દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કોઈ રે ખોલો


કોઈ રે ખોલો

બારીય કીધી બંધ
ત્યાં પછી બારણાંની શી વાત?
તિરાડભણી આંખ કરો તો
આંબલી ડાળે છેલછબીલા છાકટા છોસ જિપ્સી જેવું
ક્યારનું બેઠું આભ
પાય દિયો જો બ્હાર
તો ઘડી પલમાં જશે ઊંચકી એની સાથ
પૂંઠળ પેલાં હસશે બકુલ ફૂલ

બાઈ રે હું તો ઘરમાં બેઠી ભરતી ભરત
મોરલા કેરી આંખ ચણોઠી રંગની
અને પાંખમાં પીંછે
નાનકાં નાનકાં
આભલાં ભરું.
હાય રે ત્યાં તો
મલકી રહ્યો છેલછબીલો
બોલતા ચારે કોરથી ભેળા મોર

કોઈ રે ખોલો બારણાં
હવે કોઈ રે ખોલો બાર
નહિ તો મને મંતર ભણી
લ્હેરખી જેવી પાતળી કરી
તિરાડમાંથી સેરવી જશે
કોઈ રે મને ઊંચકી જશે
કોઈ રે ખોલો બારણાં
૧૯૬૩