ધ્વનિ/આભમહીં ઊડે કપાસના પોલ
Jump to navigation
Jump to search
૩૨. આભમહીં ઊડે કપાસના પોલ
આભમહીં ઊડે કપાસના પોલ
ભાદરવે બોલે કો ફાગણના બોલ.
હરિયાળી કુંજમહીં રઢિયાળી જાય ઢળી
નદિયું બે તીર છલકાતી,
ઊડતા આ શ્યામાના વહી જતા કંઠમાં
ન સુખની યે વેદના સમાતી;
હો સીમ સીમ પાવામાં ગાય કો હિંડોલ.
ભીની તે વાયરાની લહરીમાં ઝીણું શું
મ્હેકે છે આજ રાજચંપો!
દિલની આ ભોમકાની નીચે પોઢેલ પેલો
જાગે છે જાણે અજંપો!
હાં રે એની મંજરીએ કેસરના મોલ.
જેની રે ઝંખના જાગી છે, ઉર મારે
તેને સુણાય સૂર ઝાંખો,
પ્રાણમાં ઉમંગ ઓ રે છાયો શો
અંગ અંગ ફૂટે પતંગની પાંખો!
હો રંગભર્યું જોબનિયું લેતું હિલ્લોલ.
૧૬-૮-૪૬