દલપત પઢિયારની કવિતા/હું તો અધરાતે ઊઠી...!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું તો અધરાતે ઊઠી...!

આવી ઊભી સરોવરિયા પાળ,
          સાયબા, હું તો અધરાતે ઊઠી!
તારે હાથે ઓરડિયા ઉઘાડ,
          સાયબા, હું તો અધરાતે ઊઠી!

અડધી અટકું, અડધી ઊપડું અણધારી!
મેં તો ડુંગરા દીઠા ના દીઠા ઢાળ,
          સાયબા, હું તો ઘર વિશે રુઠી!

ઓઢું શું પહેરું, અવર શું હું વ્હોરું?
મેં તો ઝાલી કદંબ કેરી ડાળ,
          સાયબા, હું તો જગ વિશે જૂઠી!

મનમાં મૂંઝારા મારા તનમાં તપારા,
હું તો જળને તોડું કે તોડું જાળ?
          સાયબા, હું તો બાંધેલી મૂઠી!

કોણ તારા કિલ્લા ને કોણ તારી નગરી?
તારી ખડકીનાં કિયાં રે કમાડ,
          સાયબા, હું તો બધી વાતે બૂઠી!

અડધું લખું ને ઝળહળ આખું ઉકેલું,
મારે અક્ષર અક્ષર દીપકમાળ,
          સાયબા, તારી પહેરી અંગૂઠી!