ધરતીનું ધાવણ/12.કંઠસ્થ ઋતુગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


12.કંઠસ્થ ઋતુગીતો

[‘ઋતુગીતો’નો પ્રવેશક : 1929] ઋતુકાવ્યની પ્રાચીનતા ઋતુ-સૌંદર્યનું દર્શન અને તેમાંથી થતું ઋતુ-ગાનનું સર્જન, એ આપણા દેશમાં આજકાલની વાત નથી, વેદકાલ જેટલી જૂની છે. વેદનું તો સારુંયે સાહિત્ય પ્રકૃતિનાં ગુણગાનથી છવાયું છે. એમાં ઋતુઓની રમ્યતા ઠેરઠેર અંકિત થઈ છે અને ઋતુઓનો સીધો ઉલ્લેખ અથર્વવેદ કા.-12, સૂ. 1ની અંદર આ રીતે થયો છે : હે ભૂમિ! તારી ઋતુઓ, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, વિહિત વર્ષો અને અહોરાત્રિ, હે પૃથ્વી! અમને દૂઝો. [પૃથ્વી સૂક્ત : શ્લોક 36] વેદમાં ‘પર્જન્ય’ અર્થાત્ જળદેવતાનું જે આવાહન છે, તે પણ ‘હીરોઈક ઍન્ડ ડીવોશનલ એલીમેન્ટ’ (શૌર્ય અને ભક્તિના તત્ત્વ)થી ભરપૂર છે. વર્ષાઋતુના મેઘને નિહાળી ઋષિઓએ બુલંદ સ્વરે સરિતાતટો ને વનજંગલો ગજાવ્યાં કે રથીની જેમ ચાબુક વડે અશ્વોને મારતો વર્ષ્ય દૂતોને પ્રગટ કરે છે : દૂરથી સિંહની ગર્જના ઊંચી ચડે છે — જ્યારે પર્જન્ય આકાશને વરસાદવાળું કરે છે.

પવનો વાય છે, વીજળીઓ પડે છે, ઔષધિઓ ઊંચી જાય છે, આકાશ પુષ્ટ થાય છે, સમગ્ર ભુવનને માટે અન્ન પેદા થાય છે, — જ્યારે પર્જન્ય વીર્યથી પૃથ્વીનું રક્ષણ કરે છે. [ઋગ્વેદ મં.પ : સૂ. 83] એ વગેરે સૂક્તો વેદકાળનાં લોકોની ઋતુસત્ત્વો પ્રતિની દૃષ્ટિ બતાવે છે. તે પછી સંસ્કૃત સાહિત્યમાં શોધીએ તો કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘ઋતુસંહાર’ તેમ જ ‘રઘુવંશ’ના 9મા સર્ગનું ઋતુવર્ણન : ‘કુમારસંભવ’નો ત્રીજો સર્ગ : માઘના ‘શિશુપાલ-વધ’ કાવ્યમાં રેવતક પહાડ પર કૃષ્ણચંદ્રે પડાવ નાખવાને સમયે એકસામટી છયે ઋતુએ ઊતરીને એમનું સ્વાગત કર્યાનું વર્ણન : ‘કિરાતાર્જુનીય’માં ચોથે સર્ગે શરદ–વર્ણન : એ પ્રમાણે ઋતુ-ગાથાઓ આવે છે. એટલું જ નહિ, પણ મહાકાવ્યમાં તો ઋતુવર્ણન આવવું જ જોઈએ એવું ખાસ લક્ષણ શ્રી દંડીએ ‘કાવ્યાદર્શ’ નામના અલંકારશાસ્ત્રના ગ્રંથમાં [પરિચ્છેદ 1 : શ્લોક 16માં] આપેલ છે. લોકો અને ઋતુરસ લોકજીવનની અંદર ઋતુ-મહિમા અનેક તહેવારો, ઉત્સવો, વ્રતો અને રિવાજોના રૂપમાં ગૂંથાઈ ગયો હતો. ગ્રામ્ય જનોનાં નાનાં નાનાં બાળકો પણ પોષી પૂનમ, મોળાકત આદિ વ્રતો રહીને ઋતુઓ સાથેનો સમાગમ જોડતાં હતાં. મોટી વયના લોકો પણ હોળીના ઉત્સવ દ્વારા વસંતઋતુને, જન્માષ્ટમી દ્વારા વર્ષાને, દિવાળી દ્વારા શરદને અને ખીસર (મકરસંક્રાંતિ) દ્વારા શિશિરને યાદ કરતાં તેમજ ઊજવતા. શરદપૂર્ણિમાની રાતને એટલે કે વર્ષભરની ઉજ્જ્વળમાં ઉજ્જ્વળ રાતને તેઓ કૌમુદીમાં બેસી દૂધપૌંઆ જમી ઊજવતાં, નેવાં પર સાકરની થાળી મૂકી રાતભર એમાં ચંદ્રકિરણોનું અમૃત ઝીલતાં. એ રીતે ઘણા ઘણા લોકતહેવારો ઋતુના પરિવર્તનને અનુરૂપ બનાવી લેવામાં આવતા અને ઋતુરસનું પાન આખો લોકસમૂહ પોતાની એવી જાડી રીતિએ કરતો હતો. એનું ખુદ જીવન જ કાં તો ખેડુજીવન અથવા ગોપજીવન હોવાથી ઋતુઓનો દિનપ્રતિદિનનો પરિચય તો એને પોતાનાં ધાન્ય તેમજ પશુની રક્ષાને કારણે અનિવાર્ય રીતે આવશ્યક હતો. એના લગ્નોત્સવો, ધર્મોત્સવો વગેરે ઘણાખરા ઋતુની અનુકૂલતા પર મુકરર થયા હતા. જીવનમાં ઋતુઓના રંગો ને રસો જ્યાં આટલા ઓતપ્રોત બની વહેતા હોય ત્યાં ઋતુકાવ્યના અંકુરો ફૂટ્યા વિના રહી જ કેમ શકે? થોડુંક ધાર્મિક, થોડુંક સામાજિક અને થોડુંક કેવલ રમતભર્યું એવું પોષી પૂનમનું નાનકડું વ્રત કરતાં કરતાં કોણ જાણે ક્યારથી નાની કન્યા ગુંજવા લાગી હશે કે — પોષ મહિનાની પૂનમે રે અગાસે રાંધ્યા અન્ન, વાલા! જમશે માની દીકરી રે પીરસશે બેનીનો વીર, વાલા! [‘કંકાવટી’] અથવા મે’ ખેંચાતો હોય ત્યારે માથા પર માટીના દેડકાકારો મૂકીને સ્ત્રીઓ ઘરઘરને ઉંબરે ભમી આષાઢ-શ્રાવણના મેહુલાને સંબોધી ઠપકો આપવા લાગે છે કે — આ શી તમારી ટેવ રે હો મેઘરાજા! પેલી વીજળી રિસાઈ જાય છે પેલી બાજરી સુકાઈ જાય છે પેલી જારોનાં મૂલ જાય છે — હો મેઘરાજા! — આ શી [‘કંકાવટી’] ઋતુગીતોના પ્રકારો તે પછી જો આપણે આખું ગ્રામ્ય સાહિત્ય ફંફોસતા જઈએ તો ઋતુઓના રસપાનનાં આટલા પ્રકારનાં જૂજવાં કાવ્યો આપણને જડી આવશે : 1. ગોપજનોને અથવા ખેતરોમાં કામતાં શ્રમજીવીઓને લલકારવાના ઋતુને લગતા દોહા-સોરઠા : એ દોહા-સોરઠા કાં તો છૂટાછવાયા પ્રાસ્તાવિક જ હોય. જેમ કે — અષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘમઘોર, તેજી બાંધ્યા તરુવરે, મધરા બોલે મોર.

મધરા બોલે મોર તે મીઠા
ઘણમૂલાં સાજણ સપનામાં દીઠાં;

કે’ તમાચી સૂમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર

આષાઢ વરસે એલીએ ગાજવીજ ઘમઘોર.

અથવા કોઈ લોકકથા માંહેલા હોય : જેમ કે મેહ-ઊજળીના બારમાસીના દોહા : ફાગણ મહિને ફૂલ, લાગે અત સોહામણાં, (એનાં) મોઘાં કરવાં મૂલ, વળી આવો વેણુધણી! 2. સ્ત્રીઓને ગાવાનાં ગરબા-ગીતો : એમાં પણ કોઈ અમુક એકાદ ઋતુની ઊર્મિને પ્રગટ કરતું છૂટક ગીત હોય, જેવું કે — કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે!

મેહુલો કરે ઘનઘોર,
જોને કળાયલ બોલે છે મોર!
જોને નીમાળેલ બોલે છે મોર!

અથવા તો બારેય માસની ઊર્મિઓને એક જ દોરે પરોવીને ગવાતા ‘મહિના’ હોય : સીતાજીના મહિના, રાધાજીના મહિના તેમ જ સર્વસામાન્ય લાગુ પડતા ‘મહિના’ : જેવા કે — વા’લા! માગશરે મથુરા ભણી રે, મારે કરમે આ કુબજા ક્યાં મળી રે! વાલા! પોષે સુકાણી હું તો શોષમાં રે, તે દિ’ની ફરું છું ઘણા રોષમાં રે. [‘રઢિયાળી રાત’] 3. ચારણી ઋતુગીતો : એટલે કે ચારણ, રાવળ, મોતીસર કે મીર આદિ કોઈપણ યાચક અને આશ્રિત સમુદાયના માણસે ડીંગળી ભાષામાં રચેલાં ઝડઝમકિયાં કાવ્યો. એના પણ જૂજવા પ્રકાર : (ક) રાધા-કાનના બારમાસા. (ખ) મિત્ર અથવા આશ્રયદાતાના મૃત્યુ-વિયોગના મરશિયા. (ગ) કેવળ સભારંજન માટે સીધાં ઋતુ-વર્ણનો. એ તમામનાં દૃષ્ટાંતો આગળ આવશે. વિરહના સૂર સ્ત્રીઓને ગાવાના ‘મહિના’ ઈત્યાદિ ઘણાંખરાં ઋતુગીતોમાં વિયોગ જ ગવાયો છે. મિલનના આનંદ ઓછા જ ઊતર્યા છે. પ્રણય-આમોદનું આવું કોઈ રડ્યુંખડ્યું અને સાદુંસીધું ગીત : જોડે રે’જો રાજ! કિયા રે ભાઈની ગોરી રે હો કેવી વહુ!

જોડે રે’જો રાજ!

જોડે નહીં રહું રાજ! શિયાળાની ટાઢ પડે ને

જોડે નહીં રહું રાજ!

જોડે રે’જો રાજ! ફૂલની પછેડીઓ સાથે રે હો લાડવૈ

જોડે રે’જો રાજ!

ઉનાળાના તાપ પડે ને

જોડે નહિ રહું રાજ!

ફૂલના વીંજણા સાથે રે હો લાડવૈ

જોડે રે’જો રાજ!

ચોમાસાની ઝડીઓ પડે ને

જોડે નહીં રહું રાજ!

મોતીના મોડિયા સાથે રે સો લાડવૈ

જોડે રે’જો રાજ!

[‘રઢિયાળી રાત’] આવું એક જ રડ્યુંખડ્યું ગીત ગુજરાતની ચરોતર બાજુએથી શોધી શકાય છે. અથવા તો — કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે મેહુલો કરે ઘનઘોર!

જોને કળાયલ બોલે છે મોર!
જોને નીમાળેલ બોલે છે મોર!

એવાં વિરલાં ગીતો સિવાયનાં સર્વ ગીતો, પછી તે — ઝીણા ઝરમર વરસે મેઘ, ભીંજે મારી ચૂંદડલી! એવા નંદકુંવરના નેહ, ભીંજે મારી ચૂંદડલી! એવાં શૃંગાર-ગીત હો, અથવા — આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,

ઝીણા ઝરમર વરસે મેહ

ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે! [‘રઢિયાળી રાત’] એવાં કરુણાર્દ્ર આક્રંદો હો; અથવા —

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
મધદરિયે ડુલેરા વા’ણ, મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયાપાર, મોરલી વાગે છે. [‘રઢિયાળી રાત’] એવા ‘ડોલરિયા’ સ્વજનની વાટ-પ્રતીક્ષાના સ્વર હો; અથવા — કુંજડલી રે સંદેશો અમારો જઈ વાલમને કે’જો રે! [‘રઢિયાળી રાત’] એવાં છૂટાંછવાયાં સંદેશ-ગીતો હો; કે પછી લાંબા ‘મહિના’ હો; તે બધાનો રસ વિયોગની વેદનામાંથી નીપજે છે. એ જ રીતે ચારણી ‘બારમાસા’ ગીત-છંદો પણ કાં તો ‘કાન-રાધા’ના નામના વિયોગ ગવરાવે છે, અથવા તો મૂએલા સ્નેહીના નામ પર મરશિયા ઠાલવે છે. એથીયે આગળ ચાલીને સાચા લોકરંગે રંગાયેલા કોઈ આધુનિકોનાં ઋતુગીતો તપાસશું તો ત્યાં પણ વિયોગ જ ગવાયો જણાશે. જેમ કે કવિ ન્હાનાલાલનો — આવ્યો અષાઢ ગાઢ આભલાં છવાયાં, આંસુડે ચીર સૌ ભીંજાયા, સુહાગી દેવ! એવાં શાં આળ રાજ માયા ઉતારી! [‘ન્હાના ન્હાના રાસ’ : 1] એ અષાઢી રાસ : અથવા એમનો — મો’રી મો’રી આંબલિયા કેરી ડાળ રે એ રત આવી ને રાજ! આવજો!

ઊભી ઊભી નીરખું છું વાટ અલબેલ રે! એ રત આવી ને રાજ! આવજો! [‘ન્હાના ન્હાના રાસ’ : 1] એ વસંત-રાસ : આ બન્નેમાં જુદાઈ બોલી રહી છે. કરુણરસનાં કારણો આ કરુણ ભાવ તરફ ઢળવાનાં કારણો બે છે : પ્રથમ તો સૌરાષ્ટ્ર દેશની સાડાત્રણ બાજુએ સાગર વીંટાયો હોવાથી પુષ્કળ વહાણવટાં અને વાણિજ્યનાં સાહસ ખેડવાની પ્રબલ જનપ્રકૃતિ : એ પ્રકૃતિને વશ બની વેપારીઓ અને વહાણવટીઓ હજારોની સંખ્યામાં દરિયાપાર ચાલ્યા જતા અને છેક જંગબાર, જાવા અને ચીન સુધી પહોંચી જઈ કંઈક વર્ષે પાછા વળતા. બીજી મુખ્ય વસ્તી આંહીં માલધારી ગોપજનોની હતી. તેઓ આ સૂકી ભૂમિમાં ચારાપાણીની અછતને કારણે છેક માળવા સુધી વર્ષોવર્ષ વાંઢ્ય લઈ ઊતરી જતા તે મેં પડીને ચરણ ઊગ્યાના સંદેશ મળ્યા પછી જ પાછા ઘર તરફ વળતા. ત્રીજી મોટી લોક-સંખ્યા તે તરવારધારી કાઠી, રજપૂતો વગેરે લડાયક વર્ણોની હોઈ તેઓનું પણ લશ્કરી ચાકરીએ ઘણી વાર છેક દિલ્હી સુધી, ઓરેરું અમદાવાદ સુધી અથવા કચ્છ સિંધ તરફ ધાડાં-ધિંગાણાંને કારણે ચાલ્યા જવું થતું. એ પુરુષવર્ગના પરદેશાટનના કાળમાં સ્ત્રીઓ ઘેરે એકલ જીવન ગાળતી અને ભરથારોના વિજોગની આપદા અનુભવી અનુભવી પોતાની રાત્રિદિવસની ચિંતાઓને કવિતામાં વહાવતી અથવા કોઈ અન્ય કવિને એ રચનાનો વિષય પૂરો પાડતી. આખું વાતાવરણ આ પતિ-પત્નીની અચોક્કસ જુદાઈના અનેક અવ્યક્ત ને પ્રબલ ભાવોથી છવાઈ જતું. વણજારા પોઠો લઈને ઊપડતા, સોદાગરો ઘોડાં હાંકી નીકળી પડતા અને નવપરિણીત વધૂઓ પણ ગઈ દિવાળીએ આણું વળી પિયર જતી તે છેક સામી દિવાળીએ પતિનો સંયોગ પામી શકતી. દેશાટને, ધિંગાણે અને ચાકરીએ વિચરનારા પુરુષોના તો જીવતા પાછા વળવાની પણ ખાતરી નહોતી. એટલે એક બાજુ આ કરુણ મનોદશા તૈયાર હતી, ને બીજી બાજુ ઋતુએ ઋતુની રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શ્રવણવાળી પંચવિધ ખિલાવટ એટલી સબલ, સુંદર, મીઠી અને સુખાવહ થતી હતી કે એ સુખમાં ભાગ ન લઈ શકનાર જીવન-સાથી વધુ તીવ્રપણે સાંભરી આવતો. આ સ્થાનિક વાતાવરણને અનુકૂલ બની જાય તેવું કાવ્ય-કલેવર પણ તૈયાર હતું — ને તે હતું રાધાકૃષ્ણની વિરહવેદના વહતું ‘બારમાસી’નું ગાન. એ ગીતો રચવા ગાવાની તો રૂઢિ જ ચાલતી આવતી હતી અને ‘રાધાજીના મહિના’નો રૂઢિપ્રચાર આખા ભરતખંડમાં થયેલો હતો. એ રૂઢિને વશ બની જૈન સાધુકવિઓએ ‘નેમી-રાજુલ’ નામનાં પોતાનાં પુરાણનાં બે પાત્રોનો વિચ્છેદ પણ ‘મહિના’ના રૂપમાં રચ્યો, સીતાજીના પણ મહિના રચાયા, અને પછી તો સામાન્ય વર્ગની ઊર્મિઓ વહેવા માટે પણ એ જ ખોળિયું બંધબેસતું બની ગયું. વર્ષાઋતુનું પ્રાધાન્ય છયે ઋતુમાં વધુ તીવ્રતા પ્રગટાવી છે વરસાદની ઋતુએ : શું દોહામાં, શું છૂટાંછવાયાં ગરબા-ગીતોમાં, શું બાલ-જોડકણાંમાં કે શું ચારણી કાવ્યોમાં, ચોમાસાના સંબોધનસૂર સવિશેષ વેધક છે. દોહાના ક્ષેત્રમાં જોઈશું તો ઉનાળા-શિયાળાના ઉલ્લેખ ભાગ્યે જ હાથ આવશે. પરંતુ ચાતુર્માસ તો ઠેકાણે ઠેકાણે ગવાયા છે. અરે ઉપમાઓ પણ એ જ ઋતુમાંથી ખેંચાઈ છે — આભપરે અષાઢ, ખરાડ નો હોય ખીમરા! [ઘૂમલીના રાજાનો આશ્રય યાચતો ચારણ કહે છે, કે હે ખીમાજી! તારા પહાડ-શિખરે તે કદી ઉદારતાનો આષાઢ અણવરસ્યો રહે?]

કોટે મોર કણુકિયા, વાદળ ચમકી વીજ, રૂદાને રાણો સંભર્યો, આઈ અષાઢી બીજ. એમ રાણા-કુંવરની કથા ‘સૌરાષ્ટ્રની રસધાર’માં જડશે. પછી? — ઉત્તર શેડ્યું કઢ્ઢીયું, ડુંગર ડમ્મરિયા, હૈડો તલફે મચ્છ જીં, સજણ સંભરિયાં. એ રીતે હોથલ-ઓઢાની કથામાં સ્વજન-સ્મરણ જગાવે છે : એ જ પ્રમાણે, વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી નીલાણી એક વિજાણંદને કારણે શેણી સુકાણી. એ શેણી-વિજાણંદની કથામાં પણ ફરી મિલનની વાટ જોવાનો સમય વર્ષારંભે જ પસંદ થયો છે. એવા એવા નિર્મલ અને ઉન્નત પ્રસંગોની સાથે વળી કોઈ કોઈ વાર — વીજળી તું નિરલજ થઈ, મેવલા તું ય ન લાજ, મારો ઠાકર ઘર નહિ, મધરો મધરો ગાજ! આવાં પ્રાસંગિક શૃંગાર-સંબોધનો પણ વર્ષાની જ અસર વ્યક્ત કરે છે. ‘મહિના’નાં સ્ત્રીગીતોમાં પણ સહુથી વધુ જોરદાર પંક્તિઓ ચાતુર્માસની જ હોય છે : અષાઢે અંદ્ર ઘણા વરસે, નદી નાળાં છલોછલ ઊભરશે. વા’લો મારો કેમ કરી ઊતરશે! આવો હરિ રાસ રમો વાલા! [‘રઢિયાળી રાત’] અથવા — ભાદરવો ભલ ગાજિયો ને ગાજ્યા વરસે મેહ હું રે ભીંજાઉં ઘર આંગણે ને મારા પિયુ ભીંજાય પરદેશ કે આણાં મોકલને મોરાર! [‘રઢિયાળી રાત’] એવી ટૂંકો આપણને બીજી ઋતુઓનાં વર્ણનમાં ભાગ્યે જ સાંપડશે. ચારણી ભાષાના મરશિયા પણ ઘણે ભાગે અષાઢ માસથી જ આરંભાય છે. આમ ઋતુગીતોના લોકસાહિત્યમાં ચોમાસું અગ્રપદે હોવાનું કારણ? થોડુંક કારણ સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિમાંથી જડે છે. સૌરાષ્ટ્ર દેશ કાશ્મીર અથવા બંગાળ-શો હરિયાળો ને નીરભર્યો નથી. આંહીં અખંડ વહેણવાળી મોટી નદીઓ નથી, કુંજનિકુંજો નથી, હિલોળા મારતાં સરોવરો નથી. આ તો પાંખાપાંખા ઝાડપાંદ અને આછાઆછા ઘાસચારાની પહાડી ભોમ છે. આંહીં વસંતે કોળનારી ને નવપલ્લવિત બનનારી વનશ્રી નથી. ગ્રીષ્મમાં શીળા મધુરા વાયરા ઢોળનારી લકુંબઝકુંબ વનસ્પતિ કોઈ કોઈ સ્થળ સિવાય ક્યાંયે નથી. ઊભા ઊભા નિર્જળા ડુંગરા તપે અને સપાટ મેદાનો ઉપર ઝાંઝવાં સળગે. ભૂમિ વસવાલાયક બને છે કેવળ ચાતુર્માસમાં. ચોમાસું સૌંદર્ય અને સંપત્તિ બન્ને નિપજાવે. ગોવાળિયાનાં ગૌચરણ ને ખેડૂતોનાં કણ ચોમાસે જ નીપજે. ખેતરોના ને ડુંગરાના વન-કિલ્લોલ ચોમાસે જ જામે. બપૈયા ને મોરલાની પણ મઝા વર્ષામાં જામી પડે. પ્રવાસીઓ આશાભર્યા પાછા પણ ચોમાસામાં જ વળે. મેળા, તહેવારો, ઉત્સવો વગેરે પણ ત્યારે જ અનુકૂળ બને. ગરીબ શ્રમજીવીઓને તેમ જ ખેડૂતોને શાહુકારો અનાજ પણ ચોમાસું જોઈને જ ધીરે. આકાશના રંગો પણ ચોમાસે જ અલૌકિક શોભાના સાથિયા પૂરે. અને પહાડી મુલ્કના સંગ્રામપ્રેમી નિવાસીઓને તો આ વાદળાંની ઘૂમાઘૂમ કડાકા, ગર્જના, વીજળીના સબકારા, પાણીના પ્રચંડ પછડાટ ને નદીઓનાં ધસમસતા પૂર ઈત્યાદિ થકી કોઈ યુદ્ધલીલાની જમાવટ કરતી આ વર્ષા જ વધુ વહાલી થઈ પડે એ યથાર્થ છે. માટે જ વર્ષાના સૂર પ્રબલ અને પ્રમત્ત વાણીમાં નીતર્યા છે. પરંતુ કેવળ સૌરાષ્ટ્રના સાહિત્યમાં અથવા લોકસાહિત્યમાં જ વર્ષાઋતુ અગ્રપદે દીપે છે એમ નથી. આખાયે ભારતવર્ષની એ ખાસિયત છે. કારણ એ છે કે શરદ, હેમન્ત, શિશિર અને ગ્રીષ્મ જેવી અન્ય ઋતુઓ તો કશા મહાન પરિવર્તન વિના એકબીજીની અંદર શાંતિથી સરી જાય છે, જ્યારે વર્ષાઋતુ તો પ્રચંડ પરિવર્તનની ઋતુ છે. એનું આગમન કોઈ દિગ્વિજયી રાજેશ્વરીના આગમન સરીખું છે. ઘડીમાં સોનેરી તડકે તપતો તેજોમય ઉઘાડ, તો ઘડીમાં કાળો ઘોર મેઘાડમ્બર : ઘડીમાં સૂકી ધરતી, તો પછી ધોધમાર વહેતાં પાણી : નિષ્કલંક નીલ આકાશના અંત :કરણ પર ઓચિંતી વાદળીઓ અને વીજળીઓનો ઉન્મત્ત ઝાકમઝોળ નાટારંભ : મૃગજળે સળગતાં મેદાનો પર વળતી જ પ્રભાતે રેશમ સમાં તરણાંની લીલી લીલી તૃણ-ચૂંદડીનું આચ્છાદન : એ સર્વ દૃશ્યો વર્ષાને મહાન પરિવર્તનની ઋતુ બનાવે છે. અન્ય ઋતુઓને એક જ જાતની સાંગોપાંગ સંપત્તિ : કાં ટાઢ ને તાપ; પણ વર્ષા તો સૌમ્ય તેમ જ રૌદ્ર સ્વરૂપે શોભીતી : ક્યાંક મરક મરક મુખ મલકાવતી તો ક્યાંક ખડખડ હસતી : ક્યાંક જંપીને વિચારમગ્ન બેઠેલી તો ક્યાંક ચીસો ને પછાડા મારી વિલાપ કરતી : ક્યાંક મેઘધનુષ્યના દુપટ્ટા ઝુલાવતી તો ક્યાંક કાળાં ઘન-ઓઢણાંના ચીરેચીરા કરીને પવનમાં ફરકાવતી : આ બધું આપણા દેહપ્રાણને હલમલાવી નાખે ને આપણા ભીતરમાં પોતાની મસ્તીના પડઘા જગાવે. એના આઘાત અગોચર ન રહી શકે. વસંતની રાતી કૂંપળો તો કોઈ ઝીણી નજરે જોનારો જ જોઈ શકે; ઉનાળાનો તાપ એક જ સરખો અને નિ :શબ્દે નિરંતર તપ્યા કરે; શિયાળાની શીત પણ મૂંગી ને ઊર્મિહીન કો સાધ્વી-શી સૂચવે; વર્ષાનું સ્વરૂપ એવું નથી. એ તો જોનાર કે ન જોનાર સર્વેને હચમચાવી મૂકે. માટે જ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘મેઘદૂત’ જેવું કાવ્ય ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’થી મંડાયું છે. અલકાપુરીનો પ્રિયાવિયોગી યક્ષ અન્ય ઋતુઓ તો ખાસ કશી અસર વિના વટાવી ગયો, પરંતુ આષાઢના પ્રથમ દિવસે પ્રકૃતિનું જે સંક્ષુબ્ધ સ્વરૂપ એણે નિહાળ્યું, તેણે એના અંતરમાં ઘરનાં સ્મરણો જગાવ્યાં, ઊર્મિનું ઉદ્દીપન કર્યું ને કાવ્ય ખળખળાવ્યું. સૌરાષ્ટ્રમાં એ ખળખળાટ વધુ વેગીલો અને વધુ મસ્ત હોય તો તેનું કારણ છે સોરઠી પ્રજાની આવેશભરી, કલ્પનાભરી ને કાવ્યરસભરી પ્રકૃતિ. આંહીં તો કનડાના ડુંગર પર ઓઢાની સંગે હોથલ રસિકા સ્ત્રી હતી ને બે કિશોર બાળકો હતા, છતાંયે ઓઢો ‘ઉત્તર શેડ્યું કઢ્ઢિયું’ નિહાળીને પોતાનું વતન કચ્છ સાંભરતાં રડ્યો હતો — એટલું બધું રડ્યો હતો કે છીપર ભીંજાણી છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ. એ જ્યાં બેઠો હતો તે શિલા આખી આંસુડે ભીંજાઈ ગઈ, ને નયનો ત્રાંબાવરણાં બની ગયાં. વતનમાં ગયા વગર પોતે ન જ રહી શક્યો. એટલું આ ભૂમિના લોકો પર વર્ષાનું પ્રાબલ્ય હતું. ચારણી કાવ્યોની સામગ્રી ‘ઋતુગીતો’ નામના મારા સંપાદિત સંગ્રહમાં સંઘરેલાં આઠ લાંબાં ચારણી ઋતુગીતો અતિ પ્રાચીન નથી, માત્ર છેલ્લાં બસો વર્ષ લગભગમાં નીપજેલી જૂનામાં જૂનીથી માંડી છેક જ આધુનિક ગણાય તેવી વાનગીઓ આ આઠની અંદર સમાઈ જાય છે. એટલે ઉત્પત્તિના સમયની દૃષ્ટિએ અતિ પુરાતન ન હોવા છતાં રચના-શૈલી અથવા ભાષા-બંધારણ ને ભાવ-ગૂંથણીની દૃષ્ટિએ આમાંનાં જૂનાં ગીત નિ :શંક પ્રાચીનતાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવાં ગણાય. ‘સકજ સાંગણ સંભરે’4 એ છંદને આપણે પુરાતન ઢબછબનો લેખી શકીએ. કવિ શ્રી પીંગળશીભાઈનો ‘ગોકુલ આવો ગિરધારી’ છંદ સમયને તેમ જ સમયની અસરોને હિસાબે નવીન છે. ગીગા બારોટનું ‘ઋતુ-શોભા’4 નામે ત્રણ ખંડવાળું ગીત, સમયની દૃષ્ટિએ પચાસ વર્ષની અંદરનું હોવા છતાં ભાષાનું શુદ્ધ ડીંગળીપણું જાળવી રાખતું હોઈ તદ્દન આધુનિક નથી. એટલે આ હિસાબે આઠેય ગીતોના ઝૂમખાને ચારણી ઋતુવાણીના પ્રતિનિધિ સ્વરૂપે સ્વીકારી લઈ આપણે એમાંથી તરી આવતાં તત્ત્વોને ચારણી કાવ્યનાં સાચાં પ્રતિનિધિ લક્ષણો તરીકે ઓળખાવી શકીએ. એમાં વિષયો કયા કયા ગૂંથાયા છે? એમાં વિરહ-કાવ્યનું તો કેવળ કલેવર જ વપરાયું છે, બાકી એ વિરહના ઉછાળા મારતી આત્મલક્ષી કવિતા છે જ નહિ. એ તો છે વર્ણનાત્મક, અથવા ઋતુ-સુખની ઊર્મિઓ પ્રેરનારી કવિતા. હું તો એને ‘ડીસ્ક્રીપ્ટીવ પોએટ્રી’ (વર્ણનાત્મક કવિતા) જ કહીશ. પ્રધાનભાવે એમાં ઊર્મિનું તત્ત્વ પણ નથી. ચારણો વ્યવહારકુશલ કવિઓ હતા. તેઓ કોઈ એક જ ભાવમાં આત્મનિમજ્જન નહોતા અનુભવતા. તેઓ કલાના સભાન સૃજન તરફ વિશેષ ઢળતા. તેથી કરીને પોતાની ઋતુ-કવિતામાં તેઓએ કેટલી ભાતનો સંભાર ભર્યો? 1. પ્રકૃતિની શોભા : વાદળ, વનસ્પતિ, પશુપંખી વગેરેની રમતો : રંગ, રસ, ગંધ, શ્રવણ ને સ્પર્શની લીલાઓ. 2. માનવીનાં સાજશણગારો, વારતહેવારો, વ્રતોત્સવો ને લગ્ન ઈત્યાદિ મંગલ પ્રસંગો દ્વારા પ્રકટ થતાં ઋતુપ્રભાવ અને ઋતુના ઉપભોગ. 3. પશુઓ, મનુષ્યો વગેરેનાં શરીરો પર ઋતુ-પલટા થકી થતી સ્થૂલ અસરો. 4. ભૌતિક જગતમાં થતા ફેરફારો. આ ચારેય તત્ત્વોને તેઓએ કાંઈ પદ્ધતિસર પકડીને કવિતામાં નિયમ તરીકે ગોઠવ્યા નથી; પરંતુ જ્યાં જ્યાં જે જે સૂઝ્યું ત્યાં ત્યાં એ બધાની ગૂંથણી એમણે કરી કાઢી છે. કોઈ મહિનાના વર્ણનમાં એમાંનું એક જ હશે, કોઈમાં વત્તાંઓછાં એકથી વધુ હશે, તો કોઈમાં નરી વિરહોર્મિ જ હશે. હવે આપણે દૃષ્ટાંત લઈને દરેકને સમજીએ : 1. કોઈ પણ કાવ્યમાંથી શ્રાવણની, વૈશાખની કે ફાગણની કડી ઉઠાવો, એટલે પ્રકૃતિ-શોભાનાં મસ્ત વર્ણનો નીકળી પડશે. જુઓ : મધુ-કુંજ ફહેરે, અંબ મહેરે, મહક દહેરે મંજરાં, કોકિલ કહેરે, શબદ સહેરે, કુંજ લહેરે મધુકરાં. સર કુસુમ બહેરે, ઉર ન સહેરે, પ્રીત ઠહેરે પદમણી, રઢ રાણ હિમ્મત વળ્યે અણ રત, ધરણ સર માતર-ધણી! એ વસંત-ગ્રીષ્મની મહેક મહેક થાતી રસ-સમૃદ્ધિ (‘ઋતુગીતો’) અને હવે — આષાઢ ઉચારં, મેઘ મલારં,

બની બહારં જલધારં;

દાદુર ડકારં, મયૂર પુકારં

તડિતા તારં વિસ્તારં;

ના લહી સંભારં, પ્યાસ અપારં

નંદકુમારં નીરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[‘ઋતુગીતો’] એ આષાઢનું આધુનિક પ્રકૃતિ-વર્ણન. એથી વધુ કાવ્યમય, એટલે કે ઉપમા વડે શોભીતું શુદ્ધ ડીંગળી વર્ણન : [મુક્તધારાને મળતો છંદ] વ્રળકે વીજળી વળી ભળકે ઘટામાં વેગે

ઝળકે પ્રભાકે જાણી હરિવાળા જાગ;

પૂરિયાં ધનુષાં મેઘરાજાવાળાં લીલાંપીળા

આભરો માંડવો લાગો શોભાવા અથાગ.

એવી જ લાક્ષણિક અને નવયુગી લાગતી ઉપમા આંહીં જોવાય છે : હદાવાળા ત્રાહે પાળાં સરિતા જોરમાં હાલે

પાણીવાળા ખળકારા એક ધાર પાઢ;

લોઢરા ધૂધવા જાણે ગીતરા ઝકોળા વાગા

સાગરા-મંડપે હાલ્યા જાનરા સમાઢ.

[‘ઋતુગીતો’] [ઘુઘવાટા કરતાં નદીઓનાં પૂરના લોઢ (મોજાં) જાણે ગીત ગાતું સાજન-મંડળ સાગરને મંડપે જતું હોય તેવા જણાયા.] 2. હવે આપણે માનવીઓના સાજશણગાર, વ્રતોત્સવો, લગ્નાદિ આનંદમંગલના અવસરોનો ઉલ્લેખ તપાસીએ; આનંદનું સાદામાં સાદું સ્વરૂપ આ રહૃાું : રીઅણ લીલાણી ભાળી પશુપંખી થિયાં રાજી નરાં માલધારી મોઢે વધ્યાં ઝાઝાં નૂર. ચાતુર્માસમાં લીલી પૃથ્વી (રીઅણ) નિહાળી પશુપાલકોને મુખે નૂર વધ્યાં. પછી બીજા શણગારવર્ણન ઉપાડીએ : શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની પહેરી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની; શણગાર સજીએં, રૂપ રજીએં, ભૂલ લજીએં ભાનને; ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને! [‘ઋતુગીતો’] કામિનીઓની કંઈક કતારો રાતાંચોળ રંગનાં પટોળાં પહેરીને શ્રાવણમાં શોભે છે. શણગાર તો ખરા, પણ ઋતુને અનુરૂપ, નીલામ્બરો : એવી પણ કોઈ કોઈ કવિની કલ્પના આલેખાયેલી જુઓ : આષાઢ આયા, મન ભાયા, રંક રાયા રાજીએ કામની નીલા પેર્ય કચવા, સઘણરા દિન સાજીએ. [‘ઋતુગીતો’] ઉત્સવો જોઈએ. જુદાં જુદાં ગીતોમાં માહ માસે વિવાહનો ઉલ્લેખ : વીમાહ થે બળરાહવાળા, ગહક સોળા ગાવીએ.

ગઢ ઢોલ ગામોગામ ગહમહ, કોડ જગ વીવા કરે.

માહ મહિના આયે, લગન લખાયે મંગળ ગાયે, રંગ છાયે. શિશિર-વસંતે ફાગણમાં શું? હોરી-ખેલ : વસંતોત્સવ વર્ણવાયો : શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં, ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં; બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી, રઢરાણ હિમ્મત! વળ્યે અણરત, ધરણ સર માતર-ધણી! [‘ઋતુગીતો’] એ પદલાલિત્યનો ઉચ્ચ નમૂનો : એથી ઓછાં ડોલનવાળી અને ઊતરતી કલાવાળી જુનવાણી શૈલી કેવે શબ્દે વર્ણવે? ગાઈજે ફાગણ ફાગ ગાણાં, ખરે કેશુય ખખ્ખરં ગલઆલતેં લેરમેં ગઢપત, સજે હોળીય સખ્ખરં. [ફાગણમાં ફાગ-ગાણાં ગાય છે. ખાખરાનાં કેસૂડાં ફૂલ ખરે છે, ગુલાલથી ગઢપતિઓ લહેરમાં રમે છે, ને હોળીનો ગંજ ખડકાય છે.] આષાઢ-શ્રાવણમાં નાહવાનાં પુણ્ય : ભાદરવામાં શ્રાદ્ધના દિનોનું કાગડાને પોષવાનું પુણ્ય : આસોમાં નવરાત્રિના ગરબા-નૃત્ય અને અમ્બિકાની પૂજા : નોરતારી રમે નારી ગરબારી મળી નત્યો વળી પુંજા અંબકારી કરેવા વિશેષ દિવાળીના દીપધૂપ, કાળી ચતુર્દશીનાં નૈવેદ્ય ને ભૂતપ્રેતાદિનાં મંત્રાહ્વાન : કાતિર્કમાં અન્નકોટ : પોષમાં — તિલ દાન દેવા લાગા, પોષ માસ આયા ત્રઠે ખીસરારે દને મચ્યા ભોજને ખીસાણ. એવું મકરસંક્રાંતિ (ખીસર)નું તલનું દાન ને ભોજન-દાન નોંધાયું. એવા વ્રતોત્સવો ને તહેવારોનાં છૂટાંછવાયાં ગૂંથણ આ ઋતુકવિતાઓમાં પડેલાં છે. એ લોકજીવનની સામગ્રીઓ હતી તેથી તેની નોંધ રાખવાનું કામ કવિતાનું થઈ પડ્યું હતું. 3. માનવી અને પશુજગત પર થતી કઈ કઈ અસરો આ કવિઓએ લક્ષમાં લીધી છે? જેવી કે કાર્તિકમાં ગાયો-ભેંસોનાં દૂધ ઘાટાં બને, જઠરાગ્નિ પ્રગટે. પોષમાં — ઊલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી કામિનીઓને કામ પ્રગટે; અથવા — મદમસ્ત હસ્તી ક્રલા મેમંત, ત્રિયા મદછક દે ટલા હાથીઓ, ઊંટો (ક્રલા=કરલિયા) અને સ્ત્રીઓ મદમસ્ત બની ઘૂમે છે. વળી ઠંડી વધુ ઉગ્ર હોય તો અંગ પર કસ્તુરીના લેપ કરે : કર લેપ ચંગં, મદ કુરંગં, કંતં સંગં કામણી. નિર્ધનોને નિશા વસમી લાગે : ભૂપાળો અંગ પર ઊનનાં વસ્ત્રો પહેરે, સાહેબ લોકો સગડીએ તાપે : વાંદરા ડુંગરાની ગાળીમાં પેસી જાય : વૈશાખમાં તાપ ન સહાયાથી કેસર-ચંદનના લેપ કરે : જેઠ માસમાં ક્ષીણ થઈ ગયેલા ઘોડાને ઘી વેઠવું (પાવું) પડે : અને એ દિવસો તો રાય રંક સર્વને કઠિન થઈ પડે : જગ જેઠરા દન કઠણ જાણાં, રાવ રાણા રાજિયે. ઝીણાં પટકૂળો પહેરાય, બાગો બનાવાય, હોજમાં નિર્મળ શીતળ નીર ભરાય : પાણી વિના સર્પોને પવનભક્ષી જીવવું પડે : એવા એવા ઋતુપ્રભાવ કાવ્યમાં વર્ણવાયા છે. 4. આસોમાં છીપોની અંદર મોતી બંધાય : શરદપૂર્ણિમાનો ચંદ્ર સૌથી વધુ ઊજળો બને : માગશરમાં સૂર્ય દક્ષિણ દિશા ત્યજી ઉત્તર તરફ ઢળે : પોષમાં પવન દિશા પલટે ને પાણી થીજી જાય, ઝાકળનાં ઝરણાં થકી ચણા, તલ અને ઘઉં પાકે, કૂવાના પાણી તપી જાય, નવાણોનાં નીર ઊંડાણે ઊતરે : ફાગણમાં પવન ફરકે, આંબા, મહુડાં ને ખાખરા મહોરે : ચૈત્ર-વૈશાખમાં વન નવેસર કોળે, આકાશમાં રજની ડમરી ચડે, વનફળ પાકે; ભરણી નક્ષત્રમાં ‘દનિયાં’ (દિવસો) તપે : બીજ અને અખાત્રીજને દિવસે પૃથ્વીનાં પડો નીચે ઉપરની બાફ થકી પાણી ઊભરાતાં વૃક્ષોને નવું પોષણ પહોંચે : સૂર્ય પૃથ્વી પર લાંબો સમય ટકે : દિવસ લાંબા ને રાત ટૂંકી થાય : પવન જોરથી ફૂંકે (વાવલાં વાય) : જેઠમાં જળ ગભરાઈ બફાઈ જાય, આર્દ્રા નક્ષત્રમાં ઘોર ઘનઘટા થાય, ચારથરાં વાદળાં વળે, પૃથ્વી વ્યાકુળ બને, ભોજન ભાવે નહિ, પાણીના પ્રવાહ ત્રૂટે! આષાઢમાં અત્યંત બફારો ખમવો પડે. લગભગ આટલાં ઋતુલક્ષણો અને અસરોથી જ ચારણી કવિઓની નિરીક્ષણ-સીમા બંધાઈ જાય છે. આ ઉપરાંતની વિશિષ્ટતાઓ તેઓની દૃષ્ટિએ ચડી નથી, તેમ કશી વ્યવસ્થિત ગૂંથણી પણ તેઓએ નથી કરી. ઉત્તરોત્તર એ-ની એ જ સામગ્રીને કવિઓએ ભિન્ન ભિન્ન શબ્દ-રચના કરીને વાપરી છે. એક ને એક જ ચીલે તેઓ ચાલતા આવ્યા છે. ઋતુઓનાં સવિશેષ પરિવર્તનોની નોંધ કરી નથી, કેમ કે તેઓનું ધ્યાન વાચાની પટુતા પર વધુ ચોંટ્યું રહૃાું હતું. એકની એક વસ્તુ એકબીજાથી વધુ લાલિત્ય અને ચમત્કૃતિ સાથે આલેખવાની સરસાઈ ચાલતી હતી. ‘નવી કલ્પનાઓ ને નવી વિગતો લાવો!’ એમ કહેનાર કોઈ નહોતું. એટલે જ કેટલાંક ગીતોમાં ઘણુંખરું તો ઋતુ-લક્ષણનો સહેજ ઈશારો પતાવીને પછી કેવળ ઊર્મિની જમાવટમાં જ ઊતરી પડાય છે : દૃષ્ટાંત તરીકે — પોષેં પછતાઈ, શિશિર સુહાઈ

થંડ લગાઈ સરશાઈ,

મનમથ મુરઝાઈ, રિયો ન જાઈ

વ્રજ દુ :ખદાઈ વરતાઈ;

શું કહું સમજાઈ, વેદ વતાઈ નહિ જુદાઈ નરનારી કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુળ આવો ગિરધારી!

[‘ઋતુગીતો’] ચારણી ઋતુકાવ્યનું નિશાન તમામ કાવ્યોનું હોય તેમ આ કાવ્યનું પણ અંતિમ નિશાન તો શ્રોતાઓને ઋતુઓની જૂજવી રમ્યતાઓમાં રમમાણ કરાવવાનું, માનવીના અંત :કરણમાં કુદરતનાં સૌંદર્ય-ઝરણાં ઠાલવી એની રસિકતાને એટલે અંશે પાપથી પરાઙ્મુખ અને ઈશ્વરી કૃતિઓની અભિમુખ કરવાનું હતું. પરંતુ એની મુશ્કેલી બે પ્રકારની હતી : એને તો શ્રોતામંડળ ઉપર દાયરાની બેઠકમાં જ બેઠે બેઠે, તત્કાળ અને તીવ્રપણે એ પ્રભાવ છાંટવાનો હતો. એ સાહિત્ય લખાઈને અથવા છપાઈને મનપૂર્વક વાંચવા-વિચારવાની વેળા કે સ્થિતિ જ નહોતી. હવે આ તાત્કાલિક ચોટ લગાવવા માટે ચારણી કવિતાને તો સંગીતનીય સહાય નહોતી. આલાપ, પલટા, રાગ, રાગિણી, વાજિંત્રની મદદ, કશું જ નહોતું. કેવળ પોતાની શબ્દરચના પર જ એને ઝૂઝવું પડતું; નાદવૈભવ નિપજાવવાની જરૂર હતી એટલે એ નાદની ગતિમાં જેટલી બને તેટલી વિવિધતા આણવા માટે આ લોકોને અનુપ્રાસ તથા વર્ણસગાઈ એ બે વાતનાં બળ કેળવવાં પડ્યાં. એ અનુપ્રાસ તે કેટલી હદ સુધી? સંસ્કૃત ઋતુકાવ્ય કશાંયે નખરાં કર્યા વગર — પ્રચણ્ડસૂર્ય : સ્પૃહણીયચંદ્રમા : સદાવગાહક્ષમવારિસંચય : દિનાન્તરમ્યોભ્યુપશાન્તમન્મન્થ : નિદાધકાલોઽયમુપાગત : પ્રિયે [‘ઋતુસંહારમ્’] આવી રીતે કેવળ ‘વંશસ્થ’ વૃત્તનો માત્રામેળ જાળવીને પ્રાસાનુપ્રાસની રંચમાત્ર પરવા કર્યા વગર ચાલ્યું જાય. કેમ કે એને સૂતેલી મૂઢ મેદની ઉપર રસની તાત્કાલિક અંજલિ છાંટવી નથી. પરંતુ ચારણી કવિને તો એ-નો એ જ ભાવ — વૈશાખે વદ્દળ, પવન અપ્રબ્બળ,

અનળ પ્રગટ થળ તપતિ અતિ;

સોહત કુસુમાવળ, ચંદન શીતળ,

હુઈ નદિયાં જળ મંદ ગતિ;

કીનો હમસેં છળ, આપ અકળ કળ!

નહિ અબળા બળ બતવારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

એમ અક્કેક ટૂંકમાં નવ અથવા બાર અનુપ્રાસો મેળવી, અક્કેક પંક્તિને ત્રણ-ત્રણ અનુપ્રાસની ઘડી પાડી, કોઈ પડઘમવાજાના ગતિગીતની માફક શ્રોતાજનોના પચીસ અણઘડ વા અધઘડ્યાં હૈયાંને એકસામટા થડકાર લેવરાવવાના હતા. એટલા માટે જ ચારણી કાવ્યના સાદા હરિગીતને પણ અનેક ભિન્ન ભિન્ન અનુપ્રાસોનાં બંધનો આપી નવનવા છંદોરૂપે જન-હૃદયને હરતો બનાવ્યો છે : દાખલા તરીકે, સારસી છંદ લઈએ : શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં; બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી રઢરાણ હિંમત! વળ્યે અણ રત, ધરણસર માતરધણી! અથવા જુદા પ્રાસાનુપ્રાસવાળો એ છંદનો બીજો નમૂનો જુઓ : ચૈતરે સ્વામી! ગરુડગામી! અંત્રજામી! આવીએં, ધર ગિરધારણ! કંસમારણ! ધેનચારણ! ધાઈએં; બળભદ્ર બાળા! છોગલાળા! વારી કાના! વાનને, ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને. બન્ને છંદોનું માપ જોશું તો હરિગીતનું છે. છતાં અનુપ્રાસને હિસાબે બન્ને જુદા છે. પહેલામાં નવ-નવ મોરાં મળે : બીજામાં પ્રત્યેક પંક્તિમાં ભિન્ન ભિન્ન જાતનાં ત્રણ-ત્રણ મોરાં મળે : એ અનુપ્રાસને ચારણી ભાષામાં ‘મોરાં મળવાં’ એ પ્રયોગથી ઓળખવામાં આવે છે. અથવા મોરાં બહુ ન મેળવાયાં હોય એવું એક બીજું દૃષ્ટાંત લઈએ :

અંબા મોરિયા જી! કે કેસુ કોરિયા
ચિત્ત ચકોરિયા જી! કે ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝૂટે પવ્વન જોરિયા; ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણાં આખંત રાધા, નેહબાધા, વ્રજ્જ માધા આવણાં! આ છંદ પણ હરિગીતમાંથી ઘડ્યો. બનાવ્યો ગજગતિ છંદ. હાથીની હૂલણ-ઝૂલણ ગતિના તાલ આ છંદના ડોલનમાં ઉતારવાનો યત્ન થયો અને અનુપ્રાસોનો અભાવ સ્વાભાવિક વર્ણસગાઈથી પૂરવામાં આવ્યો. જુઓ દરેક પંક્તિમાં ‘ફ’, ‘ર’, ‘ગ’ વગેરે વર્ણો ભિન્ન ભિન્ન પુષ્પો પર બેસતાં પતંગિયાંની માફક સાહજ્યપૂર્વક પોતાનાં સ્થાન બદલતા જાય છે અને આ છંદની ગજરાજ-શી વિક્રમશીલ ગતિ ઘડે છે. આ બધાં બંધનોથી ચારણી કાવ્યવાણીને જોઈતી ‘વિરિલિટી’ — શૌર્યવંત નાદશક્તિ — પ્રાપ્ત થાય છે. એ નાદના સામર્થ્ય વિના ચારણી કાવ્ય ભુજબળ વિનાના યોદ્વા જેવું નમાલું ને નિરર્થક નીવડે છે. એટલે કંઠસ્થ કવિતાને આટલાં બધાં બંધનોની વચ્ચે રહીને પછી જ કાવ્યનો વિષય જમાવવો રહૃાો. આ કારણે કાવ્યની સામગ્રી કદાચ બહોળી ન વસાવી શકાય, કલ્પનાનાં ઉડ્ડયનો ઘણુંખરું થોડેક ઊંચેથી જ અટકી પડે, પુનરુક્તિ કર્યા વિના ચાલી શકે જ નહિ, શબ્દની ભભક પ્રધાનપદ ભોગવે : એ બધું દેખીતું જ છે. તેમ છતાં પણ આપણે આગળ તપાસી ગયા તે રીતે આ કવિતામાં બની શકે તેટલો ઋતુપરિચયનો સંભાર ભરવાની ખંત રાખવામાં આવી છે. નિર્દોષ નાદ-વૈભવ પરંતુ આ બધી શું નાદપ્રધાન કાવ્યની અસાધ્ય અને અનિવાર્ય ત્રુટીઓ છે ખરી? નાદ અને શબ્દઝમકની સાથે ભારોભાર ભાવસંભાર ભરવો શું દુર્લભ છે? ના, નથી. પુનરુક્તિનો દોષ વહોર્યા વિના, પ્રાસાનુપ્રાસનાં સખત બંધનો પાળતી છતાંયે ભાવભરપૂર ઋતુ-કવિતાઓ બંગાળીમાં થોકબંધ તેમ જ આપણા શિષ્ટ ગુર્જર કવિઓની કૃતિઓમાં ક્યાંઈક ક્યાંઈક પડી છે. રવીન્દ્રનાથ ઠાકુરે ઋતુગાન રચ્યાં છે તેટલાં ભાગ્યે જ અન્ય કોઈએ રચ્યાં હશે. વળી એનાં ઋતુકાવ્યો મુખ્યત્વે કરીને ગાઈ અથવા બોલી સંભળાવવાને જ સરજાયેલાં, એટલે કે શ્રાવ્ય, સભારંજક હોય છે. માત્ર ઉચ્ચ કલાના રસજ્ઞો અથવા વિદ્વાનો જ સાંભળીને સમજી શકે તેવાં નહિ, પણ હજાર માણસોની પચરંગી મેદની જે સાંભળીને ડોલે, એવી સરળ શબ્દગૂંથણીવાળાં ને એવાં સુગમ્ય ઊર્મિભરપૂર એ કાવ્યો હોય છે. એટલે એ ચારણી ઋતુકાવ્યોના દોષોથી મુક્ત છતાં તેના ગુણોએ કરી બેવડાં શોભીતાં હોય છે. એમાં કુદરતનો રૂપઉઠાવ, માનવીનો ઊર્મિસ્પર્શ અને ભાષાનો મસ્ત ખિલાવ ભેળાં મળેલાં હોય છે. ચારણી ગીતની માફક એ મહાકવિએ બોલી સંભળાવવા માટે રચેલાં લોક-ડોલાવણ પદો માંહેલું એક પદ લઈને એની આ કલાની પરાકાષ્ટા તપાસીએ. આ છે વર્ષાગીત : નામ છે ‘નવ વર્ષા’ : હૃદય આમાર નાચે રે આજિકે મયૂરેર મત નાચે રે, હૃદય નાચે રે!

શત વરનેર ભાવ-ઉચ્છ્વાસ
કલાપેર મત કરે છે વિકાસ
આકુલ પરાન આકાશે ચાહિયા
ઉલ્લાસે કા’રે જાચે રે!
હૃદય આમાર નાચે રે આજિકે

મયૂરેર મત નાચે રે, [મારું હૃદય આજે મોરલાની માફક નાચી રહૃાું છે. શતવરણા ઊર્મિભાવરૂપી મયૂર-પિચ્છોની જાણે કળા કરીને, આકુલ પ્રાણથી આકાશ સામે નિહાળી મારો હૃદય-મોરલા કોને પુકારી રહૃાો છે?] આ પ્રથમ કડીનો ભાવ : કવિહૃદયે મોરલાનું રૂપ ધારણ કર્યું. મનોભાવોનો વિકાસ મોરની પિચ્છ-કળાનું રૂપક પામ્યો. ચારણી કાવ્યમાં આ કલ્પના નહિ મળે. પછી મેઘગર્જનાનો નાદ ઉઠાવતી શબ્દરચના આવી : ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ ગરજે ગગને ગગને, ગરજે ગગન

ધેયે ચલે આસે બાદલેર ધારા,
નવીન ધાન્ય દુલે દુલે સારા,
કુલાયે કાંપિ છે કાતર કપોત
દાદુરિ ડાકિ છે સઘને,
ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ
ગરજે ગગને ગગને.

બરાબર ચારણી કાવ્યનો ગુણ ગ્રહાયો : સરખાવો : પેપન્ન ભાદ્રવ માસ પ્રધળા

વહે પચરંગ વાદળાં,

ગડ હડડ ધણણ અંબર ગાજત

શિખર અતરંગ શામળાં.

અથવા આષાઢ ઘઘૂંબીયં લૂંબીયં અંબર

વદ્દળ બેવળ ચોવળિયં;

મહોલાર મહેલીય, લાડગેહેલીય

નીર છલે ન ઝલે નળિયં.

પછી રવિબાબુ નવાં ધાન્ય-છોડનાં ડોલન વર્ણવે, દેડકાંની બોલી વર્ણવે. એનો બરાબર ચારણી કાવ્ય સાથે મેળ જામે. પરંતુ તે પછીની કડીમાં — નયને આમાર સજલ મેઘેર

નીલ અંજન લેગે છે
નયને લેગે છે.

નવ તૃનદલે ઘનવન છાયે હરષ આમાર દિયે છિ બિછાયે, પુલકિત નીપ-નિકુંજે આજિ

વિકસિત પ્રાન જેગે છે,

નયને સજલ સ્નિગ્ધ મેઘેર

નીલ અંજન લેગે છે.

[મારાં નયનોમાં સજલ મેઘનું આસમાની અંજન અંજાઈ ગયું છે. નવાં ઘાસ ઉપર ઘાટાં વનની છાંયડીમાં મેં મારો હર્ષ બિછાવી દીધો છે. મારો ખીલેલો પ્રાણ આજે આ પુષ્પભર્યા બાગમાં જાગી ઊઠ્યો છે.] એ ચારણોને માટે દુર્લભ : એથીયે વધુ દુર્લભ કલ્પના — ઉ ગો! પ્રાસાદેર શિખરે આજિકે

કે દિયે છે કેશ એલાયે
કબરી એલાયે?

ઉ ગો! નવઘન-નીલ વાસખાનિ બુકેર ઉપરે કે લિયે છે ટાનિ તડિત્-શિખાર ચકિત આલોકે

ઉ ગો! કે ફિરે છે ખેલાયે?

ઉ ગો! પ્રાસાદેર શિખરે આજિકે

કે દિયે છે કેશ એલાયે?

[ઓહોહો! મહેલના શિખર પર આજે પોતાના અંબોડાના કેશ કોણે વીખરાતા મેલેલા છે? ઓ રે! આ નવલ વાદળીરૂપી આસમાની ઓઢણીને પોતાના હૈયા ઉપર તાણી લઈને કોણ ઊભું છે? વીજળીના તેજ-ચમકારાની અંદર આ કોણ રમવા નીસર્યું છે?] ઉ ગો! નદીકુલે તીર-તૃનદલે કે બસે અમલ વસને

શ્યામલ વસને?

સદૂરગગને કાહારે સે ચાય? ઘાટ છેડે ઘટ કોથા ભેસે જાય? નવ માલતીર કચિ દલગુલિ

આનમને કાટે દશને;

ઉ ગો! નદીકલે તીર-તૃનદલે કે બસે શ્યામલ વસને? આ છે કોઈ એકાકિની પનિહારીની કલ્પના : [ઓ રે! આ નદીને તીરે, કાંઠાના ઘાસ પર નિર્મલ અને નીલુડે વસ્ત્રે કોણ બેઠું છે? દૂર ગગનમાં એ કોને નીરખી રહી છે? એનો ઘડો ઘાટ પરથી ક્યાં તણાતો જાય છે? આમ અન્યમનસ્ક બનીને બેઠી બેઠી માલતી પુષ્પની કૂણી પાંખડીઓ દાંત વતી તોડ્યા કરતી એ કોણ હશે?] હવે આ છે બીજી કોઈ ગોપ-નારીનું શબ્દ-ચિત્ર : ઉ ગો! નિર્જને બકુલશાખાય દોલાય કે આજિ દુલિ છે

દોદુલ દુલિ છે?

ઝરકે ઝરકે ઝરિ છે બકુલ આંચલ આકાશે હતે છે આકુલ ઉડિયા અલક ઢાકિ છે પલક

કબરી ખસિયા ખુલિ છે,

ઉ ગો! નિર્જને બકુલ શાખાય દોલાય કે આજિ દુલિ છે? [ઓ રે! આ નિર્જન પ્રદેશમાં બકુલની ડાળીએ આજ કોણ એ હીંડોળે ઝૂલી રહૃાું છે? હીંચોળે હીંચોળે ઉપરથી બકુલ પુષ્પ ઝરે છે; એનો અંચળો આકાશે ફરફરી રહ્યો છે, એની કેશ-લટો ઊડી ઊડીને મુખ ઢાંકે છે; એનો અંબોડો છૂટી ગયો છે.] વર્ષા-સુંદરીનાં આ બધાં કવિવરે કલ્પેલાં જૂજવાં સ્વરૂપો છે. અને છેલ્લે એ કલ્પનાની મૂર્તિઓને જતી કરી કવિ તાદૃશતાની ભૂમિકા પર પાછા ફરી સાદુંસીધું ઋતુદૃશ્ય રજૂ કરે છે : ઝરે ઘનધારા નવપલ્લવે,

કાંપિ છે કાનન ઝિલ્લિર રવે,

તીર છાપિ નદી કલ કલ્લોલે

એલ પલ્લીર કાછે રે!
હૃદય આમાર નાચે રે આજિકે
મયૂરેર મત નાચે રે.

[નવ-પલ્લવ મેઘધારા ઝરે છે; તમરાંના લહેકારથી જંગલ કંપી ઊઠ્યું છે; અને નદી ગાજતે પૂરે કાંઠા પરથી જઈને ગામની અડોઅડ આવી પહોંચી છે.] આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ખાસ ઉત્સવો ઊજવવા અને અભિનય સાથ બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. માટે જ એની જોરદાર શબ્દ-રચના મોટી મેદિનીનાં મનહરણ કરવાની તાકાત ધરાવે છે. આ લેખકે કલકત્તા નગરમાં ‘વર્ષા-મંગલ’ નામના ઉત્સવમાં કવિવરને આ અને આવી અન્ય કૃતિઓ બોલી સંભળાવતા નિહાળ્યા ને સાંભળ્યા છે. આ ગીત એમની કૃતિ ‘ક્ષનિકા’માં છે. પરંતુ આવા કલ્પનાવૈભવની આશા આપણે ચારણ કવિ પાસેથી શી રીતે રાખીએ? ક્યાં શારદાનાં સમૃદ્ધિ-દાન પામનાર રવીન્દ્રનાથ, ને ક્યાં નિરક્ષર ચારણ! એ કવિને, અથવા તો આજ મહારાજ, જલ પર ઉદય જોઈને

ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે;

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન

નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,

પિતા! કાલના સર્વ સંતાપ શામે!

ધવલ તવ નેત્ર સામે!

એ શરત્પૂર્ણિમાનો સાગર પરનો ચંદ્રોદય નિહાળનાર કવિ કાન્તને અથવા તો — ઝીણા ઝરમર વરસે મેઘ ભીંજે મારી ચૂંદડલી! એટલી લોકગીતની પંક્તિમાંથી — આનંદ કંદ ડોલે સુંદરીના વૃંદ ને

મીઠા મૃદંગ પડછંદા રે,

મંદ મંદ હેરે મીટડી મયંકની

હેરે મારા મધુરરસચંદા

હો ભીંજે મારી ચૂંદડલી! — ઝીણા. એવો નાદનૃત્યની મસ્તી જગવતો વર્ષા-રાસ રચનાર કવિ ન્હાનાલાલને — એવા અનેક આધુનિકોને તો ઘણી ભાષાના સમાગમ, ઘણાં ઘણાં નવોર્મિ-મંથન, આત્મલક્ષી કવિત્વનાં અનેક પ્રેરણા-ઝરણ ઈત્યાદિ સમૃદ્ધિઓ સાંપડેલ છે. એની જમાવટ પરલક્ષી કવિતાને ચીલે ચાલનાર અને કેવળ પોતીકી મૌલિક કલ્પનાશક્તિ પર જ જોર કરનાર ચારણોથી ન જ બને. તે છતાં આપણે કેમ વીસરી શકીએ કે — જેઠે જગજીવન! સૂકે બન બન ઘોર ગગન ઘન ચઢત ઘટા, ભાવત નહિ ભોજન, જાત બરસ દન, કરત ત્રિયા તન કામ કટા. [‘ઋતુગીતો’] અથવા તો — શ્રાવન જલ બરસે, સુંદર સુરસે

બદ્દલ બરસે અંબરસેં,

તરુવર ગિરિવરસેં, લતા લહરસેં

નદિયાં પરસે સાગરસેં;

દંપતી દુ :ખ દરસે, સેજ સમરસેં

લગત જહરસેં દુ :ખકારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુલ આવો ગિરધારી!

એ કલકલનાદિની, પ્રવાહવંતી અને સંગેમરમરની પૂતળી સમી સુડોલ કવિતા ચારણ કવિ શ્રી પીંગળશીભાઈની છે. કેમ વીસરીએ કે — રંગ ભાદ્રવ શ્યામ ઘટા, રંગ રાતોય

રંગ નીલમ્બર શ્વેત રજે;

ફળ ફૂલ અપ્રબ્બળ કમ્મળ ફેલીએ

વેલીએ નેક અનેક વજે;

એ ભાદરવાની અમ્બરઘટાની પાંચ પાંચ રંગે પુરાયેલી છબી આંકનાર કોઈ નિરક્ષર મામૈયો મોતીસર છે? કેમ વીસરીએ કે — મૃગજાળા વાળા લોઢ ઊછળ્યા પ્રથમી માથે

નીરઝારા સૂકા, પાન ત્રોવરારા નાશ,

સ્રોવરારા ખાલી આરા દોરા દોરા જેમ સૂકા

નશાં જીવ દાદરારા પામિયા નિરાશ.

[મૃગજળનાં પૂર પૃથ્વી પર ઊછળે છે. જળઝરણાં સુકાયા છે. સરોવરના આરા દોરા-વા દોરા-વા પાણી સુકાઈને ખાલી બન્યા છે. ને નિશ્ચયથી કહું છું કે દાદુરો (દેડકાં)ના જીવ નિરાશા પામ્યા.] એ સળગતા ઉનાળાની સુરેખ છબી આંકનાર કલમ પેલા અભણ ગામડિયા વહીવંચા ગીગા ભગતની છે. આવું સબલ એ કવિતાનું કલેવર છે; પડસુંદી સમાન મનધાર્યા ઘાટ આપનાર મુલાયમ એનો ભાષાપુંજ છે; આવી ચોટદાર એની ગતિ છે. એ ગુણોવાળી કવિતાને કાળના મોઢામાં ચાલી જવા દેવું આપણને પરવડે જ નહિ. નવા કાવ્યયુગમાં એના કલેવરનો સરસ ઉપયોગ થઈ શકશે. સ્ત્રી-ગીતો વિ. ચારણી ગીતો આ બન્ને જાતનાં ઋતુગીતો વચ્ચેની તુલના જ અસ્થાને છે. બન્નેમાં ‘ઋતુ’નો નિર્દેશ બાદ કરતાં બાકીનું લગભગ બધું ભિન્ન છે. સ્ત્રી-ગીતો ગરબે રમવાનાં, સહજ સરલ શબ્દરચનાવાળાં, બેહદ કોમળ અને બીજી અનેક દૃષ્ટિએ સ્ત્રૈણ છે; ચારણી ગીતો રાજદરબારે કે શૂરવીરોને દાયરે ગાવાનાં, બેઠાંબેઠાં એકલા લલકારવાનાં, ઝડઝમકવાળી ને અટપટી શબ્દરચનાવાળાં, વ્યાકરણના નિયમોથી વંચિત, બેહદ જોશીલાં અને બીજી સર્વ દૃષ્ટિએ પૌરુષ પ્રગટ કરનારાં છે. ક્યાં રહૃાું — ભાદરવે તો ભરદરિયે હું ડૂબી રે વા’લાજી! આ કંથ વિના કર ઝાલી કોણ ઉગારે મારા વા’લાજી! [‘રઢિયાળી રાત’] એ વલવલતે વિરહાર્દ્ર સ્વરે ગવાતું દ્રાવક સ્ત્રી-ગીત! અને ક્યાં ભાદ્રવ સર ભરે જી! કે અતનત ઊભરે, શ્રીરંગ સંભરે જી! કે વિરહી વિસ્તરે, વિસ્તરે ઉર વચ વિરહ વેલી, શોક ગોકુલ વન સહી ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર! ગોપ તજી કુબજા ગ્રહી; પંથ પેખ થાકાં નયન દન દન, શ્યામ તપત શમાવણા! આખંત રાધા નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં! [‘ઋતુગીતો’] એ મરોડદાર, મલપતી ગજગતિએ ઊપડતું ચારણી વિરહગીત! સ્ત્રીજનો ગાશે કે — અષાઢે ઝીણી ઝબૂકે વીજ મધુરા બોલે મોરલા રે લોલ [‘રઢિયાળી રાત’] અથવા બહુ બહુ તો સુંવાળું પ્રકૃતિ-ચિત્ર આંકે કે — આષાઢે ઘમઘોરિયા ને વાદળ ગાજે ઘોર, બાપૈયા પિયુ પિયુ કરે ને મધુરા બોલે મોર

કે આણાં મોકલને મોરાર!

[‘રઢિયાળી રાત’] ત્યારે ચારણ ગળું ફુલાવીને દિગન્તો ગજવતો, થડકાર દેતો, સભામંડપ હલમલાવતો ગાશે કે — ધર આષાઢ ધડૂકિયા મોરે કિયા મલાર રાધા માધા સંભરે જદુપતિ જગ ભડથાર! ખળહળ વાદળિયાં વચે વીજળિયાં વ્રળકંત; રાધા માધા કંથ વિણ ખણ નવ રિયણ ખસંત. અને પછી પલટો મારીને ગજગતિ-છંદ ઉપાડે : વ્રજ વહીં આવણાં જી! કે વંસ બજાવણાં! પ્યાસ બુઝાવણાં જી! કે રાસ રમાવણાં! વળી અવાજ ત્રીજો પલટો ખાય : રંગ રાસ રત ખટ માસ રમણાં, પિયા પાસ બુઝાવણાં! આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન તરુણી તણાં; વિરહણી નેણાં, વહે વરણાં, ગિયણ વિરહી ગાવણાં આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં! [‘ઋતુગીતો’] સ્ત્રી-ગીતોમાં ઋતુ-સૌંદર્યનું વર્ણન નથી, ઋતુ-દર્દનું વર્ણન છે. સ્ત્રીની કલ્પના બારીક ચિત્રાંકન નથી કરતી, પણ કોમળ હૈયું નિચોવે છે, કાલાવાલા કરે છે, અસહાયતા પુકારે છે, એકલતાની વેદના દાખવે છે; દૃષ્ટાંત લઈએ : શ્રાવણ તો સરવડીએ વરસે, ઝીણા ઝીણા મેવલિયા વરસે વા’લા મારા તોય મરું તરસે

આવો હરિ રાસ રમો વા’લા!

[‘રઢિયાળી રાત’] અથવા તો — શ્રાવણ સોળ સજ્યા શણગાર કે આંખડી ન આંજિયે રે લોલ! એમાં શ્રાવણના સૌંદર્યનું વર્ણન નથી; જ્યારે ચારણની આંખ તો એ શ્રાવણની કુદરતના જૂજવા શણગાર નિહાળે છે. આ રહૃાું — છલત શ્રાવણ, મલત છાયા, વલત નીલી વેલડી, બાપિયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી; પ્રષનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે, જસલિયણ તણ રત માલજામં સતણ-વીસળ સંભરે. છલકતાં શ્રાવણ-નીર : છવાતી છાંયડી : વળીવળીને ફેલાતી લીલી વેલડીઓ : બપૈયા મોરલાના ટૌકાર અને સમીપે ડોલતી ઢેલડીનું સ્વામી પર ધ્યાન રાખવું : પુરુષો (પ્રષ)ને નારીઓનું નાવણ, પૂજન, શંકરનું ધ્યાનકરણ, એવું બધું નિહાળીને કવિનું દિલ પોતાના મૃત આશ્રયદાતા, વીસળ-સુત માલા જામને યાદ કરે છે. અથવા તો હરકોઈ બીજું ચારણી ગીત ઉપાડો : નવ ખંડ નીલાણીએ, પાવન પાણીએ

વાણીએ દાદૂર મોર વળે,

શવદાસ ચડાવણ પુજાય શંકર

શ્રાવણ માસ જળે સલળે.

નવે ખંડ નીલા થયા : પાણીએ પાવન થયા : દેડકાં ને મોરલાની વાણી ફૂટી : શિવની વ્રતપૂજા ચાલી : એવો સજળ શ્રાવણ માસ. આ વર્ણન સ્ત્રી-ગીતોમાં નથી. આંહીં પ્રાધાન્યપદે પ્રકૃતિ-લીલા છે, ને ત્યાં અગ્રપદે વિરહી દશાની લાચારી છે. ચારણી કાવ્યમાં જુઓ તો — રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય

રંગ નીલંબર શ્વેત રજે,

ફળ ફૂલ અપ્રબ્બળ, કમળ ફેલીએ

વેલીએ નેક અનેક વજે.

એવા ગગન-ધરતીના રંગખિલાવ પર દિલ-ડોલન થઈ રહૃાું છે. ઠેર ઠેર પીલંબરી લાલ ફુલી લીલંબરી બણી પૃથી

ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેઘુંબ;

એ જ દૃષ્ટિયોગ : ઋતુદર્શને ઘેલાતૂર બનેલા યોદ્ધાની આનંદ-લૂંટ : કલ્પનાના વ્યોમ-ધરતી ફરતી વિક્રમશીલ ઘૂમાઘૂમ : અને પલે પલે યોદ્ધાની જ ઘેરી ઘેરી આંખડી વતી ચાલતું અવલોકન : એ રસિકતામાંથી પણ વિક્રમ જાગે : પ્રેરણાનાં ચેતનપૂર ઉછાળા મારે : મનઘોડીલા થનગને. શબ્દાડમ્બર વિ સ્વાભાવિકતા ત્યારે એથી ઊલટું સ્ત્રી-ગીતોમાં હૈયું અંદરખાનેથી રડે, અંતરની કઠોર ધરતી પલળીને પોચી પડે, ઋતુ-સંભારણે ગમગીની વધે, ઊર્મિઓ વિરહ-દુ :ખની અતિશયતાને લીધે ઘણુંખરું ક્ષીણ પણ પડી જાય, સ્ત્રીત્વને વિશે અબળાપણાનો ને અસહાયતાનો માઠો ખ્યાલ પણ પોષાય. પરંતુ બીજી બાજુ ચારણી ગીતોથી કુટુંબ-જીવનના કોમળ ભાવો ક્યાં જરીકે ઝિલાયા છે? મેઘદર્શને ખેતરોમાં કલ્લોલી ઊઠતી ભરુભોમની બહેન — વરસજે વરસજે હો મેહુડા બાવાજીરે દેશ!

જઠે ને માડીરો જાયો હળ ખેડે.

ભીને ભીને હો વીરા મારા! પાઘડિયારો પેચ, ભાભજનો ભીને હો ચૂડો વળી ચૂંદડી. ભીને ભીને હો ભાભજ મારી! રેશમિયારી ડોર, ગીગો ને ભીને હો થારો પારણે [‘ઋતુગીતો’] એમ મેહુલાને મહિયર મોકલે, ખેતરમાં ભાઈ હળ ખેડતો હોય ને ભાભી નીંદામણ કરી રહી હોય એવું ચિત્ર આલેખે, વીરાની પેચાળી પાઘડી, ભાભીનો ચૂડો ને ચૂંદડી, તરુવરની ડાળે ઝૂલતા પારણાની દોરી ને એમાં પોઢેલો ભત્રીજો, એ સર્વને વૃષ્ટિમાં ભીંજાતાં કલ્પે. આવું દૃશ્ય શોધવા ચારણી કાવ્યમાં નિરર્થક છે અથવા તો સાસરવાસીના પિંજરમાં પુરાયેલી માબાપ વિહોણી મારવાડી બહેન ઋતુએ ઋતુએ ભાઈ ને — વરસાળે આણાં મેલજો રે વીરડા!

વરસાળે ખોદું જૂઠડા.

શિયાળે આણાં મેલજો રે વીરડા!

શિયાળે સાંધું સાંધણાં!

ઉનાળે આણાં મેલજો રે વીરડા!

ઉનાળે કાંતું કાંતણાં.

એવા ઓશિયાળા ભાવોના સંદેશા મોકલે, ‘તું તેડાવીશ તો હું તારા ત્રણેય ઋતુમાં કામ કરી આપીશ, મફતના રોટલા નહિ ખાઉં. વર્ષામાં ખેતરનાં ઘાસ નીંદી દઈશ, શિયાળામાં ગોદડાં સાંધી દઈશ, ને ઉનાળામાં સૂતર કાંતી દઈશ’ એવી ખાતરી આપે, છતાં ભાઈ તો પ્રત્યુત્તરમાં બહેનને — ખોદશે રે ઘરની નાર મારી બેનડી

તમે તમારે સાસરે.

એવા નકાર જ કહાવે : ફરી પાછી ભોળુડી બહેન તો — પિયરનાં ઝાડવાં દેખાડો મારા વીરડા

એ રે ઝાડખડે હીંચતાં.

જેની ડાળે બેઉ ભાઈબહેન જોડે હીંચકેલાં એ પિયરનાં બાળસાથી ઝાડવાંને મળવા તલખે, ત્યારે સ્વાર્થી ભાઈ — ઓતર દખણની વાવળ રે આવી વાવળે રોળાઈ ગ્યાં ઝાડવાં. એવો જૂઠાણાવાળો જવાબ વાળે. આખરે પિયર-દર્શનની આશા સંકેલીને બહેન — જો રે મરીને સરજું ઊડણ ચરકલી

જઈ બેસું વીરાને ટોડલે

જો રે મરીને સરજું કૂવાનો પથરો

માથે ધોવે રે વીરડો ધોતિયાં

[‘ઋતુગીતો’] એવી અંતર ચીરનારી મૃત્યુ-ભાવના ભાવે : આવી હૃદયસ્પર્શી, વેધક, પ્રયત્નહીન ને આડમ્બરહીન ગૃહ-ઊર્મિઓ ચારણી કાવ્યમાં ગોતી જડશે નહિ. શ્રાવણી ત્રીજના વિશિષ્ટ તહેવાર પર બહેનને ઘેરે તેડી લાવવા માટે હેતાળ ભાઈ એને સાસરે જાય : પણ બનેવીની જમીનમાં બાર-બાર હળનાં વાવણાં જૂત્યાં હોવાથી એ બાર સાથીઓનાં ભઠિયારાં કોણ ટીપી આપે? એટલે બનેવી બહેનને નથી મોકલતો : હતાશ ભાઈ ઘેરે આવીને બહેનની વાટ જોતી માતાને એક જ સંદેશો કહે છે : એક મત જલમો માતા બેનડી રે

બેનડી રૂવે પરદેશ!

સાતે ભાયાની બેનડી રે

બેનડી રૂવે પરદેશ!

એવી શ્રમજીવીઓની સંસાર-ઘટનામાં ભરપૂર પડેલી મનોવેદનાને આટલી સરળ, દ્રાવક શૈલીએ વર્ણવવાની આશા અમીરઆશ્રિત અને આડમ્બરપ્રેમી ચારણ-કવિ કનેથી રાખવી વ્યર્થ છે. ને કોઈ પણ ચારણી ઋતુવાણીમાં આપણને નીચેના મારવાડી સ્ત્રી-ગીતનો સૂક્ષ્મ રસીલો વિનોદ જડશે ખરો? — આ તો સરામણ આયો રે મારા સોજતિયા સરદાર

ભમરજી! સરામણ આયો રે.

આ તો થેં કે કેમ જાણ્યો રે મારી સદા રે સુવાગણ નાર!

ગોરાંદે! થેં કેમ જાણ્યો રે!

આતો અંદર ધડૂકે હો મારા સોજતિયા સરદાર!

ભમરજી! અંદર ધડૂકે હો!

માને2 પિયર મેલો રે મારા પાલીરા3 પરધાન!

ભમરજી! પિયર મેલો રે!

મેં તો સાથે જી હાલાં રે મારી સદા રે સુવાગણ નાર!

ગોરાંદે! સાથે જી આવાં રે

મેં તો લાજે જી મરાં રે મારા સોજતિયા સરદાર!

ભમરજી! લાજે જી મરાં રે.

થેં તો ઘૂંઘટો જી કાઢો રે, મારી સદા સુવાગણ નાર!

ગોરાંદે! ઘૂંઘટો જી કાઢો રે.

મેં તો ગરમે જી મરાં રે મારા સોજતિયા સરદાર!

ભમરજી! ગરમે જી મરાં રે.

થેં તો ઝીણો ઝોલો ઓઢો રે મારી સદા રે સુવાગણ નાર!

ગોરાંદે મોરી! ઝીણો ઝોલો ઓઢો રે.

અર્થ : હે મારા પતિ! આ શ્રાવણ આવ્યો. હે મારી સુવાગણ સ્ત્રી! તેં શી રીતે જાણ્યું? હે મારા પતિ! આ ઈંદ્ર ગાજે છે તે પરથી જાણ્યું. હે પતિ! મને પિયર મોકલો! હે મારી ગોરી! હું પણ સાથે આવું. હે પતિ! તો હું લાજી મરું. હે ગોરી! તો તમે ઘૂંઘટો કાઢજો! હે પતિ! તો મને બફારો થાય. હે ગોરી! તો તમે બારીક ઓઢણું ઓઢજો! (મતલબ કે ચાહે તેમ થાઓ, પણ હું તારાથી જુદો નહિ પડું. વિનોદરૂપે ધણીનો ત્રાસ આલેખાયો છે.) અથવા કોઈ પણ ચારણી ‘બારમાસા’માં આ પંજાબી સ્ત્રીઓની કંઠસ્થ બારમાસીના મધપૂડેથી ટપકતાં હોય તેવા કાવ્યબિન્દુઓ મળશે? હાડ કાગ ઉડામદી મૈનૂં

ઊડ કાગા લૈ જા!

ભઠ્ઠ પવે તેરી દોસ્તી મેરા લાલ થિઆના

મૈં નૂં તેરે નેણાં દી સોંહ જા.

[અષાઢમાં હું કાગડા ઉડાડું છું. હે કાગા! મને તેડી જા, જ્યાં મારો લાલ હોય ત્યાં.] ચુન ચુન ખામીં હડ્ડિયાં કાગ બચારેઆ, મેરા ચુગ ચુગ ખા લમીં માસ રખ લમીં દો અક્ખિયાં મૈંનૂં ફેર મિલનદી

તેરે નૈણાં દી સોંહ, આસ.

[‘ઋતુગીતો’] [હે કાગા! મારાં હાડમાંસ ચૂંટી ચૂંટીને ખાઈ જજે. ફક્ત મારી બે આંખો રહેવા દેજે કેમ કે મારે પતિના ફરી એક વાર મિલનની હજુ આશા છે.] અથવા પંજાબણ વિરહિણીનો વિનોદ તપાસો. ‘બારમાસી’ ગાતે ગાતે એ ચાર વર્ષના પતિવિજોગ પૂર્વેનો એક પ્રસંગ સંભારે છે — થાલી ટુટ્ટી કંઠેઓં ચીરે વાલેઆ,

મેરે માહી નૂં ફુટડી મસે

અબ તો બૈઠે ઓ ઘર ગાલિયાં દિંડડી

તેરે નૈણાં દી સૌંહ સસે

[થાળીનો કાંઠો તૂટ્યો, ઓ વહાલા! ને તને મૂછો ફૂટી છે. તું [મુછાળો] બેઠો છતાં હજુય મને સાસુ ઘરમાં ગાળો દઈ રહી છે.] આવા ભાવો ચારણી વાણી માટે અસંભવિત છે. ચારણી કાવ્ય એ પૂરેપૂરું લોકકાવ્ય નથી. એ બે વચ્ચેનો ભેદ તો આ રહૃાો : “It is difference between sophistication and artlessness : Minstrel’s song will suit the hall better than the bower, the tavern or the public square better than the cottage, and would not go to the spinning-wheel at all.” (Prof. Kitterige.) દોહાનું ઋતુકાવ્ય દોષમુક્ત છે લોકસાહિત્યનું ઉત્તમોત્તમ ઋતુકાવ્ય તો દોહાઓમાં ઊતર્યું છે : સ્ત્રી-ગીતો અને ચારણી ગીતો બન્નેના નબળા સંસ્કારોથી મુક્ત અને છતાં બન્નેનાં જૂજવાં સામર્થ્યને સંઘરતા એ દોહાઓ એટલે ગોપજનોનાં વનવાસી હૈયાંનો મીઠામાં મીઠો નિચોડ : એની સૌંદર્યપારખુ દૃષ્ટિ એક બાજુથી એકેક પંક્તિના દોહામાં — વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી નીલાણી; એવું ચિત્રાંકણ કરે છે અને છતાં તેની સાથોસાથ બીજી એક પંક્તિમાં — (એક) વિજાણંદને કારણે શેણી સુકાણી. એવું વિજોગી ગોપ-યુવતીનું પ્રેમ-દર્દ સબળ મિતાક્ષરી રીતે ચાંપી ચાંપી એ બબ્બે પંક્તિઓમાં ભરી આપે છે. ચિત્રાલેખન અને વેદનાલેખન, બન્નેની સમતોલ મેળવણીમાંથી નીપજેલ — કોટે મોર કણૂકિયા વાદળ ચમકી બીજ, રુદાને રાણો સાંભર્યો આઈ અષાઢી બીજ. સાણે વીજું સાટકે, નાંદીવેલે નેસ, કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. એવા દોહા-સોરઠા દાયરે અને નેસડે, સિતારના તાર પર અને વાંસળી વાટે સભારંજક વાર્તાકારને કંઠે અને ગાયો ચારતા ગોવાળને ગળે, રાજસભામાં અને રેંટિયાના ગુંજન સાથે, સર્વત્ર રેલી શકે છે. પીનાર પાનાર રંક કે રાય, વિદ્વાન કે નિરક્ષર, સ્ત્રી કે પુરુષ, સર્વેને સચોટ નાદ-થડકાર સમેત દોહો સ્પર્શી શકે છે. એ મેહ-ઊજળીના દુહા જુઓ — મોટે પણગે મે આવ્યો ધરતી ધરવતો અમ પાંતીનો એ ઝાકળ ન વરસ્યો, જેઠવા! વણ સગે, વણ સાગવે, વણ નાતરિયે નેહ, વણ માવતરે જીવશું, તું વણ મરશું, મેહ! એમ નાયક મેહજીને આકાશી મેહનું રૂપક આપીને નાયિકા ઊજળી ચારણીએ કરેલા વિલાપોમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ ભારોભાર છે. ભાષા-રચનામાં મર્દાનગીભર્યા ચારણી કાવ્યનું સંયમિત કૌવત છે અને તેટલી જ ગરબા-ગીતની કોમલતા છે. કારણ એ છે કે આ દોહા-સોરઠાનું સર્જન સભારંજક અને અલંકાર-શૂરા ચારણ કવિનું નથી. આ તો છે નિસર્ગનાં વીરત્વ અને માર્દવ બન્નેના ગાઢ સંગી, પ્રેમદર્દી, વિરહાનુભવી અને તે છતાં બીજી બાજુ તેટલા જ વિક્રમશીલ સ્વભાવવાળા વનરાજ-સંગાથી ગોપજનોનું ઊર્મિ-ઉચ્ચારણ. ભડલી-વાક્યો ઋતુગીતોનો એક ઉપયોગી પ્રકાર ‘ભડલી-વાક્યો’ નામનો ચાલે છે. આ ‘ભડલી-વાક્યો’ જનસામાન્યને તો કડકડાટ કંઠસ્થ રહેતાં, કેમ કે તેમાં ઋતુઓના વર્તારા છે. કોઈ કહે છે કે ભડલી નામની કણબણ થઈ ગઈ, ને કોઈ કહે છે કે ભડલી તો રુદ્રમાળનું ખાતમુહૂર્ત કરનાર મારવાડી હુદડ જોષીની પુત્રી હતી, તેને સંબોધીને એ ગોપકામ કરતા (બકરાં ચારતા) જ્યોતિષી પિતાએ આવાં વાક્યો કહેલાં. અને પછી તો હરકોઈ લોકકવિએ ઋતુની આવી અનુભવવાણી કાઢી તે ભડલી-વાક્ય તરીકે જ ઓળખાઈ. લોકો માને છે કે ભડલી-વાક્ય એ ભવિષ્યવાણી છે. નહિ, એ તો અનુભવના ઉદ્ગારો છે. વર્ષો સુધી ઋતુઓના ફેરફારો અને વ્યાપારોનું સૂક્ષ્મ દર્શન કર્યા પછી તેની અંદર જે અચલ નિયમો કામ કરી રહૃાા છે તેને લોકકવિઓએ કાવ્યબદ્ધ કરેલ છે — વરસે આદરા તો બારે પાધરા. [આર્દ્રા નક્ષત્ર વરસે તો બારે માસ સીધા પાર ઊતરે.] વરસે ઉત્તર તો ધાન ન ખાય કૂતર. [ઉત્તર નક્ષત્ર વરસે તો એટલું બધું ધાન્ય પાકે કે કૂતરાં પણ ન ખાય.] વરસે મઘા તો ખડના ઓઘા [મઘા નક્ષત્ર વરસે તો ઘાસ પુષ્કળ થાય.] વરસે ભરણી તો નાર મેલે પરણી. [ભરણી નક્ષત્ર વરસે તો પરણેલી સ્ત્રીને પણ ત્યજી દેવી પડે એવો કારમો દુષ્કાળ પડે.] વરસે સ્વાંત તો ન વાગે તાંત. [સ્વાતિ નક્ષત્ર વરસે તો પીંજારાની તાંત ન વાગે, અર્થાત્ કપાસનાં ફૂલ ખરી જાય, ને રૂનો પાક ન ઊતરે.] અસળેખા ચગી તો ચગી ને ફગી તો ફગી [આશ્લેષા નક્ષત્ર જો સારું વરસે તો તો સારું, નહિતર તદ્દન બગાડે.] રોંણ દાઝી [રોહિણી નક્ષત્રમાં મે વિનાની એકલી વીજળી થઈ હોય તો ભયંકર દુષ્કાળ પડે : અને ‘રોંણ દાઝી’ કહે.] રોંણ સુવાડી [કૃત્તિકા વરસી હોય, અને રોહિણી વરસી તેમ જ ચમકી હોય તો ‘રોણ સુવાડી’ કહેવાય એટલે કે સમૃદ્ધિ આપે.] ગાય-ભેંસને ‘સુવાડી’ કહેવાય છે. રોંણ કુંડાળાં [કૃત્તિકા નક્ષત્ર વરસે ને તે પછી રોહિણીમાં છાંટા ને વીજળી થાય તો ‘કુંડાળા’ થાય એટલે પાંચ ગામ સારાં પાકે ને પાંચ ગામ મોળાં પાકે.] વાવણી ને ઘી તાવણી. [જેમ ચૂલે માખણ તાવવા મૂક્યું હોય તેને એક ક્ષણ પણ રેઢું ન મુકાય, એક જ ક્ષણમાં એથી બરબાદી થઈ જાય, તેમ વાવણી પણ વૃષ્ટિ થાય કે તાબડતોબ કરવી પડે, નહિતર ઘણું નુકસાન થાય.] ‘ભાઈ, મડાં ઢાંકીને સાંતી જોડ્યાં છે.’ [રાતમાં કોઈ મરી ગયું હોય ને વાવણીનો વખત હોય તો મડદું ઢાંકીને ઘરમાં મૂકી રાખી વાવણી કરવાનું કામ પહેલું પતાવવું પડે, એટલી બધી એની મહત્તા છે.] ગિયું વરસ પુરબા વાળે. [છેક પુરબા નક્ષત્ર (શ્રાવણ વદ)માં પણ વરસાદ પડે તો પણ દુકાળનું આખું વર્ષ સુધારી આપે.] વખ પખ બે વાદીલાં વરસે તો વરસે, ને ઠાલાં તો ઠાલાં. [વખ (પુનર્વસુ) નક્ષત્ર ને તે પછીનું પક્ષ નક્ષત્ર બરાબર સરખાં જ વરસે અથવા સરખાં જ ન વરસે.] ઘેલી ચિત્રા માંડે ખેલ તો કાળે ઉનાળે આણે રેલ. [ચિત્રા નક્ષત્ર જો ખેલ માંડે તો કાળા ઉનાળે પણ રેલમછેલ લાવે.] દિ’એ કાઢે દુવાળાં

ને રાતે કાઢે તારા

આણંદ કે’ કરમાણંદા

ઈ છપનિયાના ચાળા.

[દિવસે જો આકાશ વાદળાંના ગાભા દેખાડીને રાતે પાછા સ્વચ્છ તારા દેખાડે, તો સમજી લેવું કે દુષ્કાળનાં ચિહ્નો છે.] કર કૃત્તિકા કલ્યાણ

વૂઠી ઘર વિદુ તણે

રોયણ દાંતી રાણ

મર દાઝે દેવકરણતણી.

[કૃત્તિકા નક્ષત્ર વરસે, તો પછી રોયણ છો દાઝે. (અર્થાત્ રોહિણી નક્ષત્રમાં કોરી વીજળી જ થવાનાં ભયંકર કાળચિહ્નો થાય તેનો પણ વાંધો નહિ.] માગશર ન વાયા વાવલા,

આદરા ન વૂઠા મેહ

ભર જોબનમાં નાયો બેટડો

ત્રણે હાર્યાં એહ.

[મૃગશીર્ષ નક્ષત્રમાં વાયુ નહિ, આર્દ્રા નક્ષત્રમાં મેહ ન પડે, ને માતપિતાનાં ભરયૌવનમાં જો પુત્ર ન અવતરે, તો એ ત્રણેય એળે ગયાં.] આથમણી તાણે કાચબી

જો ઊગમતે સૂર

દાદા કે’ વાછરુ વાળજો,

નકર જાશે પાણીને પૂર.

[દાદા કહે છે કે, જો સૂર્ય ઊગતી વેળાએ પશ્ચિમ દિશામાં મેઘધનુષ્ય ખેંચાય તો ચેતીને જલદી વાછરુ સીમમાંથી વાળી આવજો, કેમ કે એ તો પ્રચંડ વૃષ્ટિ થવાનું ચિહ્ન છે.] આસો વદી અમાસડી

જો આવે શનિવાર

ધન કણ રાખી સંગ્રહો

સૌ જગનાં નરનાર.

આગળ રવિ પાછળ પદી

મંગળ હાલ્યો જાય

એ વરસે અન્ન મોકળાં

હરખ ઘણેરો થાય.

[જે વર્ષે રવિ ગ્રહની પછવાડે મંગળનો ગ્રહ ચાલતો હોય તે વર્ષે અન્ન બહુ પાકે.] સ્વાતિ દીવા જો બળે

વિશાખા ખેલે ગાય

તો રાણીજાયા રણે ચડે

ને પૃથ્વી પરલે થાય.

[જો દિવાળી સ્વાતિ નક્ષત્રમાં આવે ને જો ગોધણ તેરશ વિશાખા નક્ષત્રમાં આવી પડે, તો તે ઉલ્કાપાતનાં ચિહ્ન સમજવાં.] શનિ રવિ કે મંગળે

જો પોઢે જદુરાય;

તો ચાક ચડાવે મેદની

ને કરકે પાળ બંધાય.

[દેવપોઢણી અગિયારશ જો શનિ, રવિ કે મંગળના રોજ આવે તો પૃથ્વી ચક્કર ચડે, અને મૂએલાં ઢોરનાં હાડપિંજરો (કરકાં) એટલાં બધાં વધી પડે કે તેના ગંજ ખડકાય. મતલબ કે ભયંકર દુષ્કાળ પડે.]