ધ્વનિ/તું છો મોરી કલ્પના
૪૫. તું છો મોરી કલ્પના
તું છો મોરી કલ્પના,
તારે તે કારણે શી હૈયાની જલ્પના?
તારા ગવંન કેરો છેડલો ઊડે ને પેલી
આભની ઓલાય લાખ બાતી,
ઊગમણા પ્હોર તણા તેજમાં નિહાળી તને
માનસનાં નીર ડો’ળી ન્હાતી,
તારી ખુલ્લી’તી છાતી,
અરે તો ય ના લજાતી,
મને રૂપનાં પીયૂષ ભલાં પાતી;
આછેરી ગુંજનાના સૂર તણા ઘેન મહીં
મૂકી, અલોપ થઈ જાતી;
ઓ રે મોરી કલ્પના!
કોડભરી અંગના,
તારા તે અંગમાંહીં રંગ શા અનંગના!
ભૂરાં તળાવ તણાં પાણીની માંહીં ખીલ્યાં
રાતાં કમળથી યે રાતી,
સૂરજના હોઠ તણી આગની તું રાગી તારી
ઝંખનાની આંખ જઈ તાતી,
તું તો વણબોલ્યું ગાતી,
અહીં ટહુકી ત્યાં જાતી,
અરે લોકલોક માંહ્ય ના સમાતી;
પાંપણના પડદાની ઓથમાં આવીને મારાં
શમણાંની સોડમાં લપાતી;
ઓ રે મોરી કલ્પના!
મનના મનોરથોની દુનિયા તું અલ્પ ના,
તું છો મોરી કલ્પના!
૧૮-૭-૪૭