ધનવંત પ્રીતમરાય ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા ધનવંત પ્રીતમરાય (ર૩-૯-૧૯૧૨): ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બીએસ.સી. થોડો વખત સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય. ગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવન અને તેમની જીવનભાવનાનો સંક્ષિપ્ત પરિચય આપતી, આશરે સોએક જેટલી, બાળકો અને કિશોરોને ઉપયોગી ચરિત્રપુસ્તિકાઓ એમણે પ્રગટ કરી છે. દલપતરામ, નર્મદ, નવલરામ, ફાર્બસ, પ્રિયદર્શી અશોક, અકબર, ભગવાન મહાવીર, કબીર, નાનક, ગાંધીજી, કાર્લ માર્ક્સ, આઇન્સ્ટાઇન આદિ મહાપુરુષોનાં ચરિત્રો પર આ પુસ્તિકાઓ છે. ‘મારા વિના નહીં ચાલે’ (૧૯૩૬) તથા ‘કલંકશોભા' (૧૯૪૭) એમની સામાજિક નવલકથાઓ છે. ‘સિંહાવલોકન’ (૧૯૭૨) એ સાઠ વર્ષ સુધીનું પોતાનું આયુષ્ય આવરી લેતું એમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. ‘શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર' (૧૯૩૪), ‘ગુલામીની શૃંખલા’ (૧૯૩૯), ‘ચીનનો નવો અવતાર' (૧૯૪૨) વગેરે સામ્યવાદી વિચારણાનો પરિચય આપતી પુસ્તિકાઓ છે. ‘સમાનતાનો રાહ’ (૧૯૩૪), ‘સમાજવાદી સિદ્ધાંત અને સંસ્કાર’ એમના અનુવાદગ્રંથો છે. ‘ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા: ભા. ૬' એ ગ્રંથનું એમણે સંપાદન કર્યું છે.