દિવ્યચક્ષુ/૩. પિતાનું વાત્સલ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. પિતાનું વાત્સલ્ય

રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા, કેમ આધાર ભૂલું પિતાજી !

–દલપતરામ

નૃસિંહલાલે રંજનને પહેલી બેસાડી; જોડે અરુણને બેસાડયો; અને અરુણની સાથે પોતે બેસી ગયા. નૃસિંહલાલ પુષ્ટ હતા. રંજન પાતળી નહોતી; ઉપરાંત તેને ફેલાઈને બેસવાની ટેવ હતી. રંજનને જરા પણ અડકાય નહિ એવી કાળજી રાખી સંકોચાયા કરતા અરુણને લાગ્યું કે મોટરમાં પણ આગગાડીની માફક સ્રીઓ માટે જુદાં ખાનાં રાખવાની જરૂર છે ! સ્રી-પુરુષોના સંસર્ગને વધારતા આ યુગમાં અરુણનો સંકોચ જૂની ઢબનો કહેવાય.

‘અરુણભાઈ ! મેં તો એમ સાંભળ્યું છે કે મૅજિસ્ટ્રેટ તમારા મિત્ર છે.’

રંજનને અને અરુણને બહુ લાંબો પરિચય ન હતો. છ-આઠ માસ ઉપર એક લાંબા સમયથી ચાલ્યા કરતા રાજકીય મુકદ્દમાનો નિકાલ આવ્યો; તેમાં પચીસેક યુવકોને સજા થઈ અને દસેક યુવકો છૂટી ગયા. રાજ્યને ઉથલાવી નાખવાના કાવતરામાં સામેલ થવાનો સહુ ઉપર આરોપ હતો. આ આરોપીઓમાંથી કોઈએ પોતાનો બચાવ કર્યો જ નહિ; એટલે કાગળો ઉપરથી અનુમાન બાંધી તથા પોલીસ અમલદારોની જુબાનીઓ ઉપર આધાર રાખી ન્યાયાધીશને ચુકાદો આપવો પડયો. ન્યાયાધીશે બચાવ કરવા માટે આરોપઓને ઘણા સમજાવ્યા; પરંતુ તેમણે હઠે ભરાઈ પોતાનો બચાવ કર્યો જ નહિ. ગૂંચવણમાં આવી પડેલા ન્યાયાધીશે ન્યાય કરવા બહુ જ પ્રયત્ન કર્યો; અને અંતે પોલીસની મરજી વિરુદ્ધ તેમણે દસ આરોપીઓને છોડી દીધા અને પચીસને ઓછીવધતી સજા કરી.

છૂટી ગયેલા આરોપીઓમાં અરુણ પણ હતો. અરુણના પિતા સરકારી નોકરીમાં સારો દરજ્જો ભોગવતા હતા. ઉત્તમ વિદ્યાર્થી તરીકે પંકાયલા અરુણને નોકરીમાં દાખલ કરી દેવાની તેમને તીવ્ર ઈચ્છા હતી; અને પોતાની લાગવગથી તેઓ અરુણને સારી જગ્યા અપાવી શક્યા હોત, પણ અરુણે સરકારી નોકરી કરવાની ચોખ્ખી ના પાડી.

ભણી રહીને ફર્યા કરતો અરુણ ત્રણેક વર્ષમાં તો એક ભયાનક રાજદ્રોહી કાવતરામાં સંડોવાયો. તેના પિતાએ હજારો રૂપિયા ખરચી નાખ્યા, ચિંતા અને રખડપટ્ટીમાં લોહીનું પાણી કરી નાખ્યું. બચાવ કરવાની અને વકીલોની સલાહ લેવાની એકેએક આરોપીઓએ ના પાડી છતાં અરુણના પિતાએ વકીલોની પૂરતી સલાહ મેળવી. અરુણ વિરુદ્ધ પુરાવો મળી શક્યો નહિ એટલે તે છૂટી ગયો.

અરુણ કોઈ પણ ચોક્કસ કાર્યમાં રોકાઈ જાય એવી તેના પિતાને ઘણી ઈચ્છા હતી. સરકારી નોકરી મળવાની આશા નહોતી છતાં મહામહેનતે સહકાર્ય ખાતાની અર્ધસરકારી નોકરી તેના પિતાએ તેને માટે ખોળી કાઢી. એ ખાતાના નવા ઉપરી એક નવા યુરોપિયન હતા. અરુણના પિતાએ તેમની પાસે નોકરી કરી તેમની મહેરબાની મેળવી હતી. અરુણને ઠેકાણે પાડી દેવાની પોતાની તીવ્ર ઈચ્છા તેમણે સાહેબને જણાવી. એકમાર્ગી ચળવળિયા અગર ભાવનાશીલ યુવકો સહકાર્ય ખાતામાં સારું કામ કરી શકે એવી માન્યતાવાળા સાહેબે અરુણને મુલાકાત માટે બોલાવ્યો.

અરુણ સાહેબની પાસે ગયો; સાહેબે ભાવપૂર્વક તેને બોલાવ્યો. ખાદીનાં વસ્ર પહેરેલા અરુણને નિહાળી સાહેબે કૃપાભર્યું સ્મિત કર્યું.

‘તમે મારા ખાતામાં નોકરી કરશો ?’ સાહેબે પૂછયું.

‘હા જી ! હું કોઈ પણ ખાતામાં નોકરી કરવા માટે રાજી છું.’ અરુણે જવાબ આપ્યો. રાજદ્રોહી તરીકે પ્રખ્યાત થયેલા એક યુવકને આમ સરળતાથી નોકરી સ્વીકારવાની હા પાડતો સાંભળી સાહેબે બે ક્ષણ ધ્યાનથી તેની સામે જોઈ રાખ્યું. અરુણની આંખમાં અંગારની લાલાશ પ્રગટી અલોપ થઈ જતી સાહેબે જોઈ.

‘તમારા પિતા આ સાંભળી ખુશ થશે. વળી તમે દેશસેવાની ધૂનવાળા છો એટલે મારા ખાતામાં તમને લોકહિતનું કામ કરવાની પૂરી તક મળશે.’ સાહેબે જણાવ્યું.

‘મારાથી બનતું હું કરીશ.’

‘પગાર તો તમને શરૂઆતમાં સો રૂપિયાનો મળી શકશે. છ માસમાં હું તમને દોઢસો અપાવીશ. એટલુંયે તમારા પિતાને લઈને થઈ શકે. બાકી તમારો પૂર્વ-ઈતિહાસ જોતાં તમને આ ખાતામાં રાખી પણ ન શકાય.’

‘હું તો સાહેબ ! નિર્દોષ ઠરી ચૂક્યો છું. વળી પગારનો મને બિલકુલ મોહ નથી. મારી જરૂરીયાતના પ્રમાણમાં તો મને એથી અરધી રકમ આપશો તોયે બસ છે.’

‘નહિ, તમારી લાયકાત વધારે પગારની છે. તમે તો અર્થશાસ્ર લઈને એમ. એ. થયા છો ને ?’

‘હા જી.’

‘તમને વિદ્યાપીઠે ચાંદ પણ આપ્યો છે, ખરું ?’

‘હા સાહેબ ! અને આપને હરકત ન હોય તો હું આપને મારા ભવિષ્ય વિષે પણ પૂછું ?’

‘બહુ સારી નોકરી કરો તો પંદરવીસ વર્ષમાં તમને ચારસોપાંચસોનો પગાર ખુશીથી મળી શકે.’

‘ઓહોહો ! અને સિવાય કાંઈ ?’ સાહેબના મુખ સામે તાકીને અરુને પૂછયું.

‘તમને રાવબહાદુરનો ઈલકાબ મળે. એ તો જેવા સંજોગો !’

‘પણ સાહેબ ! હું બહુ ઊંચી જાતની નોકરી કરી બતાવું તો છેવટે મને આપની ખુરશી મળે કે નહિ ?’

સાહેબ જરા ચમક્યા; આ શાંત છોકરો વધારે પડતું બોલે છે એમ તેમને લાગ્યું. તેમણે કહ્યું :

‘એ તો સનદી શાહી પસંદગીની જગ્યા છે.’

‘એટલે મારાથી ખાતાના મુખ્ય અધિકારી ન થવાય, ખરું ?’

‘કદી ન થવાય.’ સાહેબે ચોખ્ખો જવાબ આપ્યો.

‘તો મારાથી એ નોકરી પણ ન થાય ! હું વાઈસરૉય ન થઈ શકું, ગવર્નર પણ ન થઈ શકું. એ તો ઠીક; પણ હું ખાતાનો ઉપરીયે બની ન શકું એ જુલમ ક્યાંનો ?’

સાહેબ ગુસ્સે થઈ ગયા હતા. તેના કરતાં વધારે ટટાર થઈ તેમણે કંઠસ્થાની ઉદ્ગારો કાઢયા :

‘આજે તમને ખાતાના ઉપરી બનાવે તો કાલે તમે ગવર્નરની જગ્યા માગશો અને પરમ દિવસે વાઈસરૉયની ખુરશી ઉપર નજર નાખશો !’

‘તેમાં તમારું શું જાય ? અમે શું કારકુનો અને મદદનીશો થવા માટે જ સરજાયા છીએ ?’ અરુણે જવાબ આપ્યો.

‘મારી ઓરડી છોડી એકદમ બહાર ચાલ્યા જાઓ !’ સાહેબે હુકમ કર્યો અને બીજી વાત બંધ કરી.

અરુણ જરા હસ્યો અને બોલ્યો :

‘અને આપ મારો દેશ છોડી એકદમ ચાલ્યા જાઓ, એમ હં આપને કહું તો ?’

સાહેબે ગુસ્સાથી મેજ ઉપર હાથ પછાડયો; પરંતુ એટલામાં અરુણ તો ઓરડીના બારણા સુધી પહોંચી ગયો હતો.

અરુણના પિતા અંગ્રેજોને ખાસ વખાનારા હતા. અંગ્રેજો નિયમિત અને નિષ્પક્ષપાત હતા એમ તેઓ માનતા અને અંગ્રેજોની ખંત અને વ્યવસ્થા સંબંધી ઉચ્ચ અભિપ્રાય આપ્યા કરતાં તેઓ કદી થાકતા નહિ. અરુણનો મત જુદો હતો. અર્થશાસ્રના ઊંડા અભ્યાસે તેને શીખવ્યું કે અંગ્રેજો સ્વાર્થી છે. ઈતિહાસે તેને બતાવ્યું હતું કે અંગ્રેજો સંતનો સમાજ નથી; હિંદ ઉપર આવેલાં અનેક ધાડાં સરખું એ પણ એક ધાડું આવી હિંદને કબજે કરી બેઠું છે.

પોતાના અભિપ્રાયમાં તેને સંપૂર્ણ વિશ્વાસ બેઠો. અંગ્રેજોનાં સત્કૃત્યોમાં પણ તે અંગ્રેજોની ખામી જોવા લાગ્યો. બીજાં ટોળાં તો હિંદવાસી બની હિંદ ઉપર રાજ્ય કરતાં; પરંતુ અંગ્રેજોનું ટોળું તો હિંદવાસીઓને છેટે રાખી ગૌરવર્ણનો પડદો બાંધી બેઠું છે. હિંદના ભલા માટે તેમના તરફથી થયેલા અને થતા પ્રયત્નોમાં તે માત્ર દંભ જ નિહાળતો. હિંદને રાજકીય વિષયમાં પ્રગતિમાન કરવાની અંગ્રેજોની ઈંતેજારીમાં તે માત્ર વર્ણગર્વ – Racial Pride – જોતો. ધીમે ધીમે રાજ્ય કરતી કોમ પ્રત્યે તેના મનમાં એક જાતની વૈરવૃત્તિ જાગૃત થઈ. તેમને તાબે રહી નોકરી કરવામાં તેને ગુલામગીરીનો ભાસ થયો. ઊંચી જગ્યાઓ માટે હિંદવાસીઓની લાયકાત જ્યાં સુધી સ્વીકારાય નહિ ત્યાં સુધી નોકરીનો વિચાર પણ અશક્ય લાગ્યો.

તેમાં બંગભંગ સમયના ક્રાન્તિકારી મંડળોના ખ્યાલે તેને આકષ્યો, અને ક્રાંન્તિને જ તે પોતાનું ધ્યેય માનતો થઈ ગયો. ગાંધીજીના અહિંસાત્મક અસહકારને તે હસી કાઢતો. રેંટોયામાં તેને રસ પડયો નહિ. યુરોપીય દેશોમાં ફતેહ પામતો ક્રાન્તિવાદ તેને હિંદ માટે વાસ્તવિક લાગ્યો. એ ક્રાન્તિ હિંદમાં કેવી રીતે ફળીભૂત થાય એનો વિચાર કરતાં તેને તેના સરખા જ ધ્યેયવાળા યુવકો મળી ગયા અને છૂપું મંડળ સ્થાપ્યું.

એ મંડળની પ્રવૃત્તિઓ કોઈના જાણવામાં આવી ન હતી. તેમણે બાઁબ બનાવ્યા હતા કે રેલવેના પાટા તોડી નાખ્યા હતા એ વિષે કશો જ પુરાવો મળી આવ્યો ન હતો. છતાં ક્રાન્તિવાદનાં પુસ્તકો પરદેશની ટપાલમાં આવતાં એક-બે વખત પકડાંયા તે ઉપરથી આખી ટોળી ફિતૂરી કાર્યક્રમ ગોઠવી રહી છે એવો આરોપ તેમના ઉપર મૂકવામાં આવ્યો, અને બચાવ ન કરવાના આગ્રહને લીધે ઘણા જણ ઉપર તે સાબિત પણ થયો.

અરુણ છૂટી ગયો. તેને માટે તેના પિતાએ કરેલી નોકરીની તજવીજ તેણે નિષ્ફળ બનાવી. તેના પિતાને અતિશય ક્રોધ ચઢયો; પુત્રને તેમણે સખત ઠપકો આપ્યો :

‘અરુણ ! આ તું શું લઈ બેઠો છે ? આમાં તારી બહુ આબરૂ વધે છે એમ તું માને છે ?

પિતાએ કહ્યું.

‘હું ક્યાં આબરૂ મેળવવા કશું કરું છું ?’ અરુણે જવાબ આપ્યો.

‘ત્યારે બીજું શું ? ચાર દેવાળિયાં વર્તમાનપત્રોએ વખાણ કર્યાં એટલે ભાઈ ફુલાઈ ગયા. હું નહિ હોઉં તે વખતે તારું શું થશે એનો કાંઈ ખ્યાલ છે?’

અરુણે કશો જવાબ આપ્યો નહિ. પિતાની મરજી વિરુદ્ધ તેણે વર્તન કર્યું હતું પરંતુ પિતાની સામું બોલવાનિ તેણે સ્વપ્ને પણ ધારણા રાખી નહોતી. પિતાના વાત્સલ્યની તેને પૂરી કિંમત હતી. પિતાના વાત્સલ્યમાં ઘેલછા હતી. અરુણની નાનીમોટી માગણીઓ તેઓ સ્વીકારતા હતા. અને ઘણી વખત લાડમાં એ માગણીઓ ઉપરાંત વધારે આપીને તેઓ પુત્રને સંતોષતા. પુત્રે એ લાડનો અત્યાર સુધી ઉત્તમ બદલો વાળ્યો હતો. પિતાનું તેણે સર્વદા માન સાચવ્યું હતું, અને વિદ્યાભ્યાસમાં તે યશસ્વી નીવડયો હતો. પુત્ર સારી નોકરી કરશે. પૈસો મેળવશે અને લોકમાં પ્રતિષ્ઠા પામશે એવું સ્વપ્ન સેવતા પિતાને પુત્રની નોકરીમાટેની આનાકાનીથી ખેદ થયો. ધીમે ધીમે ઠેકાણે આવી જશે એમ ધારણા રાખતા પિતાએ એ જ પુત્રને રાજદ્રોહી મુકદ્દમામાં સપડાયેલો જોયો, અને તેમનામાં વાર્ધક્ય એકદમ આવી ગયું. મહામુસીબતે આરોપમાંથી છૂટેલા પુત્રને માટે આખી નોકરીની વસીલાનો ઉપયોગ કરી જગા ખોળી આપી ત્યારે પુત્રે કૃપાળુ યુરોપિયન અધિકારીનું જ અપમાન કર્યું ! જીવનમાં પહેલી વાર તેઓ ઠપકો આપવા બેઠા.

અરુણ જવાબ આપ્યો નહિ એટલે હવે કયા મુદ્દા ઉપર તેને ધમકાવવો એની પિતાને સમજ પડી નહિ. તેમણે બહુ વિચાર કરી એક છેવટનો પ્રહાર નક્કી કરી નાખ્યો હતો, અને તે છેવટે જ – ન છૂટકે ઉપયોગમાં લેવાનો હતો; પરંતુ પુત્રને ઠપકો આપવા કદી ન ટેવાયેલા પિતાએ પુત્ર તરફથી કશો જવાબ ન મળવાથી ગૂંચવાઈ એ છેવટની ધમકી એકદમ આપી દીધી :

‘અરુણ ! હું તને છેવટની વાત સંભળાવી દઉં છું. જો તું તારી આ ધૂન ચાલુ રાખીશ તો હું તને એક પાઈ પણ હવે આપવાનો નથી !’

‘તે હું ક્યાં માગું છું ?’ અરુણે નરમાશથી પણદૃઢતાપૂર્વક કહ્યું.

વત્સલ પિતાને લાગ્યું કે પોતે નાહક છેલ્લે પાટલે જઈ બેઠા; એકદમ આમ નહોતું કહેવું જોઈતું. ચાર દિવસ સમજાવીને પછી આમ કહ્યું હોત તો શી હરકત હતી ? શી ઉતાવળ હતી ? પુત્રની લાગણી નાહક દુખવી. તેઓ અત્યંત ખિન્ન થઈ ગયા. તેમનાથી આગળ કાંઈ જ બોલાયું નહિ. હવે શું કરવું અને શું બોલવું તેની કાંઈ સમજ ન પડવાથી તેઓ ત્યાંથી બીજા ઓરડામાં ચાલ્યા ગયા.