ધ્વનિ/અરુણ વેળા વહી જાય!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૭. અરુણ વેળા વહી જાય!

અરુણ વેળા વહી જાય!
નદી-જલ-દલ નિજ કલકલ રવ મહીં
એક હિ કથા કહી જાય!

વનવન દેખ વસંત રમે, પ્રિય!
કુસુમ ખીલ્યાં કરીએ મધુ-સંચય,
કંઠ થકી ઝરીએ ગુંજન-લય,
કાલ ઉપર રહીએ ક્યમ નિર્ભર?-
કાલ દીઠી નહીં જાય!

આંહીં ચડી પૂનમની ભરતી,
તરલ તરણી સાગરભણી સરતી,
ચલ, ચલ, આજ પ્રયાણ તણી ઘડી,
ઓટ થતાં જલ વિણ તટ પર બસ
ભીની વેળુ રહી જાય!

ગગનતણી દ્યુતિનાં ઉર-તરસ્યાં,
ગરુડ-પાંખ ફૂટી, પ્રાણ શું હરખ્યા!
કવણ શૃંગ અવ પ્રિય વણ પરશ્યાં?
થનગન થનગન થતું બલ, ત્યહીં પલ
અલસ તે ક્યમ સહી જાય?...

૩-૮-૪૭