ધીરેન્દ્ર મહેતાની કવિતા/સમીપે હું કોની?
૫૦.
સમીપે હું કોની?
સમીપે હું કોની?
અડું ને ત્યાં જાગે રગરગ મહીં કંપ રમતો,
ઉછાળે ને ઝીલે અણુઅણુ થકી મુક્ત કરતો;
અને આ ક્રીડામાં સતત જીવતું દૃશ્ય બદલેઃ
સમીપે હું કોની ખબર ન પડે કાંઈ જ મને.
હવાનાં ઘૂમે છે વલય અવનિ-અંબર બધે
ઝબોળાતાં તેજે દિવસ-રજની એક જ થતાં,
દિશા એકાકારે પળ-વિપળનો ભેદ ન કશોઃ
સમીપે હું કોની ખબર ન પડે કાંઈ જ મને.
અને આ સામે ત્યાં વિજન વગડો નગ્ન પ્રજાળે,
ધકેલાતો ચાલુ અવશ થઈ ક્યાં કૈં ગમ પડે?
જતો તે પાછો ક્યાં પગરવ મળે, સાદ વળતોઃ
સમીપે હું કોની ખબર ન પડે કાંઈ જ મને.
વટાવી જાઉં ના સ્થિર પણ રહું ના સ્થિતિ કઈ,
સમીપે હું કોની ખબર ન પડે કાંઈ જ મને.
૧૫-૩-૨૦૨૩, ૨૪-૩-૨૦૨૩