દેવતાત્મા હિમાલય/ગુલાબી ઝાંયનું નગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુલાબી ઝાંયનું નગર

ભોળાભાઈ પટેલ

ભારતવર્ષનો ઇતિહાસ ભણતાં જે પ્રદેશના ઇતિહાસે રાષ્ટ્રીય ભાવનાને કિશોરચિત્તમાં સંકોરી છે તેમાં રાજસ્થાનનો પહેલો નંબર હશે. રાણા પ્રતાપ અમારે મન રાષ્ટ્રીયતાનો પર્યાય હતો. આજે રાષ્ટ્રીયતાનો જે અર્થ થતો હોય તે. રાજપૂતોનો એ ઇતિહાસ પણ ઓછો રોમાંચક નથી. રાજસ્થાનના કોટ કિલ્લા અને કાંગરાનાં અનેક માનસચિત્રો અંકિત થઈ જાય. તલવાર, ભાલા અને બખ્તરના ખણખણાટ સાથે ઘોડાઓના હણહણાટ ભળી ગયા છે. કેસરિયાંના પીળા રંગમાં જૌહરની ચિતાની જ્વાળાઓનો લાલ રંગ એક થઈ ગયો છે. પ્રેમશૌર્યનો એ રંગ છે. રાણા પ્રતાપના ચેતકની સાથે ઢોલામારુની સાંઢણી પણ છે. સામંતોસુભટોની રણહાક વચ્ચે મીરાંબાઈની વૈરાગ્યવાણી પણ સંભળાય છે.

રાજસ્થાનના ઇતિહાસ જેવી રાજસ્થાનની ભૂગોળ છે. ઘણો વિવિધતાભર્યો આ મુલક છે. રાજસ્થાન એટલે મરૂભૂમિનો વિસ્તાર પણ એમાં મહાન અરવલ્લીની લાંબી લાંબી ગિરિમાળાઓ, એટલે રાજસ્થાનની સાથે ઊંટ યાદ આવે. એકશૃંગી ગેંડો અસમનું પશુપ્રતીક છે, તો ઊંટ રાજસ્થાનનું. એક યાત્રિક માટે રાજસ્થાન પાસે ઘણું ઘણું છે. આપણે માટે તો રાજસ્થાન નિકટનું પડોશી છે. એક સમયે તો રાજસ્થાન-ગુજરાતની ઘણી ભૂગોળ એક હતી. ભાષા પણ એક સરખી. ઉમાશંકર જોશીએ એ ભાષાને મારુ-ગુર્જર નામ પણ આપ્યું છે. એ કવિએ રાજસ્થાનમાંથી પસાર થતાં એ કવિતા પણ લખી છે.

ખરી વાત છે, આપણે મોટે ભાગે રાજસ્થાનમાંથી પસાર થઈએ છીએ – દિલ્હી, આગ્રા, હરિદ્વાર કે હિમાલય જતાં. બહુ બહુ તો આબુ કે ઉદયપુર, અલબત્ત જૈન લોકો છેક જેસલમેર સુધી પહોંચી જાય. અમદાવાદ-દિલ્હીની ગાડીના ડબ્બાની બારીઓમાંથી વિશાળ રાજસ્થાનને પસાર થતું જોવું ગમે. અમદાવાદથી સાંજની ગાડીમાં નીકળ્યા હોય તો રાજસ્થાનનો જુદો વિસ્તાર જોવા મળે, અમદાવાદથી સવારની ગાડીમાં નીકળ્યા હોત તો જુદો. એ રીતે દિલ્હીથી નીકળવાની વાત પણ છે. એકનો એક વિસ્તાર જુદા જુદા સમયે જુદો જુદો લાગે, જુદી જુદી ઋતુઓમાં પણ જુદો જુદો લાગે અને જુદા જુદા મિત્રો સાથે પણ. તેમાં વળી આપણી મનઃસ્થિતિઓ પણ ભાગ ભજવે. ગમે તેમ, પણ કોઈ પણ કાળે વિજનમાં દોડતી ગાડીમાંથી અરવલ્લીને જોવો એ અનુભવ હોય છે.

પરંતુ, હવે આ લાંબી ભૂમિકા જવા દઉં. ગયા વખતે દિલ્હીથી અમદાવાદ આવતાં જયપુર ઊતરી જવાનું વિચાર્યું હતું. રાજસ્થાનના થોડાઘણા વિસ્તારમાં અગાઉ એક-બે વાર જવાનું થયેલું. એક વાર તો છેક ૧૯૪૯માં નિશાળના વિદ્યાર્થી તરીકે ચિતોડ, ઉદેપુર, અજમેર, જયપુર વગેરે સ્થળોએ. બીજી વાર તો છેક જેસલમેર, બાડમેર સુધી. પણ પછી જયપુર અનેક વાર. રાજસ્થાનમાંથી પસાર થવા છતાં સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊતરી ચા પીને સંતોષ માનવો પડેલો. એક વાર સવારના દિલ્હીથી નીકળતાં જયપુર સ્ટેશનના પ્લેટફોર્મ પરથી જોયેલો આથમતો લાલ સૂરજ હંમેશાં સ્મૃતિ સાથે જડાઈ ગયો.

જવાની ઇચ્છા હતી બિકાનેર. બિકાનેર જવાની ઇચ્છામાં ઉદ્દીપક બની હતી ફિલ્મના પેલા જાણીતા ગીતની આ લીટીઓ –

મેરા નામ હૈ ચમેલી
મેં માલન અલબેલી…
ચલી આયી મેં અકેલી બિકાનેર સે…

પણ, બિકાનેર જવાનું અનુકૂળ બને એમ નહોતું. તો જયપુર. હું અને રઘુવીર ૭મી માર્ચે કવિ અશેયજીના ૭૫મા જન્મદિનપ્રસંગે દિલ્હીમાં હતા. રઘુવીરને અમદાવાદ તાત્કાલિક કામ હોવાથી એ તો વિમાનમાર્ગે અમદાવાદ પહોંચી ગયા. મેં જયપુર જવાનું વિચાર્યું.

વિચાર્યું કે, આ વખતે દિલ્હીથી ગાડીમાં જયપુર નથી જવું – બસ માર્ગે જવું. બપોરના અગિયાર વાગ્યે આઈ.એસ.બી.ટી. (આંતરરાજ્ય બસ અડ્ડા)થી બસ ઊપડી. સૌથી પહેલો લાભ –. અલબત્ત નેગેટિવ લાભ – એ થયો કે કોઈ પણ દિશાની ગાડીઓથી દિલ્હીમાં પેસતાં મોટા મોટા અક્ષરોમાં રિતે હી રિતે – મિલ તો લીજિયેની લગ્નોત્સુકોને આકર્ષતી માઈલો લાંબી જાહેરાતોથી બચી જવાયું. બસ તો નગરને વીંધી દક્ષિણ પશ્ચિમ તરફ વિસ્તરતા દિલ્હીના માર્ગે પસાર થાય છે. યમુના પર વિસ્તરતું દિલ્હી જુદું છે અને આ દિલ્હી જુદું. દિલ્હીના નવા વિમાની મથકની આ દિશા છે. અહીં એક બહુ મોટો ઉદ્યાન બની રહ્યો છે. આજ સવારમાં જ દિલ્હીના લોદી ગાર્ડન્સમાં કરેલા ભ્રમણનું સ્મરણ થઈ આવ્યું.

માર્ચ હોવા છતાં ગરમી શરૂ થઈ ગઈ હતી. બસ હાઇવે પરથી પસાર થવા છતાં ઘણાં ગામની ભાગોળેથી જતી હોવાથી ગ્રામસમાજનું અને સીમની પ્રવૃત્તિઓનું દર્શન થતું જતું હતું. બે કલાક સળંગ દોડ્યા પછી બસ રસ્તાની એક ધારે ચા-પાણી માટે ઊભી રહી. એક સંતરાનો એક રૂપિયો અહીં હોય જ. ચારે તરફ તડકામાં તપ્ત મરુભોમ, પણ હેન્ડપંપ હલાવીને પીવાનું પાણી મફત હતું. ઊંટની જેમ થોડું વધારે પી લીધું.

મને થયું કે, જયપુર જેવા નગરમાં સાંજના તડકા નમવા માંડે તે વખતે ન પ્રવેશવું જોઈએ. આસપાસના પહાડો ભેંકાર લાગે છે, ભૂખરા લાગે છે. પહાડો પર દેખાતી કોઈ કોટકિલ્લાની જીર્ણ દીવાલો એ વખતે વેરાન – ઉજ્જડ વધારે લાગે છે. કદાચ છ કલાકની બસયાત્રાથી થાકેલી નજરને કશુંય આકર્ષક ન લાગે એમ પણ હોય, સાડાપાંચ વાગ્યે તો જયપુરના બસ સ્ટેશને પહોંચી ગયો. જયપુર ગુલાબી શહેર.

જયપુર વિશે બે સ્મરણ તીવ્ર હતાં. એક રંગનું ને એક ઇમારતનું. જેસલમેરનો રંગ ઊંટનો રંગ છે. પીળા રેતિયા-પથ્થરોની ઇમારતો એવી રંગછાપ ઊભી કરે છે, જયપુરનો રંગ ગુલાબી રંગ છે, વિદેશી પ્રવાસીઓની ડાયરીમાં એ ‘પિંક સિટી’ તરીકે નોંધાય છે. વહેલી સવારે દિલ્હીથી જયપુર જતી ગાડીને પિંક સિટી એક્સપ્રેસ એવું નામ પણ આપ્યું છે. બીજું સ્મરણ આમેરનું છે. અને આમેરના સ્મરણમાં પણ ઊંચી પહાડી પરના એક પરિત્યક્ત રાજમહેલની લાંબી લાંબી, લિસ્સી લિસ્સી, આછી અંધારી નળીમાંથી – ગલિયારામાંથી સરવાનું છે અને અલબત્ત, ગલતાની ખીણનું સ્મરણ હતું, પણ આમેરના મહેલની નળી કેમ તીવ્રપણે યાદ રહી ગઈ છે એનું કારણ સમજાતું નથી. સ્કાઉટનાં શર્ટ-ચડ્ડી પહેરેલો એક પંદર વર્ષીય કિશોર ત્યાંથી પસાર થતાં શું વિચારતો હશે? આ પ્રૌઢ વયે આમેરના મહેલની એ નવેળીમાંથી ફરી પસાર થઈ વિગતકાળની એ ક્ષણોને ફરી સજીવન કરવી હતી, પણ એ શક્ય છે? અને આંખોમાં અંજાયેલી પેલી ગુલાબી ઝાંય. એનું શું?

જયપુરમાં બીજે દિવસે સવારે જંતરમંતર અને મહેલનું સંગ્રહસ્થાન જોયા પછી પહાડી પર વસેલા આમેરના પ્રાચીન કિલ્લા ભણી જતી ટૂરિસ્ટ બસની બારીમાંથી આધુનિક જયપુરને જોતાં જોતાં સહેજે વિચારે ચઢી જવાય. જયપુરનગર ‘જોવાની’ વસ્તુ બની ગયું શું? જયપુરનો ભૂતકાળ કંઈ બહુ દૂરનો નથી. છેક ૧૭૨૭ના વર્ષમાં તો તેની સ્થાપના થઈ છે. ભારતનું કદાચ આ પ્રથમ યોજનાબદ્ધ નગર છે. સવાઈ રાજા જયસિંહે આ વસાવ્યું હતું. પછી રાજા માનસિંહે એને ગુલાબી રંગ આપ્યો. યોજનાબદ્ધ નગર હવે તેની ગુલાબી દીવાલો અને દરવાજા બહાર નીકળતું ગયું છે.

જંતરમંતર એક દિલ્હીમાં પણ છે. એક ઉજ્જૈનમાં શિપ્રા નદીના તટે લગભગ ઉપેક્ષિત હાલતમાં છે. મથુરા, વારાણસીમાં પણ નાના પાયા પર જંતરમંતર છે. જયપુરનું જંતરમંતર સૌથી મોટું છે. જંતરમંતર એટલે વેધશાળા. જંતરમંતર નામ થઈ જાય એવાં ગણક યંત્રો કાળની પળવિપળની ગણતરી કરી આપે છે. બસમાં અમારી સાથે ગાઇડનું કામ કરતા કુમાર પુષ્પન્દ્રસિંહમાં સારી એવી વિનોદવૃત્તિ હતી. પ્રવાસીઓને રસ પડે એ રીતે બધું સમજાવતા જાય. એક પ્રવાસીને કહે : આપને ઘડી નહીં રખી ન? ચલિયે, ધૂપઘડી સે સમય દેખ લેતે હૈં. એણે ધૂપઘડીની કાર્યરીતિ બતાવી અને સમય કહી બતાવ્યો. ધ્રુવપટ્ટીની ઊંચી દિવાલનો ઉપયોગ સમજાવ્યો. મોટા મોટા ટેલિસ્કોપના આ યુગમાં આ બધાં યંત્રો હવે લાચાર બની ઊભાં છે. રાશિનાં ચક્રો – રાશિવલય યંત્ર બતાવ્યાં. જ્યોતિષીઓ તો અહીંથી આગળ વધવાની ના પાડી દે કદાચ.

અહીંથી હવામહેલનો પાછલો ભાગ દેખાતો હતો અને આથમણે નાહરગઢનો કિલ્લો. હવામહેલ આગળ થઈને નીકળ્યા હતા, પણ આ વખતે પુષ્પન્દ્રસિંહે કહ્યું : હવા મહલ કૃષ્ણ ભગવાન કે મુકુટ જૈસા હૈ, વહ નાહરગઢ હૈ, વહાં આપકો એક કિલોમીટર ચલાઊંગા. વારેવારે એક વાક્ય તેના મોઢેથી નીકળે : એક સમય દુનિયા કા સબ સે બડા ખૂબસુરત શહર યહ જયપુર થા…

થા. અબ નહીં રહા. હવે તો એના મહેલો સંગ્રહસ્થાન બની ગયા છે. રાજા-રાણીઓની જે દુનિયા સામાન્ય જન માટે તો માત્ર કલ્પનાનો વિષય હતી. તે હવે પ્રદરશનની ચીજ બની ગઈ છે. મહેલોનાં એ ઊંડાં જાળીદાર અંતઃપુરો, જ્યાં સૂરજના તડકાને જવાની અનુમતિ નહોતી ત્યાં હજારો પ્રવાસીઓની આવનજાવન છે.

મહેલના સંગ્રહસ્થાનના એક ખંડમાં મહારાણી અને દાસીઓનાં પૂતળાંને પ્રાચીન કીમતી વસ્ત્રાલંકારોમાં બતાવ્યાં છે. મહારાણીએ સાડાનવ કિલો વજનની સાડી પહેરી છે, સોનેરી વેલબુટ્ટાની, પુષ્પન્દ્રસિંહ રાણીઓનાં ઋતુઋતુઓ પ્રમાણેનાં કપડાંની વાત કરતાં કહે : સબ અસલ હૈ, નકલ તો મહારાની ઔર નોકરાનિયાં હૈ.

મુબારકમહેલ હિન્દુ સ્થાપત્યનો સુંદર નમૂનો કહી શકાય. મનમાં વસી જાય ઝરૂખા. જોધપુર જેસલમેરમાં પણ આવા ઝરૂખા આપણી નજરને ખેંચી રાખે. આપણે હવે તો કલ્પના જ કરવાની રહી કે આ ઝરૂખે એક વાર ચંદ્રમુખીઓ ઊભતી હશે.

અહીં પણ મોગલપરંપરાના દીવાનેઆમ અને દીવાનેખાસ છે. ચિત્રપ્રિય લોકોને તો ગમી જાય. પુષ્પન્દ્રસિંહ કહે : યહાં કે લોગ યા તો બહુત અચ્છે કલાકાર હોતે થે યા તો બહુત અચ્છે લડાકુ હોતે થે. વાત ખરી હતી. શસ્ત્રોનું સંગ્રહસ્થાન જોઈએ તો બધા લડવૈયા લાગે અને ચિત્રોનું સંગ્રહસ્થાન જોઈએ તો કલાપ્રિયતા છતી થાય. સારંગી, તાનપુરા, મૃદંગ આદિ સંગીતનાં વાજિંત્રોનો પણ સંગ્રહસ્થાનમાં સમાવેશ હતો. બધાંના સ્વર હંમેશ હંમેશ માટે મૂંગા થઈ ગયા છે.

મહેલના દરવાજા પર પિત્તળનું કામ શોભે એવું. દીવાનેખાસમાં દુનિયામાં સૌથી મોટું ચાંદીનું વાસણ છે. ત્યાં મોટા મોટા દેગડા હતા. વિરાટ વિશેષણ વાપરી શકાય એવા દેગડા. મહારાજા માધોસિંહ માત્ર ગંગાનું જળ પીતા. તે ઇંગ્લેન્ડ ગયા ત્યારે સાત મોટા મોટા દેગડા ગંગાજળ ભરીને લઈ ગયા હતા!

દીવાનેખાસની બાજુમાં ચંદ્રમહેલ છે. સાત માળનો એ મહેલ છે. બીજો બાદલમહેલ છે. બધા મહેલો હવે માત્ર પ્રદર્શનીય. ખંડેખંડમાં શોભાનો પાર નહીં. બધું યાદ પણ ના રહે. પણ મારા જેવા પોથી પંડિતને તો જરૂર યાદ રહેઃ દીવાનેઆમમાં પ્રદર્શિત હસ્તલિખિત પોથીઓ અને રાજપૂત કલમનાં મોટાં મોટાં અસલ ચિત્રો. ગીતગોવિંદની સચિત્ર હસ્તપ્રત જોઈ મન મોહિત થયું. સુંદર અક્ષરે પેલી પંક્તિ વાંચી શકાઈ : રતિસુખસારે ગતમભિસારે મદનમનોહરવેશ…

બસની બારીમાંથી દેખાતી નવી ઇમારતો, નવા માર્ગ પર ધ્યાન જતું નહોતું. એક સાથે જોયેલી આ બધી વસ્તુઓ મગજમાં સામટી ભેગી થઈ જતી હતી. મને જયપુર બતાવવા મારી એક સમયની વિદ્યાર્થિની હવે જયપુરમાં વસતી સંધ્યા સાથે આવી હતી. તે કદાચ આ પહેલાં પણ આ સ્થળોની મુલાકાત લઈ ચૂકી છે. વર્ષોથી અહીં છે. એ શો વિચાર કરતી હશે? શી ખબર પડે? પણ મારા મગજમાં તો આ નગરનો ઇતિહાસ અને આ સંગ્રહસ્થાન બની ગયેલા મહેલોનો વૈભવ એક જુદી જ લાગણીનો અનુભવ કરાવતાં હતાં.

પેલું એક ચિત્ર હાથીનું – ના, હાથીનું નહીં, નવનારીનું. નવનારીઓની ગોઠવણીથી બનાવેલું એ હાથીનું ચિત્ર હતું. કવિઓએ પણ આવી કલ્પના કરી છે, કદાચ નરસિંહ મહેતાનું આવું એક પદ છે. નારી નિર્મિત હાથી પર શ્રીકૃષ્ણ સવાર થયાની વાત છે. આ બધું ક્યાંનું ક્યાં જોડાય છે. પેલી સાડાનવ કિલોની મહારાણીની સાડી અને સાત ફૂટ બે ઈંચ ઊંચા, ચાર ફૂટ પહોળા, અઢીસો કિલો વજન ધરાવતા સવાઈ માધોસિંહનો પાયજામો, ગીતગોવિંદની હસ્તપ્રત અને જાતજાતની બંદૂકોથી બનાવેલો સૂરજ, ઊંચા ઊંચા ચંદનના દરવાજા અને નમનીય ઝરૂખા, ગોળાકાર કમાનો અને જાળીદાર પથ્થરના પડદા, ગરમ મિજાજના સૂર્યવંશી રાજપૂતો અને ઠંડા મિજાજના ચંદ્રવંશીઓ, પેલા કીમતી ગાલીચાવાળા સુંદર સુખાસનોવાળા ખંડો અને એ ખંડોના અતૃપ્ત વાસનાઓભર્યા શુધિત પાષાણ ‘અબ અસલ હૈ, નકલ તો મહારાની ઔર નૌકરાનિયાં હૈ’ એવા ગાઈડ પુષ્પન્દ્રસિંહના શબ્દો, હવામહેલ અને એની આગળ ઊભેલું ઊંટ, ચોકમાં ચણતાં સાચૂકલાં કબૂતર અને મોર, કાળી ડામરની સડક અને ગુલાબી ઇમારતોની ઝાંય…

અમારી બસ નગરની બહાર નીકળી, તડકામાં વેરાન લાગતી પહાડીઓના માર્ગે આમેર ભણી જતી હતી. આમેરની સુંવાળા સ્પર્શવાળી નળીઓ સ્મૃતિમાં આવતી હતી. બંગાળી કવિ જીવનાનંદ દાસે એક પુરાણી નગરીના પુરાણા મહેલનું અતિયથાર્થવાદી ચિત્ર આલેખ્યું છે એમની એક કવિતામાં. કવિને ફાગણના આકાશમાં નિબિડ થતા જતા અંધકારમાં યાદ આવે છે કોઈ વિલુપ્ત નગરની વાત, અને તે સાથે મનમાં જાગે છે તે નગરીના એક ધૂસર મહેલનું રૂપ, મહેલમાં વિલીન થયેલાં સ્વપ્ન અને આકાંક્ષા અને એક નારી. એ નારીનો નગ્ન નિર્જન હાથ :

…કોઈ એક નગરી હતી એક દિવસ,
કોઈ એક મહેલ હતો;
મૂલ્યવાન અસબાબથી ભરેલો એક મહેલ;
ઈરાની ગાલીચા કાશમીરી શાલ
બેરીન સામુદ્રધુનીનાં ઘાટીલાં મુક્તા-પ્રવાલ,
મારું વિલુપ્ત હૃદય મારાં મૃત ચક્ષુ
મારાં વિલીન સ્વપ્ન અને આકાંક્ષા
અને તું નારી…
ઇન્દ્રધનુના રંગની કાચની બારીઓ
મોરપીંછના જેવા રંગીન પર્દે પર્દે
ઓરડામાં ઓરડા
એમાંય દૂર દૂરના ઓરડાઓનો આભાસ,

પર્દા પર ગાલીચા પર
લાલ તડકાનો ફેલાયેલો પ્રસ્વેદ
લાલ ગલાસમાં તરબુજ શરાબ
તારો નગ્ન નિર્જન હાથ
તારો નગ્ન નિર્જન…

આમેરગઢની તળેટીમાં જઈ બસ ઊભી રહી હતી.

આમેરમાં પણ એક મહેલ હતો. પહાડીઓની વચ્ચે એક પહાડી પર આવેલો કોટકિલ્લાવાળો આ એકાન્ત લાગતો મહેલ આપણી કલ્પનાને ઉત્તેજિત કરી દે છે. વોલ્ટર સ્કોટ કે મુનશીની નવલકથાઓના વાંચન જેવો કેફ ચઢાવે. પહાડી પર લઈ જતાં પગથિયાં ચઢીએ નીચે સરોવર જોવા મળે. પાણી હવે ક્યાં? ગઢ ઉપર પાણી ચઢાવવાને વાસ્તે ગોઠવેલા રહેંટ ભગ્ન હાલતમાં છે. પહાડી પર આમેરનો મહેલ જોવા યાત્રિકો ચાલીને પણ જતા હતા. કેટલાક પરદેશીઓ કુતૂહલવશ હાથી પર બેસીને પણ જતા હતા. જીપની પણ વ્યવસ્થા છે. અમે તો પગે જવાનું પસંદ કર્યું. બપોરનો સમય થયો હતો એટલે આ સૂકી વેરાન પહાડીઓ યાત્રિકો છતાં વિજનતાનો ભાવ ગાડતી હતી.

આમેરની નજીકમાં જયગઢ દેખાય છે. જયપુરના રાજવીઓનું મબલખ ધન ત્યાં દટાયેલું હોવાની વાયકા પ્રચલિત છે. યાત્રીઓ માટે એ ખુલ્લો નથી. આમેરનું નિર્માણ સત્તરમા સૈકામાં રાજા માનસિંહે શરૂ કરેલું. જોતાં જ ખબર પડવા માંડે કે હિન્દુ સ્થાપત્ય અને મોગલ સ્થાપત્યનો અહીં સમન્વય છે. આમેરનું જૂનું નામ અમ્બર છે. હું કિશોરાવસ્થાના સમયમાં પાછો પહોંચ્યો હતો, પણ કોઈ દૃશ્ય સાથે જોડાતો ન હતો. સ્મરણમાં માત્ર મહેલની સુંવાળી નવેળીઓ જ રહી છે.

અમારી સાથેના કેટલાક યાત્રિકો નીચેથી ઉપર જીપમાં આવ્યા. પછી ગાઇડ પુષ્પન્દ્રસિંહે ઇતિહાસ કહેવાનો શરૂ કર્યો. મુખ્ય પ્રવેશદ્વાર ગણેશપોલ કહેવાય છે. એનું કોતરકામ ધ્યાન ખેંચે છે. ગાઈડના શબ્દો ભળાતા હતા: ૩૦૦ વર્ષ પુરાના યહ ગણેશપોલ હૈ, સામને કેશરબાગ હૈ, મિર્જા રાજા જયસિંહને ૧૬૩૯ મેં બનવાયા થા. ૩૦૦ સાલ પુરાની મહારાજા કી ખુરશી ભી ઈધર હૈ… નીચેના સરોવરથી ઉપર પાણી લાવવાની વ્યવસ્થા એ સમજાવતો હતો. મેં જોયું સામેની પહાડી પર તડકામાં બીજા કોઈ જૂના કોટની ભૂખરી દીવાલો શૂન્યમાં ઊભી હતી.

પુષ્પેન્દ્રસિંહે અમને દોર્યો. એણે બતાવ્યો સુખમહેલ. નામ ગમી ગયું : ‘સુખમહેલ.’ એક લાંબા ઓરડાની બે બાજુ બે નાના ઓરડા છે. વચ્ચે આરસપહાણની નાળીમાં થઈ પાણી વહે એવી વ્યવસ્થા છે. એ પાણીની સાથે હવા વહી આવે અને પાણીની ભીનાશનો સ્પર્શ કરાવે. હાથીદાંત જડેલા ચંદનના દરવાજાવાળા ખંડોમાં ખસના પડદા લટકતા રહેતા અને એ પડદાને સ્પર્શી પેલા ભીના પવનો ખંડોમાં રહેનારને ચંદનની શીતલતાનું સુખ પહોંચાડતા. સામે બાગ હતો. પુષ્પન્દ્રસિંહે પાણી વહી લાવનાર નળીના સાંકડા છેદ પાસે અમને માથું નમાવવા કહ્યું, સાચે જ શીતલ પવનની લહરીઓનો ચંદનસ્પર્શ થયો. જો અત્યારે નળીમાંથી પાણી પણ વહેતું હોત તો સૌ યાત્રિકો તડકામાં થોડી વાર માટે તો સુખી બની જ જાત. શું સાચે જ એક કાળે અહીં સુખી લોકો રહેતા હશે? એક કમાડને સ્પર્શીને ગાઇડ બોલ્યા : ‘૩૦૦ સાલ પુરાના ચંદન કા કિવાડ હૈ.’

યહ દીવાનેખાસ, શીશમહલ ૩૪૦ શાલ પુરાના હૈ. મુગલે આઝમ કા શૂટિગ યહાં હુઆ થા. મહારાજ કી મિટિંગે હોતી થીં. મિટિંગ મેં ખાસ દો મુદ્દે રહેતે થે. મહારાજા કો કહાં શાદી કરને જાના હૈ, યા ફિર મહારાજા કો કહાં લડાઈ કરને જાના હૈ.

ઘડીભર આપણને થાય કે આપણે કયા લોકમાં, કયા સમયમાં છીએ! કેવી કલાકારીગરી છે આ? શીશમહલમાં ભીંતો પર છત પર નાના નાના આયનાઓ જડવામાં આવ્યા છે. અહીં દીપક નૃત્ય થતું. ‘એક દીપક હજારો મેં બન જાતા થા.’ સૌ યાત્રિકો ઊંચે શ્વાસે આ વર્ણન સાંભળતા હતા. ત્યાં એક માણસ દીવાસળીની પેટી અને દીવો એટલે કે મીણબત્તીનો ટુકડો લઈને આવ્યો. એણે ગાઈડની સંજ્ઞા થતાં જ દ્વાર બંધ કર્યા અને દીવો પેટાવ્યો. દીવાનાં અજવાળામાં શીશમહલનાં એકેએક દર્પણ ઝગમગી ઊઠ્યાં. ખરે હજારો દીવા સળગી ઊઠ્યા હતા! પેલા માણસે નૃત્ય પણ કરવા માંડ્યું. માયાલોક પ્રકટી ઊઠ્યો, પણ જાણે એનું આ દીપકનૃત્ય પેલા અસલ દીપકનૃત્યની વિડંબનારૂપ હતું. જ્યાં તે શોભામત્ત નર્તકી દ્વારા થતું દીપકનૃત્ય અને ક્યાં આ ચીંથરેહાલ વ્યક્તિ દ્વારા થતું મીણબત્તી-નૃત્ય, માત્ર આઠ આના માટે.

શીશમહલના ઉગમણા ઝરોખા, નીચેના સરોવર ભણી ખૂલે છે. અહીંની સ્મૃતિ જાળવી રાખવા પ્રવાસીઓ, ખાસ તો યુગલો ફોટા લેતાં હતાં કે લેવડાવતાં હતાં. મહારાજાઓના આ ખાનગી મહેલો-આવાસો આજે ખુલ્લા બની ગયા છે. સિટી પેલેસ જોયા પછી આવેલા વિચારો ફરી ફરી આવવા લાગ્યા. અહીંના રાજાઓને મોગલ રાજાઓની સ્પર્ધા હતી. રાજપૂત રાજાઓમાં મોગલો સાથે કદાચ અહીંના રાજાઓનો જ સુમેળ રહ્યો છે.

પરદેશી યાત્રીઓને કેટલાક ફેરિયા અહીંના રંગીન ફોટા વળગાડતા હતા. આ દૃશ્ય ગમે એવું નહોતું. ફેરિયા યાત્રીઓની પાછળ પડી જતા. કેટલાક પરદેશીઓએ વળી રાજપૂતોનો વેશ ધર્યો હતો. કેટલીક રાજપૂતાણીઓના વેશમાં હતી. કપડાં શરીર પર રહેતાં નહોતાં. મોટા શિરપેચ પહેરીને ફોટા પડાવતા પરદેશીઓ વિદૂષક જેવા વિચિત્ર લાગતા હતા.

હજી ઘણાં સ્થળો જોવાનાં હતાં. મને પેલી નવેડીઓનું તીવ્ર સ્મરણ હતું. પણ એ ક્યાં? ગાઈડે થોડી વાર યાત્રિકોને પોતપોતાની રીતે ભમવાનું કહ્યું, અમે આજુબાજુ ઉપર નીચેના કેટલાક પ્રાચીન ખંડો ફરી વળ્યાં. ત્યાં એક દ્વારથી પ્રવેશ કરતાં એકાએક આછા અંધારામાં નવેળી જેવો માર્ગ શરૂ થઈ ગયો. એ જ એ જ નવેળીવાળો સુંવાળો માર્ગ. મેં ભીંતો પર હાથ ફેરવ્યો. મેં કહ્યું : ‘બસ આ જ.’ સંધ્યાએ પૂછ્યું : ‘શું આ જ?’ મારા મનમાં જે વિચારો ચાલતા હતા, એની ખબર એને ક્યાંથી પડે? મેં કહ્યું : ‘૧૯૪૯માં શાળામાં ભણતો એક કિશોર અહીં આવ્યો હતો. આમેરનો મહેલ એણે જોયો હતો, પણ એની ચેતનાના ઊંડાણમાં સ્મૃતિરૂપે મહેલના એક ખંડમાંથી બીજા ખંડોમાં જતો આ લાંબો સાંકડો સુંવાળો આછો અંધારિયો માર્ગ જ સચવાયો હતો. આ જ એ માર્ગ. સંધ્યા મને આશ્ચર્યથી જુએ છે તે મેં આછા અંધારામાં પણ જોયું. મને જુદા પ્રકારનું સુખ થયું હતું.

જગતશિરોમણીના મંદિરમાં દર્શન કરી અમે આમેરના આ પ્રાચીન કિલ્લાના ચોકમાં ઊભા રહી એક નજર કરી લીધી. થોડાં પગથિયાં ઊતરી સરોવરની પાસે થઈ તળેટીમાં બસ સુધી પહોંચવાનું હતું. કોઈ ભવ્ય ઐતિહાસિક ફિલ્મ જોયા પછી મધ્યાન્તરમાં બહાર નીકળીએ અને જેવો અનુભવ થાય એવો અનુભવ બસ પાસે જઈને ઊભાં રહેતાં થયો. બીજો એક મહેલ એનો ભૂતકાળ ઓઢીને દૂર ઊભો હતો. કોઈ એક મહેલ…

આમેરથી પહાડી વળાંકો પસાર કરતી બસ બપોરના તડકામાં નાહરગઢ તરફ દોડવા લાગી. વેરાન પર્વતીય વિસ્તાર, એવો વેરાન માર્ગ. કાલે રાત્રે નાહરગઢની કવિતા જોવા ન મળી. રાત્રે જ્યારે નાહરગઢ પર દીવા પ્રકટે છે ત્યારે અધ્ધર આકાશમાં તરતી કોઈ ગંધર્વનગરીની કલ્પના કરી શકાય. બધે અંધકાર હોય અને વચ્ચે અવકાશમાં નિરાધાર દીપાવલીઓ દેખાય. શ્રી કર્ણિકે એ દૃશ્ય જોવા માટે ખાસ આગ્રહ કર્યો. શ્યામકુંજની અગાશીમાં ગયાં, પણ એ દિવસે, કહો કે રાતે નાહરગઢ પર દીવા પ્રકટ્યા નહોતા.

રાતે નાહરગઢની એ કવિતાનો અનુભવ થયો હોત તો નિર્જન નાહરગઢ પર રાજપૂતાનાની બપોરની જે કવિતા અનુભવવા મળી તેનો કદાચ વિરોધ રચાત. અમારી બસ એક વિશાળ દુર્ગદ્વારની બહાર ઊભી રહી ગઈ. અહીંથી હવે ચાલીને જવાનું હતું.

આજુબાજુ પર્વતમાળા, પણ પૂર્વમાં નીચે વિસ્તરેલું જયપુર જોઈ શકાય. અહીં ઝાડ હતાં, પણ પાંદડાં વિનાનાં. એક ઘેઘૂર વિશાળ વડ ક્યાંથી પાણી ખેંચી તેનાં પાંદડાં સુધી પહોંચાડતો હશે તેનું આશ્ચર્ય થાય. આમલીનાં ઝાડ વધારે હતાં. એક વાત હતી : તડકો હતો, પણ તાપ નહોતો લાગતો. ઠંડો પવન વાતો હતો.

દુર્ગ સુધી જતાં રસ્તે આજુબાજુ પથ્થરોના ઢગલા છે. એક વખતે એ પથ્થરો ઘરની દીવાલોરૂપે હતા. કંઈ બહુ વખત થયો ન કહેવાય, પણ હવે એ વસતી ખંડેરોરૂપે છે. ગઢની દીવાલની આથમણી બાજુએ ઢોળાવ શરૂ થઈ મેદાનમાં વિસ્તરે છે.

સ્તબ્ધતાનો ભંગ, પ્રવાસીઓનો આછો કોલાહલ અને સતત બોલ્યું જતો એક હોલો કરતો હતો. ચાલતાં ચાલતાં અમે મહેલ સુધી આવી ગયાં. હવે થોડાં પગથિયાં ચઢવાનાં હતાં. ત્યાં આ નિર્જન નિસ્તબ્ધ બપોરે ગઢની એક દીવાલના ઠંડા છાંયડામાં પાંચ-છ જણા ચોપાટ ખેલતા હતા. એ એટલા નિરાંત જીવે રમતા હતા કે જાણે એમને માટે સમય થંભી ગયો છે.

ગાઇડ પુષ્પન્દ્રસિંહે નાહરગઢનો ઇતિહાસ કહ્યો. થોડી વાર તો એય કવિ બની ગયો હતો. પછી આધુનિક ભાષા વાપરી કહે : આ તો મહારાજાની નવ રાણીઓ માટે નવ જુદાંજુદાં એપાર્ટમૅન્ટ છે. ઉનાળામાં ઠંડક રહે અને શિયાળામાં ગરમાવો મળે એવી એની રચના છે.

ત્યાં એક સ્થળે નાહરગઢની વિગતો લખેલી હતી. આ ગઢ પહેલાં સુદર્શનગઢ નામે ઓળખાતો હતો. ૧૮માં સૈકામાં સવાઈ જયસિંહે આ ગઢનું નિર્માણકાર્ય શરૂ કર્યું હતું. મહારાજા સવાઈ માધોસિંહે ઓગણીસમી સદીના મધ્યમાં તે પૂરું કર્યું. નાહરસિંહ નામનો એક સરદાર એના બાંધકામમાં બહુ અડચણો નાખતો. રાજપુરોહિત પુંડલિકની વિનંતીથી એણે બાંધકામ થવા દીધું એટલે ગઢનું નામ પડી ગયું નાહરગઢ.

ગઢમાં કોઈ રહેતું નથી, પણ સ્થિતિ રહેવા જેવી છે. આ નવ ઍપાર્ટમેન્ટનો મહેલ જેમ ઉપર છે, તેમ નીચે પણ છે. ઋતુએ ઋતુએ તેમાં વાતાનુકુલિત સુવિધા મળે એ માટે એવી રચના હશે. આ મહેલ રાણીઓ માટે નહીં, મહારાજાની પ્રિય ‘પાતરો’ ગણિકાઓ માટે હતો એમ પણ કહેવાય છે. દરેક આવાસને એવાં જુદાં જુદાં સરસ નામ છે. લલિતપ્રકાશ, ચંદ્રપ્રકાશ, જવાહરપ્રકાશ, આનંદપ્રકાશ, ખુશહાલપ્રકાશ. પાતરોનાં આવાં બધાં નામ રૂપ સાથે જોડાયેલાં છે. આ પાતરો સુંદર હશે અને એમની સુંદરતાથી નાહરગઢ શોભી ઊઠતો હશે. એમના નર્તનગાયનથી નાહરગઢ ગુંજી ઊઠતો હશે. મહેલના ખંડોમાં સુંદર ચિત્રકામ છે. આ મહેલનું નિર્માણ થયું હતું રંગરાગ માટે, પણ વિલીન એ સૌ સ્વપ્ન અને આકાંક્ષા. અને તું નારી…’

એક ઝરૂખે ઊભા રહી ઠંડા પવનની લહેરખી વચ્ચે નીચે વિસ્તરેલાં જયપુરનું અવલોકન કર્યું. તડકામાં ઇમારતો જાણે તગતગતી હતી, ગુલાબી નગરની સરહદો આંકી શકાતી હતી. વસતું વસતું નગર આ બાજુ નાહરગઢની તળેટી સુધી આવી ગયું છે.

નાહરગઢ પર હવે એક હોટેલ છે. રાત્રે અહીં રોશની થાય છે. જે નીચે જયપુર નગરવાસીઓને અવકાશમાં તેજના ટાપુઓ તરતા હોય એવો ભાસ કરાવે છે, વિશાળ ચોકની છાયામાં ખુરશીઓ હતી ત્યાં બેસી ઠંડા પીણાંનો આનંદ લીધો. પછી એને નિર્જનતામાં પૂરીને પગલાંના પડઘા પાડતાં અમે પગથિયાં ઊતરી ગયાં. પેલા નવરાઓની ચોપાટ ચાલતી હતી. અનંતકાળ લગી ચાલશે.

વળી, પાછા ચાલતા ચાલતા બસ સુધી. સાંજ પડવામાં હતી. ઊંચા પર્વતની છાયાઓ જ્યારે રેતાળ ગલતાની ખીણ પર પડવા લાગી હતી, ત્યારે અમે ગલતા પહોંચી ગયાં. પહાડના શિખર પર સૂર્યમંદિર છે. પછી બંને બાજુએ ઢોળાવવાળી ખીણમાં મંદિરો છે અને વચ્ચે પવિત્ર કુંડ છે, જે ગૌમુખથી ઝરતા પાણીથી ભરાયેલો રહે છે.

સાંજની વેળાએ બહુ ગમ્યું. થોડાં વર્ષો પહેલાં થયેલી અતિવૃષ્ટિથી આ બધી રેત તણાઈ આવી છે. ગલતાનું માહાસ્ય ઘણું છે. પ્રાચીન પુરાતન તીર્થસ્થાન છે. અહીંના કુંડમાં શ્રદ્ધાભક્તિથી સ્નાન કરાય છે. મને તો ગમી ગયાં બંને બાજુએ આવેલાં વૈષ્ણવ મંદિર. મંદિરની દીવાલો પરનાં ચિત્રો આપણું ધ્યાન ખેંચે. બહુ વખત નથી, જ્યારે એ નષ્ટ થઈ જશે કે પછી ત્યાં નવાં ચિતરામણ થશે. અમે મંદિરમાં જઈ દર્શન કર્યાં. રાધાકૃષ્ણનાં આ મંદિરો ધાર્મિક ઉત્સવોના દિવસે ભક્તોથી ભરાઈ જાય છે. અત્યારે તો એકાકી રાધાકૃષ્ણ છે. બહાર વાનરોની વસતી અવશ્ય ઘણી છે.

મંદિરની બહાર રેતાળ છાયામાં બેસીને ચા પીધી. વર્ષો પહેલાં મેં જોયેલા ગલતાની એક કણી પણ અત્યારે તો મને લાધતી નહોતી. તે વખતે પેલી બાજુથી પહાડ ચઢીને આવ્યા હતા કે કોઈ વાહનમાં તે પણ સ્મરણમાં નથી. ભક્તકવિ દાદુ દયાલ ત્યાં રહ્યા હોવાનું એ વખતે કોઈ કહેતું, પણ આ વખતે તો પ્રશ્ન રહ્યો : ક્યાં રહેતા હશે દાદુ?

સાંજ વેળાએ તો ઠંડક થઈ ગઈ અને એ વખતે અમે પહોંચી ગયા સિસોદિયા રાણીના મહેલે. સિસોદિયા રાણીને પતિથી કંઈ મતભેદ થતાં અહીં આવીને રહેલાં. વર્ષો પહેલાંની વાત. રૂઠેલાં રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો. સ્થળ બહુ રમ્ય છે, અત્યારે અહીં સુંદર બાગ છે. બાગમાં છંટાતા પાણીથી પવનમાં પણ ભીનાશ હતી. સામે પર્વતનાં શિખરો પર આજના દિવસનાં છેલ્લાં સૂર્યકિરણો પડતાં હતાં. નારંગી રંગનો તડકો? વળી ‘નગ્ન નિર્જન હાથ…’

આજ નહિ,
કોઈ એક નગરી હતી. એક દિવસ
કોઈ એક મહેલ હતો અને તું નારી –
આ બધું હતું પેલા જગતમાં એક દિવસ…

ચારે બાજુ પર્વતો વચ્ચેના એકાંતમાં કોઈ હરિયાળા ટાપુ પર હોઈએ એવું લાગતું હતું.