ધ્વનિ/આપણા બેનાં એક બન્યાં મન
૯. આપણા બેનાં એક બન્યાં મન
આપણા બેનાં એક બન્યાં મન એક બની રહી વાણી,
(ત્યારે) એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
ક્ષણને કાજે સંધ્યાકાશે
ટમકી શુક્ર તારિકા,
સીમ ભરી ભરી ગોધૂલિ ટાણે
ગાઈ રહ્યાં શુક સારિકા,
ઊછળે ત્યાં અવ અંધ-તિમિર-મૌન કેરાં પાણી,
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
ક્ષણનું મિલન-અરુણ-કથા,
એ જ બની પ્રિય! ચિરવિરહની કરુણ વ્યથા.
અવની થકી આભને આરે
બાંધવો’તો એક સેતુ,
કોણ અજાણ્યા લોકથી આંહીં
આવી પડ્યો પણ કેતુ?
ઘાટ ઘડાયો ન ત્યાં મનમૂરતિ કેમ અરે નંદવાણી?
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
૧૭-૧-૪૬