ધીરેન્દ્ર મહેતાની કવિતા/અવરજવર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬.
અવરજવર


ખાંગા થઈને બેઠાં ઊંટ
હવે કદી નહિ ઊઠે;
એમનું યાં... યાં સંભળાયા કરશે
છેક લગી.
રેતીમાં ભળી ગયેલું
અસ્ત થયેલા સૂર્યનું તેજ
ઝગ્યા કરશે બળ્યા કરતી આંખોમાં.
એમાં
પડેલાં
પગલાં
ફૂંકાશે
વંટોળમાં
ને
પડછાયા થઈને ફેલાશે
આખા રણમાં...
આમ
આંખ ખૂલે
કે
ના ખૂલે
એક અવરજવર
ચાલ્યા કરશે
વાસ-ઉચ્છ્વાસ-માં:
બસ ચાલ્યા કરશે,
ચાલ્યા કરશે...
૨૩-૬-’૭૮