દૃશ્યાવલી/કુમાઉંના પહાડોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કુમાઉંના પહાડોમાં
૧. ત્યારે આકાશ સ્વચ્છ હોય છે…

ફરી એક વાર પાછા પહાડોની યાત્રાએ.

આ વખતે કુમાઉંના અલ્મોડા, કૌસાની, રાનીખેત, નૈનીતાલ આદિ વિસ્તારોમાં જવાનું આયોજન હતું. કુમાઉં અર્થાત્ પ્રાચીન કૂર્માચલનો આ પહાડી વિસ્તાર અત્યંત દર્શનીય છે. જોકે અહીં ગઢવાલ વિસ્તારનાં બદ્રી-કેદાર જેવાં પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામો કે ભાગીરથી, અલકનંદા અને મંદાકિની જેવી પવિત્ર નદીઓ નથી, પણ તેથી શું?— અહીંથી જ એક પ્રાચીન માર્ગ પિથોરાગઢ થઈ કૈલાસ-માનસરોવર જાય છે. આ વિસ્તારમાં પણ અનેક પ્રાચીન તીર્થો છે પણ સૌથી વિશેષ તો એ છે કે સમગ્ર કૂર્માચલનું એક આગવું પહાડી સૌન્દર્ય છે.

ભલે થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય, પણ ઑક્ટોબર- નવેમ્બરના દિવસો આ વિસ્તારમાં ફરવા માટે સારા છે. ઉનાળામાં અહીં ઠંડક ભલે અનુભવાતી હોય, પણ વાદળ-ધુમ્મસમાં અહીંથી દેખાતાં હિમશિખરો દિવસો સુધી અદૃષ્ટ થઈ જતાં હોય છે. પરંતુ આ દિવસોમાં આકાશ ઘણુંખરું સ્વચ્છ રહે છે અને એકદમ ભૂરું. એ હિમશિખરો અનંતતાનો પ્રથમ દર્શને જ અનુભવ કરાવી દે છે.

દિલ્હીમાં થોડા દિવસ રહ્યા પછી તો તે અનુભવ વધારે સઘન રીતે થાય છે. હવે દિલ્હીથી સીધી કાઠગોદામની ગાડી થઈ છે. પહેલાં કાઠગોદામ જવા માટે આગ્રા કે લખનઊ જવું પડતું. કાઠગોદામ છેલ્લું સ્ટેશન. એ પછી પહાડો શરૂ થઈ જાય.

આપણે પોતે જ્યાં સુધી કોઈ સ્થળે ગયા નથી હોતા, અને જ્યારે એને વિશે સતત સાંભળતા આવ્યા હોઈએ, ત્યારે આપણા માનસપટ પર એ સ્થળની એક અવનવીન ચિત્રણા થતી રહે છે. જ્યાં સુધી નહોતો ગયો, ત્યાં સુધી જાણે કાઠગોદામ મારે મન એક દુર્ગમ એવું પહાડીઓ વચ્ચે વસેલું સ્થાન હતું.

અમારી ગાડી કાઠગોદામ એક્સપ્રેસ દિલ્હીથી રાત્રે ૧૧ વાગ્યે ઊપડવાની હતી. પરંતુ સ્ટેશન પર તો રાત વેળાએ વહેલા આવી જવું સારું. એટલે અમારે સારો એવો સમય જૂની દિલ્હી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર વિતાવવાનો હતો.

આ વખતની મારી આ યાત્રા મારા પુત્ર મધુસૂદનના પરિવાર સાથે ગોઠવાઈ હતી. દિલ્હી સ્ટેશન પર પ્લૅટફૉર્મની એક ઓછી અવરજવરવાળી જગ્યાએ શેતરંજી પાથરી અમે નિરાંતે ગપસપ કરતાં પૅસેન્જરોની આવનજાવન જોતાં બેઠાં હતાં. ગાડીઓ આવે-જાય, પેસેન્જરો ચઢે-ઊતરે – એમની દોડાદોડ, વ્યગ્રતા પછી પાછી શાંતિ. લાલ ખમીસવાળા હમાલો અને એ બધી રેલવેસૃષ્ટિ જોતાં જોતાં, અને ભાગ્યે જ સમજાય એવી ગાડીઓના આવવા-જવાની જાહેરાતો સાંભળતાં આપણને દાર્શનિક વિચારો આવવા લાગે..

સ્ટેશન પર બેઠાં બેઠાં મેં મધુ અને શર્મિષ્ઠાને યાદ અપાવી કે, આવી અમારી એક યાત્રામાં જ એ બેનો ભેટો થયેલો, અને પછી તેઓ પરણી ગયેલાં. એટલે હસતાં હસતાં મેં શર્મિષ્ઠાને પ્રવાસના લાભ (કે ગેરલાભ!) ગણાવ્યા. અનન્ય અને ભૂમિકા એ વિનોદમાં જોડાયાં. મેં જોયું કે હવે જ્યારે જનરેશન ગૅપ – બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, ત્યારે આવા સહપરિવાર પ્રવાસ કુટુંબના સભ્યોને જુદી રીતે નિકટ લાવે છે.

થોડી ઠંડી હતી, પણ એથી સ્ટેશનની ભીડ સહ્ય બનતી હતી. ત્યાં અમારી ગાડી સમયસર પ્લૅટફૉર્મ પર આવી, પણ રિઝર્વેશનની સ્લિપો લગાડ્યા વિનાની. એટલે શરૂમાં થોડી દોડાદોડી અને અવ્યવસ્થા જેવું, પણ પછી બધું ગોઠવાઈ ગયું.

સવારે હલદ્વાની આવ્યું. કાઠગોદામથી આગળનું સ્ટેશન. અહીં અમને મધુનો મિત્ર સંજય લેવા આવવાનો હતો. સંજયનું ઘર અલ્મોડામાં છે. ત્યાં એના પિતા ડૉ. કૈલાસચંદ્ર જોશી કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસના ડાયરેક્ટર અને ઉપકુલપતિ છે. એમનો ઘણો આગ્રહ હતો કે તેઓ એ પદે છે ત્યાં સુધી અમે એક વાર એ વિસ્તારમાં જઈ આવીએ.

સ્ટેશને અમે ઊતર્યાં. સામાન પણ ઠીક ઠીક હતો. ઊતરનારાઓમાં અમદાવાદના પણ કેટલાક પરિચિત પ્રવાસીઓ હતા. સંજય ક્યાંય દેખાય નહીં. અમને થયું એ કાઠગોદામ તો રાહ નહીં જોતો હોય? ત્યાં દૂરથી વેગથી આવતો સંજય દેખાયો.

સંજય એકલો નહોતો, સાથે એની નવોઢા પત્ની નીતા પણ હતી. સંજય-નીતાએ સાથે નમીને મને પ્રણામ કર્યા. પછી અમે સ્ટેશનની બહાર આવ્યાં અને એમણે નક્કી કરી રાખેલી જીપ-ગાડીમાં ગોઠવાઈ ગયાં. ચા રસ્તે પીવાની રાખી. થોડી વારમાં કાઠગોદામ વટાવી જીપે પહાડી માર્ગે આરોહણ કર્યું. ઠંડી બરાબરની.

કુમાઉં વિસ્તારની આ મારી પહેલી વારની યાત્રા હતી. આ રમણીય પ્રદેશ વિશે ઘણુંબધું વાંચેલું, સાંભળેલું, રઝળપાટના શોખવાળા મારા માટે કોણ જાણે કેમ અહીં આવવાનો યોગ સધાયેલો નહીં. સાગરની જેમ પહાડોનું પણ એક રહસ્યમય આકર્ષણ હોય છે. સાગર ચંચલ છે, ક્ષણે ક્ષણે એનું રૂપ બદલાય છે, પહાડો અચલ હોય છે અને છતાં ભારવિ કહે છે તેમ અ-પૂર્વવત્ ભાસે છે. જીપમાં બેસીને હું વિચારતો હતો કે કેટલો પ્રાચીન પુરાતન આ માર્ગ છે, શતાબ્દીઓથી ખૂંદાયેલો માર્ગ! – ડામરની સડક ભલે હમણાંની હોય, પણ મારે માટે તો એ માર્ગ પહેલી વારનો હતો. ઉપરથી નીચે પથરાયેલું હલદ્વાનીનગર દૂર થતું દેખાતું હતું. આ વયે પણ હજી આંખોમાં વિસ્મય અનુભવાય છે. મારી બાજુમાં બેઠેલા અનન્ય માટે તો આ સમગ્ર વિસ્મય જ વિસ્મય હશે.

ભીમતાલ અને ભવાલી આવતાં કુમાઉંનું અસલ રૂપ પ્રકટ થતું લાગ્યું. ચીડ અને દેવદારુનાં ઝાડની સઘનતાવાળી પહાડીઓ વચ્ચે લહેરીના ભીમતાલનું દર્શન પ્રસન્નકર બની ગયું. આ ભીમતાલ, જેને વિશે કાકાસાહેબ કાલેલકરે એમના હિમાલયના પ્રવાસમાં એવું વર્ણન કર્યું છે કે, એ વાંચેલું ત્યારે થયેલું કે આપણને ક્યારે આવાં સુંદર સરોવર જોવા મળશે? મને યાદ આવ્યું કે, કાકાસાહેબે એનું નિર્મળ નીર જોઈ એમાં ઊતરી નાહવાનું કર્યું, તો એ એવું ઠંડું લાગેલું કે કાકાને કહેવું પડેલું કે આ તે પાણી કે સહસ્ર વીંછી? કાકાસાહેબને એ સરોવર તો બાણ ભટ્ટની કાદમ્બરીમાં આવતા અચ્છોદ સરોવર જેવું લાગેલું! એટલું જ નહીં, ક્યાંકથી કોઈક મહાશ્વેતા આવશે એવી કલ્પનામાં ડૂબી ગયેલા કાકાની એ કલ્પના અમને પણ ત્યારથી વળગેલી!

અલબત્ત કાકા ગયા હતા વીસમી સદીના આરંભમાં, અને અમે આવ્યા છીએ સદીના અંત ભાગે. વળી એ તો પગપાળા હતા – જ્યારે અમે જીપમાં.

અમે જીપમાંથી જ એ સરોવર જોયું. કાંઠે થોડી વાર જીપ ઊભી રાખી એટલું જ. પાછા વળતાં અહીં આવવાનું તો હતું જ.

થોડી વારમાં અમારી જીપ લઘન દેવદારુની ઘાટીવાળે માર્ગ જતી હતી. આ ભવાલી વિસ્તાર. અહીંની હવા, જ્યારે ક્ષયરોગના દર્દીઓને માટે કોઈ દવા નહોતી ત્યારે, એકમાત્ર દવા હતી. અહીંનાં વૃક્ષોમાંથી વહેતો પવન દર્દીઓને લાભ કરતો! કેટલાં બધાં સ્વાસ્થ્યકેન્દ્રો દેખાતાં હતાં! કેટલાક ધનિકોએ અહીં પોતાને માટે આવાસો બંધાવી રાખેલા છે – હવા ખાવા માટે.

હવે તો ચા પીવી જ પડશે. જીપ ઊભી રાખી. નીચે ઊતર્યાં. બાજુમાં જ નદી વહી રહી હતી – એ શરૂથી અમારી સાથે છે. નદી પર સામે પાર જવા એક પુલ હતો. વરાળ નીકળતી ચાની સાથે ગરમ ભજિયાંના સ્વાદમાં ઠંડી ઉમેરો કરતી હતી.

અલ્મોડા શહેરમાં અમે પ્રવેશ કર્યો ત્યારે તડકા પથરાયા હતા. વાહનોની આવનજાવન વધી હતી. ત્યાં એક સ્થળે જીપ ઊભી રહી. સંજય-નીતા નીચે ઊતર્યાં. એમણે ફોન કરી પૂછ્યું કે, અમારે ક્યાં ઊતરવાનું છે. યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વીજળી નહોતી આવી. અમારી વ્યવસ્થા પહાડી પર બાંધેલા કૃષિ અનુસંધાન કેન્દ્રના અતિથિગૃહમાં હતી. જીપ ઢાળ ચઢી ત્યાં પહોંચી ગઈ. ડૉ. જોશીના એક કર્મચારી પણ આવી ગયા હતા. સુંદર સ્વચ્છ અતિથિગૃહ! – પહાડો હોય ત્યાં થોડાં પગથિયાં તો ચઢવાં જ પડે. અમે અમારા ઓરડામાં ગયાં.

ત્યાં ઉત્તર દિશાની મોટી બારીનો પડદો જેવો હટાવ્યો કે દૂર દેખાઈ રહી બરફથી આચ્છાદિત ભવ્ય પર્વતમાળા! અનન્ય, ભૂમિકા તો જોઈ જ રહ્યાં! મધુ-શર્મિષ્ઠા બાજુના રૂમમાં હતાં. હું તો બારી પાસે બેસી જ ગયો. ભલે ઠંડો પવન આવે, પણ મારે કાચની બારીમાંથી હિમાલય નહોતો જોવો. બારી ખોલી સીધી નજર એ ચમકતી ચોટીઓ ઉપર. ધન્ય! ધન્ય! અલ્મોડા આવવાનું મુલતવી રાખ્યું હોત તો?

કુમાઉંની આ યાત્રા માટે નીકળવાની મારા મનમાં તબિયતને કારણે અવઢવ હતી. એક મિટિંગ માટે હું દિલ્હી તો અઠવાડિયાથી હતો, પણ ત્યાંથી પાછો અમદાવાદ જવા વિચારતો હતો. એક રીતે મધુ- શર્મિષ્ઠાનો આગ્રહ મને ખેંચી લાવ્યો હતો. તેમાં ઉમેરાયું હતું સંજયના પિતા ડૉ. જોષીનું નિમંત્રણ. હિમગિરિનાં દર્શનથી ભાવવિભોર બની મેં મધુને પછી કહ્યું કે અહીં ન આવ્યો હોત તો હું શું ખોઈ બેસવાનો હતો, તેની પણ મને ખબર ન પડત. હવે તો આ શિખરોનાં દર્શન કરીને જ માત્ર પાછા જવાનું થાય તોય વસવસો ન થાય. પછી તો ચા પણ બારી પાસે જાણે હિમગિરિની સન્નિધિમાં પીધી!

બપોરના જમવાનું સંજયને ઘરે હતું. અતિથિગૃહનાં પગથિયાં ઊતરતાં કૃષિ અનુસંધાન કેન્દ્રની ઇમારતો જોઈ. પછી મુખ્ય સડક પર આવ્યા. ત્યાંથી કાચાં પગથિયે થઈ નીચે ઢોળાવ તરફ જવાનું હતું. ડૉ. જોશીના નિવાસના આંગણામાં પહોંચ્યાં તો ત્યાંથી પણ એ જ હિમાલય-દર્શન! આંગણામાં આછા ગુલાબી શ્વેત પુષ્પોથી આચ્છાદિત પદમનું ઝાડ. ડૉ. જોશીએ સ્વાગત કર્યું. સંજયનાં મમ્મી તો અમને – ખાસ તો ભૂમિકા અને અનન્યને – જોઈને હર્ષઘેલાં થઈ ગયાં હતો.

અમે તડકામાં જ ખુરશીઓ નાખીને બેઠાં. વાતોમાંથી વાતો નીકળી. ડૉ. જોશીએ કહ્યું કે કુમાઉં શબ્દ કૂર્માચલમાંથી ઊતરી આવ્યો છે. આ કૂર્મ અથવા કચ્છપ અથવા કાચબો – એ દશાવતારી વિષ્ણુનો બીજો અવતાર. એ કૂર્મ ઉપરથી આ પહાડો કૂર્માચલ કહેવાય છે. પરંતુ હું કૂર્મ અવતાર અને પહાડો વચ્ચે શું સંબંધ છે તે સમજી શક્યો નહીં. ઘણા પહાડોની પીઠ આમ તો કાચબાની પીઠ જેવી હોય છે.) ડૉ. જોશી બોલ્યે જતા હતાઃ કુમાઉં પ્રદેશના ત્રણ જિલ્લા છે – અલ્મોડા, નૈનીતાલ અને પિથોરાગઢ. આ બધો ઘણોઘણો પ્રાચીન વિસ્તાર છે.

પણ તેમણે કહ્યું : આજનું આ જે અલ્મોડા છે તે અંગ્રેજોનું ઘડેલું છે. મને યાદ આવ્યું કે આ દેશનાં ઘણાંખરાં સુંદર હિલસ્ટેશનો અંગ્રેજોની દેન છે. ગમે કે ન ગમે આ સત્ય સ્વીકારવું પડે. હિમાલયનાં શીમલા હોય, દાર્જિલિંગ હોય, મસૂરી હોય, શિલોંગ હોય કે પછી દક્ષિણના પહાડોનાં ઊટી, મહાબળેશ્વર હોય. આપણું માઉન્ટ આબુ પણ એમાં આવી જાય.

જોશીએ કહ્યું કે, કેટલાક અંગ્રેજો ૧૮૧૫માં આ પ્રદેશમાં આવ્યા. એ પછી ૧૮૪૧માં અંગ્રેજો આ દેશમાં સંપત્તિ ધરાવે એવો કાયદો થતાં તેમણે અહીં ચાના બગીચા શરૂ કર્યા. એ સાથે શિક્ષણની સંસ્થાઓ, અને ખાસ તો લશ્કરી કૅમ્પ. અત્યારે હવે અહીં ચાના બગીચા રહ્યા નથી, પણ અંગ્રેજોએ શરૂ કરેલી ઘણી સંસ્થાઓ છે. અને હા, લશ્કરી કૅમ્પ પણ ખરો.

ડૉ. જોશીનું ઘર ઢોળાવ પર હતું. ત્યાંથી નીચે કેટલીક ઇમારતો દેખાતી હતી. તે હતું યુનિવર્સિટી કૅમ્પસ.

વાતો દરમિયાન પણ મારી નજર તો હતી પેલી હિમાચ્છાદિત લંબાયમાન ગિરિશ્રેણી પર. હું વચ્ચે બોલી ઊઠ્યો : ‘કેવી ભવ્યતા છે!’

સંજયે કહ્યું કે, અંકલ, તમે ભાગ્યવાન છો. અઠવાડિયા પહેલાં તો અહીં વાદળઘેર્યું વાતાવરણ જામેલું. વરસાદ સાથે કરા પડેલા. હવામાન ઠરી ગયેલું. અમને થતું હતું કે, જો આવું જ વાતાવરણ રહેશે તો અમારી કુમાઉં યાત્રાનો આનંદ જ માર્યો જશે, પણ તમારાં સદ્ભાગ્યે અત્યારે આકાશ એકદમ સ્વચ્છ છે.

મેં હસતાં હસતાં કહ્યું કે, અમારી યુરોપયાત્રા વખતે સ્વિત્ઝર્લેન્ડમાં અમારા યજમાન સ્વીસ પ્રોફેસર બાખે કહેલું કે, “When angels travel, sky is clear.’ – જ્યારે દેવદૂતો મુસાફરી કરે છે ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. એ વખતે સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ દર્શન વખતે અમારે માટે આકાશ સ્વચ્છ હતું, તેમ આજે હિમાલયદર્શન વખતે પણ સ્વચ્છ છે! કેમ કે, અમે યાત્રા કરીએ છીએ. સૌ હસી પડ્યાં.


૨. અલ્મોડા મધ્યે


આંગણમાંથી જે ગિરિશિખરો દેખાતાં હતાં તેની હવે નામ સાથે ઓળખાણ થઈ. વચ્ચે જે સૌથી ઊંચું છે તે નંદા (દવી) શિખર. (એ ૨૫,૬૮૯ ફૂટની ઊંચાઈએ છે.) પછી ત્રિશૂલ છે. (૨૨,૩૬૦ ફૂટની ઊંચાઈએ એ છે.) પછી છે નંદાની રક્ષા કરવા માટે હોય તેમ નંદા કોટ અને નાની શિખરમાળા પંચચૂલી. આકારો પરથી નામ પડ્યાં હોય અને પછી રૂઢ થઈ ગયાં હોય! ઓળખાણ થતાં એમનું અભિવાદન કર્યું.


*
અલ્મોડામાં અમારો ત્રણેક દિવસનો પડાવ હતો. અહીંથી જે જે સ્થળોએ જઈ શકાય ત્યાં પહેલાં જઈ આવવું એમ ગોઠવ્યું હતું. પણ પહેલાં તો અલ્મોડા.

મસૂરીના ઊંચા વિસ્તારને ‘કૅમલ બૅક’ કહે છે. અલ્મોડા આખું કૅમલ બૅક – કોઈ વિરાટ ઊંટની બંને બાજુની પીઠ પર વસેલું છે. એ નગરને પહેલાં તો પદગત કરવાનું હતું.

પહેલે દિવસે સાંજે અમે અલ્મોડાના સનસેટ પૉઇન્ટ પર ગયાં. આમ તો એ અલ્મોડાના પ્રવેશપથ પર જ છે. ત્યાંથી નીચે ઢોળાવ પર રામકૃષ્ણ મિશનનો નાનકડો આશ્રમ છે. એક વાર અગાઉ આ આશ્રમે જ આવીને થોડાક દિવસ રહેવાનું ઇચ્છ્યું હતું. અમારી એક મિત્રમંડળી ત્યાં જવાની હતી, પરંતુ એ દિવસોમાં મારે કલકત્તા જવાનું થતાં ત્યાં જવાનો વિચાર મુલતવી રાખેલો. એ દિવસોમાં અનેક વાર કાઠગોદામ અને પછી અલમોડાના આ આશ્રમની કલ્પના કરેલી!

હા, એ જ એ આશ્રમ હતો. પણ અત્યારે તો અમે ઉપર તરફ અસ્ત થતા સૂર્યને જોવા બનાવેલી પગથિયાનૂમા બેઠકો પર બેઠાં હતાં. ત્યાં બાજુની એક પહાડી પર સંજયે સિંહના આકારનું એક છાયાચિત્રશું બતાવ્યું. જોતાં, બરાબર સિંહ ટટાર થઈ ચારે તરફ કુમાઉંની પહાડીઓનું અવલોકન કરતો ઊભો હોય એવું મનમાં બેસી જાય. એ પહાડી પર વૃક્ષઘટા જ એવી છે કે એવો આકાર બની આવ્યો છે. પણ એ માત્ર સંજયની શોધ છે એવું નથી. પછી જીપના ડ્રાઇવરે પણ એ સિંહ બતાવેલો.

એ ‘સિંહ’ આ સદીના આરંભે પણ હશે. કાકાસાહેબે પણ એ ઝાડીનો નિર્દેશ કરેલો છે. રવીન્દ્રનાથની અનેક કવિતાઓ રચાયાનું સ્થળ અલ્મોડા છે. આટલા વિસ્તારમાં ક્યાંક એ વસતા હોવા જોઈએ.

સૂરજે પોતાની બહુ ભવ્યતા દેખાડી નહીં, પણ એનાં અસ્તાયમાન કિરણોથી હિમગિરિનાં પેલાં શિખરો નંદા, નંદાકોટ અવશ્ય ભવ્ય લાગતાં હતાં. હવે એ શિખરોને નામથી ઓળખવા લાગ્યાં હતાં. તેમાં નંદા તો અહીંની અધિષ્ઠાત્રી દેવતા. ત્યાં દૂર શિખર રૂપે, અલ્મોડામાં મંદિરની દેવતા રૂપે.

સૂરજ આથમ્યા પછી અમે ઊંટની ઢળેલી પીઠથી ઉપરના ઢેકા તરફ જતા હોઈએ તેમ પગથિયાં, અને પછી ઢાળ ચઢવા લાગ્યાં. ચીડ દેવદારનાં વૃક્ષો વચ્ચે ઉપર જતો એ માર્ગ હાંફ ચઢાવતો હતો. રસ્તાની બાજુમાં જૂના કોટેજનુમા બંગલા અવરજવર વિનાના હતા. રવીન્દ્રનાથ કદાચ આમાંથી કોઈ એકમાં રહ્યા હશે.

મને ચઢવામાં હાંફ અનુભવાતી હતી, પણ અનન્ય તો કેટલીયેવાર આગળ જાય અને પાછો આવે. ભૂમિકા પણ એ રીતે. મધુ-શર્મિ અને સંજય-નીતા પણ જુવાન દંપતીઓ હતાં. આ લગભગ નિર્જન માર્ગે દેવદારુ વૃક્ષ ઘટા નીચે ચાલતાં સંજયની નવોઢા પત્ની નીતા ચંદ્રની કલ્પના કરે, ત્યાં જ અમારું ધ્યાન આકાશભણી ગયું. તો ત્રીજનો બંકિમચંદ્ર અમને જોઈ રહ્યો હતો.

ખૂબ લાંબું ચક્કર હતું. સંજય અલ્મોડાના ઇતિહાસ-ભૂગોળ વિશે સોત્સાહ બોલતો હતો. પરંતુ હવે તો બધાંના પગ પણ ગરબા ગાવા લાગ્યા હતા. અંધારા સાથે ઠંડી પણ ઊતરવા લાગી હતી. અમે હવે નીચે ઊતરતાં હતાં. દૂરદૂરની પહાડીઓમાં વસેલાં નાનાં ગામમાં પ્રકટેલા દીવાઓ એક પરમ નીરવતાનો બોધ કરાવતા હતા.

અમે ફરી મુખ્ય રસ્તા પર આવ્યાં, વળી પાછો ઢોળાવ. મને થયું કે, હવે ક્યારે પહોંચીશું? – ત્યાં તો એક વળાંક પછી અમે સંજયના ઘરના આંગણામાં ઊભાં હતાં. ઠંડીની રાતોમાં પહાડોમાં બંધ ઓરડામાં ઢબુરાઈ વરાળ નીકળતી ગરમ રસોઈ ખાવાનો અનન્ય આનંદ હોય છે. તેમાંયે સંજયની મમ્મીને તો બબ્બે ‘વહુઓ’નો સહયોગ મળતો હતો.

ડૉ. જોશી કાયદાશાખાના ડીન પણ છે. કાયદાના પ્રોફેસર. અગાઉ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં હતા. અમારા એક (હવે સદ્ગત) મિત્ર ડૉ. રામસેવક સિંહ વિશે મેં પૃચ્છા કરી, તો એમણે સોત્સાહ એમને વિશે – એમના પરિવાર વિશે – વાતો કરી.

પછી વાતો નીકળી ઉત્તરાખંડના અલગ રાજ્યની. ડૉ. જોશીએ કહ્યું કે, આ બધા પહાડી વિસ્તારોમાં બે જાતિઓ મુખ્ય છે : બ્રાહ્મણ અને ઠાકુર. અહીં મુખ્ય વ્યવસાય ખેતીનો, પણ પહાડોની ખેતી તો કેવી? ચા હવે ઉગાડવામાં આવતી નથી, ઉદ્યોગધંધા પણ ખાસ નહીં.

સરકારી નોકરીઓ અને લશ્કરમાં જોડાવાની તકો ખરી. પણ રિઝર્વેશનને કારણે તેમાં નીચે મેદાનોમાંથી શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબ કે અન્ય પછાત જાતિના લોકો અડધી જગ્યાઓ તો હડપ કરી લે. અમારે ત્યાં શિડ્યુલ ‘કાસ્ટ’ કે ‘ટ્રાઇબ’ તો નહીંવત્ છે. એટલે અહીં મેદાનોના લોકો માટે નારાજગી પણ છે. વળી આ પહાડી વિસ્તાર ભલે પ્રવાસીઓને આકર્ષતો હોય, પણ અહીં વિકાસ બહુ ઓછો થયો છે. દૂર દરાજનાં ગામોમાં તો સગવડો પણ નહીંવત્ છે.

અમારી લડત તો ચાલે છે, બધા રાજકીય પક્ષો ટેકો આપે છે, પણ એ તો ચૂંટણી જીતવા માટેનાં પોકળ વચનો છે.


*
બીજે દિવસે, સવારે ઊઠતાંવેંત બારી પરના પડદા હટાવી દીધા. અજવાળું થઈ ગયેલું. નંદા પર જઈ નજર ઠરી તો કુમળો તડકો પથરાયો! હતો અને એ તડકામાં નંદાએ નંદા કોટે સુવર્ણાભા ધરી હતી. સાથે જ નંદા – ‘દેવી કનકવર્ણાભા કનકોત્તમભૂષણા’ રૂપે વિરાજતી હતી.

આખી સવારની વેળાએ દેવીનાં બદલાતાં રૂપો જોયા કર્યા. ત્રિશૂળ પર ભવ્ય.

બપોર પછી અલ્મોડાના લાંબા બજારમાં નીકળ્યાં. રસ્તામાં લશ્કરી થાણું આવ્યું. આપણા લશ્કરમાં કુમાઉં રેજિમેન્ટ જાણીતી છે.

અલ્મોડા ભલે અંગ્રેજી વસાહતથી મહત્ત્વ ધરાવતું થયું હોય, પણ એટલું વિકાસશીલ લાગતું નહોતું. શું બધાં હિલ સ્ટેશનોના સ્થાનિક લોકોની એવી સ્થિતિ હોય છે! એક બાજુ મિશનરીઓની અંગ્રેજી સંસ્થાઓ અને બીજી બાજુ ખેતી-ગોપાલન પર નભતી પ્રજા.

બજાર તે બજાર. એક જ બજાર, પણ થોડા થોડા અંતરે નામ બદલાતાં જાય. પલટન બજાર, થાના બજાર, જૌહરી બજાર, કચહરી બજાર, ચોક બજાર, લાલ બજાર. સંજય બદલાતાં જતાં નામ અને નામનાં કારણ બતાવતો જાય. અહીંના શુદ્ધ સોનાચાંદીના દાગીના ઘણા પ્રખ્યાત છે. સોનીઓની ઘણીબધી દુકાનો. પરંપરાગત રીતે ઘરેણાં ઘડાતાં જોઈ શકાય. આમ છતાં બજારમાં ઝાકઝમાળ ખાસ જોવા ન મળે. બજાર હોવા છતાં નીરવ અને ગતિહીન લાગ્યું.

બજારમાંથી ચાલતાં અમે કુમાઉં પ્રદેશની અધિષ્ઠાત્રી નંદા દેવીને મંદિરે આવ્યાં. નંદા તો શ્વેતશિખરોમાં ઝળહળતી સામે જ છે.

છતાં પૂજનઅર્ચન માટે આ મંદિર. બજારમાં આ મંદિર અને ત્યાં દૂર નંદા દેવી શિખર જોતાં કવિ અજ્ઞેયની નંદા વિશેની કવિતા યાદ આવી. કવિએ તેમાં કહ્યું છે કે, નંદા તો તું ત્યાં ઉપર છે, પણ અહીં નીચે તો મનુષ્યોએ જંગલનાં વૃક્ષો કાપી તેના પાટડા બનાવી દીધા છે, અને તેની વચ્ચેથી પથ્થરોની કરચો કરતાં ખાણયંત્રોનો ધુમાડો…

આ પાટડા પરથી યાદ આવ્યું કાઠગોદામ નામ. રાજના વખતમાં જૂનાં જંગલો કપાવાં શરૂ થઈ ગયાં. ઝાડ કપાઈ કપાઈ ચિરાઈ ચિરાઈ પહાડો પરથી નીચે તળેટીમાં આવતાં. ત્યાં એ બધાંને ભેગાં કરવામાં આવતાં એ જ કાઠગોદામ – લાકડાનું ગોદામ!

મેં હિમોજ્જ્વલ શિખર ભણી જોઈ એટલું જ કહ્યું :

उपर तुम, नंदा ।

અને પછી નીચેનાં નિષ્પ્રભ નંદા દેવીનાં દર્શન કર્યાં.

ત્યાંથી ત્રિપુર સુંદરીના મંદિરે આવ્યાં. અહીં વિશાળ ચોક છે. અહીંથી ત્રણ તરફની પહાડીઓ પર વસેલું અલ્મોડા સુંદર લાગે છે. સંજયે સામેની પહાડી પર એક ઇમારત બતાવી. જ્યારે કમલા નેહરુ બીમાર હતાં અને ભવાલીની ઇસ્પિતાલમાં સારવાર લેતાં હતાં, ત્યારે જવાહરલાલને ત્યાં કેદી તરીકે રાખેલા. કદાચ છે ને… એકદમ એ બધા સ્વાતંત્ર્યસંગ્રામના દિવસો યાદ આવ્યા.

પછી લાંબી સડકવાટે ચાલતાં ઘર ભણી પાછાં વળ્યાં. વચ્ચે અહીંના એક પ્રકાશક અને પુસ્તકવિક્રેતાની દુકાનની મુલાકાત લીધી. કલા વિશેનાં ઘણાં પ્રકાશનો. પણ હવે પુસ્તક લેનારની સંખ્યા ઘટતી જાય છે.

આવતી કાલે હવે નાગેશ્વર જઈશું, પિથોરાગઢને માર્ગે. પિથોરાગઢ નામ જાણે કશુંક અજબ સંવેદન જગાડે છે. હા, ત્યાંથી જવાય નારાયણ આશ્રમ અને એ માર્ગે જવાય કૈલાસ-માનસરોવર… પણ અમે તો જઈશું માત્ર જાગેશ્વર સુધી – એ જ પેલા પુરાણ પ્રતિબદ્ધ નાગેશ્વર, પેલા દ્વાદશ જ્યોતિર્લિંગોની સૂચિવાળા શ્લોકમાં આવે છે તે – નાગેશં દારુકાવને.’

દારુકાવન – નાગેશ – કલ્પના માત્ર જ રોમાંચ જગાડનારી છે!


૩. દારુકાવને


નાગેશમ્ દારુકાવને… ગણગણતાં મેં દ્વાદશ જ્યોતિર્લિંગો જેમાં ગૂંથી લેવામાં આવ્યાં છે તે. એક વખત મુખસ્થ કરેલો શ્લોક યાદ કરવા મથ્યો, પણ અનુષ્ટુપના ટુકડા જ પ્રકટ થયા… ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ’, ‘ઉજ્જયિન્યાં મહાકાલમ્’, ‘હિમાલયે તુ કેદારમ્’. આ બધાં જ્યોતિર્લિંગો સ્વયંભૂ મનાય છે અને એમનું ઘણું માહાત્મ્ય પણ છે. આ જ્યોતિર્લિંગોની સૂચિ સવારસાંજ બોલી જઈએ તોપણ સાત જન્મારાનાં પાપ નાશ પામે છે એવી ફલશ્રુતિનો નિર્દેશ પણ આ શ્લોકોને અંતે છે.

પરંતુ દારુકાવનના નાગેશ એ જ નાગેશ્વર છે, જાગેશ્વર છે, અને અમે આજે ત્યાં જવાના છીએ એથી પ્રસન્ન ચિત્ત સાથે સવારે બારીનો પરદો હટાવ્યો કે સવારના કુમળા તડકામાં હિમાદ્રિનાં શિખરો ચમકી રહ્યાં હતાં. ત્રિશૂલનાં ત્રણે શિખરો ભવ્ય લાગતાં હતાં. એમની બાજુના શિખરના ઢાળ પર એમનો પડછાયો પડતો હતો. ત્યાં થોડાં વાદળાં નીકળી આવ્યાં હતાં. એમનું સામ્રાજ્ય વિસ્તરે નહીં તો સારું. આ નંદા તો જાણે આમંત્રણ આપતી ન હોય!

આ બાજુ અલ્મોડાની નદી કોશીની ઘાટીમાંથી ધુમ્મસ ધીરે ધીરે બિલ્લી પગે ઉપર ચઢતું હતું. નાગેશ્વર જવા માટે એક જીપ ભાડે કરી લીધી. અલ્મોડાની પૂર્વ ભણી પનુવા નૌલા થઈ મુખ્ય માર્ગેથી ફંટાઈ અમારી જીપે ઊંચાનીચા-વાંકાચૂંકા માર્ગે ગતિ કરી. જીપના માલિક સ્વયં પંડિતજી જીપ ચલાવી રહ્યા હતા. રસ્તે ચિતઈ ગામ આવતાં તેમણે કહ્યું કે, ગોલુ દેવતાનાં દર્શન કરી લો.

આ ગોલુ દેવતા અલ્મોડાના સ્થાનિક દેવ છે, પણ આ વિસ્તારમાં એમની આણ છે. ડો. જાનીને ત્યાં ગોલુ દેવ પર એક સંશોધનાત્મક પુસ્તક જોયેલું. અહીં વિદ્યાસંપન્ન પંડિતોથી માંડી સામાન્યમાં સામાન્ય જન ગોલુ દેવતા માટે ભારે શ્રદ્ધા ધરાવે છે. અમે કહ્યું : આપણે દર્શન વળતાં કરીશું.

રસ્તે જતાં એક રમણીય વળાંક આવ્યો, ત્યાં જીપ ઊભી રખાવી. આ બાજુની પહાડી પર ચીડનું વન હતું, ત્યાં વળાંક પછીની ખીણના ઢોળાવ પર પહાડી ખેતરોની સોપાનમાલા રચાતી હતી. વનમાં આખી જમીન ચીડની સળીઓથી ઢંકાઈ ગઈ હતી. સંજય વિજ્ઞાનનો વિદ્યાર્થી તેમાંય વનસ્પતિશાસ્ત્રમાં એની વિશેષ રુચિ. તાજાં ઊગેલાં ચીડની નાની નાની કૂંપળો ફૂટતી હતી, એનું વિશ્લેષણ કરતાં સંજયે ચીડ, દેવદાર, બાંજ જેવાં અહીં થતાં વૃક્ષોની વાત કરી. ત્યાં શાંત વનરાજીને ચીરતો અવાજ સંભળાયો : કાક્…કાક્…કાક્… જોયું તો ચીડની એક ડાળે કાગડો બોલી રહ્યો હતો. કાગડા તો બધેય કાળા, પણ આ તો આંખમાં મેંશ અંજાઈ જાય એટલો કાળો.

સ્વચ્છ ભૂરું આકાશ. – એવો જ સ્વચ્છ તડકો અને કપડાં ફરકાવતો શીતલ પવન. નીતાએ આજ ભભકરંગોની સાડી પહેરી હતી, તેનો પાલવ પવનની રંગીન લહેરોનો અનુભવ કરાવતો. અનન્યે થોડી દોડાદોડ કરી. કેટલાંક પ્રાચીન ઝાડ પર લીલ બાઝી ગઈ છે. ઢોળાવ પરનાં ખેતરો ને છૂટાંછવાયાં ઘર પહાડી ચિત્રણા રચતાં હતાં, છતાં લાગતું હતું કે અહીંનું જીવન એટલું સુખસુવિધાભર્યું નહીં હોય.

જીપ ફરી દોડવા લાગી. આ માર્ગે જ પિથોરાગઢ થઈ નારાયણ આશ્રમ જવાય છે. નારાયણ ગુરુની વાત અમારાં એક સ્નેહી શ્રીમતી કુંજ પરીખ પાસેથી વારંવાર સાંભળેલી. નારાયણ આશ્રમ એમનું સર્જન. એ આશ્રમમાં (અમદાવાદના) સ્વામી તદ્રૂપાનંદજી ઘણો સમય રહે છે. આ માર્ગે સ્વામી વિવેકાનંદનો માયાવતી આશ્રમ પણ આવે. કૈલાસ- માનસરોવર જવાનો આ પ્રાચીન માર્ગ છે.

પ્રાચીન એટલે પ્રસ્તરકાલીન યુગથીય પ્રાચીન. આ વિસ્તારમાં આદિમ જાતિઓ વસતી હતી એનાં પ્રમાણ મળી આવ્યાં છે. આ રસ્તે લખુડિયાર શૈલાશ્રમ આવે છે. રસ્તેથી થોડા ફંટાઈ અમે ત્યાં ગયાં. ત્યાં, એક ધસી પડેલી ગુફાની અંદરના ખડક પર ભીત્તિચિત્રો ને કોતરેલાં આલેખનો જોયાં. ભોપાલ પાસે ભીમબેટકામાં જેવાં આદિમ જાતિઓએ દોરેલાં ચિત્રો છે એવાં.

આ સ્થળ જ અતિ રમ્ય છે. પહાડનો વળાંક અને નીચે વહી જતી નાનકડી નદી. મધ્યપ્રદેશમાં હવે લગભગ તૂટી પડેલી લાગતી બાગની ગુફાઓ પાસેથી પણ આવી નદી વહી જાય છે, અને અજંતાની વ્યાઘ્રી કે ઇલોરાની વેળગંગા (સીતાનહાણી) પણ યાદ આવે. નદી હોય એટલે ‘સંસ્કૃતિ’ હોય અથવા તો કોઈ પણ પ્રકારની સંસ્કૃતિ માટે નદી તો જોઈએ જ.

એ ગુફા આગળના ભાગથી ધસી પડી છે. બચેલી છત પર અને સામેની ભીંત પર લાલ, કાળા અને સફેદ રંગમાં ચિત્રો છે. ચિત્રોના વિષય છે : હારબંધ ઊભેલા માણસ. પશુ છે, ઝાડ છે. લહેરો જેવી રેખાઓ એક કલાકારનો હાથ હોવાની સાક્ષી પૂરે છે. કોણ હશે એ? રહી પડવાનું મન થાય એવું – ચારે બાજુએ પહાડીઓથી ઘેરાયેલું અને નીચે કલકલ કરતી નદીથી મુખરિત-સ્થળ. સંજયે આ ગુફાઓની વાત ન કરી હોત તો પંડિતજી તો સીધા જાગેશ્વર લઈ જાત.

બાજુની પહાડીના લીલાછમ ઢોળાવ પર બે કિશોરીઓ દાતરડાથી ઘાસ કાપી ફાંટમાં ભરી રહી હતી. ઢોળાવ પર એમ ચાલતી, જેમ આપણે મેદાન પર ચાલીએ. અમે એમની જોડે વાત કરવા પ્રશ્નો કર્યા, પણ એમણે માત્ર અમારી સામું જોઈ, ફરી ઘાસ કાપવાનું ચાલુ રાખ્યું. આપણા જેવા વર્ડ્ઝવર્થ ભણેલાને તો ‘સોલિટરી રિપર’ – એક લણનારી–ની કવિતા યાદ આવે. અહીં આ કન્યાઓ વિશે કવિતા રચાય એવું તો હતું – પણ એ માટે કવિત્વ-શક્તિ જોઈએ, અને કવિત્વ-શક્તિ હોય તોયે પેલી ‘રોમાંટિક ફરવર’ લાવવી મુશ્કેલ. આ તરફ ખોબા જેવડા એક ખેતરમાં ખેડુ હળ ચલાવતો હતો. પહાડોની ભૂમિકામાં એ એટલું નાનું લાગ્યું કે ગ્રીક સમીક્ષક લોંગિનુસે ઈ. સ. પૂર્વે ટાંકેલો અલંકાર યાદ આવ્યો :

‘એનું ખેતર એક સ્પાર્ટાવાસીના પગ કરતાંય નાનું હતું!’

હવે પછીનો માર્ગ પેલી નદીને કાંઠે કાંઠે જતો હતો. નદીનું નામ જાણ્યું તો જટા ગંગા. ગંગા નદીવાચક સંજ્ઞા થઈ ગઈ છે. અમે જાણે નીચે ઊતરતા જતા હતા. જંગલ ગાઢ થતું જતું હતું. નદીકાંઠે એક મંદિર હતું. પંડિતજીએ કહ્યું : ‘દંડેશ્વરનું મંદિર’. પણ અમે આગળ વધી ગયાં. આ હવે દારુકાવન, દારુ – દેવદારુનો ઉત્તરાર્ધ હશે. એટલાં બધાં દેવદારુ, જાણે એકબીજાથી ઊંચે જવાની સરસાઈ કરતાં હોય. ઠંડી લાગે એવી સાન્દ્રતા. વસ્તીનાં ચિહ્નો આવ્યાં – પછી નાગેશ્વર.

દેવડી એટલે કે પ્રવેશદ્વાર. એને જોતાં જ આપણને abondened – તરછોડી દેવાયેલાનો ભાવ કેમ જાગ્યો? લાકડાની નમી પડેલી જૂની લાંબી મેડીઓ જોઈને? કે કશા કામકાજ વિના તડકો ખાતા લોકોને જોઈને? વાતાવરણમાં કશીક અગતિકતા લાગતી હતી. સમય શું થંભી ગયો હશે?

ના. અંદરના મંદિરોમાંથી ઘંટનો નાદ રણકતો બહાર આવ્યો. આ એક મંદિર નથી, મંદિરોનો સમૂહ છે. ચૈત્યશૈલીનાં જૂનાં મંદિરો છે. આઠમી સદીથી આ મંદિરો બંધાવાની શરૂઆત થઈ હતી – પછી એ બંધાતાં ગયાં. એમાં જેનું ઘણું માહાત્મ્ય છે એવું મહામૃત્યુંજયનું મંદિર જૂનામાંનું એક છે. ત્યાં એક પ્રૌઢ દંપતી મૃત્યુંજય જાપનો વિધિ કરી રહ્યું હતું.

અમને આશ્ચર્ય થયું : કોઈ બ્રાહ્મણ-પંડો દોડતો અમને વીંટળાઈ ન વળ્યો એનું. બધાં જાત્રાનાં સ્થળે એમની ઉપસ્થિતિ હોય જ. પરંતુ આ મંદિરોમાં યાત્રીઓ નિરાંતે દર્શન કરે છે.

જાગનાથનાં દર્શન કરતાં પહેલાં અમે ખુલ્લા પગે ચાલી મંદિરની દીવાલ પાછળ દેવદારુઢાંક્યા પહાડને અઢેલીને વહેતી જટાગંગામાં પગ પલાળવા ગયા. વહેતી નદીમાં એક પાળ બાંધેલી હતી. શેવાળથી તે ચીકણી લાગતી હતી. પાણીમાં જાત્રાળુઓએ ફેંકેલી ચીજવસ્તુઓ અને પૂજાનાં ફૂલો તરતાં હતાં. દેવદારુના વનમાં વહેતી જટાગંગાની આ દશા! અન્યથા એ કેટલી રમણીય લાગત!

પાણી એકદમ શીતળ. ભૂમિકા–અનન્યને ‘તોયમજા’ આવી. મને તો નદી જોઈને ઘેલછા જાગે જ. બધાંએ નદીમાં પગ ઝબકોરવાનો શીતકંપિત આનંદ લીધો.

પછી દર્શન કર્યાં ભગવાન નાગેશ્વરનાં – નાગેશ્વરનાં – નાગેશનાં. દારુકાવનમાં નાગેશનું મંદિર લકુલીશ શૈવમતનું કેન્દ્ર ગણાયું છે. આરતી થઈ રહી હતી અને એક યુગલ આરતી ઉતારી રહ્યું હતું, મહારાજ આરતી બોલતા હતા. મંદિરમાં એક સુંદર દીપધારિણીએ જાણે દીવો ધરી રાખ્યો હતો. નાગેશ્વરની એવી બીજી દીપધારિણીની શિલ્પમૂર્તિ ચોરાઈ પરદેશમાં લાખોમાં વેચાઈ હતી તે પાછી લવાઈ છે, પણ હજી મંદિરમાં પુનઃસ્થાપિત થઈ નથી. અત્યારે તો પેલી એકમાત્ર સૌમ્ય દીપધારિણીની સૌમ્ય આકૃતિ એણે પોતે ધરેલાં નિવાત-નિષ્કંપ દીપાલોકમાં મનમાં વસી ગઈ.

દેવનાં દર્શન સાથે અહીં ઊંચાં ઊંચાં દેવદારુનાં દર્શન પણ પ્રભાવકારી હતાં. શિવજીનું એ પ્રિયવૃક્ષ છે. રઘુવંશમાં એક એવા દેવદારુની વાત છે, જેને શિવે પુત્ર માન્યો હતો (પુત્રીકૃતૌઽસૌ વૃષભધ્વજેન), અને જે સ્કંદની માતાના ‘હેમકુંભસ્તનનિસૃત પયનું રસજ્ઞ’ હતું. કોઈ હાથીએ ખંજવાળ મિટાવવા જતાં એની ત્વચા છોલી નાખી, તો પાર્વતીને જાણે કાર્તિકેય લડાઈમાં ઘવાયા હોય એવું દુઃખ થયેલું. પણ માત્ર ઘવાવાની વાત ક્યાં, દેવદારુ તો પછી કપાયે જ ગયાં છે.

બપોર થઈ ગઈ હતી. અમે ચા-નાસ્તો કર્યો. ગામ બહારની સડકની સમાંતર જટાગંગાનો પટ ઘણો મલિન હતો. આ જ જટાગંગા પેલા શૈલાશ્રય આગળ કેવી નિર્મળ હતી! દારુકાવનનાં અને નાગેશ્વરનાં દર્શનથી મન તૃપ્ત થયું નહીં છતાં હવે તો અહીંથી પાછા વળવાનું હતું. કુમાઉંનાં વનોની પ્રાકૃતિક સુષમા હજી જાણે બરાબર જોવા મળી નથી. મારી ઇચ્છા તો પહેલાં બિનસરનાં જંગલોમાં જવાની હતી. પણ બિનસર સીધી ઊંચાઈએ છે, અને હવે ત્યાં જઈ શકાય કે કેમ એમ મનમાં થયું, છતાં મેં પંડિતજીને પૂછી લીધું: ‘ક્યા અબ હમ બિનસર ભી જા સકતે હૈં?’

‘ક્યોં નહીં, જા સકતે હૈં?’ આટલી નજીક હોવા છતાં સંજય લોકોએ પણ બિનસર જોયેલું નહીં. અમે ત્વરિત નિર્ણય લીધો કે અલ્મોડા પાછા વળતાં બિનસર થઈને જવું. મારી નિરાશા ચાલી ગઈ. પાછા વળતાં પંડિતજીએ ગાડીનો વેગ વધારી દીધો.

ખરેખર તો મીરતોલા પણ જવું જોઈએ. ત્યાં બંગાળનાં શ્રી યશોદા માઈ તથા સ્વામી કૃષ્ણપ્રેમનો ઉત્તર વૃંદાવન આશ્રમ છે, પણ એ કરતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને તો કિશનસિંહ ચાવડા યાદ આવે. તેઓ પણ સ્વામી કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈ મીરતોલામાં રહેતા. અહીંથી તેમણે પોતાની અધ્યાત્મચર્યાના પત્રો ‘સંસ્કૃતિ’ના તંત્રીશ્રી ઉમાશંકરને લખેલા, તે ‘હિમાલયની પત્રયાત્રા’ તરીકે પ્રકટ થયા છે. અહીંના પહાડોની અને ઋતુમાનની ઝલક એ પત્રોમાંથી મળેલી.


૪. બિનસર


પણ અમે તો હવે બિનસર માટે ધસતા હતા. વચ્ચે ચિતઈ આવતાં પંડિતજીએ ધરાર ગાડી ઊભી રાખી દીધી. આ વખતે તો ગોલુ દેવતાનાં દર્શન કરવાં જ પડશે. પંડિતજીએ તો કહ્યું કે, ‘યદિ દર્શન નહીં કરતે તો કોઈ ન કોઈ વિપત્તિ આ પડેગી.’ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારથી ગર્ભગૃહ સુધી નાનામોટા ઘંટની હાર જોવા મળી. આ બાજુની બાધા જ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવાની. અહીં પશુબલિ પણ અપાય છે. અમે ગયા ત્યારે, બલિ પછી મંદિરની સાફસૂફી થઈ રહી હતી. અનન્ય–ભૂમિકાએ ઘંટના ફોટા પાડ્યા.

પછી તો અમે બિનસરને માર્ગે. એકાએક નજર પડી એક સાઇન બોર્ડ પર – ખાલી એસ્ટેટના. અચ્છા, તો આપણા પ્રસિદ્ધ પ્રવાસી મૂળે અમદાવાદના એવા નવનીત પારેખની જગ્યા. અહીં પણ જવું જોઈએ અને નવનીતભાઈ હોય તો મળવું જોઈએ. એમની ‘અગત્સ્યને પગલે’ જેવી સચિત્ર લેખમાળા ‘કુમાર’માં વાંચેલી, પછી એ પુસ્તકાકારે પણ પ્રકટ થઈ છે. જાપાન આદિ દેશોની યાત્રા ‘પૂર્વાયન’ નામે પ્રકટી છે અને એમનું પુસ્તક ‘કૈલાસદર્શન’ તો ખરું જ. હિમાલયવિસ્તારના એ તો અઠંગ યાત્રી.

નવનીત પારેખના વિચારોમાં હું ખોવાઈ ગયો હતો ને જીપ તો આગળ દોડી રહી હતી. રસ્તામાં અનેક વિદેશી પ્રવાસીઓ જોવા મળ્યા. પંડિતજીએ કહ્યું કે, ઘણા તો અહીં સ્થાયી થઈ ગયેલા છે. નાની નાની હોટલોની બેંચ પર ક્યાંક ક્યાંક ત્રણ-ત્રણ ચાર-ચારની ટુકડીઓ જોવા મળી.

થોડી વારમાં રીતસરનો બાઉન્ડરી સાથેનો સુરક્ષિત જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો. જંગલ ખાતાને ચોપડે નામ નોંધાવી પ્રવેશ કર્યો.

બિનસરની વાત સૌથી પહેલાં કવિ અજ્ઞેયજી પાસેથી સાંભળેલી, અને તે પણ એક વાર કવિ ઉમાશંકરને ત્યાં જમતાં જમતાં. અજ્ઞેયજીએ કહેલું કે તેઓ દિલ્હીથી સવારે કારમાં નીકળી પડતા, તે સાંજે ચાર વાગ્યાની આસપાસ બિનસર. બિનસરના જંગલવિસ્તારમાં આઝાદી પહેલાં એક અંગ્રેજ વનઅધિકારીએ પોતાનો બંગલો બનાવેલો. ભારે શરાબી. ભારત છોડીને જતી વખતે શરાબઘરના માલિકને ચૂકવવાના બાકી દેવા પેટે એ આખો બંગલો આપતો ગયેલો. બિલ તો ૧૨૦૦-૧૩૦૦ રૂપિયાનું હતું. એ બંગલો પછી એમના એક મિત્રે ખરીદેલો છે. એટલે બન્નેય પોતે જ્યારે બિનસર જાય ત્યારે એ બંગલામાં રહે છે. અજ્ઞેયજીએ કહેલું કે ત્યાંથી હિમાલયની લાંબી પર્વતશ્રેણી સારી રીતે જોવા મળે છે. એમાંયે નંદા તો એકદમ નજીક.

જમતાં જમતાં ત્યારે કલ્પનામાં બિનસર પહોંચી જવાયું હતું. પણ અત્યારે તો ખરેખર બિનસર જઈ રહ્યા છીએ. આખે રસ્તે મને, બસ એ કવિ જ યાદ આવતા રહ્યા.

એ કવિને પોતાને બિનસર એટલું ગમ્યું હશે કે, તેમણે પોતાનો એક કાવ્યસંગ્રહ, કોઈ વ્યક્તિને નહીં, પણ બિનસરની વનવીથિઓને અર્પણ કર્યો છે.

જંગલ ગાઢ થતું ગયું. હવે ભાગ્યે જ કોઈ સામે મળે. ઊંચે ચઢતા માર્ગે અજ્ઞેયના પેલા કાવ્યસંગ્રહની અર્પણપંક્તિઓ યાદ કરવા મથ્યો – જે ધીરેધીરે ગોઠવાતી આવી.

…વહાં કી વનવીથિયોં મેં
પંછિયોં કી હર ચિહુંક કે સાથ.
સિહરા કરેગી પદચાપ મેરી..

હવે અમે લગભગ સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ જંગલની મોઝાર જતા હતા. નીચે પાંદડાંના ઢગ. અમે પહોંચી ગયાં ટુરિસ્ટ બંગલા સુધી. ત્યાંથી થોડું ઊંચે ચાલીને ચઢવાનું હતું.

પણ અહીં ટુરિસ્ટ બંગલાની પાછળના પ્રાંગણથી જે જોયું તે એક ભવ્યતમ દૃશ્ય હતું. દૃષ્ટિને કશાય અંતરાય વિના દેખાય છે ત્રિશૂલ નંદા. નંદા કોટ પંચચૂલીની શ્વેત શિખરોથી શોભતી સુદીર્ઘ પર્વતમાળા. સ્તબ્ધ બની ગઈ આંખો. અમે સૌ જોતાં જ રહી ગયાં. કોઈ કશું બોલે નહીં. થોડી વાર એ રીતે જ શિખરમાળાની સન્મુખ ઊભાં રહી મૌન દર્શનપૂજા કરી.

કાલિદાસને કોઈ આવે સ્થળેથી ‘અસત્યુત્તરાસ્યાં દિશિ દેવતાત્મા’વાળો શ્લોક હઠાત્ સ્ફુર્યો હોવો જોઈએ. આવી સુદીર્ઘ શિખરશ્રેણી જોતાં જ પૃથ્વીને માપવાનો એ ગજ હોય એવી ઉપમા સૂઝી હોય કદાચ.

લાંબા સમય સુધી આવા ભવ્ય વિરાટની મુખોમુખ ઊભા રહી શકાતું નથી. અમે આજુબાજુ નજર કરવા માંડી. એક કુટુંબના બીજા સભ્યો ત્યાં બેન્ચ પર બેઠા હતા. જિગીશભાઈ અમદાવાદના નીકળ્યા. પતિ-પત્ની, પત્નીના પિતા અને બાળકો. પણ એ બહેનને જ પ્રવાસનો સૌથી વધારે ઉત્સાહ લાગ્યો.

સ્વામી તદ્રૂપાનંદ વિશે એમને આદરભાવ હતો. અહીં બેત્રણ દિવસથી છે, અને અહીંથી હવે પિથોરાગઢ થઈ નારાયણ આશ્રમ જવાનાં છે.

વાતો કરતાં પણ ધ્યાન તો પાછું પર્વતમાળા ભણી જાય. અહીં ઘાટીમાં બાંજનાં પુષ્કળ ઝાડ છે. એની મોસમમાં એ લાલ ફૂલો શોભી રહે છે. સંજયે કહ્યું કે આ ઝાડ પાણીનો સંઘરો કરી રાખે છે, ચીડ તો પાણીને શોષી લેનાર ઝાડ છે. સંજયે બાંજનું એક પત્તું બતાવ્યું. એક બાજુ ઘનનીલ, બીજી બાજુએ સફેદ પડતું.

સાંજ પડવામાં હતી. અમે જંગલની કેડીનો માર્ગ લીધો. સંજય- નીતા એક કેડીએ થઈ ઝડપથી ઉપર ચઢી ગયાં. અનન્ય એમની સાથે. મધુ-શર્મિ એક બીજી વનવીથિ પર, ભૂમિકા એમની સાથે. હું ચાલતો હતો કેડી છોડી વૃક્ષો નીચે પથરાયેલાં સુક્કાં પાંદડાંના થર ઉપર, ‘પંછિયોં કે ચિહુંક’ સાંભળવા એકલો ઊંડાણમાં ચાલતો રહ્યો.

વૃક્ષોના અંતરાલમાંથી સૂરજનાં લંબાતાં કિરણો ક્યાંક અહીં સુધી આવી જતાં, બાકી ‘વનનો લીલો અંધકાર’ (સિતાંશુ યશશ્ચંદ્ર) અનુભવાતો હતો. પાંદડેપાંદડાંના ઢગ. અહીં પાનખરની શરૂઆત થઈ ગઈ હતી કે શું?

હું પાછો વળ્યો. ત્યાં સંજય નીતાનો હાથ પકડી વેગથી ઢાળ ઊતરી રહ્યો હતો. બરાબર ફિલ્મી દૃશ્ય! નીતાની સાડી આ જંગલને પણ એક ફેમિનાઇન ટચ આપી રહી હતી. અનન્યે હિન્દીમાં કહ્યું : ‘રોમાન્સ ચલ રહા હૈ!’ આજનાં છોકરાં ઘણુંબધું સમજે છે.

શર્મિષ્ઠાના ચહેરાના ભાવ પણ અવર્ણનીય હતા. ખરેખર તો અમે બિનસરના આ સ્થળે આવી, પહેલાં સ્તબ્ધ અને પછી ઉન્મત્ત બની ગયાં હતાં. અમારી ચેતનામાં જાગેશ્વર તો જાણે સૂઈ ગયા હતા.

પાછા વળતાં હવે અસ્તાયમાન સૂરજ અને હિમશિખરોની જુગલબંદી જોવાનો અનુભવ હતો. દરેક વળાંક પર સૂરજનાં લાલ કિરણોથી રસિત ગિરિમાળાની ઝલક દેખાઈ જાય એમ નીચે પહોંચીએ ત્યાં સુધી ચાલ્યા કર્યું. અમારી જીપ જાણે આનંદથી ઊછળતી હતી.


૫. કત ઘરે દિલે ઠાંઈ


બિનસરથી પાછા અલ્મોડા પહોંચતાં તો ઠંડી સાથે અંધારું ઊતરી આવ્યું હતું. આજે સાંજનું એટલે કે રાતનું ભોજન ડૉ. દીવા પાંડેયને ત્યાં લેવાનું હતું. દીવા પાંડેય તો વર્ષો સુધી ગુજરાતમાં રહ્યાં હતાં. ગુજરાતી અને હિંદી બંને ભાષામાં કવિતા લખતાં હતાં. કવિશ્રી ચિનુ મોદીના હોટેલ પોએટ્સના ગ્રૂપનાં, વિદ્યાપીઠમાં રહી તેમણે પીએચ.ડી. કરેલું. અત્યારે કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસ પર હિંદી વિભાગમાં રીડર છે. ગુજરાતથી જે સાહિત્યકારો આવે, તે તેમને મળવા જાય જ. તેઓ અત્યંત ઉષ્માથી સૌને આવકારે.

દીવા પાંડેય, હવે દીવા ભટ્ટ છે. તેમના પતિ ડૉ. જગદીશ ભટ્ટ કૃષિવૈજ્ઞાનિક છે. અમે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અતિથિગૃહમાં ઊતરેલા, તે જ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં ચોખા અર્થાત્ ડાંગરના પાક ઉપર એમનું સંશોધન ચાલે છે.

દીવા પાંડેયના ઘેર જતાં કોશી નદીની ઘાટીના ઢોળાવ પર વસેલાં ઘરોનો ખ્યાલ આવ્યો. ઢોળાવ પર ઘર બનાવવાની, રસ્તાઓ કાઢવાની ઘણી મુશ્કેલીઓ હોય છે. નીતાને વચ્ચે એમના ઘેર ઉતારી સંજય જીપમાં અમારી સાથે આવ્યો હતો. પછી જીપને વિદાય કરી અમે ઢાળ ઊતરવાનું શરૂ કર્યું. પહાડવાસીને ઢોળાવના અંધારામાં ઊતરતાં પણ ફાવે, પણ આપણે તો ડગલે ને પગલે ગૂંચવાઈએ. રસ્તે નગરપાલિકાના દીવા હોવા જોઈએ, પણ નહોતા. સંજય લગભગ અમને દોરતો હતો.

ત્યાં એક રસ્તાને વળાંકે કોઈ હાથમાં પેટ્રોમેક્સ સાથે નીચેની ઘાટીમાંથી ઉપર આવતું હતું. ઠંડીથી બચવા શરીરને એવી રીતે ઢાંકેલું કે માત્ર મોઢું દેખાય. એ હતા ડૉ. જગદીશ ભટ્ટ. નીતાએ ઘેર પહોંચી એમને ત્યાં ફોન કરેલો, એટલે એ સામે લેવા આવ્યા હતા.

ડૉ. ભટ્ટ જેવા બહુ ઓછા નમ્ર સજ્જનો-વિદ્વાનો જોવા મળે. ધીરે ધીરે અમને તે પેટ્રોમેક્સના અજવાળે એમના ઘર તરફના રસ્તે દોરી ગયા. માર્ગ એવો કે જો એ સામે ન આવ્યા હોત તો એમના ઘેર પહોંચવા સુધીમાં ઘણી મુશ્કેલી પડી હોત. નીચે ઊતર્યા પછી ઘણાં પગથિયાં ચઢી એમણે બંધાવેલા નવા ઘરે પહોંચવાનું થયું. ડગલે પગલે જાણે ક્ષમાયાચના કરતા હોય એવા પ્રેમળ જ્યોતિ પાથરતા એ સજ્જન માટે પ્રેમ ઊભરાઈ આવ્યો.

દીવાબહેન રાહ જોતાં હતાં. ગરમ પાણી તૈયાર રાખ્યું હતું. પીવા માટે અને હાથપગ ધોવા માટે પણ. પછી એમના દીવાનખાનામાં બેઠાં. એમને નવો વાર્તાસંગ્રહ બહાર પડેલો તે બતાવ્યો. એમને ગુજરાત માટે હજી એવું જ અક્ષુણ્ણ આકર્ષણ.

આવી ઠંડીમાં ગરમ ભોજન જમવાનો આનંદ અને, એથી વધારે ભટ્ટ દંપતીના આતિથ્યભાવનો આનંદ. ડૉ. ભટ્ટે પોતાના રિસર્ચ પ્રોજેક્ટની અને સ્વામી વિવેકાનંદ કૃષિઅનુસંધાન શાળાની વાત કરી. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક બંગાળી વૈજ્ઞાનિક બૉશી સેને શરૂ કરેલી. તેઓ પરણ્યા હતા એક પરદેશી મહિલા ગર્ટુડને.

એ પછી અમને મૂકવા માટે વળી પેટ્રોમેક્સ પેટાવી અને દોરવા લાગ્યા. ઉપરને મુખ્ય રસ્તે પહોંચ્યાં ત્યાં એમનો નૈનીતાલમાં ભણતો દીકરો સામે મળ્યો. એના હાથમાં પેટ્રોમેક્સ આપી અમને છેક સુધી વળાવવા આવ્યા. પેલો છોકરો તો પેટ્રોમેક્સ બુઝાવી અંધારામાં જ કૂદતો ઢાળ ઊતરતો ચાલ્યો ગયો!

એ રાત્રે સૂતાં સૂતાં બંધ આંખે નાગેશ્વરની ઘાટી અને બિનસરનાં જંગલ અને ત્યાંથી જોયેલાં શ્વેત ગિરિશૃંગોની વિરાટ હારમાળાનાં દૃશ્યો ઊભરાતાં રહ્યાં.


*


સવારમાં બારી પરનો પરદો હટાવ્યો. ત્રિશૂલ, નંદાદેવી, નંદાકોટ, પંચચૂલીનાં એવાં જ ભવ્ય દર્શન. આજે અહીંથી હવે કૌસાની ભણી જવાનું ગોઠવ્યું હતું. ત્રણ દિવસથી પથરાયેલો સામાન પૅક કરવાનો હતો.

ડૉ. જોશીને ત્યાં પહોંચ્યાં. ઘરના પ્રાંગણમાં તડકામાં તેઓ છાપું વાંચી રહ્યા હતા. આજ હવે એમની વિદાય લેવાની હતી. વાતો કરવાના ઉત્સાહી આ વિદ્વાન, કુમાઉં યુનિવર્સિટીના છાત્રો, એમના પ્રશ્નો, ઉત્તરાખંડના અલગ રાજ્યના આંદોલનના પ્રશ્નો આદિ બધા દિવસો દરમિયાન ચર્ચતા રહ્યા હતા.

બધી રાજકીય પાર્ટીઓએ ઉત્તરાખંડના અલગ રાજ્યની માગણી સ્વીકારી છે, પણ અત્યારે આખું આંદોલન મંદ છે.

સંજયનાં બા પણ આ બધા દિવસ અમને શું ખવડાવું ને શું ન ખવડાવું – એમ પ્રેમથી ભીંજવતાં રહ્યાં. અનન્ય–ભૂમિકા પર તો સ્નેહની વર્ષા જ. સંજયનાં પત્ની નીતા અને શર્મિષ્ઠા તો પહેલી જ વાર મળતાં હતાં – તોપણ જાણે વર્ષોનું સખ્ય. દેશમાં અનેક સ્થળે રઝળપાટ દરમિયાન ઘણાં પરિવારોનો ઉષ્માનો અનુભવ થયો છે. પણ આવો કુટુંબભાવ બહુ ઓછો જોવા મળે.

આવે વખતે રવીન્દ્રનાથની પેલી પંક્તિઓ જ ગુંજી રહે :

કત અજાનારે જાનાઈલે તમિ
કત ઘરે દિલે ઠાંઈ…

– (હે ઈશ્વર), તેં કેટલા અજાણ્યાને ઓળખાવ્યા અને કેટલાં ઘરોમાં સ્થાન આપ્યું.

આ ઘરના પ્રાંગણમાંથી ત્રિશૂલ, નંદાનાં દૂરથી આમંત્રણ આપતાં શિખરોને સતત જોયા કરો, અને તે પણ પુષ્પમંડિત પદમની શોભાના અંતરાલમાંથી.

આજે વિદાય લેવાની હતી, પણ સંજય-નીતા તો અમારી સાથે જ નીકળવાનાં હતાં. ઉપર જીપ અમારી રાહ જોતી હતી. અહીંથી સીધાં અમે કૌસાની જવાનાં હતાં.

જીપમાં સવાર થયાં. પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા ગયાં કે બોર્ડ જોયું – ‘રિઝર્વેશન.’ એટલે હવે કલેક્ટરની ઑફિસમાંથી ચિઠ્ઠી પરમિટ લઈ આવો પછી જ ડિઝલ મળે. હવે? ડૉ. જોશીની ઓળખાણ કામમાં આવી. સંજય અને મધુ જઈને પરમિટ જલદીથી લઈ આવ્યા – પછી જ ડિઝલ મળ્યું. પહાડી મથકો પર કોઈ વાર આમ થતું હોય છે.

નીકળતાં નીકળતાં અલ્મોડાની પાદરમાં જ બપોર થઈ ગયા.


૬. પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ


‘કૌસાની’ બોલતાં જ એક નામ તો સ્વામી આનંદનું યાદ આવી જ જાય. ‘સંસ્કૃતિ’માં આવતા સ્વામીના લેખોની મોહિની લાગેલી. લેખને અંતે સ્થળનું નામ કૌસાની હોય. એટલે મારા મનમાં સ્વામી અને કૌસાની જોડાઈ ગયેલાં. કેવું હશે કૌસાની? સ્વામી તો અઠંગ હિમાલયપ્રેમી. એમણે જ કાકાસાહેબને હિમાલયનો પ્રવાસ કરાવેલો, છેક ૧૯૧૧-૧૨માં – ગાંધીજીને મળ્યા તે પહેલાં. સ્વામી ઉત્તર જીવનમાં ઘણાં વર્ષો કૌસાનીમાં રહેલા. કોઈએ એમને પૂછેલું કે, ત્યાં રહ્યે રહ્યે શું કરો છો? આ રોજનું ચાર શેર–પાંચ શેર દૂધ પીઉં છું અને ઘરની ઓસરીમાં બેઠાં બેઠાં હિમાલયનાં શિખરો જોયા કરું છું – કંઈક એવી મતલબનો સ્વામીએ એમની લાક્ષણિક ઢબે જવાબ આપેલો. સદ્ગત ઈશ્વર પેટલીકરે સ્વામી આનંદ વિષેના એક લેખમાં આ પ્રસંગ વિષે લખેલું વાંચેલું ત્યારથી કૌસાનીમાંથી દેખાતાં હિમશિખરો જોવાની કલ્પના કરેલી. આજે અલ્મોડાથી કૌસાનીને માર્ગે જતાં હતાં ત્યાં જ સ્વામી યાદ આવી ગયા. એવું બીજું નામ કૌસાની સાથે જોડાયું હતું : હિન્દીના પ્રસિદ્ધ છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનું.

પાવસઋતુથી પર્વતપ્રદેશ
પલ પલ પરિવર્તિત પ્રકૃતિવેશ…

— પર્વત પ્રદેશમાં – પાવસ – વર્ષા અને એનો ક્ષણેક્ષણે બદલાતો પ્રાકૃતિક વેશ – ની વાત આ કવિએ કરેલી છે. જે પાર્વતીય સૌન્દર્ય વિષે આ પંક્તિઓ છે, તે છે કૌસાનીની. કવિ પંત કૌસાનીનું જ બાળક હતા. કૌસાનીમાં સ્વામી જે ઘરમાં રહેતા હતા તેની ઓસરી, અને કવિ પંત જ્યાં જન્મ્યા હતા તે એમનું ઘર, જોવાની ઇચ્છા પણ હતી.

અમારો માર્ગ કોસી નદીની સાથે સાથે – ક્વચિત્ દૂર, ક્વચિત્ નજીક – જતો હતો. ગઢવાલ વિસ્તારમાં જતા હોઈએ તો કેટલીય પુરાણપ્રસિદ્ધ નદીઓ, નગરો ભેટી જાય. આ કુમાઉંમાં નદીઓ એટલી બધી નથી. એટલું જ નહિ, વિપુલજલા પણ નથી. બલ્કે ક્ષીણતોયા છે. હા, પહાડી છે એટલે કલકલ છલછલ કરતી ક્યારેક એની પાસે જવા લોભાવતી દોડી જાય છે. એટલે જ વચ્ચે એક વળાંક આગળ અમે જીપમાંથી ઊતરી પડ્યાં અને પહોંચ્યાં પથરાળ પટમાં વહેતી કોસીના જળપ્રવાહને સ્પર્શવા.

પહાડોની વચ્ચે વહેતી નદીનો પરિવેશ કોઈ મધ્યકાલીન ચીની- જાપાની ચિત્ર કે કવિતાથી ઓછો સોહામણો નથી હોતો. ઉપર સ્વચ્છ ભૂરું આકાશ – બાજુમાં વળાંક લેતી પર્વતમાળા અને ઘાટીમાં વહેતી નદી.

બધાંને તોફાને ચઢાવે એવું સ્વચ્છ જળ. જળ વચ્ચે પથ્થરોના બેટ પર બેસીએ એટલે ક્લિક કરી શકાય એવું દૃશ્ય. ગઢવાલની નદીઓ સાથે આવી છૂટ કદી ન લેવાય. દેવપ્રયાગ આગળ ભાગીરથી અને અલકનંદાના સંગમને જોયા પછી આવી સરખામણી કરવાનો કોઈને વિચાર પણ ન આવે.

આ પહાડોમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. સાથે સાથે અહીંનાં અભાવગ્રસ્ત અનેક ગામોમાં ખાદીકામની પ્રવૃત્તિઓ ભરપૂર ચાલે છે. આ બધાં ગામોમાંથી ઘણા લોકો હવે તો નીચે મેદાનોમાં જઈ વસ્યા છે, પણ હજી એ બધાં ગામ જાણે પોતાની અસલની ઘણી પ્રકૃતિ જાળવી રહ્યાં છે.

વચ્ચે એક વાર ફરી સંજયે જીપ ઊભી રખાવી. તેણે નદીના પટની સામી દિશાએ એક હલકા ઢોળાવ પર રહેલાં કેટલાંક ઘરો ભણી ધ્યાન દોરી કહ્યું : ત્યાં છે અમારું બાપદાદાનું ઘર. મારાં દાદી હજી ત્યાં જ છે. તેઓ અલ્મોડા કે હલદ્વાની આવવા રાજી નથી.

અમે ત્યાં જઈ શક્યા હોત તો એ વૃદ્ધ કેટલાં બધાં રાજી થાત – પોતાનાં પૌત્ર અને પૌત્રવધૂને જોઈને! – એ અનુમાનનો વિષય છે. પણ અમે તો આગળ વધી ગયાં. પણ નહોતાં જોયાં એ વૃદ્ધાને તોપણ મનમાંથી એમનો વિચાર ઝટ ગયો નહિ. મને ગામડે એકલાં રહેતાં મારાં બા યાદ આવી ગયાં હતાં. એ આમ જ અમારી રાહ જોતાં…

કૌસાની ચારેક વાગ્યે પહોંચ્યા. અમે અનાસક્તિ આશ્રમમાં ઊતરવાનું રાખેલું. અગાઉથી અલ્મોડાથી ફોન કરીને દીવા પાંડેએ કહી દીધેલું. એટલે જીપમાં અમે પહાડી ઢાળ ચઢતા ચઢતા અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાં આવી પહોંચ્યાં.

આ અનાસક્તિ આશ્રમ. ગાંધીજીએ પોતાના ગીતાના અનુવાદ ‘અનાસક્તિ યોગ’ની ભૂમિકા અહીં લખી હતી. એ પછી આ જગ્યાને એ નામ મળ્યું. ગાંધીજી અહીં ૧૯૨૯માં આવેલા. તે વખતે આ ઇમારત. એક ટી-એસ્ટેટનું ગેસ્ટહાઉસ હતું. ગાંધીજી એ વખતે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. અહીં આવ્યા ત્યારે એ થાક દૂર કરવા ગેસ્ટહાઉસમાં બે દિવસ રહેવાનો એમનો ખ્યાલ હતો, પણ અહીંના સૌન્દર્યથી એવા પ્રભાવિત થઈ ગયા કે બે અઠવાડિયાં રહી પડ્યા. મનુષ્યો કદી ન આપી શકે એવા પ્રકૃતિના આતિથ્યની હૂંફનો એમને અનુભવ થયેલો. એમણે લખ્યું છે કે, મંત્રમુગ્ધ કરતા હિમાલયનાં સૌન્દર્ય અને અહીંની ખુશનુમા આબોહવા અને ચારે તરફની આંખ ઠારતી હરિયાળી પછી બીજા કશાની જાણે ઇચ્છા રહેતી નથી. ગાંધીજીને તો દુનિયામાં આવી બીજી કોઈ સૌન્દર્યસ્થળી હશે કે કેમ એવો પ્રશ્ન પણ થયેલો.

ટાગોર આવું બધું કહે અને એમની કલમથી આવી કવિતા જેવી પંક્તિઓ સરી પડે એ તો સમજાય, પણ ગાંધી કહે ત્યારે? હા, ગાંધીને શ્વેત બરફાચ્છાદિત શિખરો જોઈ એવું લાગેલું કે જાણે ચરખા પર કતાઈ કરવા માટેના રૂના ઢગલા! ‘સુતારનું મન બાવળિયે’ તે આનું નામ.

અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાં ઊતરી ઉત્તર તરફ જોતાં દિગન્તવ્યાપી હિમધવલ ગિરિમાળા ને સ્વચ્છ આકાશ જોતાં ઊભાં રહી ગયાં! એ શિખરો કેટલાં બધાં નજીક લાગતાં હતાં!

અમને સરસ ઉતારો મળી ગયો. અમારા રૂમની ઓસરીમાંની કાચની બારીઓમાંથી ગિરિમાળાનું દૃશ્ય દેખાય.

પણ હિમાલય સાથે પછી ગોષ્ઠી. પહેલાં તો કવિ સુમિત્રાનંદન પંતના ઘરની યાત્રા કરી આવીએ. પાંચ વાગ્યે એ બંધ થઈ જાય છે, કેમ કે ઉત્તરપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગને હસ્તક હવે એની જાળવણી છે અને સરકારી જાળવણી એટલે સરકારના નિયમો તો આવે

અનાસક્તિ આશ્રમથી થોડેક જ દૂર ‘સુમિત્રાનંદન પંત વીથિકા’ છે. અરે! પણ કવિના ઘરની આસપાસ તો નાનીમોટી હોટેલો-રેસ્તોરાં થઈ ગયાં છે! સુમિત્રાનંદન પંતને એમના સમકાલીન કવિ નિરાલાએ ‘ભાવ, ભાષા ઔર કલ્પના કે સુકુમાર કવિ’નું અભિધાન આપ્યું હતું. નિરાલાની અને સુમિત્રાનંદન પંતની યુવાવસ્થાની ‘ઘને લહરે રેશમ કે બાલ’વાળી તસવીરો જોઈને મેંયે કિશોરાવસ્થામાં એક વેળા લાંબા વાળ – ખભે સુધી પહોંચતા – રાખેલા. મારી એ તસવીર જોતાં આ કવિઓ હમેશાં યાદ આવે છે, અને યાદ આવે છે કિશોરાવસ્થામાં સેવેલા ‘આદર્શો!’

હિન્દીના અધ્યાપક તરીકે મેં પંતજીની કેટલીય કૃતિઓ ભણાવી છે! એમની અનેક કાવ્યપંક્તિઓ મોઢે થઈ ગઈ છે. એમના ઘરે પહોંચ્યા. નાનું બેઠા ઘાટનું ઘર. છત ઉપર સપાટ પહાડી નળિયાં. પ્રાંગણમાં જ પંતજીની કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

સાંજનો સમય. પશ્ચિમ દિશામાંથી લાંબાં કિરણોનો તડકો આવી રહ્યો હતો – અને આ બાજુ હિમાલયની ગિરિમાળા, ઘરના દરવાજા પણ ઘરની જેમ બેઠા ઘાટના. નીચા નમીને પ્રવેશ કર્યો.

ઘરની અંદરનાં બીજાં બધાં એક ખંડમાંથી બીજા ખંડમાં જવાનાં બારણાં તો બારી જેવડાં. નીચા નમીને જ જવું પડે. મુખ્ય ખંડમાં એમની બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધીની બધી તસવીરો હતી. એક ખંડ અધ્યયનકક્ષ હતો. – એમનાં ટેબલ-ખુરશી તેમજ લખવાની સામગ્રી જાળવી રાખ્યાં છે. ઘરની પાછળ થોડી ખુલ્લી જગ્યા અને ઓસરી છે. અહીંથી બાલ કવિએ હિમાલયના વિરાટ સૌન્દર્યોને પીધાં હશે – અહીંથી સૂર્યનાં ‘પ્રથમ રશ્મિ’ને આવતાં જોયાં હશે – અહીં એક કિશોરીને પ્રેમ કર્યો હશે – અને પછી હિન્દી ભાષાની આ અમર પંક્તિઓ સ્રવી હશેઃ

વિયોગી હોગા પહલા કવિ
આહ સે ઉપજા હોગા ગાન,
ઉમડકર આંખોં સે ચુપચાપ
બહી હોગી કવિતા અનજાન…

‘આંસુ’ કવિતાની એ બાલિકા – એ ‘સરલા’ આસપાસ ક્યાંક રહેતી હશે. પછી તો આ કવિ જ્ઞાનપીઠ-પુરસ્કાર-વિજેતા વિખ્યાત કવિ બન્યા, પણ એ રહ્યા તો અપરિણીત. જે કૃતિ પર એમને આ પુરસ્કાર મળેલો તે ‘ચિદમ્બરા’નો મેં અને રઘુવીરે ગુજરાતી અનુવાદ કરેલો છે.

પેલી ઓસરીમાં થોડી વાર બેઠો અને કિશોર કવિ પંતની માનસપ્રતિમા ઘડતો રહ્યો.

ઉમાશંકર જોશી જ્યારે ઇંગ્લૅન્ડ ગયા હતા, ત્યારે એમણે લેક વિસ્તારમાં આવેલ અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્સવર્થના નિવાસ ‘ડવા કોટેજ’ની મુલાકાત લીધેલી. એ સરોવરોનો વિસ્તાર અને તેમાંય વર્ડ્સવર્થના ઘર આગળના પહાડોથી ઘેરાયેલાં ગ્રાસમિયર સરોવરના સૌન્દર્યવર્ણનવાળો ભાગ યાદ રહી ગયો છે. વર્ડ્ઝવર્થના એ નાનકડા ઘરની જાળવણીની વાત એમણે લખેલી.

પંતજીનું ઘર પણ એવું ડવ કૉટેજ – પારેવડા-કુટી – જેવું લાગે. કદાચ ટેકરીના ઢાળ પર લપાઈને રહ્યું હોય એવું પંતનું આ ઘર – એને વર્ડ્સવર્થના ઘરનું નામ સહેલાઈથી આપી શકાય.

વળી, આ બન્ને કવિઓ વચ્ચેનું એક મહત્ત્વનું સામ્ય – તે બંનેની પ્રકૃતિકવિતા.

પણ પંતજીના ઘરની આજુબાજુના પર્વતીય સૌન્દર્યને હવે તો સતત ગુંજતી રેસ્તોરાં અને ઊંચી હોટેલો ગ્રસી ગઈ છે. પૂર્વ દિશાને લગભગ ‘બ્લૉક’ કરી દીધી છે, જે દિશામાંથી પ્રથમ રશ્મિના આગમનને કવિએ જોયું હશે! હવે ‘પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ’ જોવાનું અસંભવપ્રાયઃ બની રહ્યું છે.


૭. હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી


પહાડોમાં તડકો વિલીન થતાં ઠંડી એકદમ ઊતરી પડે છે. તે પહેલાં આથમી રહેલા તડકામાં કૌસાનીના અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાંથી એકબીજાની સ્પર્ધા કરતાં હિમશિખરોની ઓળખ કરી. ડાબી તરફ છેક છેડે ૨૩૪૨૯ ફૂટની ઊંચાઈએ ચૌખમ્ભા અને એની સાથે નીલકંઠનું શિખર, એ જ એ બદ્રિનાથમાં એકદમ નિકટ છે. એ પછી સામે નન્દા ઘુંટી અને ત્રિશૂલ. ત્રિશૂલને તો અલ્મોડાથી ઓળખી લીધું હતું. એ પછી દેવીસ્થાન, નંદા અને જમણી તરફને છેડે પંચચૂલી. પંચચૂલીનો આકાર ભવ્ય લાગે. અંધકાર ઊતરવા લાગતાં આ શ્વેત શિખરો ધીમે ધીમે નજરમાં અસ્પષ્ટ થતાં ગયાં.

અનાસક્તિ આશ્રમમાં ગાંધીજીની એક પરંપરા હજુ ચાલુ છે, અને તે છે સાયં પ્રાર્થના. આશ્રમના સંચાલક શ્રી દુબેજી એમના સાથીઓ અને આશ્રમના અતિથિગૃહમાં ઊતરેલા પ્રવાસીઓમાંથી જેમની ઇચ્છા હોય તે પ્રાર્થનાના સમયે સભાખંડમાં જાય.

અમે તેમાં જોડાયાં. શર્મિષ્ઠાએ પ્રાર્થના પછી ભજનો ગાયાં. સંજયે પણ. એ પછી પ્રાર્થનામાં આવેલા અન્ય પ્રવાસીઓનો પરિચય થયો. એક બંગાળી પરિવાર, એક મહારાષ્ટ્રી. બંગાળી બહેને રવીન્દ્રનું એક ગીત રજૂ કર્યું. એમના સ્વામી(બંગાળમાં પતિને ‘સ્વામી’ કહે છે અને પત્નીને ‘સ્ત્રી’.)એ રવીન્દ્રનાથની કવિતા પ્રસ્તુત કરી. પરંતુ આશ્ચર્ય તો ત્યારે થયું કે એમણે જીવનાનંદ દાસની વનલતા સેનની આવૃત્તિ કરી. વચ્ચે ક્યાંક એ ભૂલી જતા, તો તેની પૂર્તિ હું કરતો. તો એમને આશ્ચર્ય પણ થયું કે આ ભાઈને ‘અમારી’ આખી કવિતા યાદ છે?

આશ્રમ સંચાલક દુબેજીને બોલવામાં કંઈ તકલીફ જેવું લાગ્યું. શું બોલે છે તે સમજવા પ્રયત્ન કરવો પડે. પણ અમારાં બધાંની હાજરીથી અને ‘પર્ફોર્મન્સ’થી પ્રસન્ન હતા. આશ્રમમાં જમવાનું સાદું હતું, પણ અહીંની ઠંડીમાં એ ગરમગરમ ભોજન અત્યંત તૃપ્તિકર બની ગયું.

પછી ગરમ વસ્ત્રોમાં લપેટાઈ અમે બહાર નીકળ્યાં. આજે લાભપાંચમ હતી. આશ્રમના પ્રાંગણમાં પ્રાચીન દેવદારુની શાખાઓ વચ્ચેથી પંચમીના ચંદ્રનાં દર્શન કર્યા. આકાશ એકદમ સ્વચ્છ. એટલે નિહારિકાસઘન આકાશગંગાનો પટ્ટો સહેજે ઓળખી શકાયો. અનન્ય ભૂમિકાને પણ આકાશદર્શનમાં રસ પડ્યો. આશ્રમની બાજુમાં જ હવે તો હોટલો થઈ ગઈ છે, પરંતુ સદ્ભાગ્યે ત્યાંય ભીડભાડ નહોતી. એ માર્ગો પર થોડું ચાલી અમે આશ્રમમાં પાછા ફર્યા.

અલ્મોડાની આ યાત્રામાં એ જ રાત્રે એવો સુયોગ થયો કે એક ખંડમાં અમે બધાં ભેગાં થયાં અને વાતવાતમાંથી ગાન તરફ વળ્યાં. સંજયને ફિલ્મનાં અસંખ્ય ગીતો એમના પૂર્વાપર સાથે યાદ. બીજાંઓને પોતપોતાની પસંદગી પ્રમાણે યાદ. જે ગીત સંજયને મેં ફરીવાર છેલ્લે છેલ્લે ગાવાનું કહ્યું, તે એણે સુંદર રીતે ગાયું :

વો તેરે પ્યાર કા ગમ
એક બહાના થા સનમ,
અપની કિસ્મત હી કુછ ઐસી થી
કિ દિલ ટૂટ ગયા.

પછી અમે છૂટાં પડી સૌ-સૌના ઓરડામાં ગયાં. તે વખતે ફરીવાર બહાર આવી આકાશની સ્વચ્છતાનો અનુભવ કર્યો. સવારમાં ઊગતા સૂરજનાં કિરણોમાં આ હિમગિરિ શૃંગોને જોવાનાં છે. સવારની ચા આપવા આવનાર સમયસર જગાડશે એમ દુબેજીએ કહ્યું હતું, એટલે અમે નચિંત થઈ ઢબુરાઈ ગયા. હા, પણ તે પહેલાં સ્વામી આનંદને યાદ કરી તેમની લોકગીતાનું પારાયણ કરી દીધું.

સવારે સાડા છ વાગ્યે તો અમે બરાબર પ્રાંગણના ઓટલા પર ગોઠવાઈ ગયાં. આશ્રમમાં જે નહોતાં ઊતર્યાં એવાં પ્રવાસીઓ પણ અહીં આવ્યાં હતાં. અહીંથી હિમશિખરો પર થતા સૂર્યોદયને ઉત્તમ રીતે નિહાળી શકાય છે. અમે સૌ ઉદગ્ર હતા. ત્યાં નંદા (દેવી) પર જાણે સૂરજના પ્રથમ કિરણકુંજનો સ્પર્શ થયો અને તે દીપ્તિમંત થયું, અને તે પછી તો નંદા કોર, પંચચૂલી, ત્રિશૂલ – એક પછી એક ભાસ્વત્ થતાં ગયાં. ભવ્યતાનું એ દર્શન હતું.

હજુ સૂરજ ડોકાયો નહોતો. નીચે ખીણમાં ધુમ્મસ જામ્યું હતું. શિખરો ચમકી ઊઠ્યાં હતાં અને પૂર્વની એક પહાડી પાછળથી સૂર્ય ડોકાયો. શિખરો પરથી પ્રકાશ ઢાળ પર પણ ઊતરે છે. પ્રાંગણમાંના દેવદારુને અઢેલીને ઊભો ઊભો હું જોઉં છું, સૂર્ય મહારાજની સવારી.

મારી અને હિમશિખરો વચ્ચેના દૃષ્ટિપથમાં એક કાળો કાગડો ઊડતો ઊડતો ગયો. હું શિખરોને આંખભરી જોતો રહ્યો – રોજ આમ હજારો વર્ષોથી આ ભવ્ય લીલા રચાતી હશે! – આજે એ લીલાના સાક્ષી બનવાનો અમને અવસર મળ્યો.

ભૂમિકા એક બાજુએ બેસી કૌસાનીમાંથી દેખાતાં પ્રભાતવેળાનાં શિખરોનો સ્કેચ કરવા લાગી હતી.

અમારે સ્વામી આનંદ જ્યાં રહેતા હતા તે સ્થળ પણ જોવું હતું, પણ અહીં આશ્રમના માણસોને એની ખબર નહોતી! અહીંથી બૈજનાથ અને બાગેશ્વર જવાય છે. બેજનાથ ગોમતી નદીને કિનારે છે. ત્યાંના મંદિરમાં શ્યામ પથ્થરની પાર્વતીની એક રમણીય મૂર્તિ છે. ત્યાંથી કર્ણપ્રયાગ થઈને બદરીનાથને માર્ગે જવાય છે.

આમ આ રસ્તાનો વિચાર કરતાં જ ક્યાં ને ક્યાં મનથી તો પહોંચી જવાય. ટાગોર કહે છે તેમ ‘પથ’ આપણને ઘર બહાર લઈ જાય છે. આપણામાં રહેલ રખડુને નિયંત્રિત કરે છે. પણ અમે ન તો બૈજનાથ ગયા, ન બાગેશ્વર. અમારો પથ હવે રાણીખેત થઈ નૈનીતાલ જવાનો હતો.

ગરમગરમ નાસ્તો કરી અને જીપમાં ગોઠવાઈ ગયાં. કૌસાનીની ઘાટીનો રસ્તો. રસ્તાની બન્ને બાજુ ખેતરોમાં કામ ચાલે છે. સ્ત્રીઓ પણ કામ કરે છે. કોદાળીથી જમીન સમથળ કરે છે. ચારે બાજુએ પહાડો. વચ્ચે આવતાં આ ખેતરોમાં બળદને હાંકવાના હાકોટા સંભળાય છે.

વચ્ચે થોડો રસ્તો ધૂળિયો આવ્યો. નવી સડક બની રહી છે. રાનીખેત પહોંચ્યા પછી તો લાગ્યું – આ કરતાં તો કૌસાની એક વધારે રાત રહેવાની જરૂર હતી. આ તો મોટું હિલસ્ટેશન થઈ ગયું છે – ઓછામાં પૂરું કુમાઉં રેજિમેન્ટની મુખ્ય છાવણી અહીં છે. લાંબો નગરમાર્ગ વટાવી છેવાડે આવેલા પર્યટકનિવાસમાં પહોંચી ગયાં.


૮. નૈનીતાલ


રાનીખેતમાં અમારો પર્યટક નિવાસ મહાત્મા હૈડાખાન બાબાના આશ્રમની નજીક હતો. હૈડાખાનનું નામ તો અહીં પહેલી વાર સાંભળ્યું. એમના નામથી અહીં મોટી ઇસ્પિતાલ છે, અને આશ્રમમાં તો કેટલા બધા વિદેશીઓ રહે છે એની તો ત્યાં ગયા એટલે ખબર પડી. મૂળ બાબા તો હવે નથી, પણ એમની પછી આવનાર બાબા – હૈડાખાનને શંકરનો અવતાર ગણે છે અને એમની પૂજા થાય છે! હૈડાખાનના આશ્રમમાંથી ઉત્તરે વળી પાછી હિમગિરિની પેલી ગિરિમાળા આમંત્રણ આપે છે.

રાત અમે રાનીખેત રહ્યાં અને બીજે દિવસે સવારે નૈનીતાલ જવા નીકળ્યાં.

નૈનીતાલનું પહેલું વર્ણન તો જૈનેન્દ્રકુમારની પ્રસિદ્ધ વાર્તા ‘અપના અપના ભાગ્ય’ વાર્તામાં વાંચેલું, જ્યાં એક ગરીબ કિશોર ઠંડીમાં ઠરી જઈ મૃત્યુ પામે છે.

નૈનીતાલ તો ગુજરાતીઓથી ઊભરાતું લાગ્યું. દિવાળીની રજાઓને કારણે ઘણાં ગુજરાતી કુટુંબો અહીં ઊતરી પડ્યાં હતાં અને પ્રવાસી બસો પણ. નૈની સરોવર નયનના આકારનું છે. કહે છે કે સતીના દેહના ટુકડામાંથી અહીં તેમની આંખ પડી હતી અને તેમાંથી આ સરોવર બન્યું. નયનાદેવીનું મંદિર સરોવરને પશ્ચિમ કાંઠે છે. અંગ્રેજોની સરજત છે. ૧૮૪૮માં કોઈ એક અંગ્રેજે ગાઢ વનરાજીવાળા આ વિસ્તારને અહીં પોતાનું ઘર ‘પિલગ્રિમ્સ કૉટેજ’ બનાવેલું – તે પછી બન્યું આ પ્રસિદ્ધ હિલ સ્ટેશન. ઊંચીનીચી પહાડીઓ પર વસેલા આ નગરમાં રહેઠાણનાં મકાનો વધારે છે કે હોટલો, તેવો પ્રશ્ન થાય.

પણ અમે તો કોઈ હોટેલમાં રહેવાને બદલે કુમાઉં યુનિવર્સિટીના કૅમ્પસ પરના યુનિ. ગેસ્ટહાઉસમાં ઊતર્યા. ઉપકુલપતિ શ્રી જોશીએ વ્યવસ્થા કરાવી રાખેલી. એ જૂના ગેસ્ટ હાઉસને બ્રિટિશ સ્પર્શ છે, વૃક્ષોની વચ્ચેનો અંતરાલ એવો છે કે એનું નામ છે ‘સ્લીપી હૉલો.’

પછી તો બીજા સહેલાણીઓ જે માર્ગને અનુસરે છે, એ માર્ગને અનુસરી અમે રોપવેમાં માઉન્ટન વ્યૂ ગયાં, બોટ કરીને નૈની સરોવરમાં સહેલગાહ કરી. ગઢી પાનમાં રંગોનું ભવ્ય પરંતુ સૌથી રોમાંચક અનુભવ તો નૈનીતાલ પાસેની એક ઊંચી પહાડી પર આવેલી સ્ટેટ ઑબ્ઝર્વેટરીના વિરાટ દૂરબીનમાંથી કરેલાં ચંદ્ર, શુક્ર અને શનિનાં દર્શનનો હતો.

ઑબ્ઝર્વેટરીના એક વૈજ્ઞાનિક ડૉ. વિજયમોહન મારી એક વિદ્યાર્થિની ડૉ. રંજનાના બનેવી થાય. રંજનાની બહેન સુષ્માએ અનેક વાર નૈનીતાલ આવવા નિમંત્રણ આપેલું, પણ એણે કદી કલ્પ્યું નહિ હોય કે એક ઠંડી સાંજે સૂર્યાસ્ત પછી એને દરવાજે હું ટકોરા પાડીશ. એ તો આભી જ બની ગઈ. પછી ખૂબ રાજીરાજી થઈ ગઈ. કહે: ‘તમે આવ્યા છો, પણ હું તો હજી માની શકતી જ નથી કે તમે આવ્યા છો!’

ચા પી અમે ત્યાંથી ઊંચે આવેલી ઑબ્ઝર્વેટરીમાં ગયાં. આજે સાતમનો ચંદ્ર હતો. થોડાં વાદળ હતાં, તે હટી ગયેલાં. દુરબીનમાંથી ચંદ્રનો ચહેરો જોયો તો શીળીના ચાઠાવાળો લાગ્યો. ચંદ્રનાં આ દર્શન પછી કોઈને ‘ચંદ્રમુખી’ કહેવાથી એનું અભિવાદન થતું ન લાગે. શનિને એનાં વલયો સાથે અને ગુરુને એના પટ્ટા સાથે જોયા, જેવા એમને ભૂગોળ-ખગોળનાં ચિત્રોમાં જોઈએ છીએ.

સુષ્માએ તો એકાદ દિવસ રહેવાનો આગ્રહ કર્યો, પણ અમે તો રોકાઈ શકીએ એમ નહોતાં. સ્લીપી હૉલોમાં પાછાં આવી ગયાં. યુનિ. અતિથિગૃહને રસોડે સખત ઠંડીની રાતે ગરમગરમ રસોઈ જમવામાં અનન્ય સ્વાદ હતો.

જૈનેન્દ્રકુમારની વાર્તામાં જે ઠંડીનું વર્ણન વાંચેલું, એ ઠંડી તો કદાચ વધારે હતી, પણ આ કંઈ ઓછી નહોતી. રૂમમાં હીટર હોવા છતાં ધ્રૂજી જવાતું હતું.


૯. અજ્ઞેયનાં પદચિહ્ન અને ઑર્કિડ


નૈનીતાલના સ્લીપી હૉલોના પ્રાંગણમાં સવારનો તડકો ઓઢવાનું મન થાય એવી ઠંડી હતી. ચારે તરફની ઊંચાઈઓ વચ્ચે વૃક્ષાન્તરાલમાં યુનિવર્સિટીના આ જૂના અંગ્રેજકાલીન અતિથિગૃહનું જુદું આકર્ષણ હતું. પણ આજે જ અહીંથી નીકળી જવાનું હતું. તૈયાર થઈ સામાન પૅક કરી બહાર આવ્યાં, પણ અમારી જીપ પણ જાણે થીજી ગઈ હતી. બાલમસિંહ બેત્રણ જણાની પાસે જીપ ઠેલાવી ચલાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ જીપ સ્ટાર્ટ થાય જ નહિ. બૅટરી ડાઉન થઈ ગઈ હતી. હવે? સંજય યુનિવર્સિટીની જીપગાડીના ડ્રાઇવરને બોલાવી લાવ્યો. અમારી જીપને પેલી જીપગાડી સાથે તારથી બાંધી ઊંચા ઢોળાવે ખેંચી લઈ જવાઈ. પછી ઢાળ પર વેગથી ખેંચાતાં એ શરૂ થઈ ગઈ. નિરાંતનો દમ ખેંચી અમે ઝટપટ સામાન ચઢાવી જીપમાં બેસી ગયાં.

નૈનીતાલ કુમાઉં યુનિવર્સિટીનું મુખ્ય કૅમ્પસ છે. સંજયે અહીં અભ્યાસ કરેલો અને અત્યારે નીતા એ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડી.ની છાત્રા હતી. મને તો કોઈ પણ વિદ્યાધામમાં જવાનું મળે, તે કોઈ પ્રાકૃતિક સુષમાસ્થલીમાં ફરવાથી ઓછું ન લાગે. નૈનાદેવીની બાજુની સડક પર થઈ યુનિવર્સિટી કૅમ્પસ પર પહોંચ્યાં. છાત્ર-છાત્રાઓની આવનજાવનથી ભર્યોભર્યો કૅમ્પસ. અંગ્રેજોના સમયથી નૈનીતાલ શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર રહ્યું છે, ખાસ તો મિશનરીઓ દ્વારા ચાલતી સંસ્થાઓને કારણે.

અમે નીતાની લેબોરેટરી સુધી પહોંચી ગયાં. ત્યાંથી પછી કૅમ્પસ બહાર નીકળી નૈનીતાલના તલ્લીતાલ વિસ્તારમાં. સંજય અમને એના એક જૂના અને જાણીતા જલેબીવાળાની દુકાને લઈ જવા માગતો હતો. ત્યાં પહોંચ્યાં, પણ એ મીઠાઈવાળાએ તો દુકાન ખુલ્લી છતાં જલેબી બનાવવાનું બંધ કર્યું હતું. પણ જલેબીનું નામ પડી ગયું હતું, તો બાજુમાં બનતી ગરમગરમ જલેબીનો સ્વાદ સડક પર ઊભાં ઊભાં જ લીધો.

ઠેર ઠેર યાત્રિકો જોવા મળતાં હતાં. જૈની સરોવરનાં છેલ્લાં દર્શન કરી અમે આ નગરની વિદાય લઈ નીકળી પડ્યાં. મારી તો કુમાઉંની યાત્રા નક્કી થઈ તે દિવસથી સાતતાલ અને નૌકુછિયાતાલ પહોંચવાની તીવ્ર ઇચ્છા હતી.

હિન્દી લેખક અજ્ઞેયજીની નવલકથા ‘નદી કે દ્વીપ’માં જ્યારથી નવલકથાના નાયક ભુવન અને નાયિકા રેખાનો નૌકુછિયાતાલને કાંઠે એક ડાકબંગલામાં રાત્રિનિવાસ હતો – એમ વાંચેલું ત્યારથી નવલકથાના એ રોમાંચક સ્થળે ક્યારેક પહોંચવું એનો મનમાં નિર્ણય થયેલો. નૌકુછિયાનું એવું અમોઘ આકર્ષણ વરસોથી મનમાં ધરબાયેલું તે કેટલાક દિવસથી પ્રબળ બની ગયું હતું.

ભુવન અને રેખાનો પરિચય હજી નવોસવો હતો. લખનઊમાં મિત્ર ચંદ્રમાધવના આયોજને પહેલી વાર મળેલાં. ચંદ્રમાધવ ભુવન નિમિત્તે રેખાને પોતાના નિકટ ખેંચવા ઇચ્છતો હતો, પણ રેખા તો ઓછાબોલા અને પ્રાયઃ સ્ત્રીવિમુખ ભુવન તરફ ખેંચાવા લાગી હતી.

એક વેળા લખનઊનાં એ બધાં સ્થળો જોયેલાં, જ્યાં આ બધાં પાત્રો મળતાં હતાં, ખાસ તો એ કૉફીહાઉસમાં બેસી કોફી પણ પીધી હતી. પરંતુ નૌકુછિયા ક્યારે જવાશે તે ખબર નહિ.

ભુવન અને રેખા લખનઊ પછી દિલ્હીમાં મળેલાં – અને ત્યાંથી રેખાને સ્ટેશનેથી વિદાય આપવા જતાં એ પણ એની સાથે ગાડીમાં બેસી મુરાદાબાદ અને ત્યાંથી પછી બન્ને નૈનીતાલ પહોંચી ગયેલાં – એ બન્ને જણ પોતાની લાગણીઓ પોતાના શબ્દોમાં નહિ, કવિતાને સહારે કે રવીન્દ્ર-ગીતને સહારે વ્યક્ત કરતાં એટલું બધું સોફિસ્ટિકેશન હતું.

નૈનીતાલ એક હોટલમાં ઊતરતાં ઊતરતાં ભુવન રેખાને પગે ચલાવીને ભીમતાલ અને પછી છેક અંધારામાં આ નૌકુછિયાતાલ લઈ આવે છે. એ ઘટના, એ વર્ણન મનમાં એવાં ચિત્રિત થયેલાં કે જાણે તે સ્થળ આ જગતની બહારનું ન હોય!

અમે પણ નૈનીતાલથી નીચે ઊતરી રહ્યાં હતાં. પણ એ ખુલ્લો દિવસ હતો અને મનમાં થતું હતું કે આટલા ખુલ્લાપણામાં તો નૌકુછિયાનો જાદુ અદૃષ્ટ થઈ જશે. નૌકુછિયા તો અંધારે પહોંચવું જોઈએ, જ્યાં ડાકબંગલામાં વીજળી નહિ પણ, કેરોસીનનો લૅમ્પ આછું અજવાળું પાથરી રહ્યો હોય.

પરંતુ, પહેલાં તો અમે સાતતાલની દિશામાં વળ્યાં. આ માર્ગે થોડીક પ્રવાસી બસો પણ જોવા મળી. પહાડોના ઢોળાવો પર માર્ગ નીચે ઊતરતો જતો હતો, ત્યાં અચાનક એક સાઇનબોર્ડ પર વાંચ્યું – ‘નલદમયંતી તાલ’. પણ જીપ તો આગળ વધતી ગઈ. ચોતરફ વનરાજી ગાઢ હતી. મધ્યાહ્નની વેળા હતી, પણ આલાદક ઠંડક હતી. બાંજનાં વન જ કહેવાય એટલી એમની હાજરી. એ વચ્ચે વળી પાછું રસ્તાની ધારે દેખાયું એક નામ, નામમાત્ર નહિ – સ્વયં રામલક્ષ્મણતાલ. એના પહાડોથી રક્ષાયેલા એકાન્તનો જાણે અમે ભંગ કરતા હતા. શાન્ત જળને પવનલહરીઓ હળવો સ્પર્શ કરી પ્રતિલહરીઓ પેદા કરતી હતી. અમે એ તાલને કિનારેની સડક પર જીપ થોભાવી, નીચે ઊતરી પડ્યાં. અને ત્યાં જોયું તો એક ઊભા કરેલા કૅમ્પમાંથી કેટલાંક વિદેશી પ્રવાસીઓ આછાં કપડાંમાં આમતેમ ફરી રહ્યાં હતાં.

મને થયું કે આ સરોવરના પાણી સુધી તો પહોંચવું જ જોઈએ. સડક અને સરોવર વચ્ચે ઊગેલાં ઝાડીઝાંખરાં વચ્ચેની કેડી પરથી હું હાથ હલાવતો ચાલતો હતો, ત્યાં મારો હાથ એક છોડને અડકી જતાં જ બળતરા ઊઠી. મેં હાથ ઝટકાવ્યો. સંજય કહે : ‘બિચ્છુનો છોડ લાગે છે.’ નીતા, શર્મિ, અનન્ય, ભૂમિકા બધાં પાણી સુધી પહોંચી ગયાં. મધુ અમારો બધાંનો ફોટો લેવા ‘ઍંગલ’ શોધતો હતો. પાણીમાં કાંઠાનાં વૃક્ષોનાં પાંદડાં પડ્યાં હતાં, પણ પાણી એકદમ પારદર્શક. નાની નાની માછલીઓ તરી રહી હતી.

આવું ઝાડીઘેર્યું સરોવર હોય એટલે મને બાણભટ્ટની કાદંબરીનું અચ્છોદ સરોવર યાદ આવે. આ વખતે એ સાથે યાદ આવ્યું સ્વિટ્ઝર્લેન્ડમાં જોયેલું ‘બ્લ્યૂ લેક’. અમારા યજમાન સ્વિસ પ્રોફેસર બાખ અમને ત્યાં લઈ ગયેલા. સદીઓ જૂનું એ આલ્પ્સની વૃક્ષાચ્છાદિત પહાડીઓ વચ્ચે ભૂરાં પાણીનું સરોવર. એમાં પડેલાં વૃક્ષો આખાં ને આખાં અશ્મિભૂત થઈ ગયેલાં. તે તળિયે સ્પષ્ટ દેખાય.

સાતતાલ બાજુની બાંજ, ચીડની ઝાડીઓમાં પાનખરનો આરંભ થઈ ગયો હતો. ડાળીઓ પર લાલ-પીળાં પત્તાં સુંદર લાગતાં હતાં. કિનારાથી થોડે દૂર ઢોળાવ પર એક ‘કૅસલ’ જેવું ઘર કાવ્યાત્મક લાગતું હતું. જાણે વૉલ્ટર સ્કૉટની કોઈ નવલકથાનું ભેદી સ્થળ.

જીપને ત્યાં ઊભી રાખી અમે આગળ ચાલ્યાં. એ સરોવરને અડીને બીજું સરોવર. પહાડ વચ્ચે જેવી જગ્યા મળી, તેવો સરોવરનો આકાર. અહીં સડકની જમણી તરફના પહાડી ઢોળાવ પર ટુરિસ્ટ લોજ હતી. રાત રોકાવાની મજા તો આવા એકાન્તમાં આવે. પણ અત્યારે તો કેટલીક પ્રવાસી બસોના યાત્રીઓએ કોલાહલ મચાવી દીધેલો. બોટિંગની વ્યવસ્થા હતી, તે કેટલાંક નાવમાં બેસી કોલાહલનો આનંદ લેતાં હતાં. અમે તો સરોવરને કિનારે ચુપચાપ બેસવાનું પસંદ કર્યું.

પણ ક્યાં સુધી?

ઊઠવું પડ્યું.

હવે?

હવે તો ભીમતાલ થઈ નૌકુછિયા, એક સ્વપ્નભૂમિ ભણી.


*


ભીમતાલ આવી ગયું. અહીં પ્રવાસી બસો થોભે છે. પણ અમે આ સરોવરનગરને કિનારે થઈ ત્યાંથી થોડેક દૂર આવેલા નૌકુછિયા ભણી ચાલ્યાં. કુલીઓને માથે સામાન ચઢાવી ભુવનરેખા તો ચાલતાં ચાલતાં અહીંથી ગયેલાં. એમને તો રાત પડી ગયેલી. પણ અમારી જીપને તો કેટલી વાર?

અહીં પહાડો અત્યંત સોહામણી રીતે ગોઠવાયેલા છે, એમની વચ્ચેથી માર્ગ. એક ગામ આવ્યું – ત્યાં દિશા બતાવી હતી – નૌકુછિયા તાલ. એ ગામ, એ સડક ને વસ્તી જોઈ એકદમ જાણે નિરાશ થઈ જવાયું, તેમાં વળી ચારે બાજુ દીવાલ જેવો પાળીઓથી ઘેરી લીધેલો એક જળખંડ જોઈ ઉદ્ગાર નીકળી પડ્યો : આ નૌકુછિયા?

હા, એ જ નૌકુછિયા. બલકે એ એનો ગામ તરફનો છેડો હતો, જેનો સિંચાઈ માટે ઉપયોગ થતો હતો. જીપ આગળ વધી. બીજે એક નાકે ઊભી રહી. અહીંથી દૂર સુધી વિસ્તરેલ નૌકુછિયા દેખાતું હતું. કાંઠે કેટલીક બોટ પડી હતી. સ્વચાલિત યાખ્ત પણ હતાં. બેત્રણ હોટલો હતી. યાત્રી બસો પણ હતી. હું તો ‘નદી કે દ્વીપ’નું નૌકુછિયા શોધતો હતો. પેલી જાદુઈ ભૂમિ – જે આ લૌકિક દુનિયાની બહારની હોય.

મને વિચાર આવ્યો: લાવ, આ સરોવરની પ્રદક્ષિણા કરી લઉં. બાકીનાં સૌ નૌકાવિહાર માટે ગયાં. સરોવરકિનારેની સડક પર હું ચાલવા લાગ્યો. એનો કાંઠો તો ઝાડીમાં છુપાયેલો રહે – પણ પછી સરોવરને તેની સામેના પહાડ દેખાયા કરે. ધીરે ધીરે નૌકુછિયાનો આકાર ઊઘડતો ગયો. બે કિલોમીટર પછી એક બીજો ખૂણો આવ્યો. અહીં પણ કેટલીક હોટલો અને બોટિંગની સુવિધા હતી. અહીં પણ એકાન્ત નહિ!

રેખા-ભુવન કયા ડાક બંગલામાં ઊતર્યાં હશે? અત્યારે તો અદ્યતન ટુરિસ્ટ બંગલા અને ઑર્કિડ નામની હોટલ અહીં છે. પણ આ ખૂણે આવ્યા પછી સરોવરને કિનારેની સડક બંધ થઈ જતી હતી, એને બદલે પહાડી અને સરોવરની સપાટી જ્યાં એક થતાં હતાં, ત્યાં ઝાડી વચ્ચે થઈ એક ભીની કેડી જતી હતી. હું એ કેડી પર ચાલવા માંડ્યો.

થોડી વારમાં જ ઇપ્સિત એકાંત. સરોવર, બાંજ, એની ડાળી પર ઊગેલાં ઑર્કિડ અને તમે. નીચે ભીની જમીન પર પડેલાં પત્તાં સૂકાં છતાં ભેજવાળાં. ક્યાંક વેલ હટાવી, કોઈ છોડની ડાળી નમાવી, માર્ગ કરતો હું ચાલતો ગયો. આખા સરોવરનો હવે ખ્યાલ આવે. તેમ છતાં જે દિશામાં હું જતો હતો, એ તરફનો ખૂણો તો જાણે ક્યાંય ઊંડે સુધી ગયેલો લાગ્યો. હું એક સ્થળે આમ અભિમંત્રિત શો ઊભો હતો, ત્યાં સરોવરમાં એક સ્વચાલિત બોટમાંથી બે યાત્રીઓ મને હાથ હલાવી રહ્યાં. નજીક આવ્યાં, જોયું તો સંજય અને નીતા. કાંઠા પાસે એમણે બોટ ઊભી રાખી. મેં પાણીમાં ઊભેલા બાંજના એક ઝાડની ડાળીએ ઑર્કિડ બતાવ્યાં. સંજયે બોટમાં સમતુલા રાખી ઊભા થઈ ઑર્કિડની લાંબી દાંડીવાળી પાંદડાંસમેતની બે કળીઓની ડાંડલીઓ ચૂંટી. એ હવે પછી ઊઘડનાર રંગબેરંગી પુષ્પની કળી હતી કે પછી ફૂલ ઝરી ગયા પછીની બીજનલિકા?

આ સંજયે વિનોદ કર્યો : ‘પપ્પા, આપ ક્યા અજ્ઞેયજી કે પદચિહ્ન ઢૂંઢ રહે થે?’

સાતતાલ, ભીમતાલ અને નૌકુછિયા સંદર્ભે અજ્ઞેયજીની વાતો મેં એટલી બધી કરેલી કે આ સંવેદનપટુ યુવક આવો પ્રશ્ન ન કરે એની નવાઈ. વળી, જે રીતે હું ઝાડી વચ્ચેની એકાન્ત કેડી પર ચાલતો હતો.

એ પ્રસન્નમના યુગલને જવા દઈ હું કેડી પર સાચેસાચ હવે કવિ અજ્ઞેયજીનાં પદચિહ્નને સૂંઘતો ચાલતો હોઉં તેમ, પેલા ઊંડે સુધી ગયેલા સરોવરના ખૂણા તરફ ચાલતો રહ્યો. જાદુની જગ્યાનો અહેસાસ થતો ગયો.

પણ રાત સુધી ક્યાં રોકાવાય એમ હતું!

સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. એ દિશામાં નજર કરી તો એક નાતિ ઉચ્ચ પહાડ. આ કદાચ એ જ પેલો પહાડ હશે, જેની પાછળ આથમવા જતા સૂરજનો અનુરાગદીપ્ત ભુવન-રેખાએ પીછો કર્યો હતો.

હું પાછો ફર્યો. નૌકુછિયાની પ્રદક્ષિણા અર્ધપ્રદક્ષિણા રહી..


*
આશ્ચર્ય લાગે છે નૌકુછિયાને કાંઠેથી એક માસ પહેલાં લાવેલ ઑર્કિડની પાંદડાં સાથેની દાંડલી એક જળ ભરેલા મૃણ્યમપાત્રમાં હજી લીલી રહી છે, અને લાંબાં પાન પણ લીલાં રહ્યાં છે. રેખાના કેશકલાપમાં ભુવને ઑર્કિડ ભરાવ્યું હતું – અને રેખાએ એનો સંકેત સમજી લઈ કહ્યું હતું ‘ઓહ, ઑર્કિડ? તબ તો યહ બિદા હૈ.’

[૩૧-૧૦-૯૭]