ધરતીનું ધાવણ/15.લોકગીતોમાં કથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


15.લોકગીતોમાં કથાઓ
[ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં આપેલું વ્યાખ્યાન : 1938]

કચ્છમાં હાજી પીરનો મેળો હતો. એ મેળામાં એક મુસલમાન કિશોર ગોવાળ ઈસ્માઈલ ગાતો હતો : એ ગીતની ટેક આ હતી : વરી આ વતન તે વરી આ વતન તે વિસાર્યાં માં વિઠી ઉમર કો ન આયો અભાણલજી ઓઠી [વળી આવ, ઓ ઉંમર! તું વતનમાં પાછો વળી આવ. અને અહીં તારી વાટ જોતી બેઠેલીને તું વીસરતો નહિ.] એ ગાતો હતો એક જૂની પ્રેમકથાનું ગીત : સિંધના રાજાને ફાંસલે ફસાયેલી ગ્રામીણ મુસ્લીમ કન્યાનું વિરહગીત. એ કન્યા પોતાના ગોવાળ પિયુને સાદ પાડે છે કે ‘ઓ ઉમર! પાછો વતનમાં આવ’. રાજા એને લલચાવે છે પોતાની સૌંદર્ય-સમૃદ્ધિ પ્રત્યે. ગ્રામકન્યા જવાબ આપે છે કે — તો વટ રંગ બેરંગ્યું તો વટ ગુલફૂલ હીલંતા અસાં વટ જારીયન મેં પીરૂ પચંતા ચુંઢંત્યું વેડન મેં હાર્યન્ત્યું વેડન મેં ચુંઢન લાલ લોયાર્યું [હે રાજા! તારે ઘેર રંગબેરંગી ફૂલો હીંચી રહ્યાં છે. પણ અમારા વતનમાં તો આડે વગડે ઊભેલાં ઝાળ્યનાં ઝાડવામાં જંગલી પીલુડા પાકે છે, તેને આજે લાલઘૂમ આંખોવાળી ઓરતો મસ્તીભેર ચૂંટતી હશે ને ઢગલા કરી કરી ચાલી જતી હશે. એની મઝાનું તને શું કહું? મને ત્યાં જવા દે.] વતનમાં વળી પાછા આવો! જૂની એ ગીતકથાની ગ્રામીણ કન્યાને સ્થાને લોકકવિતાને કલ્પો. માનવીને એનો પિયુ કલ્પો. અને પછી એના સાદ પરખો : વરી આ વતન તે વરી આ વતન તે [ઓ માનવી! વતનમાં, વતનની વગડાઉ કવિતામાં તું પાછો વળ, પાછો વળ.] એ અવિરત અવાજ આપણી પ્રાચ્ય વિદ્યામાંથી, આપણા લોકસાહિત્યમાંથી ઊઠે છે. લોકસાહિત્યને હું ગ્રામકન્યા સાથે સરખાવું છું. એને એનું પોતાનું સૌંદર્ય છે. સુધરેલું સંસ્કારી સૌંદર્ય સારું કે આ વીખરાયેલા વાળ અને લાલ લાલ લોચનવાળું, વગડાઉ પીલુડાં વીણતું સૌંદર્ય વધુ સારું — એ સરખામણી સાથે આજે આપણને નિસ્બત નથી. પણ ગ્રામકન્યા જેવા છે તેવા રૂપમાં એક આખી લોક-સૃષ્ટિનો રૂપ-આવિષ્કાર છે. એને જેવી છે તેવી જ જોવી પડશે. એના દર્શનમાં આપણી તર્કપ્રધાન વિવેચક-બુદ્ધિ ઝાઝી ખપની નથી. લોકસાહિત્યના શોધકને જો સફળતા મેળવવી હશે તો એણે લોકસાહિત્યના સંઘરનારાઓ પાસે તેમના જેવા જ ગ્રામીણ બનીને જવું પડશે. તે જ રીતે લોકસાહિત્યના લાધેલા સંગ્રહ પાસે બેસનાર અભ્યાસીએ પણ પોતાની ચાતુરી વેગળી મૂકી, પોતે ‘અનસોફિસ્ટીકેટેડ’ બની, પોતાના પૂર્વગ્રહોથી મગજને મોકળું કરી એ ગ્રામીણોના ભાવો તેમજ વિચારોમાં એકરસ બનવું પડશે. શેરડી ખાવી હશે તો હલવાઈની મીઠાઈની રસ-માધુરીથી જુદી જ તરેહનો રસ મેળવવા દાંતને, તાળવાને તેમજ જીભને તૈયાર કરવાં પડશે. અવિકૃત કલ્પના આખરે તો તમામ રસોનું આસ્વાદન-સ્થાન માનવીની તંદુરસ્ત અને અવિકૃત હોજરી જ છે. સાહિત્યના તમામ રસનું પૂર્ણ મધુરતાથી પ્રાશન કરનાર આપણા જ્ઞાનના કરતાંય વધુ તો આપણી અવિકૃત કલ્પના છે. આપણા પ્રાચીન જ્ઞાનીઓએ ગંધવતી તો પૃથ્વીને જ કહી છે. ફૂલો, અર્કો ને અત્તરો એના ધ્યાન બહાર નહોતાં. પણ સકળ ગંધનું ઊગમસ્થાન ધરતીની ધૂળ છે, એ એમનું વિજ્ઞાન હતું. નિર્મળ નાસિકેન્દ્રિય ધરાવતો માનવી વર્ષાની પ્રથમ વાર ભીંજાતી ધરતીથી, કે ઉનાળાના લીલાછમ ચાસટિયાની વાડીઓમાંથી, કે પહેલી જ વાર મહોરતા લીંબડા અને આંબાની મંજરીઓમાંથી જે સુગંધ પીતો હોય છે, તેને હીના અને ચમેલીની ભભક સાથે સરખાવવાનું પ્રયોજન નથી. સંજીવની શા માટે? આખરે તો સર્વ કોઈ સાહિત્યનું માપ એનામાં રહેલી સંજીવનીથી જ મપાય છે. ને સંજીવની ત્યાં જ શક્ય છે, જ્યાં લાગણીની સચ્ચાઈ છે. એ જ હરકોઈ સાહિત્યનો પ્રાણ છે. ઢોંગ, દંભ, આડમ્બર તો તમામ સાહિત્યના ઘાતક છે. લોકસાહિત્યના સૂરો અંતરની આરપાર જાય છે, કેમ કે એની ધારને પોકળ લાગણીઓએ જૂઠી નથી કરી નાખી. એમાં એકાદ વ્યક્તિની ચાલાકીના નહિ પણ વિરાટ જનતાના સરળ હૈયાના સંઘઝીલ્યા સૂરો છે. નરમ રજની-ઉજાસમાં કવિ સ્કૉટે મેલરોઝ મઠના ખંડિયેરનું દર્શન કરવા જેમ આપણને દિવસના તીવ્ર પ્રકાશને બદલે કૌમુદીરાતનાં નરમ તેજછાયામાં જોવા જવા કહ્યું, તેમ આપણે લોકગીતોની ગ્રામ-વનિતા સાથે પ્યાર કરવા જવું હોય તો બુદ્ધિનો કડક પ્રકાશ નહિ પાલવે. એક બીજા આશકે કહ્યું છે તેમ ‘એ પ્યારનું રહસ્ય અણપ્રગટ એકલવાસી ડુંગરાઓની ધુમ્મસમાં પડેલું છે. એનો સ્વર પહાડી ઝરણાંઓનાં કલકલ ઝરણાંઓમાં બેઠેલો છે. એના આશકે ફૂલભર્યા બાગના કરતાં ઉજ્જડ કરાડોને વધુ વહાલી કરવી પડશે, રાજમહેલો કરતાં રણવેરાન પર વધુ પ્યાર કેળવવો પડશે’. સ્વયમેવ વશ કરતી વાણી પરંતુ આટલું તો એક પક્ષે જ થયેલું કથન કહેવાય. લોકસાહિત્યમાં ખુદમાં શું એવુ સામર્થ્ય નથી કે જે પોતે જ કલુષિત રસેન્દ્રિયને વિશુદ્ધ કરે, તર્કઘેલડાને તર્કમુક્ત કરે : ‘સોફિસ્ટ્રી’ને નિ :શસ્ત્ર કરે? બેશક છે. નહિતર લોકસાહિત્ય સાહિત્ય જ ન કહેવાત. ‘કાન્તાસદૃશ’ — પ્રિયતમા-સમોવડી — બનીને જ લોકવાણી કલ્યાણકારી વશીકરણ કરે છે. તમે એ સાંભળો. આપોઆપ જૂઠા ડોળ અને ભપકા ભેદાય છે. ગીતો કાયદાથી લાદી શકાતા નથી. કોઈ કાવ્ય કેવળ અભ્યાસક્રમમાં ઘુસાડવાથી રુચિતંત્રમાં પણ પેસી શકતું નથી. આપણે થોડાક જ એની સામે અભિમુખ થઈ એ કે તરત જ એ આપણને એના હૈયામાં ઊતરવાનો માર્ગ સુંવાળો કરી આપે તો જ એ સાચું કાવ્ય. એ પ્રયત્ન કરાવે તોપણ હુલાવી ફુલાવી, મનને બહલાવી કાન્તાની પેઠે — ‘કાન્તાસદૃશ’ એ એની જવાબદારી છે. ગીતકથાઓનું લોકકાવ્ય એ જવાબદારીને પાર કરી શક્યું છે. એણે જનસંઘની ઊર્મિને હસાવવા-રડાવવાની, પુલકિત કરવાની કે કંપાવવાની ધારી અસર પાડી છે. સર્વમાન્ય રસના વિષય લોકવિદ્યાની સંશોધનની એક એવી ભૂમિકા પર આપણે આવી પહોંચ્યા છીએ કે જ્યારે એના સ્પષ્ટ વિભાગો પાડી નાખીને પછી પ્રત્યેક વિભાગ સાથે નિસ્બત ધરાવતો અભ્યાસી આખા વિષયના ડોળાણમાં ન ઊતરતાં સુખેથી પોતાની નિસ્બતવાળા નાના પ્રદેશમાં વિચરણ કરે તો વધુ સંગીન કામ થઈ શકે. વહેમો અને માન્યતાઓનો વિભાગ પુરાણવિદ્યા (‘કમ્પેરેટીવ માઈથોલોજી’)ના અભ્યાસીનો રસ-પ્રદેશ બને. રહેણીકરણી ને રીત-રિવાજોનો પ્રદેશ સમાજશાસ્ત્રના અન્વેષકના હાથમાં સોંપાય; પરંતુ તે પછી બાકી રહેતાં વાર્તાઓ ને ગીતો, અલબત્ત જોકે પ્રત્યેક નિષ્ણાતના સતત ઉપયોગના પ્રદેશો હોવા છતાં, એનું રસાકર્ષણ તો વિશાળ સાહિત્યભોગીઓના વર્ગને જ માટે રહેવાનું. કવિતાની દાદીમા કારણ કે પ્રત્યેક વાર્તાકથાની જનેતા લોકકથા છે, ને પ્રત્યેક કવિતાની દાદી લોકગીતો છે. લોકકથાઓના કરતાં લોકગીતો વધુ પ્રાચીન અને પુરોગામી હોવાનો પૂર્ણ સંભવ છે. બાલ્યાવસ્થાની સામાજિક ભૂમિકા પર ઊભેલો સમાજ જે કાંઈ યાદ રાખવા કે સંઘરવા યોગ્ય વિચાર જોતો તેને કવિતારૂઢ કરીને જ કંઠસ્થ રાખતો. આખા જનસમૂહના અંતરને હલમલાવી નાખનારી જે સંઘોર્મિ, તેને નિરક્ષર સમાજ ગેય પદરચનામાં જ પકડી કંઠ-પિંજરે પૂરી શકતો. ગદ્યપદ્યનો મુકાબલો ગદ્ય હંમેશા કવિતા કરતાં વધુ સ્વચ્છંદી, વધુ સ્વૈરવિહારી રહ્યું છે. ગદ્ય ઘણુંખરું જીવનની ઉજમાળી બાજુમાં જ વિહરતું રહ્યું છે. ગદ્યબાંધી લોકકથાઓનાં નાયક-નાયિકા સમાપ્તિકાળે પરણ્યાં-પષઠ્યાં છે, તેમણે ખાધું પીધું ને રાજ કીધું છે. પદ્યબાંધી લોકગાથાઓનાં યુગલો ઘણુંખરું મૃત્યુખોળે જ મિલન પામ્યાં છે. લોકગીતોનો લોક-ઈતબાર પર વધુ મજબૂત દાવો છે. કથા અને કાવ્યનું જોડાણ આજના વિષયની પસંદગી, એટલા જ માટે, કથા અને કાવ્ય બેઉને જોડનાર લોકકૃતિઓની મેં કરી છે. એ કૃતિઓનો ગીતકથા અર્થાત્ ગીતમાં પદબંધ કરેલી વાર્તા તરીકેનો વિભાગ મેં પોતે જ પાડેલો છે. લોકગીતોમાંથી મેં એની જુદી તારવણી કરી છે. એમ કરવામાં હું યુરોપી લોકસાહિત્યના ‘બૅલડ’ નામના બહુ ખેડાયેલા અને બહુમાન્ય થયેલા વિભાગીકરણને અનુસર્યો છું. ‘બૅલડ’ની આંકણીનાં જે યુરોપી ધોરણો બહુવિધ વિવેચન-ખેડાણને અંતે યુરોપી સાહિત્યમાં મુકરર થયાં છે તે જ આંકણી પર આપણી ગીતકથાઓને મેં કટોકટ કસી જોઈ છે. એ આંકણીએ મને આપણાં કથાગીતોના ઘડતરમાં સ્વયંભૂ સ્વરૂપે રહેલા કોઈ એ સભાન પ્રયત્નપૂર્વક બનાવેલા નહિ એવા સૌંદર્યનું વધુ સ્વચ્છ દર્શન કરાવ્યું છે, એ હું યોગ્ય અવસરે બતાવીશ. ગીતકથાઓના રસાસ્વાદમાં એ ધોરણો આપણને અણધારી મહાન મદદ આપશે. વિભાગો ગીતકથાઓના પણ જૂજવા પ્રદેશો છે :

1. સ્ત્રીઓના ગરબા-રાસડામાં પડેલી ગીતકથાઓ;
2. નાવિકોનાં ગીતો;
3. પુરુષોને જ મુખે ગવાતી દુહાબદ્ધ પ્રેમકથાઓ-વીરકથાઓ;
4. રાવણહથ્થાના બજવૈયા ભરથરી નાથ બાવાઓની ઘુઘરિયાળી કામઠી પર લલકાર પામતી બહારવટાંની, કરુણ અકસ્માતોની કે ભક્તોની કથાઓ;
5. તંબૂરના એકલ તાર પર ગવાતી સંતકથાઓ;
6. રાજ-આશ્રિત ચારણોની વાદ્યવિહોણી, અગેય, છતાં રાગયુક્ત છંદોમાં વહનારી, પ્રશસ્તિયુક્ત શૌર્યની, દાતારવટાંની કે ભીરુતા-કાયરતાની હાસ્યકથાઓ.

આ વિભાગીકરણ છેક સંપૂર્ણ નથી. એની સીમાઓની બહાર રહી જતા કેટલાક જૂજ જૂજ પ્રકારો છે. જેમ કે, રજપૂતોના લગ્ન-પ્રસંગે ગામના ચોરા પાસે એકઠો મળીને લોક-સંઘ કેટલીક કથાઓ ગાય છે. રાસડા-ગરબાની ગીતકથાઓ વાતવાતમાં વગોવાતો સમાજનો એક ખૂણો તે ચૂલો છે. એ ચૂલાની રાખમાં સાહિત્યનો પ્રાચીન અગ્નિ-તણખો ભારેલો રહ્યો છે. ઇતિહાસવેત્તાઓ ભાખે છે કે સંસ્કૃતિનાં મહાન કેન્દ્રો બનનારાં નગરો હંમેશા જગતના ધોરી માર્ગોની અવરજવરથી આઘે કોઈ સાગરકિનારે અથવા નદી-ખીણમાં જ સરજાયાં છે. તેની સાથે રસોડું મુકાબલાની વસ્તુ બને છે. સંગ્રહને — સંસ્કૃતિના સંગ્રહને — તેમજ સંરક્ષણને તો ખાસ કરીને સંગ્રહશીલ વાતાવરણની અપેક્ષા છે. રસોડું એટલે કે સ્ત્રી એ આપણું રક્ષણશીલ અંગ રહ્યું છે. આજનો ચિંતક, શિલ્પી, શાયર, અથવા હરકોઈ શાખાનો સર્જક એકાંતવાસી જ રહે છે. નારીસમૂહના એકાંત-નિવાસે નારીને સંગ્રહશીલ રાખી, તેથી જ એ જગતની આદ્યકવિ ને આદ્યકથાકાર રહી શકી છે. એણે દળતાં ને ખાંડતાં, વલોણું કરતાં ને પાણી ભરતાં, ગર્ભાવસ્થામાં, જન્મકાળે ને પારણાની દોરીએ, લગ્નમાં તેમજ મૃત્યુની સમીપ ગાયું ને ગવરાવ્યું છે; શબ્દોને સુવ્યવસ્થિત, કંઠને ફરસો, સ્મૃતિને સતેજ, લાગણીને સુસ્થાને સાચવેલ છે; મર્મની વેધકતા, કરુણનું સંવેદન, કોપના અગ્નિ-ધખારા, ઇતિહાસની માનવતા, પ્રેમની સરળતા, ઉલ્લાસની નિર્મળતા — સર્વને એણે કવિતામાં ઉપાસ્યાં છે. ને એ ઉપાસનાનાં બહુવિધ સ્વરૂપો આપણે એની ગીતકથાઓમાં નિહાળીએ. એનું નાનું એવું, રમકડા જેવું આમોદ-ગીત લઈએ. નાનામાં નાની ગીતકથા વહુવારુને કોણ મનાવા જાય ચૂંદડલી નહિ રે ઓઢું દીનાનાથ ચૂંદડલીમાં કાળી કસુંબલ ભાત્ય. વહુવારુને સસરો મનાવા જાય ચૂંદડલી નહિ રે ઓઢું દીનાનાથ ચૂંદડલીમાં કાળી કસુંબલ ભાત્ય. [‘રઢિયાળી રાત’] પછી જેઠ, દેર સર્વ મનાવવા જાય છે પણ વહુવારુ ચૂંદડલી નથી ઓઢતી. આખરે — વહુવારુને પરણ્યો મનાવા જાય ચૂંદડલી ઝટ રે ઓઢું દીનાનાથ ચૂંદડલીમાં રાતી કસુંબલ ભાત્ય. રિસાયેલ વહુ છે. એ કોઈની મનાવી માનતી નથી. આખરે પતિ મનાવવા જાય છે. વહુવારુ ઝટ માની જાય છે. મિતાક્ષરી કથનની સરસતા સ્ત્રીઓની ગીતકથાઓ પૈકીનું આ સૌથી નાનું, ખુદ વહુવારુના જેવડું જ નાજુક કથાગીત છે. એમાં કથા રમે છે. એ કથામાં આમોદયુક્ત પ્રેમનો પ્રસંગ છે. કથા કહેવાની રીત અનોખી છે. એક હતી વહુ, એ રિસાઈ,... વગેરે કહેવું પડતું નથી. એ કહેવા બેસે તો મિતાક્ષરી કથનની સરસતા ખંડિત થાય. પણ એ ગીતકથામાં ગતિ કેટલી બધી છે! નાના નાના નાટ્યપ્રવેશો છે જાણે કે. ગીતકથાના આ સૌથી લઘુ કળી-સ્વરૂપને સામે છેડે સૌથી વધુ વિકસિત પુષ્પ-સ્વરૂપ ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’નું છે. (‘રઢિયાળી રાત’.) એ આખું જ કથાગીત, યુરોપી વિવેચન-નિયમોની ચકાસણીમાં ચડીને ‘સંપૂર્ણ’ સાબિત થાય તેવું હોવાથી તેને આખેઆખું આંહીં ઉતારવા જેવું છે : ગામમાં સાસરું ને ગામમાં પિયરિયું રે લોલ કે’જો ધીડી! સુખદુ :ખની વાત જો કવળા સાસરિયામાં જીવવું રે લોલ. — સુખના વારા તે માડી! વહી ગયા રે લોલ દુ :ખનાં ઊગ્યાં છે ઝીણાં ડાભ જો કવળા સાસરિયામાં જીવવું રે લોલ. — પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો! વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — નણદે જઈ સાસુને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — સસરે જઈ જેઠને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — પરણ્યે જઈ તેજી ઘોડો છોડિયો રે લોલ જઈ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડા રે લોલ. — અધશેરો અલમિયાં તોળાવિયાં રે લોલ પાશેર તોળાવ્યો સોમલ ખાર જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — સોનલા વાટકડે સોમલ ઘોળિયાં રે લોલ પિયો ગોરી! નીકર હું પી જાઉં જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — ઘટક દઈ ને ગોરાંદે પી ગયા રે લોલ ઘરચોળાની ઠાંસી એણે સોડ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — આટકાટનાં લાકડાં મગાવિયાં રે લોલ ખોખરી હાંડીમાં લીધી આગ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ બીજો વિસામો ઝાંપા બા’ર જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ ચોથો વિસામો સમશાન જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ રૂપલા વરણો વહુનો ધૂંસ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. — બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ હવે માડી! મંદિરિયે મોકળાણ જો સૌનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ. — નાટકની કલા એના ઘડતરને એક અણીશુદ્ધ સંપૂર્ણતા છે. એમાં નાટકની કલા રમણ કરે છે. પ્રવેશો પછી પ્રવેશો ઊઘડતા આવે છે. એક જ ગામમાં પિયર અને સાસરિયાવાળી વહુ માવતર જાય છે. મા સુખદુ :ખની વાત પૂછે છે. દીકરી અંતર ખોલી દુ :ખ કહે છે. પછવાડે ઊભેલી જાસૂસ નણંદ સાંભળે છે. ઘેર જઈ એ સાસુને કહે છે. સાસુ સસરાને, સસરો જેઠને, ને જેઠ નાના ભાઈને કહે છે : ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ : આપણા અડીખમ આબરૂદાર ઘરને તારી વહુએ વગોવ્યું. પરણ્યો ચૂપચાપ તાબડતોડ અફીણ લાવે છે, ઘૂંટીને તૈયાર કરે છે, પત્નીને કહે છે, કાં તું પી, કાં હું : બેઉથી સાથે આ ‘મોટા ઘર’માં નહિ જીવી શકાય. પત્ની એકશ્વાસે એકઘૂંટડે ઉતારી જાય છે. સોડ્ય તાણીને સદાને માટે સૂઈ જાય છે. એના મોતની તુચ્છતા સૂચવતી કંગાલ શબયાત્રા કાઢવામાં આવે છે. બાળીને ઘેર આવ્યા પછી પતિ પોતાની માતા-બહેનને જે શબ્દો કહે છે, તેમાંથી આપણને સ્પષ્ટ થાય છે કે એ પણ કેટલી વેદનામાં દગ્ધ બન્યો છે. ગીતકથાનાં લક્ષણો એકાએક ઘટના-પ્રવાહમાં જ આપણને ઘસડી જનારા, અને આસપાસની પ્રકૃતિ કે વાતાવરણનું બયાન આપ્યા વિના પ્રસંગ પછી પ્રસંગોની જ પરંપરાની પાર નીકળનારા આ કથાગીતની વેગીલી નિરૂપણ-શૈલી હરએક ગીતકથામાં પડેલી છે. વેગ, પ્રબલ ઝંઝા-વેગ : અને ઘટનાના નિરૂપણ-પૂર પછીથી આછરતો જીવન-ધ્વનિ : એ ‘બૅલડ’નાં લક્ષણો છે. ગીતકથામાં વિચાર ધ્વનિરૂપે જ રહેલો છે. ગીતકથા ટૂંકી વાર્તાનાં તેમજ મહાકાવ્યનાં, બેઉનાં લક્ષણોનો મેળ સાધનારી છે. ઉપર કહેલાં બે ગીતોની વચ્ચેના ગાળામાં જે બહુવિધ સંસારદર્શી ગીતો છે તેને લંબાણભયે વેગળાં રાખી, વીરત્વનો પ્રસંગ આલેખતા એક ગરબા પર આવું છું. સોનલની ગીતકથા સોનલ રમતી રે ગઢડાને ગોખ જો ગઢડાને ગોખ જો રમતાં ઝલાણી સોનલ ગરાસણી [‘રઢિયાળી રાત’] કોઈ ઠાકોરના રાજગઢને ઊંચે ગોખે રમતી — એટલે જ બાળકુંવારી રજપૂત-કન્યાનું અપહરણ થાય છે. ગોખ પરથી ઉતારનારા સાંઢ્યોના સવારો-સિંધીઓ કે સુમરાઓ જેવા જ કોઈ હશે. લઈને લૂંટારા ચાલ્યા. આડો આવ્યો રે સોનલ, દાદાનો દેશ જો દાદાનો દેશ જો સોનલે જાણ્યું જે દાદો છોડાવશે દાદા એટલે પિતા : કહેણ મોકલ્યું છે કે મને છોડાવી જાઓ. પિતા સોનલની સંસારી કિંમત ચૂકવવા આવ્યો — દાદે દીધાં રે સોનલ, ધોળુડાં ધણ રે કાંઈ ધોળુડાં ધણ રે તોયે ન છૂટી સોનલ ગરાસણી પિતાએ ગાયોનાં ધણ આપવા માંડ્યાં, પણ અપહરણ કરનારાઓએ વધુ માગ્યું. મામાનો દેશ આડો આવ્યો. મામા વધુ મૂલ્યવંતા ‘કાળુડાં ખાડું’ એટલે ભેંસોનું ટોળું લઈ આવ્યા. ચોરો ન સંતોષાતાં આગળ વધ્યા. ભાઈનું ગામ આવ્યું. ભાઈ તો જરૂર જરૂર મને છોડાવશે : ભાઈ આગલા બેઉથી વધુ મૂલ્યવંતા ‘ધમળા વછેરા’નું ટોળું લાવ્યો; એય ન સ્વીકારતાં, વધુ કંઈક મળવાની લાલચે લૂંટારા આગળ વધ્યા. છેવટે ‘આડો આવ્યો સોનલ સ્વામીનો દેશ જો!’ સ્વામી કશી માલમૂડી ન લાવ્યો, પણ તરવાર ખેંચીને લડ્યો. એના માથા સાટે સોનલને મુક્તિ મળી — સ્વામીએ દીધી રે એના માથા કેરી મોળ્યું જો ધમકે રે છૂટી સોનલ ગરાસણી ક્રિયા દ્વારા કથન સંપૂર્ણ આત્મસમર્પણ વગર સ્ત્રીરક્ષા, ગ્રામરક્ષા, રાષ્ટ્રરક્ષા, ટૂંકમાં સ્વમાનરક્ષા થતી નથી. પીડિતોને હાથ પડેલું સ્વમાન, સોદાસાટાની કે દલાલાં-મસલતોની વસ્તુ નથી. આવું કંઈક લોકકવિને કહેવું હશે કે નહિ તે તો કોણ જાણે, પણ બનેલો અથવા કલ્પેલો પ્રસંગ લોકકવિએ થોડામાં થોડા શબ્દોને ખરચે ક્રિયા દ્વારા જ કહી નાખ્યો છે. ગીતકથાઓની સત્યપરાયણતા ગોપીચંદનો ગરબો ભક્તિભાવને ઠોકરે મારી સંસારી સ્નેહનાં જ તીવ્ર સંવેદનોનું વાહન બનેલ છે, કેમ કે સ્ત્રીઓને ગોપીચંદની ઘટનામાંથી એ જ ઊર્મિએ અપીલ કરી. ગીતકથાઓ સત્યપરાયણતા તે આનું નામ. અન્ય ઊર્મિઓને ભોગે ભેખ અને વૈરાગ્યની ભવ્યતા ગાવાનું એનાથી બન્યું જ નહિ. શિવ-પારવતીના ગરબામાં લોકકવિએ દેવત્વની ઉપેક્ષા કરીને માનવ-સહજ નિર્બળતાને જ આગળ આણી. ‘પાતળી પરમાર’ના રાસડા હત્યારી માતા તરફનો સમસ્ત સુકોમળ ભાવ હત્યા પામેલ પત્નીના શબ ઉપર તિલાંજલી પામ્યો. માટે જ ગીતકથાઓ સચ્ચાઈની કવિતા ગણાય છે. ‘જસમા ઓડણ’ની લાંબી ગીતકથાને, ‘ગુજરી’ની કથાને, ‘બાપુ ભાલાળા’ની કથાને, એ સર્વ લાંબી, વધુ વર્ણનાત્મક કથાઓને ચર્ચવાનું આંહીં ત્યજવું પડે છે, કારણ કે ગીતકથાનો વિષય આ વ્યાખ્યાનને પણ પોતાનાં જ લક્ષણોનું પાલન કરવાની ફરજ પાડતો હોવાથી હું પણ સ્ત્રીગીતોનો બહોળો પ્રદેશ નિર્દેશ માત્રથી જતો કરીને નાવિક-ગીતો પર આવું છું. સ્ત્રીગીતો એક સાગરબહોળા સમૂહની સંસારી લાગણીઓનાં બહુવિધ સ્વરૂપોને પકડે છે. નાવિક-ગીતમાં નાવિક-જીવનનો સત્યપરાયણ ચિતાર છે. નાવિક-ગીતો સાત વર્ષ પૂર્વે ખૂંદેલો સોરઠનો ઉગમણા કાંઠાનો એક નાનકડો જ ટુકડો મને યાદ આવે છે. ફિરંગીઓના પુરાતન બારા કળસારથી માંડી જાફરાબાદ સુધીની સાગરપટ્ટી પર હું ફર્યો હતો. આથમતા કાળની ભૂખરી પ્રભામાં અમે દીઠી — જેમનાં ચારિત્ર્યની ગિલા-નિંદા ડગલેપગલે સાંભળી હતી તે નાવિક-ગામડા કતપરની ખારવણોને. ગામ ખાલી હતું, પૂછ્યું, લોકો ક્યાં ગયા? જવાબ મળ્યો, મરદો દરિયાની ખેપે, ને બાઈઓ મહુવા શહેરમાં મજૂરી કરવા. ધણીઓ વિહોણી આ બાળ-સાચવતી ને પેટ કારણે મજૂરી ખેંચતી ખારવણોના મુખમાંથી, ઈતબાર બેસાડવાના ઘણા ઘણા પ્રયત્નોને અંતે અમે ગીતો કઢાવ્યાં. રૂનાં પૂંભડાં પીંખતી, રૂની કીટીમાં નાહતી-નીતરતી અને રૂમાં રગદોળાતાં બાળકોનાં ઘોડિયાં ખેંચતી આ ખારવણોએ ખલાસી-જીવનની ક્ષણભંગુરતા, વિરહની વેદનાને ડૂબવતી દારૂની પ્યાલીઓ, દારૂને કાજે ઓરતોનાં છેલ્લામાં છેલ્લાં વસ્ત્રાલંકારનાં વેચાણ, દૂર દેશાવરના દરિયા ખેડતા ધણીઓના ઉચાટ ને અજંપા, સાચેસાચ જિવાતા જીવનની બારીક તસવીર ઝીલતાં ગીતો ગાયાં — દુ :ખનો ચિતાર જોબનિયાં મારાં મલબારી પંથમાં ચાલ્યાં જોબનિયાં કાલ આવતાં રે’શે જોબનિયાં તમે દારૂ પીને ગાંડાં થિયાં — જોબનિયાં કાલ જોબનિયાં તમે લીલે ગલાસે લાણું કરિયું — જોબનિયાં કાલ જોબનિયાં મારાં નાકુંની નથડી મેલી — જોબનિયાં કાલ જોબનિયાંને મુંબીના પંથ લાગ્યા દોયલા — જોબનિયાં કાલ જોબનિયાં મારાં મુંબીની ગોદિયુંમાં માલે — જોબનિયાં કાલ જોબનિયું મારું જ જથ્થેલું પીઠે હાલ્યું — જોબનિયાં કાલ જોબનિયાં મારાં, ઘાસલેટનો દારૂ નથી સારો — જોબનિયાં કાલ જોબનિયાં મારાં ઘાસલેટે ખોડાં પડી જાયે — જોબનિયાં કાલ જોબનિયાંને પેટુંમાં અગનિ ઊઠે — જોબનિયાં કાલ જોબનિયાં મારાં વાંસેલાં ગોરસ પીશે — જોબનિયાં કાલ [‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’] તેઓના જીવનની આરસી : તેઓનો દુ :ખભુલાવણ દારૂ : તેઓની શબ્દો ન શોધી શકતી માયામમતા : ને જીવનનો અંજામ. રૂખમાઈ અને ફિરંગી પણ એથીયે જૂનું કથાગીત જડ્યું, ફિરંગીઓએ સોરઠનો કાંઠો કબજે લીધો હતો તે કાળની કારમી કથા કહેતું — તું તો મંબી હાલ્યો, તું તો મલબાર હાલ્યો નાણાની રે ખોટ્યે, ખરચીની રે ખોટ્યે અધવચમાં મેલ્યાં, અધવચમાં મેલ્યાં કોઈ તડનાં નથી, ઘરબારનાં નથી. કાકાના રે કારૂ, મામાના રે મુરૂ દુ :ખડલાં રે દેવે, દુ :ખડલાં રે દેવે જાંગલો રે આવ્યો, ટોપીવારો આવ્યો, પીથલપરને પાધર, કેરાળાને પાધર તંબુડા રે તાણ્યા, તંબુડા રે તાણ્યા પીથલપરને પાધર, કેરાળાને પાધર રખમાઈ પાણી હાલી, રખમાઈ પાણી હાલી ઝીલણિયે રે તળાવ, ઝીલણિયે રે તળાવ વાંસે જાંગલો હાલ્યો, વાંસે જાંગલો હાલ્યો રખમાઈને લેવા, રખમાઈને લેવા ફેરા ફરવા દે ને, જવતલ હોમવા દે ને પેછે તમારાં છૈયેં, પેછે તમારાં છૈયેં વંટોળો રે આવ્યો, વંટોળો રે આવ્યો ચૂંદડલી રે ઊડી, પાંભડલી રે ઊડી ચૂંદડલી રે ઊડી, પાંભડલી રે ઊડી ટોપીઆને ઘેરે પોઢી, જાંગલાને ઘેરે પોઢી [‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’] ગીતકથાઓની અશિષ્ટતા નાણાંની તંગી લઈ જુવાન ખારવો પરદેશ ચાલ્યો, ઓરત રુખમાઈને એના પિત્રાઈઓએ દુ :ખ દીધું. ગામને પાદર ગોરા ફિરંગીના પડાવ થયા. રૂખમાઈને જળાશયને કાંઠે ગોરાએ ભોળવી. નાવિક-કન્યાની કાકલૂદી કામ ન આવી. એ લોભાઈ ગઈ. એ ગીત કાંઠાળી પ્રજાના જીવન-સંસાર પર, જૂના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. એ ગીતની સમાપ્તિ પર કરુણતાના પરદા પડ્યા છે. શૃંગારની એ ભ્રષ્ટતાને ‘ચૂંદડલી રે ઊડી પાંભડલી રે ઊડી’નું ઢાંકણ છે. આ ગીતમાં અસભ્યતા કે જુગુપ્સા જોનારની દૃષ્ટિ જૂઠા કોણ પરથી જુએ છે. લોકસાહિત્ય પોતાનાં બાળકોને નાગાંપૂગાં નવરાવનાર માતા જેવું છે એ કાકા કાલેલકરે સાચું કહ્યું છે. ટેમ્સ નદીનાં કંઠાળી ગીતો વીણનાર અંગ્રેજ આલ્ફ્રેડ વિલિયમ્સના સૂર સાથે હું પણ સૂર પુરાવું છું કે “આ ગીતો સંઘરવા બદલ વાચકોની માફી નથી માગતો. એ અસભ્ય હશે, પણ દુષ્ટ નથી. એ અનીતિને ઉત્તેજવા કે સૂચિત કરવા અર્થે નહિ, પણ મર્મપ્રહારો કરવા માટે છે. આજે આપણે એને અસભ્ય કહીએ છીએ. પણ સરળ અને અણવંઠેલા ગ્રામ્યજનોને એ અસ્થાને નહોતાં લાગતાં. શરમ અને લજ્જાની તેમની સમજ આપણા જેવી નહોતી. આપણી સરખામણીએ એ લોકો નિર્દોષ હતાં. એ ગીતો બીજી રીતે કહું તો નીતિપૂર્વકનાં અનીતિ-આલેખક હતાં. આપણા આજકાલના જલસાઓમાં ગવાતાં કેટલાંક ગીતની પેઠે એ ગ્રામ્યગીતો શબ્દ-ચાલાકીથી દુષ્ટ સૂચન કરનાર નફ્ફટ દંભી ગીતો તો નહોતાં જ.” ખારવાનાં ગીતોને એનું પોતાનું નિરાળું જ વાતાવરણ છે. એ ગીતોનો જીવનપ્રદેશ પહોળો નથી, કેમ કે એ માનવી સમાજનો જીવનપ્રદેશ જ સંકીર્ણ છે. એમાં ઘાસલેટિયા દારૂની દુર્ગંધ છે પ્રેમનો વિશ્વાસઘાત છે, પલાયનો છે, વિલાસ છે, વેદના છે. પણ રાસડા ગરબા ગીતોની દુનિયાના સૂક્ષ્મ તેમજ સ્થૂલ, સુરુચિકર આમોદપ્રમોદ અને ઊર્મિ-માંગલ્ય તેમાં નથી. ને આખરે તો વાતાવરણ જ લોકગીતકથાઓનું એક જોરાવર લક્ષણ છે. હું તો ફક્ત જેની કિનારના એક તારને જ સ્પર્શી શક્યો છું, તે સારીય સાગરપટ્ટી પર ગીતો ગોતવા જવાનો અનેક અભ્યાસરસિકોને માટે અવકાશ છે. દુહાબદ્ધ વાર્તાઓ આંહીં સુધી આપણે નીરખેલો એક જ પ્રકારનો કથા-ઘાટ દુહાબદ્ધ ગીતકથાઓમાં જુદો પડી જાય છે. રાણકદેવીની કથા, હલામણ-સોનની કથા, મેહ-ઊજળીની કથા, ખીમરા-લોડણની કથા, દેવરા-ઢોલરાની, ઓઢા-હોથલની કથા, શેણી-વિજાણંદ અને સુહિણી-મેહારની કથા, એવી પચાસેક સંશોધિત નાનીમોટી કથાઓમાં ગદ્ય-પદ્ય બેઉની ગંગા-જમની ગૂંથણી છે. એની અક્કેક કડી એટલે અલાયદો તેમજ સાંકળેલો દુહો. દુહો એની તમામ ઘટનાઓને કાવ્યબદ્ધ નથી કરતો. પાંચ, પચીસ, ચાલીસ કે સાઠેક દુહાઓ એના સ્થંભો બની રહે છે. એના માથે માળણરૂપ પથરાતી વાર્તાને ભોંય કંઠસ્થ ગદ્યની છે. વાર્તાનો ઉઘાડ નીરખો : અમરા કાજાની ઊજળી, ભાણ જેઠવાનો મેહ, જેદુનાં સૂતેલ સાથરે, તેદુનો બાંધેલ નેહ. અથવા — વિજાણંદ આડો વીંઝણો, શેણી આડી ભીંત, પરદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. [‘સોરઠી ગીતકથાઓ’] ‘બૅલડ’નું એ અક્લુષિત પ્રારંભ-સ્વરૂપ : મૂળ કથા યાદ હોય તો જ દુહાની સંકલના બાંધી શકાય. પહેલો દુહો હાથ આવે, પણ એ દુહો જેનો સ્થંભ છે, તે ઘટના તો ઉત્તરોત્તર કંઠસ્થ ગદ્યમાં ચાલી આવે. ‘જેદુનાં સૂતેલ સાથરે તેદુની બાંધલ પ્રીત’ : કયે દિવસે મેહ ને ઊજળી એક સાથરે સૂતાં હતાં? પૂછો એ ગીતકથાને. જવાબ નહિ જડે. એ પત્તો તો ચાલતી આવેલી કથા જ આપશે. સાથરે સૂતાં’તાં તે દી, જે દી વર્ષાભરપૂર અંધારી આષાઢ-રાતે, શરદીમાં ઠૂંઠવાઈને લાકડું થઈ ગયેલા જુવાન ઘોડેસવાર મેહજીને માનવ દેહની ગરમી વગર જિવાડવાની કશાની તાકાત નહોતી, ને ચારણ-કન્યા ઊજળીએ એ ગરમી પૂરી પાડી હતી. પછી તો પ્રેમોર્મિના ઉદ્ગાર ઠાલવતા દુહાઓ — ફરતાં આવેલ ફૂલ, માલમી કોઈ મળ્યો નહિ માખ શું જાણે મૂલ, ભમર પાખે ભાણના! ઠાગે રે’તી ઠેઠ, આઘે કાંઈ ઓરે જ નૈ આવ્યું બરડે બેટ, પાંજર દાણે પાણીયેં. ઓ મેહ, હું ઊજળી ચારણી ઘણે દૂર ઠાંગા ડુંગરાઓમાં રહેતી બરડાની ભોમમાં તો અંજળપાણી — પ્રારબ્ધ લઈ આવ્યું આ દેહ-પિંજરને : એટલી ભાળ મળી — ઊજળી ક્યાં રહેતી, ને ક્યાં આવી. પછી ઊજળીના પ્રેમોદ્ગાર : વિરહ-તલસાટ : બારબાર મહિના સુધી મેહની વાટ જોયાની કાવ્યઝંખના. પણ મેહ ઊજળી પાસે આવતો કેમ અટકી ગયો એ દુહા નથી કહેતા, ચાલતી કહેણી કહે છે. રજપૂત રાજકુંવરને ચારણ-કન્યા સાથે લગ્ન કરવાની મના થઈ છે. પછી દુહા આપણને ક્યાં લઈ જાય છે? મે’ની મેડી હેઠ, ઊજળી અરદાસું કરે, મોઢું દેખાડ મેહ, અમે ભોઠાં પડિયેં ભાણના. ઊજળી જેઠવાઓના ઘૂમલી નગરમાં, મેહકુમારની મેડી નીચે ઊભી રહીને કાકલૂદીઓ કરે છે : ‘લોકો મને લજવી રહેલ છે. ઓ મેહ, મોઢું તો દેખાડ’. ઊજળીના તે પછીના ઉદ્ગારો ઝીલતા દુહા કંઈક એવું સૂચવે છે કે એ ક્યારની સગર્ભા થઈ છે : નળિયું હતિયું નકોર, તે દિ’ બોલાવતો બરડા ધણી, (હવે) જાંગે ભાંગ્યાં જોર, તે દિ’ જાતાં કીધાં જેઠવા. જાંઘોનાં જોર ભાંગી ગયાં છે, એમાં એ ગુપ્ત કરુણતાનો ઈશારો છે. ‘નળિયું હતિયું નકોર’ — મારી જંઘાઓ, મારા પગ, તારા ઉપભોગને માટે નીરોગી હતા. જુગુપ્સા પામો છો? ફરી યાદ દઉં છું : ‘ધે — ધીઝ બૅલડ્ઝ — આર મોરલી ઈમ્મોરલ’. આટલું કહ્યા વગર સાચો ઉત્પાત વ્યક્ત થઈ શકતો નથી. અણશમ્યાં અને અસહ્ય એ આક્રંદોથી પીગળેલો, કે પછી લપને પતાવવા માગતો મેહકુમાર ડોકું કાઢીને કહે છે : ‘ચારણ-રજપૂતનાં પરણેતર નિષિદ્ધ છે. ચાલી જા’. એટલું દુહો કહે છે. ભગ્નહૃદયા ઊજળીનાં તે પછીનાં હૈયાફાટ આક્રંદો અને બળબળતા શાપ પણ દુહાઓએ સાચવ્યા છે. ઊજળીની કાળવાણીનો આખરી અંજામ, મેહને અંગેઅંગ ગળત કોઢરૂપે ફળેલો શાપ-દુહો તેનો પત્તો નથી દેતા. ઊજળી પાછી આવીને મેહના શબ સાથે ચિતામાં ચડે છે, તે પણ દુહાની બહાર બોલાતી ઘટના છે. દુહાઓનું વ્યક્તિત્વ મેહ-ઊજળીના મુકાબલે વધુ પ્રમાણમાં ઘટનાબદ્ધ દુહાઓ શેણી-વિજાણંદના છે. વધુઓછા પ્રમાણમાં કથાને આધારસ્થંભ બનતા સોરઠાઓની આ સાંકળી અકેક ગીતકથાનો આધાર ધરીને ઊભી છે. તમે શાકુંતલના રસિક હો તો મેહ-ઊજળીનો રસાસ્વાદ માણી શક્શો. શિરીં-ફરદાહનો કે ગ્રીક વીણાધારી ઓરફિઅસનો કિસ્સો જેને કલેજે હશે તેમને શેણી-વિજાણંદની ગીતકથા માટે દિલનો ખૂણો ખાલી કરી આપવો પડશે. નારી-વીરત્વે નીતરતી હોથલની લગ્નકથા ગઈ કાલના કિસ્સા-શી તાજી છે. સુહિણી-મેહાર તો પંજાબ, સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રનો ઐક્ય-તાંતણો છે. એના રોમાંચ અનુભવતાં લાખો હૈયાં નિરક્ષર છતાં જ્ઞાની છે. લૌકિક અને લોકોત્તર વચ્ચેનો ભેદ લોપનારી એ કથાઓ છે. એના સોરઠા છૂટાછવાયા પણ કાવ્યનાં સ્વતંત્ર અને શાનદાર, વેધેલાં તેમજ પાસાદાર મૌક્તિકો છે. સ્ત્રી-કંઠના લોકગીતોમાંથી કડીઓ તોડવી શક્ય નથી, ત્યારે આ ગીતકથાઓના સોરઠા તો સ્વયમેવ સુભાષિતો છે, સૂત્રો ઊર્મિકાવ્યો છે. એનામાં એનું વ્યક્તિત્વ ઝળકે છે. કાવ્યયુદ્ધના મોરચા લોકમેળાના રસિક યાત્રિકો, સામસામા કાવ્ય-મોરચામાં રંગબેરંગી ફૂલકાંવાળી છડીઓ હિલોળતા હિલોળતા એ મૌક્તિકોની સામસામી કાવ્ય-કટારો નાખે છે. એ સોરઠાના અવિરત ચાર-આઠ પહોરના શમશેર-દાવ ખેલનારા ગામડિયાઓનાં કંઠેથી પછી તઓ આપજોડિયા દુહા ફૂટે છે. એ કથાઓ શું શું કહે છે? એ કથાઓ કહે છે — ભય સામે ઝઝૂમતા વીરત્વની, યુદ્ધમાં પ્રગટતા પરાક્રમની, પ્રણયમાં બતાવાતી બેવફાઈની, વીરો સામે રચાતાં તરકટોની, વતનના અદમ્ય પ્રેમની વાતો — જે પ્રેમે રસમસ્ત દંપતી-સ્નેહમાં પણ અસંતોષ અનુભવ્યો. ઉકેલો હૈયું ઓઢા જામનું. કચ્છનો દેશનિકાલ જોદ્ધો : હોથલ-શી પદમણી સાથે કનડા ડુંગરની હરિયાળી કંદરાઓમાં હૈયા-હીંચોળ : ખોળે ખેલતા બબ્બે કુંવરિયા : તોય ઓઢાએ ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ જ્યારે નિહાળ્યું કે ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા, હૈડો તલ્પે મચ્છ જીં, સજણ સંભરિયા [‘હોથલ’ : ‘સૌરાષ્ટ્રની રસધાર’] ઓતરાદી વાદળીઓએ દોરિયા મૂક્યા, ડુંગરા પર મેઘાડમ્બર મચ્યો, ને કચ્છવાસી ઓઢાનું કલેજું માછલા સમ તરફડી ઊઠ્યું. વતનનો પ્રેમ ઓઢાને સ્વજનો સાંભર્યાં, વતન યાદ આવ્યું. કયું વતન? રણ-સળગતો કચ્છ! કુમારો પાસે આવ્યા, આઘા ધકેલ્યા; હોથલે આવી ગળે બાથ નાખી : કહો, ઓઢા — છીપર ભીંજાણી છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ, અમથી ઉત્તમ ગોરિયાં, પડી તોજે ચિત શેણ? આટલું બધું રુદન! શિલા ભીંજાઈ ગઈ! આટલી ત્રાંબાવરણી લાલ આંખો? શું મારાથીયે ચડિયાતી કોઈ ગોરી તારે હૈયે ચડી, ઓ સ્વજન? ઓઢો જવાબ આપે છે : કનડે મોતી નીપજે કચ્છમેં થિયેતા મઠ, હોથલ જેડી પદમણી કચ્છમેં નેણે ન દઠ. ખેરી બુરી ને બાવરી, કુલ કંઢા ને કખ; હોથલ હલો કચ્છડે, જીતે માડુ સવાયા લખ. આ સોરઠ મોતીના ફાલ આપતી ભૂમિ, ને મારો કચ્છ ભૂંડા મઠ પકવતો : આંહીં હોથલ પાકે, ત્યાં તો કોઈ પદમણી નજરેય નથી પડતી. કચ્છમાં તો ખેર, બાવળ ને બોરડીમાં ભૂંડાં કાંટાળાં ઝાડ, આંહીં બાગબગીચા : પણ ઓ હોથલ, હાલો કચ્છ, કેમ કે ત્યાં સવા લાખના મરદો નીપજે છે — ભલ ઘોડા કાઠી ભલા, પેનીઢક પેરવેશ, રાજા જાદુ વંસરા, ડોલર અમણો દેશ. ડોલરિયો અમારો દેશ : જેનું પાણી પીધ્યે — વંકા કુંવર વિકટ ભડ, વંકા વાછડિયે વચ્છ, વંકા કુંવર ન થિયે, પાણી પીએ જો કચ્છ. જેનું પાણી પીધ્યે વાછડા બંકા બને, તેનું પાણી પાઈએ આપણા બેટાઓને, તો બેટા સુભટો બને. માટે ચાલો વતનમાં, મને પોતાને જ્યાંથી કાઢી મૂક્યો છે તે જ ધરતી પરે. સમાન સૂરો પરભોમનાં લોકગીતોમાંથી પણ સંભળાય છે. સ્કૉટના ‘વેવરલી’માં જુઓ : My heart’s in the Highlands my heart is not here My heart’s in the Highlands a chasing the deer A chasing the wild deer and following the roe My heart’s in the Highlands wherever I go. There’s not in the Highlands but syboes and leeks And lang-leggit Callants gawn wanting the breeks Wanting the breeks and without hose and shoose. આવું તત્ત્વ સ્ત્રીઓની ગરબા-કથાઓમાં ઓછું સાંપડશે, કેમ કે એમાં પડેલા ઊર્મિઓના પ્રત્યાઘાતો પરિમિત છે. દુહા-કથાઓમાં હાસ્ય નથી દુહાબદ્ધ ગીતકથાઓમાં આમોદ નથી. હાસ્ય, કટાક્ષ ઓછામાં ઓછા છે. જીવનની વેદનામય બાજુ વધારે છે. પણ એ વેદનાના અંત :સ્તલમાં જીવનવિચારની તીવ્રતા તેમજ ગંભીરતા વિલસે છે. એટલે એ સાહિત્યોચ્ચારણ પ્રબલ વિચારવ્યથિત લોકપ્રાણનું છે. વેવલાં ને રોતલ માનવીઓ આ સાહિત્ય સરજાવી શકે નહિ. ‘ટ્રેજિક એલોન ઈઝ ટ્રુ ઈન લાઈફ’ એમ માનનારો એ વર્ગ હશે? આપણને ખબર નથી. પણ એમાં સ્થાપિત જીવનપ્રણાલીની સામે તુમુલ બંડની આહ પ્રજ્જ્વલે છે. જીવનનું વિવેચન એ જો કેવળ વાસ્તવિક તત્કાલીન જીવનનું ઐતિહાસિક નિરૂપણ હોત તો તેને આપણે ‘બૅલડ’ ન કહેત. કવિતાનો એ માર્મિક પ્રકાર ન ગણાત. કવિતા એ છે કે જે જીવનની વિવેચના કરે છે. ‘પોએટ્રી ઈઝ ધ ક્રિટીસિઝમ ઑફ લાઈફ’ને આ દુહાબદ્ધ ગીતકથાઓ જીવનવિવેચનની ચેતનપ્રધાન ભૂમિકાને અડકવા જેટલી આગળ ગતિ કરી ગઈ છે. એનો પ્રધાન સ્વર પ્રબળ મનોર્મિ, પ્રબળ આઘાત, પ્રબળ મંથન, પ્રબળ હતાશા, અને સ્વીકૃત સ્થિતિના પ્રબળ સામનાનો છે — ચાહે પ્રેમમાં, ચાહે દાંપત્યમાં, ચાહે મૈત્રીમાં કે ચાહે શત્રુતામાં. ને પુરુષોએ રચેલી હોવાનું અનુમાન નોતરતી આ કથાઓમાં નારીનું નારીત્વ નરના વ્યક્તિત્વ કરતાં વધુ તેજોમય છે, તેનું કારણ પણ મને તો એ જ લાગે છે કે બંધનગ્રસ્ત નારી-જીવનમાં મચતી બંડખોરી જીવન-મંથનની ઉગ્રમાં ઉગ્ર દશા દાખવી શકે છે. ભટકતા લોકકવિઓ આ કથાપ્રકારમાંથી આપણને રાવણહથ્થા બજાવનાર ભરથરી નાથોની ભટકતી શાયરીમાં સરી જવું સહેલ બને છે. સમાજમાં બનતી મહાકાય ઘટનાઓને જ આ લોકોનું કવિત્વ સ્પર્શી શકતું. સૂક્ષ્મ મનોભાવો કે રહસ્યમય ઊર્મિ-તંત્રના વાહક બનવાની એનામાં શક્તિ નહોતી. દાખલા તરીકે ‘મોટાં ખોરડાં’ એ ન રચી શકે. એ તો — કાસમ, તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ — [‘રઢિયાળી રાત’] — વાળી વીજળી આગબોટની દારુણ જલસમાધિને કાવ્યમાં ઉતારી શકે. અથવા બહારવટિયાની ફાંસીનો પ્રસંગ ગાઈ શકે — બાલુભા, ભુજના રાજા, છેતરીને છેલને નો’તો મારવો ભોળવીને એનાં માથડાં નો’તાં વાઢવાં. અથવા રામ વાળા બહારવટિયાનો પ્રમાણમાં તાજો મૃત્યુપ્રસંગ ગાઈ શકે — રામ વાળાનાં લગન આવ્યાં લગનિયાંનો ઠાઠ ગોઝારો બોરિયો ગાળો ક્યાં રોકાણો રામ વાળો. કથાગાયકોનું તત્ત્વજ્ઞાન આ કથાગાયક યુરોપી વિવેચનની દૃષ્ટિએ સાચો ‘બૅલડ-મેકર’ ઠરે છે — “આ કથાગાયકોએ દગલબાજીને ધિક્કાર દીધો છે, ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે; કોઈ સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડ્યા પહેલા માથાને નમાવવું, એ તો આ ગીતકર્તાઓને મન બદનામી સમું હતું.” (સર હેન્રી ન્યુબોલ્ટ.) કઈ સમાજ-વ્યવસ્થા ઉપાસકો પણ કઈ સમાજવ્યવસ્થાના તેઓ ઉપાસકો હતા? એ જ લેખક સ્પષ્ટ કરે છે કે The social order which the ballad-makers imagined for themselves, was a chaotic and blood-stained life, but as they saw it and sang of it, it was a noble choice between two sets of evils. There are grave possibilities no doubt in the life or peace and comfort and we must hope they may some day be realized, but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage and above all its sad death in its right place — It is but the giving out of a game That all must lose. આ કથાગીતોની નિર્માણ-ભૂમિ બનનાર જિંદગી રુધીરભીની અને વ્યવસ્થાવિહોણી હતી. અને બીજી કોઈ વ્યવસ્થાની ગેરહાજરીમાં તેમણે તો જે જોયું તે જ ગાયું. જીવનતત્ત્વને ઉપાસ્યું છે તેમણે ‘સ્પિરિટ’ને — યુગના જીવનતત્ત્વને — ઉપાસ્યું. એ જીવનતત્ત્વમાં તેમણે શોક અને સંતાપ વચ્ચે વીંટળાયેલી શૌર્ય, દિલાવરી ને સચ્ચાઈની પ્રતીતિ કરી. ને આખરી પ્રતીતિ તો મૃત્યુના ઉચિત સ્થાનની તેમણે કરી. પ્રતીતિગમ્ય થયું તેટલું જ ગાયું. માટે એ કથાગાનના સાહિત્યને આપણે સત્યપરાયણતા કહીએ છીએ. ચારણ કથાગાયક તરીકે એ પરિવ્રાજક શૌર્યપૂજક કથાગાયકની નજીકમાં રાજ-આશ્રિત ચારણનું સ્થાન છે. ચારણ કથાગાયક છે, પ્રશસ્તિગાયક છે. જનતાના અંતરમાં કે વિચારમાં ઊતરી શકવાનું કામ ચારણ કથાગાયકને માટે અશક્ય જ હતું. જનતાથી એ વેગળો હતો. સમુદાયના અંત :ક્ષોભોથી એ અલિપ્ત રહેતો, એટલું જ નહિ પણ એને પોતે તિરસ્કારભર્યા ઉપેક્ષાભાવે જોતો. એની સૃષ્ટિના ચાર સીમાડા પોતાના આશ્રયદાતાની બાહ્ય-જાહેર જિંદગીની જ વચ્ચે હતા. એ વર્ગ જ એને મન સર્વોપરી મહિમાથી મંડિત હતો. એ વર્ગનાય સૂક્ષ્મસંકુલ ભાવોમાં ચારણ ઊતરી શકતો નહિ. એની પ્રતીતિ જબ્બર શૌર્ય, જબ્બર માન લજ્જા કે જબ્બર દાતારવટા પૂરતી જ હતી. છતાં એટલી પ્રતીતિની સીમડી વચ્ચે એ ચારણ પણ સાચો ‘બૅલડ-મેકર’ હતો, ને વિવેચનાપરાયણ હતો. દગલબાજીને ને અસત્યને ચારણ ધિક્કારતો. એનું એક જ લાક્ષણિક કથાગીત જોઈએ. અભા સોરઠિયાનું કથાગીત ભાવનગર-ઠાકોર આતાભાઈએ દગલબાજીથી કોળી ઠાકોર જસા ખસિયાનું મહુવા પરગણું ઝૂંટવી લીધું. અભો વાણિયો જસાનો કામદાર હતો. જસો તો એ પરગણાની પુન :પ્રાપ્તિ માટે લડતો-મથતો મરી ગયો. પાછળથી એનાં સંતાનોનો પક્ષ લઈને અભા કામદારે ભાવનગર દરબાર સાથે ઘણી વિષ્ટિઓ કરી. એ ન ફાવ્યો. આખરે એ મરણિયો બનીને ઠાકોર આતાભાઈને ઠાર મારવા ભાવનગરના રાજમહેલ પર પહોંચે છે. ઠાકોર પોતાના નાના કુમારના શિર પર હાથ મૂકીને કહે છે કે હું નથી જાણતો, બધી વાત મારો કામદાર હીરજી મહેતો જાણે છે. અભો સીધો હીરજી કામદારને ઘેર પહોંચી સૂતેલા શત્રુની છાતી પર ચઢી બેસે છે. એનું આ ચારણી કથાગીત ઓછામાં ઓછી પ્રશસ્તિ ને વધુમાં વધુ હકીકતોના સંમિશ્રણનો નમૂનો છે  :

1

વાગી હાક બપોરા વખતે લોપી વેણ વાસતે લાજ ઊડી અડે કઠોડે અભલો અ ભલો મણા ન રાખે આજ.

2

જાગી મે’તે હાથ જોડિયા દજડી દાઝ્યે મુંય મ દાખ્ય લેણું ભરાં દંડ દિયું લાખાં રૂડા શેઠ! મું જીવતો રાખ્ય.

3

કહે સોરઠિયો, વગદ્યાં કરી લે મેલું (તો) લાગે ખોટ્ય મને મૂંઝવણ મને આજ મ’વાની કરશું હિસાબ જસા કને.

4

અભલે તાતી ખાગ આછટી થરહર ભાવાનગર થિયો હેડી આતા તણી હીરજી કટકા મેડી માંય કિયો.

5

ધજવડ ભાંગી તોય ધડુશિયો કલિયા તણો ખભો ને કાન એહ સમે એક વિપ્ર આવિયો દીધું શીશ વિપ્રને દાન.

6

ઈડો, લાખો, પેથો, અમરો રાધા જેહડા મુવા રઘુ આઠ ગણી ખત્રવટને એનાથી વણિક તણો કંઈ ખેલ વધુ. ઉપલા કથાગીતમાં મેં કથેલા બધા પ્રસંગો નથી. ફક્ત હીરજી કામદારની હત્યાની ઘટના છે. વણિકને ચારણ વખાણે છે. અભો સોરઠિયો કાંઈ દાતાર નહોતો. પ્રશસ્તિકારને પુરસ્કાર આપવા જીવતો પણ ન રહ્યો. છતાં કથાગાયક ચારણે તેને ક્ષત્રિયોથીય ચડિયાતે સ્થાને સ્થાપ્યો. જીવન પરનું ચારણી વિવેચન ચારણી ગીતકથાનો આ વધુમાં વધુ વિશુદ્ધ નમૂનો આપ્યો છે. જીવન પરના ‘ક્રિટીસિઝમ’નો એ નમૂનો છે. અને એ પછી એક દુહો છે. અભાના શબને ઠાકોર આતાભાઈએ ભાવનગરની ભરબજારે કૂતરાના હવાલે ઘસડાવ્યું. એને ઘસડાતો પોતે મહેલ પર ઊભા ઊભા જોતા હતા. ત્યારે નીચે ઊભેલા એક મોડજી ચારણે દુહો કહ્યો : મુવા ને માર્યા તણો, ધોખો કાંઉ ધરે! મે’તાને મોર્ય કરે, હાલ્યો સોરઠિયો અભો! આ એક જ દોહો ‘બૅલડ’ બની જાય છે. ‘ઓ ઠાકોર આતાભાઈ! આ મૂઆ- માર્યાનો આટલો બધો કચવાટ મનમાં શું ધરે છે? તું ચાહે તેવી કટુતા કર, એના શબનું અપમાન કર, પણ એ મૂઓ તો છે પ્રથમ મહેતા હીરજીને પોતાની મોખરે મોકલીને ને!’ આંહીં પણ — (1) Treachery these ballad-makers detested; (2) They put above all death in its proper place. ચારેય પ્રકારોનો મુકાબલો સ્ત્રીઓનાં રાસ-ગીતો, ખારવણોનાં પ્રાચીન જીવન-ગીતો પ્રબંધકથાઓની ધાટીએ રચાયેલી દુહાકથાઓ, ભટકતા ભરથરી નાથ બાવાનાં ગીતો, ને ચારણનાં શબ્દાડંબરી પ્રશસ્તિ-ગીતો : તેમાં કથાનાં જૂજવાં સ્વરૂપો જોઈ ગયા. સૌથી વધુ મર્મગ્રાહી કાવ્ય સ્ત્રીઓના ગરબામાં છે, સૌથી વધુ ઊર્મિ-પ્રાબલ્ય દુહાકથાઓનું છે, જીવનચિત્ર ખારવા-ગીતોનું છે, સાંકડી વિચાર-સૃષ્ટિ ચારણી કથાગીતોની છે. પણ દોહાબદ્ધ કથાઓને પણ ચારણોની જનમનોરંજક રચનાઓ માનવાનું કારણ છે. રાજપ્રશસ્તિકાર ચારણ લોકકવિ પણ હતો, લોકોની અંદર પેસી જનમનોરંજન કરનારી કૃતિઓ જોડી જોડી ગાતો. આ વિધાન સ્વીકારવાની સાથે જ આપણને ચારણની કાવ્યસૃષ્ટિ સુવિશાળ બની જતી લાગે છે. છતાં એ ચારણ વાર્તાગાયકની સૃષ્ટિમાં કદી નથી નીપજ્યાં તેવાં હળવાં આમોદ ગીતો સ્ત્રીને હાથેથી સહજ સાંપડ્યાં છે. શરૂમાં રિસાયેલી વહુને મનાવવા જનારાં આત્મજનોનું એક કળી-ગીત આપેલું. હવે એનાં જૂજવાં સ્વરૂપો જુઓ : ગુલે ગુલે ગુલાબની વાડી ગુલાબે રમતાં’તાં રાતું રાતું ગુલાબનું ફૂલ ગુલાબમાં રમતી’તી મારો સસરો આણે આવ્યા ગુલાબમાં રમતી’તી ઈ તો હડકાયો કૂતરો લાવ્યા ગુલાબમાં રમતી’તી મારા સસરા ભેગી નૈં જાઉં ગુલાબમાં રમતી’તી

મારો પરણ્યોજી આણે આવ્યા ગુલાબમાં રમતી’તી ઈ તો ફૂલની છાબડી લાવ્યા ગુલાબમાં રમતી’તી મારા પરણ્યા જોડે ચાલી ગુલાબમાં રમતી’તી પરણ્યો ચડિયાતી વસ્તુ લાવે છે માટે જ શું જોડે જવાની મતલબી હોંશ છે? નહિ, જુઓ બીજું ગીત. એમાં ક્રમ ઊલટો જ છે. સસરો ગાડું લાવે છે, પછી જેઠ, દેર, એથી ઊતરતી ઊતરતી પંક્તિનું વાહન લાવે છે ને છેલ્લે — મારો પરણ્યો આણે આવ્યા એ તો ધીંહરે બેસી આવ્યા હું તો ધીંહરે બેસી જૈશ ગુલાબમાં રમતી’તી — એ આમોદ વિશુદ્ધ છે, પતિની જોડે કષ્ટબોધ સાહચર્ય ખેડવાનો રસ એની અંતરાલે રમે છે. અત્યારની આ ઉપલબ્ધ ગીતકથાઓ કરતાં વિલુપ્ત થયેલી ગીતકથાઓની સંખ્યા મોટી હશે અને ઘણીય હજુ પ્રાપ્ત હોવા છતાં સંગ્રહકર્તાઓનો સ્પર્શ પામી નહિ હોય. એનું સંશોધન ને સંપાદન કેટલા પૂરતું ખપનું? માત્ર ગયા યુગનું જીવનરહસ્ય સમજવાની ઇતિહાસદૃષ્ટિ પૂરતું? નહિ, તેથી વિશેષ એનો ઉપયોગ છે. એ એકલું સંગ્રહસ્થાનને લાયક નિષ્પ્રાણ પ્રાચીનતાનું શબ (‘મમી’) હોત, માત્ર અવશેષ હોત, તો તેનું સ્થાન આલમારીઓ ને અભરાઈઓ પર જ હોત. એનું સ્થાન અત્યારે વહેતા સાહિત્ય-પ્રવાહના એક સજીવન ઝરણા જેવું, એક ઘૂઘવતા મહાનદ સમું છે, કારણ કે આજનો નૂતન સાહિત્ય-ઘાટ નિર્મિત કરવામાં ઉપકારક એવું એનું પ્રાણ-તત્ત્વ છે. એ કેવળ ગઈ કાલની સામગ્રી નથી. એ શાશ્વત જીવન-ધન છે. યુરોપમાં કઈ પ્રેરણા આપી? યુરોપમાં તેના લોકગીતકથા-સાહિત્યે ભૂતકાળની સામગ્રી મટી જઈ નૂતન ભાવિની રચનામાં પ્રેરણા આપી. એણે ઈંગ્લંડમાં સ્કૉટ, વર્ડ્ઝવર્થ અને બીજાઓ પર નવસર્જનની પ્રેરણા સીંચી. જર્મનીમાં તો ગટેનાં ઊર્મિગીતો એને રંગે રંગાયાં. મહાકાવ્યોની રચનાશક્તિ પર ગીતકથાઓએ સંજીવની છાંટી, કલેવર અને પ્રાણ બેઉ નૂતન બનાવ્યાં. અતિ નિયમબદ્ધ, રૂઢિગ્રસ્ત, ડાહીડમરી, વિવેકી, નિષ્પ્રાણતાની હદ પર પહોંચી ગયેલી કવિતામાં એણે ‘ધ વાઈલ્ડ’ના સ્વરો પૂર્યા. ને યુરોપે કબૂલ કર્યું : ‘Wild, when applied to a primitive race and its poetry, means, livelier, freer, more sensuous, and of greater lyrical power and thought. In fact, the wilder the song, the better; for, nature made man free, joyous, singing.’ મુક્ત પ્રાણતત્ત્વ ‘વાઈલ્ડ’ અટલે પ્રાણ-ધબકતું, ઉન્મુક્ત, રસભરપૂર અને પ્રબલ પ્રમત્ત ઊર્મિઉચ્ચારણની શક્તિ ધરાવતું. કવિતામાં સંયમ વધુ પડતો કબજો કરીને નિર્માલ્યતા મૂકે છે. ગાન જેમ વધુ ‘વાઈલ્ડ’ તેમ વધુ સારું પ્રકૃતિએ માનવીને મુક્ત, હર્ષમત્ત અને ગાતો સરજાવ્યો છે. ‘ધ વાઈલ્ડ’નો હું નમૂનો આપું. લગ્નગીતોમાંથી મળેલી આ ગીતકથા છે : ગઈ’તી ગઈ’તી ભરવાને નીર કેસરિયે વાઘે ને નટવર દીઠડા

જી માણારાજ.

બેડું મેલ્યું સરવરિયાની પાળ, ઈંઢોણી વળગાડી આંબા ડાળીએ

જી માણારાજ.

દડવડ દીધી મેં તો દોટ લાજલડી લોપીને લીધાં હરિનાં મીઠડાં

જી માણારાજ.

[‘ચૂંદડી’] લજ્જામય પગલે ન ચાલી, દોટ દીધી : ‘લાજડલી લોપી’ : હરિનાં મીઠડાં લીધાં. એનું નામ ‘વાઈલ્ડ’. એવી જ લ્યો નાગ વાળા-નાગમદેની કથા. (‘સોરઠી ગીતકથાઓ’.) એનો એક પ્રસંગ આ છે : ઘોળ્યાં જાવ રે ઘી, આજુના ઉતારનાં ધન્ય વારો ધન્ય દી, નરખ્યો વાળા નાગને. એ કથામાં ઘી વેચવા આવેલી યુવાન ગ્રામકન્યા નાગમદે, વણિકની દુકાને પોતાને તાંબડી માયલું ઘી, ધાર કરીને છાબડામાંના વાસણમાં રેડી રહી છે. રસ્તે એક વીર નીકળે છે. નાગમદેની નજર ત્યાં વાગતા ઘીની ધાર નિશાન ચૂકે છે. વણિક કટાક્ષ કરે છે : બાઈ, ઠેકાણાસર નજર રાખો, ઘી ઢોળાય છે. ત્યારે નાગમદેના હૃદયનું ‘ધ વાઈલ્ડ’ પોકારી ઊઠે છે, ‘ઘોળ્યાં જાવ રે ઘી...’ ‘વાઈલ્ડ’... એટલે મુક્ત, મસ્ત, ચંચલ, છલંગો મારતું જીવનતત્ત્વ : રણજંગમાં, શૃંગારમાં ને ભક્તિમાં : આપણી જૂની ગીતકથાઓ, મીરાં, નરસિંહ ને દયારામ પર એ પ્રભાવ પાડી ચૂકી છે. નબળી ફિક્કી ધાર્મિક કવિતામાં કસુંબલ રંગ મૂકનાર એ કવિઓ લોકગીતોનાં પાણી પીનારાં હતાં. પાશ્ચાત્ય કવિતાનો નર્મદ-ભાખ્યો ‘જોસ્સો’ લોકગીત વડે રચાયેલી રસભોંય પર જેવો શોભે છે તેવો અન્યથા નથી શોભતો, એમાં સ્ફૂર્તિ નથી આવતી. આપણે સ્ફૂર્તિ જોઈએ. લોકગીતોમાં એ આપવાની તાકાત આંહીંના કવિઓ પર એની પરોક્ષ અસર એના અત્યારના પુનરુદ્ધાર પછીથી ઘાટી અને કસુંબલ પડી છે. બાકીની અસર તો લોકગીતોનું પરિપૂર્ણ રસાયન થયા પછી જ પ્રકટ સ્વરૂપે બતાવી શકાશે.