દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/હું નહીં હોઉં ત્યારે ઘર તારું શું થશે
૫. હું નહીં હોઉં ત્યારે
હું નહીં હોઉં ત્યારે
ઘર તારું શું થશે?
કદાચ પહેલાં તો તને કોઈ કહેશે પણ નહીં
કે હું પાછો નહીં આવું
મારો નહાવાનો સાબુ સુકાતો જશે
પણ ટૂથપેસ્ટ અડધી થયા પછીય અડીખમ
ટાલ પર માંડ ક્યારેક ફરતો રમૂજી દાંતિયો
હંમેશની જેમ બત્રીસી ખોલી હસતો રહેશે
લંપટ વળગી લૂછતો ટુવાલ પાછો ઉઘાડો પથરાઈ જાય પછી
હળવેકથી રોમરોમને હેત કરતા
પાઉડરનો ડબ્બો આડો અવળો થઈ ગબડી પણ પડ્યો હોય
બહુ વખતથી ફુરસદમાં વપરાતો અસ્ત્રો
પોતાને ખૂણે ધાર ઢાંકી છાનો લંબાવી ઊંઘતો હોય
એટલે સવારે સવારે અરીસાની જેમ ઘણા દિવસ તું મને સંભારેય નહીં
રસોડાને મારા હોવા ન હોવાનો ઝાઝો ફેર નહીં પડે
પણ તવા તવેથાને
કાંદા કોથમીર કાળાં મરી ચીઝ બેકન ઓરેગાનોની ઓમલેટ
એકાદા રવિવારે સાંભરશે
તપેલીને રોજ ખૂટશે અડધા લિટર દૂધનું વગર મલાઈનું પાકીટ
ત્યારે તારે દરવાજે
ઘંટડી વગાડી
કોઈ પૂછશે
કે
હું છું કે?
અને પછી ચુપકીદી પછીની ના સાંભળી
તનેય જાણવાનું મન થશે
અને ધૂળ ખાતા બૂટ કાંઠાની વેળુ જેમ
મોજાંથી બીધા વિના સાફ સાફ કહી દેશે
કે મારાં પગલાં નથી પડ્યાં
ત્યારે અચંબાથી કે રોષથી
તારી ભીંતના પોપડા ભોંયભેળા થશે
ન્હાઈ ધોવાઈ લુછાઈ જવાને
ઘર મને ખબર નથી તને શું થશે