દિવ્યચક્ષુ/૩૩. કિસનની માંદગી
રુદન તો હવે લોહીમાં મળ્યું;
રુદનનો મને ઘા નહીં કશો !
રડી મરું અહીં સાંભળે ન કો ?
ન મુજ મૃત્યુથી કોઈને કશું !
સુરભિ, સુશીલા અને પુષ્પા એ ત્રણેની આંખ આંસુથી ભરાઈ ગઈ. સજા પામેલા વીરોનાં મુખ હસતાં હતાં; તેમના હૃદયમાં ગર્વ હતો. અણગમતી સરકાર અસ્વીકારની બહુ સરસ ચેષ્ટા (gesture) તેમણે કરી હતી; પરંતુ સ્ત્રીહૃદય તો સુખમાં અને દુઃખમાં રડી પડે છે. કૃષ્ણકાંત પણ ગંભીર બની ગયો. આર્થિક આફત તેના મુખ ઉપરનું હાસ્ય મિટાવી શકી નહોતી; પરંતુ પોતના સ્નેહીઓને કેદમાં ઘસડાતા જોતાં મુખ ઉપરનું હાસ્ય ઓસરી ગયું. તેણે સિગાર પીવી ઓછી કરી નાખી હતી; છેલ્લા દિવસોમાં તેણે બિલકુલ સિગાર પીધી જ નહોતી. અત્યારે તેના ભારે થઈ ગયેલા મસ્તિષ્કને જાણે કોઈ ઉતારની જરૂર હોય એમ તેને જણાયું ધનસુખલાલની વ્યગ્રતા તેમના હલનચલનમાં અને બોલીમાં દેખાઈ આવતી હતી. તેઓ જેની તેની સાથે ઉતાવળું ઉતાવળું બોલતા હતા કે તેમના હૃદય ઉપર કશી અસર થઈ જ નથી. નૃસિંહલાલ ઢગલો બનીને એક ખુરશી ઉપર ઢળી પડયા હતા.
આરોપીઓએ જામીન ન આપવાની હઠીલાઈ કરી, અને તેથી તેમને કેદમાં જવું પડયું. આરોપીઓની મોટરગાડી ચાલી ત્યારે બપોરના ચાર વાગી ગયા. કૃષ્ણકાંત, સુરભિ અને ધનસુખલાલ તો સવારનાં જ ભૂખ્યાં હતાં. આરોપીઓની સાથે જવામાં, આરોપીઓને સમજાવવામાં, મૅજિસ્ટ્રેટની સાથે મસલતો કરવામાં અને અધિકારી મિત્રો ઉપર લાગવગ પહોંચાડવાના પ્રયાસમાં તેમનો બધો જ સમય વીતી ગયો હતો.
ધીમે ધીમે માણસો વેરાવા લાગ્યાં. જે સ્થળે આરોપીઓને કેદ રાખવાના હતા તે સ્થળ શોધી કાઢી ત્યાં આગળ જમા થવાની વૃત્તિને લીધે અદાલતમાં ઊભરાતો માનવસમૂહ ઓછો થઈ ગયો.
‘કાકા ! આપ પધારો. હું જરા પોલીસસ્ટેશનને જઈ આવું.’ કૃષ્ણકાંતે કહ્યું.
‘મેં પોલીસ-અમલદારને કહી મૂક્યું છે, કશી અડચણ પડશે નહિ. તમે બંને મારી સાથે ચાલો. જરા જમો, આરામ લો, પછી આપણે જઈ આવીશું.’ ધનસુખલાલે કહ્યું.
‘ના ના, કાકા ! રંજન એકલી છે; હું ઘેર જ જઈશ.’
‘એને તારે ઘેરથી લઈ લઈએ. મોટરમાં કેટલી વાર થવાની છે ?’ ધનસુખલાલે આગ્રહ કર્યો.
કૃષ્ણકાંતે આ આગ્રહી વૃદ્ધ સાથે વધારે વાદવિવાદ ન કર્યો. પોતાને ઘેર ગયા પછી ગમે તે કારણે ના પાડી શકાશે એમ ધારી તેણે મોટર મંગાવી. કૃષ્ણકાંત આગળ બેઠો; બીજાં ચાર જણ જેમ તેમ કરી મોટરમાં સમાયાં, મોટર ઊપડી અને સામેથી એક મોટરમાં રંજન જતી દેખાઈ. રંજને હસીને રૂમાલ પણ હલાવ્યો. રંજનની સાથે કોઈ પુરુષ હતો તે ન ઓળખાયો.
‘રંજન ગઈ ?’ પુષ્પાએ પૂછયું.
‘હા. ક્યાં ગઈ હશે ?’ સુશીલાએ પૂછયું.
‘ચૉકી ઉપર.’ પુષ્પાએ જરા ભાર દઈ કહ્યું.
‘અરે ચૉકી એ બાજુએ ક્યાં આવી ? એ તો આમ છે.’ કહી ધનસુખલાલે પુષ્પાની ભૂલ સુધારી.
‘હવે ?’ સુરભિ બોલી.
‘હજી મોટર દેખાય છે. આપણે એને પકડી શકીશું. સહુને દેખીને એ ઊભી કેમ ન રહી તે મને સમજાતું નથી.’ કહી કૃષ્ણકાંતે શૉફરને ગાડી પાછી વાળવા હુકમ કર્યો. થોડી ક્ષણનો પ્રશ્ન હતો એટલે કોઈએ વાંધો લીધો નહિ.
પરંતુ રંજનની મોટર ધાર્યા કરતાં વધારે ઝડપથી જતી હતી. કૃષ્ણકાંતે મોટર હાંકનારને વધારે ઝડપ કરવા સૂચવ્યું. ઝડપ પણ જુગાર જેવી જ મોહક હોય છે. કોઈ પણ વાહનને ઓછી ઝડપ અપમાનભરી લાગે છે કૃષ્ણકાંતની મોટર પૂરઝડપમાં છૂટી. રંજનની મોટર સહજ દૂર રહી એટલે પાછલી મોટરે ખૂબ ભૂંગળાં (horn) વગાડયાં, પરંતુ રંજનની ગાડી ઊભી ન રહી. શહેરના ભાગમાં આવતાં એક ખાંચા આગળ રંજનની મોટર છેવટે ધીમી પડી; એવામાં જ કૃષ્ણકાંતની મોટર પાસે આવી ગઈ.
‘રંજન !’ કૃષ્ણકાંતે ધીમે બૂમ પાડી
મોટર હાંકનારે મોટર ઊભી રાખી. રંજને જરા ચિડાઈને હાંકનારને કહ્યું :
‘કેમ રોકો છો ? સમજ છે કે નહિ ?’
ઘુર્ર્ર્ કરતી ગાડી આગળ વધી. રંજનની વિલક્ષણતા કોઈના સમજવામાં ન આવી. કૃષ્ણકાંતે ગાડી પાછળ હંકાવી. ખાંચાખૂંચીમાંથી પસાર થવાનું હતું. ધનસુખલાલ બોલ્યા :
‘આપણે ક્યાં આવ્યાં ? વાઘરીવાડ છે કે ધૂળધોયાવાસ ?’
શેરીનો દેખાવ જોઈ જરા ઘૃણાપૂર્વક તેમણે બંને નીચ મનાતા વર્ગો ઉપર ભાર દીધો. નીચ કોમોએ ઊંચી કોમોનું કાંઈ જ બગાડયું નથી કે જેથી તેમનો તિરસ્કાર કરવા ઉચ્ચ વર્ગ પ્રેરાય, છતાં હિંદુસમાજની ઉચ્ચ કોમો હલકી કોમો માટેનો તિરસ્કાર કેળવે છે, અને હલકી કોમો પણ પોતે એ તિરસ્કારની જ અધિકારી છે એમ માને છે, પરંતુ ધનસુખલાલને વધારે ચમકાવનારો જવાબ પુષ્પાએ આપ્યો :
‘ભાઈ ! આ ઢેડવાસ છે.’
‘શું ?’ હબકી ગયા હોય તેમ ધનસુખલાલ પોકારી ઊઠયા.
‘હા, ભાઈ ! આ તો ધના ભગતના ઘર પાસે જઈએ છીએ.’
‘કેમ ? આ ભ્રષ્ટવેડાની કાંઈ જરૂર ? મારે બધાં કપડાં પલાળવાં પડશે.’
‘રંજનની પાછળ જતાં જતાં અહીં આવી ચડયાં.’
એટલામાં રંજનની મોટર અટકી અને પાછળની મોટર પણ અટકી. ધના ભગતના ચોતરા ઉપર કેટલાક મરદો અને બૈરાં ઊભાં હતાં.
‘રંજન અહીં ક્યાંથી આવી ?’ ધનસુખલાલે પૂછયું.
‘હમણાં વાત ન કરાવશો. પેલો બિચારો કિસન ! કહે છે કે છેલ્લી ઘડી છે.’ મોટરમાંથી ઊતરતાં ઊતરતાં રંજને કહ્યું. રંજનની સાથે કૃષ્ણકાંતના કુટુંબ-ડૉક્ટર ઊતર્યા. હાથમાં બૅગ લઈ તેઓ ઝપાટાબંધ રંજનની પાછળ ધના ભગતની ઝૂંપડીમાં ગયા.
‘હાય હાય ! છોકરો બિચારો આવો માંદો છે ?’ સુશીલાથી નીચે ઊતરી બોલાઈ ગયું.
‘અરે બા ! વાત ન કરો; તાળવું ફાટી જાય એવો તાવ છે. એક છાતી ઉપર અને એક પગમાં ડામ દીધો તોય હજી ઊતરતો નથી !’ ચોતરા ઉપર ઊભેલી એક બાઈ બોલી.
સુશીલાની આંખો ફાટી ગઈ. બે ડામ ? એ કુમળા કિશોરની આ દવા? તે ધસીને ઝૂંપડીમાં ગઈ; પાછળ પુષ્પા પણ ગઈ. ધનસુખલાલ મૂંઝાઈને ઊભા રહ્યા. આ છોકરીઓ શું કરે છે તે તેમને સમજાયું નહિ. ઢેડના ઘરમાં કેમ પેસાય ! વૈષ્ણવઘરમાં જન્મ લેનાર પુત્રીઓ અચકાતી કેમ નથી ?
‘કાકા, અંદર આવો તો ખરા ? બિચારા ભગતને સારું લાગશે.’ કૃષ્ણકાંતે કહ્યું.
‘ના ના, ભાઈ ! હું તો અહીં જ ઠીક છું. એ તો તમારું સુધરેલાનું કામ.’
કૃષ્ણકાંતે અંદર ડોકિયું કર્યું. અંદર ઘણાં માણસો ભેગાં થઈ ગયાં હતાં. ડૉક્ટરે હાથ પકડી બધાંને ખસેડયાં ત્યારે પોતે દર્દીની પાસે જઈ શક્યા. ડૉક્ટરને અને મડમ જેવી રૂપાળી યુવતીઓને સહુએ જગા આપી અને બધાં બોલતાં બોલતાં આઘાં ખસ્યાં.
‘બિચારા ભગતનું નસીબ !’ ‘સારાં માણસો ક્યાંથી ?’ ‘છોકરો નથી બચવાનો.’ ‘ઝોડ વળગ્યું લાગે છે.’ ‘ના ના, એ તો નજર.’ ‘નજર લાગે એવો જ છોકરો હતો, બા !’ આ પ્રમાણે બધાં બૈરાં બોલ્યાં કરતાં હતાં. કિસન એક ગોદડી ઉપર સૂતો હતો. તેના ઉપર બીજી ગોદડી ઓઢાડેલી હતી. ભગત કાંઈ મનમાં બોલતા હતા. ડૉક્ટરે સિસકારી બોલાવી સહુને ચૂપ રાખ્યાં.
‘ભગત ! હું ડૉક્ટરને તેડી લાવી છું; અંગ્રેજી ભણેલા વૈદ.’ રંજને કહ્યું.’
‘મોટો વૈદ પ્રભુ, અને મોટી દવા એનું નામ; બહેન ! શું કરવા તસ્દી લીધી ?’ છોકરાને માથે હાથ ફેરવતાં ભગત બોલ્યા.
‘આટલો બધો તાવ છે ને ? જરા ડૉક્ટરની દવા કરીશું તો ઠીક થઈ જશે.’ રંજને કહ્યું.
‘પ્રભુએ આપ્યો છે ને પ્રભુ નહિ બચાવે ? હે નાથ ! તારે ચરણે એને મૂક્યો છે. તારા ગરીબ ભગતને મરતી વખતે રડાવવો હોય તો તું જાણે !’ ભગતના હોઠ ધ્રૂજ્યા.
‘દાદા ! પ્રભુ ક્યાં છે ?’ કિસન લવ્યો.
‘દીકરા ! જ્યાં નજર નાખીશ ત્યાં પ્રભુ છે. જ્યાં મન દોરીશ ત્યાં પ્રભુ છે : મારો દીનદયાળ !’
‘દીનદયાળ !’ કિસને પડઘો પાડયો.
‘બોલ, બેટા ! દીનદયાળ.’
‘દીનદયાળ દાદા ! ભગવાન… દેખાય…ખરું ?’
‘હા, બેટા !’
‘મને દેખાય છે.’ કિસને કહ્યું. અને હસતું મુખ રાખી તે શાંત પડયો.
ડૉક્ટરના ગળામાં ડચૂરો આવ્યો. અંધ વૃદ્ધ પુરુષની કરુણાભરી શ્રદ્ધા તેના કઠણ હૃદય હલાવી રહી હતી. તેણે નીચે બેસી કિસનનો હાથ ઝાલ્યો. હાથ ઝાલતાં બરાબર તેનું મુખ ગંભીર બની ગયું. તેણે રંજન ભણી ડોકું હલાવ્યું.
સુશીલાને તે જોતાં જ ફેર આવ્યા. તેનું હૃદય દેહમાંથી નીકળી નાસતું હોય એમ તેને લાગ્યું. તે એકદમ જમીન ઉપર પડી ગઈ. કૃષ્ણકાંત અંદર દોડી આવ્યો; પુષ્પાએ સુશીલાને ઝાલી લીધી; પરંતુ સુશીલાનું શરીર ખેંચાતું હતું. એક બાઈએ બહાર નીકળી ધનસુખલાલને કહ્યું :
‘અંદર તો બહેન બેભાન થઈ ગયાં છે !’
ધનસુખલાલ અંદર દોડયા. ઢેડની ઝૂંપડીમાં પ્રવેશ ન થાય એ ધર્મસૂત્ર તેઓ અત્યારે ભૂલી ગયા. માંદા માણસની સારવાર કરવી એ તેમને માટે અશક્ય હતું. તેઓ જાતે એટલા ગભરાઈ જતા કે તેમની સારવાર ઊલટી હરકતરૂપ થઈ પડે. આસપાસ ઊભેલી અંત્યજ સ્ત્રીઓને તેઓ કહેવા લાગ્યા :
‘જરા પાણી લાવો, પાણી છાંટો એના મોં ઉપર !’
ડૉક્ટરે બધાંને ઝૂંપડી બહાર કાઢયાં, એક-બે અંત્યજ બાઈઓ પોતાના લૂગડા વડે સુશીલાને પંખો નાખવા લાગી. સુશીલાનો દેહ ખેંચાયો હતો, અને તેના કંઠમાથી કોઈ દુઃખભર્યા રુદનના ટુકડા સંભળાતા હતા.
‘શું થયું, બહેન ?’ ભગતે ધીમે રહી રંજનને પૂછયું.
‘એ તો મોટી બહેનને તાણ આવી ગયું.’
‘અરે, અરે ! એ હરિજન અહીં ક્યાંથી ?’
‘કિસનને જોવા. કાકા પણ આવ્યા છે, ભાઈ પણ આવ્યા છે.’
‘શું કહો છો ? ગરીબના ઘરમાં આખો રજવાડો શો ? પ્રભુ ! તુંહી, તુંહી ! આ તારો બાળક તારા ખોળે છે !’
સુશીલાને તાણ વળ્યું. તેનું રુદન બંધ થયું. તેની આંખો ઊઘડી ગઈ. ધનસુખલાલના જીવમાં જીવ આવ્યો. ડૉક્ટરે કહ્યું :
‘મોટીબહેનને બહાર લઈ જઈએ. અહીંની ગિરદી તેમનાથી સહન ન થઈ.’ ડૉક્ટર બધાંને ઓળખતા હતા.
‘હા હા; ચાલો.’ કહી ધનસુખલાલ અણઆવડત દેખાઈ આવે એવી રીતે સુશીલાને ઊંચકવા લાગ્યા.
‘આપ રહેવા દો; હું અને સુરભિ થઈને લઈ જશું.’
‘હા ભાઈ ! તેમ કરો. હું તો હવે ઘરડો થયો.’
સુશીલા બેઠી થઈ ગઈ. તેને કૃષ્ણકાંત, સુરભિ અને ડૉક્ટર ટેકો આપવા લાગ્યાં.
‘ના ના, કાંઈ જરૂર નથી; હું મારી મેળે ઊઠીશ.’ સુશીલાએ કહ્યું અને કિસનની પથારી ભણી નજર રાખી ઊઠવા માંડયું. તેને ઊઠતાં ઊઠતાં ચક્કર આવ્યાં. તેણે તત્કાળ કૃષ્ણકાંતનો ખભો ઝાલી લીધો.
‘મારે કિસનને જોવો છે.’ સુશીલાએ કહ્યું.
‘ના મોટીબહેન ! તમને ફરી તાણ આવશે.’ ડૉક્ટરે કહ્યું. દાદા અને તેના દીકરા વચ્ચેનો ઈશ્વરસ્મરણનો પ્રસંગ ડૉક્ટરના હૃદયને પણ હલાવી રહ્યો હતો. તે જ પ્રસંગે સુશીલાનું ભાન ભુલાવ્યું હતું એ સમજી જનાર ડૉક્ટરે તેને દર્દી પાસે આવવાની મના કરી.
‘ડૉક્ટરસાહેબ ! મને હવે કાંઈ નહિ થાય. મારું મન સ્થિર થયું છે.’ કહી સુશીલા આગળ આવી અને રંજનની જોડે બેસી ગઈ. તેને તીવ્ર ઈચ્છા થઈ આવી કે પોતે તે બાળકનું મસ્તક ખોળામાં લઈ લે. તેણે એ વૃત્તિને પ્રબળ પ્રયાસ કરી રોકી. કિસનના મુખ સામે તે જોઈ રહી.
‘દાદા ! કોઈ રડતું હતું ?’ કિસને પૂછયું. જ્વરની અતિશયતામાં તેને ક્વચિત્ ભાન આવતું અને ક્વચિત્ શૂન્ય બની જતો.
‘બેટા ! રડવાની વાત જ ન કરવી. પ્રભુ તો હસતો અને હસાવતો જ રહે છે. જો, મા વગરનો તું, તો મને પ્રભુએ આજે મા આપી – એક નહિ, ચાર ચાર !’ ધના ભગતે કહ્યું. કોણ કોણ યુવતીઓ આવી હતી તે તેમણે જાણી લીધું હતું. સુશીલાને લાગ્યું કે પોતાનું હૃદય એક ક્ષણ ધબકતું બંધ પડી ગયું હતું.
ધનસુખલાલની સ્પર્શાસ્પર્શી સુષુપ્ત બની ગયેલી વૃત્તિ પાછી જાગૃત થઈ. તેને ધના ભગત માટે એક પ્રકારનું માન હતું; પ્રભુનાં મર્મભેદી સ્તવનો સંભળાવી હૃદયને પવિત્ર કરતા એ મહાર તરફ તેને એક પ્રકારનો સમભાવ હતો; પરંતુ એ માન અને સમભાવ જાતિભેદ ભુલાવી શકે તેમ નહોતું. એ ભક્ત ખરો; પરંતુ તેનો સ્પર્શ થાય નહિ. પ્રભુનું નામ લેતો અંત્યજ પવિત્ર ખરો; પરંતુ તેને ઓટલે બેસાડાય. તેનો ભક્તિભાવ પોતાના હૃદયને અડતી ઊર્મિઓ ઉછાળે તેની હરકત નહિ; પરંતુ તેનો દેહ પોતાના દેહને અડકવો ન જોઈએ. વર્તમાન કેળવણી પામેલાઓને આમાં કદાચ અતિશયોક્તિ લાગે; પરંતુ ઉમદા મનવાળા ભાવિક હિંદુઓમાંથી ઘણાને આવ જ સંસ્કાર જામી ગયા હોય છે.
ધનસુખલાલના મુખ ઉપર અંત્યજસ્પર્શની વ્યગ્રતા સ્પષ્ટ થઈ. હવે બધાં આ ભ્રષ્ટાચારમાંથી ખસે તો સારું એમ ઈચ્છતા ધનસુખલાલે જોયું કે કિસન આંખ ઉઘાડી ચારેપાસ જોતો હતો.
‘દાદા ! બધાં ભજન સાંભળવા આવ્યાં છે?’ તે બોલ્યો.
‘ના. દીકરા ! તને જોવાને આવ્યાં છે.’
‘પણ બધાંને નહાવું પડશે તે ?’ રોજ ધનસુખલાલને ત્યાં જતા બાળક કિસનને ધનસુખલાલના ઘરની રૂઢિ માલૂમ હતી; તેને ચિંતા થઈ.
ધનસુખલાલની વ્યગ્રતા ઊડી ગઈ. કિસનનો છેલ્લો પ્રશ્ન સાંભળી તેઓ ગંભીર બની ગયા. સુશીલાથી રહેવાયું નહિ. તેણે કિસનને કપાળે હાથ મૂક્યો.
કિસન ચમક્યો; તેણે માથું ખસેડયું અને સામે જોઈને કહ્યું :
‘મોટાં બા ! શું કામ અડકો છો ? બધાં કપડાં પલાળવાં…’ થાકને લીધે વાક્ય પૂરું કરી શક્યો નહિ; તેણે આંખો મીંચી દીધી. સ્પર્શમાં રહેલી ભેદભાવના સામે ઝૂઝવા મથનાર આ કિશોર પોતાના હિતસ્વીઓની ધર્મલાગણી સાચવવા માટે માંદગીને બિછાનેથી પણ ચિંતા કરી રહ્યો હતો.
‘આવા સમયે આવા સ્પર્શમાં દોષ ખરો ?’ પહેલી જ વાર ધનસુખલાલને સ્પર્શભેદની રૂઢિ માટે શંકા ઊઠી. જૂની ભાવના છોડતાં હૃદયમાં ભારે યુદ્ધ થાય છે. એ યુદ્ધની આગહી આપતી વિકળતામાં તેઓ બહાર ચાલ્યા આવ્યા. રંજને કહ્યું :
‘મોટી બહેન ! હવે જાઓ. કાકા ક્યારના અકળાઈ રહ્યા છે. તમે બધાંએ ભારે હિંમત કરી અહીં આવવાની !’
‘અમે તો તારી પાછળ અકસ્માત જ આવ્યા. આવ્યા તે સારું થયું. કચેરીની ધમાલમાં ભગતને તો ભૂલી જ ગયાં હતાં. હવે તુંયે આવે છે ને ?’ પુષ્પાએ કહ્યું.
‘ના રે ના ! હું તો આ કિસનને તાવ ન ઊતરે ત્યાં સુધી અહીં જ બેસી રહીશ. ભગતથી કાંઈ એને બરફ ઘસાય કે એની બીજી ચાકરી થાય ?’
‘ત્યારે હુંયે તારી સાથે જ બેસું તો ? વારાફરતી છોકરાની પાસે બેસીએ.’ સુશીલાએ કહ્યું.
ડૉક્ટરે ગંભીરપણે સુશીલાને ત્યાં આગળ વધારે રોકાવાની મના કરી; ધના ભગતે પણ આગ્રહ કર્યો :
‘ઓ મા ! તમે તો બધાં જગદમ્બાસ્વરૂપ ! મારે ઘેર તમારાં પગલાં થયાં એ મારા કિસનના ધનભાગ્ય. હવે તમે પધારો. તમારો આર્શીવાદ કિસનની રક્ષા કરશે.’
મહામુશ્કેલીથી સુશીલા પથારી પાસેથી ખસી. રંજન પણ બધાંને મૂકવા બહાર આવી. તેણે પોતાની ભાભીને કહ્યું :
‘મારો ઊંચો જીવ ન કરશો. કિસનને તાવ ઊતરશે એટલે હું પાછી આવું છું. રાત્રે નવેક વાગી જાય અને હું ન આવું કૉફી મોકલજો.’ રંજને આખી રાતના ઉજાગરા માટે તૈયારી કરી હતી.
સુશીલાએ ડૉક્ટરને એક બાજુએ બોલાવી પૂછયું :
‘ડૉક્ટરસાહેબ ! હવે કેમ લાગે છે ?’
‘કાંઈ નહિ. તમને તો સહજ…’
‘હું મારી વાત નથી કરતી; પેલા છોકરા માટે પૂછું છું.’
‘હું આવ્યો ત્યારે નાડીમાં ધબકારો પડતો હતો; અત્યારે ધબકારા નિયમિત છે એટલે કાંઈક આશા ખરી.’
‘ડૉક્ટર ! મહેનત બાકી ન રાખશો; તમે ધાર્યું નહિ હોય એટલું ઈનામ આપીશ, પણ છોકરો બચવો જોઈએ !’
‘આપને સંતોષ થાય એ મારે તો મોટું ઈનામ. કૃષ્ણકાંતના અને આપના કુટુંબ માટે કહેવું નહિ પડે.’
‘તમે આખી રાત છોકરા પાસે રહો તો ?’
‘ઘણું કરીનેક એમ જ થશે. રંજનબહેન છોડશે નહિ.’
સુશીલાએ ખિસ્સામાંથી નોટ કાઢી ડૉક્ટરને કહ્યું : ડૉક્ટર ! રાતની ફી હું આપું છું.’
‘એ શું બોલ્યાં, બહેન ? હું કાંઈ અત્યારે ફી લેવા આવ્યો નથી.’ કહી ડૉક્ટરે હાથ લાંબો પણ ન કર્યો, અને ત્યાંથી તે ખસી ગયા.
‘બંને મોટર ચાલી; રંજનવાળી મોટરમાં ત્રણ સ્ત્રીઓ બેઠી, અને કૃષ્ણકાંતની મોટરમાં બંને પુરુષો બેઠા.
‘મોટર પાછી જલદી આવે હોં ! વખતે અહીં જરૂર પડે.’ રંજને પોતાની ભાભીને ચાલતી મોટરમાં કહ્યું.