દલપત પઢિયારની કવિતા/રંગનુ નોતરું
Jump to navigation
Jump to search
રંગનુ નોતરું
ગામડે હતો ત્યારે
કુુંડી પછવાડે એકબીજાને વીંટળાઈ
ઊંચા થઈ થઈ પછડાતા સાપને જોયેલા
આજે ધખારામાં
ફરીથી એ યાદ આવ્યા :
ચોમાસું બેસવું જોઈએ!
એક વખત
સાવ સુક્કા, ધૂળિયા રંગના કાચંડાની પૂંછડીએ
ભિયા! ગમ્મતમાં દોરી બાંધી દીધેલી!
મને શું ખબર કે
વરસાદ એની પીઠ ઉપર ઊઘલતો હોય છે!
આજે,
સામેના ઝાડ ઉપરથી,
કરકરિયાળી ડોક ઉપર રંગનું નોતરું ઝીલતો
વજનદાર કાચંડો,
લચ્ચાક્ કરતો પડી ગયો :
વરસાદ તૂટી પડવો જોઈએ!
ને પછી?
પહેલા જ વરસાદે
વગડો છૂટા નાગ જેવું નીકળી પડશે,
બધે કીડિયારાં જ કીડિયારાં... ...
કાછડા વાળેલી કન્યાઓ
ડાંગરની ક્યારીઓમાં
છેાડ જેવું છલકાઈ જશે
મારે
કેટલા વીંછીને ચીપિયે પકડીને
ઘરની બહાર,
વાડમાં નાખી આવવાના રહેશે હેં!