દલપત પઢિયારની કવિતા/દીવડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીવડો

મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
          કે ઘર મારું ઝળહળતું!
પછી અંધારો ઓરડો ઠેલ્યો,
          ભીતર મારું ઝળહળતું...

મેં તો મેડીએ દીવડો મેલ્યો
          કે મન મારું ઝળહળતું;
પછી ડમરો રેલમછેલ રેલ્યો
          કે વન મારું ઝળહળતું...

મેં તો કૂવા પર દીવડો મેલ્યો
          કે જળ મારુંં ઝળહળતું;
પછી છાંયામાં છાંયો સંકેલ્યો
          સકલ મારું ઝળહળતું...

મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
          પાદર મારું ઝળહળતું;
પછી અવસર અજવાળાનો ખેલ્યો,
          અંતર મારું ઝળહળતું...

મેં તો ડુંગ૨ ૫૨ દીવડો મેલ્યો,
          ગગન મારું ઝળહળતું;
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
          ભવન મારું ઝળહળતું...