ધ્વનિ/અંતરાય
Jump to navigation
Jump to search
અંતરાય
વનની લઘુ નિર્ઝરીતણો પથ પાષાણથી વ્યસ્ત કુંઠિત;
મૂલનું હતું મૌન તે હવે કલનાદે રમતું અખંડિત.
નભને પથ શુભ્ર તેજને નડી કાયા જ્યહિં કૃષ્ણ અભ્રની;
ધરતી પર દૃષ્ટિરમ્ય ત્યાં સુષમા સોહત સપ્તરંગની.
મુખથી કંઈ વેણ જે સર્યાં અવરોધે ચહુ ઓર ડુંગરા;
સૂર જે શમી જાત શૂન્યમાં લહું તેના ધ્વનિની પરંપરા.
૨૬-૪-૫૧