી, ગેલતી, વાતો કરતાં ન ધરાતી, કોઈ બોલકી મેના સમી એ બહેને ઘેર પહોંચતાં સુધીમાં તો ભાઈની છાતીને બે તસુ વધુ પહોળી કરી નાખી, અને પિતાના સૂના ઘરનો વહીવટ એણે જોતજોતામાં તો હાથ કરી લીધો. ઘરના કામકાજથી પરવારીને રોજ સાંજે કારમન પોતાના ભાઈની ઑફિસે જતી અને ત્યાંથી સાંજરે બન્ને જણાં આંકડા ભીડેલા હાથ હીંડોળતાં ઘર તરફ પાછાં વળતાં ત્યારે અનેક જુવાનો એ તરુણીની સામે તાકી રહેતા. ભાઈ હૈયામાં છૂપો ગર્વ અનુભવતો કે કેવી સુંદર બહેનનો હું ભાઈ છું! અનેક વાર એ બહેનને રમૂજ કરીને કહેતો કે, “હવે તો તારે સારુ આપણે વર ગોતવો પડશે હો! કેમ કે હું પણ હવે થોડા વખતમાં પરણવાનો, એટલે પછી તારી રક્ષા કરનારો કોઈક જોઈશે ને!” એ સાંભળીને કારમનના ગાલ ઉપર ઉષાની લાલી-શી સ્વાભાવિક શરમના ગલ પડતા. અનેક યુવાનો આ સુંદરીના હાથની માગણીને લોભે લોભાઈને એમને ઘેર જમવાનું ઇજન સ્વીકારતા. દુનિયા એ કન્યાને બસ સુખભરપૂર, દૂધ-શી ઊજળી અને પ્રેમની નદીના શીતળ પર સમી સરલ દેખાતી. તમામ આંખોમાંથી એને પ્રેમની ધોરાઓ જ વરસતી જણાતી.


[૨]


ઘેર આવનારાઓની અંદર એક ફાંકડો, કદાવર બાંધાનો રૂપાળો આદમી હતો. એનું નામ મેન્યુઅલ હતું. ચાપલા સરોવરની નજીકમાં એક મહામોલી રૂપા-ખાણ જડી હતી તેના સંબંધમાં કારમનના ભાઈ પર મોટા ભલામણપત્રો લઈને આ યુવાન નગરમાં આવ્યો હતો. ખાણના ઉદ્યોગની ખિલાવટ સારુ એક જંગી રકમનો ઉપાડ બૅન્કમાંથી કરવાની તેની નેમ હતી. રૂપા-ખાણના ઉદ્યોગને લગતું એણે તૈયાર કરેલું આખું યોજનાપત્ર એટલું તો ગુલાબી હતું, એટલી અદ્ભુત સંપત્તિની ઉત્પત્તિનો ખ્યાલ આપતું હતું કે લૉરેન્ઝોએ એ કાગળિયાં તપાસી ગયા પછી પોતાની બૅન્કને ધીરધારના જોખમમાં નાખવાનો મનસૂબો કરી મૂક્યો હતો. લખલૂટ રૂપું પેદા થવાની મોહિની એ યોજનામાં ભરેલી હતી. દહાડે-દહાડે આ કુટુંબની સાથે ઘાટા સંબંધમાં આવી રહેલા એ પુરુષની પ્રવાહી મોટી આંખોએ, એના મધુ-ઝરતા હાસ્યે, અને એના કંઠમાંથી ઊઠતા મર્દાઈભર્યા અવાજે ધીરે ધીરે કુમારી કારમનનાં નયનોમાં અંજન આંજી નાખ્યું. હૈયું દ્રવીને પાણી પાણી થઈ જાય એવું હાસ્ય વેરતા એ બે હોઠના ખૂણાઓમાં, કોઈ શાંત વહેતા નદી-પ્રવાહની અંદર છુપાયેલા વમળની જેવી એક ગૂંથ પડી રહેતી, તે ગૂંથ, તે ભમરી, તે વમળ ભોળી કારમનની નિર્દોષ નજરમાં ક્યાંથી આવી શકે? એક દિવસ આવીને એ આશકે લૉરેન્ઝોની કને એની બહેન સાથેના મિલનની મંજૂરી માગી. ભાઈએ બહેનને એના આ આશક તરફના મનોભાવની પૂછપરછ કરી, બહેનના બેવડ ગાલો ઉપર સ્નેહનાં ગુલાબો સમી ચૂમકીઓ ઊપડી આવી; ને પછી ભાઈએ બન્નેને પરસ્પર મળવાની છૂટ આપી, તે દિવસથી મેન્યુઅલ એ ઘરનો નિત્યનો યાત્રાળુ બન્યો. સ્પેઈન દેશની લગ્નરીતિ અનુસાર જોકે વેવિશાળ થયા પહેલાં કોઈ આશક પોતાની માશૂક સાથે એકાન્તે ન જ મળી શકે, છતાં અહીં તો ભાઈની દિવસભરની ગેરહાજરીમાં ડૉન મેન્યુઅલ વારંવાર મુલાકાતો કરતો થઈ ગયો, કેમ કે કારમનના મનની ગતિ આ પુરુષ સાથે જળ-મીન જેવી થઈ ગઈ હતી. પ્રેમાંધ બાળા પોતાના આ ભાવિ પતિ વિના જીવી શકતી નહોતી. હવે તો ડૉન મેન્યુઅલ ટૂંકમાં પોતાનો કુટુંબીજન બનવાનો છે. અને તે ઉપરાંત બીજી બાજુથી બહેને પોતાના પિયુની ખાતર ભાઈના પગ માથાના વાળે લૂછવા માંડ્યા છે: એટલે લૉરેન્ઝોએ કબૂલ કર્યું કે ભલે નાણાં ધીરીએ: પણ તે પહેલાં એક વાર એ રૂપા-ખાણ આપણે નજરે જોઈ આવીએ. ભાઈ, બહેન અને ભવિષ્યનો ભરથાર: ત્રણ જણાં ઘોડે ચડીને ચાલ્યાં. આશક-માશૂક બન્ને અચ્છાં ઘોડેસવાર હતાં અને ભાઈ તો રહ્યો ઑફિસનો કીડો, ખેલાડી તરીકે શરીર કસેલું નહિ: પરિણામે બન્ને ઘોડેસવારો ઘોડલાંને થનગનાવતાં રમાડતાં આગળ નીકળી જતાં ને વગડાની નિર્જન એકાન્તે પ્રેમની ઘેલછા માણતાં હતાં. ઉઘાડા આકાશની નીચે રાત્રિના પડાવ થતા ત્યારે મૂંગા તારલાઓએ અને ચંદ્રઘેલી રાત્રિએ પણ આ બન્નેને કો અપૂર્વ ઘેલછાની મદકટોરીઓ પાયા કરી હતી. પહાડોની મેખલામાં ખાણ દીઠી. એ કોઈ જૂની ખાણ હતી. ડૉન મેન્યુઅલે સમજાવ્યું કે આ પુરાતન ખાણને મેં નવેસર શોધી કાઢી છે. માટી તપાસી ધરતીના થરોમાં ધાતુના સળ જોવામાં આવ્યા. બહેનના ભાઈને ઇતબાર બેઠો કે ચાર-છ મહિનામાં તો અહીંથી રૂપાની રેલગાડીઓ ભરાઈને દોડશે. નગરમાં પહોંચીને લૉરેન્ઝોએ બૅન્કમાંથી રકમ ધીરવાનો નિરધાર કર્યો. પણ દસ્તાવેજ કરવા, સહીસિક્કા કરાવવા, અદાલતની વિધિઓ પતાવવી એ બધામાં તો કેટલો વિલંબ થઈ જશે! ને ખાણ પર સંચા મગાવીને મુકાવવા, કારીગરો રાખવા, માટી ખોદાવીને ભઠ્ઠીઓ પર ઓગાળવા માંડ્યું - એ બધામાં પણ કેટલો કાળ વીતશે! બહેન પોતાના ભાઈને વીનવવા લાગી. બહેનને જલદી જલદી પરણીને લક્ષ્મીથી છલકતા ઘરની ધણિયાણી થવું હતું. ભાઈએ બહેનની વિનવણીને વશ થઈ પોતાની અંગત જવાબદારી પર નાણાં ધિરાવી નાખ્યાં. આજે આ સંચાની જરૂર, આજે આટલા કારીગરો વધુ બોલાવવા છે; આજે તો અમુક કામમાં આટલી વિશેષ રકમની જરૂર પડી છે: એ રીતે પિયુજીએ આ પ્રેમઘેલુડી બહેનની મારફત ભોળા ભાઈને ઊંડા ને ઊંડા કૂવામાં ઉતારવા માંડ્યો. બહેનનો ભાઈ મોંમાગી રકમો ધીરતો જ ગયો.

કંઈક મહિના ચાલ્યા ગયા, પણ હજુ ક્યાંય રૂપાનાં દર્શન થતાં નથી. કહે છે કે યંત્રો ચાલુ થયાં છે, રોજના મજૂરોની રોજી ચુકવાવી લાગી છે, છતાં ક્યાંય કાચી ધૂળનોય પત્તો નથી. શું કરીએ? આજે તો આ યંત્ર ખોટકી ગયું. આજે પેલું ચક્કર તૂટી પડ્યું, આજે ખાડામાં પાણી ભરાઈ ગયું. લાવો વધારે રકમ! લાવો, લાવો! હૈયાફૂટો ભાઇ ગળાડૂબ ઊતરી ગયો. “બહેન! એક દિવસ લૉરેન્ઝોએ આવીને અચકાતાં અચકાતાં પૂછ્યું: તારા ખાતામાંથી થોડી રકમ મને ઉપાડવા દઈશ? ડૉન મેન્યુઅલને ધીરેલી રકમની ભરપાઈ મારે આજે જ બૅન્કને કરવી પડશે.” “મારી રકમ!” બહેનનો ચહેરો રૂની પૂણી જેવો સફેદ બની ગયો: “મેં તો એ બધું જ ઉપાડીને ક્યારનુંય એમને દઈ દીધું છે – એમને ખાણ પર પેલા સંચાની જરૂર હતી તે દિવસે.” ભાઈના ચહેરા ઉપર અને આંખોમાં સંદેહની શ્યામ વાદળીઓ વીંટળાઈ ગઈ . થર થર થતે શરીરે એ ચાલ્યો ગયો. બહેનના અંતરમાં પણ ઓળા છવાઈ રહ્યાં. ઓચિંતો એને જાણે કોઈ આંચકો લાગ્યો હોય તેમ એ ઊભી થઈ. શરીર પર લાંબો સાયો અને મોંમાથા પર શ્યામ ઘૂંઘટપટ નાખીને પિયુજીને ઘેર પહોંચી. બારણા પર ટકોરા દીધા. એક ઓરતે આવીને બારણું ઉઘાડ્યું. પોતાના ચહેરાને જેમ બને તેમ અંધારે લપાવીને એણે કહ્યું: “મારે ડૉન મેન્યુઅલને મળવું છે.” “મારે પણ પીટ્યાને એને જ મળવું છે, બાઈ!” ઓરતે ઉત્તર વાળ્યો; “હું પણ ઠેઠ દુરાન્ગો શહેરથી ટલ્લા ખાતી ચાલી આવું છું અને મને તો ખબર પડી છે કે મારો પીટ્યો એ જુગટિયો, જે એક દી રાતે હાથમાં હાથકડી પડવાની બીકે મારા ઘરમાંથી નાસી છૂટ્યો છે, તે તો આજે મોટો શેઠિયો બની બેઠો છે – એંહે! અને પોતાને ડૉન મેન્યુઅલ નામે ઓળખાવે છે. ઓય મારા રોયા, તારાં છાજિયાં લઉં! મોટો શેઠિયો ન જોયો હોય તો! અરે પણ બેન! તું – તું કોણ છે. બાપુ? તેં ભલે તારો ચહેરો છુપાવી રાખ્યો. પણ આંહીં તો એને એકોએક ઓરડામાં તારી તસવીર ટીંગાય છે, બેન! તું કોણ છે?” “હું સિનોરીટા કારમન – એની ભવિષ્યની અર્ધાંગના.” પોતાની છાતીમાં ખંજર ચાલી રહ્યું હતું છતાં પણ કારમને ગર્વભેર ઘૂંઘટ ઉઠાવીને પીઠ પર નાખી દીધો. “આ – હા – હા – હા!” વિકરાળ અટ્ટહાસ્ય કરતી એ ઓરત કારમનને કાંડું ઝાલીને અંદર લઈ ગઈ. “તું એની ભવિષ્યની અર્ધાંગના! ઓ જગજનની! પણ યાદ કરજે મને, એક વાર જો તું એની અર્ધાંગના બનીશ તો તને શી-શી વીતશે તે હું જાણું છું. દસ વરસ સુધી હુંય એની અર્ધાંગના હતી. આમ જો, બેન! આ સામે સૂતું છે તેની સામે જો! એ દીકરો છે – મારો અને એનો. પણ, ઓ બેન! એ તો રાક્ષસ છે રાક્ષસ. મને એ આંહીં ભાળશે કે તુરત જ ગોળીએ દેશે. આજ બે વરસથી હું એને શોધતી ફરું છું. એનો એક આદમી અહીં હતો. પણ હું આવી છું ત્યારથી અહીંથી દોડતો-દોડતો ક્યાંક રવાના થઈ ગયો છે.”

સાંભળી લીધું. કારમને ઘણુંઘણું સાંભળી લીધું. એ ઓરતના હાથમાંથી પોતાનું કાંડું ઝટકીને કારમન નીકળી ગઈ. એના કાનમાં લોહીની ધસાધસના ઘણ પડતા હતા. એની, આંખે ધોળાપીળાં દેખાતાં હતાં. એક વાર તો એ ઠોકર ખાઈને ૫ડી ગઈ. પણ પછડાટની કશી જ પીડા પામ્યા વગર એ ઊઠીને દોડી.


[૩]


ઘરમાં એ વધારે ન રોકાઈ. ફક્ત કપડાં બદલાવી ઘોડેસવારીનો લેબાસ પહેરી લીધો, ને કમ્મરે પિસ્તોલ કસકસી લીધી. થોડી ખીસાખરચી લઈ લીધી, પછી એ નીકળી પડી. રેલગાડીમાં ચડી. જાણતી હતી કે એ ધુતારો ક્યાં મળશે, પણ એને ઠાર કર્યા પહેલાં એક વાર તો જરૂર હતી એ દગલબાજની ધાતુનો જથ્થો હાથ કરવાની. ભાઈની ઇજ્જત બચાવવા સારુ બૅન્કમાં એ ધાતુ સુપરદ કરવી હતી. એને ખાતરી હતી કે રૂપાનો જથ્થો નક્કી ક્યાંક એણે સંઘર્યો હોવો જોઈએ. આહા! એક રંડીબાજ જુગટિયો – એને મેં મારું કુમારિકાનું હૃદય અર્પણ કર્યું! રેલગાડીની ગતિના થડકારા સાથે તાલ લેતો એ વિચાર-ધબકારો એના માથામાં ચાલી રહ્યો હતો. એ સ્ટેશને ઊતરી. ત્યાંથી ખાણ પર પહોંચવાનો પગરસ્તો હતો, પણ ઘોડે ચડીને મુસાફરી કરવા જેટલી ધીરજ એનામાં નહોતી રહી. એક મોટર ભાડે કરીને એ ઊપડી. બીજે દિવસે બપોરે એ સ્થળ આવી પહોંચ્યું, કે જ્યાંથી મોટર આગળ વધી શકતી નથી. મોટરને રોકી, એક ભોમિયો મેળવી, બે ઘોડાં લઈ એણે ખાણ તરફની મજલ ખેડવા માંડી. આ એ જ ભોમિયો હતો. જેણે અગાઉ પણ કેટલીક વાર કારમનને પિયુજીની ખાણના પંથે દોરેલી. પરંતુ આજે એ ભોમિયાની ઝીણી આંખોએ આ કુમારિકાની ઉજાગરે સોજી ગયેલી લાલઘૂમ આંખો દીઠી, કોઈને વીંધી રહ્યા રહ્યા હોય તેવા. ડોળા દીઠા, એ હેરત પામ્યો. પિયુની પાસે જનારનું મોં આવું શા માટે? એના ચહેરા ઉપરથી નીચે આખા દેહના દીદાર કિરતી એની દૃષ્ટિ કુમારિકાની કમ્મરે બાંધેલા હથિયાર પર ઠેરી ગઈ. એક પલમાં જ એ પામી ગયો. ઘેર ગયો. સજ્જ થઈને આવ્યો ત્યારે એની છાતીએ પણ કારતૂસનો પટ્ટો હતો અને હાથમાં બંદૂક હતી. રૂંઝ્યો રડી તે વેળાએ બન્ને ખાણ ઉપર પહોંચ્યાં. તમામ સૂનકાર હતું. એક પણ યંત્ર નહોતું, ન કોઈ મજૂર હતો. તમામ ક્યાંક ચાલ્યું ગયેલું. ભોમિયાએ પૂછ્યું: “તમારે તો બાઈ, ડૉન મેન્યુઅલ જ્યાં ખોદાવે છે તે ખાણ પર જવું છે ને? તો એ ખાણ આ નહિ હો! આ તો એક ખાડો છે. અસલમાં આ ખાણ હતી. પણ હવે આમાં કટકીય રૂપું જડે તેમ નથી.” “પણ મેં આંહીં માટીના થરોમાં રૂપાનાં વળાં દીઠેલાં ને?” કારમને ચોંકીને પૂછ્યું. ભોમિયો પેટફાટ હસી પડ્યો: “હં અં! – બંદૂકે કરીને માટીમાં ધરબી દીધેલું રૂપું! અરે બાઈસાહેબ, એ રીતે તો તમારા ખાવંદે આ ખાણને દસ વાર વેચી છે, બાકી એની સાચી ખાણ તો આંહીંથી દસ ગાઉ દૂર રહી.” “ભાઈ જુઆન! તું જાણે છે, એ જગ્યા ક્યાં છે તે?” “હોવે.” ભોમિયાએ દાંત ભીંયા. “પણ તમે રાતની રાત આંહીં આરામ લ્યો. આપણે સવારે ઊપડીએ."

“ના, ના, મારે આરામ નથી લેવો, મને થાક નથી લાગ્યો, આપણે ને રસ્તે અંધારે? પંથ કરી શકશું?” જવાબમાં જુઆને ઘોડાના પગડામાં પગ પરોવી છલાંગ મારી, ઘોડો ચલાવ્યો એણે હોઠ પીસ્યા, એનેયે કંઈક હિસાબ ચોખ્ખો કરવો હતો. જ્યારે તેઓ એક નાની ડુંગરગાળીમાં પહોંચ્યાં ત્યારે ભળકડાની વેળા થઇ ગઈ હતી ગાળીને બીજે છેડે, દૂર દૂર ગોળ કુંડાળે કોઈક મોટા પડાવનાં તાપણાં ઝબૂકતાં હતાં, અત્યાર સુધી જીન ઉપર ટકી રહેલી કારમનને આંખે અંધારાં આવ્યાં. એક ઠંડા પાણીની પ્યાલીએ અને લગાર સુરાએ એને પાછી ખબરદાર કરી દીધી, ઘોડાં ઝાડના થડ સાથે બાંધી દીધાં. જુઆને બંદૂકને કોથળીમાંથી બહાર કાઢીને એના ચક્કરમાં કારતૂસો ઠાંસી લીધા. કારમનને ચુપકીદીથી ઠેરવવાનું કહી પોતે અંધારામાં આગળ વધ્યો. થોડી વારે પાછો આવ્યો. “કશો જ અવાજ કરશો નહિ.” એટલું કહી એ કારમનને એક એવી જગ્યાએ લઈ ગયો, કે જ્યાંથી આખો પડાવ નજરે પડતો હતો. લપાઈને તેઓ વાટ જોઈ રહ્યાં. પ્હો ફાટતી હતી. પડાવ ઉદ્યમે લાગવા સળવળતો હતો. કારમને એ ઊંડા ઊંડા ચાલ્યા જતા ભોંયરાના મોં પાસે જબ્બર વસવાટ દીઠો. મજૂરો દિવસનું ભોજન રાંધી રહ્યા હતા. એ સમજી ગઈ: આ જ એ સાચી ખાણ – કે જેનું રૂપું અત્યાર સુધીમાં બેન્કની અંદર જમા થવું જોઈતું હતું. આ રૂપા-ખાણની રૂપાપાટો વડે મારું અને મારા ભાઈનું સત્યાનાશ અટકાવી શકાયું હોત. તેને બદલે હું આ શું જોઉં છું! આ રાક્ષસ અમને નિચોવી છેતરી, લૂંટી, અમારી ઇજ્જતનો વધ કરીને જ અટક્યો નથી. એની દુષ્ટતાની શગ તો એ ચડી છે, દાઝ્યા પર ડામ તો એણે એ દીધો છે, કે મીઠા મીઠા પ્રેમબોલો બોલીને મને એ હજુય એના પ્યારના ફાંસલામાં ફસાવી રહ્યો છે – ક્યાં છે એ કાળશત્રુ! જેમ જેમ અજવાળું ઊઘડતું ગયું, લોકોના આકારો દૃષ્ટિએ પડ્યા, તેમ તેમ એની આંખો ફાટતી ગઈ. જાણો-અજાણો એનો હાથ કમ્મર પરની પિસ્તોલના બંધ ઢીલા કરી રહ્યો હતો. “જો જો હોં બાઈસાહેબ!” જુઆને એને ચેતાવી; “રખે ભૂલ કરી બેસતાં. અહીં ને આંહીં આપણને ભંડારી દેશે. માટે જો આપણે ગોળી છોડવી હોય તો ઘોડાં હાથવેંતમાં રાખવાં જોઈએ. ઉપરાંત, આપણો પીછો લેવા જેવું કંઈ વાહન-ઘોડું એની કને તો નથી ને, તે પણ આપણે તપાસી લેવું જોઈએ. બાઈસાહેબ, તમે થોડોક વિસામો લઈ લ્યો. હું ચોકી રાખીને બેસીશ.” ઉગ્ર રોષ અને ઉશ્કેરાટના નશાને અંતે કારમનની નસો તૂટતી હતી. એનું શરીર વિસામો માગતું હતું. ઝાડની ઓથે જીનની ધાબળીઓનું પાથરણું કરીને એ ભરનીંદરમાં પડી. પછી જ્યારે કોઈના હાથે ઢંઢોળાઈને એ જાગી ઊઠી, ત્યારે એને લાગ્યું કે જાણે પોતે ફક્ત એક જ પળ ઝોલું લઈ ગઈ હતી. કાંડાની ઘડિયાળ પર જોયું તો બપોરની વેળા થઈ ગઈ હતી. એને આટલા કલાકની નિદ્રા પછી જાગ્રત કરનાર જુઆન જ હતો. “બાઈસાહેબ!” જુઆન બોલ્યો: “મેં ખાવાનું રાંધ્યું છે. હવે તમે તાબડતોબ જમી લ્યો. પડાવમાં કંઈક ભારી વાત બની રહી છે. ગધાડાં ઉપર કશુંક લાદે છે.” કુમારિકા ઝબકારો કરતી ખડી થઈ ગઈ. ઠંડા જળથી મોં ધોયું. નાસ્તો ઝટ ઝટ ગળા નીચે ઉતાર્યો. પછી પોતાના સાથીની સાથે, ભાખોડિયાંભર ચાલીને એ ઊંચી ટેકરીની આડશ પાછળ ચડી. ત્યાંથી ખાણ દેખાતી હતી. માટી પીસવાના, ધાતુ ઓગાળવાના વગેરે અનેક બુલંદ સંચાઓ – પોતાનાં અને ભાઈનાં જ નાણાં વડે ખરીદેલી આખી યંત્રમાળા – તમામ આંહીં છુપાવી રાખેલાં: અને સો-બસો ગધેડાં ઉપર વજનદાર છાલકાં લદાઈ રહેલાં છે. એકાએક એ ચમકી ઊઠી. જીવનનો સાથી ઠરાવીને જેને ખોળે પોતે માથું મૂક્યું હતું તેને એણે નજરોનજર ત્યાં હુકમો દેતો જોયો. એ એક જ ક્ષણમાં એનો કૌમારપ્રેમ પલટીને સળગતો ધિક્કાર બની બેઠો. ને એ ધિક્કારના અગ્નિકુંડમાંથી એક ચંડિક પ્રગટ થઈ. પણ ના, આમ છેટેથી હું એને પડકાર્યા વગર નહીં મારું: પહેલાં પ્રથમ તો એ વિશ્વાસઘાતીને શિકસ્ત આપી, એની પાસેથી રૂપું સેરવી લેવું છે, અને પછી સામી છાતીએ ખડા રહીને એની જિંદગી લેવી છે. ભોમિયાને ઇશારત કરીને એ ભાખોડિયાંભર પાછી વળી ગઈ. સમજાવ્યું: “ભાઈ, આપણે ગધેડાંનો પીછો લઈએ. તું મને મદદ કરીશ તો હું તને બદલો આપીશ.” “હું બરાબર મદદ કરીશ તમને, બાઈસાહેબ! મારે પણ એક દાગ ધોઈ નાખવાનો છે.” એને ધોવાનો દાગ શો હશે! કારમન એ વાત પૂછવા ન થોભી. એણે ગધેડાંની કતાર ઊપડતી દીઠી. સાથે પાંચ જ ચોકિયાત હતા. પછવાડે દૂર દૂર ઘોડાં ચલાવતાં એ બન્ને પણ ગધેડાંની હારને મુકામે જવા ચાલ્યાં આવે છે. આખરે ગધેડાં એક ઊંડી ખીણમાં ઊતરે છે. કારમન અને ભોમિયો ઘોડાં બાંધી દઈને લપાતાં લપાતાં એક ઊંચી આડશે ચડે છે. ત્યાંથી અનેક ભોંયરાંવાળી ગાળી નજરે પડે છે. ગધેડાં પરનાં છાલકાં ત્યાં ઠલવાય છે. ઠલવાતા માલનો ઠણકાર થાય છે. રૂપાની પાટો આંહીં ભરાય છે! અને કદાચ રેલની માલગાડી ભરવા જેટલો માલ જમા થઈ જશે એટલે પિયુજી એને ઉઠાવી જશે શહેરમાં! આ તો લાગે છે હંગામી સંગ્રહસ્થાન. ફિકર નહિ. તાબડતોબ હું ભાઈની પાસે પહોંચું, અને ‘પિયુજી મારા’ને પેલી ઓરતની મારી સાથેની વાતની ખબર પડે તે પહેલાં જ હું આ સાચી ખાણ ઉપર અને પાટોના પર જપ્તી બેસડાવું. કમનસીબીની કથા, કે કારમનને સત્તાવાળાઓ પાસે જઈ આ બાતમી દેવાનું ન સૂઝ્યું. નહિ તો આખું ભાવિ પલટાઈ ગયું હોત. પણ પોતાના પ્યારના વિશ્વાસઘાતી ઉપર એના હૈયાનો હુતાશન એવો ઉગ્ર ભડકે સળગી ઊઠ્યો હતો, પોતાની નિર્દોષતાને રોળનાર સામે એના હૃદય - રાફડાનો ભુજંગ એવા તો કાળથી ફેણ પછાડી રહ્યો હતો કે કુમારિકા કારમને બીજું કશું જ ન સૂઝ્યું. એને તો ખુદ પોતાના જ હાથ ઠારવા હતા. જે ઘડીએ એણે પોતાની સામે પેલી ફસાયેલી ઓરતને દીઠી હતી, તે ઘડીથી જ કારમનના કલેવરમાં એક નવીન ભૂતાવળે વાસ લીધો હતો, જાણે કોઈ શતધારે વહેતો જળપ્રવાહ એકાએક હિમ પડતાં થીજીને કોઈ પાષાણી પ્રતિમા બની ગયેલો છે, ને એ પ્રતિમાના હોઠ પર ધિક્કાર અને વેદનાનું બનેલું કરડું હાસ્ય કોતરાઈ ગયું છે. ઓસરી ગઈ, એના અંતરમાં દરરોજ જાગતી. ઈશ્વરપ્રાર્થના ઓસરી ગઈ, આશ્રમની મીઠાબોલી સાધ્વીઓએ ભણાવેલાં સૂત્રો પરથી એની આસ્થા પણ ઊડી ગઈ. કોઈ ભુલાઈભૂંસાઈ ગયેલા પ્રાચીન પૂર્વજનો હિંસામય પ્રાણ કે અતલ ઊંડી આરામગાહમાં પડેલી એકાદ હાડકાની કટકીની અંદરથી જાગ્રત થઈને આ કોમલાંગીના કલેજામાં ઘર કરી બેઠો. આવી વિફરેલી કારમન કાયદાના અટપટા પથ પર ચાલવાની ધીરજ હારી બેઠી. નહિ તો એને ખબર પડી જાત કે પિયુજીના માથા પર તો કારાગૃહના અને મૌનના ઓળા ક્યારના ભમી રહેલા હતા. પેરિસની બે કુમારિકાઓની સાથે એનાં લગ્ન કરી, એ બન્નેની લક્ષ્મી નિચોવી લીધા પછી એની હત્યા કરીને નાસી જનારી શખ્સ પોતે જ આ ડૉન મેન્યુઅલ. પોલીસ - જાસૂસો એનો કબજો લેવા સારુ ચાલ્યા જ આવતા હતા. પણ એમને જરા, જ મોડું થયું. કુમારી કારમન એમની આગળ નીકળી ગઈ હતી, એણે હિસાબ પતાવી નાખ્યો હતો. પોતાના ભાઈને બદનામીના જીવતા મોતથી તો ઉગારી શકાશે, એવી આશાએ તલપી રહેલી કારમન દોટમદોટ ઘેરે આવી. ત્યાં તો ઉંબરમાં જ કાળાંધબ મોં લઈને ઘરના નોકરી ઊભા હતા, શું થયું હતું? ભાઈએ આપઘાત કરી નાખ્યો હતો.


[૪]


ભાઈના શબની સામે કારમન ઊભી થઈ રહી. જાણે કોઈ મંત્ર છંટાવાથી એનો આખો દેહ પાષાણની પૂતળી બની ગયો. એ થીજી ગયેલા હાથે કારમને ભાઈના મુડદાની પાસે એક કાગળ પડ્યો હતો તે ઉપાડ્યો. બહેન કારમનના સરનામાનો જ કાગળ હતો. ફોડ્યો, વાંચ્યો, ભાઈએ આત્મહત્યા શા સારુ કરી તેનું સાચું કારણ સમજાયું. બૅન્કનાં નાણાંના ગેરઉપયોગની નામોશીથી ભાઈ નહોતો અકળાયો, એની ધીરજ નિતારી લેનારો તો બહેનનો કાગળ હતો. ‘પિયુજી’નો પીછો લેવા જતી વેળાએ કારમન જે ઉતાવળી ચિઠ્ઠી લખતી ગઈ હતી તેણે ભાઈના અંતઃકરણ પર એવું ઠસાવ્યું હતું કે બહેન તો લગ્નની વિધિ પતી ગયાની પણ વાટ જોયા વગર એ ધૂર્ત ધણીની સાથે સંસારના લહાવા શરૂ કરી દેવા રવાના થઈ ગઈ! એ બદનામીએ અને બહેનનું સત્યાનાશ વળવાની બીકે લૉરેન્ઝોને આત્મહત્યાના પંથ પર મોકલ્યો હતો. ધીરે ધીરે – યંત્રની માફક ધીરે ધીરે – બહેને ભાઈનો કાગળ વાંચ્યો, બીજી વાર ઉખેળીને વાંચ્યો, છતાંયે એની આંખોમાં આંસુ નથી આવતાં. ‘વહાલી બહેન, મને ક્ષમા કરજે!’ એ વાક્યે પણ એની પાંપણોને ન પલાળી. એની આંખો મટકો મારતી પણ થંભી ગઈ. લાગણીનો ધગધગાટ અંદર ઊતરી ગયો. ઉપરનું કલેવર ટાઢું – ટાઢુંબોળ બનતું ગયું. લોહી વિનાની હોય તેવી ઠંડીગાર દસ આંગળીઓ એના મોંને જકડી પડી. એનું મોં સંકોડાયું. બે હોઠ વચ્ચે એક સાંકડું તીનું રચાયું. તેમાંથી સિસોટીના સૂર નીકળ્યા – નાનપણમાં જે નાદાન અર્થહીન સૂર પોતે મોંમાંથી વગાડતી હતી તે જ એ સૂર: અને માથાની અંદર જાણે કે કોઈ મહા જળપ્રલયનાં પાણી એની ચોગમ વીંટળાઈ વળી એને ડુબાડતાં હોય તેવો ભાસ થવા લાગ્યો. પછી એ ઊભી થઈ, અને મોં વકાસીને બાઘોલા જેવા ઊભેલા ચાકરને શબ્દ પણ કહ્યા વિના, પોતાના સાથીને હાથને ઇશારે બોલાવી લઈ, એ ઘરની બહાર ચાલી નીકળી. એને માટે હવે એક જ પંથ રહ્યો – પિયુજીના ઘરનો પંથ. જુઆનને લઈને એ ચાલી. ટકોરીની ચાંપ દાબતાં ઘરનું દ્વાર ઊઘડ્યું. ઉઘાડવા આવનાર વૃદ્ધ ચાકરને એક બાજુ ધકેલીને, અંદર ખબર કહાવવાની વાટ જોયા વિના સાથીની સાથે એ ઘરમાં ચાલી આવી. અંદરના એક શયનખંડમાંથી તીણી ચીસો અને કોપાયમાન અવાજો સંભળાયા. કારમન ત્યાં જઈ ઊભી રહી. જુએ છે તો કોઈ લાંબા લાંબા પંથની ઘોડેસવારી પરથી હજુ હમણાં જ આવી પહોંચોલો ડૉન મેન્યુઅલ પગમાં બૂટ અને બૂટ પરની એડી પણ, ઉતાર્યા વિનાનો રજેભર્યો ઊભો છે: હાથમાં એક કોરડો છે . સામે ધરતી પર પટકાયેલી, એક ઓરત પડી છે, ઓરતના ચહેરા ઉપર અને હાથ ઉપર લાલ લોહીના ટશિયા આવેલા છે. એ જ પેલી ઓરત. “જુઆન, તું બહાર ઊભો રહેજે!” એવો હુકમ દઈને પોતાના સાથીને દૂર રાખતી. કારમન નજીક આવી. પિયુજીએ અચાનક પોતાની માશુકને જોતાં જ તેના તરફ વળી, હોઠ પર એક કુટિલ હાસ્ય નચાવતાં નચાવતાં, અરધા ઝંખવાણા પડી જઈને કહ્યું: “ઓહો: તું આવી પહોંચી ને ક્વેરીડા! બહુ સારું થયું. નહિતર મારે તને તેડવા આવવું પડત, હમણાં જ આવતો હતો. જો પ્યાર! આ ઓરત મને કહે છે કે એણે તારી પાસે પોતાને મારી, પરણેતર તરીકેની ઓળખાણ દીધી છે. નારાતાળ જૂઠાણું!” “મને પણ એ જુઠ્ઠાણું જ લાગેલું હતું, વહાલા!” કારમન સુંવાળા મધુઝરતા અવાજે બોલી: “કારણ, હું તો જાણું જ છું કે ઠગાઈ રમવાનું તો તમારું ગજું જ નથી. ખરું કે નહિ?” તાજુબ બનીને મેન્યુઅલ એ કુમારિકાની સામે તાકી રહ્યો. ચાબુકને એણે પડતો મેલ્યો. એના દેહમાં જાણે નવું દિવેલ પુરાયું. એણે તો ધારણા રાખેલી કે ધિક્કાર અને શાપોની અંગાર-ઝડી વરસવાની, તેને બદલે, ઓહો! આવા વિશ્વાસના શબ્દો: ત્યારે તો એ ભોળુડી છોકરી હજુય મને ચાહી રહી છે. ત્યારે તો ફિકર નહિ. ફૂલ સમું મોં મલકાવીને એણે પોતાની મૂછોને જરીક વળ ચડાવ્યો. કહ્યું: “સાચેસાચ પ્રિય! હું તને કદાપિ ન છેતરું. તારી સાથે વિશ્વાસઘાત રમતાં પહેલાં તો ઈશ્વર આ પ્રાણ-દોરી ખેંચી લે એ જ માગું છું હું તો. પરંતુ તેં આજે ઘોડેસવારીનો પોશાક કાં પહેર્યો, કારમન? અને તું કેમ આજે આટલી બધી ઝાંખી છે? તારા મોં પર નૂરનો છાંટો કાં ન મળે?” “ના, ના, એ તો હું આજે જરા થાકેલી છું. હું તમને શોધવા ખાણ પર ગયેલી. ત્યાં પણ મને એ જ જોઈને આનંદ ઊપજ્યો કે તમે જે બધું કહેતા હતા તે જરીકે જૂઠું નહોતું. ગજબ સરસ છે હો એ રૂપા-ખાણ – કલા ‘વેબ્રાન્સદા’વાળી ખાણ.” મેન્યુઅલ પામી ગયો. નવી ખાણ જોઈ આવી આ તો! એનો દેહ ટટ્ટાર બન્યો. એનો પંજો આપોઆપ કમરબંધ પર ગયો. એની આંખો ચમકવા લાગી. પછી એ હસી પડ્યો: “હા – હા – હા – હા! એ તો એવું બન્યું કે પેલી તમને દેખાડેલી તે ખાણ તો ખોટી નીકળી પડી, અને પછી આ કલા ‘વેબ્રાન્તદા'ની ખાણ અમે શોધી કાઢી. મારે તો તને એક ઓચિંતાની વધામણી આપવી હતી માટે મેં છૂપું રાખેલું. હવે તો મને આશા છે કે ટૂંક વખતમાં જ અમે ધાતુ ગાળવા માંડશું.” “ઓહો, ટૂંક વખતમાં જ!” કારમને અચંબો પ્રગટ કર્યો: “ઓહ! પણ જુઓને વહાલા, તમે તો ક્યારનુંયે ઘણુંઘણું રૂપું સંઘરાવેલું છે, ખરું ને? ને હું આજે જ એનો કબજો લેવા માણસો મોકલું છું. બેશક, તમે તો એ વાતને પણ ઓચિંતી વધામણી માટે જ છુપાવી રાખી હશે, કેમ કે બૅન્કનાં જે નાણાં આપણે ઉપાડ્યાં તે ભરી દેવામાં અમને સહાય ક૨વાની તમારી આતુરતા તો હું સમજું જ છું ને! ખરું કહું છું ને, પ્રિય!” “રાંડ બિલ્લી!” કહેતો મેન્યુઅલ સાપની માફક ફૂફાડી ઊઠયો “એ…મ! તેં તારા ૫૨ જાસૂસી કરી છે એમ? વારુ! હવે આ ખબર તું તારા ભાઈની પાસે તો નહિ જ પહોંચાડી શકે, સમજી?” એટલું કહીને એણે કારમન તરફ કદમ ભર્યા. એનો પંજો કમર પરના હથિયારની મૂઠ પર જ હતો. વીજળીનો સબકારો થાય તેટલી ઝડપથી કારમને પોતાની પિસ્તોલને ખેંચી અને ‘પિયુજી’ની સામે નિશાન લઈ લીધું. બોલી: “નહિ જ” – ને એટલું કહેતાં તો એકાએક એની ખામોશી ભુક્કો થઈ ગઈ. એની નસોમાં ધગધગતી આગ ધસવા લાગી, અને એના હૈયામાં ઊપડેલા ધબકારાએ એનો શ્વાસ જાણે રૂંધી દીધો. “નહિ જ. મારા ગરીબ બિચારા ભાઈની પાસે તો હવે હું આ ખબર નહિ જ પહોંચાડી શકું. કેમ કે એ તો ક્યારનો બીજી દુનિયાને પંથે નીકળી પડ્યો છે! ને તું પણ એને નહિ પહોંચાડી શકે. કેમ કે તારા હોઠ ઉપર પણ નરક-જ્વાળાની રાખ છંટાઈ જશે! ઓહ! ઓહ! એક જ વારને બદલે એક હજાર વાર હું તારો જાન હમણાં જ લઈ શકી હોત!” એ શબ્દો અને એ રૌદ્ર મૂર્તિ મેન્યુઅલને શરીર સ્વેદ વળી ગયો. એનું હૈયું ભાંગી ગયું. હથિયારની મૂઠ પરથી એનો પંજો ઊંચો થયો, એણે ચીસો પાડી પોતાના નોકરોને: “ઓ હોલ, ગોમેદ, દોડજો, દોડજો!” “આવ્યો, જનાબ!” કહેતો એક આદમી હાથમાં પિસ્તોલ લેતો ધસી આવ્યો. તત્કાળ કારમનના સાથી જુઆને રાઇફલ તોળી, ઘોડો ચાંપતાં જ એ ગોમેજ નામનો નોકર પડ્યો. થોડી વાર તરફડ્યો, પછી એનું શબ શાંતિમાં સૂતું. મેન્યુઅલે એ તાકી રહેલી પિસ્તોલની સામે એક આખરી હિંમત કરી. હથિયાર ખેંચવા ગયો તે જ પળે કારમનની પિસ્તોલની પહેલી ગોળીએ એનો જમણો હાથ ચૂંથી નાખ્યો. પછી તો જખમી પિયુજીએ પ્રિયતમાની આંખોમાં પોતાનું તકદીર વાંચી કાઢ્યું. એ દીવાનો બન્યો. વેદનાની ચીસો પાડતો એ કારમનની પાસે પહોંચવા મથતો હતો. ફરી વાર એક હડુડાટ ગાજ્યો, ઘરની દીવાલોએ એને દસ ગણો વધારે ગુંજાવ્યો, અને પિયુજીની એક જાંઘ વીંધાઈ ગઈ. એ પૃથ્વી પર પટકાઈ પડ્યો. પછી એ નરાધમના કલેવર પર ઊભીને એના તરફડતા દેહ ઉપર ધડ, ધડ, ધડ એક પછી એક ગોળી ચોંટાડી – એની કારતૂસોની દાબડી ખલાસ થઈ ગઈ ત્યાં સુધી. અત્યાર સુધી શાંતિથી આ ઘટના જોઈ રહેલો જુઆન આગળ આવ્યો, એ ચૂંથા થયેલા શબ સામે થોડી વાર જોઈ રહ્યો, પછી એણે કહ્યું, “વાહવાહ! હિસાબ પતી ગયો.” એટલું કહીને એ કારમન તરફ વળ્યો. કાર્યની સમાપ્તિ થયા પછી એ કુમારિકા દિગ્મૂઢ બનેલી ઊભી હતી. પિસ્તોલ હજુ ધુમાડો કાઢી રહી હતી. જુઆને માથા પરથી ટોપી ઉઠાવીને એ બાળા સામે મસ્તક નમાવ્યું. “ઓ સિનોરીટા! મહાપુણ્યનું કાર્ય કર્યું; એ કુત્તાને ઉચિત મૉત મળ્યું. કંઈક વર્ષો પહેલાં એણે મારી બહેનને ઉઠાવી જઈને એની હત્યા કરી હતી. ખરેખર આજ એ બહેન જ્યાં હશે ત્યાંથી તને દુવા દેતી હશે – હું દઈ રહ્યો છું તે રીતે. પણ હવે ચાલો, આપણે ભાગી છૂટીએ. મારી જિંદગી તો હવે તારાં ચરણોમાં જ સમજજે.” એટલું કહી, કારમનનું કાંડું ઝાલી એ કારમનને બહાર ખેંચી ગયો. બહાર પેલો વૃદ્ધ દ્વારપાળ બેઠોબેઠો મોં મલકાવતો હતો. શેરી સુનકાર હતી. કોઈએ ગોળીબાર સાંભળ્યા જણાતા નહોતા. ઘેર પહોંચીને કારમને ભાઈના શબની સામે એકાંતે થોડી ઘડીઓ ગાળી. એની નસો ઉપર અત્યાર સુધી કસકસાવીને કાબૂ રાખી રહેલી એ કિન્નાની લાગણી હવે વૈર ભરપાઈ થઈ ગયાથી ઢીલી પડી ગઈ, એનું હૃદય પાછું પોચું પડીને વહાલા વીરના શોકે ચિરાવા લાગ્યું. કેટલીયે વાર સુધી એ ભાઈના શરીર પર માથું ઢાળીને ધ્રુસકે-ધ્રુસકે રડી. પણ પછવાડે મોતની પડઘીઓ ગાજી રહી છે. હજુ તો પોતાની બદનામી થતી અટકાવવી બાકી છે. આંસુ સારવા બેસતાં કર્તવ્ય હારી બેસાશે. ખળભળેલી ઊર્મિઓને કેમ જાણે ગાંસડીમાં બાંધતી હોય તે રીતે બહેન ખડી થઈ ગઈ. આંખો લૂછી નાખી, ભાઈની દફનક્રિયાની સૂચના દીધી, બીજી બધી ભરભળામણ કરી. ઘરમાં રોકડ પૈસા પડ્યા હતા તે લીધા અને જુઆનની સાથે એ સાંટીઆગોની ડુંગરગાળીમાં ઊતરી પડી.


[૫]


“ભાઈ જુઆન!” એણે સાથીને કહ્યું: “પહાડમાંથી પચાસ જણને ભેગા કરી લઈએ. રૂપા-ખાણ ઉપર આપણે હલ્લો લઈ જવો છે. આપણને સાથ આપનારને એ રૂપામાંથી ભાગ દેશું.” પહાડી જવાંમર્દો જોતજોતામાં તો આ સુંદરીના નેજા નીચે ખડા થઈ ગયા. “જુઓ ભાઈઓ!” તમામને એણે કહી દીધું: “જો, આમાંથી રાજ આપણો પીછો લેશે, તો આપણે ક્યાં જવું છે, જાણો છો? મૅક્સિકોના રાજાની સામે દંગો ઉઠાવનાર બળવાખોર વીર જનરલ ઝીમેનેઝને આશરે. એની ફોજમાં આપણે ભળી જશું. માટે સહુએ ખડિયામાં ખાંપણ લઈને નીકળવાનું છે, સમજ્યા?” “ખુશીની સાથે.” એમ કબૂલ કરીને સૌ પહાડી લડવૈયા આ જવાંમર્દ સુંદરીના ઘોડાની પાછળ ચાલી નીકળ્યા. એ દગલબાજની રૂપા-ખાણ ઉપર અચાનક તૂટી પડ્યા. ખાણની નાકાબંધી કરીને કબજો લીધો. ખાણિયાઓને કહ્યું કે “મારી માલિકી નીચે તમારે સૌને કામ કરવું હોય તો તમને ચાલુ રોજી ચૂકવવામાં આવશે.” ઘણાખરાએ તો આ નવા માલિકને રાજીખુશીથી સ્વીકારી લીધી. કારમને પોતાના કૉલ પ્રમાણે સૌથી પ્રથમ તો પોતાના સાથીઓની વચ્ચે થોડુંક રૂપું વહેંચી આપ્યું અને પછી બાકીની પાટોનો જથ્થો રેલવે સ્ટેશન પર ઊપડાવી જઈ બૅન્ક ઉપર રવાના કરાવ્યો. બૅન્ક ઉપર એણે કાગળ લખ્યો તેમાં સમજ પાડી કે આ રૂપું ભરીને હું મારા ભાઈએ વિશ્વાસઘાતીને ધિરાવેલાં નાણાં ચૂકવી આપું છું. ભાઈની કારકિર્દી પરનું એ કાળું કલંક આ રીતે ઉખેડી નાખવા સારુ જ મેં આ દારુણ પંથ સ્વીકાર્યો છે. પહેલો જથ્થો જ એ આખી રકમની ભરપાઈ માટે પૂરતો થઈ પડ્યો. ત્યાં તો રાજને આ જાણ થઈ. પોલીસને દફતરે તો કારમન બહારવટિયણ જાહેર થઈ ચૂકી. મરનાર વિશ્વાસઘાતીના મસ્તક પર ભલે અનેક ભયાનક તહોમતો તોળાઈ રહ્યાં હતાં, તે છતાં કાયદો હાથમાં લેવાની સત્તા કોઈ પ્રજાજનને નથી. કાયદાની દૃષ્ટિમાં કારમન ખૂનની તહોમતદાર હતી. એને પકડવાના આદેશો છૂટ્યા. એને ઝાલનાર માટે મોટું ઇનામ જાહેર થયું.

રૂપા ખાણને જપ્ત કરવા જ્યારે પહેલી ફોજ પોતાના દારૂગોળા લઈને આવી પહોંચી ત્યારે એણે દીઠું કે આ કાંઈ આકડે મધ નથી. કારમન બહારવટિયણના કટકની ધૂંઆધાર બંદૂકોએ ગોળીઓની ઠારમઠોર બોલાવી. પહેલી ગિસ્ત હાર ખાઈને પાછી ગઈ. બીજી વાર એક સો સોલ્જરોની પલટન્ ચડી. જુએ તો કારમને ખાણ ઉપર કિલ્લેબંધી કરી કાઢી ઊંચાણ ઉપર ચોયફરતા નાનાનાના કોઠા ખડા કરીને એની ઓથે બહારવટિયણનું સૈન્ય લપાઈ ગયું હતું. મૅક્સિકો રાજની ફોજ અને એના દારૂગોળા લાઇલાજ થઈ ગયા. બહારવટિયણની બંદૂકોએ કંઈકને ફૂંકી માર્યા. કેટલાય કલાકોની ટપાટપી પછી ફોજ હટીને પાછી વળી. પણ કારમનને પોતાના ખરા બળની ખબર હતી. ઝાઝો વખત મિલિટરીની ઝીંક ઝીલી શકાય તેવું નહોતું. એણે ખાણની કિલ્લેબંધી તજી દઈને નજીકના ડુંગરામાં નિવાસ લીધો. સરકારે કલા ‘વેબ્રાન્તદા’ની રૂપા-ખાણ જપ્તીમાં લઈ લીધી. ખાણિયાઓને ત્રીજા માલિકોના હાથ તળે મુકાવું પડ્યું. પરંતુ એમ કારમન કેમ પોતાની માલિકી સોંપી દઈ શકે? વહાલા ભાઈનું શોણિત ત્યાં સીંચાયું હતું. બહારવટિયણે મનથી નિરધાર કર્યો કે રાજ ભલેને મારી વતી વહીવટ કરતું. બાકી ભોગવટો તો મારો જ છે, તે મારો જ રહેવાનો. રૂપાની પાટ રાજને ઘેરે નહિ જઈ શકે. એક મહિનો વીતી ગયો છે. રૂપાના લાટાનો ગંજાવર જથ્થો તૈયાર થઈ ગયો છે. રાજના વહીવટદારોએ ખચ્ચર-ગધેડાની પીઠ ઉપર લાટા લદાવ્યા છે અને છે ખચ્ચર–ગધેડાંનું એ લંગર, કસકસ થતી પીઠને લીધે ધીરાં ડગલાં માંડતું , મજબૂત ચોકીપહેરા નીચે રેલગાડીના મથક તરફ ચાલી નીકળ્યું છે. સત્તાવાળાઓ બેધડક છે કે એક મહિનાથી બહારવટિયણનો જરી સળવળાટ પણ સાંભળ્યો નથી. સૌએ માનેલું કે કારમન ક્યાંક છેટે નીકળી ગઈ હશે. પણ બહારવટિયણ તો પોતાની વાટ ઉપર ખબરદાર ઊભી હતી. એની ગરુડ-શી ટાંપ ગાફેલ નહોતી. ખાણમાં શું-શું ચાલી રહેલું છે તેની રજે રજ બાતમી એના પહાડી જાસૂસો એને પહોંચાડી જતા. એટલે આજ કારમન રાજવાળાઓને બતાવી દેવા વાટમાં ખડી થઈ ગઈ હતી, કે કોણીનો ગોળ ચાટવો કેવોક કઠણ છે. ધરતીનાં પોડાં ફાટીને નીકળે તેવી અણધારી ફક્ત એકસો આદમીઓની ફોજ વાટમાં ખડી થઈ ગઈ. મોખરે ઊભી રહી હતી જોગમાયા કારમન. પિસ્તોલની નળી નોંધીને એણે પલટનને પડકારી: “આ બાપડાં ખચ્ચરોએ તમારું શું બગાડ્યું છે? એની તો દયા રાખો! હટી જાઓ એક બાજુ, જરા વિસામો ખાઈ લો તમે બધા. ત્યાં અમે આ પશુડાંનો ભાર હળવો કરી નાખીએ.” પોતે મિલિટરીની ટુકડી ઉપર પહેરો ભરતી ઊભી રહી. એના સાથીઓએ ખચ્ચરોને રૂપા સહિત પહાડોમાં તગડવા માંડ્યાં. મિલિટરીના માણસો મોં વકાસીને ઊભા હતા તેની સામે કારમને ટોપી ઉતારી હસતે મોંએ વિદાયની સલામ કરી. જોતજોતામાં તો એનો રેવત પૂંછનો ઝંડો ફરકાવતો અદૃશ્ય બન્યો. સ્વપ્ન આવીને ઊડી ગયું હોય તેવું બની ગયું. ઘડી-બે ઘડીમાં જ મિલિટરીએ આખું જંગલ સૂનકાર બનેલું દીઠું. આંખો ચોળીને ટુકડી પાછી પાટનગરમાં ચાલી ગઈ. લોકલાગણી કોણ જાણે શા કારણથી હંમેશાં બહારવટિયાને માથે જ ઢળી પડે છે. એમાંય એક છોકરીની આ જવાંમર્દીએ તો લોકોને ઘેલા કરી મૂક્યા. હરએક જબાનના ટેરવા ઉપર ‘બહાદરિયાં બેટી કારમન’નું નામ રમે છે. ને આ છેલ્લી બહાદુરી સાંભળીને તો લોકો હસવા લાગ્યા. ચોરે-ચૌટે, પીઠામાં ને હોટેલોમાં બસ ઠઠેઠઠ ભરાઈને ખડખડાટ દાંત કાઢવા લાગ્યા કે, “આ દાઢીમૂછના બસો-ચારસો ધણી કારતૂસના પટ્ટા ખભે નાખીને દિવસ-રાત પાટકી રહ્યા છે, એ સૌને પેલી ગોઠણ જેટલી છોકરી ભારે પડી ગઈ. બંગડી, પહેરી લ્યો હવે ભાઈ, બંગડી! બંદૂકું ઝાલનારા હાથ તો બીજા.” આ ઠેકડી અને આ કટાક્ષોથી તપી જઈને રાજના સત્તાવાળાઓએ બેવડી દાઝે પલટનો ઉપર પલટનો દોડાવવા માંડી. ડુંગરે ડુંગરા ખૂંદાવી મૂક્યા. પણ કારમન ક્યાંથી ઝપાટે આવે? કારમન તો સંતાકૂકડી રમતી હતી. એનું એ રૂપાપાટોથી લાદેલું લંગર તગડીને કારમન ઊંડી ગીરમાં ગાયબ બની ગઈ. પહોંચી છેક રાજદ્વારી ફિતૂર-સરદાર ઝીમેનેઝની પાસે ત્યાં જઈને સરદારની સેવામાં એણે એ રૂપું અને પોતાની ફોજ અર્પણ કરી દીધાં. “મારો બહાદરિયો બચ્ચો કારમન આજ મારા ભેળો ભળે છે એ તો મારે મન મોટી વધાઈની વાત.” એમ કહીને સરદારે એની ટુકડીને પોતાના સૈન્યમાં અપનાવી લીધી. એ પછી તો બહારવટિયણે રાજની ગિસ્તો સામે કંઈ કંઈ ધિંગાણાં ખેલ્યાં. એની સરદારીવાળી ટુકડી જ્યાં જ્યાં તૂટી પડી. ત્યાં ત્યાં નેજાની ફતેહ વર્તાવી. શત્રુઓ પણ આ ઓરતનાં ઊજળાં વીરત્વ નિહાળીને હેરત પામી ગયા. એક વાર જેવી મસ્તીથી એ પ્યારને રંગે ચડી હતી તેવી જ મસ્તી એણે આ મયદાને જંગોમાં જમાવી દીધી, જાણે કે જીવતરમાં એ લહેરથી રમતી હતી - નાનપણમાં સાધ્વીઓને ખોળે કૌમારની રમતો રમી, જોબનની કળી બેઠી ત્યારે વિશ્વાસે પાંખડીઓ ઉઘાડીને હૈયાની વચ્ચોવચ પિયુપ્રેમના ભમરાને લોટવા, ગુંજવા અને મધુ ચાખવા દીધો. આજ એ કળી કરમાઈ ગઈ છે. પાંખડીઓ ખરી પડી છે, અને પ્યારને કંઠે બાથ લેનાર ભુજાઓએ મર્દોનાં માથાં સાથે શોણિતના ફૂલદડા ખેલવા માંડેલ છે.


[૬]


લોકોએ તો કંઈ કંઈ વીરકથાઓ આ પ્યારી બહારવટિયણના નામે સંઘરવા માંડી. સૌના મનમાં એક જ વાત હતી કે એક પુરૂષની બેઈમાનીના ઘાએ એના કલેજાના છૂંદા કરી નાખેલા છે. એ કલેજામાંથી મર્દ જાત પ્રત્યે ધિક્કાર અને વૈર જ પુકારી રહેલાં છે. કારમનનો પંજો જ્યાં પડે છે ત્યાં આવો કારમો પડે છે તેનું ખરું કારણ પણ એ જ છે કે એણે પુરુષની બેવફાઈનો વૈર-કટોરો પીધો છે. એટલે જ આવું માની બેઠેલાં લોકો એક દિવસ અજાયબીમાં ગરક બની ગયાં. પીઠાં અને મયખાનાં એક ન મનાય તેવી વાતનો ગુંજારવ કરી ઊઠ્યાં: ‘બેટી કારમન તો પ્યારના પિંજરમાં પુરાઈ છે. પહાડોમાં એને દિલોજાન સાંપડ્યો છે.’ કોણ હતો એ કાળકાનું દિલ જીતનારો? એ હતો એક સાહસઘેલડો મરણિયો અંગ્રેજ બચ્યો: નામે જૅક હાર્લી. આઠેય પહોર જેનાં ધડ ઉપર માથાં ડગમગી રહ્યાં હોય, જેને પથારીમાં પડીને મરવાનું કડવું ઝેર થઈ પડ્યું હોય, જિંદગીને બસ એક જુગારીના તૉરથી સાહસો ઉપર જ નિસાર કરી દેવાના જેને મનોરથ હોય, એવાં માનવીઓ માંહેલો આ એક મસ્ત અને ડોલરિયો માનવી બીજા કશાને ખાતર નહિ પણ કેવળ મૃત્યુની મૉજ લૂંટવાને ખાતર આરીઝોના પ્રાંતની સરહદ ઓળંગીને બીજા કેટલાક દોસ્તોની સંગાથે આવી સરદાર ઝીમેનેઝના ફિતૂર-સૈન્યની અંદર ચાકરીએ નોંધાયો હતો. એવા એ નિષ્કપટી, જંગબહાદુર અને ડોલરિયા જુવાનની હસતી અને આસમાની આંખડીઓએ અને ભોળા શિશુ જેવી મસ્ત નાદાનીને કારમનનું કરાલ હૈયું જીતી લીધું. આ સાચુકલા પિયુને એણે કોઈ શીતળ છાંયડાના છાકમછોળ શહેરી અમન-ચમનમાં નહિ, પણ મૉતની મહેફ્લિોમાં, ઘોર ધિંગાણામાં પારખ્યો હતો. ખડખડાટ હસતો એ જુવાન શત્રુઓની ગોળીઓના મેહુલામાં સ્નાન કરવા ખાબકી પડતો અને રણકલ્લોલ મચાવતો. કટોકટીની ઘડીમાં પણ એની આસમાની આંખોના મલકાટ અને તોફાની ખડખડ અટ્ટહાસ કરમાયાં નહોતાં, એવા રંગીલા વીરની મોહિનીએ કારમનના લોખંડી શૌર્યકવચની નીચેથી પોઢી ગયેલા પ્રેમને ફરી જાગ્રત કર્યો. બેઉ જણાં આંકડા ભીડીને મૃત્યુની રક્તલીલા માણવા નીકળતાં. રાજ-ફોજોના ગોળી-ટંકારનું સંગીત બેઉ સંગાથે સાંભળતાં. ‘મરીએ તો બસ આ રીતે આંકડા ભીડીને જ મરીએ!’ એવા એ બન્નેના અભિલાષ હતા. સમરાંગણને માંડવડે અને તલવાર-બંદૂકને તોરણે આ જોડલું પરણી ચૂક્યું હતું. –ને કારમનના અંતરને છૂપે ખૂણે એક આશા ધબકતી હતી: કે વહેલુંમોડું એક દિવસ મારા સરદારનું રાજદ્વારી બહારવટું પાર પડશે, રાજ એની સાથે સુલેહ કરીને સર્વેને માફી આપશે, તે સૌની સાથે મારો પણ છુટકારો થઈ જશે. પછી હું આ ડોલરિયા વીરનરની સાથે ઘર માંડીને મારી આવરદા શાંતિથી પૂરી કરીશ. હું ફરી વાર સમાજનું માનવી બની જઈને મારા આજ સુધીના સંહારનું પ્રાયશ્ચિત્ત કરીશ. પણ એ આશા અસાર નીવડી. રાજસત્તાએ બંડખોરોનાં દળબળને સાફ કરી નાખ્યું. દુનિયાની ગોદમાં પાછા જવાની તમામ આશાને વિસર્જન કરી દઈ કારમને પોતાના પિયુની સહાયથી પોતાનું બહારવટું ચાલુ રાખ્યું. એ બહારવટામાં કદાપિ એણે કોઈ પણ લોકને લૂંટેલા નથી. એણે તો જ્યારે જ્યારે બની શક્યું ત્યારે ત્યારે રાજની જ માલિકીની માલમિલકતો ઉપર ધાડ પાડ્યા કરી. રાજનાં થાણાં અને કોઠારોને આગ લગાવી. રાજનાં લશ્કરો માટે લઈ જવામાં આવતાં ઘોડાં તગડ્યાં. લોકોએ ભાખ્યું કે કારમન એટલે ‘અભય’નો અવતાર. કારમનનું નામ તો કાયરને પણ શૂરાતનનાં પાણી ચડાવતું થઈ ગયું. ‘રણચંડી કારમન! રણચંડી કારમન!’ એ નામનું રટણ ચાલ્યું. એનું મૉત પણ એવું જ ભવ્ય, એવું જ કરુણ બની ગયું. એક દિવસ એનો ડોલરિયો પિયુ કોઈ બીજે ધિંગાણે નીકળી ગયો છે. અને કારમને પોતાના કટકને લઈ એક રાતે રાજની એક અશ્વશાળાના મકાનને ઘેરી લીધું. ઇમારતને આગ લગાવી. પોતે પોતાનો ઘોડો લઈને થોડે છેટે બંદોબસ્ત રાખતી ખડી છે. વિશ્વાસઘાતની ચિતા સળગતી હોય તેવા ભડકા છલંગો મારતા મારતા એ મેડીબંધ ઊંચા મકાનની ચોમેર વીંટળાઈ વળેલા છે. અને બીજી તરફથી બહારવટિયણના સાથીઓ સરકારી ઘોડાંને, ખચ્ચરોને, દુધાળાં જાનવરોને, ઘેટાંબકરાં તમામને તગડી બહાર કાઢી રહેલા છે. એવામાં ઓચિંતી કિકિયારીઓ સંભળાઈ અને બે અનુચરોએ ‘બચાવો! બચાવો!’ના આર્તનાદ કરતી એક ઓરતને બહારવટિયણની સન્મુખ રજૂ કરી. “કેમ, શું છે, બાઈ!” કારમને સવાલ કર્યો. “ઓ કારમન! ઓ બહાદુર કારમન!” ઓરતે એ બળી રહેલી ઇમારતની મેડીમાં આગના ભડકા વચ્ચે દેખાતાં બે કાળાં બાકોરાં સામે આંગળી બતાવીને કહ્યું “ત્યાં – મેડી પર મારાં બે નાનાં બચ્ચાં રહી ગયાં છે. ઓ કારમન! ઓ બહેન! મારાં બે ફૂલને મારા રંકનાં બે રત્નોને બચાવો! બચાવો!” કશું જ પૂછવા કે વિચારવા રોકાયા વિના કારમન દોડી ઘોડો પલાણીને દોટાદોટ એ સળગતા મકાન પર પહોંચી ગઈ. છલાંગ મારીને હેઠી ઊતરી. ઘોડાના પલાણ પરથી એક કામળી ઝોંટી લઈને શરીર પર ઓઢી લીધી, ને પછી એ ભડકે વીંટાયેલા, ગોટેગોટ ધુમાડે ગૂંગળાઈ ગયેલા મકાનના બારણાની અંદર એ દોડી ગઈ. કોઈ એને રોકી શક્યું નહિ. નિર્દોષ બાળકોની હાય એને કાને પુકારી રહી હતી. હજારો ભુજંગો છલંગો મારીને ફૂંફાડતા હોય એવી અગ્નિઝાળો એ ઇમારતનાં લાકડાંને સડડડ સ્વરે સળગાવતી હતી, કાટવળો પડું પડું થઈને કડાકા કરતો હતો. એવા એ રૌરવના ડાચામાં કારમને જ્યારે દોટ દીધી, ત્યારે ત્યાં ન હતું કો વિશ્વાસઘાતની વૈર-વસૂલાતનું ધગધગતું ઝનૂન, ન હતી કોઈ આશકના આલિંગનમાં ભીંસાઈ જવાની પ્રણય-વેદના, ન હતી બીજી કોઈ ઉત્તેજના; એ હતી નિજ હાથે થયેલા અન્યાયની નિવારણ-બુદ્ધિ, કદાચ એ જનેતા-પદની તાલાવેલી હશે મરતાં મરતાં કદાચ માતૃત્વ પણ માણી લેવું હશે. કોણ જાણે! દાખલ થઇ તે થઈ – પાછી કદી કારમન બહાર નીકળી નહિ. ક્યાં સુધી ગઈ, મેડીએ ચડી શકી કે નહિ, બે સુકુમાર બચ્ચાંને આગના પંજામાંથી ઝૂંટવીને પોતાની છાતીએ લીધાં કે નહિ, ચૂમીઓ ચોડી શકી કે નહિ, તેની ખબર કોઈને નથી પડી. એના સાથીઓએ એ બારી ઉપર નિસરણી પણ માંડી હતી. હમણાં બચ્ચાંને બહાર ફેંકીને આપણા હાથમાં ઝિલાવી લેશે: હમણાં એ દયાની દેવી સમી જનનીમૂર્તિ નિસરણીએ પણ દઈને બહાર નીકળી જશે: એવી વાટ જોતા સાથીઓ ઊભા છે. ત્યાં તો – કડડડ! ધૂબ! એવો એક અવાજ – ને આખી ઈમારત તૂટી પડી, એ સળગતું ખંડેર કારમનની પાક આરામગાહ બની ગયું. એના શરીરની અથવા તો એ જેને ઉગારવા ગઈ હતી તે બે નિર્દોષ બાળકોનો – કોઈને પત્તો જ મળ્યો નહિ.