દિવ્યચક્ષુ/૧૨. ધનો ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. ધનો ભગત

દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્કે,
અંગ્રેજના રાજ્યમાં ઢેઢ મારે ધક્કે.

–લોકોક્તિ

જનાર્દને ધ્વજવંદનનો પ્રસંગ રચ્યો અને બધા આશ્રમવાસીઓને અહિંસાનું વ્રત લેવા આગ્રહ કર્યો. જનાર્દનને ભય હતો જ કે અરુણ આવું વ્રત નહિ લે અને આશ્રમ છોડશે. અલબત્ત, તે ધ્વજવંદનમાં સામેલ થયો, અને અહિંસાભર્યા જંગમાં જોડાવા ગવાયલા ગીતમાં તેણે પોતાનો સૂર પણ પૂર્યો. તથાપિ વ્રત લેવાનો વારો આવતાં તે અચકાયો. વ્રત લેવું ? લેવું પડે તોપણ કાયમનું વ્રત લેવા જેવી તેને અહિંસામાં શ્રદ્ધા ઉપજી નહોતી. જનાર્દને તેને સહજ ઉત્તેજ્યો, પરંતુ પ્રતિજ્ઞા પાળવાની પોતાની અશક્તિ તેને સમજાઈ, માત્ર એક અવાજ તેના કાનમાં એક વખત ગુંજ્યો હતો તે આ ક્ષણે ફરી ગુંજ્યો :

‘એકાદ વર્ષ માટે તેવું વ્રત લો તો કેવું ?’

રંજને ગઈ કાલે રાત્રે જ પૂછયું હતું, આજે ફરી તે અવાજ તેના કાનમાં પડયો. અરુણ આગળ વધ્યો, ધ્વજને નમ્યો અને સહુને સાનંદાશ્ચર્યમાં નાખતી પ્રતિજ્ઞા ઉચ્ચર્યો :

‘આ ધ્વજ સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હું એક વર્ષ સુધી અહિંસાનું સંપૂર્ણ પાલન કરીશ.’

રંજન સવારના પહોરમાં જ આશ્રમમાં આવી હતી. સ્રીઓએ વ્રત લેવાનું નહોતું, છતાં કોણે કોણે એ વ્રત ન લીધું તે જાણવાની તેને એટલી બધી ઈંતેજારી થઈ ગઈ હતી કે તેનાથી આવ્યા સિવાય રહેવાયું જ નહિ. તે આશ્રમમાં આવી, પરંતુ અરુણ વ્રત લેશે કે નહિ તેની તેને ખાતરી નહિ થવાથી તે ધ્વજ સમક્ષ ગઈ નહિ, અને કાંઈ લખવા બેઠી. તે લખે તે પહેલાં તો પોલીસ અમલદાર નૃસિંહલાલે આશ્રમમાં પ્રવેશ કર્યોં.

કોઈ પણ ચળવળ તરફ શરૂઆતમાં વિરોધીઓ સૌમ્ય દૃષ્ટિ રાખે છે. નૃસિંહલાલે વધારે ધાંધલ કર્યું નહયિ. તેમણે ત્રણેક પુસ્તકો લીધાં અને આશ્રમવાસીઓના નામની એક યાદી લીધી. અરુણને આશ્રમના મંત્રી તરીકે જરૂરના જવાબો આપવા નૃસિંહલાલની સાથે જવાનું ઠર્યું. સહુની નવાઈ વચ્ચે રંજન પોતે જ માગણી કરી નૃસિંહલાલની મોટરમાં બેસી ગઈ. તેને રસ્તામાં સુશીલાના ઘર પાસે ઊતરવાનું હતું.

જનાર્દન ભારે કુતૂહલમાં પડયા. તેમને આછું દેખાઈ આવ્યું કે અરુણની પ્રતિજ્ઞા રંજનને આભારી હતી. રંજનની પાસે રહેવાનો મોહ કદાચ એ પ્રતિજ્ઞાના મૂળમાં રહેલો હોય તો ? યુવક અને યુવતીનાં સંમેલન પોતાના કાર્યને અણધારી દિશા તરફ ખેંચી જશે ત્યારે ? પરંતુ યુવક અને યુવતી – પુરુષ અને સ્રી – એમનું જ જગત બનેલું છે; એમને જ માટે જગતમાં બધી પ્રવૃત્તિઓ થાય છે, અને એમને જ સાધન તરીકે વાપરવામાં આવે છે. સ્રી અને પુરુષ વગર એકે પ્રવૃત્તિ શક્ય છે ખરી ?

મોટરમાં કોઈ કશું બોલ્યું નહિ. રંજનને અને અરુણને નૃસિંહલાલ ઓળખતા હતા. નૃસિંહલાલના મનમાં વિચારો ઘોળાયા કરતા હતા : એક સારા અમલદારનો પુત્ર અરુણ અને એક સુખી મહાધનાઢય સંસ્કારી ભાઈની બહેન રંજન શા માટે આવા આફતના માર્ગ તરફ વળે છે ? શા માટે પોતાનો જ પુત્ર એ તગરફ આકર્ષાય છે ? યૌવન એ શું મૂર્ખાઈ નથી ? કોઈ પણ ઠરેલ, ઉંમરે પહોંચેલો અનુબવી પુરુષ આવી સ્વપ્ન સરખી પ્રવૃત્તિઓમાં જોડાય ખરો ? હિંદની પ્રજાને એવું શું ભારે દુઃખ છે કે સરકાર વિરુદ્ધ કાંઈ બોલવું પડે ? લોકો સુખી છે; ખાય છે, પીએ છે અને પોતાનો ધંધો-રોજગાર કર્યે જાય છે. સરકાર પોલીસ રાખી લોકોનું રક્ષણ કરે છે. રેલગાડીઓ કાઢી લોકોને જવા-આવવાની સગવડ કરી આપે છે. નથી કોઈ પરદેશીઓના હુમલાનો ભય, નથી કાંઈ ભારે ચોરીચખારી : નસીબ જેને જેટલું આપે તેટલું તેને વગર દુઃખે મળે છે. પોતે પણ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની ભારે જગા ઉપર હંગામીપણે નિમાયા છે; થોડા વખતમાં કાયમ થઈ જશે. મોટર તો રાખી શક્યા છે. અંગ્રેજી રાજ્યમાં દુઃખ શું છે કે લોકોને રાજકીય ચળવળો કરવી પડે ? યૌવનની ઘેલછા સિવાય તેમને બીજું કાંઈ કારણ દેખાતું નહિ.

‘પેલું ટોળું ઊભું છે ત્યાં જરા મોટર થોભાવજો.’ રંજને નૃસિંહલાલને વિનંતી કરી અને તેમને વિચારમાંથી જાગૃત કર્યા.

‘કેમ આટલા બધા લોકો ભેગા થાય છે ?’ નૃસિંહલાલે પૂછયું. ટોળું એ પોલીસનો બાહુ છે. એક મોટા સારા મકાનની નજીક બસો-ત્રણસો માણસો ભેગા થઈ ગયા હતા, અને બીજા વધારે માણસોની ભરતી થયે જ જતી હતી. ત્યાં આગળ મોટું ચોગાન હતું.

‘તે તમારાથી ઘરમાં શી રીતે જવાશે ? આટલા બધા લોકો છે ને ? હું સાથે આવી જાઉં ?’ અરુને પૂછયું.

સુશીલાનું ઘર આવ્યું હતું. એ ઘરની એક બાજુ ઉપર જ ટોળું જામ્યું હતું. શા માટે લોકો ભેગા થયા હતા તેની કોઈને ખબર પડી નહિ. પોલીસના અમલદાર તરીકે નૃસિંહલાલે પણ નીચે ઊતરવાની ઈચ્છા કરી ત્રણે જનાં ટોળાની નજીક આવ્યાં. ટોળાની બીજી બાજુએ એક-બે પોલીસના સિપાઈઓ બહુ ધીમેથી લોકોને વેરાઈ જવા જનાવતા હતા. ટોળું ભેગું થવાનું કારણ દૂર કરવા કરતાં ટોળાને – કાર્યને – દૂર કરવા પોલીસ જ્યારે ત્યારે મથે છે; તેમાં જ તેમની નિષ્ફળતા છે.

નૃસિંહલાલે એક પાછળ ઊભેલા મનુષ્યને પૂછયું :

‘અરે, શું છે ?’

‘મદારીનો ખેલ હશે.’

‘આટલા બધા લોકો ?’

પેલા માણસે જવાબ આપ્યો નહિ. ટોળામાં શું થતું હતું તેની તેને ખબર નહોતી. અરુણ છેક અંદર ઘસી ગયો.

નૃસિંહલાલ રંજનની સાથે ધીમે ધીમે માર્ગ કરવા લાગ્યા. તેમનો દમામદાર દેખાવ અને ઉચ્ચાર સાંભળી સૌ કોઈ તેમને માર્ગ આપવા લાગ્યા.

‘કેમ બધા ભેગા થયા છો ?’ બીજા એક-બે માણસોને ઉદ્દેશીને નૃસિંહલાલે પૂછયું. તે માણસો જવાબ દીધા વગર બાજુએ ખસી ગયા. ભેગા થનારાઓમાંના ઘણાને ખબર નહોતી કે પોતે શા માટે ત્યાં ભેગા થયા હતા.

‘ચોર, ચોર !’

‘મોર, મારો !’

‘પકડો, પકડો !’

બે-ત્રણ મારકણા દેખાવના જુવાનિયાઓ ટોળામાં દાખલ થઈને બૂમો પાડી ઊઠયા. ચોર કોણ ? શા માટે મારવો ? કોને પકડવો ? એ પ્રશ્નનો ઉત્તર આપવા તેઓ બંધાયલા નહોતા. બસ, કારણ હોય કે ન હોય તોપણ માર મારવાની વૃત્તિ ઘણાઓના હૃદયમાં જોતજોતામાં જાગૃત થાય છે.

‘કોને મારવો છે ?’ નૃસિંહલાલે એ જુવાનોમાંથી એક જણને જોરથી પકડી પૂછયું. એ માણસ નૃસિંહલાલને ઓળખાતો લાગ્યો. ગુંડાવર્ગને કારણ વગર મારામારી કરવામાં મજાલેનાર વર્ગને – પોલીસ સાથે ભારે ઓળખાણ હોય છે. તે માણસે સલામ કરી કહ્યું :

‘હજૂર ! કોઈ ગઠિયો લાગે છે.’

‘નહિ, કોઈનું ખિસ્સું કાતર્યું છે. ખિસ્સાકાતરુ છે.’ ત્રીજા પ્રેક્ષકે ગુંડાની સમજ સુધારી. ગઠિયો અને ખિસ્સાકાતરુ એ બે ભિન્ન વ્યક્તિ છે એમ એ વર્ગીકરણપ્રિય પ્રેક્ષકને લાગ્યું.

પેલા ત્રણ ગુંડાઓ લોકોને ધક્કા મારી સાહેબ માટે જગા કરવા લાગ્યા, ભારે કોલાહલ મચી રહ્યો હતો. દરેક જણ કાંઈ ને કાંઈ બોલતું જ હતું. કોઈ હસતા હતા, કોઈ બૂમ પાડતા હતા, કોઈ ધક્કા મારી આગળ વધતા હતા, કોઈ ધક્કા મારી બહાર નીકળવા મથતા હતા. નૃસિંહલાલ તથા રંજનને ટોળામાં પ્રવેશતાં જોઈ સામી બાજુ બંદોબસ્ત રાખતા સિપાઈઓ એકદમ હોશિયાર બની ગયા.

‘ચાલો મહેરબાનો ! ચાલતા થાઓ.’ સિપાઈઓ મોટેથી બોલવા લાગ્યા. મહેરબાનોને ચાલતા થવાની વિવેકભરી વિનંતી સાથે વિવેકનો અંશ પણ ન દેખાય એવા જોરદાર ધક્કા મારી સિપાઈઓએ લોકોને ચાલતા થવાની ફરજ પાડવા માંડી, ભેગા થયેલા મહેરબાનો પણ એ રીતભાતને પાત્ર નહોતા એમ છેક કહેવાય નહિ. એક જગ્યાએથી ધક્કા ખાઈ તેઓ બીજી બાજુએ ટોળે વળતા. ટોળે વળવાનું કાંઈ કારણ હતું કે કેમ તેની જ લોકોને ખબર નહોતી.

‘એ તો એક ઢેઢને માર્યો !’ નૃસિંહલાલને માર્ગે આવતા એક માણસે નવી જ માહિતી આપી.

આખા ટોળાનો સર્જક પહેલાં મદારી હતો; મદીમાંથી તે ચોર થયો; ચોરનો ગઠિયો અને ગઠિયામાંથી ખિસ્સાકાતરુ નીકળી આવ્યો; એટલે સુધીનો વિકાસ સામાન્ય બુદ્ધિ સમજ પડે એવો હતો; પરંતુ ખિસ્સાકાતરુમાંથી ઢેઢ કેવી રીતે ધસી આવ્યો તે સમજવું મુશ્કેલ હતું.

ટોળાના મધ્ય ભાગમાં નૃસિંહલાલ પહોંચી ગયા. અરુણ એક ચૌદપંદર વર્ષના છોકરાને પકડી ઊભો રહ્યો હતો. એ છોકરાને મારવા ધસી આવતા બે માણસોને તેણે રોકી રાખ્યા હતા; અને તેમની સાથે મોટેથી તે કાંઈ દલીલ કરતો હતો. તેના મુખ ઉપર ગુસ્સો રોકી રાખ્યાનાં સ્પષ્ટ ચિહ્ન દેખાતાં હતાં. છોકરાના મુખ ઉપર ક્રોધ માતો નહોતો; તે રડતો હતો અને કાંઈ બોલતો હતો. તેનાથી પૂરું બોલાતું નહોતું. પાસે જ બેસી રહેલા એક ડોસા તરફ તે વારંવાર હાથ કરતો હતો.

ગુંડાઓ તથા સિપાઈઓએ મળી સાહેબની આજુબાજુનું સ્થાન ખાલી કરી નાખ્યું. જ્યાં જ્યાં નૃસિંહલાલ તથા રંજન પહોંચ્યાં ત્યાં ત્યાં સત્તાનો પ્રભાવ લોકો માન્ય કર્યે ગયા. છોકરાને મારવા ધસી આવતા બે જણને સંભાળવા મથતા નૃસિંહલાલે ભાષાનું પ્રબળમાં પ્રબળ ઉચ્ચારણ સાંભળ્યું. શરીરમાં જેમ જોર તેમ ભાષામાં ગાળ. ગાળનું જીવનમાં રહેવું મહત્ત્વ વીરસરવા જેવું નથી.

‘સાલો ઢેઢ ! હરામખોર અડકે છે; અભડાવે છે અને પાછો સમો થાય છે. એનું ચામડું ચીરી નાખીશ !’

એક માણસ બોલતો સંભળાયો. આ ભયંકર બનાવનું રહસ્ય બરાબર સમજાય એ અર્થે નૃસિંહલાલે મોટેથી હુકમ કર્યો :

‘હઠાવો, બધાને અહીંથિ હઠાવો !’

બંને સિપાઈઓ અને ત્રણે મવાલીઓએ મળી લોકોને ધકેલ્યા. મવાલોનો ધક્કામુક્કી કરવાનો શોખ પૂરો થયો. તેમણે કેટલાક લોકોને ઝાપટયા, કેટલાકને ઠોંસા માર્યા, કેટલાકને કોણીઓ મારી. હાંકી કાઢવાની ક્રિયા વધરે કડક બનતી જોઈ લોકો પણ ચકલાંની માફક વેરાઈ ગયા. જોતજોતામાં આ પાંચ માણસોએ ત્રણસો વ્યક્તિઓને વિખેરી નાખી.

અરુણે ટોળામાં દાખલ થઈ પૂછપરછ ન કરી; પરંતુ તે સીધો જ જ્યાં મારામારી ચાલતી હતી ત્યાં આવી પહોંચ્યો. બે માણસો એક છોકરાને ધડાધડ લપ્પડો અને ઠૂંસા મરતા હતા. નાનો બાળક જેવો લાગતો છોકરો માર સહન ન થવાથી ભાન ભૂલી સામો થયો. પરિણામની જરા પણ દરકાર કર્યા વિના તેણે મારનારનો હાથ પકડયો અને હાથે જોરથી બચકું ભર્યું. બચકાની વેદના અસહ્ય થઈ પડવાથી એક જણ બૂમાબૂમ કરવા લાગ્યો; બીજો માણસ બચકું છોડાવવા માટે છોકરાને વધારે સખ્તીથી મારવા લાગ્યો. આ ક્ષણે અરુણ અંદર આવી વચ્ચે પડયો. તેણે બળપૂર્વક બંનેને છૂટા પાડયા. આવડા નાના બાળકને બેહદ માર મારનાર એ બંને ક્રૂર રાક્ષસોને પકડી તેમનાં માથાં અફાળી ફોડી નાખવાનું મન અરુણને થયું. અને જોઆજે જ લીધેલી અહિંસાની પ્રતિજ્ઞા અકસ્માત્ યાદ આવી ન હોત તો તે જરૂર તે પ્રમાણે કરી પોતાના મનને સંતોષ આપત.

પરંતુ તેણે મનને સાવધ કરી વશ રાખ્યું. છોકરાને તેણે છોડાવી પોતાની પાસે લઈ લીધો અણે એક હાથે તેને પકડી રાખ્યો. ક્રોધે ભરાયલા બંને મનુષ્યોને લાગ્યું કે આ બાળકનો બચાવ કરવા આવેલ નવા માણસને પણ ઝૂડવો જોઈએ. છોકરાને ઝૂંટવી લેવા માટે તેમણે અરુણ ઉપર હલ્લો કર્યો; પરંતુ અરુણે તેમને અટકાવ્યા. ગુસ્સે થયા વગર મારવાનું બળ આવતું નથી એ વાત ખરી છે; પરંતુ ગુસ્સે થયા વગર માર ખાઈ શકાય છે એનો તેને પ્રથમ અનુભવ થયો. બન્ને મનુષ્યોને પોતે ધારે તો મારીને ત્યાંથી નસાડી મૂકે એટલી અરુણમાં શક્તિ હતી; પરંતુ એ શક્તિનો તેણે ઉપયોગ કર્યો નહિ. તેણે તો માત્ર છોકરાને પકડી રાખ્યો અને છોકરા ઉપર ધસી આવી પ્રહાર કરવા મથતા એ બંને મનુષ્યોને માત્ર રોકી રાખ્યા. તેમ કરતાં તેને પણ એક-બે મુક્કા અને એક-બે ગડદા પડયા. પરંતુ અક્રોધના નિશ્ચયને લીધે એ પ્રહારો એવા તુચ્છ અને હાસ્યજનક લાગ્યા કે તેની સ્થિરતા ચળી નહિ. તેને વગર ગભરાયે સ્થિર ઊભેલો નિહાળી પેલા બંને માણસો હવે ધસતા અટક્યા, અને પ્રહાર કરવાને બદલે ગાળોનો આશ્રય લેવા લાગ્યા. અરુણને અક્રોધ – અહિંસા – નો પહેલો જ નવાઈભર્યો અનુભવ થયો.

એટલામાં નૃસિંહલાલ તથા રંજનને અરુણે જોયાં. નૃસિંહલાલે પેલા ગાળો બકતા માણસને બરાબર સાંભળવા આખા ટોળાને વિખેરી નખાવ્યું અને પછી તેમણે મોટા સાદે પૂછયું :

‘કેમ એ ભામટા ! કેમ ગાળો બકે છે ? પીધેલો છે કે શું ?’

નૃસિંહલાલનો પોશાક તેમની અમલદારીને સ્પષ્ટપણે ઓળખાવતો હતો. પેલા બંને માણસો દબાયા. ગાળો બોલતા એક જણે જવાબ આપ્યો :

‘અરે સાહેબ ! અમે તો બ્રાહ્મણો છીએ.’ દારૂ પીધાનું તહોમત ન ખમાયાથી તેમણે પોતાનું બ્રહ્મણત્વ જાહેર કર્યું. ‘બ્રહ્મણથી “પીધેલા” ન બનાય એવી માન્યતા ડગમગતી બનાવવા માટે બ્રાહ્મણો તરફથી બનતા પ્રયાસો થાય છે, છતાં જગત પોતાની ઝંખના મૂકતું નથી. બ્રાહ્મણ નિર્વ્યસની રહે એમ જ તે ઈચ્છે છે.’

‘બ્રાહ્મણ હો તો માગી ખા !’ પોલીસની વાણીમાં અપશબ્દોનો ભંડાર ભરેલો હોય છે. નૃસિંહલાલ જેવા આગળ વધેલા અને પોલીસખાતામાં રહ્યા છતાં ભલા ગણાતા અમલદાર પણ ધારે ત્યારે એ વાણીનો ભંડાર ખુલ્લો મૂકી શકે છે. તેમણે બ્રાહ્મણને તેનો ધર્મ સૂચવ્યો. તેમની સુંદર ગિરા આગળ વધી :

‘આમ મવાલીની માફક રસ્તા વચ્ચે કેમ મારામારી કરે છે ?’

‘પણ આ ઢેડ અમને અડકે શા માટે ?’ મારામારી કરવા માટે ઢેડનો સ્પર્શક એ અનિવાર્ય કારણ હોય એમ તે બ્રાહ્મણે દલીલ કરી.

‘એવી ચટ હોય તો ઘેર જઈને નાહી નાખજે, પણ આ રસ્તા વચ્ચે કેમ હુલ્લડ કરે છે ? તને કેદમાં પૂરવો પડશે.’

કેદનો ભય ઘણો ભારે છે. કેદનો ભય ટાળવા માટે કેદથી ટેવાવું જોઈએ. ગભરાઈને પેલા બ્રહ્મણે જણાવ્યું :

‘સાહેબ, સાહેબ ! અમારો કશો વાંક નથી. એક તો અમને અડકીને અભડાવ્યા, અને કહેવા ગયા ત્યારે આ બચકું ભર્યું. ઢેડનો જુલમ ઓછો છે ?’

‘કયો છે એ ઢેડ ?’ ફરિયાદી અને આરોપી બંનેને જરી પણ પક્ષપાત વગર સરખી ગાળોક દેવા ટેવાયલા પોલીસ અધિકારી નૃસિંહલાલે ઢેડની ખબર લઈ નાખવા ધાર્યું. અરુણને હાથે બાઝેલા હજી ડૂસકાં ખાતા છોકરા તરફ બ્રહ્મણોએ આંગળી કરી. નૃસિંહલાલ વિચારમાં પડયા. છોકરાનો પોશાક બહુ ઉજ્જવલ નહોતો, પરંતુ તેમા અંત્યજ વર્ગની કશી જ વિશિષ્ટતા દેખાઈ નહિ. અંત્યજ કોમમાં પણ અત્યંત રૂપાળાં સ્રી, પરુષ અને બાળકો કોણે નહિ જોયાં હોય ? એ ખરું છે કે કેટલીક ચોખ્ખાઈનો અભાવ, પહેરવેશ અને રહેણીની અશિષ્ટતા તથા હલકાપણાનું જન્મસિદ્ધ ભાન અંત્યજ કોમને સહજ ઓળખાવી આપે છે; છતાં અણિશુદ્ધ મુખાકૃતિવાળા અને અંત્યજો જોનારની નજરે દેખાઈ આવે છે.

‘કેમ અલ્યા, શું થયું ?’ હજી રડતા છોકરાને નૃસિંહલાલે પૂછયું.

છોકરાથી ગુસ્સામાં અને રુદનમાં પૂરું બોલાયું નહિ.

‘મારા દાદાને…પાડી નાખે…મેન મારે…હું જાણી જોઈને ક્યાં અડયો છું ?’

‘હરામખોર ! જૂઠું બોલે છે ? મને જાણીજોઈને તું અડક્યો, અને કહેવા ગયા ત્યારે આ બચકું ભર્યું. જુઓ સાહેબ !’ પેલા લડવૈયાએ પોતાનો ઘવાયેલો હાથ બતાવ્યો.

‘ક્યાં છે તારો દાદો ?’ નૃસિંહલાલે છોકરાને પૂછયું.

‘આ રહ્યો, બાપા ! છોકરાની ભૂલ થઈ હોય તો હું એના વતીનો એમને પગે પડું છું. છોકરું છે; એની શી સમજ ?’ જમીન ઉપર બેસી લાકડીને ટેકે અધ્ધર રહેલા એક વૃદ્ધે કહ્યું. નૃસિંહલાલની નજર તેના ઉપર પડી. એ વૃદ્ધ આંખે દેખતો નહોતો.

‘આ તો ધનો ભગત ! અલ્યા તને લાગ્યું તો નથી ને ?’ નૃસિંહલાલે આ વૃદ્ધ અંત્યજને ઓળખીને પૂછયું.

‘કાંઈ નહિ, બાપા ! વાગ્યું હશે તો મટી જશે. પણ આ મારા દિકરાને ઢોરમાર માર્યો ! હલકી જાત પડયા, બાપા ! માર ખાવાને સર્જાયેલા છીએ; કાંઈ નહિ.’ ધના ભગતથી બોલાઈ ગયું. તને વાગ્યા કરતાં તેના આ નાના બાળકને વાગ્યું એનું દુઃખ તેના હૃદયમાં વધારે થતું લાગ્યું.

‘તારે ફરિયાદ કરવી છે ?’ નૃસિંહલાલે પૂછયું.

‘ના રે ના સાહેબ ! અમારે ગરીબને ફરિયાદ શી ? એ ભાઈને એવી સમજ પડી તો એમ; બે ગડદા ખાઈ લીધા. ભગવાન બધાનું ભલું કરો ! મારે ફરિયાદ કેવી ?’

‘જાઓ, ચાલ્યા જાઓ અહીંથી બિચારા સુરદાસને હેરાન કરતાં શરમાતા નથી ?’ નૃસિંહલાલે પેલા અંત્યજના સ્પર્શથી અપવિત્ર બનેલા બ્રાહ્નણોને કહ્યું.

‘જાઓ !’ એક સિપાઈ મોટેથી બોલ્યો.

‘ચલાઓ !’ એક ગુંડાએ સિપાઈને સહાય આપી. જુગાર કે મારામારીથી કોઈ દિવસ પકડાવાનો પ્રસંગ આવે ત્યારે ડેપ્યુટીસાહેબ થોડી મહેરબાની દાખવે એ અર્થે લાંબા વખતથી ખુશામત કર્યા કરતા ગુંડાઓ સાહેબનો બોલ ઝીલવા તત્પર હતા.

બંને બ્રાહ્મણો ચાલ્યા ગયા.

અરુણ પેલા વૃદ્ધનાં વાક્ય સાંભળી અશ્ચર્યમુગ્ધ બની ગયો. પોતાને મારનારનું પણ ભલું ઈચ્છનાર એ ઢેડમાં વધારે બ્રાહ્મણત્વ, કે સ્પર્શમાત્રથી અપવિત્ર બની એક અંધ, વૃદ્ધ અને બાળકને માર મારનાર બ્રાહ્મણોમાં વધારે બ્રાહ્મણત્વ ?

‘બેટા ! છાનો રહી જા. હવેથી વધારે સંભાળજે. આપણને અડતાં અભડાય તેને અડવાનું કંઈ કામ ? એ એને રસ્તે, આપણે આપણા રસ્તે, લે આ લાકડી.’ ધના ભગતે પોતાની લાકડી ધરી. એ લાકડી વડે પેલો નાનો છોકરો તેને દોરતો હતો.

‘છોકરા ! તારું નામ શું ?’ રંજને પૂછયું.

‘મારું નામ કિસન.’ છોકરાએ જવાબ આપ્યો.

‘લે આ થોડા પૈસા.’ રંજને પાંચ રૂપિયાની નોટ તેને આપવા માંડી, છોકરાએ હાથ લાંબો ન કરતાં પોતાના દાદાની લાકડી ઝાલી. તેણે રંજનને જવાબ આપ્યો :

‘ના, બા ! અમે માગણ નથી.’

રંજન સાંભળી રહી. અસ્પૃશ્ય ગણાતી કોમમાં પણ આત્માગૌરવ તેને દેખાયું. એવા અંત્યજનો સ્પર્શ કરમ ન કરાય?

ધના ભગતને દોરીને કિસન આગળ ચાલવા માંડયો.

‘ભગવાન ! મારા પ્રભુ ! બધાયનું સારું કરજે, નાથ !’ દોરાતે દોરાતે ધનો ભગત બોલ્યો. તેના મનમાંથી ક્લેશ, શોક ઊડી ગયા. પોતાના બાળકને માર મારનાર પેલા બ્રાહ્મણ તરફ ઘડીભર તેને કટુતા આવી ગયેલી. તેનું નિવારણ કરવા પોતાને જ સંબોધી ધના ભગતે ચાલતાં ચાલતાં ગાવા માંડ્યું :

વૈષ્ણવ નથી થયો તું રે ! હરિજન નથી થયો તું રે !
શીદ ગુમાનમાં ઘૂમે…વૈષ્ણવ0

હરિજન જોઈ હૈડું ન હરખે; રુચે ન હરિગુણ ગાતા
ચામદામ ચટકી નથી છટકી, ક્રોધે લોચન રાતાં…વૈષ્ણવ0

તુજ સંગે કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો !
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો !…વૈષ્ણવ0

પરદુઃખી દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો !
વહાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે હું હું કરતો…વૈષ્ણવ0
-દયારામ

રંજનને સુશીલાના મકાનમાં પહોંચાડતાં સુધી અરુણે ધના ભગતનું ધીમે ધીમે આછું સંભળાતું ભજન સાંભળ્યા કર્યું. મોટરમાં બેસી નૃસિંહલાલ તથા અરુણ ત્યાંથી ચાલ્યા. ધના ભગતે કરેલી વૈષ્ણવની વ્યાખ્યાનો અરુણને વિચાર આવવા લાગ્યો.

નૃસિંહલાલે વચમાં વાત કરી :

‘આ ઢેડ઼ લોકો પણ બહુ ફાટયા છે. બીજાને અડકવાનું એને કામ શું ?’

સ્પર્શાસ્પર્શની ભાવના આપણા હૃદયમાં એટલી ઊંડી ચોંટી ગઈ છે કે અસ્પૃશ્યતાને અઘટિત માન્યતા છતાં અંત્યજનો સ્પર્શ કરતાં આપણને સંકોચ થાય છે. નૃસિંહલાલને નોકરી અંગે સ્પર્શાસ્પર્શની છોછ ઘણી ઓછી થઈ ગઈદ હતી; તોપણ અંત્યજો બીજાને અડકવા ઈચ્છે, અને માનવી માનવી વચ્ચે સમાનતા સ્થાપવા મથે, એમાં તેમને અમર્યાદા થતી લાગી.

અરુણે સહજ સ્મિત કર્યું. તેના કાનમાં તો એક જ ઉચ્ચાર સંભળાયા કરતો હતો :

તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો !

તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો !

આચારની ઝીણામાં ઝીણી વીગતોમાં પવિત્રતા સ્થાપવા મથતા બ્રાહ્મણો અને વૈષ્ણવો, એ આચારની વિગતોને અભેદ્ય દીવાલો બનાવી દે છે એમાં કાંઈ ભૂલ નથી થતી ? જે સંગનો રંગ લગાડવાનો છે તેમાં દેહદેહને ખેંચી ખેંચી છૂટા પાડવામાં આવે તો કદી રંગ લાગી શકે ખરો ? દિવસમાં સો વખત નહાતો મરજાદી અને માર મારનારનું પણ ભલું ઈચ્છનાર ધનો ભગત, બેમાં કોણ મોટો વૈષ્ણવ ?