દેવદાસ/પ્રકરણ ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪

બે વરસ થઇ ગયાં. પાર્વતી મહેન્દ્રનાં લગ્ન પતાવી નિશ્ચિંત બની હતી. જલદબાલા બુદ્ધિશાળી કર્મપટુ હતી. પાર્વતીના બદલે કુંટુંબનું ઘણું કામકાજ એ જ કરતી. પાર્વતીનું મન બીજી બાજુ વળ્યું હતું. આજ પાંચ વરસ થયાં તેનાં લગ્ન થયાં હતાં પણ સંતાન નહોતું. પોતાને બાળબચ્ચાં નહોતાં એટલે પારકાં બાળકો ઉપર એને ખૂબ હેત થતું. ગરીબગુરબાંની વાત જવા દો. પણ ખાધેપીધે સુખી લોકોનાં બાળકોના ખરચનો મોટો ભાગ પણ તેણે પોતે જ ઉપાડી લીધો હતો. એ ઉપરાંત ઠાકોરસેવા પતાવી, સાધુસંન્યાસીની સેવા કરી, આંધળાલૂલાની ચાકરી કરી એ દિવસો વિતાવતી. પતિને ઉત્તેજન આપી પાર્વતીએ બીજી એક અતિથિશાળા તૈયાર કરાવી હતી. ત્યાં આગળ નિરાશ્રિત, અસહાય લોકો ફાવે ત્યાં રહી શકતા હતા. જમીનદારના કુટુંબમાંથી જ તેમનું ખાવાપહેરવાનું આપવામાં આવતું. બીજું એક કામ પાર્વતી અત્યંત ગુપ્ત રીતે કરતી, પતિને પણ તે જાણવા દેતી નહિ- એ ગરીબ ભદ્ર કુંટુબોમાં પૈસાટકાની ગુપ્ત મદદ કરતી. આ ખર્ચ તે પોતાની રકમમાંથી કાઢતી. પતિ પાસેથી દર મહિને જે કંઈ મળતું તે બધું તે આમાં ખરચી નાખતી. પણ પાર્વતી ગમે તે રીતે ગમે તે ખરચે, પેઢીના મુનીમથી તે કશું અજાણ્યું નહોતું. અંદર અંદર તેઓ બબડાટ કર્યા કરતા હતા. દાસીઓ સંતાઈ સાંભળી લેતી કે કુંટુંબનું ખરચ આજકાલ બમણાથી પણ વધી ગયું છે; તિજોરી ખાલીખમ છે, કશું ભેગું થયું નથી. કુંટુંબમાં નકામું ખર્ચ વધી જાય એ દાસદાસીઓને જાણે માથાનો ઘા બની જાય છે. તેમની પાસેથી જલદ એ બધી વાતો સાંભળવા પામતી. એક રાતે તેણે પતિને કહ્યું, “તમારી શું આ ઘરમાં ગણતરી જ નથી ?” મહેન્દ્ર બોલ્યો, “કેમ, કહે જોઉં ?” સ્ત્રીએ કહ્યું, “દાસદાસીઓ જુએ છે ને તમારાથી દેખાતું નથી ? ઘરના માલિક તો નવી વધૂ પાછળ ગાંડા બન્યા છે- એ તો હવે બોલે નહિ; પણ તમારે તો કહેવું જોઈએ ને !” મહેન્દ્ર વાત સમજ્યો નહિ; પણ તેણે આતુર ભાવે પૂછ્યું, “શાની વાત કરે છે ?” જલદબાલા ગંભીર થઈને પતિને સલાહ આપવા લાગી, “નવી માને સંતાન કશું નથી, તેમને શી રીતે કુંટુંબની લાગણી હોય ? બધું ઉડાવી દે છે, એય તમે જોતા નથી?” મહેન્દ્રે ભવાં ચડાવી કહ્યું, “શી રીતે ?” જલદ બોલી, “તમારે આંખો હોય તો દેખો ને ! આજકાલ ઘરનું ખરચ બમણું –સદાવ્રત, દાનખેરાત, અતિથિફકીર ! ઠીક, એ તો જાણે પરલોકનું કામ કરે છે; પણ તમારે પણ છૈયાછોકરાં તો થશે ને ?ત્યારે એ બધાં ખાશે શું ? પોતાની વસ્તુ ઉડાવી દઈ આખરે પછી ભીખ માગવા નીકળશો શું ?” મહેન્દ્ર પથારી પર બેઠો થઇ જઈ બોલ્યો, “તું કોની વાત કરે છે ?માની વાત ?” જ્લદે કહ્યું, “બળ્યું મારું કપાળ ! એ તો બધું વળી મોં ફાડીને કહેવાનું હોય ?” મહેન્દ્રે કહ્યું, “એટલે તું મા સામે ફરિયાદ કરવા આવી છે?” જલદ ગુસ્સો કરી બોલી, “મને દાદફરિયાદની પડી નથી. માત્ર અંદરની વાત જણાવી દીધી, નહિ તો છેવટે સૌ મને જ દોષ આપત.” મહેન્દ્ર ખૂબ વાર લગી ચૂપ બેસી રહ્યો. પછી તે બોલ્યો, “તારા બાપને ત્યાં રોજ ચૂલોય નહિ સળગતો હોય. તને જમીનદારના ઘરના ખરચનો ખ્યાલ ક્યાંથી આવે ?” જલદ પણ ગુસ્સે થઇ ગઈ; બોલી, “તમારા માબાપને ઘેર વળી કેટલીક અતિથીશાળાઓ છે, કહો જોઉં ?” મહેન્દ્ર વધારે દલીલ કર્યા વિના ચુપચાપ પડ્યો રહ્યો. સવારે ઊઠીને પાર્વતી પાસે જઈ તે બોલ્યો, “આ તે કેવાં લગન કરાવી આપ્યાં, મા ? આની સાથે સંસાર ચલાવવો જ શી રીતે ? હું તો કલકત્તે જાઉં છું.” પાર્વતી અવાક્ થઇ ગઈ. તેણે કહ્યું, “કેમ, ભાઈ ?” “તમારે વિશે કડવી વાતો કરે છે. મેં એનો ત્યાગ કર્યો છે.” પાર્વતી થોડા દિવસ થયાં મોટી વહુનાં આચરણ જોતી આવતી હતી; પરંતુ એણે મનનો ભાવ ડાબી દઈ કહ્યું, “છી ! ભાઈ, એ તો મારી સરસ છોકરી છે !” ત્યાર બાદ તેણે જલદને એકાંતમાં બોલાવી કહ્યું, “વહુમા, કજિયો થયો હતો કંઈ ?” સવારથી જ પતિને કલકત્તા ચાલી જવાની તૈયારી કરતા જોઈ જલદને મનમાં મનમાં બીક લાગી હતી; સાસુની વાત સાંભળી એ રડી પડી. બોલી, “મારો વાંક છે, મા ! પણ દાસીઓ જ ખરચખૂટણની વાત બોલતી ફરે છે.” પાર્વતીએ બધું સાંભળી લીધું. લજ્જિત થયેલી વહુની આંખો લૂછી નાખી તેણે કહ્યું, “વહુમા, તમે ખરું કહો છો. પણ મા, હું એવી વ્યવહારુ નહિ, એટલે જ ખરચની બાબતમાં મારું ધ્યાન રહ્યું નહિ.” ત્યાર પછી મહેન્દ્રને બોલાવી તેણે કહ્યું, “ભાઈ, વિનાવાંકે ગુસ્સો કરો નહિ- તમે પતિ ! પતિની મંગળકામના આગળ સ્ત્રીનું સર્વસ્વ તુચ્છ થઇ જવું જોઈએ. વહુમા તો તમારી લક્ષ્મી !” પણ એ જ દિવસથી પાર્વતીએ હાથ વાળી દીધો. અતિથીશાળામાં અને ઠાકોરગૃહમાં હવે પહેલાં જેવી સેવા થતી નહિ. અનાથ, અંધ, ફકીર અનેક પાછા જવા લાગ્યા. ચૌધરી મહાશયે એ સાંભળીને પાર્વતીને બોલાવી કહ્યું, “કેમ વહુ, લક્ષ્મીનો ભંડાર ખૂટી ગયો છે કે શું?” પાર્વતીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “માત્ર આપ્યા જ કર્યે કેમ ચાલે ? થોડા દિવસ ભેગું તો કરી રાખવું જોઈએ ! જોતા નથી, ખરચ કેટલું વધી ગયું છે ?” “તે હશે. મારે હવે કેટલા દા’ડા ? થોડા દહાડા સત્કર્મ કરી પરલોકનો રસ્તો જોવો સારો.” પાર્વતીએ હસીને કહ્યું, “આ તો ભારે સ્વર્થીના જેવી વાત થઇ ! પણ તમારું પોતાનું જ જોશો, ને છોકરાંને શું વહેતાં મૂકશો ? થોડા દિવસ શાંત થઇ રહો, પછી વળી બધું થશે. માણસને કામ તો કંઈ ખૂટતું જ નથી !” પરિણામે ચૌધરી મહાશય શાંત થયા. પાર્વતીને હવે કામ ઓછું થયું, એટલે વિચારો વધ્યા છે. પણ બધા વિચારો એક જ પ્રકારના છે. જેમને આશા હોય છે, તેઓ એક રીતે વિચાર કરે છે, અને જેમને આશા નથી હોતી તેઓ બીજી રીતે વિચાર કરે છે. પહેલી ભાવનામાં સજીવતા છે, સુખ છે, તૃપ્તિ છે, દુઃખ છે, ઉત્કંઠા છે, એટલે એ માણસને થકવી નાખે છે- બહુ વખત વિચાર કરી શકતો નથી. પરંતુ જેને આશા જ નથી તેને સુખ નથી, દુઃખ નથી, ઉત્કંઠા નથી છતાં તૃપ્તિ હોય છે. આંખમાંથી આંસુ પડે છે, ગંભીરતા પણ હોય છે-પણ નિત્યનૂતન બનીને એ મર્મભેદ કરતી નથી, હલકા મેઘની માફક સ્વૈરવિહાર કરી શકે છે. પવન લાગે નહિ એવી જગ્યાએ ઊભો રહે છે; અને પવન લાગે એમ હોય ત્યાંથી સરકી જાય છે. તલ્લીન ચિત્ત ઉદ્વેગ વિનાનું હોય છે, વિચારમાં પણ એક સાર્થકતા હોય છે. પાર્વતીનું આજકાલ એમ જ થયું છે. સંધ્યાપૂજા કરવા બેસતાં અસ્થિર, ઉદેશહીન, હતાશ મન ચટ દઈને પળમાં તાલસોનાપુરની વાંસઝાડ, આંબાવાડી, નિશાળનું મકાન બંધની પાળ વગેરે સ્થાને ફરી આવે છે. વળી ક્વચિત્ એવે કોક સ્થાને છુપાઈ બેસે છે કે પાર્વતી પોતે પણ એને ખોળી બહાર કાઢી શકતી નથી. પહેલાં કવચિત્ હોઠના ખૂણે હાસ્યરેખા છવાતી, હવે એક બિંદુ આંસુ ટપ દઈને તરભાણામાં પડી પાણીમાં ભળી જતું. તોપણ દિવસ વહ્યે જતા હતા. ઘરનું કામકાજ અને મીઠી વાતચીત કરી પાર્વતી પરોપકાર અને સેવાચાકરીમાં દિવસો વિતાવતી; તો વળી કવચિત્ બધું ભૂલી જઈ ધ્યાનમગ્ન યોગિનીની જેમ પણ રહેતી. કોઈ કહેતું :લક્ષ્મીનો અવતાર-મા અન્નપૂર્ણા ! કોઈ કહે : અન્યમન્સકા ઉદાસિની ! પરંતુ કાલે સવારથી તેનામાં બીજા જ એક પ્રકારનો ફેર પડી ગયો જણાય છે-થોડો તીવ્ર, થોડો કઠોર- પેલી પરિપૂર્ણ, ભરી ભરી, જુવાળવાળી ગંગામાં જાણે એકાએક ક્યાંકથી ઓટ આવી ગઈ હતી. ઘરનું કોઈ કારણ જાણતું નહિ, માત્ર આપણે જાણીએ છીએ. મનોરમાએ કાલે ગામથી એક કાગળ લખ્યો છે, લખ્યું હતું : “પાર્વતી, “બહુ દિવસો થયાં આપણે બંનેએ એકબીજાને પત્ર લખ્યો નથી; એ માટે વાંક બંનેનો થયો છે. મારી ઈચ્છા છે કે પાછો મેળ મળી જાય. ચાલ, આપણે બંને દોષ સ્વીકારી લઇ રીસ ઓછી કરી નાખીએ ! પણ હું મોટી છું, એટલે હું જ નમતું આપું છું. વિશ્વાસ રાખું છું કે તું જલદી ઉત્તર આપશે. આજ લગભગ એક મહિનો થયાં અહીં આવી છું. આપણે ગૃહસ્થ ઘરની છોકરીઓ શારીરિક સ્વાસ્થ્ય બહુ સમજતી નથી. મરી જાય તો કહીએ છીએ, ગંગામાં પધરાવી છે, અને જીવતી હોય તો કહીએ છીએ કે, સારી છે. હું પણ એવી રીતે જ સારી છું. પણ આ તો થઇ પોતાની વાત. નકામી વાત. કામનું કંઇક લખવાનું ખાસ છે એમ પણ નથી; તોપણ એક સમાચાર જણાવવાની ખૂબ ઈચ્છા થઇ છે. કાલથી વિચારું છું કે જણાવવા કે નહિ. જાણીને તને ક્લેશ થશે, પણ જણાવ્યા વિનાય રહી શકતી નથી- જાણે મારીચની દશા થઇ છે. દેવદાસની વાત સાંભળીને તને તો દુઃખ થશે જ થશે પણ મારાથીય તને સંભારીને રડ્યા વિના રહેવાતું નથી. ભગવાને તને બચાવી, નહિ તો તું તો અભિમાની છે- તેને પલ્લે પડી હોત તો આટલા દિવસમાં કાં તો તું પાણીમાં ડૂબી મરત અથવા તો ઝેર ખાઈ મરત. હવે કદાચ એની વાત તને સાંભળવા મળશે. કદાચ થોડા દિવસ મોડી સાંભળીશ; કેમ કે જે વાત જગત આખું જાણે છે તેમાં વળી ઢાંકવા મૂકવાનું શું ? “આજે લગભગ છ-સાત દિવસ થયાં એ અહીં આવ્યો છે. તું તો જાણે છે, જમીનદારના ગૃહિણી કાશી જઈ રહ્યાં છે, અને દેવદાસ કલકત્તાનો રહેવાસી થયો છે. ઘેર આવ્યો છે માત્ર મોટા ભાઈ પાસે ઝઘડો કરવા અને પૈસા લેવા. સાંભળ્યું છે કે આમ વચ્ચે વચ્ચે એ આવે છે. પૈસાનો બંદોબસ્ત થાય તેટલા દિવસ રહે છે- પૈસા મળતાં ચાલ્યો જાય છે. “તેના પિતાને ગુજરી ગયે આજે અઢી વરસ થયાં છે, તું સાંભળીને નવાઈ પામીશ, આટલા વખતમાં જ તેણે તેની અર્ધી મિલકત ઊડાવી દીધી છે. દ્વિજ્દાસ તો છે બહુ હિસાબી માણસ, એટલે કોઈ પણ પ્રકારે બાપની મિલકત એણે પોતે જ કબજે રાખી છે. નહિ તો ક્યારની લૂંટાઈ ગઈ હોત. દેવદાસ દારૂ અને વેશ્યા પાછળ સર્વસ્વ ગુમાવી ખુવાર થઇ રહ્યો છે, કોણ એને બચાવે ? એક બચાવી શકે યમરાજ ! અને એનેય હવે બહુ સમય તો નહિ લાગે એમ મને લાગે છે; સારું છે-પરણેલો નથી. “હાય ! જોઇને દુઃખ પણ થાય છે ! પેલો સોનાનો રંગ નથી, પેલું રૂપ નથી, પેલી કાન્તિ નથી- આ જાણે બીજો જ કોઈ ! લૂખા વાળ પવનમાં ઊડે છે, આંખ ગોખલામાં ઊતરી ગઈ છે, નાક જાણે તલવારના જેવું ખડું થઇ ગયું છે. કેવો કદરૂપો થઇ ગયો છે, એ તને હવે શું કહું ? જોતાંવેત ઘૃણા આવે, બીક લાગે ! આખો દિવસ નદીને કાંઠે, બંધની પાળે, બંદૂક હાથમાં લઇ પંખી મારતો ફરે છે. અને તાપમાં ફેર ચડે ત્યારે બંધની પાળ આગળ, પેલી બોરડી નીચે મોઢું નીચું રાખીને બેસી રહે છે. સાંજ પછી ઘેર જઈ દારૂ પીએ છે- રાતે ઊંઘી જાય છે કે આંટા મારે છે એ તો ભગવાન જાણે ! “પેલે દિવસે સાંજને વખતે હું નદીએ પાણી લેવા ગઈ હતી, જોઉં છું તો દેવદાસ હાથમાં બંદૂક લઇ કાંઠે કાંઠે શુષ્કમુખે ચાલ્યે જાય છે. મને ઓળખી કાઢીને પાસે આવી ઊભો- હું તો બીને મારી ગઈ ! ઘાટ ઉપર જનપ્રાણી નહોતું. એ દિવસે મારું પણ ઠેકાણે નહોતું. ભગવાને રક્ષા કરી કે એણે કશા છાકટાવેડા કે બદમાશી કર્યા નહિ, સરળ ભદ્રલોકની માફક શાંત ભાવે બોલ્યો, “મનો, સારી તો છે ને, બહેન !” “હું શું કરું ? બીતી બીતી માથું હલાવી બોલી, ‘હા.’ પછી તે એક દીર્ધ નિઃશ્વાસ નાખી બોલ્યો, ‘સુખે રહે, બહેન, તને જોઈ આંનદ થાય છે.” ત્યાર બાદ આસ્તે આસ્તે ચાલ્યો ગયો. હું ઊઠી તો ગઈ- જીવ લઈને નાઠી. મા રે ! સદભાગ્યે હાથબાથ કંઈ પકડ્યો નહિ ! જવા દો એની વાત- એ બધી દુવર્તનની વાત લખવા જતાં કાગળમાં માય નહિ. “બહુ દુઃખ દીધું, બહેન. આજે પણ તું જો તેને ભૂલી ગઈ ના હોય તો દુઃખ તો થશે જ; પણ ઉપાય શો ? જો કંઈ મારો અપરાધ થયો હોય તો તે તું ઉદાર બની તારી સ્નેહાકાંક્ષિની મનોરમા દીદીને ક્ષમા કરજે.”

*

કાલે પત્ર આવ્યો હતો. આજે તેણે મહેન્દ્રને બોલાવી કહ્યું, “બે પાલખી અને બત્રીસ ભોઈઓ જોઈએ છે. હું હમણાં તાલસોનાપુર જવાની છું.” મહેન્દ્ર આશ્ચર્ય પામી પૂછ્યું, “પાલખી ઊંચકનારા લાવી દઉં છું. પણ બે શું કરવા, મા ?” પાર્વતીએ કહ્યું, “તું સાથે આવશેને ભાઈ ! રસ્તામાં જો હું મરી જાઉં, તો મોઢામાં આગ મૂકવા માટે છોકરો જોઈએ ને ! “ મહેન્દ્ર બીજું કશું બોલ્યો નહિ. પાલખી આવતાં બંને જણાં ઉપડ્યાં. ચૌધરી મહાશય સાંભળીને બાવરા બની ગયા. દાસદાસીઓને પૂછ્યું, પણ કોઈ કારણ આપી શક્યું નહિ. ત્યારે તેમણે બુદ્ધિ ચલાવી, બીજા પાંચ દરવાન, દાસદાસી એમની પાછળ મોકલાવ્યાં. એક સિપાઈએ પૂછ્યું, “રસ્તામાં મળે તો પાલખી પાછી લાવીએ શું ?” તેમણે વિચાર કરી કહ્યું, “ના, જરૂર નથી. તમે સાથે જજો- જેથી કશી મુશ્કેલી પડે નહિ.” તે દિવસે સાંજ પછી બંને પાલખી તાલસોનાપુર આવી પહોંચી. પણ દેવદાસ ગામમાં નહોતો. એ જ દિવસે બપોરે કલકત્તા ચાલ્યો ગયો હતો. પાર્વતી કપાળમાં હાથ પછાડી બોલી, “નસીબ !” તે મનોરમાને જઈને મળી. મનોરમા બોલી, “પારુ ! દેવદાસને મળવા આવી હતી શું ?” પાર્વતી બોલી, “ના, સાથે લઇ જવા આવી હતી. અહીં એમનું પોતાનું તો કોઈ છે નહિ !” મનોરમા અવાક્ થઇ રહી, તેણે કહ્યું, “બોલે છે શું ? શરમ નહિ લાગત ?” “શરમ વળી કોની ? મારી વસ્તુ હું લઇ જાઉં- એમાં શરમાવાનું શું ?” “છી ! છી ! આવું શું બોલે છે ? એને ને તારે શું ?-આવી વાત મોંમાંથી કાઢ નહિ.” પાર્વતી ફિક્કું હાસ્ય હસી બોલી, “મનોદીદી, સમજણી થઇ ત્યારથી જે વાત હૃદયમાં વસતી આવી છે, તે કોક વાર મોંમાંથી બહાર પણ આવી જાય. એટલે જ, બહેન, તેં આજે એ વાત સાંભળી !” બીજે દિવસે પાર્વતી માતાપિતાને ચરણે પ્રણામ કરી ફરી પાલખીમાં બેઠી.