ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૧. સાંકળ
અઠવાડિયા પહેલાં વિયાએલ ભેંસની પીઠે હળવા હાથે થપથપી કર્યા પછી મેની ઘરમાં આવી. દૂધ ભરેલી ડોલ એક બાજુ મૂકી. અને લાઇટ ગઈ. એણે ઝટપટ ચૂલાગર બાજુ માચીસ શોધવા ફાંફાં માર્યાં. ચૂલાના મેડા પાસે પડેલી માચીસમાં એક દીવાસળી હતી. દીવડું સળગાવ્યું. દાદીમાનો ખાંસવાનો અવાજ આવ્યો. ‘મા, તમીં ધ્યાન રાખી લગીર... મું પેટી લીન્ આ આઈ... મૂઈ એક દીવાહળી નેંહરી. રાતે જરૂર પડઅ્ તો ચ્યાં લેવા જવું.’ કહેતી એ હડફ દઈને ડેલીનું કમાડ ઉઘાડતી બહાર નીકળી. ‘ઝટ્ આવજે, મેની. મને કાંય ભળાતું નહિ. દૂધ ઘર વચી મેલીન્ જાંયસી...’ દાદીનો અવાજ ડેલીની અંદર જ ઘૂમરાતો રહ્યો. જેઠ વદ બારસનું અંધારું છવાતું જતું હતું. નૂર મહંમદના ગલ્લેથી માચીસ લઈને મેની ગલીમાં વળે એ પહેલાં પાછળ સિસકારો થયો. એણે પૂંઠ ફેરવીને પાછળ જોયું. મેઘો એની લગોલગ આવીને ઊભો રહ્યો હતો. છવાતા અંધારામાંય બન્નેની આંખો ઇશારે ચઢવા માંડી. ને પછી કોઈ જોઈ જશે એવી બીકે મેઘાએ લાગલું જ કહી દીધું, ‘તારા બાપોન્ તારી બઈ આયાં?’ ‘ના.’ ‘તાણઅ... આજ?’ ‘ધેમું બોલ...’ કહી એ ચાલવા માંડી. ‘પણ... પણ... વાત તો હાંભળ...’ કહી મેઘાએ એનો હાથ પકડવા કોશિશ કરી. એ એક બાજુ થઈને છટકતી હોય એમ થોડે દૂર ઊભી રહી. ‘તુંય શું? તને કીધું તો ખરું કે...’ એ બોલી. ‘તાંણઅ હાંકળ વાહતી નઈ... મું મોડેથી...’ દબાતા અવાજે બોલતાં મેઘાએ જોયું તો એ મોઢે હાથ દેતી, હસવું ખાળતી, ઇશારો કરતી સડસડાટ ડેલી ભણી જઈ રહી હતી. મેઘો એ બાજુ જોતો, ઘડીક ઊંચો-નીચો થતો ઊભો રહ્યો. પછી હળવાં પગલાં પાડતો ડેરી બાજુ વળ્યો. આંગણામાં ભેંસ રેંકવા માંડી હતી. એણે ડચકારો કર્યો. લીલોછમ્મ રજકો ભેંસને નીર્યો. ટૂંટિયું વળીને પડેલો પાડો થોડોક સળવળ્યો અને કૂદીને ઊભો થયો. ભેંસ આઘીપાછી થઈ. પાડાને છૂટો મૂક્યો કે તરત જ ભેંસના આંચળે વળગી પડ્યો ને બુચકારા બોલાવવા માંડ્યો. મેની ઓસરીની કુંભી પકડીને ધાવી રહેલા પાડા સામું જોતી ઊભી રહી. લાઇટ આવી. ‘મેની, દૂધ આજુબાજુમાં આપી દેજે. અજું ભેંસનું અઠવાડિયું જ થ્યું સે... ડેરીમાં ભરાવા ના જતી.’ દાદીએ કહ્યું. ‘એ...હારું’ એવો લહેકો કરતી એ કામે વળગી, પણ કામમાં જીવ ચોંટતો નહોતો. શરીર ઝાઝણી રહ્યું હોય એવું લાગ્યું. કૂદકા ભરતો પાડો આખા આંગણામાં ફરવા લાગ્યો. ‘બૂન. ચ્યાં જઈ, મેનડી? આ પાડાને બાંધનં. જોને કરી ર્યો સે આ ધડચો! વેરઈમાનો ગરબોય નકોમો પડ્યો, પાડી આઈ વોત તો...’ કહીને દાદીએ છીંકણીની ડબ્બીનું ઢાંકણ હળવા હાથે ઠપઠપાવ્યું. પછી ઢાંકણ ખોલી, ડબ્બી સામે જોતાં જોતાં જ બોલ્યાં : ‘આજ ભઈ ચ્યમ્ ના આયા? બે જણાં જ્યાં સી. વઉંનું તો પિયોર સે તે રોકાવાનું મન થાય, પણ ભઈનં વચાર કરવો પડેન્ કે, ઘરે બીજું હાચબનારું નથઅ... માંથા જેવડી છોડી, ઢોરઢોંખર... સે કાંય ચંત્યાં!’ ‘ચ્યમ જોઈતીમા, સેની ચંત્યા કરી સો?’ કહેતી બાજુમાંથી રામી આવી. ‘કાય નઈ’લી. આય, લે...’ કહી છીંકણીની ડબ્બી ધરી. ‘તેં સાંભર્યું સે કે મેનીનો કજિયો હળુંજવાં જ્યાંસી, નઈ?’ કહીને રામીએ છીંકણીની ચપટી ભરી. ડેલીનાં કમાડ બાજુ લમણો રાખીને વાસણ ઘસતી મેનીએ રામીની વાત સાંભળીને મોઢું મચકોડ્યું. ઘસેલાં વાસણ ઓસરીની જેર પર આડેધડ મૂકવા લાગી. એકબીજા સાથે ખખડતાં વાસણનો અવાજ ડેલીથી માંડીને આગળની ગલી સુધી ફરી વળ્યો. ‘શું થાય, રાંમી, મૂવાંનું મૂઢું મેલાણું વોત તો કાં’ક હુજ પડત. આજકાલ કરતાં...’ દાદીનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ મેનીથી મનોમન બબડી પડાયું. ‘બાર મઈના ઉપર થઈ જ્યું!’ને પછી આંખો સહેજ ઝીણી કરતી એ મેલું પાણી ઢોળતી ઊભી થઈ ગઈ. ‘પિટ્યાં નથઅ તેડી જાવાનું કે’તાં કે નથઅ હરખો જવાબ દેતાં...’ દાદીએ છીંકણીનો સડાકો લીધો ને આગળ ચલાવ્યું : ‘ઈનં તો શેની ચંત્યા વોય? નકટો થઈન્ ફરે સે શે’રની છોડિયું હારે... ઈનો બાપેય પે’લાં તો સોકરાનો વાંક કાઢીન્ નેમાંણો થાતો, પંચ આગળ કરગરતો’તો. મારા નાંનજીને ઈમ કે, અસે... થોડી રાહ જોયે. પણ શે’રમાં ફસાયેલો ઈનો નઇડો ધરાર ના પાડી બેઠો એકઅ.... નાંનજીય શું કરે? છોડીનો બાપ... બેહી રે’ ચાલે?’ ‘જોઈતીમા, પૈણવા આવો ઇન ચેડી આંગણે તેડાયો’તો તાંઅણ તો હાવ સીધો લાગતો’તો મૂવો!’ જેર પર બેઠી બેઠી પગની પાનીનો મેલ ઉતારી રહેલી મેના આ વખતે તો બોલી જ પડી. ‘જબરો સીધો હાં, રાંમીકાચી, કૂતરાની પૂંછડી જેવો!’ પછી ખ્યાલ આવ્યો કે દાદી સાંભળી જ્યાં અસી તો! એણે દાદી સામું જોયું. પણ દાદી તો રામીના સવાલનો જવાબ આપવામાં પડ્યાં હતાં. ‘ઈમ તો... આંણું કર્યું તાં હુંધી મેનડીની આંસે જ ભાળતો’તો. પણ કૉલેજ કરવા જાજો મત નં ફટજો મત! મારી ગરીબ અસરાપ મેનડી... શી ખોટ સે છોડીમાં? પિટ્યા ભમરાળા નં... દીવો લઇન્ હોધવા નેંહરે તોય મેનડી જેવી ચ્યાંય મળે ઈમ સે?’ પવન રોકાઈ ગયો હતો અને ઉકળાટ વર્તાતો હતો. મેની સાલ્લાનો છેડો હાથમાં લઈ વીંઝવા માંડી. શરીર પર પરસેવો રેલાતો હોય એવું લાગ્યું. અડધું ધ્યાન દાદી અને રામીની વાતચીતમાં અને અડધું બહાર હતું. એ ઊભી થઈ. ડેલીનાં કમાડ ઉઘાડી, ડેલીના ઉંબર પર આવીને બેઠી. ‘ચ્યમ’લી. ત્યાં બેઠી સી?’ ‘બળ્યું. રામીકાચી, વાયરો જ નથઅ અડતો લગીરે!’ ‘તમારા ઘરની વંડી જ ઊંચી કે પસી વાયરો ચ્યાંથી આવે, કે?’ કહેતી રામીએ જોઈતીમાને સૂનમૂન બેઠેલાં જોઈ, જ્યાં એમની વાતનો છેડો અધૂરો હતો ત્યાંથી જ શરૂ કરતાં બોલી, ‘એ તો હારું સે કે છોડી સીધી સે...’ દાદીએ ડેલીના ઉંબર પર બેઠેલી મેની તરફ નજર નાખીને, છીંકણીની ચપટી ભરવા જતી રામીની વાતમાં સૂર પુરાવ્યો, ‘હાવ હાચું સે હાં.... નકર, હાપનો ભારો ચમ કરી હચવાય!’ મેનીની પીઠનો ધક્કો લાગવાથી ડેલીનું કમાડ વંડી સાથે અથડાયું. કમાડની પાછલી બાજુની સાંકળ ખખડી. એણે ઊંચે જોયું. સામેના કમાડની બહારની સાંકળ લટકી રહી હતી. એ સૂનમૂન થઈ, એક પગ ઉંબર બહાર લટકતો રાખી, ડેલીની બહાર એકબે વાર ડોકિયું કર્યા પછી વિચારોમાં ડૂબી ગઈ. —મૂવો, પે’લી વાર તો જાંણઅ લાડવો ભાળ્યો વોય ઈમ... નઅ, અવઅ શું હમજતો અસે ઈના મનમાં! પિટ્યાનું પે’લાં મૂઢામાં મગ ભર્યા’તા! ફટ્ દઈન્ ભસી મર્યો વોત કે મારે ગોમડાનું અભણ બૈરું નથઅ જોયતું તો... આ એક ભવમાં.... કશું યાદ આવ્યું હોય એમ વિચારવું પડતું મૂકીને એણે ગલીની આરપાર જોવા માંડ્યું. હજી ડેરીના મકાન બાજુથી દૂધનાં કેન આઘાંપાછાં થવાના અને હસીમજાકના અવાજ પડઘાતા હતા. એના મનમાંય કશુંક પડઘાવા લાગ્યું. –નઅ મૂવો મેઘોય, હવાર ને હાંજ દૂધ ભરવા જઉં તાંણઅ, ‘મેની ચેટલા ફેટનું લાઈ સી?’ ક’ઈન ચોપડામાં લખતાં લખતાં આંસ ઉલાળતો’તો, ચ્યમનું રે’વાય? વરહ ઉપર થઈ જ્યું. પેલી ગંગાડી ન્ હંતોકડી બબે સોકરાંની માયો થઈ. રાંડોન સોકરાંય ચ્યેવાં ભફલા જેવાં! ઈયાંના ધણીથીય રૂપાળાં! એણે લાંબો શ્વાસ ખેંચીને ડેરીના રસ્તા બાજુ જોયું. પાછી અંદર આવીને ખાટલી પર આડી પડી. લાલિયાએ ગાડાના પૈડા પર એક પગ ઊંચો કરીને એકી કરી. પછી ચાટ સૂંઘીને એઠવાડ ચાટવા લાગ્યો. ડેરીના ખટારાનું હૉર્ન વાગ્યું. ‘આવવા દો... આવવા દો... એ... હાં, દૂધ ભરેલાં કેન ચઢ્યાં. ધબ્... ધબ્... ખાલી કેન આડાંઊભાં ફેંક્યાં. ખટારાની એક બાજુનો ભાગ ધબ્ દઈને બંધ થયો. બંને બાજુની સાંકળ ભિડાઈ. ને ખટારાએ, જવા દો... જવા દો... ના અવાજ સાથે વળાંક લીધો. ‘આજ દૂધનો ખટારો લેટ આયો વોય એમ નથઅ લાગતું’લી મેની?’ મેનીએ જવાબ ન આપ્યો. ‘લ્યે, આ છોડી તો ઊંઘવાય માંડી.’ એને હસવું આવ્યું. એ ઊંઘવાનો ડોળ કરતી પડી રહી. ‘લ્યો તાંણઅ. સખરાત કરો માડી,’ કહી રામી ઊભી થઈ. ‘રાંમી, મેનડી હુઈ જઈ સે?’ ‘ઓવઅ....’ ‘જોકીંન્ આ છોડી, ઘરે ઉઘાડું પડ્યું સઅન્...’ ‘બળ્યું, અમણાં અમણાંથી આજુબાજુમાં ચોરીઓ વધવા માંડી સે.’ રામી હજી બોલતી ઊભી હતી. એણે પડખું ફેરવ્યું, એટલે રામીએ બાવડું પકડીને ઢંઢોળતાં કહ્યું, ‘મેનડી, ખબેર રાખજે. જોઈતીમાનં આંસે ભળાતું નથઅ... ના વોય તો મેં હુરવા આવું આજની રાત.’ એ સફાળી બેઠી થઈ ગઈ, ‘ના, ના, કાચી, કાંય ચંત્યા જેવું નથઅ. મું સું, દાદીમા સી. ખાલી ખોટાં તમોનં હેરાન કરવાં.’ કહી માથાનાં ઝટિયાં બે હાથે ભેગાં કરી આંટી મારવા લાગી. ‘આમ તો કાંય ભો નથઅ. બાજુમાં જ સું. હુરો તમતમારે.’ ‘એ... હારુંં.’ કહેતી એણે ડેલી બહાર નીકળેલી રામીની પીઠ પાછળ, ‘જોંને આંયથી બાપા!’ જેવું બબડી, બે હાથ જોડ્યા. અને ‘હાશ’ કરતી ઊભી થઈ. ‘બૂન, પાંણીનો લોટોય ભરતી બેહજે.’ પાણિયારેથી લોટો ભરી દાદીના ખાટલા નીચે મૂક્યો. લાઇટ બંધ કરી. ઓરડાનાં કમાડ વાસ્યાં, તાળું માર્યું. ચાવી સાલ્લાના છેડે બાંધી. પાડા પાસે જઈ બેઠેલા લાલિયાને ઉઠાડ્યો. ભેંસની પીઠે હાથ પસવાર્યો. ચાર નાખી. બળદની ગમાણમાં વેરાયેલી ચાર સરખી કરવા ગઈ અને ડેલીના કોટ પાસે વીજળીના થાંભલાનો ગોળો ફૂટવાનો અવાજ આવ્યો. ‘કુણ સઅ...પિટ્યું?’ કહેતી એ ડેલી બહાર જોવા લાગી, પણ અંધારામાં કશું દેખાયું નહિ. ડેરી બાજુના થાંભલે ઝાંખા પ્રકાશમાં નજર ખેંચીને જોવા લાગી. મેઘાએ ડેરી બંધ કરી. પગથિયાં ઊતર્યો અને આ તરફ નજરવ નાખતો ઊભો રહ્યો. ઘડિયાળમાં જોયું. પછી ધીમે ધીમે ચાવીનો ઝૂડો આંગળી પર ફેરવતો રહ્યો. હજી ક્યાંક ક્યાંક ઢાંકોઢંબો થવાના આછાપાતળા અવાજો આવી રહ્યા હતા. કોઈ ઘરેથી નાનાં ભૂલકાંનો રડવાનો, તો કોઈ ઘરેથી પતિ-પત્નીની રકઝકનો અવાજ સંભળાતો હતો. એણે ધીમેથી ડેલીનાં કમાડ આડાં કર્યાં. ‘કુણ અતું, મેની?’ ‘કોઈ નઈ... એ તો ગોળો ઊડી જ્યો.’ કહી એ શીંગડાં વીંઝતા બળદ પાસે આવીને ઊભી રહી. એનું મન ઉપરતળે થવા માંડ્યું. એ ક્યાંય સુધી ડેલીનાં કમાડ તરફ સૂનમૂન જોતી રહી. પછી મનોમન, ‘મેઘલોય પિટ્યો, બાર મઈનોમાં જબરો ઉશિયાર થઈ જ્યોં લાગે સે!’ જેવું બોલી. આજ પહેલી વાર એના મનને કીડિયારું વળગ્યું હોય એમ થવા લાગ્યું. શું કરવુંની અવઢવમાં એ પોતાની જાતને જ મનોમન ઠપકો આપવા લાગી. — મીં જ મૂઈને... માથું હલઈન્...પસીંએ... અમણાં કે તો આયો કઅ આયો... એણે દાદી સામે જોયું. દાદી એમની ટેવ મુજબ માળા ફેરવતાં બેઠાં હતાં ઉકળાટ વધવા માંડ્યો હતો. ક્યારનીય બળદની આગળ ઊભાં રહેવાથી, બળદે મોં ખેંચીને એના હાથ પર જીભ ફેરવવા માંડી હતી. બળદની કરકરી જીભના સ્પર્શથી એના શરીરે ધીમી કંપારી છૂટવા માંડી. શરીરનાં રૂંવાડા ખડાં થાય એવું થયું, પણ બીજી જ પળે બળદમાં નસકોરાંમાંથી ફેંકાયેલો ગરમ લાહ્ય ઉચ્છ્વાસ સીધી છાતીએ જ વાગ્યો હોય એમ એ બે ડગલાં પાછા હટી ગઈ. દૂર ગામના પાદર બાજુ શિયાળવાં થયાં. હાકુઉ... હાકુઉ... કૂતરાં ભસ્યાં. લાલિયો ઊંચું મોં કરી લાંબું ભસ્યો. ‘મેની, એમ કર, બેટા...’ કહેતાં દાદીએ એને નજીક બોલાવી કાનમાં કહેતાં હોય એમ ખૂબ ધીમેથી કહ્યું : ‘તારા બાપાનું પે’રણ નઅ ફાળિયું પડ્યું સે. પે’રીન હૂઈ જા આજની રાત. આપણ બે સીએ. નઅ કરં નારાંણ નઅ... આ તો વચિતર વસ્તી સઅ. ચોરીચગાળી કરનારાંનું શું પૂસવું? ગમે ઈમ તોય આપણ બાઈ માંણહ.... તારા બાપાનાં લૂગડાંનો ફેર પડઅ...’ ઘડીક તો એનેય હસવું આવ્યું. પછી મનમાં થયું, આયે બરોબર સે. મેઘલો સો ન્ ગોથાં ખાતો. એણે ઓસરીની ખીંટીએ લટકતું પહેરણ પહેર્યું. માથે આડુંઅવળું ફાળિયું વીટ્યું. કાળી છીંટનો ઘાઘરો કાઢીને, સફેદ પહેર્યો. પછી હસતી, તાળિયો લેતી દાદીની સામું જોવા લાગી. ‘ચેવી લાગું સું મું?’ કહેતાં એણે ઓસરીની લાઇટ કરી. ‘અસ્સલ મારા નાંનજી જેવી લાગી સી! ઈના જેવો જ રૂબાબ...’ દાદી ખુશ થતાં બોલ્યાં. એણે પોતાના શરીર ફરતી નજર નાખી. પહેરણની બાંયો પર વારાફરતી હાથ ફેરવીને, બાંયો સરખી કરી. બટન બીડ્યાં. ફાળિયું બે હાથે પકડી બરાબર ફિટ કર્યું. ટોડલે લટકતા દર્પણમાં જોયું. ઘડીક તો એ પોતે જ શરમાઈ ગઈ હોય એમ થયું. દર્પણમાં એનું ભરાવદાર ગોળ મોં, માથે ફાળિયું વીંટવાથી, રુઆબદાર લાગતું હતું. એણે ધીમે ધીમે દર્પણમાં નજર સ્થિર કરી. પછી થયું. દાદીમા હાચું કી સી...રૂબાબ તો બાપા જેવો જ... લાઇટ બંધ કરી. શરીરમાં ગરમી વર્તાવા લાગી. નસેનસમાં કશુંક સંચરવા માંડ્યું. છાતી ટટ્ટાર થતી હોય એમ શરીરે અંગડાઈ લેવા માંડી. બે હાથની મુઠ્ઠીઓ સહેજ સખતાઈ પકડતી બિડાવા માંડી, આંખોની દૃષ્ટિ બદલાવા માંડી. ‘કુની તાકાત સે કે ડેલીમાં પગ મૂકી શકે?’ જેવી મગરૂબી મગજમાં ફૂટવા માંડી. આ આંસોને આજી આંમ ચ્યમ કતરાતી નજરે જોવાનું મન થાય સે? આ ઘર, ઘરની પરસાળ, આંગણું, વંડી, વંડીના કમાડ અને કમાડે લટકતી હાંકળ ... લાલિયાએ કાન ટપકાર્યા. સાંકળની આરપાર ટકરાતી નજર ઝડપથી એના મનમાં અંદર સમેટવા લાગી. એને થયું, હારું થ્યું લાલિયાએ કાંન ટપકાર્યા તે! નકર આંસ હાંકળ હાંમેથી ઊખડવાનું નાંમ જ નતી લેતીન્... એણે દાદી સામું જોયું. દાદી હવે ઊંઘતાં હોય એવું લાગ્યું. મનમાં થયું. બળ્યું આંમ તો શરીરમાં બાપા જેવી હેમત લાગે સે, નઅ આંમ હાંકળ હામું જોવું સું ન્ ચ્યમ ઢીલી પડતી હોઉં એમ થાય સે? ડેલીનું કમાડ હલ્યું હોય એવો અવાજ થયો. સાંકળ ભીડવાની ઇચ્છા થતાં બેત્રણ વાર ઊભી થવા પ્રયત્ન કર્યો, પણ શરીર જાણે ખાટલીમાં જકડાઈ ગયું હતું. ચોફેર અંધારી રાતનો સૂનકાર વધતો જતો હતો. વાતાવરણમાં એકદમ ચુપકીદી છવાઈ ગઈ હતી. પરસેવાથી તરબતર શરીરને વાયરો નાખવા માટે આસપાસ કપડું લેવા નજર નાખી. એ ચોંકી ઊઠી. ‘હેં..! આ તો બાપાનો ખેહ લટકે સે! ખભે નાખવાનું ભૂલી જ્યા લાગી સી મારી બળતરામાં નઅ બળતરા માં...’ આંગણામાં તાર પર લટકતા ખેસ સામે જોયાં કર્યું. એનાં લગ્ન વખતે એનો બાપ ખભે ખેસ નાખી મહેમાનોની જે રીતે સરભરા કરી રહ્યો હતો એ આખેઆખું દૃશ્ય એની આંખોમાં ઊપસવા માંડ્યું. ખભે ખેસ, માથે ફાળિયું, બગલાની પાંખ જેવાં કપડાં અને સાજનમહાજનમાં મહાલતા બાપનો રુઆબ. એનું મન હાલકડોલક થવા માંડ્યું. ક્યારનાય અટવાઈ ગયેલા પવનનું એક ઝોકું આવ્યું. ડેલીનું કમાડ ધડમ્ કરતું ખૂલી ગયું. એ સફાળી બેઠી ગઈ. છાતી ધક્ ધક્ થવા માંડી. એ માંડ માંડ ડગલાં ભરતી ડેલીનાં કમાડ પાસે આવી, બે હાથે કંમાડ બંધ કરી, કમાડ સાથે પીઠ દબાવીને શ્વાસ ખાતી ઊભી રહી. આંગણામાં તાર પર લટકતો ખેસ હવામાં ફંગોળાતો હતો... મેઘો હજુ આવ્યો નહોતો. તોય મેઘાની બીક લાગવા માંડી. ઘડી પહેલાં બાપાનાં કપડાં પહેરવાથી શરીરમાં આવેલું અનોખું જોમ બંડ પોકારવા લાગ્યું. બંધ કમાડે પીઠ દબાવીને લોથપોથ થતી હોય એમ એ ક્યાંય સુધી ઊભી રહી. પીઠ પાછળ હડદોલા વાગવા શરૂ થયા હોય એવું લાગવા માંડ્યું. આગળ ખોરડું, પાછળ ગલી, ગલીમાં અંધારું.... એણે ઉપર જોયું. કમાડની સાંકળ માથા ઉપર જ લટકી રહી હતી. પવન એકધારો શરૂ થયો હતો. પીઠ પાછળનાં કમાડ ધડાધડ થતાં હોય એવો અવાજ થયો. દાદી પડખું ફરતાં બોલ્યાં, ‘શું ખખડ્યું, ભઈ નાંનજી! જોનં ડીચરા... કાંય ભજવાડ તો નથઅ થ્યોન્...’ મેની હબક ખાઈ ગઈ. પીઠ પાછળ તો ખરી જ, પણ છાતીની આરપાર અગનઝાળ લાગી હોય એમ એ ભાગી. ઝડપથી ખાટલીમાં આડી પડી. ઉપર આકાશમાં ક્યાંય વાદળ જેવું નહોતું. તારા ખીલ્યા હતા. આકાશ ચોખ્ખું વર્તાતું હતું. એ જોઈ રહી. ઘડીક આકાશ સામે, પોતે પહેરેલાં બાપનાં લૂગડાં સામે, વળગણીએ લટકતા ખેસ સામે, દાદી સામે અને ડેલીનાં કમાડ સામે. પવન ધીમો પડ્યો હોય એવું લાગ્યું ખરું, પણ ડેલીનાં કમાડ હાલતાંય નહોતાં કે ખખડતાંય નહોતાં. બરાબર ફિટ હતાં. એને નવાઈ લાગી. ‘મૂઈ... હાંકળ ચ્યારે વહાંણી!’