દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/મુંબઈના ત્રણ સિગ્નલ


મુંબઈનાં ત્રણ સિગ્નલ

બાકી સઘળું ઠીક
તો ય આ સિગ્નલ નહિ સમજાય હજી
આ સમદર લીલો
લીલાં ક્યાંક (ભૂલમાં હજી ય વ્હીલાં) ઘાસ
રાતાં એટલે હરતાં ફરતાં ચોંકીને અટકાઈ ગયેલાં રક્ત
હમે તો પરદેસી હે જમાદાર યે નારંગી નહિ માલમ
માલમ તુંહિજે હાથ સોંપવ્યાં બંબઈચ્યા હે વ્હાણ
ડુબાવજે તું
તરાવજે તું
લંગર નાંખી
ડરાવજે તું
કોણ તને કહેનાર
નાખુદા માલમ તેરે હાથ સોંપવ્યા બંબઈકા યે વ્હાણ
બોખલો પીપળપીળો સર્કસ હાથી
ભગવે ફેંટે માસ્ટરબેટો
અગડં બગડં સર્કલમાં જઈ ખેલ કરે
તે અમને ના સમજાય
અમે તો લડાઈમાં નહિ કોઈની બાજુ
એક જગા પર ઠામ
અમે તો સચ્ચા ખોટા કામ કોઈ ભી કરવા બંબઈ આયા
અમકો ખાલી સિગ્નલ આ સમજાવ
અમકો નંઈ કોઈ ઝઘડા
અમકો નંઈ મોટા અરમાન
ઢાંકવા આવરદાને માંડ ખોળિયું છોટું
થોડા ધક્કા થોડા ઢાળ
હલેસાં થોડાં થોડી તાણ
અંગૂઠો ભેરવાય બસ એટલો જ આધાર ચાહિયે
એ જ અંગૂઠે વળગી ડંખે નારંગી આ નાગ
એટલે એક વાર બાઝી તો સજજડ ચસકે નહિ યે લીલ
એટલે એક વાર પ્હેર્યાં તો આપોઆપ ચલાવ્યે જતાં ખૂંચતાં અવિરત જૂતાં લાલ
એટલે નારંગી તકદીર અમારી
નારંગી તે તિકીટ
બંદર પ્લેટફોર્મ કે વિમાનઘર
જ્યાં પાય પગથિયે મૂક્યો ત્યાં તો ટં ટં ઘંટી ઝબકી બત્તી ખરખર ચક્કર ફર્યા
આવશે જવાબ
મારા જવાબમેં નારંગી
માલમ વજન કેટલાં વરસ કેટલાં
ભૂખ થાક ને તરસ કેટલાં
મિલન કેટલાં વિરહ કેટલા
છાને દર્પણ પરસ કેટલા
બન બંબઈ કે બિચ બચબર દર્પણકા હે દરિયા
દરિયામાં થરકે છે ઝીણી તલની જેવી નાવ
ઊપડે પડે
લાલ લીલાની વચ્ચે
દીવાદાંડી સમા સ્તનોનાં અચલ નયન નારંગી
બિચમાં બેબસ જિગર બેખબર
ધડકું યા ના ધડકું
દેખે વાટ
કટે ના રાત
નાખુદા ડૂબી ડૂબી તો ય
તરણથી બચી બહુત હે બાત
એક આ નારંગી સિગ્નલ પર
જેના મતલબ ના સમજાય
નાખુદા કહો વારતા કહો
દેડકો લીલો
રાતી ડાકણડાબી જીભ
અટારી એકદંડિયા મહેલની
જ્યાં નારંગી કેશે
ને કેશરવેશે સોનામુખી
વ્હેંતિયો છલાંગ મારે ઘણી
ઘંણી રે હોંશ
હોંશથી સાત વાર
કે સાત વારને એક સામટા કરી
વ્હેંતિયા સાત સાત સર્કસમાં
મારે છલાંગ
સાંધી છલાંગ ભેળી છલાંગ
દોરો નજર તણો કોઈ બાંધે ઇલમી
મુંબઈ ચોકે પરોવાય માણેક
પલકમાં નારંગી સિગ્નલ ઝબકે
ને કડડ્ભૂસ આ મ્હેલ
ઊછળે સિન્ડ્રેલા થઈ ઢેલ દેડકો રાતાં રાતાં ગુલાબ પ્હેરી
લીલે વાઘે વરઘોડો ને ટ્રામ ડબલડેકર બસ લોકલ ટ્રેનો
ટેકસી ગોવિદા ગણપત હોળી કટાકડા તડફડ દીવાળી
સરઘસ જંગી સભા સેલ હડતાળ ઉજાણી સાઠ લાખ
ફિલ્મોના છૂટ્યા ખેલહુતૂતૂક્રિકેટહોકી દેશી નાટક સમાજ
ભાજી મારકેટનાં ખોખાં પાટી કરંડિયા કંઈ તૂટ્યાં છૂટ્યા
મંદિરના ડંકાના ઘોડા ચોપાટીથી ઊડ્યાં અરબસ્તાન
વિમાનો વ્હીસલ સાઈરન અંધકાર છવ્વીસ જનવારી
સત્તાવીસ મેદાન સાત સો જંકશનના ફલાઈઓવર પરથી
સડેડાટ સૌને પછવાડે છડી અડી ના અડી જાય નારંગી
બોલો જમાદાર માલમ બોલો યે પિક્ચર હે કે બંડલ
બોલો સચ હે કે યે સપના
બોલો તુમકા હે કે અપના
વાપસ ફિરસે બોલો મિતવા બોલો બોલો ખબર નહીં હે
૧૯૭૮