ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૫. પછડાટ
પાછલી રાતનો પવન પડી ગયો હતો. અમાસનું અંધારું વધુ ને વધુ ઘટ્ટ બનતું જતું હતું. વિલાસે પડખાં ઘસ્યાં કર્યાં. કેમેય ઊંઘી શકાયું નહીં. રહી રહીને સરલાનો ચહેરો આંખોમાં તગતગતો હતો. બારીમાંથી સરલાના ઘર સામે જોવાઈ ગયું. મહિનો-દોઢ મહિનો થયો સરલાને શહેરમાં રહેવા ગયે. બંધ ઘરના તાળાને ટીકી ટીકીને જોવા વિલાસે પ્રયત્ન કર્યો. આંખોમાં દિવસો ધસી આવ્યા. વિલાસના પિયરમાં સરલાનું મોસાળ. સરલા મોટા ભાગે મોસાળમાં ઊછરેલી. માબાપ નાનપણમાં મરી ગયેલાં. એકની એક સરલા. ન ભાઈ કે ન બહેન. કાકી સરલાને વગડાનું કામ સોંપ્યા કરે. લાકડાં વીણવા મોકલે. પારકા ખેતરમાં મજૂરીએ મોકલે. કૂવેથી પાણી ભરી લાવવા કે પછી નદી કાંઠા બાજુ કપડાં ધોવા મોકલે. કચરો-પોતું કરાવે. રસોડામાં પેસવા ન દે. સરલા રોતી રોતી મામાના ઘરે આવે. મામી સરલાનાં કાકા-કાકીને સંભળાવતાં હોય, એમ મોટા અવાજે બોલ્યા કરે. વાસની વસતિ ભેગી થઈ જતી. ‘ભાંણી બાપડી નોંધારી છે... પીટ્યાંને રાખતાં જોર આવે છે ને ભાંણીને કનડે છે. શું થાય, મામાને ઘેર જ આવે છે!’ ટોળે વળેલાં મોસાળ પક્ષનાં સૌ દયા ખાતાં. વિલાસ એ બધાં વચ્ચે ઊભી ઊભી સરલાને જોયા કરતી. એનેય દયા આવતી. નદીની કોતરોમાં લાકડાં વીણવા જતાં સરલાનો સંગાથ થતો. સરલા ઝાઝું બોલતી નહીં. ક્યારેક સામે જોતી ને પાછી સૂનમૂન ચહેરે લાકડાં વીણ્યા કરતી. તે દિવસે સરલાનો કાકો લેવા આવ્યો હતો. સરલાને જવું નહોતું, પણ એ લીધા વગર જાય તેમ નહોતા. સરલાનાં લગ્ન લેવાનાં હતાં. બાપા જીવતાં સગપણ થયેલું. ઝટપટ પરણાવી દેવાની ગણતરીએ લગ્ન નક્કી કર્યાં હતાં. સરલાને કાલે તો જવાનું હતું. એની ઇચ્છા નહોતી પણ લગ્નની વાતે મામી સમજાવતાં હતાં. ‘કાલે સૌ સારા વાનાં થશે... જવું પડે દીકરી.’ વિલાસને સરલા સાથે વાત કરવાની ઇચ્છા થયેલી. એણે લાકડાં વીણતાં વીણતાં પાસે જઈને જોયું તો સરલા જે કોતરમાં ઝૂંડ કાપી રહી હતી ત્યાંથી સાપ પસાર થઈ રહ્યો હતો. ‘સરલા... સાપ છે સાપ!’ કરતી એ સરલાનો હાથ ઝાલીને દૂર ખેંચી ગયેલી, પણ સરલા તો – ‘મને ખબર છે. ભલેને રહ્યો. આપણું શું લેવાનો છે...’ કરતી ઊભી રહેલી. ‘કેમ, તને બીક નથી લાગતી?’ ‘ના’ ‘કાંક કરડ્યો હોત તો!’ ‘ભલેને કરડતો... અહીં જીવવું જ છે કોને?’ ‘એવું ન વિચારાય ગાંડી, લે ચાલ ઘરે!’
વિલાસ ફરી પડખું ફરવા ગઈ ને એનો હાથ બારીએ અથડાયો. બારી ધડામ કરતી બંધ થઈ ગઈ. ઘરનાં સૌ ભર ઊંઘમાં હતાં. વિલાસનો પતિ આધેડ અને બીજવર. પરણેતર આણું કરીને વિલાસને તેડી લાવવાની ઘડીએ ભાગી ગયેલો. લોક કહે છે – એ બાવો થઈ ગયેલો. બીજા હારે વળાવી, નદી પારનો વિસ્તાર. ચારેબાજુ ડુંગરા. માટીનાં ઘર. વિલાસનું મન કેમેય ત્યાં રહેવા માને જ નહીં, એ પિયર ભાગી આવેલી. ફરી વાર ત્યાં ન ગઈ તે ન જ ગઈ.
વેળા થવામાં હજુ વાર હતી. વિલાસને ઘડીક આંખ ઘેરાતી લાગી. ઘેરાતી આંખ મીંચાય ત્યાં મનમાં ભરેલું બધું ઊડી આવે પાંપણે. ભારઝલાં પાંપણ ફટાક કરતાં ખૂલી જાય. શરીર અમળાય-ખેંચાય. થડકારો અનુભવાય. હમણાં હમણાંથી રોજ આવું થવા માંડેલું. વચ્ચે દવા લીધેલી. ડૉક્ટરે કહેલું, ‘બહુ વિચારો કરવા નહીં. ટાઇમસર જમવું અને આરામ કરવો, ઉજાગરો કરવો નહીં.’ દવાથી ઘેરણ જેવું લાગે. થોડીક વાર થાય ત્યાં ફરી પાછું જાગી જવાય. પછી મોડે સુધી જાગતાં જ પડ્યાં રહેવાય.
સરલા પરણી ગયેલી. મામાને ઘેર આવવાનું ઓછું થઈ ગયેલું. વિલાસને સરલા ભુલાઈ ગઈ હોય, એમ દિવસો પસાર થતા ગયેલા. વિલાસની જુવાની ખીલેલી. બે જગ્યાએ ઠેકાણું ન પડેલું. ત્રીજી જગ્યાનું કંઈ નક્કી નહોતું. એવામાં સરલાની સાસરીમાંથી માગું આવેલું. આધેડ જેવા પુરુષને જોતાં જ ભીતરમાં શારડી મુકાઈ જાણે! પણ પિયરિયાં કંટાળ્યાં હતાં, બાપા મરી ગયા હતા. ભાઈ આગળ કોઈનું ચાલે એમ નહોતું. ઘડીક થયેલું – ‘સરલા તો છે... એની સાથે બોલવા-ચાલવાનું ઠીક રહેશે.’ વિલાસે મન મનાવેલું. સામા ઘરે સરલા રહે. સરલાનો વર રૂપાળો, પાતળો, ઊંચો, ગોરટિયો. પાછો નોકરિયાત. એ કમાડની આડમાં સરલાના વરને જોયા કરે. વળતી ક્ષણે એની નજર પોતાના આધેડ પતિ પર તરડ થઈને તૂટી પડે. ભર્યા પરમાં છતા અજવાળે અંધારુંં વરતાય. મનને કશું ગોઠે નહીં. પિયરમાં પાછાં જવાની ઇચ્છા થાય, પણ ત્યાં પિયરમાં તો ભાઈનો ગુસ્સો સાતમા આસમાને. અહીં ઘર પાછળ વાડમાં થુવેરની ઊંચી વાડ. વાડ પાછળ નર્યાં કેર અને કંથેર. એને પિયરનું આંબાવાડિયું સાંભરે. નદી સાંભરે. કોતર સાંભરે અને અહીં સાસરીમાં કશાક કામે બહાર નીકળે ને રસ્તે-ચોરે ઊભેલા જુવાનિયા.
સામેના ઘરે સરલાનો પતિ નાહીને વાળ ઓળતો ઊભેલો દેખાય. મન ખિન્ન થઈ જાય, ઘરકામમાં ધ્યાન ન રહે. હાથમાંનાં વાસણ છટકે. પતિ કશું બોલે એ પહેલાં એ છણક ભણક થઈ, પગ પછાડતી ઘડીક ઘરમાં, ઓસરીમાં તો ઘડીક આંગણામાં અટવાયા કરે. પતિ સાથે વાત વાતમાં વાંકું પડે. રાતવેળા પતિ જાત જાતનું, ખાવાપીવા પહેરવા-ઓઢવા, ચીજવસ્તુ લાવે. પ્રેમ પાથરે, પણ કોણ જાણે વિલાસનો ચહેરો કેમેય રાજી ન થાય. એક સવારે સરલાના ઘરમાં કશીક ચીજવસ્તુ લેવા ગઈ ને બારણામાં જ ખોડાઈ ગઈ. સરલા એના પતિ સાથે જબરી ગમ્મતે ચડેલી. ગળામાં ડચૂરા જેવું થયું. ખોંખારો અટકી ગયેલો. ઝડપથી પાછી વળી ઘરે જતાં જ કમાડ ભીડી દીધેલાં, ભીડેલાં કમાડ અઢેલી તળેઉપર થવા માંડેલી, પાણિયારેથી લોટો ભરીને પાણી ગટગટાવ્યું. કળ ન વળી. ઢાળેલા ખાટલે બેસી પડી. બારી આરપાર સરલા એના પતિ સાથે ઊભેલી દેખાઈ. એ ત્યાં ઊભાં ઊભાં એકબીજાને તાળી આપતાં હસી રહ્યાં હોય એવું લાગ્યું. એણે ફટાક દઈને બારી બંધ કરેલી. મન ચક્કર-વક્કર થવા માંડેલું, ‘કાલ બપોરે તો રોતી રોતી મામાને ઘેર આવતી’તી ને આજ...’ એ ક્યાંય સુધી સૂનમૂન બેસી રહેલી. રવિવારે સરલા પતિ સાથે ફરવા જાય. બનીઠનીને નીકળતી સરલાને એ જોયા કરે. ખુશીભર્યા ચહેરે આ સાડી કેવી લાગે છે વિલાસબહેન...’ બોલતી એ વિલાસના ઘરે આવે ને વિલાસ કશું બોલ્યા વગર ઊભી રહે. ચહેરા પર અણગમો છવાઈ જતો લાગે. પતિ પગમાં જોડા ઘાલીને ખેતરે મજૂરી કરવા ચાલ્યો જતો. પતિનો કાળોભટ દેહ એને ભાદરવાના તડકા જેમ વાગવા માંડે. આખો દિવસ પાવડો કૂટી કૂટીને છાલાં પડેલા લીમડાની છાલ જેવા હાથના પંજા... વધેલી દાઢી અને મોઢામાં તમાકુની વાસ... વિલાસ પડખું ફરી જતી. શરૂ શરૂમાં બધી સ્ત્રીઓ અને યુવતીઓ વિલાસની પાસે આવી બેસતી, બોલતી-ચાલતી અને હસી-મજાક પણ કરી લેતી. તો વિલાસનાં વખાણ કરીને રાજી થતી, પણ પછી આધેડ પતિની સામે જોઈને એ બધી અંદરોઅંદર હસતી હોય એમ વિલાસને લાગવા માંડેલું. એમનું આ રીતે હસવું એને પસંદ નહોતું. એ અતડી રહેવા માંડી. ધીરે ધીરે એ બધાંની અવરજવર ઘટી ગયેલી. હવે બધાં સરલા સાથે બેસતાં-ઊઠતાં થયાં હતાં. ક્યારેક સાવ એકલી પડતી ને આસપાસમાં કોઈની પાસે બેસવા જતી, પણ ‘ચાલો સરલાવહુને ત્યાં ઠીક રહેશે.’ કહીને બધાં સરલાને ઘરે જવા ઊઠતાં. વિલાસને આ ઠીક લાગતું નહોતું. પોતે સરલાથી મોટી છે-નો વિચાર મનમાં આવી ભરાતો. એ કશુંક બહાનું ધરીને ઘરે આવતી રહેતી, પણ મન તો સરલાના ઘર બાજુ જ લાગેલું રહેતું. સરલાના ઘરે ભેગી થયેલી સ્ત્રીઓની વાતચીત, હસીમજાક અને ચા-પાણી... મનમાં ચચરાટ વધવા માંડતો. સવારે ઊઠતાંવેંત વિલાસ ઘરઆંગણું સાફ કરવા મંડી પડે. સૂપડીમાં કચરો ભેગો કરીને ઉકરડે નાખી આવે, પણ એક સવારે એના પગ સરલાના આંગણામાં અટકી પડેલા. સરલાનું ચોખ્ખુંચણાક આંગણું મલકી રહ્યું હતું. એણે સરલાના ઘરમાં નજર નાખી. મનમાં ઊડી આવતા કચરા જેવું પ્રવેશવા માંડ્યું... પોતાની ઓસરીમાં પતિ હજી ઘોરતો હતો. એનો ચહેરો કદરૂપો લાગતો હતો. એનાથી ‘હા ક્ થૂ..’ થઈ ગયેલું. આસપાસ જોયું. સરલા ઘરમાં કામ કરતી કરતી ગીત ગણગણી રહી હતી. સરલાનો પતિ અરીસામાં જોઈને દાઢી પર સાબુ લગાવતો ઊભો હતો. વિલાસનું મન આળું થઈ ગયેલું. એનાથી સૂપડી ભરેલો કચરો સરલાના આંગણામાં ઠલવાઈ ગયેલો. આળા થતા મનને શાંતિ વળેલી. પછી પોતાનો કચરો સરલાને વાળતી, ઉપાડતી જોવાની એને મજા પડવા માંડેલી. શરૂમાં તા સરલાનું કોઈ ધ્યાન ગયું નહીં. એ રોજની જેમ જ હસતી-બોલતી, કામ કરતી સૌની સાથે બેસતી-ઊઠતી હતી. ક્યારેક નવરી પડતી તો – કેમ છો વિલાસબેન? શું કરો છો...’ કરતી એકાદ આંટો મારી જતી. ઘરમાં જૂનીનાં છોકરાંનું તોફાન... ન ગમતા પતિનો ઓછાયો... પોતાની રૂપાળી જુવાનીનો ભાર અને સામી છાતીએ એક સમયની દુખિયારી સરલાનું સુખી દામ્પત્ય... વિલાસથી સરલાના આંગણામાં કચરો ઠલવવાનો ક્રમ રોજનો થઈ ગયેલો. એક-બે વાર સરલાને બોલતી સાંભળેલી. ‘શું છે, સરલાવહુ... કોને બોલો છો?’ બાજુનાં પસીડોશીએ કહેલું. ‘આ જુઓને પસીમા, હું રોજ વહેલી ઊઠીને આંગણું વાળું છું આ કચરો ક્યાંથી ઊડી આવે છે!’ ‘ઊડી તો ક્યાંથી આવે વહુ, તમારા વાળવામાં ઉતાવળ હશે કે પછી અંધારામાં રહી જતું હશે..?’ પસીડોશી સરલાને સમજાવતાં. વિલાસ મનોમન હરખાતી. ક્યારેક સરલા વિચારતી, ‘કોણ હશે આવું માણસ... તે મારા આંગણામાં કચરો ઠલવે છે?’ સવાર સવારમાં સરલાનો ચહેરો ઉદાસ થઈ જતો. વિલાસને સરલાની આ ઉદાસી ગમવા માંડેલી, પણ આ તો ઘડીકની મજા. પછી આખો દિવસ પાછી સરલાના સુખી સંસારની ઝાળ વાગ્યા કરે. તે દિવસે બરાબરની જામી ગયેલી. ‘કેમ, વિલાસબહેન આવું કરો છો?’ ‘શું છે તારે?’ એ તાડૂકેલી, ‘આ તમારો કચરો ઉકરડે નાખી ને... અહીં મારા આંગણામાં..’ સરલા હજી પૂરું બોલી રહે એ પહેલાં એણે, ‘હવે જા, જા આંગણાવાળી! કાંય તું એકલી જ ચોખલી છે? અમને કશી ખબર જ નહીં પડતી હોય શું... ન જોઈ હોય તો મોટી સાઈ કરનારી! તારા બાપના ત્યાં તો કશું ભાળ્યું નથી ને અહીં જુઓને આ બાઈને ખેલ કરવા મળે છે!’ સરલા કશુંય બોલ્યા વગર અંદર ચાલી ગયેલી. વિલાસ બોલતાં બોલતાં હાંફવા માંડેલી. ખાસી વારે ચહેરા પરનો રોષ ઓછો થયેલો. કચરો પોતે ઠલવે છે છતાં સૌની વચ્ચે સરલાને પાછી પાડવામાં ભભૂકી ગયેલો રોષ એને પોતાને નવાઈ પમાડી ગયેલો. તો સરલાને સૌની વચ્ચે કેવી ઉતારી પાડીનો આનંદ છવાઈ ગયો, પણ કોણ જાણે ઘડીક પછી એના મનમાં ખારોપાટ છવાવા માંડેલો. સવાર સવારમાં સૌ ટોળે વળી જતાં. સવાર-બપોર કે સાંજે કચરો વાળવા કે પાણી ઢોળવાના બહાને ઝઘડા શરૂ થઈ જતા. કોઈ સરલાનું ઉપરાણું લે તો એ બરાબરની ખિજાઈ જતી. કોઈથી પાછી પડતી નહોતી. પાછી સરલાના અકળાયેલા ચહેરાને બારીમાંથી જોતી હરખાતી રહેતી. વિલાસની પતિ ક્યારેક ઊકળી ઊઠતો, ‘શું લેવા આમ કરે છે? ભૂંડી લાગે છે ભૂંડી!’ એણે રીતસરનો આંગણાં વચ્ચે જ ઠૂઠવો મૂકેલો. જબરો તાલ થયેલો. આ બધું તો સવારથી ચાલુ થઈ જતું, પણ રાત પડે ને સૌ પોતપોતાના ઘરમાં પુરાય ત્યાં વિલાસને કશુંક ખૂટતું લાગે. લાઇટ બંધ કરીને એનો પતિ પડખે ભરાવા મથતો. એ પડખું ફરી જતી. સરખી ઉંમરની સરલા, નોંધારી સરલા, કાકાના ઘરેથી રોતી રોતી મોસાળમાં આવતી સરલા અને અહીં...’ વિલાસને પડખામાં શૂળ ભોંકાવા જેવું લાગતું. વારતહેવાર આવે. સરલા બધું ભૂલીને વિલાસને ત્યાં આવે. મેંદી મૂકવાની હોય કે પછી વ્રત-ઉપવાસ હોય, એ વિલાસને બોલાવવા પ્રયત્ન કરતી. મોં મચકોડતી વિલાસ કેમેય રાજી ન થાય. વાત વાતમાં સરલા સાથે વાંકું પડે. ‘શું છે તારે તે દોડી જાય છે? હું જોયા કરું છું કે એ તને ખુશ રહેતી જોઈ શકતી નથી. મને એનો સ્વભાવ નથી ગમતો...’ સરલાના પતિએ સરલાને વિલાસના ઘરે જતી રોકતાં કહેલું, વિલાસ કાળઝાળ થઈ ઊઠેલી. સરલાના પતિ પર એને વાંકું પડવા માંડેલું, ‘ન જોયો હોય તો મોટો લાટસાહેબ! બે પૈસાની નોકરીનો પાવર આવી ગયો છે...’
સરલાને સારા દિવસો જતા હતા. વિલાસે રોજનો ઝઘડો વધારવા માંડ્યો હતો. વાસના સૌ કંટાળી ગયાં હતાં. એ બધાં સરલાને શરીરની કાળજી અને શાંતિ રાખવાનું કહેતાં હતાં. વિલાસને કોઈ કશું કરી શક્યું નહોતું. એ મનોમન ફુલાતી જતી હતી, પણ આખો દિવસ ખાસ કોઈ એની સાથે બોલતું નહીં. ‘મૂઈ કજિયાળી છે...’ વિચારતાં આસપાસનાની અવરજવર ખૂબ ઓછી રહેતી. એ એકલી પડવા માંડી હતી. પેલી તરફ સરલા પ્રત્યે દરેકની હૂંફ જોઈને એ અંદરથી બળ્યા કરતી. જૂનીનાં છોકરાંને વગર વાંકે ધીબી નાખતી. છોકરાં રાડમ્રાડ કરી નાખતાં. પતિ સાથે વાત વાતમાં લડી પડતી. હાથમાં હોય તે ચીજવસ્તુ ફેંકી દેતી. પગ પછાડતી ઘરમાં, ઓસરીમાં ને આંગણામાં આઘીપાછી થયા કરતી હતી. કોઈ વાતે એને ચેન નહોતું. મનમાં એવું પણ આવી ભરાણું કે, ‘આવી આ કંટાળીને ક્યાંક બીજે રહેવા જતી રહે તો સારું...’ સરલાને દીકરો જન્મ્યો ને વાસ રાજી રાજી થઈ ગયેલો. વિલાસનું શરીર જાણે ભડભડ થવા માંડ્યું. ‘હવે કાં તો એ રહે કાં તો હું... બાકી ચેનથી તો સામી છાતીએ નહીં જ રહેવા દઉં...’ મનના વિચારો વળ ખાઈને ટટ્ટાર થવા માંડેલા અને એવું જ થયેલું. રોજની જેમ જ એક સવારે સરલાના આંગણામાં કચરો ઠલવવા ગઈ ને એ ઊભી રહી ગયેલી. સરલાના ઘરને તાળું મારેલું હતું. ‘ક્યાં ગઈ હશે આવી આ?’નો સવાલ થયેલો. પછી ‘કશેક બહારગામ ગઈ હશે. આપણે શું... લે, લેતી જા...’ કરતાં એણે સરલાના આંગણામાં કચરો ઠલવી દીધેલો. બીજા દિવસેય આમ કર્યું. ‘પાછી આવશે ને આંગણામાં ઢગલો વળેલો ભાળશે ત્યારે ઠીક રહેશે. ભલેને મથ્યા કરતી...’ પણ પછી એ લોકો તો શહેરમાં રહેવા ચાલ્યાં ગયાં છે જાણીને એને થયેલું ‘હાશ! હવે શાંતિ!’
ધડામ કરતી બારી ફરી પાછી આઘીપાછી થવા માંડી. વિલાસને બારી પર ચીડ ચડી આવી. બારી બંધ કરીને એ બેસી રહી. મૂંઝારો વધવા માંડ્યો. બારી ખોલે ને સામે સરલાનું બંધ ઘર દેખાય. કચરાનો ઢગલો દેખાય. ‘હવે નથી નાખવો. એ છે નહીં પછી કચરો નાખવાની શી મજા!’ પણ જેવો કચરો સૂપડીમાં ભરે કે સરલાના આંગણામાં રોજની જેમ પગ અટકી પડે. કચરો ઠલવાઈ જાય. પરમદિવસે સરલા આવેલી. ‘સાફસફાઈ કરવા જ આવી હશે! બાબો રડતો સંભળાયો. કામમાં હશે. આંગણામાં કચરાનો ઢગલો થઈ ગયો હતો. એ બોલશે. કકળી ઊઠશે. વાસનાં બૈરાં એના કકળાટમાં સૂર પુરાવશે, પણ આ ફેરા તો કશું બાકી નથી રાખવું. ભલેને મોટો ઝઘડો થઈ જતો. વળીને પાછી ન આવે એવું કરી મૂકું.’ વિલાસ મનોમન વિચારતી રહેલી. કેટલાક દિવસોથી કચરાનો ઢગ વળેલું આંગણું સરલાએ મોટું-છાંટું વાળી નાખેલું. કશું બોલ્યા કે બબડ્યા વગર. વિલાસને નવાઈ લાગેલી. ‘કેમ, એનું મોં સાવ...’ પાછું થયું, ‘એનો વર સાથે નથી. તે ઝઘડાથી બીતી હશે કે પછી એના રૂપાળા વરે બોલવાની ના પાડી હશે. પાછી મીંઢી ખરી ને!’
ઘટ્ટ બનતા જતા અમાસના અંધારામાં વિલાસે મોડે સુધી પડખાં ઘસ્યાં. શરીરમાં ઝીણો ઝીણો તાવ આવી ભરાયો. ડૉક્ટરની સલાહ યાદ આવી ગયેલી, પણ ઊંઘ તો આભલે ચોંટી ગઈ હતી!’ કોઈએ કહેલું – ‘રૂપાળા બંગલા જેવું મકાન ભાડે રાખ્યું છે. એય ને સરલાને તો જલસા છે જલસા... એના પતિએ નવી બાઇક લીધી છે.’ આંખ આગળ છબિમાં મઢેલો સુખી પરિવાર કિલકિલાટ કરતો ખડો થઈ જતો હતો. ખાટલા પરની ગોદડી સાફ-સૂથરી અને ખંખેરી-ઝાપટીને પાથરી હતી. તોય કશુંક ચળ જેવું શરીરે ચટક્યા કરતું હતું. ખૂબ મોડેથી આંખ મળી ગયેલી. ઠંડો પવન વાઈ રહ્યો હતો. બારી અથડાવાનો અવાજ થતાં એ જાગી. સરલા ગઈકાલે સાંજે ચાલી ગઈ હતી. વિલાસે ઝટપટ કચરો ભેગો કર્યો. ગઈકાલે સરલાએ મોટું-છાંટું વાળેલું આંગણું એવું ને એવું પડ્યું હતું. ‘કેમ એણે આંગણું બરાબર વાળ્યું નથી?’નો સવાલ થયો. પાછું મનોમન જવાબ વાળતી હોય, એમ – ‘કેવી ભાગી છે? આંગણુંય વાળવા ન રહી – બહુ ફાળે થઈ’તી!’ બબડતાં રોજની જેમ જ સરલાના આંગણામાં કચરાનો ઢગલો કરીને એ પાછી વળી ગઈ. પોતાનું આંગણું ચોખ્ખું હતું ને સરલાના આંગણામાં પોતાનો કચરો! એનેય સરલાની જેમ કશુંક ગીત ગણગણવાની ઇચ્છા થઈ આવી, પણ ભીતરમાં જ સમાઈ ગઈ. પવનનું જોર વધવા માંડ્યું. સરલાના આંગણાનો કચરો પોતાના આંગણા બાજુ ઊડી આવતો ભળાયો. એ સાવરણો લઈને ઊઠી, પવન ગાંઠતો નહોતો. કચરો વળી વળીને પાછો આવતો હતો. એણે જોરથી સાવરણો ફેરવવા માંડ્યો. બાજુનાં પસીડોશી અને ચંપા કશીક વાતે ગુસપુસ કરતાં હતાં. એને થયું – ‘આ મૂઈઓ મારી જ વાત કરતી હશે...’ સાવરણો જરીક હળવો રાખીને કાન સરવા કર્યાં. ‘કેેમ પસીમા, સરલા કંઈ ખાસ બોલી-ચાલી નહીં?’ ‘શું બોલે? બિચારી પિયરની બળેલી માંડ ઠરી’તી ને પાછાં ઉપાધિનાં પોટલાં! એનો વર કોઈ મોટી બીમારીમાં સપડાયો છે.’ ‘હેં શું થયું એના વરને?’ ‘કેવો રૂપાળો’તો... કે’તાં જીભ નથી ઊપડતી. બચારાને લોહીનું કૅન્સર... મૂઈ બોર બોર આંસુડે રોતી’તી....’ વિલાસના હાથમાંથી સાવરણો સરકી ગયો. એની આગળ વર્ષો પહેલાં કાકીના ત્રાસથી મોસાળમાં દોડી આવતી સરલાનો રડતો, દયામણો ચહેરો હાલકડોલક થવા માંડ્યો ‘હત્ તારીની! મેં મૂઈએ આ બિચારીને... આ તો પાછી નોંધારી!’ એ આગળ કશું વિચારે-કરે ત્યાં ઊડી આવતો કચરો આંખમાં ભરાયો. આંખ પર સાડલાનો છેડો દબાવતી વિલાસને પસીડોશી અને ચંપાની પાસે જવાની ઇચ્છા થઈ. એણે પગ ઉપાડ્યા. સરલાના આંગણા સુધી આવતાંમાં આંખમાં ખટકો ઊપડ્યો. આંખે અંધારાં વળવા જેવું થયું. હળવે હાથે સાડલાની કોર ફેરવીને કચરું ખેંચી કાઢ્યું. આંખમાં લાલ-પીળાં ઝાવાં ઊઠ્યાં. ગઈકાલે જોયેલો સરલાનો ચહેરો ઝાંખોપાંખો થતો ઊઘડવા માંડ્યો. આંખમાં ખટકો હજી મટ્યો નહોતો, એ લથડિયું ખાઈ ગઈ. પેલી બાજુથી પસીડોશી અને ચંપા, ‘અલી આને વળી મૂઈને શું થયું એકદમ!’ કરતા ટેકો આપવા દોડી આવ્યાં. વિલાસ કચરાના ઢગ વચ્ચે જ પછડાટ ખાતી હેઠી બેઠી હતી.