ધ્વનિ/પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાં ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૩. પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાં ય

પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાંય!
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય!
મારો કદંબની ડાળે હાલર હીંચકો,
ઝૂલે પૂરવની પાળે,
ઝૂલે આથમણે આરે,
એ તો બેઉ રે બાજુના વાયુ વીંઝતો;
એ તો ગતની સંગાથ ગાય રે આગમની ઝાંય!
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય!

મારી નાની રે વાડીને ક્યારે વ્હાલસોયાં ફૂલ!
પરાગે પ્હેર્યાં છે જાણે રેશમી દુકૂલ!
મારાં નયણાં ઉત્સવ રૂડે માણતાં,
ભૂલી પલ પલકાર,
જાય રે અલખને દ્વાર,
વળતાં સૂના રે હૈયાની ઊણપ આણતાં.
આ રે ફૂલની તે સોડ માંહીં સણકે છે શૂલ!
નાની રે વાડીને ક્યારે વ્હાલસોયાં ફૂલ!

હું તો એકને પામું ને અવર કાજ રે અધીર!
ઝૂલણો ઝૂલે રે બેઉ ક્ષિતિજને તીર!
જેને કાજ રે જીવન કેરી ચાહના,
ઓરાં રૂપ, ઓરો સૂર
તો ય તે દૂરનું યે દૂર,
પલમાં ગમતું ને પલમાં રે’વાય ના.
આ રે હોઠ બે હસે ને નયણાં નીતરે છે નીર!
ઝૂલણો ઝૂલે રે બેઉ ક્ષિતિજને તીર!

પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાંય!
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય!
૨૪-૪-૫૦