ધ્વનિ/આપણી બારમાસી
આ શાશ્વતી તદપિ નિત્ય વિવર્તશીલ
સંસૃષ્ટિમાંહિ ઋતુએ ઋતુએ વિભિન્ન
ધારી સ્વરૂપ, પ્રિય! સૌ સ્થિતિમાં પ્રસન્ન
ખીલી રહ્યાં કુસુમ આપણ બે પ્રફુલ્લ.
વાતી વસંતની હવા રતિને હુલાસ
સંજીવની શી, જડ મૃત્યુની મૂર્છનામાં :
જ્યાં પિંડ-પુદ્ગલ અનંતની ઝંખનામાં
જાગી રહે ત્યહિં તું માલતી, હું પલાશ.
તું કુંદ, શુભ્ર તવ અંગ સુચારુ સ્નિગ્ધ
હું ગુલમહોર ઝીલતો નભતાપ લાલ
શોષી રહે જીવનનો રસ ગ્રીષ્મકાલ,
ત્યાં આપણે સુરભિ-નંદથી મત્ત મુગ્ધ.
ને વર્ષણે ઘન યદા રમણે ચડેલ,
એનાં તુફાન-પયપાનથી ભાગ્યવંત
લજ્જાળ તું બકુલ નાજુક, હું કદંબ,
શી રોમહર્ષતણી મર્મરથી છકેલ!
જ્યાં નીતર્યાં જલ નવાણતણાં સુનીલ,
ને છંદ્ર ઉજ્જવલ અનભ્ર નભે લસંત,
તું પોયણી (રજનિનું નવ હાસ્ય મંદ!)
હું કેવડો અનનુભૂત રસે મદીલ.
હેમંતની સુરખી અંબરમાં અપાર,
ને આ ઋતંભર-ધરા જ્યહિં શસ્યશ્યામ,
ત્યારે શું દિવ્ય સ્વરલોકતણું લલામ
તું પારિજાત, પ્રિય! કોક હું કાંચનાર.
ઉત્તુંગ કો શિખરના હિમને પ્રપાત
જ્યારે બંને કરણ શીતલ સ્વસ્થ શાન્ત;
કોઈ નિગૂઢ દ્યુતિનાં કિરણોથી કાન્ત
તું જૂઈ, ડોલર હું શ્વેત ધરંત ગાત્ર.
નીચે વિલોલ જલ નિર્મલ, ભૂમિ છદ્મ,
મધ્યે સમીર અણદીઠ લહાય સ્પર્શે,
ને તેજ ને ગગન છત્ર સમાન શીર્ષે,
ત્યાં આપણે શતદલે વિકસેલ પદ્મ.
જે, સત્ત્વ આપણુંજ આપણ સંગ ખેલી
આનંદગુંજનની પ્રાવૃષ જાય રેલી.
૨૨-૯-૫૦