દિવ્યચક્ષુ/૨૩. લાઠીમાર
મેદની ભુલાવી મહામાયા સ્મરાવતી,
ફૂદડી ફરે છે અલબેલી :
સાહેલડી રાસે રમે રે.
કંદર્પના પગ ઉપર એક આછો – વાગે નહિ એવો ફટકો પડયો. પોલીસના ત્રણેક માણસો તેની આસપાસ વીંટળાઈને તેના હાથમાંથી ધ્વજ ખૂંચવવા મથતા હતા.
‘ચાલ, છોડ હાથમાંથી !’ એક સિપાઈએ કહ્યું.
કંદર્પે હસીને પોતાની પકડ મજબૂત બનાવી. સિપાઈઓએ ધક્કામુક્કી કરી; પરંતુ જાણે ધ્વજ ઝૂંટવવાની કે કંદર્પને મારવાની તેમની ઈચ્છા તદ્દન મોળી હોય એમ એક સાર્જન્ટને લાગ્યું. એ મજબૂત ગોરાએ આવી કંદર્પના હાથ ઉપર ભારે બળથી પોતાનો દંડૂકો ફટકાવ્યો. કંદર્પને લાગ્યું કે તેનો હાથ જુઠ્ઠો પડી ગયો. બીજા હાથમાં સંપૂર્ણ બળ એકત્રિત કરી તેણે પેલા ગોરા સિપાઈને કહ્યું :
‘ધ્વજ એમ નહિ છૂટે !’
કસરતી કંદર્પ લાકડીને એક ફટકે જિતાય એમ નહોતું. સાર્જન્ટે કંદર્પના ઘૂંટણ ઉપર બીજો ફટકો માર્યો. કંદર્પના પગ ધ્રૂજી ઊઠયા; તેનાથી બેસી જવાયું. બેસીને પણ તેણે ધ્વજ તો પકડી જ રાખ્યો.
‘છોડ !’ સાર્જન્ટે ધ્વજ ખૂંચવવા માંડયો.
‘મારામાં ભાન છે ત્યાં લગી તો એ નહિ છૂટે ! અભિમાનથી કંદપે કહ્યું.
સાર્જન્ટે તેના માથામાં લાકડીનો પ્રહાર કર્યો. કંદર્પને તમ્મર આવ્યાં. પોતાનો પ્રિય ધ્વજ ખૂંચવાશે કે શું એનો એને ભય લાગ્યો. તેના એક હાથની પકડ ઢીલી પડી. એકાએક તેના હાથમાંથી અરુણે ધ્વજને લઈ લીધો; એ નિહાળી સંતોષભરી મુખમુદ્રાએ તે બેભાન બની ગયો.
અરુણની સામે બે સાર્જન્ટો આવ્યા. બંને જણે તેના હાથમાંથી ધ્વજ છોડાવવા માંડયો. અરુણને થયું કે ધ્વજના દંડ વડે જ આ બેને ફટકાવી કઢાય તો કેવું !
‘અમે ગુનો કરતા હોઈએ તો અમને કેદ કરો. આવું જંગલીપણું બતાવો છો તે તદ્દન ગેરકાયદે છે.’ તેણે ધ્વજ લેવા મથતા સાર્જન્ટોને કહ્યું.
‘કાયદો ? જો અમારો કાયદો !’ કહી એક સાર્જન્ટે મજબૂત ડંગોરો અરુણને માર્યો. અરુણના ખભા ઉપર તે વાગ્યો. વાગતાં બરોબર અરુણનું લોહી ઉકળી આવ્યું. તેને એમ જ થયું કે એ મારનાર સાર્જન્ટનું ગળું દાબી તેને ઊભો ને ઊભો મારી નાખું ! તેની આંખમાં લોહી તરી આવ્યું. સાર્જન્ટને પણ જરા ડર લાગ્યો કે આ તીખો યુવક સામો ઘા કરી બેસશે. ડરને લઈને જે ઘા કરવામાં આવે છે તેમાં પ્રમાણ સચવાતું નથી. એ સાર્જન્ટે અરુણના એ જ ખભા ઉપર બીજો જબરજસ્ત પ્રહાર કર્યો. તે સાથે જ એક હાથમાં ધ્વજ ઝાલી રાખી હાથે અરુણે મહાબળથી સાર્જન્ટના હાથને પકડયો. સાર્જન્ટને લાગ્યું કે આ પંજો માનવીનો નથી !
‘અહિંસા ! અહિંસા !’
હૃદયના ઊંડાણમાંથી અરુણે તીણો નાદ સાંભળ્યો. ક્રોધ અને વેરનો આવેશ એ નાદને દબાવવા મથી રહ્યો હતો, છતાંય એ નાદ સંભળાયો. સાર્જન્ટને પીંખી નાખવા ઉપડેલા હાથની પકડ તો એવી ને એવી જ મજબૂત રહી; પરંતુ ક્રોધભર્યા ક્રૂર મુખ ઉપર એક સ્મિત ફરી વળ્યું : તેનો ક્રોધ એ વાગેલા ઘાનું પરિણામ નહોતું; એ તો એક સ્વામાનભર્યા ગૌરવશાળી યુવકના અપમાનનું પરિણામ હતું. અરુણને બે જબરા ફટકા પડયા હતા. એ ફટકા જોનારને અને સાંભળનારને એમ જ થયું કે અરુણ હમણાં જમીન ઉપર ઢળી પડશે; પરંતુ ઘા ખમનાર ને ઘા જોનાર એ બેના માણસમાં ફેર હોય છે. જોનારને લાગે છે એટલું ખમનારને દુઃખ નથી થતું. અરુણના ખભામાં દુઃખ થતું હતું; પરંતુ ઘા વાગતા પહેલાં તેણે ધાર્યું હતું એટલું અથવા વાગ્યા પછી જોનારાઓને લાગ્યું એટલું દુઃખ તો તેને નહોતું જ થતું. આટલું વાગ્યા ખાતર શા માટે પોતે લીધેલું અહિંસાનું વ્રત તોડવું? વ્રત સાંભરતાં બરોબર તેણે મનને સ્થિર કર્યું. ઝમઝમતા ખભાનો વિચાર બાજુએ મૂક્યો, વગરજરૂરના સ્વમાનને તેણે આઘું બેસાડયું. સાર્જન્ટના મારની નિષ્ફળતા નિહાળતા તેને પોતાનું નહિ પણ સાર્જન્ટનું અપમાન થતું લાગ્યું. ઘા સામે ઘા કરવાની તેને જરૂર લાગી નહિ. પોલીસના લાઠીમારમાં અચલ પર્વતને હઠાવવા મથતા પવનના ક્રોધભર્યા સુસવાટા સરખી નિષ્ફળતા તેને દેખાઈ. ક્રોધની નિર્બળતા અને ધીરજની શક્તિનો એકા-એક તેને ખ્યાલ આવ્યો. એક ક્ષણમાં જ તેનું મન વિજેતાની ક્ષમાશીલ ભૂમિકા પર ચડી ગયું. તેના મુખ ઉપર સ્મિત ફેલાયું. ક્રોધભરી પકડમાંથી ક્રોધ ઓસરી ગયો. અને જોકે બળ તેનું તે જ રહ્યું, તોપણ તેમાં સત્ત્વશાળી મૃદુતાએ પ્રવેશ કર્યો. અરુણને લાગ્યું કે પોતે સાર્જન્ટો કરતાં કોઈ ઊંચી ભૂમિકાએ ઊભો છે. શ્રેષ્ઠત્વ ભોગવતા અરુણે સ્મિત કરી પૂછયું :
‘કહો, તમે કેટલા ફટકા મારી શકશો ?’
બે ફટકા વાગ્યા છતાં ઊભા રહેલા, અત્યંત બળથી હાથ પકડયા છતાં સામે ઘા ન કરતાં સ્મિત વિકસાવતા અરુણને આવો પ્રશ્ન પૂછતો સાંભળી સાર્જન્ટના વિસ્મયનો પાર રહ્યો નહિ. ક્રોધે આવો પ્રશ્ન પૂછતો ક્ષણમાં પાછો કેમ હસી શક્યો તેની સાર્જન્ટને ખબર પડી નહિ.
‘એક માણસને વધારેમાં વધારે મારી શકાય એટલા ફટકા તો તમને પડયા છે. ધ્વજ છોડી દ્યો; હું હવે તમને એક પણ ફટકો મારી શકીશ નહિ.’ સાર્જન્ટમાં રહેલું મનુષ્યત્વ બોલી ઊઠયું.
‘બે ફટકે ધ્વજ ન છૂટે; ભાન કે જીવ જાય ત્યારે જ એ તમારે હાથ આવે !’
‘તેમ સામા થતા નથી પછી હું કેમ મારું ?’ સાર્જન્ટ Sportsman – બહાદુર હતો. અરુણના અહિંસક વર્તનથી ગૂંચવાઈને તે બોલ્યો.
‘હું સામો જ થાઉં છું. આ ધ્વજ હું જરૂર સામેના મેદાનમાં રોપવાનો !’
એમ કહી અરુણ આગળ વધ્યો અને તેની પાછળ ‘વંદેમાતરમ્’ નો ગગનભેદી નાદ સ્વયંસેવકોએ કર્યો.
‘Hit him hard, you fool !’ બીજો સાર્જન્ટ આગળ વધતા સ્વયંસેવકોને અટકાવવા લાઠી મારતો હતો, તેણે બૂમ પાડી.
‘I simply can’t.’ પહેલા સાર્જન્ટે જવાબ આપ્યો.
ગુસ્સે થઈને બીજા સાર્જન્ટે સ્વયંસેવકોને બાજુએ રાખ્યા, અને સ્થિરતાથી આગળ વધતા અરુણની સામે આવી તેને અટકાવ્યો.
‘અહીં જ અટકી જાઓ !’ તેણે આજ્ઞા કરી.
સ્મિત કરતાં અરુણે વિવેકથી જવાબ આપ્યો :
‘નહિ જી !’
અરુણનો સ્મિત અને વિવેકભર્યો અનાદર બીજા સાર્જન્ટને ઘણો ભારે પડી ગયો. તેના ક્રોધમાં એથી વધારો થયો. તેણે પોતાનો મજબૂત દંડ ઊંચક્યો અને અરુણના મસ્તક ઉપર જોરથી પછાડયો. ફટકાનો અવાજ સાંભળનાર સહુ કોઈને લાગ્યું કે અરુણની ખોપરી ફૂટી ગઈ હશે. પહેલા સાર્જન્ટથી બોલાઈ ગયું :
‘You brute !’
દેહ અને દેશશક્તિની ઈશ્વરે મર્યાદા ઘડી છે. માથામાં ફટકો વાગતાં અરુણને કાંઈ ભારે દેહકષ્ટ ન થયું – થયું તો તેની અતિશયતામાં સમજાયું નહિ. દુઃખની અતિશયતામાં દુઃખનો વિસારો છે; પરંતુ તેને લાગ્યું કે આખું જગત હાલે છે, ડોલે છે, ફરે છે, ફરે છે. તેના પગ નીચેથી પૃથ્વી તેને અધ્ધર રાખી નીચે ઊતરી જતી હોય તેમ તેણે સર્વાંગ શિથિલતા અનુભવી.
‘મારો ધ્વજ’ – મૂર્છિત બનતા તેના મને પ્રશ્નો પૂછયો. અને તેના દેહમાં જરા ચેતન આવ્યું. ધ્વજને વળગેલી મૂઠીમાં રહ્યુંસહ્યું બળ સંક્રાંત થયું. તેણે પડતા ધ્વજને પકડી રાખ્યો; પરંતુ તેનાથી આગળ વધીને જવાશે શી રીતે? દૃષ્ટ-સૃષ્ટિમાં ચક્રમંડળ ફરતી હતી; પૃથ્વી પાતાળમાં ઊતરી જતી હતી.
‘ધ્વજ કોણ રોપશે ?’ તેના વીખરાતા મને એકાગ્ર બની પૂછયું.
‘લાવો, ધ્વજ મને આપો !’ હાલતી સૃષ્ટિમાં એક રૂપસુંદરીએ પ્રવેશી કહ્યું.
‘એ કોણ હશે ?’ બેભાન બનતા અરુણથી સમજાયું નહિ; છતાં તેના ઉપર સહજ વિશ્વાસ આવ્યો.
‘તમે ધ્વજ રોપશો ?’ તેણે લથડતી જીભે પૂછયું.
‘બેશક ! હું ધ્વજ રોપીશ.’ દિવ્યસુંદરીએ જવાબ આપ્યો. અરુણની મુઠ્ઠી ઊઘડી ગઈ. ધ્વજ હાથમાં તેણે પડવા દીધો, અત્યંત વિશ્વાસથી પડવા દીધો. પુરુષથી નહિ થાય તે સ્ત્રી જરૂર કરશે એવી સ્પષ્ટ ભાવ તેના અસ્પષ્ટ મનઃપટ ઉપર ચીતરાઈ રહ્યો. એ ખ્યાલ સાથે જ તેના પગ અમળાઈ પડયા; ઊભો હતો ત્યાં ને ત્યાં ઢગલો બની નીચે પડયો.
તેનું મન ભાન ભૂલ્યું, માત્ર એક જ વિભાગ ટમટમ જાગ્યા કરતો હતો. ‘ધ્વજ ! ધ્વજ !’ એટલું જ તેના મનને ભાન હતું. સૂનકારમાં તેણે અવાજ સાંભળ્યો :
‘વંદે…માતરમ્ !’
તેણે આંખ ઉઘાડી. તેનાથી બોલાઈ ગયું :
‘ધ્વજ રોપ્યો ?’
‘હા, રંજને હમણાં જ રોપ્યો.’ કોઈ સ્ત્રીએ કહ્યું.
અરુણના મુખ ઉપર પ્રસન્નતા ફેલાઈ. તે યુવતી સામે જોઈ હસી, તેણે આંખ મીંચી દીધી. પુષ્પાએ તેને ખભા ઉપર જ રહેવા દઈ તેની આંખો દાબી દીધી. અરુણ અભાનતામાં પૂરો ઊતરી ગયો.