ધ્વનિ/કને નવ શું માહરી?
કને નવ શું માહરી?
કને નવ શું માહરી? સરવ લોકહૈયે સદા
વસું હૃદયભાવ ને વિમલ બુદ્ધિથી, રે યદા
ગણી જગત માહરું જીવનક્ષેત્ર કર્મણ્ય થૈ
રમું, રમણમાંહિ નંદ લહું અંતરે હું તદા?
કને નવ શું માહરી? પ્રકૃતિ આંગણે જૈ સરી-
નિઃશબ્દ તરુપર્ણથી, સરિત ઊર્મિ-હિલ્લોળથી,
અગણ્ય ધુમસે વિલીન ગિરિમાળથી, મૌનનાં
ભણી ગહન ગીત હું લહું નિતાન્ત શાન્તિ તદા?
કને નવ શું માહરી? ‘જ્વલિત કૈંક બ્રહ્માંડને
નિરભ્ર અવકાશના તિમિરમાંહ્ય સંનર્તને
અલક્ષ્ય થલ-કાલમાં અગમ અક્ષરો આંકતાં
યદા ગતિમહીં લહું સ્તિમિત લોચને વિસ્મયે?
કને સકલ માહરી, નિવસતો જઈ સૌ કને;
રહસ્ય વિણ એકલો ક્વચિત ઝૂરતો તો ય રે?
૧૯-૪-૩૮