ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદકનો પરિચય

પ્રભુદાસ પટેલ ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક છે. તેઓ વડાલીની આટ્‌ર્સ કૉલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ‘સાઠોત્તરી ગુજરાતી મૌલિક દીર્ઘનાટક’ વિષય પર ડૉક્ટરેટની ઉપાધિ મેળવનાર પ્રભુદાસ પટેલ નાટક ઉપરાંત ટૂંકીવાર્તા અને લોકસાહિત્યમાં જીવંત રસ ધરાવે છે. તેમની પાસેથી ‘સાઠોત્તરી મૌલિક દીર્ઘનાટક’, ‘નાટ્યનિકષ’, ‘શબ્દવિમર્ષ’, ‘અરવલ્લીની લોકસંપદા’, ‘ડુંગરી ગરાસિયા’ અને ‘વન્યરાગ’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થાય છે. ‘વન્યરાગ’ વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ધૂમકેતુ નવલિકા ગૌરવ પુરસ્કાર અને નંદશંકર નવલિકાચંદ્રક જેવા પારિતોષિકો પ્રાપ્ત કરનાર પ્રભુદાસ પટેલની સર્જનરુચિ વાર્તાસ્વરૂપમાં સવિશેષ છે. તેમનો જન્મ, ઉછેર ઉત્તર ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં થયો હોઈ તેમણે નૈસર્ગિક પ્રકૃતિ, આદિવાસી જીવન-પ્રશ્નો અને બોલી બરાબર આત્મસાત્‌ કર્યાં હોઈ તેનો તેમના વાર્તાસર્જનોમાં સરસ વિનિયોગ થતો જોવા મળે છે