દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૩. માનો ગુણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૩. માનો ગુણ

ભુજંગી છંદ


હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો;
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું,
તજી તાજું ખાજું મને કોણ દેતું;
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પુર પાણી;
પછી કોણ પોતાતણું દૂધ પાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

મને કોણ કેતું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ પાપે મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

તથા આજ તારૂં હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે દેવના દેવ આનંદ દાતા,
મને ગુણ જેવો કરે મારી માતા;
સમો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

શિખે સાંભળે આટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે;
રીઝી દેવ રાખે સુખી ગર્વ ઠામે;
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.