દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે


સખી આંટી ઉકેલો સૂતરની,
કાંતો ઉચરો વાચા ઉત્તરની, આંટી ઉકેલો સૂતરની.
થિર રાખીને મન ઠેકાણે, આ આંટી ઉકેલે આ ટાણે;
ઘરસૂત્ર ચલાવી તે જાણે. આટી.

આ આંટીમાં છે ઘુંચ ઘણી, ઉકેલે તે મારી બેનપણી;
ભલું ભણતર તો તે બાઈ ભણી.

સૈર્યર એ કામ નથી સહેલું, સાધારણ સમ ભાસે પહેલું;
પણ જાણે જેણે ચલાવેલું.

આગળ જાતાં ઘુંચો આવે, એ તો અતિશે જીવને અકળાવે;
ફુવડ નારીને નવ ફાવે.

જો તંતુ ઘણો કોઈ તાણે, તો તરત જ તૂટે તે ટાણે;
જુદાઈ પડે તે જગ જાણે.

સાંધે તો વચમાં ગાંઠ વળે, પછી તો કોઈ કાળે ન ટળે;
સાંભળતાં ચર ચર ચિત્ત બળે.

જે સમજણ વગર ગરવ આણે, તે આંટી ઉકેઢલી નવ જાણે;
વણ સમજે તંતુ ઘણો તાણે.

કાં તો વારે વારે તોડે, કાંતો તરછોડી છેકજ છોડે,
પછી આંટીને તે અવખોડે.

બેસે રોષ ધરી બહુ રોવાને જન મળે તમાસો જોવાને,
ખાવા ન ઉઠે પત ખોવાને.

સમજુ તો ધીરજ ધારીને, પૂછે જઈ પ્રવીણ નારીને;
તે વચન કહે વિચારીને.

એકાદી ઘુંચ કાઢી આપે, રૂડી રીત બતાવી સ્થિર થાપે;
બધિ તો ઘુંચ નવ કાઢી બાપે.

પૂરી સમજણ પોતાની જોઈએ, બીજો શું કરી શકે કોઈએ
નવ અકળાઈએ ને નવ રોઈએ;

જે મનડું રાખે થિર ઠામે, તે આંટી ઉકેલી જશ પામે;
દિધી શીખામણ દલપતરામે.