ધીરેન્દ્ર મહેતાની કવિતા/કાળો ડુંગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૩.
કાળો ડુંગર

શિયાળ આવે છે કે નહિ,
કાળા ડુંગર પર,
દત્ત ભગવાનનો પ્રસાદ લેવા,
એ વિશે મતભેદ છેઃ
કોઈ કહે છે, આવે છે પહેલાંની જેમ જ
નિયમિત, અને ચોક્કસ સમયે.
પોતે દીઠાનો દાવો કરે છે.
અને કહે છે,
એની લાળી પણ સંભળાઈ હતી.
એ જ પથ્થર પર
પ્રસાદ પણ હોય છે રોજેરોજ,
ખુદ દત્ત ભગવાન મૂકી આવે છે,
એની લાળી પણ સાંભળીને.
શિયાળ રોકાતું નથી,
પ્રસાદ આરોગીને જતું રહે છે.
પણ દત્ત ભગવાન રોકાય છે
કાળા ડુંગરની ટોચ પર,
શિયાળના આવવાની ભાળ લેવા...
કોઈ કહે છે,
ના, હવે શિયાળ આવતું નથી
માણસોની અવરજવર વધી છે ત્યારથી;
કાળો ડુંગર તો હવે હરવાફરવાનું સ્થળ,
થાનક નહિ,
શિયાળ આવીને શું કરે?
સાબિતી આપવાની રીતે કહે છે,
પોતે રાત આખી રોકાયા હતા-છેક સવાર લગી,
પણ શિયાળ આવ્યું ન’તું,
નહોતો પથ્થર પર પ્રસાદ.
દૃશ્યાદૃશ્યની આ રમતમાં ભાગ લેવા
કોઈ વાર હુંય ગયો છું
કાળો ડુંગર.

પહેલી વાર ગયો ત્યારે
ડુંગર જ દેખાયો નહોતો,
મેં દીઠી
જડબું ફાડીને સૂતેલી બન્ને બાજુની ખાઈઓ;
અને એ જડબામાંથી લબડતી જીભ જેવો રસ્તો,
માણસ જોઈને - કદાચ મને જ - હડપવા આતુર.
હું પાછો વળી ગયો’તો,
પછી મેં સાંભળ્યા કરી કાળા ડુંગરની એ કિંવદંતીઓ.

એ કિંવદંતીઓ શાન્ત થયા પછી
એક વાર કાળો ડુંગર ગયો’તો
સંભારીને શોધ્યું પણ
જડબાની ફાડ બેઉ બાજુથી ખેંચાઈ થઈ ગઈ’તી બંધ.
ને લબડતી જીભ
દબાઈ ગઈ’તી ડામર નીચે.
રસ્તો દોડી આવ્યો’તો છેક મારા પગ સુધી,
ચિરપરિચિત જેમ.
મને તેડીને એણે
મૂકી દીધો’તો ડુંગરની ગોદમાં.
મેં જોઈ
ડુંગરની ટોચ,
જ્યાં ચઢી રહ્યા હતા યાત્રી
પથ્થરો પર પગ
ટે

વી
ટે

વી
ને
વળી રહ્યા હતા પાછા
થાનકે માથું નમાવી.
મારે છે હવે લટાર
અહીંથી તહીંથી પરિદૃશ્યો જોતાં.
પણ ભૂલી ગયા છે વાત શિયાળની.
મને પૂછે કોઈ તો કહું,
શિયાળને હું જ લઈ ગયો છું મારી સાથે.
અને પછી હું ડુંગર કોઈ વાર ગયો નથી.
કાળા ડુંગર પર વસે છે
હવે તો એકલા દત્ત ભગવાન.
૧૯-૧-૨૦૧૯