દૃશ્યાવલી/શામળિયા શેઠની પેઢીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શામળિયા શેઠની પેઢીએ
ચિત્તોડગઢથી બસમાં બેએક કલાકને અંતરે એ વિસ્તારમાં પ્રસિદ્ધ શામળિયા શેઠનું મંદિર છે. ક્યારેક ‘શ’નો ‘સ’ ઉચ્ચાર કરનારા ‘સામળિયા સેઠ’નું મંદિર એવું પણ કહે છે. હિન્દીની એ પ્રકૃતિ છે. ચિત્તોડગઢ ઉપર એક સાંજે મીરાંબાઈના શ્રીકૃષ્ણનું મંદિર જોતાં જોતાં એ આખો યુગ અને એ સાથે એક ભક્ત કવયિત્રીની આંતરવ્યથાએ મનને ચૂપ કરી દીધું હતું. એક બાજુ સાતસો સ્ત્રીઓ સાથે સતી થનાર પદ્મિની અને બીજી બાજુ મીરાં. પદ્મિનીએ બળી જઈને કુળની શાન રાખી હતી. રાજપૂત પરંપરાનું ગૌરવ કર્યું હતું. મીરાંએ તો એના જ શબ્દોમાં ‘કુલનાશિની’ – કુળકલંકિનીનું બિરુદ પોતાના જીવનકાળમાં જ પોતાના સ્વજનો પાસેથી મેળવ્યું હતું.

પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે
મેં તો મેરે નારાયણ કી
આપ હી હો ગઈ દાસી રે…
લોક કહે મીરાં ભઈ બાવરી
નાત કહૈ કુલનાસી રે…

બધા ભક્તોની ભગવાન કસોટી કરે છે. તેમાંય નારીભક્તોની તો ભારે કસોટી થાય છે. દક્ષિણની આણ્ડાળ હોય, કાશ્મીરની લલ્લ યોગેશ્વરી હોય કે કર્ણાટકનાં અક્ક મહાદેવી હોય કે સાંવરે કે રંગ રાતી મીરાં હોય…

એ સાંજે મીરાંના મંદિરના પ્રાંગણમાં એ બધા વિચારો સાથે ‘મીરાં કે પ્રભુ ગિરધરનાગર’ની શ્રદ્ધાપંક્તિ વારંવાર ચિત્તમાં ગુંજતી રહી. ગઢ ઊતરી આવ્યા ત્યારે મનમાં એક પ્રશાંતિની અનુભૂતિ હતી.

બીજે દિવસે સાંજે એક ખાસ વાહનમાં ‘મીરાં’ વિષેના પરિસંવાદ માટે મળેલા દેશના જુદા જુદા ભાગમાંથી આવેલા સાહિત્યકારો સાથે અમે શામળિયા શેઠના મંદિરે જવા નીકળ્યા. રાજસ્થાનના એ ભાગમાં આ ભગવાન હાજરાહજૂર મનાય છે. એમની બાધા રાખનારા અનેક ભક્તો ત્યાં ઊભરાય છે. તિરુપતિ બાલાજીની જેમ અહીં શામળાજીના મંદિરમાં પણ પ્રચુર માત્રામાં ધન એકઠું થાય છે. ત્યાંના એક મિત્ર એ વિષે બસમાં અમને કહેતા હતા. મેવાડનો આ વિસ્તાર એટલો હરિયાળો નથી. રાજસ્થાનની પરંપરાગત સ્તબ્ધતાની છાપ ધરાવતાં ગામોમાં હવે નવા જમાનાની અસર જોવા મળતી હતી. સાંજ વેળાએ અમે ગામમાં પહોંચ્યા. ગામ તો નાનું છે, પણ શામળિયા શેઠના મંદિરને કારણે એની વસ્તી વધતી રહે છે. મંદિર તરફથી અનેક સંસ્થાઓ ચાલે છે. અનેક ધર્મશાળાઓ છે અને ભોજનનું સદાવ્રત તો ખરું જ.

મંદિરમાં ઝાકઝમાળનો પાર નથી. જાત્રાળુઓ બધા વર્ગના આવે. પોતાનું ઘરનું ખાવાનું લઈને આવતા સામાન્ય જનથી ધનિક શેઠ પણ જોવા મળે. અમે એ મંદિરની મુલાકાતે જવાના હતા, એટલે અમારે માટે મંદિરના વ્યવસ્થાપકોએ વિશ્રામ અને ભોજનની ખાસ વ્યવસ્થા કરી હતી.

સામાન્ય રીતે મંદિરમાં દર્શન કરતી વેળાએ મંદિર તરફથી રાખવામાં આવેલી ધર્માદાપેટીમાં યથાશક્તિ દ્રવ્ય નાખવાનું મારું વલણ ખરું. એ ભગવાનને ધરાવવા માટે નહિ, પણ આ ધાર્મિક સ્થાનો નાનામોટા ભક્તોએ આપેલા દાનથી ચાલે છે એ વિચારે. આથી યાત્રિકોની સુવિધાઓ વધારવામાં સહાય પણ થાય. વળી એવી ભાવના પણ ખરી કે ધર્મસ્થાનોનો એમ ને એમ લાભ ન લેવો.

શામળિયા શેઠનાં દર્શન કર્યાં, ધર્માદાપેટી તો ઘણી મોટી હતી. અને બરાબર સુરક્ષિત. લાખો જેટલા દર્શનાર્થીઓ આવે તે છુટ્ટા સિક્કાથી માંડી નાનીમોટી કિંમતની નોટો પણ તેમાં સરકાવે અને પછી શામળિયા શેઠને પગે લાગે.

દર મહિને એ પેટી ખોલવામાં આવે છે. મને હતું કે ઠીક ઠીક દ્રવ્ય નીકળતું હશે, પણ પછી ત્યાંના મિત્રે બતાવ્યું કે એ આંકડો લાખોમાં જવા પણ થાય. આઠદશ લાખ તો સહેજે નીકળે. રાજસ્થાનની આ વિસ્તારની જનતા આટલી રકમ ધર્માદામાં આપી શકે? – એવો પ્રશ્ન પણ થયો. ત્યાં એ મિત્રે કહ્યું કે, ‘આ તો શામળિયા શેઠ છે. શેઠ એટલે શેઠ. એમની અનેક ધંધાઓમાં ભાગીદારી હોય છે.’

મેં પ્રશ્નાર્થની નજરે એમની સામે જોયું. એમણે હસીને કહ્યું કે, ‘અહીંના કેટલાક દાણચોરો અને કેફી દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ એમના ધંધામાં આ શામળિયા શેઠને ‘પાર્ટનર’ બનાવે છે.

એટલે કે એમની એક ‘ખેપ’ નિર્વિઘ્ને પૂરી થાય અને એમાં જે નફો મળે તેમાંથી દશપંદર ટકા કે વધારે શામળિયા શેઠને ખાતે જાય. આ લોકો દાણચોરી કે કરચોરી કરે. પણ શામળિયા શેઠના ભાગમાં આવતી પાઈ પણ ઓછી ન થાય. એટલે આ પેટીમાં ઘણી વાર એક જ વ્યક્તિ તરફથી ચારપાંચ લાખ પણ એકસાથે આવી જાય.’ એમ કહી એ મારો પ્રતિભાવ જોવા મારી સામે જોઈ રહ્યા.

બાલકૃષ્ણની દાણચોરીનાં પદો વાંચ્યાં હતાં. મહિયારો પાસેથી દાણ લેતા દાણી કનૈયાને ગોપીઓ અને તેમાંથી બધા સાથે બળપૂર્વક પ્રેમ કરવાનાં પદોનો પરિચય હતો :

હાં રે દાણ માગે કાનુડો દાણ માગે.

પણ ક્યાં એ દાણચોરી ને ક્યાં આ?

હું વિસ્મિત હતો. દક્ષિણનાં ઘણાં મંદિરોમાં, ખાસ તો તિરુપતિ બાલાજીમાં ભક્તો કલ્પનાતીત દ્રવ્ય ચડાવે છે, પણ એ તો એમની બાધા કે ભક્તિ નિમિત્તે, પણ ભગવાનને પોતાના ધંધામાં પાર્ટનર તરીકે રાખી નફામાંથી એમને નિશ્ચિત ભાગ આપી દેવાનું તો શામળિયા શેઠના મંદિરે સાંભળ્યું.

હવે મને ભગવાનના શામળિયા નામ સાથે જોડાયેલી અટક શેઠનું તાત્પર્ય સમજાયું. નરસિંહ મહેતા જેવા ભક્તની હૂંડી સ્વીકારવા માટે ભગવાને – શામળા ગિરધારીએ – પેઢી ખોલી જાત્રાળુઓને એમનાં નાણાં ચૂકવી આપ્યાંનો ચમત્કાર તો જાણીતો છે, પણ આ ભગવાન તો ખરેખરના ‘શેઠ’.

એ મિત્રની વાત સાંભળી મેં હવે શામળિયા શેઠની મૂર્તિ સામે જોયું. વીજળીના દીવાઓના તેજમાં ઝગારા મારતું તેમનું મુખ હવે ભગવાનનું નહિ, કોઈ દાણચોરી કરતા છતાં કદી ન પકડાતા એવા કુશળ વેપારીનું લાગ્યું. એ જાણે ભગવાન નહિ ‘શેઠ’ છે અને નફો મેળવવો જેમનું મુખ્ય લક્ષ્ય છે – પછી ધંધો દાણચોરીનો હોય કે કેફી દ્રવ્યોની હેરફેરનો હોય.

શામળિયા શેઠમાં ‘શ્રદ્ધા’ રાખનાર આ બધા એમના ‘પાર્ટનર’, દાણચોરો ક્યાં અને ‘સાંવરિયા’નાં દર્શન માટે તડપતી મીરાં ક્યાં? મનુષ્યોની ભ્રષ્ટ બુદ્ધિને ભગવાનને પણ ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનાવ્યા અને એમના મહિમાને ખંડિત કર્યો છે. આમેય માણસજાત ઈશ્વરને પોતાની કલ્પનાએ જ ઘડતી આવી છે ને!

શું આ શામળિયા શેઠ સમદર્શી હશે – વેપારધંધામાં પોતાના ભાગીદાર અને ભક્તોને એક જ નજરે જોતા હશે? કે પછી ભાગીદાર પ્રત્યે એમની વધારે કૂણી નજર હશે? ભ્રષ્ટાચારના આ યુગમાં ભલું પૂછવું!

અમને અનેક ભક્તોની પંગતમાં જમવા બેસાડવામાં આવ્યા. આ શામળિયા શેઠની પેઢીએથી એટલે કે મંદિરેથી કોઈ જન ભૂખ્યું જાય નહિ, એની કાળજી લેવાય છે. જમનારને મન પણ એ ભોજન નહિ, શામળિયા શેઠનો કૃપાપ્રસાદ હોય છે.

આજે રાત્રે શામળિયા શેઠના મંદિરેથી પાછા વળતાં મનમાં એક પ્રકારની અશાંતિ હતી.

[૧૫-૬-’૯૬]