ધ્વનિ/હે પ્રેમ પાગલ!


હે પ્રેમ પાગલ!

 
સિંગાર તારે વળિ ધારવાં શાં?
તારે કશાં નૈનનમાંહિ કાજલ!
હે પ્રેમ પાગલ!
 
અમૂર્ત જે, જે સ્વયમેવ સુંદર,
એ જો પ્રકાશે તવ હાર્દકેરા
પયોધરે, ને સતરંગિની પ્રભા
શી અંગ અંગે વિલસી રહેલ છે!

આ સાજ તે સૌ લજવાય : કોનું
તું યત્નથી, મુગ્ધ! કરે સુશોભન?
તેનું? કે જેના ઋજુ સ્પર્શ માત્રથી,
વિવર્ણ હો, રૂપવિહીન હો ભલે-
બની રહે ચંચલ ચિત્ત-મોહન?

આજે હવા કો તુજને અડી ગઈ:
તું કલ્પનાને ગગને ચડી રહી,
ક્ષણે ક્ષણે રે ક્ષિતિજો નવી કંઈ
લહે, અરે કિંતુ સુચારુ સંભ્રમે
તું સૂક્ષ્મ તારું રૂપ વિસ્મરી ગઈ!

સિંગારની આ ત્યજ સૌ મથામણ :
જ્યાં નેત્રમાં નેત્ર ભીનાં ભળી જતાં...
અજાણ કોઈ અનિરુદ્ધ કર્ષણે
પામી રહે હોઠ સુધા પરસ્પર ...
બે અંગ કેરી મધુ-રંગ-મૂર્છના-
-મહીં રહે માત્ર અનંગ ખેલતો ...

છે ધન્ય વેળા અભિસાર-મંગલ.
આભૂષણોનો ત્યહિં અંતરાય શો?
તું પદ્મ ખીલ્યું, તવ સૌરભશ્રી-
-થકી અરે ના વશ છે થનાર કો?
શાં પુષ્પ? શાં નૈનનમાંહિ કાજલ?
રે છોડ.
જો સન્મુખ પ્રેમ-પાગલ!
૨૩-૧-૪૮