દિવ્યચક્ષુ/૪૨. 'એ જ આકાશમાં સ્ત્રી ઊગી'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૨. ‘એ જ આકાશમાં સ્ત્રી ઊગી’

સ તસ્મિન્નૈવાકાશે સ્ત્રિયમાજગામ બહુશોભ-
માનામુમાંહૈમવર્તીતાં હોબાચ કિમેતદ્યક્ષામતિ

−કેનોપનિષદ

‘બહેન ! તું હવે સૂઈ જા.’ અરુણે સુરભિને કહ્યું. રાત વધતી હતી. અરુણના પિતા પણ પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા હતા. આશ્રમવાસીઓ અને બીજા મિત્રો પણ ચાલ્યા ગયા હતા. ગર્ટીને રાત રહેવાનું ઘણું મન હતું અને સુરભિ તથા કૃષ્ણકાંતે તેને રાખવા માટે જણાવ્યું; પરંતુ તેના પિતાએ અડચણમાં વધારો કરવા ના પાડી. અરુણે પણ તેને પોતાની પાસે બેસાડી સમજાવી :

‘ગર્ટી ! હું આશ્રમમાં જઈશ તો તને સાથે રાખીશ. તારા વગર મને કોણ દોરશે ? ઘરમાં તો બધાં છે એટલે તારી જરૂર નહિ પડે.’

અણગમતે મને ગર્ટી ગઈ. અરુણ એક કલા પલંગ ઉપર મોટે તકિયે અઢેલીને વગરબોલ્યે બેસી રહ્યો; પરંતુ સુરભિ ત્યાં ને ત્યાં જ બેસી રહી હતી. એ અરુણના ધ્યાનમાં હતું, એટલે અરુણે બહેનને સૂઈ જવા વિનંતી કરી.

‘ત્યારે હું તમારી પાસે સૂઈશ.’ સુરભિને બદલે કૃષ્ણકાંતે જવાબ આપ્યો.

‘તમે હજી અહીં બેઠા છો ? શા માટે આટલી મહેનત કરો છો? અરેરે! સેવા કરવાને બદલે સેવા લેવાનો પ્રસંગ આવ્યો ? અરુણે કહ્યું.

‘Now! no melodrama, you silly boy ! અમને શાની મહેનત પડે છે. સોફા ઉપર આરામથી બેસવું એનું નામ મહેનત ?’

કૃષ્ણકાંત હવે અંગ્રેજી બોલતા તે એમની લાગણી ઉશ્કેરાઈ હોય ત્યારે જ.

‘ભાઈ ! કોઈકને તો પાસે સુવાડયા વગર ચાલશે જ નહિ.’

‘એટલે મને બધાં કેદી બનાવશો ? મારી આંખ ગઈ એટલે ઉપર બધાંની આંખ રહેશે ?’

‘અરુણ ! You goose ! તને એમ લાગતું હોય તો અમે જઈશું, ચાલ સુરભિ ! એને એકલો બેસવા દે… આ રંજન પણ સમજ વગરની છે. આટલી રાતે પાછી ગાવા બેઠી !’ કૃષ્ણકાંત સુરભિને લઈ ઓરડાની બહાર ગયા.

બંને જણ ઓરડાની બહાર ખરેખર ગયાં ? અરુણને કાંઈ દેખાય એમ નહોતું. એણે બહાર નીકળતા પગનો ઘસારો સાંભળ્યો અને બારણું બંધ થતું સાંભળ્યું. તેની દુનિયામાં દૃશ્ય નહોતું. જગતના અંધારા કૂવામાં તેનું જીવન ટળવળતું બે પાસ બાથોડિયાં ભરતું હતું : એક પાસ સ્પર્શ અને બીજી પાસ શ્રવણ. એ બંનેને જીવંત બનાવતી આંખ હોલવાઈ ગઈ હતી. એ સ્પર્શના અને શ્રવણના ટેકા પર તેને નડતા હતા. રંજનનું ગીત ન સંભળાતું હોત તો કેવું સારું !

વળી અરુણને સમજાયું નહિ કે રંજન આજે કેમ આટલું બધું ગાયા કરે છે. તેના ગીતમાં અત્યારે સ્થિરતા નહોતી. મીઠો, દર્દભર્યો સ્ત્રીરુદનને અનુકૂળ માઢ રંજને શરૂ કર્યો :

નયણાં મારાં નીતરે

કોઈ લ્યો નયણાંની ધાર !

સાગર મારા છીછરે

કોઈ લ્યો સાગરની સાર !

ગાન અને દિલરૂબા બંને એકાએક બંધ થઈ ગયાં. ગુજરાતી ભાષાના ગીતમાં જાણે ભાવ સમાઈ શકતો ન હોય તેમ તેણે હિંદી ચીજ શરૂ કરી :

મેરો મન નંદલાલ સોં

અટકો…

ગૌડસારંગના સૂર ઘુમાવતાં તેમાં મસ્તી વધારે લાગી. વિકળતાનો પૂરો પડઘો તેમાં પડયો નહિ એટલે એ ગીત છોડી દીધું; અણે દર્દને સૂર સાથે લહેંકાવતી બાગેસરીમાં તુલસીદાસની ચોપાઈ ગાવા માંડી :

જય જય જય ગિરિરાજ કિશોરી,

જય મહેશ મુખચંદ્ર ચકોરી.

જય જય જય ગિરારાજ કિશોરી.

અંબિકાનાં સ્મરણદર્શન તો સ્વયંવર પહેલાં રુક્મિણીએ કર્યાં હતાં એ યાદ આવતાં રંજન પાછી ભાવવાહી છતાં મર્યાદાશીલ ગૂર્જરીમાં ગરબીમાં ઊતરી આવી :

સૂના આ સરોવરે આવો,

ઓ રાજહંસ !

સૂના આ સરોવરે આવો.

હૈયાને સરોવરે આવો,

ઓ રાજહંસ !

હૈયાને સરોવરે આવો.

અને એકાએક અટકી ગઈ. અરુણે દૂરથી સુરભિનો બોલ સાંભળ્યો :

‘રંજનબહેન ! આજે સૂવું નથી કે શું ?’

‘લ્યો, હું ગાવું બંધ કરું છું, આજે ગવાતું પણ નથી.’

અરુણની શ્રવણસૃષ્ટિ પણ શૂન્ય બની ગઈ. તેને જીવંત રાખતા સૂર અટકી ગયા. માત્ર મધ્યરાત્રિનો અબોલ ઘોર તેની આસપાસ ફેલાયો. મૃત્યુ આવું જ સૂનકારભર્યું હશે ? તેણે મૃત્યુ અનુભવવા એ સૂનકારમાં ડૂબકી મારી. થોડી ક્ષણોમાં જ તેને સમજાયું, કે તેનું હૃદય તો ધબકે છે.

‘આવી શાંતિમાં હૃદયનો કેવો કોલાહલ ?’

તેને હૃદય ઉપર રીસ ચડી. હૃદયની ધડક ન સંભળાય એ માટે તેણે પડખું ફેરવ્યું. અને તે ચમકીને બેઠો થઈ ગયો. તેના દેહનો અણુએ અણુ જીવતો હતો; દેહનો અણુએ અણુ જાગતો હતો. તેના માથા નીચે તકિયો ખૂંચી આવ્યો; તેના હાથપગે પથારી ખૂંચી આવી. તેના દેહ ઉપર અચ્છાદન ખૂંચી આવ્યું. સ્પર્શનો દેવ તેના આખા શરીરમાં વ્યાપી ગયો હતો.

‘ક્યાં છે શાંતિ ?’ તેણે તકિયો લઈ ફેંક્યો.

પરંતુ સ્પર્શની માફક તેનો શ્રવણદેવ પણ જાગતો જ હતો. તેણે કહ્યું કે તાકિયો જમીન ઉપર પડયો.

અરુણને લાગ્યું કે તેનાં આ બે અંગ તેને ચીઢવે છે.

‘આ શી મશ્કરી ? આંખ સાથે જીવ કેમ જતો નથી ? મારું સ્થાન ક્યાં? કામ શું ?’

તે પ્રશ્નોએ જાણે જવાબ માગ્યા હોય તેમ અરુણ વિચારમાં પડયો.

‘મારું સ્થાન તો સેવાદળમાં…પણ ત્યાં કોણ લઈ જાય ? કદાચ ગર્ટી દોરવા આવે થોડા દિવસ…રંજન તો નહિ જ ને ? રંજનનો કંઠ પણ આટલે દિવસે આજે જ સાંભળ્યો, અને તેને જોયાં તો…’

અરુણે હાથ પટક્યો. તેણે ધારી જ લીધું હતું કે અંધની સહુ દયા ખાય. અંધ ઉપર કોઈને પ્રેમ ન ઊપજે. તોય તેનાથી હાથ પટકાઈ ગયો.

‘મારું સ્થાન ત ક્યાંય પણ નહિ. દયાને એક ખૂણે મારો નિવાસ!’ જરા સ્થિરતાથી તે બેઠો. તણે બીજા પ્રશ્નનો પણ ઉત્તર શોધી આપ્યો.

‘ત્યારે મારું કામે શું? હા, એક કામ હતું – દેશસેવામાં મરવાનું. પણ હવે એ કામ પણ કોણ કરવા દે ? બીજાનો દોર્યો હું કેમ મરી શકું ? અરે અરે, મરવાની પણ મારી લાયકાત રહી નહિ ?’

તેણે છાતી ઉપર હાથ નાખ્યો અને પહેરણને પકડી પીંખી નાખ્યું. વળી તેનામાં સ્થિરતા આવી; પરંતુ તે સ્થિરતામાં કોઈ ઉગ્ર ભયંકરતા હતી. તેનું અંધ મુખ જરા હસ્યું. ઓરડાને આંખ હોત તો એ હાસ્યને નિહાળી ઓરડો ધ્રૂજી ઊઠયો હોત. તેણે પથારીમાં આમતેમ હાથ ફેરવ્યો, અને ઓઢવાનું ઝીણું વસ્ત્ર રજાઈ નીચેથી ખેંચી કાઢયું. વસ્ત્ર ઉપર બે-ત્રણ વખત હાથ ફેરવી તેનો એક છેડો ગોઠવ્યો, અને ઓરડાની ચારે બાજુએ તેણે જોયું. કષ્ટપ્રદ ભાન તીવ્ર બળથી જાગૃત થયું કે તેનાથી કશું જ દેખી શકાતું નથી.

જરા રહી તેણે પૂછયું :

‘બહેન ?’

ઓરડો અનુત્તર હતો.

‘કૃષ્ણકાંત !’

‘કોઈ આટલામાં છો ?’

ઓરડામાં ઘણીય ચીજો પડી હતી; પણ તે જીવ વગરની – કોઈ ખસેડે ત્યારે તે ખસે એવી નિરાધાર : અરુણ જેવી !

અરુણને ખાતરી થઈ કે ઓરડામાં કોઈ જ નથી. તેણે લૂગડાનો એક છેડો ગળાની આસપાસ વીંટાળ્યો. બંને છેડા હાથમાં રાખી એક વખત ફરી ચારે પાસ ડોકું ફેરવ્યું અને એકદમ તંગ મુખ કરી બે હાથ વડે સામસામા છેડા મહાબળથી ખેંચ્યા.

તેણે ધાર્યું હતું કે એક ક્ષણમાં નિરવધિ શાંતિ મળશે; પરંતુ તેના હાથ ખેંચ્યા ખેંચાયા નહિ ! કોઈ વણ-અનુભવ્યો સ્પર્શ તેના હાથને છૂટા પાડતો હતો. તે ચમકી ઊઠયો. તેણે બોલ પણ સાંભળ્યા :

‘બહુ થયું હવે; બસ કરો ! ફાંસો ખાતાં તો આવડતું નથી !’ રંજનનો રમતો હસતો કટાક્ષભર્યો કંઠ સંભળાયો.

‘રંજનગૌરી ! તમે અહીં હતાં ?’ અરુણે ભય પામીને પૂછયું.

‘હું ગમે ત્યાં હતી, પણ મેં તમારી બહાદુરી જોઈ. છેવટે આવું જ કરવું હતું ને ?’ રંજનના પ્રશ્નમાં ઊંડો ઠપકો હતો.

‘બીજું શું કરી શકું ?’ દુનિયા ઉપરથી મારો ભાર ઓછો કરું.’

‘જોઉં તમારો કેટલો ભાર છે ?’ કહી રંજને અરુણનો હાથ ઉપાડયો.

‘ના હસશો મને, રંજનગૌરી ! મને મરવા ન દીધો તો ભલે; પણ હું અંધ તો જીવતે મરેલો જ છું.’

‘હું તમને આંખો આપું તો ?’

‘જીવીશ તો કોઈની જ આંખે જોવાનું છે ને ?’

‘તો પછી મારી જ આંખે જુઓ.’

‘નહિ નહિ. રંજનગૌરી ! મારાથી ન જિવાય.’

‘હું પાસે જ છું. મરવા દઈશ તો ને ?’

‘પણ મને જીવતો રાખીને કરશો શું ? હું ઘરના કામનો નથી, કુટુંબના કામનો નથી અને દેશના કામનો નથી.’

‘મારે કામના છો તો !’

અરુણ હાથ અત્યાર સુધી રંજનના હાથમાં જ હતો, તે અરુણ ભૂલી ગયો. રંજનનો બોલ સાંભળી તેણે હાથ ખેંચી લીધો અને રંજનની સામે જોયા કર્યું. રંજને પોતાની આંખ પાછી ખેંચી લીધી. અરુણ તેને વગરઆંખે નિહાળી રહ્યો હતો એ ભાન રંજનના મુખ ઉપર પણ રતાશ આણતું હતું.

‘રંજનગૌરી ! આપણી કાંઈક ભૂલ થાય છે.’ જરા રહી અરુણે કહ્યું.

‘તમારી ભૂલ થતી હશે; મારી નહિ.’

‘મારે આંખ નથી તે જાણો છો ?’

‘ના. હમણાં જ મારી સામે જોયા કરતા હતા ને !’

‘રંજનગૌરી ! આખી જિંદગી દયા નહિ પહોંચે.’

‘માનવીના હૃદયમાં દયા સિવાયના પણ બીજા ભાવ હોય છે.’

‘હું ભારરૂપ છું હોં !’

‘સારું. પછી કાંઈ કહેવું છે ?’

‘તમને એવો વર ગમશે જે સદાય તમારે આશ્રયે રહ્યો હોય ?’

રંજન ખડખડ હસીને બોલી :

‘હા, હા. મારે એવો જ વર જોઈએ. જગતની સ્ત્રીઓને પૂછી જુઓ. હવે અમે જ પુરુષને રક્ષણ આપવાનાં છીએ.’

‘પણ હું એમ આશ્રિત બનીને કેમ રહી શકીશ ?’

‘એમ કે ? સ્ત્રીઓને આશ્રિત બનાવતાં શરમ નથી આવતી, અને અમે તમને આશ્રિત બનાવીએ ત્યો તમારું પુરુષભિમાન ઘવાય. ખરું?’

‘ના ના, એમ નહિ. પણ…’

‘જોજો, હવે ખસશો તો પડી જશો! પલંગની કોર આવી ગઈ છે.’

રંજનના વધતા જતા સ્પર્શસ્થાનોથી ઊગરવા મથતો અરુણ ધીમે ધીમે પલંગની એક પાસ પહોંચી ગયો. હવે તેનાથી જરા પણ આગળ ખસાય એમ નહોતું.

‘રંજનગૌરી ! આખું જગત તમને મૂર્ખ કહેશે અને મને સ્વાર્થી કહેશે. તમે અહીં આવતાં પહેલાં ભાઈને પૂછયું હતું?’ અરુણે રંજનની ઘેલછા ઘટાડવા બીજો માર્ગ લીધો.

‘હું શું કરવા પૂછું ? ભાઈ મને કશી વાતની ના પાડે જ નહિ. અણે જગત શું કહેશે તેની મેં કે તમે ક્યારે ચિંતા રાખી છે ?’

‘પણ સ્વાર્થનો કંટક મને તો જીવનભર વાગ્યા જ કરશે.’

‘શા માટે ? તમને મારી મિલકતનો ડર છે ? એ મિલકત તો મેં ક્યારની આશ્રમમાં આપી દીધી.

અરુણ સ્તબ્ધ બની જરા શાંત બેઠો. રંજન પણ બોલ્યા વગર બેસીક રહી. અરુણને અઢેલીને શું તે બેઠી હતી ? અરુણ ફરી ચમક્યો; પણ તેનાથી ખસાય એમ નહોતું. શાંત પણ વીજળીભર્યા વાતાવરણમાં બે હૈયાં ધબક ધબક ધબકી રહ્યાં હતાં. ભાવ સર્વદા વાણીથી પર હોય છે; જેટલું મનમાં લાગે છે એટલું કદી કહી શકાતું નથી. મૂંઝવતા ભાવને ઢાંકતો અરુણ બોલ્યો :

‘પણ હું જીવીને કરીશ શું ?’

‘જે કરતા હતા તે.’

‘એટલે ?’

‘ધ્વજ લઈને આગળ દોડજો.’

‘આંખ છતાં ધ્વજ ફરકાવી ન શક્યો તે હવે આંખ ગયે શું કરી શકીશ ? મારો તો ધ્વજ હવે પડી ગયો.’

‘ના, જુઓ આ રહ્યો !’ કહી રંજને પોતાના ઉરઢાંક્યાં વસ્ત્ર ઉપરથી એક નાનકડો ધ્વજ ખેંચી કાઢયો અને અરુણના હાથમાં મૂક્યો.

તે રમકડું હતું; ઘરેણું હતું; આંગળીથી ઊચકાય એવું ધ્વજપ્રતીક હતું; પરંતુ તે પ્રતીકમાં હિંદના પ્રાચીન ગૌરવ, વર્તમાન તપશ્ચર્યા અને ભાવિ મુક્તિના સંભાર ભરેલા હતા. સર્વવ્યાપી પ્રભિ હૃદયમાં અંગુષ્ઠ જેવડો બની રહે છે ને ? હિંદમૈયા પણ ધ્વજ રૂપે નાનકડું સ્વરૂપ ધારી હિંદીઓના હૃદય ઉપર કેમ ન બિરાજે ?

અરુણના મુક ઉપર કોઈ તેજ ફેલાયું, બહુ જ ભક્તિભાવથી નાનકડા ધ્વજને હાથમાં પકડી રહ્યો. અકસ્માત તેના હાથમાંથી ધ્વજ નીચે પડયો. રંજન એકાએક બોલી ઊઠી :

‘બીશો નહિ. ધ્વજ તો હું ઉપાડી પાછો રોપીશ.’

પુરુષથી ન રોપાયેલો ધ્વજ સ્ત્રી રોપશે ? રંજનનું કથન એ હિંદના અને જગતના ભાવિની આગાહી તો નહિ હોય ? આગાહી કેમ ? એ તો બનવા જ માંડયું છે ને !

‘રંજનગૌરી ! તમે દેવી છો.’ અરુણે કહ્યું.

‘બહુ સારું ? એવું એવું બોલશો નહિ; આપણે નાટક નથી કરતાં !’ રંજને આછો છણકો કર્યો.

‘ત્યારે શું કહું ?’

‘તમે વ્યાકરણ શીખ્યા છો ?’ રંજને પૂછયું.

અરુણને સમજ પડી નહિ. તેણે જવાબ આપ્યો :

‘શીખ્યો હોઈશ તો ભૂલી ગયો છું.’ ‘ત્યારે હું શિખવાડું. સર્વનામ શું તે ખબર છે ?’

‘હા.’

‘બીજો પુરુષ શું તે કહી શકાય છે ?’

‘હા. તું અને તમે.’

‘અને એક વચનનું ભાન છે ખરું કે ?’

‘તું.’

‘”તમે, તમે” કર્યા કરો છો તે હું તો મૂંઝાઈને મરી ગઈ.’

‘એટલે ? હું તમને “તું” કહીને બોલાવું ?’

‘હજી એટલીયે સમજ પડતી નથી કે ‘

‘ના, ના. એકવચનમાં હું કદી તમને સંબોધી શકું નહિ. તમે તો પૂજ્ય…’

‘જો હવે “તમે” કહીને વાત કરી તો ગળે ફાંસો જ દઈશ !’

‘દ્યો.’

‘એમ કે !’ કહી રંજને અરુણના ગળાની આસપાસ બે હાથ જોરથી ભેરવી આશ્લેષ લીધો ! અરુણ ગભરાઈ ઊઠયો.

‘અરે,અરે ! છોડી દ્યો.’

‘કોને કહે છે ? કોણે હાથ ભેરવ્યો છે ?’

‘તમે.’

‘તમે એટલે કોણ ?’

‘રંજન; તું.’

‘શા ઉપરથી કહો છો ?’

‘તને હવે દેખું છું તેથી.’

પ્રેમીઓને આંખ હોતી નથી. રાતમાં ભાઈની ખબર પૂછવા આવેલી સુરભિએ બારણું ઉઘાડયું તેની બેમાંથી કોઈને ખબર જ રહી નહિ. આખા ઓરડામાં…

‘એક ભણકારો વાગે તું હિ તું હિ …’

0 0 0