દેવતાત્મા હિમાલય/વાદળનું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાદળનું ઘર

ભોળાભાઈ પટેલ

આબુપર્વત પર આવ્યો છું. આષાઢનો પ્રથમ દિવસ દૂર નથી. ગુજરાત ભવનની બાલ્કનીમાંથી પર્વતમાળા ઉપર થતી મેઘલીલા જોઉં છું. બાજુમાં કવિ કાલિદાસનું મેઘદૂત છે. આ દિવસે ‘મેઘદૂત’ વાંચી શકાય. સદીઓ પહેલાંના ભારતવર્ષના ચોમાસાની પડછે આજના ચોમાસાના અનુબંધ રચાય છે. વિરહી યક્ષની વેદનાને આજે પણ પ્રમાણી શકાય.

આજ સવારથી સૂર્ય નીકળ્યો નથી. ક્યારેક વાદળભેદી સૂર્યની ઊજળી આભા પ્રગટે છે એટલું. સૂર્યને જોઈને ખીલતી કમલિનીએ આવાં વાદળઢાંક્યા દિવસે ‘ન પ્રબુદ્ધા ન સુપ્તા’ – ખિલાય પણ નહીં અને બિડાયેલ રહેવાય પણ નહીં એવી સ્થિતિમાં રહેવું પડે. કાલિદાસ એવું કહી ગાય છે. મેઘદૂત બંધ છે, અને છતાં એમાંથી આ પંક્તિખંડ સરી આવે છે.

ક્યારેક આભા વિલીન થઈ જાય છે અને દોડી આવેલાં વાદળોની દુર્ભેદ્યતા દશ ફૂટ દૂરની વસ્તુને પણ ઢાંકી દે છે. વાદળ છેક બાલ્કનીમાં ધસી આવે છે અને એનાં જલકણોની ભીનાશ વેરી જાય છે અને સામેની ખીણમાં ઊતરે છે, પહાડના શિખરે ચઢે છે. વાદળો છે, પણ વરસતાં નથી.

વાદળની સાથે પવન છે. કાલિદાસના યક્ષે મેઘને કહ્યું હતું કે, ‘મન્દં મન્દં નુદતિ પવનક્ષાનુકૂલો યથા ત્વમ્’ મંદમંદ અનુકૂળ પવન તને ધીરેધીરે લઈ જશે, પણ અહીં આ ઊંચાઈએ પવન જાણે બધી દિશાએથી વાય છે અને વાદળોને વેરવિખેર કરે છે. એ વાદળને ખીણમાં ઉતારી દે છે, પર્વતના સાનુપ્રદેશ પર ચઢાવી દે છે. અહીં ઘરમાં પણ ઘુસાડી દે છે.

એ પવન દેખાતો નથી, પણ સંભળાય છે. વૃક્ષોની પાંદડાંખચિત ડાળીઓ વચ્ચેથી પસાર થતાં જે પ્રતિરોધી સંગીતાત્મક ગુંજાર થાય છે તેનાથી એની ગતિ માપી શકાય છે. જો, બારી બંધ કરી ઓરડામાં બેસો, તો બારી પર અથડાઈ થતા સૂસૂ અવાજથી એની હઠધર્મિતા માપી શકાય છે. આબુપર્વત અત્યારે કાં તો પવનનું ઘર છે, કાં તો વાદળનું ઘર છે. પણ વાદળનું ઘર કહેવું ઠીક પડશે. વાદળોની લીલા પ્રત્યક્ષ અનુભવાય છે. અરબીસાગરથી આ દિશાએ નીકળ્યા પછી આ વચ્ચે પહેલા પર્વતે એમને ટેકવાનો ને વિશ્રામનો આધાર આપ્યો છે. કેટલાં બધાં એક સામટાં કામરૂપ વાદળ, શિખરો અને ખીણોમાં ક્રીડા કરે છે.

સામેની પર્વતશ્રેણી થોડી વાર ખૂલે છે. આંખને ગમે તેવું દૃશ્ય પ્રકટે છે. હરિયાળા પહાડ, તાડખજૂરીનાં ઝાડ સમેત, રમ્ય લેન્ડસ્કેપ બની જાય છે. નજર દૂર દૂર સુધી પહોંચે છે, ત્યાં તો પવન સાથે વાદળ છવાઈ જાય છે અને આંખ સામે વાદળના ગોટેગોટા વ્યાપી રહે છે. ક્ષણ પહેલાંનું દૃશ્ય પર ક્ષણે અદૃશ્ય થાય છે.

ગુજરાત ભવન ગૌમુખને માર્ગે છે. અહીં પર્વતીય એકાત્ત થોડું જળવાયું છે. ગુરુશિખર, અચલગઢમાં ઐકાન્તિક શાંતિ હણાઈ છે. તે તરફનાં વન્ય પ્રાણીઓ પણ આ બાજુ રહેવા આવી ગયાં છે. આ બાજુના વિસ્તારમાં જંગલનો અનુભવ થાય એવાં જૂનાં વૃક્ષો છે. વન્ય આંબા, વન્ય જાંબુ જેવાં વૃક્ષોની ડાળીઓ પર લીલ લીલી બની છે. કેતકીના સીધા દાંડા પર ઊગેલી પુષ્પકલગી પર ભમરાનું ટોળું ગુનગુન કરતું હોય તે જોઈ શકાય અને વરસેલા વરસાદથી જીવતાં થયેલાં ઝરણાંનો કલકલ અવાજ સાંભળી શકાય. આહ્લાદક ઠંડક છે!

બે દિવસ પહેલા હું અને યશવંતભાઈ (શુક્લ) અમદાવાદથી નીકળ્યા ત્યારે આગ્રા લોકલમાં સખત ગરમીનો અનુભવ. રાત્રે ૧૦ વાગ્યે પણ. પંખા ફરે, છતાં પવન નહીં. સવારમાં આબુરોડથી જીપ કરી પર્વત પર ચઢ્યા તો રસ્તે જ વરસાદે સ્વાગત કરેલું. આબુપર્વત પણ હરિયાળા દિલથી જાણે અમારું સ્વાગત કરતો હતો. પથ્થરો પણ ભીના હતા, ક્યાંક ઝરતા હતા. યશવંતભાઈ, દલપતરામની કવિતાની પંક્તિઓ યાદ કરતા હતા :

દીઠો આજ આબુ ગિરિરાજ એવો…

પણ પછી લીટીઓ સ્મરણમાં આવે નહીં, માત્ર બીજી બે લીટીઓ આવી, જેમાં નખીસરોવરનો આમ ઉલ્લેખ છે :

તિહાં તેર ગાઉં તણે તો તળાવે પીવા ગામ અગિયારના લોક આવે.

અમે તો જીપમાં જ હતા ને વરસાદ જામી પડ્યો. ત્યાં તો રસ્તાની ધારે સમગ્ર ખીણ અને સામેના પર્વત ઢોળાવને વ્યાપી વળેલું વિરાટ ઇન્દ્રધનુ દેખાયું. કાલિદાસના સમયમાં એવી માન્યતા હતી કે ઇન્દ્રધનુ વલ્મિકમાંથી એટલે કે રાફડામાંથી પ્રકટે છે – વલ્મિકીગ્રા પ્રભવતિ. પણ પછી બધી વાત બદલાઈ ગઈ છે. છતાં ઇન્દ્રધનુના જે સૌંદર્યથી કવિ કાલિદાસ પ્રભાવિત થયા હતા તે સૌંદર્યથી આપણે પણ પ્રભાવિત થઈએ છીએ. અને પેલા આંગ્લકવિ વર્ડ્ઝવર્થને પણ સ્મરી લઈએ છીએ કે, જેનું હૃદય નભમાં ઇન્દ્રધનુને જોતાં નાચી ઊઠતું. ઉનાળામાં ‘હવા ખાવા’ આબુ જઈએ, તો આવા સપ્તરંગી સૌંદર્યનો ક્યાંથી અનુભવ થાય?

જીપમાં અમે સીધા ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થા સાધનાભવને પહોંચી ગયા. અહીં ગુજરાત સરકારના યુવક કલ્યાણ વિભાગ તરફથી નવ વિવેચક શિબિર હતો. શિબિરચાલક રઘુવીર હતા. ચંદ્રકાન્ત શેઠ અને નરોત્તમ પલાણ સાથી તરીકે હતા. વીસેક જેટલા યુવાસર્જકો અને વિવેચકો આવ્યા હતા.

વરસાદમાં અમે ઊતર્યા. સાધનાભવનને પગથિયે પર્વતારોહક સંસ્થાનાં આચાર્ય નંદિનીબહેન અને શ્રી ધ્રુવભાઈએ અમારું સ્વાગત કર્યું. ગરમ ગરમ ચાનો આસ્વાદ, આ ભીના આબુરાજમાં ભાવભીના સત્કાર જેવો હતો. બાજુમાં જ છે ગુજરાત ભવન.

ગુજરાત ભવનમાં અમારો ઉતારો છે. અહીં બાલ્કનીમાં બેસી મેઘ અને પવનની આ લીલા જોઈ જોઈ ચિત્ત અપાર આનંદનો અનુભવ કરે છે. ત્યાં આખા વાતાવરણને ભરી દેતો એક પંખીનો અવાજ આવે છે. આ તો કંસારાનો અવાજ. કંસારાની આ મેટિંગ – સંવનનની ઋતુ છે. એટલે એના અવાજમાં કામની ભીનાશ અને કંપ છે!

હવે શરૂ થયો છે. વરસાદ.

વરસાદ પડતો જાય છે અને સામેનું દૃશ્ય ખૂલતું જાય છે. વરસાદ ઝીલતી પર્વતમાળા દેખાય છે, વૃક્ષો દેખાય છે, દૂર ઢોળાવ પરનાં ઘર દેખાય છે. જોકે આથમણી બાજુ વાદળોએ હજી દિશાઓને ઢાંકી રાખી છે.

અને લ્યો, ફરી વાર ચઢી આવેલાં બધાં વાદળોએ સામે પણ પડદો રચી દીધો, એકદમ અપારદર્શી.

ઝરઝર વારિ ઝરે છે….

વારિ ઝરઝર ઝરે છે… આસપાસ, ખીણોમાં, પર્વતના શિખરો પર. આકાશ, પહાડ, ખીણ બધું એકાકાર થઈ ગયું છે. અદ્ભુત કાલક્ષણ છે આ. ‘આવે દિવસે તેને કહી શકાય એમ રવિ ઠાકુરે કહ્યું છે. કહ્યું છે :

એમન દિને તારે બલા જાય એમન ઘનઘોર બરિષાય એમન દિને મન ખોલા જાય –

– આવે દિવસે તેને કહી શકાય, આવી ઘનઘોર વષમાં આ દિવસે જ તો મન ખોલી શકાય… એ વાત બીજું કોઈ નહીં સાંભળે. ચારે દિશાઓ નિભૂતનિર્જન છે. માત્ર બે જણ મોઢામોઢ બેઠા છે અને આકાશમાંથી ઝરઝર વારિ ઝરે છે… જે વાત આ જીવનમાં કહેવાની રહી ગઈ હતી તે વાત આજે જાણે કહી શકાય, આવી ઘનઘોર વર્ષામાં…

આ એક પ્રણયી કવિનો ઋતુમાનથી પ્રભાવિત મનોભાવ છે, પણ કદાચ માનવમાત્રનો મનોભાવ છે. બધી વાતો, બધે સમયે કહી શકાતી નથી. પ્રિયજન સામે પણ બધે સમયે હૃદય ખોલી શકાતું નથી. માત્ર આવે દિવસે તેને કહી શકાય.’

પણ અહીં આ ક્ષણે કોને કહેવું? મનમાં એકાકીપણાનો ભાવ જાગે છે. ત્યાં તો સામે વાદળોએ દૃશ્યપરિવર્તન કરી દીધું હતું. પર્વતનાં શિખરો ખૂલી ગયાં છે. ત્યાં દૂર થોડો તડકો આકાશથી ઢોળાયો છે. ઘનઘોર ક્ષણો ઉજ્જ્વળ બની ગઈ છે. હવે માત્ર બે જણ બેસી મોઢામોઢ વાત કરી શકે એવું એકાંત ક્યાં રહ્યું છે?

વરસાદ વરસીને બંધ થઈ ગયા પછી ખૂલેલાં આકાશ-ધરતી – ‘ઑલ પેશન સ્પૅન્ટ’ – બધો આવેગ ઝરી ગયા પછી સમાહિત લાગે છે. હવે ઓરડામાં બેસી રહી શકાય તેમ નથી.

થોડી વારમાં તો અમે ત્રણ મિત્રો ભીના પહાડોમાં ફરવા નીકળી પડ્યા. ચંદ્રકાન્ત શેઠ તો કવિ, નરોત્તમ પલાણ પ્રવાસી હંમેશના, અને હું, યશવંતભાઈ અને રઘુવીર નવવિવેચકોની સંગતમાં હતા.

અમે બહુ દૂર જઈ શકીએ તેમ નહોતું. આસપાસ કંઈ લોભામણું ઓછું નહોતું. ગુજરાત ભવન આમ પણ થોડું ઊંચાઈ પર આવેલું છે અને આજુબાજુની બંધુર ભૂમિથી બધે આ ક્ષણે સોહામણું લાગે છે.

ગૌમુખને રસ્તે થોડું ચાલ્યા ત્યાં તો કલકલ કરતો ઝરણાનો અવાજ રસ્તાની ધારે બે ઊંચા પહાડો વચ્ચે વૃક્ષોથી ઢંકાયેલા માર્ગે તે વહી આવતું હતું. જાંબુનાં ઝાડ એના પર ઝૂક્યાં હતાં. જાંબુ લચકે લચકે બેસી ગયાં છે. એ જો પાકી ગયાં હોત તો કાલિદાસના શબ્દો વાપરવા પડ્યા હોત કે, ‘શ્યામ જમ્બુવનાત્તા.’

અમારે કોઈ દિશા લેવી નહોતી. પગ લઈ જાય ત્યાં જવું. સામે ટેકરી પર જોયું. એક અધૂરું મકાન ઊભું હતું તે ભણી ચાલ્યા. અહીં ચારે બાજુની ઊંચાઈઓ વચ્ચે વિશાળ ખીણ પ્રદેશ છે. એમાં દૂર સેન્ટ મેરી સ્કૂલની ઇમારતો સુંદર લાગે છે.

વરસાદ હજી હમણાં જ થંભ્યો હતો. ઠેરઠેર તાજાં પાણી ભરાયાં હતાં અને ઝાડનાં પાંદડેથી હજી ટપકતાં હતાં. વાદળોની ક્રીડા થંભી નહોતી. પવન પણ છુટ્ટો હતો. અમે આડેધડ કેડીઓ ચઢવા-ઊતરવા લાગ્યા. પેલા અધૂરા મકાન પાસે ગયા. કોઈ કહેતાં કોઈ નહીં. અહીં મકાન બંધાવનારની પાસે અવશ્ય એક સૌંદર્યદૃષ્ટિ હોવી જોઈએ.

ત્યાંથી જરા ઊતર્યા, તો એક બીજું ઝરણું વહી જતું હતું. ઉનાળામાં જ્યારે આબુ આવીએ છીએ ત્યારે આ ઝરણાંનો પથ્થરિયો માર્ગ જ માત્ર જોવા મળે છે. અત્યારે બધાં ઝરણાં જીવતાં થઈ ગયાં છે. વરસાદની પધરામણી ઘણા દિવસોથી થઈ છે તેથી બધું લીલુંછમ બની ગયું છે. નવી કૂંપળો ફૂટી છે અને સુક્કાં પાંદડાં પાણીમાં ક્ષય પામી હવામાં અદ્ભુત કશાય ગંધ ભરે છે. તેમાં ભળે છે જંગલી ડમરાની ઉગ્ર વાસ.

ત્યાં કંસારાનો કામાર્ત અવાજ સંભળાયો. પક્ષીવિદ પલાણના કાન સરવા થયા. આ પંખીનો અવાજ કાનમાં પ્રવેશી હૃદયને જરા વિકલ કરે છે. સામે એક ઊંચું આછાં પાંદડાંવાળું ઝાડ હતું. ફરી અવાજ અને કંસારો દેખાયો, એક નહીં, છે. તો કદાચ પેલું ગીત આ કંસારાયુગલ માટે હશે. ‘એમન દિને તારે બલા જાય.’ આ તો તેમના સંવનનની ઋતુ છે! પણ અમે જાણે એમની વાત સાંભળી ગયા હોય તેમ એક પછી એક બંને ઊડી ગયાં. આમતેમ દોડતાં વાદળોમાં ભળી ગયાં.

વરસાદ ઘણા દિવસથી હતો, એટલે પથ્થરો ક્યાંક ચીકણા થયા હતા. લપસી ન પડાય તે માટે ચંદ્રકાન્ત અમને સતત સાવધ કરતા હતા. અમે કેડી છોડીને એક ઊંચી ટેકરી ચઢવા લાગ્યા. ખરેલાં ભીનાં પાંદડાં પર પણ પગ દઈને ચાલવું જોખમ ભરેલું હતું. બે વર્ષ પહેલાં, એક ચાંદની રાતે આ વિસ્તારમાં થઈ સેન્ટ મેરી સ્કૂલથી આ તરફ આવતાં, મેં અને રઘુવીરે સર્પનો સરસરાટ સાંભળ્યો હતો. રઘુવીરે તો એ જોયો પણ. એ વાત યાદ આવી અને અમે ફરી ખુલ્લી કેડી પકડી.

અમે પહાડી ઊતરી કેડીએ ચાલતા હતા ત્યાં એક વૃક્ષના મૂળે ફૂટેલી લાલ લાલ ભીની કૂંપળ જોઈ. કેવો કોમળ આકાર અને કેવો કોમળ લાગ રંગ! ‘સુંદરી નારીના ચુમ્બનોપરાન્ત હોઠ’ એમ કાલિદાસ તો કહેત. ઉમાશંકર કહેત : ‘શિશુનું કલ હાસ્ય…’

અમે તાકી રહ્યા એ લાલ કૂંપળ, જરઠ મૂળની સન્નિધિમાં, જીવન કેવી રીતે પલ્લવિત થતું રહે છે! આ ઊંચાં ઊંચાં વૃક્ષો અને એથી ઊંચે ઊડતાં વાદળો વચ્ચે આ એક લઘુ અવકાશ રોકતી કૂંપળ વિજયિની બની ગઈ.

થોડી વારમાં પાછા ડામરની ભીની સડક પર આવી ગયા. ફરી પાછો વરસાદ શરૂ થયો હતો. હવે બહારથી ભીના થવામાં વાંધો નહોતો.

બપોર પછી અનધ્યાય હતો. વરસાદ પણ થંભ્યો હતો. વાદળોની ક્રીડા અણથક ચાલુ હતી. ગૌમુખ જવું કે ગુરુશિખર જવું? ગૌમુખ ચાલતા જવું પડે અને અનેક પગથિયાં ઊતરવાં-ચઢવાં પડે. ગુરુશિખર જવું હોય તો ઘરઆંગણેથી આબુના એ ઊંચામાં ઊંચા શિખર સુધી વાહનમાં જઈ શકાય.

ગુરુશિખર જવામાં વધુ મત પડ્યા. વચ્ચે દેલવાડાનાં દહેરાંની પરકમ્મા પણ કરી લેવાય. કિશોરાવસ્થાથી આજ સુધીમાં આબુ અનેક વાર જવાનું થયું છે. એ વખતના પ્રતિભાવ અને આજના પ્રતિભાવ કેટલા ભિન્ન છે એનો વિચાર કરતાં આશ્ચર્ય થાય.

એ વખતે આબુમાં ફરતાં ફરતાં રસિયો વાલમ અને કુંવારી કન્યા; અધ્ધરદેવી અને પાંડવોની ગુફા; અચલગઢ અને ભર્તૃહરિની કે ગોપીચંદની રહસ્યમય લાગતી ગુફા તથા અચલગઢની તળેટીમાં મંદિરના પ્રાંગણમાંનું પેલું નારી-અશ્વ મૈથુનનું શિલ્પ; વીંધાયેલા ત્રણ પાડા; ભીમની મોઈ અને ગુરુશિખર પરનો ઘંટ અને અલબત્ત નખી તળાવ એ અમારા આકર્ષણનાં કેન્દ્ર રહેતાં.

ગુરુશિખર પર પગે ચાલતાં ચઢવાનો થાકમિશ્રિત આનંદ પણ હજી સ્મરણમાં છે. ટ્રેવર ટેન્ક અને કૅગ પોઇન્ટને માર્ગે મિત્રો સાથે શેરડી ચૂસતાં અને વિશંભકથા કરતાં ચાલવાનો આનંદ સ્મરણમાં છે. હવે ચઢવાનું અને ચાલવાનું ઓછું થઈ ગયું છે. તો એટલો આનંદ પણ ઓછો થઈ ગયો છે.

એક મોટી જીપમાં બારેક મિત્રો ગોઠવાયા. દેલવાડાનાં જૈન મંદિર અને ગુરુશિખર જવા નીકળ્યા. એક ને એક સ્થળ હોય છતાં જુદા જુદા સમયે જુદા જુદા ગ્રૂપમાં જોતાં અનેરો અનુભવ થતો હોય છે. જૂની સ્મૃતિઓ તેમાં ભળે એટલે નવા દર્શનમાં નવો રંગ ચઢે. વરસાદની ઋતુમાં હું પહેલી વખત આબુ આવ્યો છું. આબુનું પ્રાકૃતિક સૌંદર્ય આ દિવસોમાં આટલું રમ્ય હશે એની માત્ર કલ્પના જ કરી હતી. આ વખતના ગ્રુપમાં પાછા બધા કવિઓ અને સર્જકો, અને કંઈ નહીં તો, સાહિત્યપ્રેમીઓ તો હતા જ. તેમાં આ વાદળભીની સાંજ હતી, દેલવાડાનાં જૈન મંદિરો કેટકેટલી વાર જોયાં છે!! એક કવિતા જેમ વારેવારે વાંચીએ અને દરેક વાર જેમ રસાનુભૂતિ થાય, તેમ શિલ્પમૂર્તિઓનું પણ છે. એક વાર જોઈને તે જોઈ લેવાતી નથી, વિમલવસહી અને લૂણવસહીનાં શિલ્પોનાં દર્શનથી થતી સૌંદર્યાનુભૂતિ પ્રત્યેક વાર વિશિષ્ટ બની રહે છે.

નરોત્તમ પલાણ શિલ્પ સ્થાપત્યના સમીક્ષક પણ. એ બધી ખૂબીઓ પણ સમજાવે. ‘રુદ્રમાળ’ નવલકથા લખતી વખતે રઘુવીરે શિલ્પ સ્થાપત્યનો અભ્યાસ કરેલો. મૂર્તિકલાની ખૂબીઓ વિશે એ પણ વાત કરતા જાય. વિમલવસહીનાં તોરણોના પ્રકાર અને એની પરંપરાની વાત શ્રી પલાણે કરી. તેમણે કાલિયદમન, નૃસિંહ અવતાર વગેરે કેટલાક ખાસ શિલ્પો તરફ ધ્યાન દોર્યું. રઘુવીરે રંગમંડપના ગુંબજનાં શિલ્પો જોવા માટે નીચે ફેરસ પર સૂઈ જઈને જોવું જોઈએ એવું કહ્યું અને એમ કરી પણ બતાવ્યું.

વરસાદ પડવા લાગ્યો હતો. દેવકુલિકાઓ આગળની છતનાં શિલ્પ ફરી ફરીને અમે જોતા હતા. શિલ્પીઓની અને નિર્માતાઓની કલાદૃષ્ટિની સ્તુતિ કરતા જતા હતા. ધર્મ અને કલાના સંબંધોની ચર્ચા પણ ચાલતી હતી. મંદિરના મૂલનાયક આદીશ્વર ભગવાનનાં દર્શન કરી પલળતા પલળતા લુણવસહી ભણી ગયા.

વસ્તુપાળ તેજપાળે બંધાવેલા આ મંદિરમાં દેરાણી-જેઠાણીના ગોખલાની વાત સૌ યાત્રિકો રસપૂર્વક કરે. આપણને તો પ્રશ્ન થાય કે, શિલ્પકલામાં વિમલવસહી ચઢે કે લુણવસહી? અર્થાત્, બંનેનું આકર્ષણ એટલું જ થાય છે.

આ બંને મંદિરો વિધર્મીઓના આક્રમણનો ભોગ બનેલાં છે. એ આક્રમકોની ઝનૂની દૃષ્ટિથી વિષાદનો અનુભવ થાય છે. લુણવસતીમાં મૂલનાયક નેમિનાથ ભગવાન છે. ગર્ભમંડપ એકદમ શિલ્પવિહીન છે. કદાચ મૂળ મંડપ આક્રમણમાં નષ્ટ થયો હોય.

આ વખતે અમે વિમલવસહી અને લૂણવસહીની હસ્તિશાળાઓ જોયા વિના જ નીકળી ગયા. ભામાશાના મંદિરમાં પણ ન ગયા. અમારો હેતુ તો આ સુંદર કલાસૃષ્ટિની પરકમ્મા કરવાનો હતો. ‘ફરી આવીશું એમ વિચારી જીપમાં બેસી ગયા. સૂર્યાસ્ત વેળાએ સનસેટ પોઇન્ટ – આ વાદળોના દિવસોમાં – પણ જવાની રઘુવીરની ઇચ્છા હતી. હજી તો ગુરુશિખરે જવાનું હતું.

અચલગઢને ટાળીને ગુરુશિખર ભણી ઊપડ્યા. આ માર્ગેથી દક્ષિણ ભણીની આબુપર્વતમાળાની શોભા જેમ જેમ ઉપર જઈએ તેમ વિસ્તરતી જાય છે. ઊંચાઈએ ચઢવાની તો એ ઉપલબ્ધિ છે. બધા પર્વતો લીલા હતા, પ્રસન્ન હતા.

ગુરુશિખરને સમાંતર બીજાં શિખરો પર તો હવે રડારયંત્રો ગોઠવાયાં છે. એ વિસ્તાર લશ્કરના આધિપત્યમાં છે. દેશની સીમાસુરક્ષા માટેની આ ગોઠવણ છે, પણ એમાં આ ગુરુશિખરનું ગુરુત્વ ખર્વ થયું છે. વાહન છેક સુધી જાય છે. છેક ઉપર મંદિરે જવા થોડુંક ચઢવું પડે છે. યશવંતભાઈ ત્યાં જ પર્વતની શોભાનું નિરીક્ષણ કરવા લાગ્યા અને અમે બધાએ ઉપર જઈ ઘંટ વગાડી ગુરુદત્તને જગાડી અમારા નમસ્કાર જણાવ્યા.

ઉપરથી રાજસ્થાનના નીચેના વિસ્તારનું સુંદર દૃશ્ય દેખાતું, પણ આજે તો વાદળાંએ અમારી દૃષ્ટિની પણ દયા ન કરી. અમે કશું જોવા ન પામ્યા. માત્ર દુર્બોધ કવિતા જેવાં અપારદર્શી વાદળ.

થોડી વાર પછી પાછા અમે જીપમાં હતા. નખીને કાંઠે ઊતરી ગયા, પણ તે તરફ જવાને બદલે અમે ચારેક મિત્રો સૂર્યાસ્તબિન્દુને માર્ગે ચાલવા લાગ્યા. ચાલવા માટે આ માર્ગ સારો છે, પણ આજે અસ્તાયમાન સૂર્યને જોઈ શકવાના નહોતા, છતાં રઘુવીરનો આગ્રહ રહ્યો. અનેક પ્રવાસીઓ પાછા આવી રહ્યા હતા ત્યારે અમે જઈ રહ્યા હતા!

હું અને ચંદ્રકાન્ત એક સ્થળે ચૂપચાપ બેસી ગયા. રઘુવીર અને શ્રી પલાણ આગળ ગયા. થોડી વાર પછી આવીને કહે : ‘તમે ન આવ્યા તે ભૂલ કરી. આખું પશ્ચિમાકાશ ખૂલી ગયું હતું અને નીચેનો વિસ્તાર પણ. ભવ્ય દૃશ્ય!’

પણ, અમે એ સાંધ્યવેળાએ જે નીરવ ક્ષણો અનુભવી હતી તેની વાત અમે ન કરી. એમણે ફરી વાર, અમારા તેમની સાથે ન જવા અંગે, અફસોસ કર્યો, પણ અમે નીરવ રહ્યા. વાદળઘરમાં ભીનો અંધકાર ઊતરતો જતો હતો.