દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/લંકા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લંકા

મનમાં ઊઠે રહી રહીને શંકા
અહિંયા અવધ હશે કે લંકા
માણસ વસતાં હશે
હજી ભાંગેલી ભીંતે પડ્યા રક્તના છાપા
બાળક રમતાં હશે
રાખમાં સૂરજ ચંદર આડા અવળા કાંપા
ઉદર મંદ તો દસ આંગળીઓ ખોંપી
ઉમટ્યાં વમળ વમનનાં વંકાં
અવધ હશે કે લંકા

મૂતરલીંપી ધૂળમાં
સાવરણીની સળીથી
બે આડા ને બે ઊભા લીંટા તાણી
નવ ખાનાંની કુંડળીમાં
ચોકડા ને મીંડાં ચીતરતાં
નિશાળ છોડ્યાં છોકરાં

ગોબાળા પાવલે રોકડી ચા
ને કાન પછવાડે ઉધારની બીડી
દારૂ ખૂટ્યે
સિક્કાને ઠેકાણે
અડવી સોડાની બાટલીનાં ઢાંકણે
ખાટલે બેસી
રાજા રાણી ગુલામ ખેલતા
કારખાના છડ્યા કામગાર

ફુલાળું નામ
મેલી ચોળાયેલી ઓઢણી
નકલી રેશમી ગુલાબી પોલકું
કાખે અત્તર પરસેવાનાં ધાબાં
બે રૂપિયા દીધેલા ગંધાતા હોઠની વાસ લૂંછવા
પીળા દાંતે ફરી વળતી જીભે વળગેલો
સસ્તો કિમામી નિઃશ્વાસ
ધણી છાંડેલી ઘરવાળીનો
સરખી વસ્તી
અલગ
નામના અક્ષર
રસ્તે કીડિયારું થઈ ઝીંટે
અંધારે પીંખેલ શહેર આ ઓળખાય શેં ખંડિયેરની ઇંટે
તૂટ્યે સમદર અવ-
-તરતા રવહીન સાદના ડંકા
અવધ હશે કે લંકા