નયન હ. દેસાઈની કાવ્યસંપદા/નેજવાનું ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નેજવાનું ગીત

નેજવામાં તુલસી ને શ્યામ...
વર્ષો ને વર્ષોનાં ગાડાં ઠલવાયાં છે નેજવાને આવી મુકામ.

નેજવાને પાદર ને નેજવાને ફળિયું છે,
નેજવું તો આખોનું પાતાળી તળિયું છે.

પાંપણ પર બેસીને દૂર દૂર તાકે છે દૃષ્ટિ તમામ...
નેજવામાં તુલસી ને શ્યામ...

નજરોની નકશી છે, આંખોની કોતરણી,
કદમોને તરવી છે ઠોકરની વૈતરણી.

થોભ્યાનો થાક ભરી મંઝિલને એ રીતે કરતો સલામ...
નેજવામાં તુલસી ને શ્યામ...

નેજવું તો ઝૂલે પ્રતીક્ષાની ઝૂલમાં,
નેજવું તો અટવાતું’ રસ્તાની ભૂલમાં.

નેજવું તો વીતેલા વર્શોના પગરવું નામ...
નેજવામાં તુલસી ને શ્યામ...