દલપત પઢિયારની કવિતા/સતગુરુની સંગે રે....
મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ!
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!
મારા સતગુરુની સંગે રે...
પહેલે પડદે પ્રથમ ઠેલી, મેલી ડેલી મૈં,
નહીં થાપન કે નહીં ઉથાપન, ભીંત કે ભાત્યો નૈં,
મારા સતગુરુની સંગે રે....
બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નૈં,
નદી ખસેડી ના’તો હંસો, મોતી ખાતો મૈં,
મારા સતગુરુની સંગે રે....
ત્રીજે પડદે ચાંદો સૂરજ, છોડ્યા છેડે જૈ,
નહીં અંધારું નહીં અજવાળું, દિવસ કે રાત્યો નૈં,
મારા સતગુરુની સંગે રે....
ચોથે પડદે પવન પલાણ્યા, શઢ નહીં થંભી નહીં કૈં,
નહીં હણણણ નહીં હેષા, રેવંત રમતો થૈ થૈ થૈ,
મારા સતગુરુની સંગે રે....
પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ઘઢ નહીં, પંખી નહીં,
નહીં હદ અનહદ, નહીં સમય સ્થળ, શબદ સમાતો તૈં,
મારા સતગુરુની સંગે રે....