નરસિંહથી ન્હાનાલાલ/૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાલાશંકર

બાલાશંકર શાપિત કવિ હતા. એ વિધાતાથી શાપિત એવા કવિ ન હતા. એ એમના સ્વભાવથી શાપિત એવા કવિ હતા, સ્વયંશાપિત કવિ હતા. એમનો સ્વચ્છંદ એ એમનો શાપ હતો. એ શાપમાંથી મુક્તિ માટે પોતે, પિતાએ અને પત્નીએ સતત પ્રયત્નો કર્યા હતા, પણ એ સૌ એમાં નિષ્ફળ રહ્યાં હતાં. બાલાશંકરનો જન્મ ૧૮૫૮ના મેની ૧૭મીએ નડિયાદમાં. પિતા ઉલ્લાસરામ અને માતા રેવાબાઈના એ એકના એક પુત્ર. માતાએ તો બહુ લાડકોડ કર્યાં હતાં, પણ ૧૮૮૧માં પિતાએ બાલાશંકરના સ્વચ્છંદ અને વ્યસન વિશે જેવું જાણ્યું કે તરત જ એમને ‘લગ્નની સાંકળ’ દ્વારા આ સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવાના પ્રયત્નો કર્યા હતા. ૧૮૮૫માં ‘પૂરાં વીસે વર્ષે’ બાલાશંકરે મણિલક્ષ્મી વિશે અને એમની સાથેનાં પ્રેમજીવન તથા લગ્નજીવન વિશે ‘ક્લાન્ત કવિ’ કાવ્ય રચ્યું હતું. એથી ૧૮૬૫થી, શૈશવકાળથી જ બંને વચ્ચે પ્રેમનું બંધન તો હતું જ. નાનપણમાં જ બાલાશંકરનું મણિલક્ષ્મી સાથે લગ્ન થયું હતું. આમ, ૧૮૮૧ પૂર્વેથી જ ‘લગ્નની સાંકળ’ તો હતી જ, એને હવે માત્ર વધુ મજબૂત જ કરવાની હતી. ૧૮૮૧માં પિતાએ બાલાશંકરને અધૂરા અભ્યાસે ‘નોકરીની બેડી’થી બાંધીને સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એમાં બાલાશંકરને જ્યાંજ્યાં રહેવાનું થાય ત્યાં જીવનભર એ મણિલક્ષ્મી સાથે સજોડે રહે એવો આગ્રહ રાખ્યો હતો. બાલાશંકરે ‘ક્લાન્ત કવિ’માં કહ્યું છે, ‘પૂરો હું સ્વચ્છંદી, તુજ પ્રીતિ શું ફંદી...’ વળી ‘સૌંદર્ય’માં કહ્યું છે, ‘સ્વચ્છંદી પણ ફંદી માત્ર તુજનો...’ આમ, પોતે સ્વચ્છંદી છે એવો એકરાર કર્યો છે અને સાથેસાથે પોતે પત્નીના ફંદી છે એટલે કે પોતે પત્નીના વશમાં છે, પત્નીનું પોતાની પર સંપૂર્ણ વર્ચસ્ છે એવો એકરાર પણ કર્યો છે. એમનાં કાવ્યોમાં ‘ટેક’, ‘વચન’, ‘કોલ’ શબ્દનો વારંવાર ઉલ્લેખ છે. બાલાશંકર મણિલક્ષ્મી પ્રત્યે એકવચની હતા, એમને એકપત્નીવ્રતનો સંબંધ હતો. ‘ક્લાન્ત કવિ’માં એમણે મણિલક્ષ્મી વિશે કહ્યું છે, ‘રહી રંગે ભીની વળગી મુજને ટેક પ્રીતમાં’. મણિલક્ષ્મીનો પણ બાલાશંકર પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાનો સંબંધ હતો. ‘ક્લાન્ત કવિ’માં એમણે પરાકાષ્ઠા-રૂપે કહ્યું છે કે મણિલક્ષ્મીના પ્રેમમાં એમને ‘સમાધિ લાધી’ છે અને મણિલક્ષ્મી તો એમની ‘સતત દૃઢ મોક્ષે નિસરણી’ છે. બાલાશંકર અને મણિલક્ષ્મીનો આવો અનન્ય પ્રેમ ‘ક્લાન્ત કવિ’ અને ‘સૌંદર્ય’માં કેન્દ્રસ્થાને છે. અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ભાગ્યે જ અન્ય કોઈ કવિના કાવ્યમાં આવો પત્નીના નામોલ્લેખો સાથેનો અન્યોન્ય અને અનન્ય પ્રેમ આટલા ઉદ્રેક અને ઉત્સાહ સાથે સ્થાન પામ્યો હશે. કહે છે કે બાલાશંકરને છેલ્લેછેલ્લે ઘોડાછાપ બ્રાન્ડી પ્રિય હતી. એથી એમણે હસીને બે હાથ જોડીને મણિલક્ષ્મીને વારંવાર પ્રાર્થના કરી હતી, ‘હવે તો ઘોડાને તબેલામાંથી છોડો!’ આમ, આવાં મણિલક્ષ્મી અને એમનો આવો પ્રેમ, ત્રણેક દાયકાનું દીર્ઘ લગ્નજીવન હતું છતાં, બાલાશંકરને એમનાં સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. પિતાએ ‘નોકરીની બેડી’ દ્વારા પણ બાલાશંકરને એમના સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવાના પ્રયત્નો કર્યા હતા. ૧૮૮૧માં ૨૩ વર્ષની વયે બાલાશંકરને અધૂરા અભ્યાસે ઘોઘામાં કસ્ટમ-ખાતામાં માસિક વીસ રૂપિયાના વેતનથી કારકુન તરીકે નોકરીનો આરંભ કરાવ્યો હતો. પછી ૧૮૮૨માં ભરૂચમાં રજિસ્ટ્રેશન ખાતામાં, ૧૮૮૩માં પંચમહાલમાં રેવન્યૂ ખાતામાં, ૧૮૮૩માં પોલીસ ખાતામાં અને ૧૮૮૪માં આમોદમાં રેવન્યૂ ખાતામાં માસિક ત્રીસ રૂપિયાના વેતનથી નોકરી હતી. ૧૮૮૪માં પિતાએ બાલાશંકરને અસ્વસ્થ સ્વાસ્થ્યને કારણે જ નહિ, પણ વધુ તો પુત્રને મુક્તિફોજની ભક્તિનો રંગ લાગ્યો હતો અને એમાં ભજનો ગાવાનો અને ખંજરી બજાવવાનો રસ જાગ્યો હતો એથી પુત્ર ખ્રિસ્તી થઈ જશે એ ભય અને શંકાને કારણે ૧૮૮૪થી ૧૮૮૯ લગી પાંચ વર્ષની લાંબી ફર્લો રજા પર ઉતાર્યા હતા અને નડિયાદમાં સ્વાસ્થ્ય માટે માતા રેવાબાઈ અને પિતામહ અર્જુનલાલની છાયામાં તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઘરના પ્રાંગણમાં અર્જુનેશ્વર શિવાલયની છાયામાં પોતાના સહવાસમાં વસાવ્યા હતા. આ સમયમાં નિદિધ્યાસન, શક્તિપૂજા, ભક્તિસૂત્રો, ‘સૌંદર્યલહરી’નો નિત્યપાઠ, અદ્વૈતવાદ, સૂફીવાદ, હાફિઝ આદિનું અધ્યયન અને મનન-ચિંતન તથા ઘરમાં એક પીરના નામે રોજ દીવો થતો હતો, લોબાનનો ધૂપ થતો હતો એની સન્મુખ માળાનો જાપ આદિ દ્વારા જાણે કે એમનું આમૂલ પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ૧૮૮૪માં બાલાશંકરે વ્યસનનો ત્યાગ કર્યો હતો, વ્યસન અંગે અપરાધભાવ અનુભવ્યો હતો, પશ્ચાત્તાપ કર્યો હતો અને ‘શિવાપરાધક્ષમાપનસ્તોત્ર’ના શ્રવણસમયે ચોધાર આંસુએ રુદન કર્યું હતું. ૧૮૮૬માં પિતા, રેવાબાઈ અને બાલાશંકર સાથે તીર્થયાત્રાએ ગયાં હતાં ત્યારે જે સેવકો સાથે હતા એમાંથી એક વ્યસની સેવકના સંસર્ગથી તીર્થક્ષેત્રમાં જ બાલાશંકરે ફરીથી વ્યસનનું સેવન ચાલુ કર્યું હતું. એથી અધવચ્ચે જ યાત્રા અધૂરી રહી હતી અને સૌ એકાએક નડિયાદ પાછાં ફર્યાં હતાં. પછી ૧૧મા દિવસે જ, કદાચને પુત્રના આ વર્તનના આઘાતને કારણે, પિતાનું અવસાન થયું હતું. અવસાનની ક્ષણે પણ આ વ્યસનને કારણે જ પુત્રનો યોગ થયો ન હતો, પિતાની ઉત્તરક્રિયામાં પણ આ વ્યસનને કારણે જ પુત્ર સક્રિય રહી શક્યા ન હતા. આમ, પિતા ‘નોકરીની બેડી’ દ્વારા પણ બાલાશંકરને એમનાં સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બાલાશંકરે, હમણાં જ નોંધ્યું તેમ, ૧૮૮૪માં વ્યસનનો ત્યાગ તો કર્યો હતો, વ્યસન અંગે અપરાધભાવ અનુભવ્યો હતો, પશ્ચાત્તાપ કર્યો હતો, ‘શિવાપરાધક્ષમાપનસ્તોત્ર’ના શ્રવણસમયે ચોધાર આંસુએ રુદન કર્યું હતું, પણ ૧૮૮૬માં બે જ વરસમાં તીર્થક્ષેત્રમાં જ ફરીથી વ્યસનનું સેવન ચાલુ કર્યું હતું અને એ ૧૮૯૮ લગી, આયુષ્યના અંત લગી, ૧૨ વર્ષ ચાલુ રહ્યું હતું. આમ, બાલાશંકર પોતે પણ એમનાં સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત થવામાં નિષ્ફળ રહ્યા હતા. ૧૮૯૮માં મૃત્યુનો અણસાર આવ્યો હશે એથી એ વડોદરાનિવાસી શ્રીમન્નૃસિંહાચાર્ય અમદાવાદમાં હતા એમને મળવા ગયા હતા, અરધો કલાક એમની સાથે એકાન્તમાં વાત કરી હતી અને અંતે આત્મનિવેદન કર્યું હતું. પરિણામે એમણે વ્યસનનો ત્યાગ કર્યો હતો. ૧૮૯૮માં અવસાન ન થયું હોત તો, જેમ ૧૮૮૪માં વ્યસનનો ત્યાગ કર્યો હતો અને ૧૮૮૬માં બે જ વર્ષમાં તીર્થક્ષેત્રમાં ફરીથી વ્યસનનું સેવન કર્યું હતું તેમ, ૧૮૯૮ પછી પણ ક્યારેક ફરીથી વ્યસનનું સેવન ન કર્યું હોત  એ પ્રશ્નાર્થ તો રહે છે જ. ૧૮૮૯માં પાંચ વર્ષની દીર્ઘ ફર્લો રજા પૂરી થતાં તેઓ આમોદમાં ફરીથી અધૂરી નોકરીમાં જોડાયા હતા. પણ એ જ વર્ષમાં એમણે સરકારી નોકરીનો કાયમ માટે ત્યાગ કર્યો હતો. ૧૮૮૯ પૂર્વે એમણે વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરી શકાય એ માટે ૧૮૮૭-૮૮માં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો હતો અને પરીક્ષા આપવા મુંબઈ પણ ગયા હતા. ટાઉનહૉલમાં પરીક્ષાની બેઠક હતી. પ્રથમ પ્રશ્નપત્રનો ઉત્તર આપવાને બદલે એ પરીક્ષાનો ત્યાગ કરીને હૉલમાંથી નીકળી ગયા અને ટાઉનહૉલની સામેના બગીચામાં લીલા ઘાસ પર પોતાની ગુલાબી પાઘડી બાજુમાં મૂકીને પરીક્ષા આપવા ટાઉનહૉલ પર જતાં રસ્તામાં જે એક ઢીંગલી જોઈ હતી તે ખરીદીને પોતાની સામે મૂકી હતી અને પરીક્ષામાં ઉત્તરપત્ર લખતા હોય એટલી જ તલ્લીનતાથી એમણે ગઝલ રચી હતી, ‘પૂતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી, આખું જગત ગમતું નથી.’ પરીક્ષા ન ગમી, નોકરી પણ ગમતી ન હતી છતાં નસીબમાં નોકરી જ લખી હતી. નોકરી પ્રત્યે કદાચને પિતાએ ‘નોકરીની બેડી’માં બાંધ્યા હતા એના પ્રતિકાર રૂપે જ બાલાશંકરને નકરી નફરત હતી. એક કાવ્યમાં એમણે કહ્યું છે, ‘ધરિયા શીદ આવકજાવકમાં, પ્રભુ! કેમ ધર્યા નહિ પાવકમાં ’ વળી એમણે અન્ય એક કાવ્યમાં કહ્યું છે, ‘લખ્યો લેખ નથી લલાટપટલે કે નિત્ય સેવા કરું...’ છતાં પેલી પૂતળીને પ્રતાપે એમના લલાટપટલે નિત્ય સેવા કરવાનો જ લેખ લખ્યો હતો અને પાવકથીયે વધુ અસહ્ય એવા પાવકમાં, નોકરીમાં એમને ધર્યા હતા. ૧૮૯૦-૯૨માં નડિયાદમાં એમણે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ બીડનું કારખાનું કાઢ્યું હતું અને ઉદ્યોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એમાં કેટલાક ‘કપટપટુ’ મિત્રોએ ખોટા દસ્તાવેજ પર સહી કરાવીને એમનું સર્વસ્વ લખાવી લીધું હતું. વારસાની સમગ્ર મિલકત ખોઈને અંતે એ ખટપટમાંથી તેઓ મુક્ત થયા હતા. પછી ૧૮૯૩માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની વિદ્યાસભા)માં તેઓ કામચલાઉ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા. ત્યારે પણ એ વ્યસનમાંથી મુક્ત ન હતા અને એ હકીકત એમણે જીવનમાં ક્યારેય છુપાવી ન હતી. વળી ‘ક્લાન્ત કવિ’ને કારણે સોસાયટીને એમની પ્રત્યે ખોટો અભિનિવેશ હતો. એથી સોસાયટીના એક ચોખલિયા સભ્ય લાલશંકરની શંકાદૃષ્ટિ એમના પર સતત રહેતી હતી. એક દિવસ એમણે સોસાયટીના બારણા પાસે એક ચલમ જોઈ, એને પગ વડે ફોડીને નોકર દ્વારા એ સેતાની અનીતિમાન ચલમને રસ્તા પર ફગાવી દીધી હતી. થોડાક સમય પછી બાલાશંકરે પણ સોસાયટીની નોકરીને ફગાવી દીધી હતી. ૧૮૯૪માં સોસાયટીમાંથી એક વરસ માટે કપાતે પગારે રજા લઈને વડોદરામાં હતા ત્યારે કલાભવનમાં નિયુક્ત થયા હતા. એક દિવસ એ કલાભવનના પગથિયાં ચડતા હતા ત્યાં સામા મળ્યા ઉપરી અધિકારી ત્રિભુવનદાસ ગજ્જર. બાલાશંકર નોકરીના સમય કરતાં મોડા આવ્યા છે એ સૂચવવા એમણે ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બાલાશંકરને બતાવી. બાલાશંકર ન તો એક શબ્દ બોલ્યા, ન તો વિચાર કરવા એક ક્ષણ પણ રોકાયા. પગથિયાં ઊતરી ગયા. ‘મને ઘડિયાળ શેનું બતાવે છે  મારું કામ જુએ, એમાં કાં કસર છે ’ ત્યાર પછી બાલાશંકર ક્યારેય ક્યાંય કોઈ ઑફિસનાં પગથિયાં ચડ્યા ન હતા. આ હતી નોકરીને બાલાશંકરની છેલ્લી સલામ. ૧૮૯૬માં વડોદરામાં રાવપુરામાં ફરીથી મોટા પાયા પર બીડનું કારખાનું કાઢ્યું હતું. ૧૮૯૭-૯૮માં વડોદરામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો, એથી કારખાનું કૅમ્પમાં ખસેડવું પડ્યું હતું. પોતાને પ્લેગ થયો છે એવી શંકા થવાથી એ માતા અને પુત્રથી અલગ મકાનમાં રહ્યા હતા અને એકબે દિવસની ટૂંકી માંદગી પછી ૧૮૯૮ના એપ્રિલની બીજીએ માત્ર ચાલીસ વર્ષની જ કાચી વયે કદાચ પ્લેગથી જ એમનું અવસાન થયું હતું. અવસાન સમયે એમની મૃત્યુશય્યા પાસે કોઈ ન હતું, એ એકલા હતા. અને નડિયાદમાં વારસાના ઘરનું છેલ્લું વાસણ પણ વેચાઈ ચૂક્યું હતું. ૧૮૯૬માં વડોદરામાં બીડના કારખાનાનાં મકાનો બંધાતાં હતાં ત્યારે કોઈએ બાલાશંકરને ટકોર કરી હતી, ‘બાલાશંકર! તમારું મકાન થાય છે કે મુનીમનું ’ ત્યારે બાલાશંકરે એમને કહ્યું હતું, ‘બાલાશંકરને ત્યાં મુનીમ છે ને એનું મકાન નહિ થાય તો ક્યારે થશે ’ બાલાશંકરે અંગત અનુભવથી ગાયું હતું  ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે... ઘડી જાએ ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!’ બાલાશંકર બાલાશંકર હતા, કારણ કે એમણે ગાયું હતું, ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે... મહામસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.’ બાલાશંકરે ગાયું છે, ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે,  થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી; / મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.’ બાલાશંકરના જિગરનો યાર જુદો હતો એથી એમનો સારોયે સંસાર જુદો હતો. એ પ્રેમમાં પૂરા હતા એથી સર્વથી મુક્ત હતા. મહામસ્તાન હતા અને મસ્તાન જ્ઞાની હતા એથી એમના મગજમાં તાર જુદો હતો. બાલાશંકર એટલે મિજાજ. ‘મસ્ત ફકીરી’નો મિજાજ, ‘નિ:સ્પૃહ રાજનનો રાજા’નો મિજાજ, ‘પ્રેમગરીબ’નો મિજાજ, ગુજરાતી સાહિત્યના પાંચ સદીના ઇતિહાસમાં બાલાશંકરનો જે અને જેવો મિજાજ હતો તે અને તેવો અન્ય કોઈ સાહિત્યકારનો મિજાજ ન હતો. બાલાશંકર એમના આ મિજાજથી પૂરેપૂરા સભાન હતા. એમના સ્વભાવથી એ પૂરેપૂરા સજાગ હતા. એમનાં સ્વચ્છંદ અને વ્યસનથી પણ એ પૂરેપૂરા સભાન અને સજાગ હતા. એ એક સંવેદનશીલ જાગૃત આત્મા હતા. એમનામાં વ્યસન હતું. ગાંજાની ચલમ અને દારૂની પ્યાલી એમના જીવનભરનાં સાથી-સંગાથી હતાં, પણ એ સત્યનું મુખ એમણે હિરણ્મય પાત્રથી અપિહિત કર્યું ન હતું. શું જીવનમાં કે શું કવનમાં એમણે ક્યાંય ક્યારેય કોઈ દંભ કે ઢોંગ કર્યો ન હતો. એમણે જાતની કે જગતની પ્રતારણા કરી ન હતી, સ્વની કે સમાજની વંચના કરી ન હતી. એવી અને એટલી એમની સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્યનિષ્ઠા હતી. આધ્યાત્મિકતા એ આથી અન્ય એવી શી વસ હશે  પણ એમનામાં માત્ર સ્વચ્છંદ જ ન હતો, માત્ર વ્યસન જ ન હતું, એની સાથેસાથે એમનામાં નિર્દોષતા અને નિખાલસતા હતી. એ સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત થાય એ માટે પિતા ઉલ્લાસરામે અને પોતે પ્રામાણિક પ્રયત્નો કર્યા હતા, એટલું જ નહિ, પણ ૧૮૮૪-૮૬નાં બે વર્ષોમાં જે પ્રયત્ન કર્યો એમાં પિતા અને પોતે સફળ પણ થયા હતા. આ સમયમાં એમણે અપરાધભાવ અનુભવ્યો હતો. ‘શિવાપરાધક્ષમાપનસ્તોત્ર’નું શ્રવણ કર્યું ત્યારે ચોધાર આંસુએ રુદન કર્યું હતું, એટલું જ નહિ, પણ એમની નિકટના સ્વજનો – ભાણેજ અને સાળા  વ્યસનગ્રસ્ત ન થાય એ અંગે ચિંતા અને ચેતવણી વ્યક્ત કરી હતી  ‘આ કામ તમારે લાયક નથી. અમે તો પૂર્વજન્મના દોષથી સપડાયા છીએ. તે કોઈ સંત છોડાવે ત્યારે છૂટીશું.’ પણ પછી આ બે વર્ષ પછી ૧૮૮૭માં તીર્થસ્થાનમાં જ પૂર્વસંસ્કારો જાગ્રત થયા અને પુનશ્ચ ૧૮૯૮ લગી – લગભગ આયુષ્યના અંત લગી, બાર વર્ષ લગી – વ્યસનનું સેવન કર્યું હતું. ૧૮૯૮માં વડોદરામાં પ્લેગ થયો અને મૃત્યુનો અણસારો આવ્યો હતો એથી એ અમદાવાદમાં શ્રીમન્નૃસિંહાચાર્યને મળવા ગયા હતા. એમની સાથે અરધો કલાક એકાન્તમાં સંવાદ કર્યો હતો અને આત્મનિવેદન કર્યું હતું. એ અંગે એમણે કહ્યું હતું, ‘અનેક જન્મનાં શુભ કર્મના પ્રયાસથી મનુષ્યો પવિત્ર થઈ શકતા નથી, પરંતુ કોઈ ધન્ય ક્ષણે મહાપુરુષના કરુણાકટાક્ષથી સત્વર શુદ્ધ થઈ શકે છે.’ અને મૃત્યુ નિકટ છે એવી સભાનતાથી એમણે વ્યસનનો ત્યાગ કર્યો હતો. (જોકે અવસાન ન થયું હોત તો પૂર્વે ૧૮૮૭માં કર્યું હતું તેમ પુનશ્ચ વ્યસનનું સેવન કર્યું ન હોત  – એ પ્રશ્નને અવકાશ તો રહે છે જ.) પિતા ઉલ્લાસરામ વિદ્યાવ્યાસંગી હતા. એ બહુભાષી હતા. એ ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાઓમાં નિપુણ હતા. એ કાવ્યમર્મજ્ઞ હતા. એમણે શંકરાચાર્યના ‘સૌંદર્યલહરી’ કાવ્યનો અને હાફિઝની ગઝલોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. બાલાશંકરને આવા વિદ્યાવ્યાસંગી પિતાના પુત્ર હોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. આમ, બાલાશંકરનો બૌદ્ધિક વારસો સઘન અને સંગીન હતો. બાલાશંકર પણ બહુભાષી હતા. એ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, વ્રજ, અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં નિપુણ હતા. તેમણે ‘સૌંદર્યલહરી’ અને હાફિઝની ગઝલોનો અનુવાદ કર્યો હતો. ઉલ્લાસરામે ૧૮૭૨-૭૩ લગી, બાલાશંકરને એમની ૧૪ વર્ષની વય લગી પંચમહાલમાં ઘરમાં અનૌપચારિક શિક્ષણ આપ્યું હતું. પછી ૧૮૭૨-૭૩માં નડિયાદમાં ફર્સ્ટ ગ્રેડ ઍન્ગ્લો-વર્નાક્યુલર સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. બાલાશંકરે ૧૮૭૭-૭૮માં લગભગ દોઢેક વર્ષ લગી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો અને ૧૮૭૮માં મૅટ્રિક થયા હતા. પછી અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યો હતો, પણ ૧૮૭૯માં ફર્સ્ટ ઈયર આટ્સની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા. પછી ૧૮૮૧માં ઉલ્લાસરામે વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે અધૂરા અભ્યાસે ‘નોકરીની બેડી’થી બાંધ્યા હતા. આમ તો બાલાશંકરને જીવનભર અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત થયું હતું. પણ વક્રતા તો એ છે કે વિદ્યાવ્યાસંગી પિતાના આ વિદ્યાવ્યાસંગી પુત્રને પૂરેપૂરું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત ન થયું તે ન જ થયું. બાલાશંકર ગ્રૅજ્યુએટ ન થયા તે ન જ થયા. પિતા ઉલ્લાસરામ વ્યવહારકુશળ હતા. ૧૮૪૮માં ૨૨ વર્ષની વયે એમણે ખેડામાં માસિક ૬ રૂપિયાના વેતનથી મામલતદાર તરીકે સરકારી નોકરીનો આરંભ કર્યો હતો. બારેક વાર એમની મુખ્યત્વે મામલતદાર તરીકે જ વિવિધ સ્થળે બદલી થયા પછી ૧૮૮૨માં ૩૪ વર્ષની નોકરી પછી ખેડા જિલ્લામાં માનદ મૅજિસ્ટ્રેટ તરીકે નિયુક્તિ માટેની એમની વિનંતીનો અસ્વીકાર થયો એથી, ૫૬ વર્ષની વયે માસિક ૨૫૦ રૂપિયાના વેતન સાથે અને પેન્શન સાથે સ્વેચ્છાએ નિવૃત્ત થયા હતા. એમની કાર્યકુશળતા અને કર્તવ્યપરાયણતાથી ઉપરી અંગ્રેજ અમલદારો પ્રભાવિત થયા હતા. અને એમને રાવબહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો. ઉલ્લાસરામે બાલાશંકરને ૧૮૮૧માં ૨૩ વર્ષની વયે અધૂરા અભ્યાસે સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે ‘નોકરીની બેડી’થી બાંધ્યા હતા. બાલાશંકરે ઘોઘામાં કસ્ટમ ખાતામાં કારકુન તરીકે માસિક ૨૦ રૂપિયાના વેતનથી સરકારી નોકરીનો આરંભ કર્યો હતો. ત્રણેક વાર વિવિધ સ્થળે બદલી થયા પછી ૧૮૮૪માં ૪ વર્ષની નોકરી પછી અસ્વસ્થ સ્વાસ્થ્યને કારણે અને વિશેષ તો પુત્ર ખ્રિસ્તી થઈ જશે એ શંકા અને ભયને કારણે આમોદમાં માસિક ૩૦ રૂપિયાનું વેતન હતું ત્યારે ૧૮૮૪થી ૧૮૮૯ લગી, પાંચ વર્ષની લાંબી ફર્લો રજા પર ઉતાર્યા હતા, તે પછી ૧૮૮૯માં રજાઓ પૂરી થતાં આમોદમાં ફરી નોકરી પર હાજર થયા હતા. પણ એ જ વર્ષમાં નોકરી માટે નકરી નફરત હતી એથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા હતા. (પછી અપવાદરૂપે ૧૮૯૩માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં કામચલાઉ આસિસ્ટંટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા. ૧૮૯૪માં કપાતા પગારે સોસાયટીમાંથી રજા લઈ વડોદરા ગયા અને કલાભવનમાં નિયુક્ત થયા હતા. પણ ચલમ અને ઘડિયાળના પ્રસંગોને કારણે એમણે આ બંને કામગીરીનો સ્વચ્છાએ ત્યાગ કર્યો હતો.) એમની કાર્યકુશળતા અને કર્તવ્યપરાયણતાથી – વિશેષ તો એમના પુરાતત્ત્વના જ્ઞાનથી – ઉપરી અંગ્રેજ અધિકારીઓ પ્રભાવિત થયા હતા. પણ બાલાશંકર મુખ્યત્વે વ્યવસાયે કારકુન જ રહ્યા હતા. પિતાને નોકરીમાં નિર્ભ્રાંતિ અને નિરાશાનો અનુભવ થયો હતો. વળી પિતાએ એમને સ્વચ્છંદ અને વ્યસનમાંથી મુક્ત કરાવવા એમની અનિચ્છાએ ‘નોકરીની બેડી’થી બાંધ્યા હતા એથી એમને નોકરી માટે નકરી નફરત હતી. એમણે સ્વતંત્ર વ્યવસાય માટે ત્રણેક વાર પ્રયત્ન કર્યો હતો. ૧૮૮૯ લગી એ સરકારી નોકરીમાં હતા ત્યારે જ ૧૮૮૭-૮૯માં એમણે વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરી શકાય એ માટે બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો હતો. ૧૮૮૯માં પરીક્ષા આપવા માટે મુંબઈ ગયા હતા. પણ પૂતળીના પ્રસંગને કારણે એમણે પરીક્ષા આપી ન હતી. પછી ૧૮૯૦-૯૨માં નડિયાદમાં ધાતુઉદ્યોગના વ્યવસાય માટે કારખાનું કર્યું હતું, પણ કપટપટુ મિત્રોના વિશ્વાસઘાતને કારણે એ એમાંથી મુક્ત થયા હતા. પછી ૧૮૯૬માં વડોદરામાં મોટું કારખાનું કર્યું હતું, પણ ૧૮૯૭-૯૮માં વડોદરામાં પ્લેગ થયો એમાં ૧૮૯૮માં એમનું અવસાન થયું. આમ, સ્વતંત્ર વ્યવસાયના ત્રણે પ્રયત્નોમાં એ નિષ્ફળ રહ્યા હતા. સુરા, સુન્દરી અને સંપત્તિ – પુરુષો માટે આ ત્રણ આકર્ષણો પ્રસિદ્ધ છે. એમાં બાલાશંકરને માત્ર સુરાનું જ આકર્ષણ હતું. એ વ્યસની હતા, પણ વિષયી ન હતા. અન્ય બે આકર્ષણોથી એ અલિપ્ત હતા. મણિલક્ષ્મી સાથેનું એમનું આદર્શ લગ્નજીવન હતું. આથી સ્ત્રીઓ પ્રત્યે એમને અપાકર્ષણ ન હતું. એમના સ્વકીયા પ્રેમનાં બે સર્વશ્રેષ્ઠ કાવ્યો ‘ક્લાન્ત કવિ’ અને ‘સ્નેહાલાપ’ એનાં સાક્ષી છે. એમનામાં જેમ જયૈષણા ન હતી, લોકૈષણા ન હતી, એમ એમનામાં વિત્તૈપણા પણ ન હતી. ૧૮૮૭થી ૧૮૯૫ લગી, ૮ વર્ષ લગી ‘ભારતીભૂષણ’ સામયિકનું સંપાદન એમણે પોતાને ખર્ચે કર્યું હતું. એક કારખાનાને કારણે સંપત્તિનો વ્યર્થ વ્યય થયો હતો. અન્ય કારખાનાને કારણે તો ઘરનું છેલ્લું વાસણ પણ વેચાઈ ગયું હતું. આ કારખાનામાંથી જે આવક થાય એમાંથી માત્ર આજીવિકા પૂરતી જ રકમ બાદ કર્યા પછી બાકીની રકમમાંથી કોઈ સરિતાના તટ પર ‘કવિલોક’ સ્થાપવાનું એમનું સ્વપ્ન હતું. આ અર્વાચીન ચારુદત્તને, આ ‘મસ્ત ફકીરી’ના ‘નિ:સ્પૃહ રાજનનો રાજા’ને, ‘પ્રેમભિખારી’ને ક્યારેય સંપત્તિનું આકર્ષણ થયું ન હતું. બાલાશંકરનો આ જેવો તેવો આધ્યાત્મિક સંયમ ન હતો. આ એમની એક મહાન આધ્યાત્મિક સિદ્ધિ હતી. બાલાશંકરના સ્વતંત્ર મિજાજનાં કેટલાંક વિરલ અને વિલક્ષણ ઉદાહરણો છે. એમની અમીરી જીવનશૈલી હતી, એમના રજવાડી મોજશોખ ેહતા. એમને સંગીતનો માત્ર શોખ ન હતો, સંગીતની સૂઝ-સમજ હતી. ૧૮૮૩માં ભરૂચમાં નોકરીમાં માસિક ૩૦ રૂપિયાનું વેતન હતું ત્યારે એમાંથી એમણે સંગીતના શિક્ષણ માટે ઉસ્તાદને માસિક ૮ રૂપિયાનું વેતન આપ્યું હતું. ૧૮૯૩માં અમદાવાદમાં સોસાયટીમાં નોકરી હતી ત્યારે પ્રેમાભાઈ હૉલની નિકટમાં જ ભદ્રમાં એમનું નિવાસસ્થાન હતું, પણ એ પ્રેમાભાઈ હૉલ ઘોડાગાડીમાં જતા હતા. ૧૮૮૩માં ભરૂચમાં હતા ત્યારે દલપતરામના એક કાવ્યમાંની ‘પોપટ પાળે પ્રીતથી, કાગ ન પાળે કોય’ પંક્તિના જાણે કે પ્રતિકારરૂપે કાગડો પાળ્યો હતો, એટલું જ નહિ, પણ એ વિશે ‘કુકાકવાણી’ કાવ્ય – એકસાથે પ્રેમ અને કટાક્ષનું, શૃંગાર અને હાસ્યનું રસિક-ચતુર કાવ્ય – રચ્યું હતું. ‘ભારતીભૂષણ’નું સ્વાશ્રયથી પોતાને ખર્ચે સંપાદન કર્યું હતું એ અંગે એમણે કહ્યું હતું, “ ‘ભારતીભૂષણ’ને ગાયકવાડની કે ઇન્દ્રરાજાની અથવા દીવાનબહાદુર કે કાયરબહાદુરની પરવા લગ્ગીર પણ નથી.” ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન કર્યું ત્યારે લાલશંકરે ચોકી કરી હતી એના સંદર્ભમાં એમણે કહ્યું હતું, ‘એ બુદ્ધિપ્રકાશ છે. એ બુઢ્ઢા માણસને જેમ સહેતોસહેતો ખોરાક અપાય તેમ કરવું પડશે. મારી પ્રકૃતિ જુદા જ પ્રકારની છે.’ પછી જ્યારે લાલશંકરે ‘બુદ્ધિપ્રકાશ’ના એક અંકમાંથી છેલ્લી ઘડીએ શૃંગારનું એક કાવ્ય કાઢી નંખાવ્યું ત્યારે એમણે કહ્યું હતું, ‘આ નીતિની ભૂતભડકામણી લાલશંકરભાઈ જેવા નાગરને ક્યાંથી લાગી છે  તેમને કહેજો કે શૃંગારરસ આ સંસારમાં ન હોત તો લાલશંકર, સાહિત્યના ઉત્તેજન આપનારા પોતે જ, ક્યાંથી પાકત ’ મણિલાલે બાલાશંકરને લાઠી ઠાકોરના સેક્રેટરી થવાનું અને એમને મળવા જવાનું સૂચન કર્યું ત્યારે સેક્રેટરી થવાનું તો દૂર રહ્યું, પણ મણિલાલને કહ્યું હતું, ‘હું તારી પેઠે બ્રાહ્મણ છું  લાઠીનો ઠાકોર ઠાકોર એના ઘરનો. મળવું હોય તો આવે મારે ઘેર. અને શીખવું હોય તો શીખે મારી પાસે આવીને.’ બાલાશંકર જેટલા ઉદ્ધત અને ઉચ્છૃંખલ હતા એટલા જ વિનમ્ર અને વિનયી હતા. એક વાર દલપતરામ વડતાલથી વહેલમાં નડિયાદ આવે છે એ સમાચાર સાંભળતાંવેંત આ દલપતરામના ‘પદરજ-સેવક’ એવા દલપતશિષ્યે સામેથી દોડીને મોટી માનવમેદની સમક્ષ ગામને ગોંદરે ધૂળમાં ગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજમાં સુધારાનું આંદોલન થયું હતું. બી.એ., એમ.એ. નહિ તે સાહિત્યકાર નહિ. પદ કે પદવી નહિ તેને સમાજમાં માન કે મોભો નહિ. જીવનના એકેએક ક્ષેત્રમાં – ધર્મમાં, નીતિમાં, સાહિત્યમાં – ચોમેર ચોખલિયાપણાના વાતાવરણનું વર્ચસ્ હતું. એ સમયે એ સમાજમાં બાલાશંકર ગ્રૅજ્યુએટ નહિ, માત્ર કારકુન, વ્યવસાય અને વ્યવહારમાં નિષ્ફળ, વ્યસનનું સેવન, મણિલાલના મિત્ર, સૂફીમાર્ગી અને શાક્તમાર્ગી આદિ કારણોથી એમના પ્રત્યે સમાજમાં ઉપેક્ષા અને ઉદાસીનતા હતી, અવજ્ઞા અને અન્યમનસ્કતા હતી. એ જીવનભર સમાજમાં વિસ્થાપિત રહ્યા હતા. નવલરામ અને નરસિંહરાવ જેવા વિચક્ષણ વિવેચકોએ પણ ‘ક્લાન્ત કવિ’ એ સ્પષ્ટપણે સ્વકીયા પ્રેમનું કાવ્ય હતું છતાં ગેરસમજ અને અણસમજને કારણે પરકીયા પ્રેમના કાવ્ય તરીકે એનો તિરસ્કાર કર્યો હતો. અન્ય સૌ સમકાલીન કવિઓ – નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત – ના કાવ્યસંગ્રહો એમના જીવનકાળમાં જ પ્રગટ થયા હતા. કલાપીનો કાવ્યસંગ્રહ પણ એમના અવસાન પછી તરત જ પ્રગટ થયો હતો. એકમાત્ર બાલાશંકરનો કાવ્યસંગ્રહ અનેક સહૃદયોના પ્રયત્નો છતાં છેક ૧૯૪૨માં પ્રગટ થયો હતો. આમ, લગભગ અરધી સદીના દેશવટા પછી એ અને એમની કવિતા ગુજરાતમાં પ્રસ્થાપિત થયાં હતાં. બાલાશંકરને ગાંજાની ચલમ અને દારૂની પ્યાલીનું જ વ્યસન ન હતું, કલમ અને શાહીનું, વિદ્યા અને જ્ઞાનનું પણ વ્યસન હતું. જીવનના અનેક ઝંઝાવાતોની વચ્ચે પણ એમની પ્રેમ અને જ્ઞાનની જ્યોત ઝળહળતી રહી હતી. પિતા ઉલ્લાસરામ ધર્મપરાયણ હતા. સત્યની સાધના, જ્ઞાનની ઉપાસના એ બાલાશંકરને પિતાનો આધ્યાત્મિક વારસો હતો. એમણે પિતાની ઐહિક, લૌકિક સંપત્તિનું તો મીંડું વાળ્યું હતું, પણ આધ્યાત્મિક, અલૌકિક સંપત્તિમાં તો સોગણી વૃદ્ધિ કરી હતી. ૧૮૮૪થી ૧૮૮૬ લગી બે વર્ષ લગી એમણે વ્યસનનો ત્યાગ કર્યો હતો અને અવિરત સતત આધ્યાત્મિક વાચન, મનન અને ચિંતન કર્યું હતું. એમણે શાક્ત-અદ્વૈત અને સૂફીવાદની બે આધ્યાત્મિક આધારશિલા પર ‘ક્લાન્ત કવિ’ અને ‘સ્નેહાલાપ’ એ બે કાવ્યોનો ભવ્ય પ્રાસાદ રચ્યો હતો. ૧૯મી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના ચાર અધ્યાત્મવીરો  મણિલાલ, બાલાશંકર, કાન્ત અને કલાપી. એમાં મણિલાલમાં તર્ક અને બુદ્ધિ દ્વારા, કાન્તમાં શંકા અને શ્રદ્ધા દ્વારા સત્યની સાધના, જ્ઞાનની ઉપાસના હતી. કલાપીમાં તો એનો આરંભ થાય ન થાય ત્યાં તો એમનું અવસાન થયું હતું. બાલાશંકરમાં સ્વયંસ્ફુરણા દ્વારા સત્યની સાધના, પ્રેમ દ્વારા જ્ઞાનની ઉપાસના હતી. બાલાશંકર ‘મહાસ્તાન’ હતા, ‘મસ્તાન જ્ઞાની’ હતા. એથી અન્ય ત્રણ સમકાલીન સાધકો અને ઉપાસકોનાં મગજમાં જે તાર હતો એનાથી એમના ‘મગજમાં તાર જુદો’ હતો. બાલાશંકર જીવનમાં અને કવનમાં સફળ રહ્યા હોય તો તે પ્રેમના અનુભવમાં. એના મૂળમાં પત્ની મણિલક્ષ્મી હતાં. ‘ક્લાન્ત કવિ’ અને ‘સ્નેહાલાપ’ આ બે કાવ્યો એનાં સાક્ષી છે. એમનામાં પ્રેમ દ્વારા જ્ઞાન હતું. એથી એમનું જ્ઞાન શુષ્ક અને કઠોર ન હતું, આર્દ્ર અને કોમળ હતું. પ્રેમ અને જ્ઞાનનું સંપૂર્ણ અદ્વૈત સૌંદર્યરૂપે એમનાં આ બે કાવ્યોમાં પ્રગટ થાય છે. એથી જ પ્રેમ ભક્તિરૂપે ચરિતાર્થ થાય છે. પ્રેમનું ભક્તિમાં પર્યાવસાન થાય છે. ‘ક્લાન્ત કવિ’માં પત્ની, કવિતા અને ભગવતી એમ ત્રણ ભિન્નભિન્ન વસ્તુવિષય નથી. એ ત્રણે એકરૂપ અને એકરસ છે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ‘ક્લાન્ત કવિ’ જેવું અન્ય એક પણ પ્રેમકાવ્ય નથી. આ પ્રેમ માટે બાલાશંકર મણિલક્ષ્મીના ઋણી હતા અને આ પ્રેમકાવ્યની પ્રેરણા માટે ગુજરાત મણિલક્ષ્મીનું સદાયનું ઋણી રહેશે. પોતાની ગરદન પર હાથ રાખીને ગુજરાતમાં એક જ કવિ બાલાશંકર પત્ની સમક્ષ આ વચન ઉચ્ચારી શકે  ‘અધર અણનમ ટેકીલી મારી ગરદનના સોગન.’ આ સચ્ચાઈના સોગન હતા. એમાં ‘નિ:સ્પૃહી રાજનનો રાજા’ અને ‘પ્રેમગરીબ’ એવા બાલાશંકરની ‘મસ્ત ફકીરી’ પ્રગટ થાય છે, એમની સ્વાતંત્ર્યપ્રિયતા અને સત્યપ્રિયતા પ્રગટ થાય છે. બાલાશંકર એટલે માત્ર ગુર્જરીનો મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર જ નહિ, પણ બાલાશંકર એટલે મૂર્તિમંત સૌંદર્યનિષ્ઠા, સ્વાતંત્ર્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા.