ધૂળમાંની પગલીઓ/૮
હમણા આબુ ગયો હતો—પાષાણલક્ષ્મીના સાનિધ્યમાં. પાષાણોનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે; તેમનામાં આહલાદ આપવાનું અનોખું સામર્થ્ય હોય છે. પાષાણોના સંપર્ક વનશ્રી અને જલશ્રીની કોઈ નિગૂઢ રમણીયતા આવિર્ભાવ પામે છે. પાષાણોનો પુંજ, ગરિમા ને મહિમાથી સંપન્ન થતાં તેનું લોકોત્તર ગિરિલક્ષ્મીમાં સ્વરૂપાંતર થતું હોય છે. મારે મન આ જ સાક્ષાત્કાર શિલાધિરાજતનયા પાર્વતીનો. એ પાર્વતીનો નૂપુરઝંકાર ઝરણે ઝરણે શ્રવણગોચર થાય છે. એ નૂપુરઝંકાર જ મને પ્રેરી જાય છે શૈશવની પાષાણી ગહવરોમાં, શૈશવની સ્મરણલીલાની મંજૂષારૂપ એના મૂળસ્રોતરૂપ પાવાગઢની પહાડી સૃષ્ટિમાં. આબુથી માઈલોના માઈલ દૂર, ને તોય મને તો મારા મન જેટલો નજીક. આબુથી અમદાવાદ દૂર હશે, પાવાગઢ તો નહીં જ. પેલો ટૉડરૉક કૂદે તો પાવાગઢના દૂધિયા તળાવમાં જ પડે! પાવાગઢ ભલે મારા ગામ કંજરીથી છ-સાત માઈલ દૂર હોય, પણ એ દૂરતા કદી મને કઠી નથી. પાવાગઢ પરનાં જંગલોમાં લાગતો દવ અમે દૂરથી જોઈને અનેકવિધ તર્કવિતર્ક કરીએ. હોળીના દિવસે તો સાંજના ગોરજટાણે આંખો તાણી તાણીને આસમાની ધૂસરતાની આરપાર, પાવાગઢ પર ચેતાવાતી હોળીને નીરખવાના પ્રયાસો કરતા. ત્યારે અમારી પાસે દૂરબીને કે બાયનોક્યુલરો નહોતાં, પણ ઉત્કટ કલ્પનાબળથી પ્રેરિત દૃષ્ટિકલા અવશ્ય હતી, જેનાથી અમને યથેચ્છ દર્શન કરવાની શક્તિ લાધેલી હતી. પાવાગઢથી આમ ભૌતિક રીતે દૂર છતાં એનાથી અમારી શૈશવની સૃષ્ટિ નિગૂઢતયા સંકલિત થતી હતી. અમારા ગામના પાદરેથી ચોમાસામાં ‘મલિન ફીણના છોગે’ વળી જતો જે વહેળો, તેનો હાથ પાવાગઢની વિશ્વામિત્રીના હાથમાં સોંપતાં અમારા સંવિતને કોઈ વિઘ્ન નડતું નહોતું. અમારા નાનકડા દરબારગઢની અડીખમતામાં પાવાગઢની અડીખમતા ભેળવી દેતાં અમને જરાય મુશ્કેલી પડતી નહોતી. અમારી એક મુગ્ધ માન્યતા હતી કે પાવાગઢમાં એવાં ભયરાં છે કે જેમાંના એકાદનું મુખ ક્યાંક દરબારગઢગમાં ખૂલતું હોય. અમે ખાપરાકોડિયાની વાત કરતાં ધરાતાં નહીં. ખાપરા અને કોડિયાને અમે બહારવટિયા તરીકે ઓળખતા હતા. એમની પાણીપંથી ઘોડીઓના ડાબલા અમારી સ્વભૂમિને ગજવતા. એમની તીખી તલવારોના ચમકારે અમારા ગામની ભાગોળે આતતાયીઓનાં કપાયેલાં માથાંનું તોરણ બંધાતું અમે જોતાં. આ બહારવટિઓના આગમને અમારો દરબારગઢ, કોઈ નરબંકો અફીણી નિદ્રામાંથી સફાળો બેઠો થઈ જાય એમ બેઠો હતો. અમારા દરબારગઢમાં રાખેલાં હથિયારોમાં એકદમ ગતિ આવતી. ભાલાનાં ફળાં હવામાં ઊછળવા લાગતાં. કટારીઓ, જમૈયા ને તલવારો હવામાં વીજળીઓ વેરતી. અમારા દરબારગઢમાંના ત્રાંસાં કાણાંમાંથી બંદૂકની નાળો આગ ને ધુમાડા સાથે ગોળીઓ વરસાવતી. ગઢના બુરજ પર લોખંડી જંજાળો ગરજતી થઈ જતી. અમારા ગામના ઘેઘૂર વડ તળેનો પાળિયો હાલી ઊઠતો. એક બાંકા જુલ્ફાવાળો કેસરિયો જુવાન તેજી તોખાર પર બેસી તીરની જેમ વછૂટતો. વિશાળ લલાટમાં કુમકુમની આડ ને છૂટા લાંબા વાળ માથે ખુલ્લી કટારી સાથે સતી મા નીકળતાં, હવામાં મશાલોની હારમાળા ચાલી જતી, લાલ ગુલાલ ને ઢોલત્રાંસાંથી વાતાવરણમાં ભારે ઉત્તેજના પ્રવર્તતી; ને અમારા ભાથી ખતરીજી પણ લીલા અશ્વ પર ચઢીને જ્યારે આ રમઝટમાં સામેલ થતા ત્યારે રણશિંગાં ને ડાકલાંના અવાજ અમારી નસેનસમાં લડાઈનો અનોખો લય પૂરતા. અમારી કંઈક રાત્રીઓ પાવાગઢની પરાક્રમગાથાઓથી સિંચાતી ને કંઈક સ્વપ્નો પાવાગઢનાં ખંડેરોમાંથી એક ભવ્ય ને વિરોદાત્ત સૃષ્ટિનું નિર્માણ કરતાં અમારા મનમાં સંચરતાં. પાવાગઢ જેમ અમને પ્રત્યક્ષ હતો તેમ પાવાવાળી મા કાલિકાયે અમને પ્રત્યક્ષ-હાજરાહજૂર હતાં. અમારા ગામમાં નવરાત્રિમાં માંડવડી રચાતી. નવરાત્રિના દિવસ શરૂ થાય તે પૂર્વે અમે લાકડાની માંડવડી કાઢતા. એને તળાવે લઈ જઈ બરાબર સાફ કરતા. તેલ-મળી ધૂળને પ્રયત્નપૂર્વક ઉખેડતા. લાકડાની ચોરસ બાજઠ. વચ્ચે હાથી ને એના પર દીવા મૂકવાની થાંભલી. માંડવડીને અમે ફૂલથી સરસ રીતે સજાવતાં. એના પર સળિયાનું સ્ટૅન્ડ ગોઠવી એના પર કોડિયાં મૂકતાં. એ કોડિયાં માટે ઘી-તેલ ઉઘરાવવાનો પણ એક શાનદાર કાર્યક્રમ રહેતો. ઘી-તેલ ઉઘરાવવામાં કળ-બળનો ઉપયોગ કરવાનો થતો. એક ડોશીમા ઘરનાં સુખી છતાં ઘી-તેલ આપતાં ખચકાતાં. ઘી માંડ અર્ધી પળી આપે ને તે અમને મંજૂર નહીં રહેતું. એમ એ ડોશી ઘરમાંથી દેવદર્શને બહાર જાય ત્યારે એના દીકરાની વહુ પાસે પહોંચી જતા અને એ જરૂર કરતાં વધુ ઉદારતાથી અમારાં ઘી-તેલનાં ડબલાં છલકાવી આપતી. સાંજે ઘેર વાળુ કર્યું-ના કર્યું ને અમે માંડવડીએ પહોંચી જતા. અમારા લત્તાની માંડવડી બીજા લત્તાની માંડવડી કરતાં વધુ ભપકાદાર લાગે એ માટે અમારી ઉત્કટ સાધના રહેતી. અમે માંડવડીની આસપાસની જગાને સ્વચ્છ અને સુશોભિત રાખવા પ્રયત્ન કરતા. ધ્વજપતાકા ને તોરણોથી માંડવડીની જગાને શણગારતા. વળી અમારી માંડવડીએ દરબારસાહેબ પધારે એ માટે અમારા વડીલો ચક્રો ચલાવતા ને અમે માંડવડીનો ઉત્સવ ભવ્ય રીતે ઊજવાય એવા ઉપાયો વિચારતા. નવરાત્રિની સાતમ-આઠમ આવે ને માંડવડીની આસપાસનાં ગરબી-ગરબા બરોબર ચાક પકડે. બધી વર્ણના લોકો આમાં જોડાય. દરબારનાં માણસોયે હોય અને બારૈયા-ધારાળા પણ ખરા. ઉજળિયાત અને પછાત, સ્ત્રીપુરુષ અને યુવાન-પ્રૌઢ સૌ વિનાભેદભાવ આ ગરબી-ગરબામાં જોડાતાં. ગામના રાવળિયા ઢોલી ઢોલ-પિપૂડાથી આમાં સૂર પુરાવતા. ભજનમંડળીઓનાં તબલાં-કાંસીજોડાય આમાં ગાજતાં ને આખું વાતાવરણુ અબીલ-ગુલાલે ભર્યુંભર્યું, માતાજીની નવર’ગી ચૂંદડી જેવું ઝળાંઝળાં થઈ રહેતું. અમારામાંના અનેક મિત્રો આ ગરબાની રમઝટનો કેફ અનુભવતા ને એમાં જોડાઈ જતા. ‘ધમધમ કરતી મેડે ચડી, એનાં ઝાંઝરનો ઝમકાર, હળવા ઝૂલણ ઝૂલો’– જેવી ગરબીઓ ઊપડતી. પિત્તળલોટા જળે ભરાતા. દૂધે તળાવડીઓ ભરાતી ને સાકરે પાળ બંધાતી. ‘જય મહાકાળી, તારું ખપ્પર ન જાય ખાલી’- એ પાવાવાળી મહાકાળીને ગરબે ઘૂમવા નોંતરવામાં આવતી ને ગરબો સાતમ-આઠમ-નોમ ત્રણ ત્રણ દહાડા રાતદહાડો સળંગ ચાલતો. દરબાર તરફથી આમાં ભાગ લેનાર સૌને લાડુ-દાળભાતનું પાકું જમણ અપાતું. આખું ગામ કુંભારના ચાકની જેમ કે નક્ષત્રમાળાની જેમ માંડવડીની આસપાસ ઘૂમતું, હેલે ચઢતું. રંગીન ઓઢણાં ને છોગળિયાળા સાફાનો કેફ હવામાં હિલ્લોળાતો. કોઈમાં માતાજી ને ભાથીજી ગરબે રમવાને ઊતરતાં. ધૂપદીપ થતા, પૂજા-પ્રસાદ થતા ને એમ કામધંધા, ભણતરબણતર બધું કોરાણે રહી જતું. રહેતો એક અમલ પગના ઠમકાનો અને હાથની તાળીનો; કંઠની હલકનો ને અંગની હીંચનો. આખું ગામ ગરબે ઘૂમતું ને છતાંય ત્યાં ન કોઈ અશિસ્તનો કે છેડતીનો બનાવ સરખો બનતો. ત્યારે વીજળી નહોતી, માઈક નહોતાં ને છતાંય રોશની કે નાદવૈભવ જરાય ઓછાં ઊતર્યા વરતાયાં નહોતાં. ગળામાં ગીત ને હૈયામાં પ્રીત મહામૈયા અંબિકા માટે, કાલિકા માટે. જ્યારે આ માંડવડીની મેદનીમાંથી કોઈ મહાકાળીની ગરબી ઉપાડતું ત્યારે આમારાં મુગ્ધ મનમાં પાવાગઢની આખી ઘટનાનું ચિત્રપટ ચાલુ થઈ જતું. મુંડમાલાધારિણી વિકરાળ કાલિકાને અમે સુંદરીરૂપે ગબ્બર પરથી ઊતરતાં અને પતાઈ રાવળના રંગપ્રાસાદ સમીપ પધારતાં અવલોકતાં. દૈવી રૂપ અને પ્રભાવથી કાલિકા ગરબે ઘૂમતી સૌ સુંદરીઓમાં અલગ તરી આવતાં. પતાઈ રાવળની કામલોલુપ દ્રષ્ટિ એમના પરથી ખસતી નથી અને એ કલ્પનાચિત્રમાં ભવાઈવાળાઓએ ગામમાં કાલિકા ને પતાઈ રાવળને જે ખેલ ભજવેલો તેનું ચિત્ર ભળી જાય છે. બાંકી પાઘવાળો પતાઈ રાવળ કાલિકાનો પાલવ સાહે છે. કાલિકા જ્યોતિમાંથી જ્વાળાનું રૂપ પકડે છે. પતાઈ રાવળ ને તે સાથે તેનો આખોયે પાવાગઢ મૂળમાંથી હચમચી જાય છે. શિખરો પરથી મોટા મોટા પાષાણખંડો ગાજવીજ સાથે હાથિયા ખોમાં ગબડે છે. દરવાજા તૂટું તૂટું થાય છે; પગથિયાં જાણે અવળસવળ થઈ જાય છે. પતાઈ રાવળના પ્રાસાદના આરસસ્તંભો કેળના થડની જેમ ફાટે છે. પતાઈ પસ્તાય છે. માના પગમાં પડી જાય છે પણ જે થવાનું હતું તે થાય છે. પાવાગઢ પડે છે. આસુરી બળ પરાભવ પામે છે ને દૈવી બળ જ છેવટે વિજયી નીવડે છે. પાવાગઢના પથ્થરે પથ્થરમાંથી આવી કોઈ દંતકથાની સેર ફૂટે છે અને અમારાં બાલચિત્તને રસથી તર-બ-તર કરી દે છે. અમે આ પાવાગઢ-પતનની કથાને અનેક રીતે માણતા, ‘મા પાવા તે ગઢથી ઊતર્યા’-નો ગરબો ઉપાડીને તો ખરા જ; ક્યારેક તો એ આખું કથાનક ભજવીએ પણ. અમારામાંથી કોઈ કાલિકાનો વેશ ધારણ કરતું, મોઢામાંથી પતરાની જીભ લબડાવતું; પૂંઠામાંથી બનાવેલ ખડૂગ ઘુમાવતું; ને કોઈ કાણી માટલીનું મુંડ હાથમાં લટકાવી રાખતું. પાવાગઢ તો ઈંટ-માટીનાં રોડાં ને રેતીના ઢગલામાંથી સહેલાઈથી તૈયાર થઈ જતો. પતાઈ રાવળ થવાની પડાપડી કરનાર ઓછા નહોતા. ઓઢવાની ચાદરોમાંથી સાફા ને ધોતી, કમરબંધ ને અંધારપછેડા વગેરે સહેલાઈથી બનતાં. રં’ગના ડબ્બાનાં પકડવાળાં ઢાંકણાંમાંથી ઢાલ અને ખોખાં ફિટ કરવા માટેની પાટીમાંથી તલવારો બની જતી. પતાઈ રાવળનું લાવલશ્કર તૈયાર થઈ જતું. માતાજી આવતાં. પતાઈ રાવળ પેલા ભવાઈના નાયકની રીતે ગરબે ઘૂમતાં માતાજીનો હાથ પકડવા તૈયાર થતા ને ત્યાં જ માતાજી આવેશમાં આવી ધૂણવા લાગતાં. પૂંઠાનું ખડૂગ વીંઝતાં ને કમભાગ્યે, ક્યાંક ખોટી રીતે અથડાતાં એ ભાંગી જતું પણ માતાજીનો જુસ્સો તો ઝાલ્યો ન રહેતો. અમારામાંના પાંચ-સાત જણ માતાજીને બાવડે ને કમરેથી ઝાલી રાખતા. માતાજી તેથી ઓર ઊછળતાં. પતાઈ રાવળ તલવારો ઘુમાવતા ઘૂમતા ને ત્યાં ત્રિકોણિયા ટોપી પહેરેલો બાદશાહ મહમદ બેગડાના સ્વરૂપે પધારતા. ‘અલ્લા હો અકબર’ ને ‘જય સોમનાથ’નાં સૂત્રો પોકારાતાં. માતાજી દોડીને ઝાડ પાછળ જઈ અલોપ થઈ જતાં. પતાઈ રાવળ મહમદ બેગડાથી હારવાની સાફ ના પાડતા પણ સમયસરની સમજાવટે ને પછીના ખેલમાં એમને જ મહમદ બેગડો બનાવાશે એ શરતે હાર સ્વીકારવાની તૈયારી દેખાડતા. મહમદ બેગડાની તલવારની અણી એમની છાતી પર તોલાતી ને અમારો ખેલ ત્યાં પૂરો થતો. અમારા આ ખેલનાં કાલિકાને અમે પૂરેપૂરો સુંદરીવેશ પહેરાવી શકતા નહોતા એ અમારે ખેદ સાથે કબૂલ કરવું પડે છે. અમે અમારાં આવાં નાટકમાં સ્ત્રીપાત્રો માટે સ્ત્રીઓને જ મેળવવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. કેટલીક કન્યાઓનો સંપર્ક સાધવામાં આવ્યો; પણ મહદંશે સામો પક્ષ આ બાબતમાં સંકોચશીલ ને અસહકારી રહ્યો. આ બાંગડ છોકરાઓની ટાળીમાં છોકરીઓથી ભળાય જ નહીં એ સર્વસ્વીકૃત નીતિનિયમ, ‘છોકરા ભેગું છોકરીઓ એની માઓ બોકડીઓ ’ – આ પ્રકારનાં હલકાં સૂત્રોનું હવામાં ચલણ. તેથી અમે સતત સ્ત્રીપાત્રોની ખેંચ અનુભવતા હતા. કોઈક બહાદુર બાળા સ્ત્રીપાત્ર માટે તૈયાર થતી તો તેની સખી-સાહેલીઓ વડીલો આગળ આ દુ:સાહસની વાત લઈ જતી ને પરિણામે એવી બહાદુર બાળાને વડીલોના કઠોર અંકુશ હેઠળ રહેવું પડતું. અમારી આ બાબતની નિરાધારી સાચે જ સર્વ સહૃદયોની સહાનુભૂતિને પાત્ર હતી; પરંતુ એવા સહદયો અમને ખુદને બાકાત રાખતાં, કેટલા? પરંતુ અમને સ્ત્રીપાત્રોની બાબતમાં જ બીજી જ રીતે, અણધારી મદદ મળી. અમારી ટોળીમાં બેત્રણ જન્મજાત અભિનેતાઓ હતા. એક સોનીનો છોકરો હતો. ઓઢવાનો ચોરસો માથે ઘૂમટાની જેમ ખેંચી ભવાઈમાં જોયેલાં સ્ત્રીપાત્રોના જે લહેકા કરે...! એની આંખો નચાવવાની અને સ્ત્રેણ લહેકાઓ રજૂ કરવાની ફાવટ આજેય યાદ આવે છે. એ વિવિધ પ્રકારની સ્ત્રીઓની ચાલ ચાલી બતાવતો; બેજીવી સ્ત્રીની ચાલ પણ! અમે એ ચાલો જોતાં હસીને બેવડ વળી જતાં. બીજો બ્રાહ્મણનો દીકરો હતો. ઘેર મા નહીં. માનાં કપડાં સાચવેલાં. કોઈવાર તે ઘેરથી તફડાવી લાવે અને મસ્તીથી પહેરીને સ્ત્રીનો પાઠ ભજવે; અલબત્ત, અમારા ખાનગી સમારંભમાં કોઈની બંધ કોઢમાં કે કેઈના વાડામાં, અમારા જેવા રસિક કદરદાન પ્રેક્ષકો સમક્ષ જ એ સ્ત્રીઓના રાગે રાજિયા-મરશિયા ગાતો. કૂટવાનોયે અભિનય કરતો. એકવાર એ એવા અભિનયમાં લીન હતો. અમે પણ પૂરા એની અભિનયકળાના જાદુમાં ખોવાયા હતા ને ત્યાં જ અપટીક્ષપેણ કે નાટકનો પડદો ચિરાતો હોય એવા અવાજે કોઈ બરાડયુ, ‘કયાં મરી ગયો, રાંડનો...!’ એ પછી તો જે થઇ છે...! સ્ત્રીનાં કપડાં કાઢવાનો અમારા સાથીને સમય જ નહોતો, પરમ પૂજ્ય પિતાજીના અવાજ સાથે એમની શુભઆકૃતિ પણ દેખાવા લાગી હતી અને તે વાડાના થોરિયા ઠેકીને ભાગ્યો. એનાં મુદ્દામાલ જેવાં ચડ્ડીખમીસ અમારી પાસે હતાં તેથી અમેય પશ્ચાદ્દર્શનનો લોભ છોડીને ભાગ્યા. તે દિવસે અમારા એ સ્ત્રીવેશી બ્રાહ્મણબટુને શોધવામાં એના પિતાશ્રી કરતાંય અમને સવિશેષ પરિશ્રમ પડયો. અમે માંડ એને એનો અસલી વેશ પહોંચાડી શક્યા. એ પછી સાંભળેલું કે સતત બેત્રણ દિવસ એને પોતાના પિતાશ્રીથી વેગળા રહેવાની કોશિશ કરવી પડેલી. અમારી મંડળી માત્ર પતાઈ રાવળનો જ નહીં, રામ-રાવણના ને ભીમ-અર્જુન વગેરેની કથાઓનાયે કંઈક ખેલ ભજવતી. સીતાહરણના ખેલમાં અમારો માંયકાંગલો રાવણ ભારેખમ સીતાને ઊંચકવા જતાં પટકાયેલો એનું રમૂજભર્યું કરુણ સ્મરણ છે. એવું જ સ્મરણ છે ભીમ-અર્જુન વચ્ચે થયેલી મારામારીનું. હું ઘેરથી પડિયો ભરીને પ્રસાદ આ નાટ્યવીરો માટે તફડાવી લઈ ગયેલો. એના બટવારામાં ઉગ્ર મતભેદ પડયો. ભીમની દલીલ હતી કે એ પ્રસાદમાંથી બેવડો હિસ્સો પોતાને જ મળવો જેઈએ; કેમ કે પોતે ભીમ છે. અર્જુનનો આ સામે ઉગ્ર વિરોધ હતો અને દ્રૌપદી બનેલ પાત્રની ઉશ્કેરણીથી આ વિરોધ મારામારી સુધી પહોંચેલો, જેને પરિણામરૂપે અમારી ટોળીમાં થોડો સમય બે તડ પણ પડી ગયેલાં. છેવટે આવા જ એક પ્રસાદના પડિયાએ સૌને ગઈ ગુજરી ભૂલીને ભેગા થવા લલચાવેલા. એકવાર અમે છોકરાઓએ રામલીલામાંના હનુમાન દ્વારા થતા લંકાદહનનો પ્રસંગ ભજવવાનો શિવસંકલ્પ કર્યો. અમારામાં ખેડૂતનો એક જોરાવર છોકરો હતો. ઊંચી ને લાંબી કૂદમાં હંમેશાં પહેલો આવનારો. અમે તેને હનુમાન બનાવ્યો. એક બૂઢિયાટોપી તેને પહેરાવી. લંગોટ બાંધી. દોરાનું પૂંછડું કમ્મરે લટકાવ્યું પણ તે અધ્ધર તો રહેવું જોઈએ ને? તેથી તેને અધ્ધર રાખવા વાંસની ચીપ પણ સાથે બાંધી! કોઈનું ઘર લગ્નનિમિત્તે પીળી માટીથી ધોળાતું હતું’. ત્યાંથી તફડંચી કરીને એક ડબલું પીળા રંગ લઈ આવ્યા તે એના શરીરે બરોબર ચઢાવ્યો. થોડું સિંદૂર ને ગુલાલ પણ મોઢે લગાડ્યું; ને અમે અમારા બજરંગબલી તૈયાર કરી દીધા. અમારામાંના એક ઉત્સાહી મિત્રે આંકડાના ફૂલનો હાર પણ ગળામાં ગોઠવી આપ્યો. હવે મહત્વનો સવાલ બાકી રહ્યો હતો ગદાનો. શું કરવું? ગિલ્લી રમવાનો દંડો લઈ આવી એના પર એક મોટો ફુગ્ગો ફુલાવીને બાંધ્યો ને ગદા તૈયાર કરી જ્યાં હનુમાનજીના કરકમલમાં મૂકી કે હનુમાનજી હૂપ કરતાકને ઊછળ્યા. ઊછળીને પહેાંચ્યા નિશાળની પાણીવાળી કોટડીના છાપરા પર. ત્યાંથી પછી એક, પછી બીજું, એમ છાપરાં કૂદવાં મુશ્કેલ નહોતાં. હનુમાનજી છાપરે છાપરે કૂદતા જાય ને અમારી ટોળી નીચે ખડી ખડી એમના હૂપકારામાં હોંકારા ભેળવતી જાય! ખેલની જમાવટ બરાબર થઈ હતી. અમારા વાનરવરને રાયણા, ગોરસ આંબલી, શેકેલા કચૂકા ને એવી એવી ખાદ્યસામગ્રી કદરદાન સક્રિય પ્રેક્ષકો તરફથી પણ મળતી જતી હતી. અમે ખાદ્ય વસ્તુ ફેંકીએ ને એ દાંતિયા કરતાં ને હૂપ કહેતાં ઝીલી લે. જે છાપરે કૂદે એનો ઘરનાંને અવાજ થાય ને રાડો નાખે એટલે એ છાપરું છોડી બીજે પહોંચે. હનુમાનજી ભારે ગેલમાં હતા ને એમણે રૂઆબથી ગદા વીંઝીને પછાડી પતરાં પરના આડા વાટા પર. ફટાક ફુગ્ગો ફૂટ્યો ને ગદા છૂસ, હનુમાનજીનો અડધો નશો જાણે ઊતરી ગયો અને ત્યાં જ એમના મોટાભાઈ જે સામાન્ય રીતે આ ટાણે ખેતરે હોય તે ભાગ્યવશાત, આ પુનિત દર્શન એમના ભાગ્યમાં હશે તે કારણે, અણધાર્યા જ પધાર્યા. અમારા હનુમાનજી લગભગ કિંકર્તવ્યમૂઢ થઈ ગયા. તેમણે કૂદવાનું છોડી એકદમ દોડવાનું શરૂ કર્યું. પાછળ મોટાભાઈનો એમને અનુસરતો ઉગ્ર અવાજ. છેવટે બજરંગ બલીશ્રી એક ડોશીની ગમાણમાં ભરાયા. ગાયને પીવા રાખેલા પાણીથી એમણે શ્રીમુખનું પ્રક્ષાલન કર્યું; પણ કપડાં બદલવાની તક નહોતી. મોટી અમૂંઝણમાં તેમની કંઈક ધડીઓ વીતી. મોટાભાઈ ‘આવ, સાલા ઘેર, તારી ચામડી ઉતારું છું.’ કહેતાં ગુસ્સામાં વિદાય થયા. અમે પૂરી હમદર્દીથી અમારા બજરંગબલીને શોધીને, એમની પાસે ગયા. એમને મૂળ વેશમાં આવવામાં શક્ય બધી મદદ કરી; પરંતુ એમની મનની ને તનની ધ્રુજારી ઉત્કટ હતી. મૂળ વેશ ધારણ કર્યા પછી પણ ઠીક ઠીક સમય તેમને પોતાના નિવાસથી દૂર એસ્થેટિક ડિસ્ટન્સ જાળવીને ગૃહપ્રવેશ માટે પ્રતીક્ષામાં રહેવું પડયું. તે દિવસે એમને માટે લંકાપ્રવેશ કરતાંયે ગૃહપ્રવેશ ક્યાંય વસમો થઈ પડેલો. છેવટે એકબે વત્સલ વડીલોની સમજાવટથી ‘હોય, છોકરાં છે, આ ઉંમરે તોફાન ન કરે તો ક્યારે કરે? ’ વગેરે વિનીત વચનેાથી એમને ક્રોધાગ્નિ બુઝાયો ત્યારે તેઓ ગૃહમાં શ્રીચરણ મૂકી શકેલા. આજે અમારા આ બધાં મિત્ર-પાત્રો ક્યાં છે તેની ખબર નથી. ને તેથી જ કદાચ આ બધાનો દિલેર દોસ્ત એવો જે એક બાલભેરુ તે મારા અંતરલોકમાં આજે બેચેન છે. ક્યારે મળશે એને એના એ દોસ્તો; અને કદાચ મળશે તો પહેલાં જે રીતે મળેલા એ રીતે મળી શકશે?