દિવ્યચક્ષુ/૭. સાક્ષર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. સાક્ષર

ભાષાને શું વળગે ભૂર ?
જે રણમાં જીતે તે શૂર.

અખો

રંજનનો ઓરડો રંજન સરખો જ તેજસ્વી, સ્વચ્છ અને છટાદાર હતો. વીજળીના દીવાની સુંદર રંગની રોશનીને લીધે ઓરડાનું વાતાવરણ અપાર્થિવ લાગતું હતું. નાટકના તખ્તા ઉપર દેવભૂમિ કે પરીસ્તાન બતાવવામાં આવે અને નાટકના રસિયાઓ તે જોઈને જેમ ‘અ હા હા હા !’ પોકારી ઊઠે, તેમ રંજનના ઓરડાની પ્રકાશવ્યવસ્થા જોનારને પણ તેવો જ ઉદ્ગાર કાઢવાનું મન થતું. શુષ્ક અરુણ પણ પ્રથમ તો ઝંખવાયો.

પગ ઉપર પગ નાખી, ખરશીની પીઠ ઉપર પોતાની પીઠનો સંપૂર્ણ ભાર મૂકી, ખુરશીના હાથા ઉપર મૂકેલા હાથને તર્જની વડે લમણા સાથે ટેકવી, વિચારમાં ઊંડા ઊતરી ગયેલા સાક્ષર વિમોચનનું રંજને અરુણને ઓળખાણ કરાવ્યું.

‘વિમોચન. કવિ, – કે સાક્ષર ? શું કહું ?’ ઓળખાણ કરાવતાં રંજને વિમોચનને જ પૂછયું.

‘જે કહેશો તે !’ ધ્યાનસ્થ વિમોચને જાગૃત થઈ જણાવ્યું. નિરભિમાની સાહિત્યકારોને કવિ કહો કે સાક્ષર કહો તેની દરકાર નથી હોતી. બેમાંથી ગમે તે ઉપાધી ચલાવી શકે એવી સાદાઈ તેમણે કેળવી હોય છે.

અરુણે વિમોચનને નમસ્કાર કર્યા, વિમોચને ભાવપૂર્વક નમસ્કાર ઝીલ્યા. ‘વેંત નમે તેને હાથ નમીએ’ એ જૂના વિવેકસૂત્રને સાક્ષરો કદી ભૂલતા નથી. અલબત્ત, પહેલું સામાએ વેંત નમવું જોઈએ !

‘તમે નામ તો સાંભળ્યું જ હશે.’ રંજને અરુણને પૂછયું. વિમોચન સ્વસ્થતાભર્યું સ્મિત કરી રહ્યા. તેમનું નામ કોઈએ સાંભળ્યું ન હોય એવું કદી બને જ નહિ. એમ તે સ્મિતમાં વંચાતું હતું.

સરસ્વતીના વધતા જતા ઉપાસકોની સંખ્યા યાદ રાખવાનું કામ કઠણ છે એમ કહેનાર પ્રજાને સાક્ષરો ઘડતા નથી. છેલ્લામાં છેલ્લા રૂપગુણમાં નહિ; પરંતુ સમયને અનુલક્ષીને છેલ્લામાં છેલ્લા સાક્ષરનું નામ ન જાણનાર મનુષ્ય સમયના પ્રવાહ સાથે વહેતો નથી એમ કહેવામાં અડચણ નથી. વિમોચનનું નામ અરુણે સાંભળ્યું હતું એમ કાંઈ ઝાંખી સ્મૃતિ તેને થઈ આવી. એ નામ ક્યાં અને શા પ્રસંગે સાંભળ્યું હતું તે અરુણથી નક્કી થઈ શક્યું નહોતું. બઁકમાંથી નાણાં ઉચાપત કરનાર કારકુન તરીકે, કે કેદખાનું તોડી ભાગી ગયેલા કેદી તરીકે, અથવા કોઈ રૂપવતીનું નાક કાપનાર પ્રિયતમ તરીકે કે એવી જ કોઈ વર્તમાનપત્રોમાં નિત્ય આવતી રસભરી વાર્તાના નાયક તરીકે, વિમોચન નામ સાંભળ્યું હતું કે કેમ તેની ચોક્કસાઈ તે કરી શક્યો નહોતો. માત્ર એ નામ કોઈ ઝઘડાના મધ્યબિંદુ તરીકે હતું એટલું તેને યાદ હતું. તે કવિ છે અને સાક્ષર છે એમ રંજને કહ્યું એટલે તે ચોક્કસપણે જવાબ આપી શક્યો.

‘હા; મેં વિમોચનનું નામ સાંભળ્યું છે.’

વિમોચનનું સ્વસ્થ સ્મિત સકારણ નીવડયું. રંજને તેને પૂછયું :

‘અને આ અરુણભાઈનું નામ તમે પણ સાંભળ્યું હશે.’

‘એ ભાઈના આવતાં પહેલાં તમે મને તેમનું ઈતિવૃત્ત કહ્યું હતું તે ઉપરથી તેમને જાણું’ વિમોચને જવાબ આપ્યો.

‘તે પહેલાં નહિ ?’

‘ના. રાજકીય બાબતોમાં હું બહુ લક્ષ આપતો નથી.’ વિમોચને કારણ જણાવ્યું. સાક્ષરોની પરિચયમર્યાદા વાસ્તવિક રીતે જ મર્યાદિત હોય છે. સાહિત્ય સિવાયની અન્ય અપવિત્ર વાતનો સ્પર્શ થતાં કાચબાના અંગની માફક તેઓ પોતાની સ્મૃતિ સંકોચી લે છે.

અરુણે વિમોચન સામે ટગરટગર જોયા કર્યું. કાંઈ કહેવા જતાં તે અટકી ગયો હોય એમ રંજનને ભાસ થયો.

આરામથી બેઠેલા સાક્ષર વિમોચન જરા ટટાર બેઠા. તેઓ દૂબળા હોવાથી લાંબા લાગતા કે લાંબા હોવાથી દૂબળા લાગતા હતા તે તેમની લંબાઈ-પહોળાઈનં માપ ફૂટપટ્ટીથી લેવાય નહિ ત્યાં સુધી ચોક્કસપણે કોઈ કહી શકે એમ નહોતું. સાક્ષરોમાં પણ જુદી જુદી ભાત હોય છે. કોઈ ઊંચા હોય છે તો કોઈ નીચા હોય છે; સ્થૂલ દેહ તેમ જ સૂક્ષ્મ દેહની યોગપ્રસિદ્ધ પ્રતીતિ પણ તેઓ કરાવી શકે છે; તેમ જ કાવ્યના વીર, રૌદ્ર, હાસ્ય, કરુણ વગેરે વિધવિધ રસની પ્રેરક મુખછટાઓનું પણ તેમનામાં દર્શન થઈ શકે છે. આમ હોવાથી કોઈ પણ સાક્ષર-સંમેલન ફૂલગૂંથણી સરખું રમ્ય અને મનોહર બની રહે છે.

પરંતુ રસવર્ધક વૈવિધ્યની અને સાક્ષરત્વની કોઈ અદ્ભુત એકતા વ્યાપી રહી હોય છે. સાક્ષર કાળા હોય કે ગોરા હોય, ઊંચા હોય કે નીચા હોય, જાગતા હોય કે ઊંઘતા હોય, હસતા હોય કે લડતા હોય, તથાપિ સાક્ષરત્વનો કોઈ અનુપમ ઓપ તેમના મુખ ઉપર ચમકતો હોય છે, અને તે ઉપરથી ‘આ રહ્યા સાક્ષર !’ એમ રાતના અંધારામાં પણ કોઈ માણસ કહી આપે એમ છે.

‘પણ આજકાલ તો રાજકીય બાબતો જ મહત્ત્વની થઈ પડી છે.’ રંજને વાત આગળ લંબાવી.

‘એમ ભલે લાગે, પરંતુ રાજકીય પ્રશ્નોનું મહત્ત્વ ક્ષણજીવી છે.’ વિમોચને અભિપ્રાય આપ્યો.

‘શા ઉપરથી કહો છે ?’ અરુણથી રહેવાયું નહિ.

‘એમાં વિવાદને અવકાશ જ નથી. સ્વયંસ્ફુટ સત્ય છે.’

‘મારાથી ન સમજાયું.’

‘શેક્સપિયર જીવે છે. એલિઝાબેથ અને તેના રાજ્યપ્રસંગો આપણે ગોખીએ છીએ છતાં ભૂલી જઈએ છીએ. સાહિત્યનું જીવન લાંબું કે રાજ્યનું ?’

‘તમારા સાહિત્યના વિવેચકો પણ સાહિત્યને સમયના રમકડા તરીકે ઓળખાવે છે. એલિઝાબેથનો યુગ ન હોત તો શેક્સપિયર થયો ન હોત.’

‘એ ચર્ચાનો અંત આવે એમ નથી. મહાપુરુષોને સમય ઘડે છે કે સમયને મહાપુરુષ ઘડે છે ? છેલ્લો જવાબ કોણ આપી શકે ?’

‘એ ચર્ચામાં જ રાજકીય પ્રશ્નોનું ચિરંજીવી મહત્ત્વ છે.’

‘રાજકીય પ્રશ્ન ચિરંજીવી ? ચિરંજીવી કહો તો તે માત્ર સાક્ષરનો અક્ષરદેહ ! બીજું બધું જ અલ્પજીવી !’

‘હું તો સાક્ષર કે અક્ષર કોઈને ન ઓળખું. ચિરંજીવી કાંઈ પણ હોય તો તે પ્રજાનો લશ્કરદેહ ! અને લશ્કર એટલે રાજ્ય !’

સાક્ષરી યુદ્ધને અંત નથી. તેનું યુદ્ધ ઉપસ્થિત કરનારે જગતના સુખનો પ્રથમ વિચાર કરવાનિ જરૂર છે. રંજનને કદાચ સૂઝી આવ્યું હશે કે આ યુદ્ધનો દાવાનળ જગતભરમાં પ્રસરી જશે, એટલે તેણે વાત બદલવા પ્રયત્ન કર્યો અને વિમોચનને પૂછયું :

‘તમારું નવું કાવ્ય કોને અર્પણ કર્યું ?’

‘તમને જ.’

‘મેં તો ના પાડી હતી.’ જારા ઉગ્રતા દર્શાવી રંજને કહ્યું.

‘તેથી તો મેં માનસિક અર્પણ કર્યું છે.’

રંજન હસી : ‘તમારા જેવા કવિઓને આ માનસિક રસ્તો સારો જડયો છે !’

‘એમ માનસવ્યાપારમાં જ જીવીએ છીએ.’ કવિએ જવાબ આપ્યો, અને રંજના સ્મિતભર્યા મુખ સામે તેઓ જોઈ રહ્યા.

‘શાનું કાવ્ય છે !’ મેજ ઉપર મૂકેલું એક સુંદર પૂંઠાવાળું નાનકડું પુસ્તક વિમોચને રંજનને આપ્યું એટલે અરુણે પૂછયું. તેને લાગ્યું કે આ સાક્ષરની પ્રથમ મુલાકાત હવે વધારે મિષ્ટ બનાવવી જોઈએ.

‘પુષ્પનો પ્રાણ !’ વિમોચને જવાબ આપ્યો. શબ્દના ઉચ્ચારણમાં કવિ-સાક્ષર પ્રાણ તરી આવતો હતો.

‘પછી એ પ્રાણ રહ્યો કે ગયો ?’ અરુણથી રહેવાયું નહિ, એટલે તેણે પૂછયું.

રંજન ખડખડાટ હસી. કવિ-સાક્ષર વિમોચન પોતાનાં કાવ્યો વિષે હાસ્યપ્રેરક વાક્યો સાંભળવા જરા પણ ટેવાયા નહોતા. વીરરસ તેમને સાધ્ય નહોતો એમ કહેવાય એવું નહોતું. કારણ તેમણે વાંકી ભ્રૂકુટિ કરી જાહેર કરી દીધું કે અરુણની અને તેમની વચ્ચે હવે સુલેહની આશા નથી.

હાથીની સાઠમારી નિહાળી પ્રસન્ન થતી કોઈ ગર્વભરી રાજકુમારી સરખી રંજન આ બંને પુરુષોને અથડાતા જોઈ જરા પ્રસન્ન થઈ. તેણે ‘પુષ્પનો પ્રાણ’ ઉઘાડી અરુણને આજ્ઞા કરી :

‘સાંભળો. હું આમાંથી એક કાવ્ય વાંચું.’

કાવ્યો હવે ગાવા માટે હોતાં નથી, વાંચવા માટે જ હોય છે. શાળાઓના શિક્ષણે કાવ્યો વાંચવાની પ્રથા પાડી છે, અને કવિ ન્હાનાલાલે ‘ગુંજન’ની સંભાવના આપી કાવ્યો ગાવાની જૂની પ્રથાને મૃતપ્રાય બનાવી દીધી છે. રંજને એક કાવ્ય વાંચવા માંડયું :

સુમન કહું કે કુસુમ કહું ?

પરિમલગૃહ કે પુષ્પ કહું ?

ઓ ફૂલ !

શા મૂલ !

અય ગુલ !

દિય ઝુલ !

જો પુકારે દર્દી બુલબુલ !

આ મધુર ગુલગુલાટ અને બુલબુલાટ આગળ વધત; પરંતુ એક માણસે બારણા ઉપર ટકોરા મારી, અંદર પ્રવેશી વિમોચનને કહ્યું :

‘સાહેબ આપને બોલાવે છે.’

‘ઠીક ત્યારે, રંજન ! હું જાઉ છું. સવારે મળીશ.’ વિમોચને જણાવ્યું.

‘સવારે તો હું અરુણભાઈની સાથે જવાની છું.’

‘ક્યાં ?’

‘જનાર્દનના આશ્રમમાં, પણ સાંજે હું ઘેર જ રહીશ અને આજ રાતમાં જ તમારું કાવ્ય વાંચી જઈશ.’

‘સારું, સાંજે અભિપ્રાય જાણવા આવીશ.’ કહી વિમોચને અરુણ સામે જોયા સિવાય ઓરડો છોડયો.