ધ્વનિ/કાયાને કોટડે બંધાણો
Jump to navigation
Jump to search
૩૯. કાયાને કોટડે બંધાણો
કાયાને કોટડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
કોઈ રે જ્યાં નહોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખનાએ કીધી,
ઘેરાં અંધારકેરી મૂંગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી.
અનાદિ અંકાશકેરી અણદીઠ લ્હેરુંમાં યે
રણૂંકી રહ્યો રે ગીત-છંદે.
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે.
નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો.