નરસિંહથી ન્હાનાલાલ/૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવર્ધનરામ

સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામનો માનસપુત્ર છે. એનો જન્મ ક્યાં થયો હતો  આમ તો એનો જન્મ ગોવર્ધનરામના માનસમાં જ થયો હતો, છતાં કહેવું હોય તો કહી શકાય કે સરસ્વતીચંદ્રનો જન્મ ભાયખલા સ્ટેશનના પ્લૅટફૉર્મ પર થયો હતો. ગોવર્ધનરામના જીવનમાં એમના શૈશવકાળમાં અને યૌવનકાળમાં ત્રણ-ચાર અસાધારણ ઘટનાઓ ઘટી હતી. એમાં મુખ્ય ઘટના હતી સરસ્વતીચંદ્રનો જન્મ. ગોવર્ધનરામનાં માતા શિવકાશી. પ્રેમાનંદની ભાષામાં કહેવું હોય તો શિવકાશી ‘બહુ ભારે માણસ.’ બહુ જબરાં. જે ધાર્યું હોય તે જ કરે. બીજાં એમનાથી ડરે પણ એ કોઈથી ન ડરે. ચૌદ વર્ષની વયે નડિયાદના તળાવમાં ક્યારેક તો ઝાડ પરથી કૂદીને ડૂબકી મારીને સામા તીર સુધી તરે. એ જ્યારે સગર્ભા હતાં ત્યારે એમની જ જ્ઞાતિનાં એમનાં એક ખાસ બહેનપણી કાશીગૌરી પણ સગર્ભા હતાં. બંને બહેનપણીઓએ બોલબંધી કરી હતી કે એકને પુત્ર જન્મે અને અન્યને પુત્રી જન્મે તો એ બંનેનો વિવાહ કરવો. કાશીગૌરીને પુત્રી (હરિલક્ષ્મી) જન્મી અને થોડાક મહિના પછી શિવકાશીને પુત્ર (ગોવર્ધનરામ) જન્મ્યો અને બોલબંધી પ્રમાણે એ બંનેનો વિવાહ થયો. આમ, ગોવર્ધનરામનો વિવાહ પહેલો થયો હતો અને જન્મ પછી થયો હતો. તળપદી ભાષામાં કહેવું હોય તો ગોવર્ધનરામનો ‘પેટમાંથી વિવાહ’ થયો હતો. શિવકાશીને તીવ્ર ઇચ્છા હતી કે એમને પુત્ર જન્મે અને એ સુંદર અને સોહામણો હોય. પુત્ર તો જન્મ્યો પણ તે રૂપમાં સામાન્ય હતો અને સ્વાસ્થ્યમાં શિથિલ હતો. એથી ગોવર્ધનરામ એકાદ વર્ષની વયના હતા ત્યારે શિવકાશીએ એમની નાગરનાતની સરખા વયની એક સ્ત્રીને ગોવર્ધનરામની વયનો જ એક સુંદર અને સોહામણો હૃષ્ટપુષ્ટ પુત્ર હતો એની સાથે ગોવર્ધનરામની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ એ સ્ત્રી સમક્ષ રજૂ કર્યો હતો. પણ એ સ્ત્રીએ એનો અસ્વીકાર કર્યો હતો. એથી શિવકાશીને ગોવર્ધનરામથી જ સંતોષ માનવાનું થયું હતું. ગોવર્ધનરામને માતા પ્રત્યે અપાર પ્રેમ હતો. એથી એમણે આ અંગે શિવકાશીને ક્યારેય કટુવચન કહ્યું ન હતું. માત્ર ક્યારેક-ક્યારેક ‘હું તો તારો દીકરો નથી ને  તારો દીકરો તો ફલાણો છે.’ એમ કહીને શિવકાશીની રમૂજ કરી હતી. ૧૮૬૮માં હરિલક્ષ્મી સાથે ગોવર્ધનરામનું લગ્ન થયું. ત્યારે બંનેનું ૧૩ વર્ષનું વય હતું. પણ હમણાં જ નોંધ્યું તેમ, હરિલક્ષ્મીનો જન્મ થયો પછી થોડાક મહિને ગોવર્ધનરામનો જન્મ થયો હતો એથી હરિલક્ષ્મી વયમાં ગોવર્ધનરામથી થોડાક મહિના મોટાં હતાં. જન્મસમયથી જ એમનો વિવાહ થયો હતો એથી શૈશવકાળથી જ પરસ્પરનો પરિચય થયો હતો. ૧૩ વર્ષની નાની વયથી હરિલક્ષ્મીએ સાસરવાસ કર્યો હતો. એથી એમની વચ્ચે અપાર પ્રેમ હતો. ૧૮૭૪માં ૧૯ વર્ષની વયે હરિલક્ષ્મીનું પ્રસૂતિમાં એક બાળકી-રાધા-ને જન્મ આપ્યા પછી નડિયાદમાં અવસાન થયું હતું. થોડાક મહિના પછી રાધાનું પણ અવસાન થયું હતું. નડિયાદમાં હરિલક્ષ્મીનું અવસાન થયું ત્યારે ગોવર્ધનરામ મુંબઈમાં હતા. એથી અંત સમયે બંનેનું મિલન થયું ન હતું. આમ, ૧૯ વર્ષની વયે ગોવર્ધનરામ વિધુર થયા હતા. હરિલક્ષ્મીનું અવસાન એ ગોવર્ધનરામના જીવનનો સૌપ્રથમ અને સૌથી તીવ્ર આઘાત હતો. હરિલક્ષ્મી પ્રત્યેના અપાર પ્રેમને કારણે ગોવર્ધનરામને બીજું લગ્ન કરવું જ ન હતું. છતાં હરિલક્ષ્મીના અવસાન પછી થોડાક સમયમાં જ કુટુંબીજનો–સવિશેષ તો શિવકાશી–એ બીજું લગ્ન કરવાનો ગોવર્ધનરામને ભારે આગ્રહ કર્યો હતો, એટલું જ નહિ, પણ ગોવર્ધનરામના મિત્ર અને ભોળાનાથ દિવેટિયાના પુત્ર ભીમરાવની સૌથી મોટી પુત્રી સાથે ગોવર્ધનરામનું લગ્ન કરાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પણ નાગરનાતમાં બે વર્ગ હતા  ગૃહસ્થ અને વૈદિક. ત્રિપાઠી–કુટુંબ વૈદિક અને દિવેટિયા – કુટુંબ ગૃહસ્થ, એથી આ વર્ગભેદને કારણે આ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. પછી પણ આગ્રહ ચાલુ રહ્યો હતો. આગ્રહ પરાકાષ્ઠાએ હતો ત્યારે કુટુંબવત્સલ અને માતૃપ્રેમી ગોવર્ધનરામ આગ્રહને વશ તો થયા, પણ એમણે એક યુક્તિ અજમાવી. નાગરનાતમાં પોતાને યોગ્ય એવી ૧૨ વર્ષ કે એથી વધુ વયની અવિવાહિત કન્યા છે કે નહિ એ જાણી લીધું. એવી એક પણ કન્યા નથી એવી ખાતરી કર્યા પછી એમણે કુટુંબીજનો સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો કે સૌને દુ:ખ થતું હોય તો પોતે બીજું લગ્ન કરશે, પણ નાની વયની કન્યા સાથે નહિ, ૧૨ વર્ષ કે એથી વધુ વયની કન્યા હશે તો જ એની સાથે જ લગ્ન કરશે. દુર્ભાગ્યે ૧૨ વર્ષની વયની એક વિવાહિત કન્યા – લલિતાગૌરી – નો વિવાહ જે પુરુષ સાથે થયો હતો એ પુરુષનું અચાનક અવસાન થયું. એથી ૧૮૭૬માં ૨૧ વર્ષની વયે હરિલક્ષ્મીના અવસાનનાં બે વર્ષ પછી વચનબદ્ધ એવા ગોવર્ધનરામે લલિતાગૌરી સાથે અનૈચ્છિક એવું બીજું લગ્ન કર્યું હતું. આમ, ગોવર્ધનરામ એમની યુક્તિમાં નિષ્ફળ ગયા હતા અને કુટુંબીજનો ગોવર્ધનરામનું બીજું લગ્ન કરાવવામાં અંતે સફળ થયાં હતાં. ગોવર્ધનરામને લલિતાગૌરીથી ૩ પુત્રીઓ અને ૧ પુત્ર એમ ૪ સંતાનો થયાં હતાં  લીલાવતી (૧૮૮૧), જશવંતી, રમણીયરામ અને જયંતી (૧૮૮૪ અને ૧૮૮૯ની વચ્ચેનાં ૬ વર્ષોમાં). ૧૮૯૫માં લીલાવતીનું ૧૩ વર્ષની વયે એક નિર્ધન કુટુંબમાં લગ્ન થયું હતું. લગ્નજીવનનાં ૭ વર્ષ પછી ૧૯૦૨માં ૨૧ વર્ષની વયે ક્ષયરોગથી લીલાવતીનું અવસાન થયું હતું. ગોવર્ધનરામને લીલાવતી પ્રત્યે અપાર પ્રેમ હતો. ગોવર્ધનરામનાં પૂર્વજીવનનાં પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જેવો તીવ્ર આઘાત થયો હતો તેવો જ તીવ્ર આઘાત એમને પુત્રી લીલાવતીના અવસાનથી એમના ઉત્તરજીવનમાં થયો હતો. ૧૮૬૮માં હરિલક્ષ્મી ગોવર્ધનરામ સાથેનાં લગ્ન પછી શ્વસુરગૃહમાં આવ્યા એથી પોતાને ભલે સુંદર અને સોહામણો પુત્ર ન જન્મ્યો, પણ સુંદર અને સોહામણી પુત્રવધૂ તો ઘરમાં આવી, એથી શિવકાશી પ્રસન્ન-પ્રસન્ન હતાં. થોડાંક વર્ષો તો સાસુ-વહુનો સંબંધ સીધો, સાદો, સરળ અને સ્નેહભર્યો હતો. પણ હરિલક્ષ્મીના જીવનનાં છેલ્લાં વર્ષોમાં એમાં ભારે પરિવર્તન આવ્યું હતું. કોઈ અકળ કારણે (કે પછી શિવકાશીના કઠોર સ્વભાવને કારણે ) એ સ્નેહ અને સૌહાર્દના સંબંધમાં ક્લેશ અને કટુતાનો પ્રવેશ થયો. રોજરોજ સાસુ અને વહુ વચ્ચે કજિયા-કંકાસ થતા રહ્યા. ગોવર્ધનરામને માતા અને પત્ની બંને પ્રત્યે એકસરખો અપાર પ્રેમ હતો. એથી એમને માટે એકનો પુરસ્કાર અને અન્યનો તિરસ્કાર – એકની પ્રત્યે પક્ષપાત અને અન્યની પ્રત્યે પૂર્વગ્રહ શક્ય ન હતો. એ તટસ્થ હતા, પણ અસહાય હતા. બેમાંથી એકેયને સહાય કરી શકતા ન હતા. આ દ્વિધાપ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો. દિવસોના દિવસો શોક અને ગ્લાનિમાં જતા હતા. રોજ રાતે – ક્યારેક તો મધરાત લગી – એ ચોપાટીના સમુદ્રતટ પર આ અસહ્ય અને અકથ્ય પરિસ્થિતિમાંથી મુક્ત થવા ઉત્તરની શોધમાં ચિંતા અને ચિંતન કરતા કરતા બેસી રહેતા હતા. આ પરિસ્થિતિની પરાકાષ્ઠાની ક્ષણે એમણે ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો  યુરોપ કે અમેરિકા જવું, ત્યાં અજ્ઞાતવાસમાં રહેવું, આરંભમાં મહેનતમજૂરીનું સાદું, સામાન્ય જીવન જીવવું અને અંતે શક્ય હોય તો બુદ્ધિ અને વિદ્યાના બળે ધન અને કીર્તિનું જીવન જીવવું. એક મોડી રાતે પિતા અને સૌ કુટુંબીજનોને સંબોધીને ચિઠ્ઠીઓ લખી અને ઘરમાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. વાલકેશ્વરથી ભાયખલાના સ્ટેશન પર જવું, ત્યાંથી લોકલ ટ્રેનમાં કોલાબા કે બેલાર્ડ પીઅરના સ્ટેશન પર જવું, ત્યાંથી સ્ટીમરમાં બેસીને યુરોપ કે અમેરિકા જવું એવો પ્રવાસનો ક્રમ વિચાર્યો. ભાયખલાના સ્ટેશન પર ગયા. પ્લૅટફૉર્મ પર ટ્રેન ઊભી હતી, પણ પ્લૅટફૉર્મ પર પગ મૂક્યો ત્યાં તો ટ્રેન ઊપડી ગઈ. મધરાત હતી એથી પછીની બીજી ટ્રેન દોઢ કલાક પછી આવવાની હતી. પછીની બીજી ટ્રેનની રાહ જોતા પ્લૅટફૉર્મ પરના બાંકડા પર દોઢ કલાક બેસી રહ્યા. આ દોઢ કલાક ચિત્તમાં પ્રચંડ સંઘર્ષ થયો હશે, તીવ્ર વાદવિવાદ થયો હશે  ‘આ હું શું કરું છું  શા માટે કરું છું? આ મારે કરવું જોઈએ કે નહિ  હું તો આ ચાલ્યો. કદાચ મને તો ધન, કીર્તિ, શાંતિ પ્રાપ્ત થશે, પણ માતા અને પત્નીનું શું? મારા જવાથી એમને શાંતિ પ્રાપ્ત થશે? એમનો ક્લેશ–એમની કટુતા જશે? કદાચ એમની અશાંતિ વધશે. આ તો મારી ભીરુતા છે, કાયરતા છે, મારી ભાગેડુવૃત્તિ છે, પલાયન-પ્રવૃત્તિ છે. આ તો મારો સ્વાર્થ છે, સ્વાર્થ છે, નર્યો સ્વાર્થ છે.’ એથી પછીની બીજી ટ્રેન આવે તે પૂર્વે પ્લૅટફૉર્મ પરથી સ્ટેશનની બહાર ચાલ્યા ગયા. ઘરે આવીને ચિઠ્ઠીઓનો નાશ કર્યો અને જાણે કંઈ બન્યું જ નથી એમ પથારીમાં જઈને ચૂપચાપ સૂઈ ગયા. ગોવર્ધનરામના આ અનુભવને આધારે કહેવું હોય તો કહી શકાય કે સરસ્વતીચંદ્રનો જન્મ ભાયખલા સ્ટેશનના પ્લૅટફૉર્મ પર થયો હતો. ૧૮૭૫માં ૨૦ વર્ષની વયે બી.એ. થયા પછી ત્રણ અત્યંત મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. ૧. એલએલ.બી. થવું. ૨. નોકરી કરવી નહિ. મુંબઈમાં વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવો. ૩. ૪૦ વર્ષની વયે નિવૃત્ત થવું અને નડિયાદમાં સાહિત્ય અને સમાજની સેવા અર્થે શેષ જીવન જીવવું. ગોવર્ધનરામ ૧૮૮૩માં ૨૮ વર્ષની વયે એલએલ.બી. થયા. ૧૮૮૩થી ૧૮૯૮ લગી ૧૫ વર્ષ મુંબઈની હાઈકૉર્ટમાં પ્રથમ પંક્તિના તેજસ્વી વકીલ તરીકે વકીલાતનો વ્યવસાય કર્યો. ‘તમામ ગુજરાતી વકીલો ભેગા કરીએ’ અને એમની જે આવક થાય એથીયે વધુ આવક થતી હતી ત્યારે ૧૮૯૮માં ૪૩ વર્ષની વયે ગોવર્ધનરામ નિવૃત્ત થયા, મુંબઈથી નડિયાદ ગયા અને આયુષ્યના અંત લગી નડિયાદમાં જ રહ્યા. (નિર્ણય પ્રમાણે ૪૦ વર્ષની વયે એ નિવૃત્ત ન થયા, થવાય એવું ન હતું. કુટુંબીજનો અને સ્વજનોના નિવૃત્તિ વિરુદ્ધના એક પ્રચંડ વંટોળની વચ્ચે નિવૃત્ત થવાનું હતું એથી ૩ વર્ષનો વિલંબ થયો હતો.) ૧૮૮૩માં ગોવર્ધનરામ ભાવનગરમાં હતા ત્યારે એમણે ‘સરસ્વતીચંદ્ર’નો કાચો મુસદ્દો તૈયાર કર્યો હતો. પછી ૧૮૮૪માં મુંબઈમાં પહેલો ભાગ લખવાનો આરંભ કર્યો હતો અને ૧૮૮૭માં એ પ્રગટ કર્યો હતો. ૧૮૮૭ અને ૧૮૯૬ની વચ્ચેનાં વર્ષોમાં એમણે મુંબઈમાં બીજો અને ત્રીજો ભાગ લખ્યો હતો અને અનુક્રમે ૧૮૯૩ અને ૧૮૯૮માં પ્રગટ કર્યો હતો. ૧૮૯૮માં ગોવર્ધનરામ નિવૃત્ત થયા અને મુંબઈથી નડિયાદ ગયા, ત્યારે એમણે ચોથો ભાગ પૂરો કર્યો હતો અને ૧૯૦૧માં એ પ્રગટ કર્યો હતો. આમ, ૧૮૮૩થી ૧૯૦૧ લગીમાં કુલ ૧૮ વર્ષોમાં ગોવર્ધનરામે ચાર ભાગમાં ૧૯૦૦ પૃષ્ઠોમાં ‘સરસ્વતીચંદ્ર’નું સર્જન કર્યું હતું. ૧૮૭૭માં હરિલક્ષ્મીના અવસાન પછી તરત જ નડિયાદમાં એક કરુણપ્રશસ્તિ ‘સ્નેહમુદ્રા’નો આરંભ કર્યો હતો. પણ ૧૮૮૭માં ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પ્રગટ કર્યો ત્યાં લગી એના પર કામ કર્યું ન હતું. પણ પછી મુંબઈમાં બે વર્ષમાં એ પૂરી કરી હતી અને ૧૮૮૯માં પ્રગટ કરી હતી. ૧૯૦૨માં લીલાવતીનું અવસાન થયું પછી તરત જ એમણે ગદ્યમાં એક કરુણપ્રશસ્તિ ‘લીલાવતી જીવનકલા’ નડિયાદમાં રચી હતી અને ૧૯૦૫માં એ પ્રગટ કરી હતી. ‘સરસ્વતીચંદ્ર’, ‘સ્નેહમુદ્રા’ અને ‘લીલાવતી જીવનકલા’ ગોવર્ધનરામના ત્રણ સર્જનાત્મક ગ્રંથો છે. એમાં અહીં જેમનો ઉલ્લેખ કર્યો છે તે એમના અંગત જીવનના કેટલાક અનુભવોનું, એમના જીવનની કેટલીક ઘટનાઓનું જે પ્રત્યક્ષ કે પરોક્ષ અર્પણ છે તે કોઈ નાનુસૂનું અર્પણ નથી.