દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ગુજરાતી કવિતાનો અગ્રણી અવાજ : દિલીપ ઝવેરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી કવિતાનો અગ્રણી અવાજ : દિલીપ ઝવેરી
એક ચયન : કમલ વોરા

કવિનો અવતાર છળનો છે
એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે
જાણે કે માટલાની પડખેના પિત્તળના લોટા જેવો
ગોબલો રણકતો કે બોદો સુંવાળો
દોરી બાંધી શીકે લટકાવે
ફાનસની જેમ
હેઠળ જળથળ થથરે
પગ ક્યાં મેલશો
પછી આંધળાનેય અજવાળાં થાય એમ
પિત્તળને હીરાની જેમ ચળકાવે

એટલે જ
વેરાયેલા હીરા ગોતતી ઊધઈ જેવો હું
આ કાગળમાં

આ પંક્તિઓ, કવિ દિલીપ ઝવેરીના કવિતાલેખનના અભિગમને યથાર્થ રીતે વ્યક્ત કરે છે. દરેક સમયે, કોઈ પણ ભાષામાં ત્રણ કે ચાર ઉત્તમ કવિઓ, કવિતાને અને ભાષાને રળિયાત કરતા હોય છે. કવિ શબ્દ સાથે જે વ્યાપક અર્થછાયાઓ અભિપ્રેત હોય છે તેને સાર્થક કરે તેવા કવિઓ, કવિ શબ્દને ગૌરવ આપતાં કવિનામ જૂજ જ હોવાનાં. આ કવિ નિશ્ચિતપણે એમાંના એક છે. ૧૯૪૩માં જન્મેલા આ કવિનાં કાવ્યો ૧૯૫૮ની આજુબાજુ એટલે કે હજુ તો મૂછનો દોરો ફૂટતો હતો તે વયથી ‘ક્ષિતિજ’, ‘સંસ્કૃતિ’ જેવાં તે સમયનાં ઉત્તમ સામયિકોમાં પ્રગટ થવાં લાગ્યાં, તે છેક ૨૦૨૫માં, એમની ૮૨ વર્ષની વયે પણ એમના તરફથી ઉત્તમ. ઉર્જાસભર અને નરી તાજપ-ભરેલાં કાવ્યો મળી રહ્યાં છે. છે તો આ ગુજરાતી ભાષાનું જ સદ્‌ભાગ્ય! સાહિત્ય-કળા કે ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં છ દાયકાઓ સુધી સ્વ-બળે ટકી રહેવું સહેલું નથી હોતું. આ કવિ એકના એક ખડિયામાં જ કલમ બોળીને નથી લખી રહ્યા પરંતુ, સમયે સમયે નવો ઉન્મેષ, નવું વલણ નિરંતર પ્રટાવી રહ્યા છે! સર્જકમાં મૂળભૂત કૌવત અને પૂર્ણ સમર્પણભરી ઊંડી લગની હોય તો જ આ શક્ય બને. એ કારણે જ એ ગુજરાતી કવિતાક્ષેત્રે અગ્રણીઓમાંના એક છે, અથવા તો સતત નવા આવિશ્કારો કરવાને કારણે એ એક નિત્ય યુવા કવિ છે.

છ દાયકા પૂર્વેનો સમય આપણને આધુનિક યુગના આરંભની સન્મુખ કરી દે છે અર્થાત્‌ ૧૯૬૦ની આસપાસનો ગાળો. તે વખતે ગામડાં ભાંગી રહ્યાં હતાં અને શહેરો એમના તમામ પ્રશ્નો સાથે વિસ્તરી રહ્યાં હતાં. આને લીધે કવિતા બે ધારાઓમાં વિભાજિત થઈ ગઈ. નગરમાં જન્મેલા-ઊછરેલા કવિઓ અને ગ્રામ્ય પરિવેશ છોડીને નગરમાં સ્થિર થવા મથતા કવિઓ. પહેલા વર્ગ, પશ્વિમની જેમ નર્યા નગર-કવિઓનો – નવાં સંવેદનો, નવી વાસ્તવિકતાઓને ચાહતો તેમ જ પ્રતિકાર પણ કરતો અને બીજી તરફ ગ્રામ્ય પરિવેશનો હિજરાટ, અતીતરાગ અને ઊર્મિરાગ ગતા કવિઓનો. દિલીપ ઝવેરી, અન્ય આધુનિક કવિઓ જેવા કે લાભશંકર ઠાકર, ગુલામમોહમ્મદ શેખ, સિતાંશુ યશશ્ચન્દ્રની જેમ નગર-કવિ તરીકે ઊભરે છે. અનુઆધુનિક યુગનાં મંડાણ તો ઘણાં વર્ષો પછી, ૧૯૮૫-૯૦ની આસપાસ થાય છે. એ નોંધપાત્ર છે કે આધુનિકતાનો જુવાળ લાવવામાં કારણભૂત અને દિલીપ ઝવેરી, અનુઆધુનિક કાળના પણ મહત્ત્વના કવિ બની રહે છે. એનો અર્થ એ કે, ઉત્તમ કવિ, સગવડ ખાતર કરાયેલા આવા કાળખંડોને અતિક્રમી જતો હોય છે. પોતાના સાંપ્રતના સીમાડાઓની બન્ને બાજુએ એ મીટ માંડતો હોય છે. ઇતિહાસ અને વિવેચન સાહિત્ય-કળાપ્રવૃત્તિનાં સ્થિત્યંતરોનાં નામકરણ કરે, તો તે પોતાની જગાએ બરોબર છે પણ સર્વકાલીન કૃતિ નિપજાવવા ઉદ્યમી થતો કવિ જ મોટા ગજાનો હોય છે.

દિલીપ ઝવેરીની કવિતાને સમજવા આધુનિક કાળની થોડી વાત પણ કરી લેવી જરૂરી છે. ગાંધીયુગમાં, ગાંધી વિચારધારા અને આદર્શને વરેલી કવિતા ૧૯૫૫-૬૦ સુધીમાં પ્રવર્તમાન સમય સાથેનું અનુસંધાન ખોઈ બેસે છે અને તે સમયના ગંભીરપણે સર્જન કરતા કવિ લેખકો પશ્ચિમી સાહિત્ય-કળા-સિનેમા-સંગીતના સંપર્ક તેમજ પ્રભાવ હેઠળ આવેે છે. એમને ગાંધીવાદ અને તત્કાલીન સામાજિકતા અપૂરતાં અને અસંતોષકારક લાગે છે. રાક્ષસી કદના શહેરીકરણ અને ઔદ્યોગિકરણે એમની સ્વ-ઓળખ, એમનું વજૂદ ભૂંસી નાખ્યાં હતાં. એક તરફ એકલતા, હતાશા, અસહાયતા, દિશાહીનતા અને બીજી તરફ વરવી વાસ્તવિકતા આધુનિકતાનું ચાલકબળ બની ગયાં હતાં. કવિ દિલીપ ઝવેરી આધુનિકતાના પ્રચંડ જુવાળના સમયે કાવ્ય-પ્રવેશ કરે છે તે યાદ રાખવા જેવું છે. એમની બે વિશેષતાઓ પણ નોંધી લેવા જેવી છે. તે વખતના ઘણા કવિઓએ આધુનિકતાના પ્રભાવ હેઠળ ઘણી બધી ઊછીની સંવેદનાઓ અંગીકાર કરી અને અનેક કૃતક તેમજ કૃત્રિમ કવિતાઓ રચી. પોતાની કવિતાને ઉગારી લેનાર કેટલાક કવિઓમાંના એક તે આ કવિ. વિશ્વ તેમજ ભારતીય સાહિત્ય સાથેનો પ્રગાઢ સંપર્ક અને સંસર્ગ ધરાવનાર દિલીપ ઝવેરીની કવિતા, એમની કવિતાસમજ એ કારણે પુષ્ટ થયાં અને સાથોસાથ ઊંચા માપદંડોની સરાણે પણ ચડ્યાં તે છતાં, અદ્યાપિ, એમની કવિતા નખશિખ ગુજરાતી કવિતા જ રહી છે, આ પહેલી લાક્ષણિકતા. એમની બીજી લાક્ષણિકતા છે કવિતા-રચના બાબત એમનામાં – અંગ્રેજીમાં જેને razor sharp કહે છે એવી ધારદાર સ્પષ્ટતા. એ કવિતામાં ભાષાને અગ્રક્રમે રાખે છે અને સંવેદનો, સાંપ્રત પ્રશ્નોને પાછળ મૂકે છે, અલબત્ત સામગ્રી તરીકે અવશ્ય ખપમાં લે છે. ભાષાને એ પોતાનું કવિ હોવા કરતાંય વિશેષ પ્રાધાન્ય આપે છે અથવા તો કહીએ કે ભાષા કવિની પૂર્વે અને કવિની પશ્ચાત્‌ અસ્તિત્વ ધરાવે છે એ સત્યમાં એમની પરમ શ્રદ્ધા છે. એમની કવિ-પ્રતિભા આ કવિ-શ્રદ્ધાને અનુસરે છે. સાધ્ય અને સામગ્રી પરત્વેના ભેદને સ્પષ્ટ અને સભાનપણે પરખતી એમની કવિનજર સાધ્ય પરથી સહેજ પણ ખસતી નથી. જેમ ચિત્રકારનો માત્ર રંગ, ચિત્ર નથી હોતો પણ એ રંગથી એ જે નિપજાવે તે કલાકૃતિ હોય છે. એમ જ માત્ર સંવેદના કવિતા નથી બનતી પણ કવિની સર્જકતાના સ્પર્શે એ કાવ્યમાં રૂપાંતરિત થતી હોય છે. એમની કાવ્યરચનામાં એ અનેક સંદર્ભો, સંકેતો ગૂંથતા હોય છે અને છતાં જો ભાવક તરીકે આપણે એનાથી અજાણ હોઈએ તોય એમની કૃતિઓના આસ્વાદમાં તે બાધક નથી બનતું. અલબત્ત જો આપણે એ શોધી કાઢીએ તો આપણા આસ્વાદનું ફલક અવશ્ય વિસ્તૃત બને છે!

દિલીપ ઝવેરી આરંભે છંદમાં લખે છે, ક્વચિત્‌ ગીત લખે છે પણ પછીનાં કાવ્યોમાં માત્રામેળયુક્ત અને મુક્ત અછાંદસ પ્રયોજે છે. એમની કવિતાની લાક્ષણિકતા એ રહી છે કે એમના છંદ પાકા છે, પરંતુ એ છંદને, લયને, નાદને કાવ્યની આંતરિક આવશ્યકતા અનુસાર પ્રયોજે છે; હા, સભાનતાપૂર્વક અને સપ્રયોજન પ્રયોજે છે, તોડે-મરોડે છે. એ અર્થમાં એમનો દરેક શબ્દ કવિ દ્વારા નિયંત્રિત હોય છે, રચના well designed હોય છે. અને કૃત્રિમતા નહીં પણ એમની સાહજિક બાની બની રહે છે. અહીં શબ્દના, અર્થના, લયના, નાદના છૂપાં અનુસંધાનો રચાય છે અને સહૃદય ભાવક સભાનપણે જો close reading કરે તો ખજાનાની ગુપ્ત લિપિ ઉકેલીને અ-પૂર્વ કાવ્યાનંદ પામી શકે.

તો ચાલો, છેલ્લા છ દાયકાના એક મહત્ત્વના કવિ દિલીપ ઝવેરીની કવિતા ભણી આપણે વળીએ. લગભગ દરેક કવિની જેમ આ કવિ, કવિતા અને યુવાનીના આરંભે ગીત લખે છે પણ આરંભથી જ એના અવાજ, લય, પદાવલિઓ પરંપરિત અને પરિચિત ગીત કરતાં કેવાં તો જુદાં છે!

આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી ચુપ હસી લેવાના દિવસો આવ્યા

કે પછી,

બારીય કીધી બંધ
ત્યાં પછી બારણાની શી વાત?
તિરાડ ભણી આંખ કરો તો
આંબલીડાળે છેલછબીલા છાકટા છોરા જિપ્સી જેવું
ક્યારનું બેઠું આભ.

૧૯૫૮ની આજુબાજુ કાવ્યલેખનનો આરંભ કરનાર કવિ એકાદ દસકા પછી લગભગ બાર વરસનો ચુપકીદીવાસ સેવે છે. ગુજરાતી કવિતાને જાણનારો, ચાહનારો વર્ગ આથી અકળાય છે પણ સદ્‌ભાગ્યે ફરી કવિતાની સરવાણી વહેવા લાગે છે અને તે આજલગી વણથંભી છે. ઊલટું, છેલ્લાં ઘણાં વર્ષોથી તો એ વિપુલ માત્રામાં લખે છે. એ જુદી વાત છે કે કવિતાને અત્યંત ઉત્કટતાથી ચાહનાર કવિ કાવ્યોને ગ્રંથસ્થ કરવા બાબતે ભારે ઉદાસ છે. ‘પાંડુ કાવ્યો ને ઇતર’, ‘ખંડિત કાંડ અને પછી’, ‘કવિતા વિશે કવિતા’ અને ‘ભગવાનની વાતો’ – એમના ગુજરાતીમાં પ્રગટ થયેલા ચાર કાવ્યસંગ્રહો છે. ગુજરાતી કહેવાનું ખાસ કારણ એ કે એ અંગ્રેજીમાં પણ લખે છે અને એમના અંગ્રેજી કાવ્યસંગ્રહો પણ પ્રગટ થયા છે.

‘પાંડુ કાવ્યો ને ઇતર’ છેક ૧૯૮૯માં પ્રગટ થાય છે અને એક બળકટ આધુનિક નગરકવિ તરીકે એ ઊભરી આવે છે. આ સંગ્રહમાં સુમસામ આ બંધ અને પાંડુકાવ્યો મોટાં ભાગનાં પૃષ્ઠો રોકે છે. મહાભારતકાળના પાંડુને એ વીસમી સદીના નગરમાં લઈ આવે છે. પણ આ કવિ બરોબર જાણે છે કે એમણે ખપમાં લીધેલાં પુરા કલ્પનો, પૌરાણિક પાત્રો કે કથાનકો એમની કવિતાઓમાં માત્ર લટકણિયાં થઈને કે શોભામાં અભિવૃદ્ધિ કરવા નથી લાવ્યાં. પ્રાચીનનું અર્વાચીન સંવેદન સાથે સંયોજન કરીને, એક નવી જ ભાષા રચીને એ એક નવું જ મિથ ઊભું કરવા મથે છે. એટલે આ કાવ્યોનો પાંડુ મહાભારતકારનો પાંડુ નથી પણ કવિ દિલીપ ઝવેરીનો પાંડુ છે. આ જ મહત્ત્વું કવિકર્મ છે, નહીં તો જે પુરાકથાની ભાવકને જાણ છે તેને દોહરાવવાનો તે શું અર્થ? એટલે કવિનો આ પાંડુ મુંબઈની ઓબેરોય શેરેટોન જેવી પંચતારક હોટલમાંય હોય, કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં હોય કે મુંબઈની ગલીકૂંચીઓમાં ઘૂમતો, રોજબરોજની બમ્બૈયા કે હિંદી ફિલ્મોની છાંટવાળી ભાષા પણ બોલતો હોય! આમ કરીને એમની કવિતા ભાવકને પ્રાચીન તેમજ સાંપ્રતના તાણાવાણા ગૂંથીને સાવ જ અનોખું પોત રચે છે! ભાવકને ગુજરાતી ભાષાનું એક નવું જ રૂપ નિહાળવા મળે છે. એમના લય-નાદના વૈવિધ્ય - જે કવિતાએ કવિતાએ સપ્રયોજન પ્રસ્તુત થાય છે તેની પર એક નજર કરીએઃ

બાળકાવ્યોનો લયઃ
યે દરવાજા તોડૂંગા
દંડા લેકે મારુંગા
આટલે આટલે પાણી : પ્લીઝ
ગોળ ગોળ ધાણી
દંડા છે છે પાણી
ગોળ ગોળ ધાણી
ગંદા છી છી પાણી
ગોળ ગોળ ધાણી

કે પછી લોકગીતનો લય :
દાંત તારા સંભાળ્ય શિંબારાણી
મુજ જીભડી ઝંઝાજાળ જો
બળતી બેડલીને નંઈ બૂઝવા રે દઉં
એમ સુલમાન કે છે જી (બૂડવાનું બૂઝવા કરી નાખ્યું તે નોંધ્યું?)
અથવા
પ્રભુજી તુમ ચંદન હમ પંક પડેલા

કે ફિલ્મીગીતનો લય :

જૂઠ કહે તો કૌવા કાટે
સુમસામ ઇસ બંધ સે દરિયો
મૈં રણમેં ચળકી જાઉંગી
તુમ દર્પણ થઈ રહિયો. (અહીં ડરિયોનું દરિયો અને ચલીનું ચળકી થઈ ગયું તેની ખબર પડી?)

લય-નાદની આવી અનેકવિધ છટાઓ કવિતાનાં અનેક રસસ્થાનો ગોપવીને બેઠી છે. એમનો પશ્ચિમી સાહિત્ય અને પુરાકથાઓનો પણ ઊંડો અભ્યાસ છે. આ વિવધતાની વાત કરી તો અહીં એ કહેવું અનિવાર્ય રહશે કે એનો anarchic ખડકલો નથી જોવા મળતો. પણ પંક્તિ-પંક્તિ વચ્ચે એક સુયોજિત અનુબંધ હોય છે, રચનાકારનું પ્રયોજન હોય છે.

મેં આરંભે જ એમને નગર-કવિ કહ્યા છે. આ નગર કે એની તમામ પ્રતિકૂળતા પ્રત્યે એ રોષ નથી પ્રગટ કરતા. આ તો એમનું મુંબઈ છે, એમનું સરનામું છે. એક કાવ્યમાં એ કહે જ છે કે

મુંબઈ ખોવાઈ જાય તો મારું સરનામું શું લખું?

એક લસરકે એ મુંબઈનું કેવું આબેહૂબ વર્ણન કરે છે તે જોઈએ :
હાલમાં મુંબઈને વળગણ ઝાઝાં
પરથમ તો દરિયો ચારે કોર
પછેથી ટ્રામટ્રેનના પાટા
પોસ્ટર ડાબેજમણે આગે પીછુ
એકી બેકી બંધ પાટિયાં
હૉર્નફેરિયા બ્રેક રેડિયા સ્પીકર
છેવટ માલીપા બઉ વાસ મારતા
શરમ થાય બોલ્યામાં
ભૂંડા ટેલિફોનના આંટા

કોઈ સ્થળે વરસાદ ન પડતાં છાપામાં એ સમાચારનું મથાળું વાંચે છે : સુમસામ બંધ. આ બે શબ્દો કવિ પાસે એક મહત્ત્વનું કાવ્યગુચ્છ લખાવે છે. ગુચ્છમાં લખાયેલાં કાવ્યો પાછાં એક જ સમયગાળામાં નથી લખાયાં હોતાં. કર્કવૃત્તનાં કાવ્યો ૧૯૬૪થી ૧૯૮૮ દરમ્યાન મૃત્યુને કેન્દ્રમાં રાખીને લખાય છે. એમાં કવિવર ઉમાશંકરના અવસાનનો સંદર્ભ કાવ્યના તારીખ-શીર્ષક ૧૯ ડિસેમ્બર ૧૯૮૮માં કળી શકાય. આ સંદર્ભની ખબર પડે તો એ ઉમાશંકરના મરણના કાવ્ય તરીકે જોઈ-જાણી શકાય અન્યથા મૃત્યુકાવ્ય તરીકે પણ પામી જ શકાય. જન્મ અને મરણની પડછે કાળ શાશ્વત છે એ નિરૂપતી અને મરણને પડકારતી પંક્તિઓ સાંભળી લઈએ.

ઝીણા ઝાકળમાં ઝાલ્યાતા સમદરના શ્વાસ
હવે ફેણ ફેણ સળવળશે લીલુડા લોઢ
મારાં પાંદડાં પ્હરી છવાશે સમદર ચોમેર
ફરી લાકડાં કપાઈ વ્હાણ બનશે ને તોફાને તરશે
ને ફરી ફરી લીલાંજળ વ્હેશે કરચલા
તારું કાળું તે નામ કોણ ક્હેશે કરચલા

મહાભારતનાં પાત્રો અને સંદર્ભો લઈ રચાયેલાં પાંડુકાવ્યો અને સંગ્રહસ્થ નથી થયાં અને હજુ સુધી રચાઈ રહ્યાં છે તે વ્યાસોચ્છ્‌વાસનાં કાવ્યોથી ખાસ્સાં જુદાં, ૧૯૯૨ના બાબરીધ્વંસના સંદર્ભે લખાયેલાં ‘ખંડિતકાંડ’, ‘અને’, ‘અને પછી’ વિભાગમાં ૨૦૦૨ના રમખાણોને કેન્દ્રમાં રાખી લખાયેલાં કાવ્યો એ દારુણ સ્થિતિનો હૃદયદ્રાવક અહેવાલ આપે છે; પણ આ કોઈ પત્રકારનો અહેવાલ નથી, આ તો કવિની વેદના-સંવેદનાને અંકિત કરતાં નર્યાં કાવ્યો છે. હજારો વર્ષો પછીય મનુષ્યની નિયતિ અને વેદના એનાં એ જ છે. પત્રકાર ઉશ્કેરાઈને સીધેસીધું કહેશે. દિલીપ ઝવેરી કવિ છે, કહે છેઃ

મેં તો એવી આગ લગાડી
સમદર સાથે બળ્યાં હિમાલય શિખરે થીજ્યાં પાણી

કવિ કહેશે :

ખૂબ ખૂબ પથરા છે
રામ હવે રમવાને આવો
ચાંદાનો ભેરુબંધ આયનો તૂટ્યો છે
પડ્યો સમદરનો ચોગમ ભંગાર

આ કરુણ અને દારુણ પરિસ્થિતિને વધુ ઉઘાડવાની જરૂર નથી. પરાકાષ્ઠા સાંભળોઃ

રામજીએ વાવ્યા ફટાકડા
માતા સીતા ઘણું કાંપે હોં

દરેક આગમાં મનુષ્ય તરીકે આપણો પણ એકાદ તણખો સળગતો જ હોય છે. અને પછી વિભાગમાં, દુશ્મન આવ્યા ન હતાની વેધક પંક્તિઓ ટાંક્યા વિના રહી શકું એમ નથીઃ

ડર થરથરતાં પાણી જેવાં
વાટ જોતાં હતાં
પથ્થર ધાર દુશ્મનની
જ્યારે દુશ્મન આવ્યા ત્યારે જાણ પણ ન ફરકી
સાવ અમારી જ જેવા
પહેલાં તો લાગ્યું કે આ તો આપણા જ છે
હવે દુશ્મન નહીં આવે

કવિનો શોક અહીં શ્લોકત્વ પામે છે! પુસ્તકમાં આરંભે કવિએ નિવેદન આપ્યું છે : કવિતા સિવાય કવિને બીજું શું કહેવાનું હોય? કવિતા જ તો વિશ્વાસ છે શબ્દમાં અને શબ્દમાંથી ઉપજતા જીવનમાં. સાંપ્રતને કવિતાના પરિઘમાં લાવવાની રીત કવિની પોતાની, અલાયદી કેમ ન હોય? અહીં છે.

કવિતા સાથે સતત સભાનતા, સજ્જતા અને સર્જકતાપૂર્વક કામ પાડનાર કવિ, પોતાની સર્જનપ્રક્રિયાનો આલેખ આપતી કવિતા ન લખે તો જ નવાઈ! ૨૦૧૬માં એ આપણને ‘કવિતા વિશે કવિતા’ કાવ્યસંગ્રહ આપે છે. આ સંગ્રહમાં આરંભે અને અંતે અનુક્રમે મુકાયેલ કવિની વાત ૧ અને ૨ એમની કવિતા બાબતની વિભાવના બદલાતી બદલાતી કઈ રીતે વિસ્તરી છે એ વિસ્તારે આલેખે છે. કવિતા લખવા ઇચ્છનારે કે કવિતાના વિદ્યાર્થીએ આ ખાસ જોઈ જવા જેવી છે. એમાંનું વિધાન હું ટાંક્યા વગર નથી રહી શકતો. કવિતા એટલે જેનું બીજું નામ ન પાડી શકાય તે. જેની વ્યાખ્યા ન કરી શકાય તે. જેનાં લક્ષણ ન બાંધી શકાય તે. જેને વર્ણવી ન શકાય તે. છતાં જે સાક્ષાત્‌ સાથે હોય અને ક્ષણેક્ષણ સંવાદ કરતી રહે તે. કવિતા એટલે અશરીરી ચેતના જે મનફાવતાં રૂપ ધરે.

અને એમની કવિતાની વિભાવના, તેમની જ કવિતામાં સાંભળીએ.

બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
ખોવા જેવું કંઈ નથી.ક્ક
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયેલાનેય જે મળી શકે તે કવિતા.

છેલ્લે ૨૦૨૧માં એમનો ચોથો સંગ્રહ ‘ભગવાનની વાતો’ (જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૨૪નું પારિતોષિક મળ્યું.) પ્રગટ થયો છે. ભગવાનની આ વાતો વાંચો/સાંભળો તો તરત સમજ પડી જાય કે આ કોઈ ભક્તે લખેલી કવિતાઓ નથી. જરા ઊંડું જોનાર તો પારખી જાય કે આ કવિ તો નાસ્તિક છે. હવે જો કોઈ નાસ્તિકને તે છતાં, ભગવાન સાથે વાતો કરવી હોય, ભગવાનને બોલતા કરવા હોય તો તે શું કરે? તો તે ભગવાનની વાતોનાં કાવ્યો લખે. ભગવાનમાં માનનારો કોઈ કવિ પોતાની શ્રદ્ધાને, આસ્થાને, ભક્તિને વજાડી વજાડીને ગાય, તો ભગવાનમાં ન માનનારા કવિ શું એનાથી વિપરીત કરે? આ કાવ્યોમાંથી પસાર થનાર તરત જાણી જાય કે હરગીજ નહીં. એમને કોઈની આસ્તિકતાની ઠેકડી નથી ઉડાવવી કે નથી પોતાની નાસ્તિકતાને સાબિત કરવી. આમ કરવા માટે કવિ ભગવાનને માણસ બનાવી દે છે. માણસ એટલે માણસની બધી જ ટેવ-કુટેવો, ગુણ-અવગુણો ભગવાનમાં પણ કેમ ન આવે? એ ભૂલકણા હોય, એમને સનેપાત પણ થાય, રમતો પણ રમે. પાછી એમનામાં ભગવાનની કેટલીક લાક્ષણિકતા પણ હોય! આ કવિતાઓ વાંચતાં આપણને ખ્યાલ ન રહે કે આપણે બાળકાવ્યો, બાળકથાઓ, કે સીધીસાદી ભાષા/બોલીનાં કાવ્યો વાંચીએ છીએ! આ કાવ્યોમાં રચનારીતિ એ પ્રકારની છે કે આબાલવૃદ્ધો પોતપોતાની રીતે માણી શકે. ક્યારેક વાંચતાં વાંચતાં આપણે મોકળા મને હસી પડીએ. જેમ કે, ભગવાનને ઘણી બધી નાંખી દીધાની ટેવ. જાતજાતની વહીઓમાં ઝીલામાં ઝીણા અક્ષરે બારીકમાં બારીક ચીજના હિસાબ લખી રાખે. આ કવિતાઓ આપણને આપણા ભગવાન ભુલાવી દે અને આપણી આસપાસના, આપણે કાયમ જોઈએ છીએ તે મનુષ્યમાં ભગવાન દેખાડી દે તો આશ્ચર્ય ન પામવું!

અગાઉ કહ્યું તેમ એમની પ્રકાશિત થયેલી પણ અગ્રંથસ્થ કવિતાઓની સંખ્યા તો ઘણી વધુ છે. અગ્રંથસ્થ રચનાઓમાંથી કેટલીક અહીં ચયન કરી છે. તેમાં મોતના દહાડા, ઘરની વાતો, વાઘની વાતો, વ્યાસોચ્છ્‌વાસ લીધાં છે. એ બધું ગ્રંથસ્થ થવાનું બાકી છે. એકત્રના માધ્યમ દ્વારા આ માતબર કાવ્યો ચિર કાળ લગી અંકિત થઈ રહ્યાં છે તેનો આનંદ છે. રસિકજનો લગી એ પહોંચશે એવી શ્રદ્ધા છે.