દેવદાસ/પ્રકરણ ૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫

આ બે વરસ થયાં ચંદ્રમુખી અશથઝૂરી નામના ગામમાં ઘર રાખી રહે છે. નાની નદીને તીરે, એક ઊંચી જગા ઉપર તેનાં માટીના બે સ્વચ્છ કોટડાં છે. પાસે ઢાળિયું છે, તેમાં તેની એક કાળા રંગની હૃષ્ટપુષ્ટ ગાય બાંધેલી હોય છે, બે કોટડાંમાંથી એકમાં રસોડું છે અને ભંડાર છે, બીજામાં તે સૂએ છે. આંગણું સ્વચ્છ વાળેલું છે. રમા વાગ્દીની છોકરી રોજ લીંપી જાય છે. ચારે બાજુ એરંડાની વાડ છે,

વચ્ચે એક બોરડીનું ઝાડ છે, અને એક બાજુએ તુલસીનો છોડ છે. સામે જ નદીનો ઘાટ છે- માણસો કામે લગાડી ખજૂરીનું ઝાડ કપાવી સીડી તૈયાર કરાવી લીધી છે. તેં સિવાય આ ઘાટનો કોઈ ઉપયોગ કરતું નથી. વરસાદના દહાડામાં બંને કિનારા ઊભરાવી દઈને પાણી ચંદ્રમુખીના ઘરની નીચે સુધી આવે છે. ગામના લોક ગભરાઈ જઈને કોદાળી લઇ દોડી આવે છે. નીચે માટી નાંખી તે જગાએ ઊંચાણ કરી આપે છે. આ ગામમાં ભદ્રલોક રહેતા નથી. ખેડૂતો, ગોવાળિયા, વાગ્દી, બે ઘર ઘાંચીના અને ગામને છેડે બે ઘર મોચીનાં છે. ચંદ્રમુખી આ ગામમાં આવ્યા પછી પણ દેવદાસને સમાચાર મોકલતી રહી છે. જવાબમાં દેવદાસ થોડા થોડા પૈસા મોકલતો રહે છે. ચંદ્રમુખી એ પૈસા ગામના લોકોને ઉછીના આપે છે. બહુ તાણમાં આવી પડતાં બધા જ એની પાસે દોડી આવે છે- તેના બદલામાં કેળાં, મૂળા, ખેતરની શાકભાજી તેઓ ચાહી કરીને આપી જાય છે. ચંદ્રમુખી મુદ્દલને માટે પણ કદી દબાણ કરતી નથી. જેમનાથી અપાય એમ ન હોય તેઓ નથી આપી જતા. ચંદ્રમુખી હસતી હસતી કહે છે, “હવે તને કદી આપીશ નહિ !” પેલો નમ્ર ભાવે કહે છે, “મા-ઠાકુરન, આશીર્વાદ આપો, આ વેળા સારી ફસલ ઊતરે.” ચંદ્રમુખી આશીર્વાદ આપે છે. ફરી પાછી સારી ફસલ ઊતરતી નથી. મહેસૂલ માટે તગાદો થાય છે. વળી પાછો એ આવી, રડી પડી, હાથ લંબાવી ઊભો રહે છે- ચંદ્રમુખી વળી પાછી આપે છે. મનમાં મનમાં હસીને બોલે છે, “ભગવાન એમને જીવતાં રાખે, મારે પૈસાની ચિંતા શી !” પણ દેવદાસ ક્યાં ? લગભગ છ મહિના થયાં એને કશા સમાચાર મળ્યા નથી. કાગળ લખ્યા છતાં પણ જવાબ આવ્યો નથી. રજિસ્ટર કરી મોકલવા છતાં પણ પત્ર પાછો આવ્યો છે. ગોવાળના એક કુંટુંબને ચંદ્રમુખીએ પોતાના ઘરની પાસે જ વસાવ્યું છે. તેના છોકરાનાં લગ્ન વખતે બેતાળીશ રૂપિયા દાજમાં આપ્યા છે. એક જોડી બળદ અને હળ ખરીદી આપ્યાં છે. એનું આખું કુંટુંબ ચંદ્રમુખીના આશ્રયમાં રહે છે અને બંને વચ્ચે ખૂબ માયા બંધાઈ છે. એક દિવસ સવારે ચંદ્રમુખીએ ભૈરવ ગોવાળને બોલાવી કહ્યું, “ભૈરવ, તાલસોનાપુર અહીંથી કેટલે દૂર હશે, ખબર છે ?” ભૈરવ વિચાર કરી બોલ્યો, “આ બે ખેતર કાપ્યા કે કચેરી.” ચંદ્રમુખીએ પૂછ્યું, “ત્યાં આગળ કોઈ જમીનદાર રહે છે, નહિ ?” ભૈરવ બોલ્યો, “હા, એ જ ત્યાંના જમીનદાર છે. એ ગામ જ એમનું છે. આજ ત્રણ વરસ થયાં એ તો સ્વર્ગે સિધાવ્યા છે; ત્યારે આખા ગામને એક મહિનો લગી મીઠાઈ, પૂરી ખવડાવી હતી. અત્યારે એમને બે છોકરા છે; ખૂબ મોટા માણસ- રાજા !” ચંદ્રમુખીએ કહ્યું, “ભૈરવ ! મને ત્યાં લઇ જશે ?” ભૈરવ બોલ્યો, “કેમ નહિ, મા ? ધ્યાનમાં આવે ત્યારે ચાલો.” ચંદ્રમુખી ઉત્સુક થઇ બોલી, “તો ચાલને, ભૈરવ. આપણે આજે જ જઈએ.” ભૈરવ વિસ્મિત થઇ બોલ્યો, “આજે જ ?” ત્યાર બાદ ચંદ્રમુખીના મુખ સામે જોઈ રહી એ બોલ્યો : “તો પછી, મા, તમે જલદી રાંધી લો, હું પણ બે મુઠી મમરા બાંધી લઉં.” ચંદ્રમુખી બોલી, “મારે હવે રાંધવું કરવું નથી, ભૈરવ, તું મમરા બાંધી લે.” ભૈરવ ઘેર જઈ થોડા મમરા અને ગોળ ચાદરમાં બાંધી, ચાદર ખભા ઉપર નાખી હાથમાં લાઠી લઈને થોડી વારે પાછો આવી બોલ્યો, “તો ચાલો; પણ તમે કશું ખાશો નહિ, મા ?” ચંદ્રમુખી બોલી, “ભૈરવ, હજુ મેં પૂજાપાઠ કર્યો નથી; જો વખત મળશે તો ત્યાં જઈ એ બધું કરીશ.” ભૈરવ આગળ આગળ રસ્તો બતાવતો ચાલ્યો. પાછળ પછળ ચંદ્રમુખી મહામહેનતે ખેતરના શેઢા ઉપર ચાલવા લાગી. વણટેવાયેલા કોમળ પગમાં ઝારા પડી લોહી નીકળ્યું. તાપને લીધે આખું મોં લાલચોળ થઇ ગયું. નાહવાખાવાનું કશું થયું નહોતું, છતાં ચંદ્રમુખી એક ખેતરથી બીજું ખેતર પસાર કરવા લાગી. ખેતરના ખેડૂતો આશ્ચર્ય પામી તેના મોઢા તરફ જોઈ રહેતા. ચંદ્રમુખીએ લાલ કિનારની સાડી પહેરી હતી. હાથમાં બે બંગડી હતી. છેક કપાળ લગી અર્ધો ઘૂમટો હતો. આખે શરીરે એક જાડી ચાદર વીંટાળેલી હતી. સૂર્યાસ્ત થવાને બહુ વાર નહોતી એટલામાં બંને જણાં ગામમાં આવી પહોચ્યાં. ચંદ્રમુખી જરાક હસી બોલી, “ભૈરવ, તારા બે ખેતરવા આટલી વારે પૂરા થયા !” ભૈરવે મશ્કરી સમજ્યા વિના સરળ ભાવે કહ્યું, “મા ઠાકુરન, આ પહેલી જ વાર આવ્યો; પણ તમારા જેવાં સુખી માણસથી આજે ને આજે પાછાં જઈ શકાશે ?” ચંદ્રમુખી મનમાં મનમાં બોલી, “આજ તો શું, કાલ પણ આ રસ્તો ખૂંદાય એમ લાગતું નથી.” પછી મોટેથી બોલી, “ભૈરવ, અહીં ગાડી ન મળે ?” ભૈરવ બોલ્યો, “કેમ ન મળે મા ?બળદગાડી ઠેરવીશું ?” ગાડી ઠેરવવાનો હુકમ કરી ચંદ્રમુખી જમીનદારને ઘેર ગઈ. ભૈરવ ગાડીનો બંદોબસ્ત કરવા બીજી બાજુ ગયો. અંદરના, ઉપરના વરંડામાં મોટાં વહુ (આજકાલ જમીનદારના ગૃહિણી) બેઠાં હતાં. એક દાસી ચંદ્રમુખીને ત્યાં જ લઇ આવી. બંનેએ એકબીજાની સામે તાકીને જોયું. ચંદ્રમુખીએ નમસ્કાર કર્યા. મોટાં વહુના શરીર ઉપર ઘરેણાં માતાં નથી, આંખના ખૂણામાંથી અહંકાર ફાટી નીકળે છે. બંને હોઠ અને દાંત પાન અને મસીથી લગભગ કાળા થઇ ગયા છે. એક બાજુનો ગાલ ઉપસી આવ્યો છે- લાગે છે કે, તમાકુ અને પાનથી ભરેલો છે. વાળ એવા તો ખેંચીને બાંધ્યા છે કે અંબોડો માથાની ટોચે ઊપસી આવ્યો છે. બે કાનમાં નાનીમોટી થઇ વીસત્રીસ વાળીઓ છે. નાકની એક બાજુ ચૂની, બીજી બાજુ મોટું કાણું છે, સાસુના અમલમાં તેમાં નથ પહેરતી હશે. ચંદ્રમુખીએ જોયું કે મોટી વહુનું શરીર બેવડા બાંધાનું અને જતન કરી સાચવેલું છે. વર્ણ ખાસો શામળો છે. મોટી તરી આવે એવી આંખો, ગોળાકાર મોઢું, પહેરવામાં કાળી કિનારવાળી સાડી, શરીર પર એક કીમતી ચોળી- આ બધું જોઇને ચંદ્રમુખીને ઘૃણા થઇ. બીજી તરફ મોટી વહુએ જોયું તો ચંદ્રમુખીની ઉંમર થઇ હોવા છતાં તેના શરીર ઉપર રૂપ તો માતું નથી. કદાચ બંને સરખી ઉંમરના હશે, પણ મોટી વહુએ મનમાં મનમાં એ કબૂલ કર્યું નહિ. આ ગામમાં પાર્વતી સિવાય બીજી કોઈનું આવું રૂપ તેણે જોયું નહોતું. આશ્ચર્ય પામી તેણે પૂછ્યું, “તમે કોણ ?” ચંદ્રમુખીએ કહ્યું, “હું આપની જ પ્રજા છું. થોડું મહેસૂલ બાકી છે તે આપવા આવી છું.” મોટી વહુ મનમાં મનમાં ખુશી થઇ બોલ્યાં, “તે અહીંયાં શું કરવા ? કચેરીએ જાઓ ને !” ચંદ્રમુખી મૃદુ હસી બોલી, “મા, અમે દુઃખી માણસ ! બધું મહેસૂલ તો હું આપી શકું એમ નથી. સાંભળ્યું છે કે આપ બહુ દયાળુ છો; એટલે આપની પાસે જ આવી છું, જો દયા કરી થોડું માફ કરો-” આ પ્રકારની વાત મોટી વહુએ જીવનમાં પહેલી જ વાર સાંભળી. તે દયા કરી શકે છે-મહેસૂલ માફ કરી શકે છે ! એટલે જ ચંદ્રમુખી એકદમ તેને ગમી ગઈ. મોટી વહુએ કહ્યું, “તે બહેન, દિવસમાં એવા કેટલા રૂપિયા અમારે જતા કરવા પડે ! કેટલા લોકો આવી આવી અમને પકડે ! હું ના તો કહી શકતી નથી. એને માટે તો એ મારા ઉપર કેટલા ગુસ્સે થાય છે- ઠીક, તમારા કેટલા પૈસા બાકી છે ?” “બહુ નથી, મા, માત્ર બે રૂપિયા ! પણ મારે મન તો એય જાણે પહાડ ! આખો દિવસ આજે ચાલતી ચાલતી આવી છું.” મોટી વહુ બોલ્યાં, “આહા, તમે દુઃખી લોકો ઉપર અમારે દયા તો કરવી જ જોઈએ. ઓ બિંદુ, એમને બહાર લઇ જા, મુનીમને મારું નામ લઇ કહેજે કે આમના બે રૂપિયા માફ કરે. તે બે’ન, તમારું ઘર ક્યાં આવ્યું ?” ચંદ્રમુખી બોલી, “આપના જ રાજમાં-આ અશથઝૂરી ગામમાં. વારુ મા, મિલકત તો બધી બે ભાગે છે ને?” મોટી વહુ બોલ્યાં, “બળ્યું નસીબ ! નાના શેઠ હવે ક્યાં છે ? બે દા’ડા પછી અમારું જ બધું થઇ જશે.” ચંદ્રમુખીએ ખિન્ન થઇ પૂછ્યું, “કેમ, મા ? છોટોબાબુને ખૂબ દેવું થઇ ગયું છે કે શું ?” મોટી વહુ જરા હસી બોલ્યાં, ‘અમારી પાસે જ બધું ગીરવે પડ્યું છે. દિયરજી છેક જ વંઠી ગયા છે. કલકત્તામાં દારૂ વેશ્યામાં પડ્યા રહે છે. કેટલા રૂપિયા ઉડાવી દીધા એનો શું કંઈ હિસાબ છે ?” ચંદ્રમુખીનું મોં સુકાઈ ગયું. જરાક અટકી જઈ પૂછ્યું, “હાં, મા; તો શું છોટોબાબુ ઘેર જ આવતા નથી ?” મોટી વહુ બોલ્યાં, “આવતાં કેમ નથી ? પૈસાની જરૂર પડે છે ત્યારે આવે છે. ઉછીના લે; મિલકત ગીરવી મૂકે ને ચાલ્યા જાય, બે મહિનામાં તો બાર હજાર રૂપિયા લઇ ગયા છે . બચે એમ લાગતું નથી, શરીર આખુ ગંદા રોગથી ભરાઈ ઊઠ્યું છે. છી ! છી !-” ચંદ્રમુખી કંપી ઊઠી, ઉદાસ ચહેરે એણે પૂછ્યું, “કલકત્તામાં એ ક્યાં રહે છે ?” મોટી વહુએ કપાળ ફૂટી હસતે ચહેરે કહ્યું, “બળી દશા ! કોઈ જ કશું જાણતું નથી ! ક્યાંક કોઈ હોટલમાં ખાય છે.......જેને તેને ઘેર પડ્યા રહે છે- એક એ જાણે ને બીજા જમડા જાણે.” ચંદ્રમુખીએ તેને અટકાવી કહ્યું, “રહેવા દો, મા, હું જાતે જ કચેરીએ જઈશ.” બોલીને ધીમે ધીમે તે ચાલી ગઈ. ઘર બહાર જઈ જોયું તો ભૈરવ રાહ જોઈ રહ્યો છે- બળદગાડી તૈયાર છે. તે જ રાતે ચંદ્રમુખી ઘેર પાછી આવી. સવારે ફરીથી ભૈરવને બોલાવી કહ્યું, “ભૈરવ, આજે હું કલકત્તે જઈશ. તું તો આવી શકીશ નહિ, એટલે તારા છોકરાને સાથે લઇ જઈશ. લઇ જાઉં ને ? કેમ શું કહે છે ?” ભૈરવે કહ્યું, “તમારી મરજી. પણ કલકત્તા કેમ, મા ? ખાસ કંઈ કામ છે, મા ?” ચંદ્રમુખી બોલી, “હા, ભૈરવ ખાસ કામ છે.” ભૈરવે પૂછ્યું, “પાછાં ક્યારે આવશો, મા ?” “એ તો કહી શકતી નથી, ભૈરવ, બનતા લગી વહેલી પાછી આવીશ, કદાચ વાર પણ લાગે. અને જો, ના આવું તો આ બધું ઘરબાર તને સોપ્યું.” પહેલાં તો ભૈરવ અવાક્ થઇ ગયો. ત્યાર બાદ તેની બંને આંખો પાણીથી છલકાઈ ગઈ; તેણે કહ્યું, “એ શુ બોલ્યાં, મા ? તમે નહિ આવો તો આ ગામના લોક કોઈ જીવશે નહિ.” ચંદ્રમુખીએ આંસુભરી આંખે મૃદુ હાસ્ય કરી કહ્યું, “એ શું, ભૈરવ ?હું તો બે વરસ થયાં અહીં આવી છું. તે પહેલાં શું તમે જીવતા નહોતા ?” આનો જવાબ મૂર્ખ ભૈરવ આપી શક્યો નહિ, પરંતુ ચંદ્રમુખી અંતરમાં બધું સમજી ગઈ. ભૈરવનો છોકરો કેવલો એકલો તેની સાથે જવાનો છે. ગાડીમાં જરૂરજોગી વસ્તુઓ તથા સામાન ચડાવવાનો વખત થયો ત્યારે ગામનાં સ્ત્રી-પુરુષો બધાં જ જોવા આવ્યાં; જોઇને રડવા લાગ્યાં. ચંદ્રમુખીની પોતાની આંખમાં પણ આંસુ સમાતાં નહોતાં. જહાન્નમમાં ગયું કલકત્તા ! દેવદાસને માટે ન હોત, તો કલકત્તાના મહારાણીપદ ખાતર પણ ચંદ્રમુખી આટલા પ્રેમને હડસેલી જઈ શકત નહિ.


*

બીજે દિવસે ચંદ્રમુખી ક્ષેત્રમણિને ઘેર આવી પહોંચી. તેના આગલા મકાનમાં અત્યારે બીજા લોકો આવી વસ્યા છે. ક્ષેત્રમણિ અવાક્ થઇ ગઈ, “દીદી કે ? ક્યાં હતાં આટલા દિવસ?” ચંદ્રમુખીએ સાચી વાત છુપાવી કહ્યું, “અલ્હાબાદમાં હતી.” ક્ષેત્રમણિએ સારી પેઠે મીટ માંડીને તેનું આખું શરીર જોઈ લઇ કહ્યું, “તમારાં ઘરેણાંગાંઠાંનું શું થયું, દીદી ?” ચંદ્રમુખી હસીને ટૂંકમાં બોલી, “બધું છે.” તે જ દિવસે મોદીને મળી તેણે કહ્યું, “દયાલ, કેટલા રૂપિયા નીકળે છે ?” દયાલ મુશ્કેલીમાં પડ્યો, તે બોલ્યો, “તે બહેન આશરે ૬૦-૭૦ રૂપિયા નીકળશે. આજે નહિ, બે દા’ડા પછી આપીશ.” “તમારે આપવા જ નહિ પડે- જો મારું થોડું કામ કરી આપે તો.” “શું કામ ?” “તમારે બે દા’ડા બગાડવા પડશે એટલું ! અમારા લત્તામાં એક ઘર ભાડે લઇ આપશો ? સમજ્યા ?” દયાલ હસીને બોલ્યો, “સમજ્યો, બહેન.” “સરસ ઘર ! ફક્કડ બિછાનું, ઓશીકું, ચાદર, બત્તી, છબીઓ, બે ખુરશી, એક ટેબલ-સમજ્યા ?” દયાલે માથું ધુણાવ્યું. “આરસી, કાંસકી, રંગેલા બે જોડ લૂગડાં, ચોળી,-અને સરસ ગિલેટનાં ઘરેણાં-ક્યાં મળે છે જાણો છો ?” દયાલ મોદીએ ઠેકાણું કહ્યું. ચંદ્રમુખીએ કહ્યું, “તો તેનો પણ એક સેટ સારો જોઈ ખરીદવાનો છે- હું સાથે આવી પસંદ કરી લઈશ.” ત્યાર બાદ હસીને એ બોલી, ‘અમારે શું શું જોઈએ, તમે તો બધું જાણો જ છો- એક દાસી પણ શોધી કાઢવી પડશે.” દયાલે કહ્યું, “ક્યારે જોઈએ છે, બહેન ?” “બને એટલી તાકીદે. બે ત્રણ દિવસમાં જ થઇ જાય તો સારું !” બોલીને ચંદ્રમુખીએ તેના હાથમાં એકસો રૂપિયાની નોટ આપીને કહ્યું, “વસ્તુ સારી જોઈ ખરીદજો, સસ્તી જોતા નહિ.”


*

ત્રીજે દિવસે તે નવે ઘેર ચાલી ગઈ. આખો દિવસ કેવલરામની મદદથી મનમાનતું ઘર શણગાર્યું અને સંધ્યા પહેલાં પોતાની જાતને શણગારવા બેઠી. સાબુ વડે મોં ધોઈ પાવડર લગાડ્યો. અળતો ઓગાળી પગે લગાડ્યો. પણ ખાઈ હોઠ લાલ કર્યા. ત્યાર બાદ સર્વાંગે ઘરેણાં પહેરી, ચોળી પહેરી, રંગેલું લૂગડું પહેર્યું. બહુ દિવસે અંબોડો બાંધી, ચાંલ્લો કર્યો. અરીસામાં જોયું. મનમાં હસીને બોલી, “બળ્યા નસીબમાં બીજુંય વળી શું હશે !” ગામડા ગામનો છોકરો કેવળરામ એકાએક આ નવીન સાજસજ્જા, ઠાઠ શણગાર જોઈ ગભરાઈ જઈ બોલ્યો, “દીદી, આ શું ?” ચંદ્રમુખીએ હસીને કહ્યું, “કેવળ ! આજે મારો વર આવવાનો છે.” કેવળરામ વિસ્મયથી જોઈ રહ્યો. સાંજ પછી ક્ષેત્રમણિ મળવા આવી, “દીદી ! આ વળી શું ?” ચંદ્રમુખી મોં મલકાવી બોલી, “આ બધાંની હવે પાછી જરૂર પડી તો !” ક્ષેત્રમણિ થોડી વાર જોઈ રહી, બોલી, “દીદીને જેમ જેમ વરસ વધતાં જાય છે, તેમ તેમ રૂપ વધતું જાય છે !”


*

તે ચાલી ગઈ. ચંદ્રમુખી બહુ દિવસે, પહેલાંની માફક વળી પાછી બારીએ જઈ ટગર ટગર દ્રષ્ટિએ રસ્તા ભણી જોઈ રહી. એ જ તેનું કામ, તે એમ કરતી આવી છે-જેટલા દિવસ અહીં રહેશે ત્યાં સુધી એ જ કરશે. નવા માણસો ક્વચિત્ આવવા ઈચ્છા કરે છે; બારણાં ઠોકે છે; કેવળરામ પોપટની જેમ અંદરથી કહે છે, “અહીં નહિ.” જૂની ઓળખાણવાળો કોઈ આવી ચડે છે. ચંદ્રમુખી એને બેસાડી હસીને વાતો કરે છે. વાત વાતમાં દેવદાસની વાત પૂછી લે છે; તેઓ કોઈ કહી શકતા નથી- તરત જ એમને વિદાય આપે છે. મોડી રાત થયે જાતે બહાર નીકળે છે. મહોલ્લે મહોલ્લે, બારણે બારણે ફરતી ફરે છે. કોઈ ન જાણે તેમ બારણે બારણે કાન માંડીને વાતચીત સાંભળવા ઈચ્છે છે- વિવિધ લોકો વિવિધ વાતો કરે છે, પણ જે સાંભળવી છે, તે તો સાંભળવા મળતી નથી. કોઈ વળી મોં ઢાંકીને એકદમ તેની સામે આવી ઊભું રહે છે-સ્પર્શ કરવા માટે હાથ લંબાવે છે-ગભરાટમાં ને ગભરાટમાં ચંદ્રમુખી સરી જાય છે. બપોરને વખતે પુરાણી પરિચિત સખીઓને ત્યાં ફરવા જાય છે. વાત વાતમાં પૂછે છે, “કોઈ દેવદાસને ઓળખો છો ?” તેઓ પૂછે છે, “દેવદાસ કોણ ?” ચંદ્રમુખી ઉત્સાહિત થઈને ઓળખાણ આપવા બેસે છે, “ગૌરવર્ણ, માથે વાંકડિયાં જુલફાં, કપાળની ડાબી બાજુએ એક ઘાનો ડાઘ; મોટું માણસ-લખલૂટ ધન ખરચી નાખે, કોઈ ઓળખતાં નથી ?” કોઈ જ પત્તો લગાડી આપતું નથી, હતાશ, ખિન્ન ચહેરે ચંદ્રમુખી ઘેર પછી જતી. મોડી રાત સુધી જાગીને રસ્તા ભણી જોઈ બેસી રહેતી. ઊંઘ આવે તો ચિડાઈ જતી; મનમાં મનમાં કહેતી. “આ તે શું તારો ઊંઘવાનો વખત છે ?” ધીમે ધીમે એક મહિનો ચાલ્યો ગયો. કેવળરામ કંટાળી ગયો. ચંદ્રમુખીને પોતાને પણ સંદેહ આવવા લાગ્યો કે દેવદાસ અહીં નથી, તોપણ આશા રાખી, ઈશ્વરને ચરણે તનમન અર્પી, પ્રાથના કરતી, એ દિવસ ઉપર દિવસ વિતાવવા લાગી.

*

કલકત્તા આવ્યે દોઢ મહિનો થઇ ગયો છે. આજે રાતે તેનું નસીબ ઉઘડ્યું, રાતના અગિયારનો સમય છે, હતાશ ચિત્તે એ ઘેર પાછી આવતી હતી; જોયું તો, રસ્તાની બાજુએ એક બારણા આગળ એક માણસ પોતાની જાતે જાતે કશુંક બોલતો હતો. ચંદ્રમુખીનું હૈયું ધડકી ઉઠ્યું. એ અવાજ પરિચિત હતો ! કરોડ માણસની વચમાં પણ ચંદ્રમુખી એ અવાજ પારખી કાઢતી. જગા અંધારી હતી, તેમાં વળી એ માણસ અત્યંત દારૂના કેફમાં ઊબડો પડ્યો હતો. ચંદ્રમુખીએ પાસે જઈ એના શરીર પર હાથ મૂક્યો, “તમે કોણ છો રે ?આમ કેમ પડ્યા છો ?” પેલા માણસે રાગડો તાણી કહ્યું, “ સાંભળ, સજની ! દિલનો દિલાવર ક્યાં ? જો મળે કાનુ જેવો સ્વામી-” ચંદ્રમુખીને હવે શક રહ્યો નહિ. તે બોલી, “દેવદાસ !” દેવદાસ પહેલાંના જ ભાવ સાથે બોલ્યો, “હં.” ‘અહીં કેમ પડ્યા છો ? ઘેર જવું છે ને ?” “ના, મઝામાં છું.” “જરી દારૂ પીશો ?” “પીવો છે.” બોલી એકદમ ચંદ્રમુખીને ગળે વળગી પડ્યો, ને બોલ્યો, “આવું વહાલું કોણ છે તું ?” ચંદ્રમુખીની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. તે જ ઘડીએ દેવદાસ મહામહેનતે લચકાતો લચકાતો, તેનું ગળું પકડી રાખી ગમે તે રીતે ઊઠી ઊભો થયો. થોડીવાર ચંદ્રમુખીના મોં સામું જોઈ રહી તે બોલ્યો, “વાહ ! આ તો ફક્કડ ચીજ છે !” ચંદ્રમુખીના રુદનમાં હાસ્ય ભળ્યું, તેણે કહ્યું, “હા, બહુ ફક્કડ; હવે મારા ખભા પર ટેકો દઈ આગળ ચાલો. એકાદ ગાડી જોઇશે ને !” “તે જોઇશે સ્તો !” રસ્તે ચાલતાં ચાલતાં દેવદાસે ચોંટી ગયેલા અવાજે કહ્યું, “સુંદરી ! મને તું ઓળખે છે ?” ચંદ્રમુખીએ કહ્યું, “ઓળખું છું.” દેવદાસે લલકારવા માંડ્યું, “અન્ય લોકે ભુયા દેય, ભાગ્યે આમિ ચિનિ”*(બીજા છેતરે છે, એ તો સારું છે કે હું ઓળખું છું.) ત્યાર બાદ ગાડીમાં બેસી, ચંદ્રમુખીને ખભે ટેકો દઈ ઘેર આવ્યો. બારણા પાસે ઊભા રહી, ખીસામાં હાથ નાખી તેણે કહ્યું, “સુંદરી ! મને ઉપાડી તો લાવી, પણ ખીસામાં તો કશું નથી !” ચંદ્રમુખીએ ચુપચાપ તેનો હાથ ઝાલી ખેંચી, લઇ જઈને એને એકદમ પથારીમાં સુવાડી દઈ કહ્યું, “ઊંઘી જાઓ.” દેવદાસે એવા ને એવા ચોંટેલા અવાજે કહ્યું, “કંઈ સ્વાર્થ તો નથી ને ?આ કહ્યુંને કે ખીંસા ખાલી છે-કશી આશા રાખતી નહિ ! સમજીને, સુંદરી ?” સુંદરી તે સમજી ગઈ હતી; તેણે કહ્યું, “કાલે આપજો.” દેવદાસે કહ્યું, “આટલો બધો ભરોસો રાખવો સારો નહિ. શું જોઈએ છે, ખુલ્લેખુલ્લું કહી દે, જોઉં ?” ચંદ્રમુખીએ કહ્યું, “કાલે કહીશ.” કહીને એ પાસેની ઓરડીમાં ચાલી ગઈ. દેવદાસની ઊંઘ ઊડી ગઈ ત્યારે દહાડો ચડી ગયો હતો. ઓરડીમાં કોઈ નહોતું. ચંદ્રમુખી સ્નાન કરી નીચે સંધ્યાની જોગવાઈ કરવા ગઈ હતી. દેવદાસે જોયું કે આ ઘર નવું છે. અહીં એ કદી આવ્યો નથી. ઘરની એક ચીજ પણ એ ઓળખી શક્યો નહિ. તેને આગલી રાતની કશી વાત જ યાદ આવી નહિ; માત્ર યાદ આવી- કોઈ એક જણની આંતરિક સેવા. કોઈએ જાણે ખૂબ સ્નેહપૂર્વક ખેંચી લાવીને તેને ઊંઘાડી દીધો હતો. એ જ વખતે ચંદ્રમુખી ઓરડીમાં આવી. રાતનો સાજશણગાર એણે બધો બદલી નાખ્યો હતો. શરીર પર ઘરેણાં હતાં. એ ખરું, પણ રંગીન સાડી, કપાળમાં ચાંદલો, મોઢે પાનના ડાઘ- એ કશું નહોતું. એક સફેદ સાદું વસ્ત્ર પહેરી એ દાખલ થઇ. દેવદાસ તેના મોઢા તરફ જોઈ બોલી ઊઠ્યો, “કાલે ક્યાંથી મને ધાડ પાડી ઉઠાવી લાવી ?” ચંદ્રમુખી બોલી, “ધાડ પાડી નથી લાવી- રસ્તામાંથી માત્ર ઉપાડી લાવી છું.” દેવદાસ એકદમ ગંભીર થઇ બોલ્યો, “એ તો તું જાણે પત્યું; પણ તારે આ બધું પાછું શું ? ક્યારે આવી ? શરીર ઉપર તો કંઈ ઘરેણાં માતાં નથી ! કોણે આપ્યા ?” ચંદ્રમુખી દેવદાસના મોં તરફ તીવ્ર દ્રષ્ટિ નાખી બોલી, “ફરી પાછું.” દેવદાસે હસીને કહ્યું, “ના, ના, એમ નહિ; જરા મશ્કરી પણ ન થાય ?આવી ક્યારે !” ચંદ્રમુખીએ કહ્યું, “દોઢ માસ થયો !” દેવદાસે મનમાં મનમાં હિસાબ કર્યો, પછી કહ્યું, “તું મારે ઘેર ગઈ હતી પછી તરત જ અહીં આવી ?” ચંદ્રમુખીએ નવાઈ પામી કહ્યું, “તમારે ત્યાં ગઈ હતી- શી રીતે જાણ્યું ?” દેવદાસે કહ્યું, “તું ગઈ પછી તરત હું ઘેર ગયો હતો. એક દાસી જે તેને મોટી વહુ પાસે લઇ ગઈ હતી, તેને મોઢે જ સાંભળ્યું હતું કે કાલે અશથઝૂરી ગામથી એક બાઈ આવી હતી; ખૂબ સુંદરી ! પછી શું સમજાયા વિના રહે ? પણ આટલાં ઘરેણાં પાછાં ઘડાવ્યાં શું કરવા ?’ ચંદ્રમુખી બોલી, “ઘડાવ્યાં નથી, એ તો બધાં ગિલેટનાં છે. કલકત્તા આવી ખરીદ્યાં. તોય જુઓ તો ખરા, તમારા માટે કેટલું ખરચ કરવું પડ્યું ? અને છતાં કાલે તમે મને ઓળખી પણ શક્યા નહિ !” દેવદાસ હસી પડ્યો; બોલ્યો, “એકદમ તને ઓળખી શક્યો નહિ, પણ તારી સ્નેહશુશ્રૂષા તો જાણી ગયો હતો. અનેક વાર થતું. મારી ચંદ્રમુખી સિવાય આટલી સ્નેહશુશ્રૂષા બીજું કોણ કરે ?” ચંદ્રમુખીને આનંદાશ્રુ આવ્યાં. થોડીવાર મૂંગી બેસી રહી તે બોલી, “દેવદાસ, મને પહેલાં જેટલી ઘૃણા કરતા નથી ને ?” દેવદાસ જવાબ આપ્યો. “ના, ઊલટો ચાહું છું.” બપોરે સ્નાન કરવાને સમયે ચંદ્રમુખીએ જોયું કે દેવદાસના પેટ ઉપર એક પાટો બાંધેલો હતો. તે ભય પામી બોલી, “આ શું ? “પાટો શાનો બાંધ્યો છે ?” દેવદાસ બોલ્યો, “એ તો પેટમાં જરા દરદ થતું હતું; એમાં તું આમ શું કરે છે ?” ચંદ્રમુખી કપાળે હાથ પછાડી બોલી, “સત્યાનાશ તો વળી ગયું નથી ને ? લિવરમાં તો દરદ થતું નથી ને ?” દેવદાસે હસીને કહ્યું, “ચંદ્રમુખી, લાગે છે કે એવું જ કંઇક થયું છે.” એ જ દિવસે ડાકટર આવ્યા- બહુ વાર લગી ચિકિત્સા કરી બરાબર એ જ શંકા કરી ગયા. દવા આપી અને જણાવી દીધું કે પૂરતી સાવધાની નહિ રાખે તો ભયંકર અનિષ્ટ આવી પડશે. એનો અર્થ બંને જણાં સમજી ગયાં. ઘેર ખબર મોકલાવી ધર્મદાસને તેડાવ્યો. દવાદારૂ માટે બેંકમાંથી પૈસા લાવવા પડ્યા. બે દા’ડા એમ ને એમ ગયા, પણ ત્રીજા દિવસે તાવે દેખા દીધી. દેવદાસે ચંદ્રમુખીને બોલાવી કહ્યું, “તું બરાબર વખતસર આવી પહોંચી, નહિ તો કદાચ ફરી મેળાપ થાત જ નહિ.” આંખો લૂછી ચંદ્રમુખી તનતોડ સેવા કરવા લાગી. બે હાથ જોડી તેણે પ્રાર્થના કરી, “ભગવાન ! દુઃખને વખતે હું આટલી એમના કામમાં આવીશ એવી આશા સ્વપ્નેય રાખી નહોતી. પણ દેવદાસને સાજા કરી દો.” લગભગ મહિનાથી વધારે દેવદાસ પથારીવશ રહ્યો; ત્યાર બાદ ધીમે ધીમે સાજો થવા લાગ્યો; રોગ છેક ભયંકર થવા પામ્યો નહોતો. એવામાં એક દિવસ દેવદાસે કહ્યું, “ચંદ્રમુખી, તારું નામ બહુ મોટું છે. આખો દા’ડો બોલાવતાં ફાવતું નથી- જરા નાનું હોય તો સારું.” ચંદ્રમુખી બોલી, “ભલે તો નાનું કરી દો.” દેવદાસે કહ્યું, “તો આજથી તને ‘વહુ’ કહી બોલાવીશ.” ચંદ્રમુખી હસી પડી બોલી, “તે ભલે બોલાવજો, પણ એનો કશો અર્થ ? “બધા શબ્દોનો શું અર્થ હોય છે ?” “જો એમ ગમતું હોય તો એમ બોલાવજો, પણ એવી ઈચ્છા ક્યાંથી થઇ એ નહિ કહો ?” “ના; તારે કારણ કદી પૂછવાનું પણ નથી.” ચંદ્રમુખી માથું ધુણાવી બોલી, “ભલે, એમ રાખો.” દેવદાસ બહુ વખત મૂંગો રહ્યો. એકાએક ગંભીર ભાવે પૂછી બેઠો, “વારુ, વહુ, તું મારે શું સગી થાય છે કે તનતોડ મારી સેવા કરે છે ?” ચંદ્રમુખી શરમાળ નવવધૂ પણ નહોતી; અવાક્પટુ બાલિકા પણ નહોતી, તેના મુખ તરફ સ્થિર, શાંત દ્રષ્ટિ રાખી સ્નેહભર્યા અવાજે બોલી, “તમે મારું સર્વસ્વ છો- એ શું હજીય તમે સમજયા નહિ ?” દેવદાસ ભીંત ભણી જોઈ રહ્યો હતો, એમ ને એમ નજર રાખી તે ધીરે ધીરે બોલવા લાગ્યો, “સમજ્યો છું, પણ એટલો આનંદ થતો નથી. પાર્વતીને કેટલો ચાહું છું, એ મારા પર કેટલો પ્રેમ રાખે છે !પણ તોય કેટલું દુઃખ ! ખૂબ દુઃખ પામી વિચાર્યું હતું કે, ફરી કદી પણ જાળમાં પગ મૂકીશ નહિ; જાણીબૂજીને મૂક્યો પણ નથી. પણ તે આમ શે કર્યું ? બેળે બેળે મને શું કરવા બાંધ્યો ?” બોલી પાછો થોડીવાર મૂંગો રહ્યો, પછી કહે, “વહુ તું પણ પાર્વતીની માફક દુઃખ પામીશ.” ચંદ્રમુખી મોઢે લૂગડાનો છેડો દાબી રાખી પથારીને એક છેડે નિઃશબ્દ બેસી રહી. દેવદાસ ફરી મૃદુ કંઠે બોલવા લાગ્યો. “તમારા બે જણમાં કેટલો બધો ફેર છે, ને પાછો કેટલો મેળ છે ! એક જન ગર્વિતા, ઉદ્ધત !-બીજી કેટલી શાંત, કેટલી સંયમી; એનાથી કશું સહન થતું નથી અને તું કેટલું સહન કરે છે ! તેને કેટલો યશ, કેટલી કીર્તિ અને તારે કેટલું કલંક ! બધા જ એના પર કેવો પ્રેમ રાખે છે, અને તને કોઈ ચાહતું નથી, તોપણ હું ચાહું છું, ચાહું જ છું.” બોલી એક દીર્ધ નિઃશ્વાસ નાખી ફરી એ કહેવા લાગ્યો, “પાપ-પુણ્યનો ન્યાયાધીશ તને શો ન્યાય આપશે એ હું જાણતો નથી ! પણ, મૃત્યુ પછી જો ફરી મિલન થાય તો તારાથી અળગો હું કદી રહી શકીશ નહિ.” ચંદ્રમુખીએ ચુપચાપ રડી હૃદય વહેવરાવી દીધું, એ મનમાં પ્રાર્થના કરવા લાગી, “ભગવાન ! કોઈ પણ વખતે, કોઈ પણ જન્મમાં, જો આ પાપિષ્ઠાનું પ્રાયશ્ચિત થાય તો મને આ બદલો આપજો !” *

બે મહિના વીતી ગયા છે. દેવદાસ સાજો થયો છે, પણ શરીર હજુ ઠેકાણે આવ્યું નથી. હવાફેર કરવા જવાની જરૂર છે. કાલે પશ્ચિમ તરફ ઉપડવાનો છે. સાથે માત્ર ધર્મદાસ જવાનો છે. ચંદ્રમુખીએ હઠ લીધી હતી, “તમારે એક દાસીની પણ જરૂર તો પડશે, મને સાથે આવવા દો.” દેવદાસે કહ્યું, “છી ! એ તે શું બને ? બીજું ગમે તે કરું, પણ હું આટલો બધો નિર્લજ્જ શી રીતે થઇ શકું ?” ચંદ્રમુખી એકદમ ચૂપ થઇ ગઈ, એ અણસમજુ નહોતી, એટલે સહેજમાં સમજી ગઈ. બીજું ગમે તે હોય, પણ આ જગતમાં એને માટે સન્માન નથી તેના સંસર્ગથી દેવદાસને સુખ મળશે, સેવા મળશે, પરંતુ કદી સન્માન મળશે નહિ ! આંખો લૂછી તેણે કહ્યું, “હવે ક્યારે મેળાપ થશે ?” દેવદાસે કહ્યું, “કહી શકતો નથી; તોપણ જીવતો હોઈશ તો તને કોઈ દિવસ ભૂલીશ નહિ; તને જોવાની તૃષ્ણા મારી કદી પણ મટશે નહિ !” પ્રણામ કરી ચંદ્રમુખી આઘી ખસી ઊભી રહી. એ ચુપચાપ બોલી, “મારે આટલું જ બહુ છે ! મેં એથી વધારે આશા પણ કરી નહોતી.” જતી વખતે દેવદાસે બીજા બે હજાર રૂપિયા ચંદ્રમુખીના હાથમાં આપી કહ્યું, “રાખી મૂક. માણસના દેહનો તો કંઈ ભરોસો નથી, આખરે તું શું નિરાધાર થઇ ભટકશે ?” ચંદ્રમુખી આ પણ સમજી, એટલે હાથ લંબાવી એણે પૈસા લઇ લીધા, પછી આંખો લૂછી નાખી પૂછ્યું, “તમે એક વાત મને કહેતા જાઓ-” દેવદાસ એના મુખ તરફ જોઈ બોલ્યો, “શી ?” ચંદ્રમુખીએ કહ્યું, “મોટાં વહુ કહેતાં હતાં, તમારે શરીરે ખરાબ રોગ પેદા થયો છે-એ શું સાચું ?” પ્રશ્ન સાંભળી દેવદાસ દુઃખી થયો; બોલ્યો, “મોટાં વહુ ન કહે તે ઓછું, પણ એના કીધા વિનાય તું શું નથી જાણતી ? મારી કઈ વાત તું નથી જાણતી ? આ વાતમાં તો તું પાર્વતી કરતાં પણ ચડી જાય છે.” ચંદ્રમુખીએ ફરી એક વાર આંખો લૂછી કહ્યું, “હાશ ! પણ એમ છતાંય તમે ખૂબ સાવધાન રહેજો. એક તો તમારું શરીર ખરાબ છે, એમાં વળી જોજો, કોઈ દિવસ ભૂલ કરી બેસતા નહિ !” જવાબમાં દેવદાસ માત્ર હસ્યો. કંઈ બોલ્યો નહિ. ચંદ્રમુખીએ કહ્યું, “બીજી એક વાત માગી લઉં- શરીર જરાક અમથુંય ખરાબ થાય તો મને ખબર આપશોને, કહો ?” દેવદાસ તેના મુખ તરફ જોઈ માથું ધુણાવી બોલ્યો, “નહિ કેમ આપું, વહુ ?” ફરી એક વાર પ્રણામ કરી ચંદ્રમુખી રડતી રડતી બીજી ઓરડીમાં ચાલી ગઈ.