દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૯. સૂરજમાળાની ગરબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૯. સૂરજમાળાની ગરબી


એક ઠાકોરનો જુઓ ઠાઠ, ઠરેલો સૌ ઠામે;
જેનો જશનો પવિત્ર છે પાઠ,
ઘણાં પરગણાં તેને ઘેર, એક એકમાં એક છે શહેર
જાણે રાજધાની એજ હોય, નકી કેમ કહી શકે કોય?
કિયા ધનવંતનાં હશે ધામ, નવ જાણું હું તેઓનાં નામ.
દીસેઢ દૂરથી રૂડો દેખાવ, ભાળી અંતરે ઉપજે ભાવ.
તેના તાબામાં નગર અનેક, આપે આધાર તે એક એક
પરાં છે વળી નગરની પાસ, કોણ જાણે ત્યાં કેનો છે વાસ?
જ્યાં જ્યાં જોઈએ ત્યાં વસ્તી જણાય, નવી નિપજે ને જૂની તે જાય.
ભૂપ લે છે સૌ સંભાળ, ઘણો પ્રેમી પ્રજા-પ્રતિપાળ.
એકલો તે કરે ઇનસાફ, મહેર આવે તો કરે માફ.
એકછત્ર કરે છે રાજ, નથી પડતું પ્રધાનનું કાજ.
એની શક્તિ છે અપરમપાર, નથી એનાથી છાનું લગાર.
એને જોઈ ન શકે કોઈ જેમ, એ તો ઓજલમાં રહે એમ.
નવ બોલે કોઈ સાથે બોલ, એવો તખતનો રાખે છે તોલ,
નથી દેતો લેતો હાથેહાથ, નથી નજરે દીઠા કોઈને નાથ.
એનું કામ દેખીને કહેવાય, રહ્યો છાનો ત્રિભુવનરાય.
ઠાલો ન મળે એના વિના ઠામ, દીલે ધારે છે દલપતરામ.