દલપત પઢિયારની કવિતા/સૂકા છાંટાની સલામું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૂકા છાંટાની સલામું

ઊંચી નેંચી ખજૂરી ઘમઘમે રે.
અમે ટૂંકાં તણાતાં કમાડ રે,
          સાજણ એક આંબેલો.
ક્યાંક ડમરો છલકે ને મહેકે મોગરો,
અમે ક્યારીએ અંતરાયેલાં નીર રે;
          સાજણ એકલ આંબેલો.
પૂછે પારકી ભૂમિનાં ગોરજ ગુજેડાં,
અમે સાતમી પછીતની સંકડાસ્યું;
          સાજણ એકલ આંબેલો.
આંબો આંગણે ઊભો ને છાંયા પરદેશે,
અમે તોરણે તરાપેલી ગાંઠ્યું;
          સાજણ એકલ આંબેલો.
એક પગલું ગાજે રે ગોરમટી ભર્યું,
અમે સૂકા છાંટાની સલામું;
          સાજણ એકલ આંબેલો.