નરસિંહથી ન્હાનાલાલ/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મણિલાલ

યૌવનમૂર્તિ નર્મદ (૧૮૩૩-૧૮૮૬) એમની યુવાનીમાં, એમના જીવનના પૂર્વાર્ધમાં, લગભગ ૧૮૮૧ લગી ઉચ્છેદક હતા અને ‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ના ઘોષણાપત્ર સાથે ‘સુધારા’ના પ્રથમ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. પણ પછી ન્હાનાલાલે કહ્યું છે તેમ ‘કવિતા કે સુધારો નર્મદના ચિરસ્થાયી રંગો ન હતા; એક દાયકાના રંગ હતા  ’૬૫માં સુરતવાસ કીધે બંનેય પ્રધાનત: ઊપટી ગયા.’ એથી ૧૮૬૫ પછી એ એમના જીવનના ઉત્તરાર્ધમાં, આયુષ્યના અંત લગી ‘દીસ્યો હાર્યો જોદ્ધો હરિ તણું હૃદે ધ્યાન ધરતો’ એવી મનોદશાના સંરક્ષક હતા. હવે ‘સુધારા’ના દ્વિતીય આંદોલનનું નેતૃત્વ કરવા માટે સમય અને સ્વાસ્થ્ય બંનેની દૃષ્ટિએ અવકાશ ન હતો. મૃત્યુ દૂર ન હતું. વળી પ્રથમ આંદોલનના ઉચ્છેદક ‘સુધારા’ના મિત્રોએ એમનો ત્યાગ કર્યો હતો. એ એકાકી હતા. ૧૮૮૬માં નર્મદના આયુષ્યના આ અંતિમ દિવસોમાં મણિલાલ નર્મદને મળવા ગયા હતા. મણિલાલે એમના ‘આત્મવૃત્તાંત’માં કહ્યું છે, ‘મારી તેમની એટલી બધી એકતા હતી.’ મણિલાલ અને નર્મદ વચ્ચે કોઈ અલૌકિક આત્મીયતા (elective affinity) હતી. એનું કારણ એ કે સંરક્ષક ‘સુધારા’ અંગેના બંનેના વિચારો વચ્ચે લગભગ સંપૂર્ણ સામ્ય હતું. આ મિલન પૂર્વે ૧૮૮૩-૮૪ દરમિયાન મણિલાલના મિત્ર માનશંકર મહેતા નર્મદને મળવા ગયા હતા ત્યારે નર્મદે માનશંકરને કહ્યું હતું, ‘મને મણિલાલની ઘણી આશા છે. તેઓ મારું કાર્ય ઉપાડી લેશે અને ઘણે અંશે ફતેહ મેળવશે, એમ મને ખાતરી છે.’ ૧૮૮૬માં મણિલાલ નર્મદને મળ્યા તે પૂર્વે મણિલાલ નર્મદના માનસપુત્ર થવાની, ઉત્તરાધિકારી વારસ થવાની, નર્મદના સમાનધર્મી થવાની પાત્રતા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ૧૮૭૫માં મણિલાલ મૅટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતમાં નાપાસ થયા હતા. પછી એમણે ‘લઘુકૌમુદી’ અને ‘અમરકોશ’નો સઘન અભ્યાસ કર્યો અને ૧૮૭૬માં મૅટ્રિકમાં પાસ થયા. ૧૮૭૬થી ૧૮૭૯ મુંબઈમાં એલફિન્સ્ટન કૉલેજમાં ૧૦ રૂપિયાની સ્કૉલરશીપ સાથે પ્રવેશ કર્યો. ભાંડારકર અને વર્ડ્ઝવર્થ આ બે વિદ્વાન અધ્યાપકો પાસે બી.એ.નો અભ્યાસ કર્યો અને ૧૮૭૯માં બી.એ.માં બીજા નંબરે પાસ થયા અને ફેલો તરીકે નિયુક્ત થયા. પિતાનો નોકરી માટેનો આગ્રહ હતો એથી એમ.એ.નો અભ્યાસ કરી શક્યા નહિ. પણ ત્રણેક વર્ષ એમણે ઇતિહાસ, ફિલસૂફી અને પશ્ચિમની સંસ્કૃતિ અંગેના ગ્રંથોનું વાચન-મનન-ચિંતન કર્યું. પરિણામે એમને શાંકર વેદાન્તને એમની શ્રદ્ધાનું નિવેદન કર્યું. ૧૮૮૦માં ‘માલતીમાધવ’નો અનુવાદ કર્યો. ૧૮૮૧માં ‘ઉત્તરરામચરિત’નો અનુવાદ કર્યો. ૧૮૮૨માં ‘કાન્તા’ મૌલિક નાટક રચ્યું. ૧૮૮૦થી ૧૮૮૫ મુંબઈમાં મ્યુનિસિપાલિટીના શિક્ષણવિભાગમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા. આ સમયમાં શાસ્ત્રી ભીમાચાર્ય ઝળખીકર પાસે ‘સર્વદર્શનસંગ્રહ’, ‘ગીતા’, ‘બ્રહ્મસૂત્રો’ અને એ પરનાં ભાષ્યોનો અભ્યાસ કર્યો. થિયૉસોફિકલ સોસાયટીના આજીવન સભ્ય થયા. ૧૮૮૨માં ‘ગુજરાતી સોશિયલ યુનિયન’ના ઉપક્રમે વિધવાવિવાહ અંગેની એક દિવસની ચર્ચામાં એવો તીવ્ર વિવાદ કર્યાે કે એ ચર્ચા એક માસ લગી ચાલી. એની ફલશ્રુતિ-રૂપે ‘નારીપ્રતિષ્ઠા’નો પ્રસિદ્ધ નિબંધ લખ્યો અને પછી ૧૮૮૫માં ‘પ્રિયંવદા’ માસિકનો આરંભ કર્યો. આ સમયમાં ‘રાસ્તગોફતાર’ના કવિ-તંત્રી બહેરામજી મલબારી સાથે સ્ત્રીકેળવણી વિશે વિવાદ કર્યો. ૧૮૮૪માં મેક્સમ્યુલરનાં હિબર્ટ વ્યાખ્યાનોનો અંગ્રેજીમાંથી સંસ્કૃતમાં અનુવાદ કર્યો. એ જ વર્ષમાં થિયૉસોફિકલ સોસાયટીમાં ‘Logic or Commonsense’ વિષય પર વ્યાખ્યાન કર્યું અને ઓગુસ્ત કોમ્તના ‘Positive Polity’ ગ્રંથનું વાચન કર્યું. આ સમયમાં શાસ્ત્રી ભીમાચાર્ય ઝળખીકર પાસે ‘તર્કકૌમુદી’ તથા એના પરની ‘દીપિકા’નો અભ્યાસ કર્યો અને એનો અંગ્રેજીમાં સટીક અનુવાદ કર્યો. ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નિયુક્ત થયા. અહીં બલવન્તરાય અને ગાંધીજી એમના વિદ્યાર્થીઓ હતા. એ જ વર્ષમાં ‘Rajayoga’ અંગ્રેજી ગ્રંથ પ્રગટ કર્યો અને એ ગ્રંથ વિદેશમાં એડ્વિન આર્નલ્ડની મુક્તકંઠે પ્રશંસા પામ્યો હતો. ૧૮૬૭થી નર્મદ એમના ઉચ્છેદક સુધારા અંગે ક્રમેક્રમે ઉત્તરોત્તર વધુ ને વધુ નિર્ભ્રાંત અને નિષ્ક્રિય થતા રહ્યા હતા અને ૧૮૮૧માં તો એમણે એમના સંરક્ષક સુધારાનું પણ અંતિમતાપૂર્વક વિસર્જન કર્યું હતું અને ‘સુધારા’ માત્રથી સંપૂર્ણપણે નિવૃત્ત થયા હતા. ત્યાર પછીના ૧૮૮૧થી ૧૮૮૫ લગીનાં પાંચ વર્ષોમાં મણિલાલ નર્મદ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. નર્મદના ઉદ્ગાર પરથી સ્પષ્ટ છે કે નર્મદને સંરક્ષક સુધારક મણિલાલ અને એમનાં લખાણોનો અંગત પરિચય હતો. એથી જ ૧૮૮૬ના મિલનપ્રસંગે મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં નોંધ્યું છે તેમ, નર્મદે મણિલાલને કહ્યું હતું, ‘હવે આ દેહનો અંત આવે તો ઠીક કે ઘરનાં માણસ હેરાન થતાં અટકે. અમે તો હવે એકલા પડ્યા. અમારા ભક્તો, અમારા મિત્રો, અમારા સ્નેહીઓ અમને બગડેલા, વહેમી ઠરાવી વેગળા થયા. પણ ખરી વાત હું હાલ કહું છું તે જ છે એ મારું હૃદય જાણે છે. જવાનીઆ સુધારાવાળા મારી ઉપર કરડી નજર કરતા હશે પણ હું કહું છું કે તેમના જ મંડળમાં એક જવાન ઉછરે છે જે પરિણામે મારા જ વિચારો તમારે ગળે ઉતારશે  એ માણસ તમે જ. તમારાં સર્વે લખાણ મેં લક્ષપૂર્વક વાંચ્યાં છે. તમારી વાતો સાંભળી છે. ને એમ જ માનું છું કે તમે જે રસ્તે છો તે જ રસ્તે ચાલ્યા જજો. એ જ ખરી વાત છે.’ મણિલાલને આવા પૂર્વજ પ્રાપ્ત થયા અને નર્મદને આવા માનસપુત્ર પ્રાપ્ત થયા એ ઉભયનું મહામોટું સદ્ભાગ્ય હતું. ૧૮૮૬માં મણિલાલ નર્મદને મળવા ગયા તે પૂર્વેના ૧૮૭૫થી ૧૮૮૬ લગીનાં ૧૨ વર્ષો મણિલાલ નર્મદના માનસપુત્ર થવાની પાત્રતા માટે જે પરિશ્રમ અને પુરુષાર્થથી ભર્યુંભર્યું બૌદ્ધિક જીવન જીવ્યા હતા એનો આગોતરો અને આછોતરો અણસાર પણ ભાગ્યે જ આવી શકે એવું સામાન્ય સાધારણ બૌદ્ધિકજીવન તેઓ ૧૮૭૫ પૂર્વે જીવ્યા હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ ૧૮૫૮ના સપ્ટેમ્બરની ૨૪મીએ નડિયાદમાં સાઠોદરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. એમના પિતામહ ભાઈલાલ ગણપતરામ દવે નડિયાદમાં ફોજદાર હતા. એમના પિતા નભુભાઈ વ્યાજવટાની પ્રવૃત્તિ અને યજમાનવૃત્તિના વ્યવસાયમાં હતા. મણિલાલે ૪ વર્ષની વયે દયાશંકર પંડ્યાની ગામઠી શાળામાં અભ્યાસનો આરંભ કર્યો હતો. અહીં પ્રાથમિક અક્ષરજ્ઞાન અને અંકગણિતથી વિશેષ કંઈ ભણવાનું થયું ન હતું. પછી ૭ વર્ષની વયે સરકારી ગુજરાતી શાળામાં પ્રવેશ કર્યો હતો. અહીં પણ અભ્યાસ સામાન્ય સાધારણ રહ્યો હતો. ગણિતમાં સહેજ પણ રસ નહિ એથી ગણિતના વર્ગમાં સતત ગેરહાજર રહેવાનું થયું હતું. આ સમયમાં સમાજમાં અને એમના કુટુંબમાં શિક્ષણનું કોઈ મૂલ્ય ન હતું. વળી મણિલાલને પ્રાથમિક શિક્ષણ પછી પોતાના ધંધામાં જોડવા-જોતરવાની પિતાની ઇચ્છા હતી. એથી શિક્ષણમાં પિતાનું કોઈ પ્રોત્સાહન ન હતું. પાંચમા ધોરણ પછી એમના મસ્તીખોર મિત્રો સરકારી અંગ્રેજી શાળામાં હતા એથી કુટુંબની ઇચ્છા વિરુદ્ધ એમણે એ શાળામાં પ્રવેશ કર્યો હતો. અહીં અંગ્રેજી પહેલા ધોરણમાં હતા ત્યારે તોફાનમસ્તીમાં એક વિદ્યાર્થીના પુસ્તકમાં અપશબ્દો લખ્યા એથી એમને શાળામાંથી દૂર કરવામાં આવ્યા હતા. પછી મહામહેનતે શાળામાં પાછો પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. અંગ્રેજી બીજા ધોરણમાં સદ્ભાગ્યે શિક્ષક ઝવેરલાલ લલ્લુભાઈની પ્રેરણાથી અભ્યાસમાં હવે રસ હતો. એથી અંગ્રેજી બીજા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયા હતા અને ઇનામ પણ મેળવ્યું હતું. એથી શાળાના આચાર્યે એમને અંગ્રેજી ત્રીજા ધોરણમાં નહિ પણ ચોથા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો. અહીં સંસ્કૃત અને ભૂમિતિ જેવા નવા વિષયો પ્રત્યે અણગમો થયો હતો. વળી અહીં કોઈની સહાય ન હતી. એથી મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં નોંધ્યું છે, ‘મારા મનમાં નિર્ણય થયો કે મારે ત્રીજા ધોરણમાં પાછા જવું જોઈએ. એથી હું ક્લાસના માસ્તર મારફતે હેડમાસ્તર પાસે ગયો અને કહ્યું કે મને ઉતારી પાડો. તેણે હસીને કહ્યું કે તું વિચિત્ર છોકરો જણાય છે. ભલે તને એમ મરજી હોય તો જા. ત્રીજા ધોરણમાં મારો અભ્યાસ ઠીક ચાલ્યો. ચોથા ધોરણમાં પણ તેમ જ.’ અંગ્રેજી ચોથા ધોરણમાં પણ સંસ્કૃત અને ભૂમિતિ પ્રત્યે અણગમો હતો એથી એ વિષયોના વર્ગમાં સતત ગેરહાજર રહેવાનું થયું હતું. અંગ્રેજી પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અન્ય વિષયોમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો, પણ સંસ્કૃત અને ભૂમિતિનો અભ્યાસ તો સામાન્ય સાધારણ જ રહ્યો હતો. આ સમયમાં સદ્ભાગ્યે સંસ્કૃતપ્રેમી શિક્ષક છબીલદાસ દોલતરામની પ્રેરણાથી એમને સંસ્કૃત પ્રત્યે ભારે આકર્ષણ થયું. સંસ્કૃત સૂત્રો અને ‘લઘુકૌમુદી’નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. એથી ભૂમિતિનો અભ્યાસ પણ સુધર્યો. સંસ્કૃતનું આકર્ષણ ચાલુ રહ્યું. વળી અંગ્રેજીમાં નિપુણ એવા આચાર્ય દોરાબજી એદલજી ગીમીની પ્રેરણાથી અંગ્રેજી ગ્રંથોનું પણ વાચન કર્યું. ૧૮૭૫માં મૅટ્રિકમાં છબીલદાસના આગ્રહથી સંસ્કૃતના વિષયમાં પરીક્ષા આપી અને સંસ્કૃતમાં જ નાપાસ થયા. એથી એ નિરાશ અને નિરુત્સાહ ન થયા. ‘લઘુકૌમુદી’ અને ‘અમરકોશ’નો સઘન અભ્યાસ કર્યો અને સાહસપૂર્વક ૧૮૭૬માં પણ સંસ્કૃતના વિષયમાં જ પરીક્ષા આપી અને મૅટ્રિકમાં પાસ થયા. આ શાળાશિક્ષણનાં ૧૪ વર્ષોના સમયમાં બે પ્રસંગોએ મણિલાલની મનોભૂમિમાં પ્રતિભાબીજનો પ્રક્ષેપ થયો હતો. અંગ્રેજી ચોથા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં સ્વેચ્છાએ પાછા ગયા એમાં એમની આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ તથા આત્મપ્રગતિ અને આત્મોન્નતિની શક્તિનું દર્શન થાય છે. આચાર્યે તો આવા વિદ્યાર્થીને વિચિત્ર કહ્યો, પણ કોઈ પણ સમાજમાં કોઈ પણ સમયે આવો વિદ્યાર્થી વિચિત્ર નહિ, વિરલ કહેવાય. ૧૮૭૫માં સંસ્કૃતના પ્રખર પંડિત તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા મણિલાલ મૅટ્રિકમાં સંસ્કૃતમાં નાપાસ થયા હતા, છતાં ૧૮૭૬માં મૅટ્રિકમાં સંસ્કૃતમાં જ પરીક્ષા આપી એમાં ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ એ ગઝલના રહસ્યનું દર્શન થાય છે. ગુજરાતી ભાષામાં બે જ નિર્ભીક અને નિર્દંભ આત્મકથાઓ છે  એક મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મકથા ‘આત્મવૃત્તાન્ત’ અને બીજી મોહનદાસ કરમચંદ ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો.’ બાલાશંકર અને મણિલાલ જીવનભર પરમ મિત્રો – બંનેનો જન્મ એક જ વર્ષમાં ૧૮૫૮માં અને એક જ સ્થળે નડિયાદમાં. બાલાશંકરનો જન્મ ૧૮૫૮ના મેની ૧૭મીએ અને મણિલાલનો જન્મ ૧૮૫૮માં સપ્ટેમ્બરની ૨૬મીએ. આમ, વયમાં બાલાશંકર મણિલાલથી ચારેક માસ મોટા. બંનેનો જન્મ મધ્યમવર્ગના નાગર કુટુંબમાં. બાલાશંકર નાગર ગૃહસ્થ અને મણિલાલ નાગર બ્રાહ્મણ. બંનેનું અવસાન એક જ વર્ષમાં, ૧૮૯૮માં, ૪૦ વર્ષની અતિ કાચી વયે. બાલાશંકરનું અવસાન વડોદરામાં અને મણિલાલનું અવસાન નડિયાદમાં. બાલાશંકરનું અવસાન ૧૮૯૮ના એપ્રિલની બીજીએ, મણિલાલનું અવસાન ૧૮૯૮ના ઑક્ટોબરની પહેલીએ. આમ, મણિલાલનું અવસાન બાલાશંકરના અવસાનના ૬ માસ પછી. બાલાશંકરનું અવસાન ટૂંકી માંદગી પછી અસહ્ય અને અસાધ્ય એવા પ્લેગના રોગથી. મણિલાલનું અવસાન ઘરમાં ગાદી પર તકિયે અઢેલીને લખતાં-લખતાં. બાલાશંકર ગ્રૅજ્યુએટ નહિ, મણિલાલ બી.એ. બાલાશંકર જીવનભર કારકુન, મણિલાલ જીવનભર પ્રોફેસર. બંનેનાં જીવનનો કાર્યપ્રદેશ ભિન્નભિન્ન, બંનેના સાહિત્યમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ પણ ભિન્નભિન્ન. બાલાશંકર મોટા ગજાના પ્રથમ અર્વાચીન કવિ, મણિલાલ મોટા ગજાના પ્રથમ અર્વાચીન ફિલસૂફ. બંને શાપિત આત્મા. બાલાશંકર શાપિત કવિ, મણિલાલ શાપિત ફિલસૂફ. બંને વિધાતાથી શાપિત નહિ, પણ સ્વભાવથી, કુટુંબથી, મિત્રોથી અને સમાજથી શાપિત. બંનેનાં જીવન અને કાર્ય એનાં સાક્ષી છે. સુરા, સુંદરી અને સંપત્તિ – પુરુષ માટે આ ત્રણ મુખ્ય આકર્ષણોના સંદર્ભમાં બંનેમાં સંપત્તિ માટે સ્પૃહા ન હતી. બાલાશંકર વ્યસની હતા પણ વિષયી ન હતા. મણિલાલ વ્યસની ન હતા, પણ વિષયી હતા. બાલાશંકર અને મણિલાલની વિરલ મૈત્રી હતી. જગતકવિતાના ઇતિહાસમાં પણ આવી વિરલ મૈત્રીનું દર્શન વારંવાર થતું નથી. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં જર્મનીમાં ગોઈથે અને શિલરની મૈત્રી, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડમાં વર્ડ્ઝવર્થ અને કૉલરિજની મૈત્રી, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં વર્લેન અને રેંબોની મૈત્રી, ૨૦મી સદીના પૂર્વાર્ધમાં અમેરિકામાં પાઉન્ડ અને એલિયટની મૈત્રી, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં કાન્ત અને બલવન્તરાયની મૈત્રી, ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં સુન્દરમ્ અને ઉમાશંકરની મૈત્રી આવી વિરલ મૈત્રી હતી. બાલાશંકર અને મણિલાલ એમના જીવનકાળમાં તો શાપિત આત્મા હતા, પણ એ મરણોત્તર સમયમાં પણ શાપિત આત્મા રહ્યા હતા. બાલાશંકરનો કાવ્યસંગ્રહ ‘ક્લાન્ત કવિ’ ૧૮૯૮માં એમના અવસાન પછી, લગભગ સાડાચાર દાયકા પછી ૧૯૪૨માં ઉમાશંકર દ્વારા પ્રગટ થયો હતો. મણિલલાની આત્મકથા ‘આત્મવૃત્તાન્ત’ ૧૮૯૮માં એમના અવસાન પછી, લગભગ આઠ દાયકા પછી ૧૯૭૯માં મણિલાલનાં જીવન અને સાહિત્યના અઠંગ અભ્યાસી ધીરુભાઈ ઠાકર દ્વારા એના સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈ હતી. આ બંને ઘટનાઓ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેટલી વિરલ છે એટલી જ કરુણ છે. મણિલાલે ૧૮૮૭ના ફેબ્રુઆરીની ૯મીએ મુંબઈમાં એમની આત્મકથા ‘આત્મવૃત્તાન્ત’ લખવાનો આરંભ કર્યો હતો અને ૧૮૮૭ના જૂનની પહેલીએ નડિયાદમાં આ લખાણનો અંત આવ્યો હતો. એમાં એમણે એમના જન્મ- સમયથી તે ૧૮૮૭ લગીનાં લગભગ ૨૮ વર્ષના પૂર્વાર્ધનું જીવન સળંગ આલેખ્યું હતું. એમની હસ્તપ્રતમાં આ લખાણનાં કુલ ૯૫ પાનાં છે. એમણે આ લખાણનો અંત આવ્યો તે જ દિવસથી એટલે કે ૧૮૮૭ના જૂનની પહેલીથી ૧૮૯૫ના ઑગસ્ટની ૨૨મી લગી, એટલે કે ૧૮૮૭થી ૧૮૯૫ લગીનાં લગભગ ૯ વર્ષના ઉત્તરાર્ધનું જીવન નોંધો રૂપે આલેખ્યું હતું. એની હસ્તપ્રતમાં કુલ ૨૭ નોંધો છે. એમણે આ નોંધો મુખ્યત્વે નડિયાદ તથા મુંબઈ, વડોદરા, ભાવનગર અને પાટણ એમ વિવિધ સ્થળે અને વિવિધ સમયે લખી હતી. પછી એમણે ૧૮૯૫ના ઑગસ્ટની ૨૨મીથી ૧૮૯૮ના ઑક્ટોબરની પહેલીએ એમનું અવસાન થયું ત્યાં લગીના લગભગ ત્રણ વર્ષ અને સવા માસ દરમિયાનના સમયની નોંધો લખી નથી. લખી હોય તો એની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. સંભવ છે કે અસ્વસ્થ સ્વાસ્થ્યને કારણે અથવા કોઈ અંગત કે બિન-અંગત કારણે લખી જ ન હોય. ૧૮૯૦માં આનંદશંકર અને મણિલાલનું પ્રથમ મિલન થયું હતું. ત્યારથી તે ૧૮૯૮માં મણિલાલનું અવસાન થયું ત્યાં લગીનાં ૮ વર્ષોમાં આનંદશંકર અને મણિલાલનો મિત્ર-ગુરુનો અંગત અને આત્મીય સંબંધ થયો હતો. એથી ૧૮૯૮માં મણિલાલના અવસાન પછી ૧૯૩૧ લગી એટલે કે ૩૩ વર્ષ લગી ‘આત્મવૃત્તાંત’ની હસ્તપ્રત આનંદશંકરને હસ્તક હતી. આનંદશંકરે એમના રૂઢિગ્રસ્ત માનસને કારણે આટલા દીર્ઘ સમય સુધી ‘આત્મવૃત્તાંત’ પ્રગટ કરવાનું ક્યારેય સાહસ કર્યું ન હતું. એ વિશે એમણે મૌન ધારણ કર્યું હતું. ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ ન થયું એથી મણિલાલના જીવન વિશે અનેક અફવાઓ, અટકળો, અસત્યો પ્રચારમાં આવ્યાં હતાં. અને એથી મણિલાલને અન્યાય થતો હતો, એમની પ્રતિષ્ઠાને હાનિ થતી હતી. એથી ૧૯૨૯માં કેટલાક યુવાન સાક્ષરોએ એ પ્રગટ થાય એ માટે ઊહાપોહ કર્યો હતો. એના અનુસંધાનમાં ૧૯૩૦માં આનંદશંકરે એક પત્રમાં કહ્યું હતું, ‘એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઇષ્ટ નથી... મારા ગુર્જરબંધુઓને સંતોષવા બની શકે તો હું પ્રસિદ્ધ પણ કરું, બેશક અમુક  બલકે ઘણો ભાગ છોડી દેવાની જરૂર પડશે.’ આનંદશંકરના આ પત્રના અનુસંધાનમાં પ્રત્યાઘાત-રૂપે ૧૯૩૦માં અંબુભાઈ પુરાણીએ આમ ખંડિત પ્રકાશનને કારણે મણિલાલના જીવન વિશે અનેક અફવાઓ, અટકળો, અસત્યોને માન્યતા પ્રાપ્ત ન થાય, મણિલાલને અન્યાય ન થાય, એમની પ્રતિષ્ઠાને હાનિ ન થાય એ માટે ‘આત્મવૃત્તાન્ત’ સંપૂર્ણ સ્વરૂપે, અખંડ સ્વરૂપે, જેવું છે તેવું, આખું ને આખું પ્રગટ કરવાનો ભારે આગ્રહ કર્યો હતો. એના પરિણામે ૧૯૩૧માં આનંદશંકરે પુનરુચ્ચારણ કર્યું હતું, ‘કેટલાંક ખુલ્લાં કારણસર હું પ્રસિદ્ધ કરવા નારાજ હતો.’ પણ અંતે એમણે ‘વસંત’માં કુલ લખાણમાંથી ૮૧ પાનાં જેટલું આરંભનું લખાણ – વચમાં વચમાં કેટલાક ભાગ સિવાયનું લખાણ છ હપ્તામાં પ્રગટ કર્યું હતું. પણ પછી એમણે બાકીનું લખાણ પ્રગટ ન કર્યું. આમ, આનંદશંકરે ‘આત્મવૃત્તાન્ત’ અખંડ સ્વરૂપમાં પ્રગટ ન કર્યું તે ન જ કર્યું. ‘ગુજરાતની આ મિલકત’ પર આ કેવા પ્રકારનો અધિકાર કહેવાય  જોકે આનંદશંકરે ૧૯૩૧માં ‘વસંત’માં ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ કરવાનો આરંભ કર્યા પછી એક નોંધમાં કહ્યું હતું, ‘પ્રિય વાચક! કથાના નાયકની નૈતિક નબળાઈ જોઈ તમને તિરસ્કાર ઊપજે તો ખાતરી રાખજો કે એ તિરસ્કાર એ નાયકના આત્મતિરસ્કાર કરતાં વધે એમ નથી અને તિરસ્કારને બદલે દયાથી અને દયા કરતાં પણ ઉદાર ક્ષમાથી અને ક્ષમા કરતાં પણ મનુષ્ય તરીકેના સમભાવથી આ ચિત્ર તરફ જોતા થઈશું તો આપણો આત્મા ખરેખર એક ભૂમિકા ઉન્નતિને માર્ગે ઊંચો ચઢશે.’ વળી આનંદશંકરે ૧૯૩૧ના અંતમાં ‘વસંત’માં આ લખાણ પ્રગટ કરવાનું અધવચથી બંધ કર્યું તે પૂર્વે પણ એક નોંધમાં કહ્યું હતું, ‘આ લેખ વાંચીને વાચકની દૃષ્ટિમાં આ મહાનુભાવ પુરુષ ઊતરી પડવાને બદલે એક વેંત ઊંચે ચઢશે. આપણે સર્વે મનુષ્યો છીએ, મનુષ્યતાની સ્વાભાવિક નબળાઈઓથી ભરેલા છીએ, એમાં કોઈમાં એક પ્રકાર અધિક તો કોઈમાં બીજો, પણ સવિતાના તેજમાં આપણા દોષો મૂકી દેવાથી સર્વનું અઘમર્ષણ થઈ જાય છે.’ આમ, આનંદશંકરે પ્રાયશ્ચિત્તપૂર્વક એમના મિત્ર-ગુરુનું તર્પણ પણ કર્યું હતું. બાલાશંકરનો કાવ્યસંગ્રહ ‘ક્લાન્ત કવિ’ ૧૮૯૮માં એમના અવસાન પછી તરત જ પ્રગટ કરવાના અનેક સહૃદયોએ – મણિલાલ, કલાપી, બલવન્તરાય, ન્હાનાલાલ, રામનારાયણ અને રસિકલાલે સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા હતા છતાં સાડાચાર દાયકા પછી ૧૯૪૨માં ઉમાશંકર દ્વારા પ્રગટ થયો હતો. મણિલાલની આત્મકથા ‘આત્મવૃત્તાન્ત’ ૧૮૯૮માં એમના અવસાન પછી એને પ્રગટ ન કરવાનો એમના સહૃદય આનંદશંકરે સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો હતો. એની હસ્તપ્રત આનંદશંકરને હસ્તક હતી એથી ૧૯૩૧ લગી, ૩૩ વર્ષ લગી તે હસ્તપ્રતમાં જ રહ્યું હતું. પછી ૧૯૩૦માં કેટલાક યુવાન સાક્ષરોએ ઊહાપોહ કર્યો હતો એના પ્રભાવથી ૧૯૩૧માં આનંદશંકર દ્વારા એમના ‘વસંત’ માસિકમાં ૬ હપ્તામાં અપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયું હતું. પછી ૧૯૭૯માં મણિલાલનાં જીવન અને સાહિત્યના અઠંગ અભ્યાસી ધીરુભાઈ ઠાકર દ્વારા સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયું હતું. ૧૯૩૦માં એક પત્રમાં આનંદશંકરે ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ ન કરવાના એમના સંનિષ્ઠ પ્રયત્ન અંગે ત્રણ કારણોનો ઉલ્લેખ કર્યો છે. ‘આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quinceyનાં ‘Confessions’ જેવું કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી.’ ૨. ‘એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઇષ્ટ નથી.’ ૩. ‘આ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એવું નથી, બલકે સાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ.ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી.’ આ ત્રણમાંથી એક પણ કારણ પ્રતીતિજનક નથી. મણિલાલનું ‘આત્મવૃત્તાન્ત’ દ કવીન્સી કે ગાંધીજીની આત્મકથાના પ્રકારનું બિલકુલ હોય જ નહિ. કોઈ પણ મનુષ્યની આત્મકથા અન્ય કોઈપણ મનુષ્યની આત્મકથાના પ્રકારની હોય જ નહિ. મણિલાલની આત્મકથામાં મણિલાલની જ મુદ્રા હોય. વિદ્યમાન કે સદ્ગત સ્ત્રી-પુરુષો સંબંધી કથન હોય એથી વિદ્યમાનો કે સદ્ગતોને કોઈ હાનિ ન હોય. સદ્ગતોને એ કથનથી કોઈ હાનિ ન હોય, કારણ કે તેઓ તો પ્રણાલીગત પ્રાર્થના પ્રમાણે પરમ શાંતિ પામ્યા હોય. વિદ્યમાનોને પણ એ કથનથી કોઈ હાનિ ન હોય, એમને તો લાભ જ હોય, કારણ, એ કથન સાથે તેઓ સહમત હોય તો એમને આત્મનિરીક્ષણ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય અને સહમત ન હોય તો એમને એ કથનોમાં જે કોઈ અણસમજ કે ગેરસમજ હોય તે દૂર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. આ કથન સિવાયના ભાગમાં મણિલાલની અનુપમ શૈલી છે. સાહિત્યદૃષ્ટિએ શૈલીનું મહત્ત્વ અને મૂલ્ય છે. અને આ તો મણિલાલ જેવા ગદ્યના એક સમર્થ સર્જકનું ગદ્ય છે. એથી એનું તો સવિશેષ મહત્ત્વ અને મૂલ્ય છે. એ જ પત્રમાં આનંદશંકરે વધુમાં લખ્યું છે, ‘અને સ્વ. મણિલાલ જેવા ગદ્યશૈલીના લખનાર – તેમના જેવી ગદ્યશૈલી તેમની પૂર્વે અને એમની પછી હજી સુધી કોઈ લખી શક્યું નથી – એમનો લેખ વાંચવા ગુજરાત ઉત્સુક હોય એ સ્વાભાવિક છે’, તો એ ગુજરાતે વાંચવા જેવું નહિ  તો એથી ગુજરાતને લાભ નહિ  પૂર્વોક્ત કથનમાં તો સાહિત્યદૃષ્ટિએ કે અન્ય કોઈ દૃષ્ટિએ ગુજરાતને વાંચવા જેવું કંઈ નથી. સાહિત્યદૃષ્ટિએ અને જીવનદૃષ્ટિએ જે કંઈ વાંચવા જેવું છે તે તો એ કથન સિવાયનો જે કંઈ ભાગ છે તે જ છે. એ ભાગથી તો સમગ્ર ગુજરાતને લાભ જ થાય કારણ કે એ ભાગમાં જ ‘આત્મવૃત્તાંત’નો આત્મા છે, એનું હાર્દ છે. એમાં મણિલાલનો જ્ઞાનની શોધ અને પ્રેમની ખોજ માટેનો પરિશ્રમ અને પુરુષાર્થ છે. જ્ઞાનની શોધમાં મણિલાલ સફળ રહ્યા હતા. પ્રેમની ખોજમાં એ નિષ્ફળ રહ્યા હતા. વળી મણિલાલ તો અભેદ માર્ગના પ્રવાસી. જ્ઞાન અને પ્રેમનો અભેદ સિદ્ધ કરવાની, એ અભેદનો અનુભવ કરવાની મણિલાલના જીવનની સૌથી મહાન મહત્ત્વાકાંક્ષા હતી. આ મહત્ત્વાકાંક્ષા ચરિતાર્થ કરવામાં એ નિષ્ફળ રહ્યા હતા. મણિલાલના જીવનની આ સૌથી મોટી કરુણ નિષ્ફળતા હતી. ‘આત્મવૃત્તાન્ત’માં જ્ઞાન અને પ્રેમ વચ્ચેના, મન અને દેહ વચ્ચેના, બુદ્ધિ અને હૃદય વચ્ચેના તીવ્રતમ સંઘર્ષનું આલેખન છે. આવા આલેખનનું તો ‘આત્મવૃત્તાન્ત’માં કે કોઈ પણ આત્મકથામાં માત્ર સાહિત્યદૃષ્ટિએ જ નહિ, જીવનદૃષ્ટિએ પણ મહત્ત્વ અને મૂલ્ય છે. એ જ પત્રમાં આનંદશંકરે વધુમાં લખ્યું છે, ‘હું હવે જોઉં છું કે એ લેખ અપ્રસિદ્ધ રાખવાથી પણ નકામી શંકાઓ ઉત્પન્ન થાય છે.’ આનંદશંકરે ૧૮૯૮માં મણિલાલના અવસાન પછી તરત જ એટલે કે ૧૯૩૦ના આ પત્રના ૩૨ વર્ષ પૂર્વે આ જોયું હોત તો એમણે ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ ન કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન ન કર્યો હોત. તો મણિલાલના જીવન વિશે નકામી શંકાઓ ઉત્પન્ન ન થાત. અને પત્રને અંતે એમણે લખ્યું છે, ‘આ સ્થિતિમાં મને વિચાર થાય છે કે ઉક્ત લેખ શોધી કાઢી હું ફરી એક વાર વાંચી જાઉં અને મારા ગુર્જરબંધુઓને સંતોષવા બની શકે તો હું પ્રસિદ્ધ પણ કરું. બેશક અમુક – બલકે ઘણો ભાગ છોડી દેવાની જરૂર પડશે.’ અને પછી, આ પત્ર પ્રગટ થયા પછી અંબુભાઈ પુરાણીએ ‘આત્મવૃત્તાન્ત’ અપૂર્ણ સ્વરૂપમાં નહિ, પણ સંપૂર્ણ સ્વરૂપમાં જ પ્રગટ થવું જોઈએ એવો ભારે આગ્રહ કર્યો હતો. છતાં આનંદશંકરે ‘આત્મવૃત્તાન્ત’ અપૂર્ણ સ્વરૂપમાં જ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એથી મણિલાલના જીવન વિશે નકામી શંકાઓ ઉત્પન્ન થાય એવો અવકાશ રહ્યો હતો. વળી કોઈપણ ચરિત્રકાર મણિલાલનું પ્રમાણભૂત અને વિશ્વસનીય જીવનચરિત્ર રચી જ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને ૧૯૩૧માં આનંદશંકરે ‘આત્મવૃત્તાન્ત’ એમના ‘વસંત’ માસિકમાં ૬ હપ્તામાં અપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કર્યું ત્યારે તેમણે ‘પ્રાસંગિક નોંધ’માં લખ્યું છે, ‘કેટલાંક ખુલ્લાં કારણસર પ્રસિદ્ધ કરવા હું નારાજ હતો.’ પણ પછી એમણે એમાં અંતે લખ્યું છે, ‘પ્રિય વાચક! કથાના નાયકની નૈતિક નબળાઈ જોઈ તમને તિરસ્કાર ઊપજે તો ખાતરી રાખજો કે એ તિરસ્કાર એ નાયકના આત્મતિરસ્કાર કરવાં વધે તેમ નથી અને તિરસ્કારને બદલે દયાથી અને દયા કરતાં પણ ઉદાર ક્ષમાથી અને ક્ષમા કરતાં પણ મનુષ્ય તરીકેના સમભાવથી આ ચિત્ર તરફ જોતા થઈશું તો આપણો આત્મા ખરેખર એક ભૂમિકા ઉન્તનિને માર્ગ ઊંચો ચઢશે.’ આનંદશંકર ‘આત્મવૃત્તાંત’ પ્રસિદ્ધ કરવા નારાજ હતા કેટલાંક ખુલ્લાં કારણસર. એ ‘કેટલાંક ખુલ્લાં કારણ’ તો જે હોય તે. પણ આ નોંધનાં અંતિમ ઉદ્બોધનોમાં સ્પષ્ટ સૂચન છે તેમ તેઓ એક ખાનગી કારણસર ‘આત્મવૃત્તાંત’ પ્રસિદ્ધ કરવા નારાજ હશે. અને તે કારણ છે ‘કથાના નાયકની નૈતિક નબળાઈ.’ અન્ય શબ્દોમાં કથાના નાયકના અનેક સ્ત્રીઓ સાથેના જાતીય સંબંધો, જેને જોઈ પ્રિય વાચકને તિરસ્કાર ઊપજે, જેને કારણે કથાના નાયકમાં આત્મતિરસ્કાર હતો, જેને તિરસ્કારથી નહિ પણ દયા, ક્ષમા અને સમભાવથી જોવાનો અનુનય કરવામાં આવ્યો છે. આનંદશંકરે ૩૩ વર્ષ લગી ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ ન કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો હતો અને જ્યારે પ્રગટ કર્યું ત્યારે અપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કર્યું અને અંતે આઠ દાયકા પછી સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયું એમાં સૌથી વધુ હાનિ અને અન્યાય કોને થયાં  મણિલાલને. મણિલાલના અવસાન પછી તરત પ્રગટ થયું હોત તો ‘પ્રિય વાચક’ને તો લાભ અને ન્યાય થાત, પણ સૌથી વધુ લાભ અને ન્યાય તો મણિલાલને થાત. મણિલાલે તો ‘આત્મવૃત્તાન્ત’ના આરંભે જ સૂચન કર્યું છે કે ‘આત્મવૃત્તાન્ત’ એ એમનું આત્મસંભાષણ છે, એમની auto-talk છે. એનો હેતુ આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ છે. આ એમની ગુપ્ત ગોપનકથા છે. પણ એમણે એ પણ સૂચન કર્યું છે કે એમના અવસાન પછી એ પ્રગટ થાય એવી એમની ઇચ્છા છે. એમણે પ્રથમ પૃષ્ઠ પર જ લખ્યું છે, ‘આ મારાં કાગળિયાંમાં જ મને વધારે સંતોષ મળશે અને હું હવે પછી થતા નિષ્પક્ષપાત સજ્જનો આગળ મારી ફરિયાદ કરી શકીશ એમ મને વારંવાર થતું. આ કાગળો કોઈને હાથ જશે કે નહિ એ પણ શંકાની વાત છે. પણ મેં આજ સુધી જે જે લખ્યું છે તથા કર્યું છે તેની છાપ ગુજરાતમાં મને જે અંશે પડેલી લાગે છે તે અંશ પરથી વિચારતાં જરૂર આ કાગળોનો પણ કોઈ શોધક ખપ કરશે એવી આશા હૃદયમાંથી મને ઉત્તેજન આપે છે.’ વળી એમણે લખ્યું છે, ‘આ લખવામાં મારા ગુણનું બ્યાન કરી, દોષ ઉપર ઢાંકપિછોડો કરવાનો હેતુ નથી.’ એમના અવસાન પછી તરત જ ‘આત્મવૃત્તાંત’ પ્રગટ થયું હોત તો એમની ઇચ્છાને માન આપી શકાયું હોત. મણિલાલ જે જીવ્યા, એમણે જે કર્યું, એમણે જે લખ્યું એમાં એમનો કોઈ ઢાંકપિછોડો ન હતો. તો પછી એમના અવસાન પછી ૩૩ વર્ષ પછી પણ ‘આત્મવૃત્તાન્ત’ એના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ ન કરવામાં ઢાંકપિછોડો શા માટે  આ સમગ્ર દુર્ભાગ્યપૂર્ણ પ્રકરણમાં સમકાલીન સમાજનું – અને આનંદશંકરનું પણ – રૂઢિગ્રસ્ત માનસ અને સંકુચિત નૈતિક મૂલ્ય પ્રગટ થાય છે. ૧૯૫૮માં ધીરુભાઈ ઠાકર પરના એક પત્રમાં અંબુભાઈ પુરાણીએ સખેદ એને ‘આનંદશંકર ધ્રુવની હઠીલાઈ’ કહી છે. ૧૯૩૦માં અંબુભાઈ પુરાણી મણિલાલના જીવનચરિત્ર માટે સામગ્રી એકત્ર કરી રહ્યા હતા ત્યારે બલવન્તરાયે અંબુભાઈ પુરાણી પરના એક પત્રમાં આનંદશંકર વગેરેની બુદ્ધિને ‘સ્ત્રીલિંગી બુદ્ધિઓ’ કહી છે. આ પ્રકરણ પછી, લગભગ ત્રણ દાયકા પછી, ૧૯૫૮માં મણિલાલની જન્મશતાબ્દી પ્રસંગે ઉમાશંકરે એમને અંજલિ અર્પણ કરી હતી. ૧૯૭૯માં ‘આત્મવૃત્તાન્ત’ સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયું હતું. એથી આ સમયે ‘આત્મવૃત્તાન્ત’ સાદ્યંત એમની સમક્ષ હતું. એથી એમણે એમની અંજલિમાં આરંભે જ કહ્યું હતું, ‘એમનું ઐહિક જીવન એવું અસાધારણ કલુષિત અને કરુણ હતું કે એમના અક્ષરદેહ ઉપર જ આપણે આંખ ઠેરવીએ એ ઉચિત છે.’ આનંદશંકરે જેમ ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ ન કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમ ઉમાશંકરે પણ મણિલાલનું ઐહિક જીવન એવું અસાધારણ કલુષિત અને કરુણ છે એથી એની પર આંખ ન ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો – બલકે એમણે એની પરથી આંખ ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. પછી ૧૯૭૨-૧૯૮૧માં ‘સપ્તપદી’માં ‘દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત’ એમ દુરિત પર આંખ ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ૧૯૫૮માં તો એમને દુરિત પર આંખ ઠેરવવાનું નહિ પણ દુરિત પરથી આંખ ફેરવવાનું ઉચિત લાગ્યું હતું. એમાં ગાંધીવાદી સમાજનું – અને ઉમાશંકરનું પણ – રૂઢિગત માનસ અને સંકુચિત નૈતિક મૂલ્ય પ્રગટ થાય છે. ફ્રેન્ચ કવિ બોદલેર દુરિતના કવિ હતા. એમના એકમાત્ર કાવ્યસંગ્રહનું શીર્ષક ‘દુરિતનાં પુષ્પો’ (Les Fleurs du Mal) છે. એ મણિલાલની જેમ શાપિત આત્મા હતા. એમનું કલુષિત અને કરુણ જીવન હતું. પણ ફ્રેન્ચ પ્રજા એમના એ કલુષિત અને કરુણ જીવનને અપાર અનુકંપાથી જુએ છે. ઈ. પૂ. પહેલી સદીમાં રોમન કવિ વર્જિલે એમનું મહાકાવ્ય ‘ઈનીડ’ ૧૧ વર્ષના દીર્ઘ સમયમાં રચ્યું હતું. આયુષ્યનાં અંતિમ વર્ષોમાં એમને એનાથી અસંતોષ હતો એથી ત્રણેક વર્ષ લગી એમને એ પરિષ્કૃત કરવું હતું. ઈ. પૂ. ૧૯માં તેઓ ગ્રીસના પ્રવાસે હતા ત્યારે ‘ઈનીડ’ની હસ્તપ્રત એમની સાથે હતી. મેગોરા નગરમાં ગ્રીષ્મના પ્રખર તાપને કારણે એમને તાવ આવ્યો હતો. ઈટલી પાછા ફરી રહ્યા હતા ત્યારે બ્રુન્ઝિસિયમમાં ઈ. પૂ. ૧૯ના સપ્ટેમ્બરની ૨૧મીએ એમનું અવસાન થયું હતું. મૃત્યુશય્યા પર હતા ત્યારે ‘ઈનીડ’ની હસ્તપ્રતનો નાશ કરવાની ઇચ્છા હતી. એમને હસ્તપ્રત આપવામાં આવી ન હતી એથી એમણે વિલ કર્યું હતું અને એમાં એમણે એમના વારસોને ‘ઈનીડ’ની હસ્તપ્રતનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો. છતાં એમના મિત્ર-શિષ્ય સમ્રાટ ઑગસ્ટસે એમની અંતિમ ઇચ્છાને માન આપ્યું ન હતું અને એમના અવસાન પછી તરત જ ‘ઈનીડ’ મહાકાવ્ય કોઈ પણ પાઠાંતર વિના પ્રગટ કર્યું – કરાવ્યું હતું. આ લખાય છે ત્યારે ‘આત્મવૃત્તાન્ત’ના સંદર્ભમાં આ વિરલ ઘટનાનું સહેજે સ્મરણ થાય છે. મણિલાલને એમના અવસાન પછી ‘આત્મવૃત્તાન્ત’ પ્રગટ થાય તેવી ઇચ્છા હતી છતાં એ ઇચ્છાને માન ન આપ્યું અને આઠ દાયકાના દીર્ઘ સમય લગી એ એના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ ન થયું. અર્વાચીન ગુજરાતી સાહિત્યના અને સમાજજીવનના ઇતિહાસનું આ એક દુર્ભાગ્યપૂર્ણ પ્રકરણ છે. ભારતમાં અંગ્રેજોનું આગમન એ જાણે કે વિધાતાનો સંકેત હતો. એને કારણે તો પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું મિલન થયું અને એમાંથી એક વૈશ્વિક સંસ્કૃતિની શક્યતાનું નિર્માણ થયું. આપણે તો અંગ્રેજના દેશમાં જવાના ન હતા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મહીપતરામ અને મોહનદાસ જેવા જે અલ્પસંખ્ય ગુજરાતીઓ અંગ્રેજોના દેશમાં ગયા એમનો તો આપણે બહિષ્કાર કર્યો હતો. અંગ્રેજોના આગમનથી આપણને માત્ર અંગ્રેજોની જ સંસ્કૃતિનો નહિ, પણ જે સંસ્કૃતિનો એ અંતર્ગત અંશ હતી તે પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય થયો. પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ એ ૧૬મી સદીના Renaissance – પુનરુત્થાનની – વિજ્ઞાનવાદી, ભૌતિકવાદી, ધર્મનિરપેક્ષવાદી, બિનસાંપ્રદાયિકતાવાદી, ઉદારમતવાદી, સમાનતાવાદી, માનવતાવાદી એવા એક મહાન બૌદ્ધિક આંદોલનની સરજત છે. ૧૯મી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજી શાસનનો આરંભ થયો. પરિણામે આપણા બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં આ પુનરુત્થાનની સંસ્કૃતિનાં – સવિશેષ તો એનાં લોકશાહી સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયનાં – મૂલ્યોના પ્રબળ પ્રભાવનો આપણને અનુભવ થયો. અને આપણા પ્રથમ નવજાગૃતિના યુગનો આરંભ થયો. સૌ પ્રથમ તો આપણા જીર્ણશીર્ણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓના વિરૂપ અને વિકૃત સ્વરૂપનું આપણને ભાન થયું. આપણે એક નિર્મૂલ પ્રજા છીએ એનું આપણને જ્ઞાન થયું. એથી આપણે આપણા બાહ્યજીવનમાં સામાજિક સુધારણાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ સમયને આપણે ‘સુધારાયુગ’, ‘સંક્રાન્તિયુગ’ એવું નામ આપ્યું છે. આ આપણી પ્રથમ નવજાગૃતિનો પ્રથમ તબક્કો હતો. ૧૮૫૭માં અંગ્રેજોના રાજકીય શાસનનો આરંભ થયો કે તરત જ પુનરુત્થાનની પરંપરાની, પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સરજત એવી યુનિવર્સિટીઓની મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં સ્થાપના કરવામાં આવી હતી. એમાં આપણા સંવેદનશીલ તેજસ્વી નવયુવાનોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો એમને પરિચય થયો. એને પરિણામે આપણને આપણી અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ અધમ હતું એનું ભાન થયું. સાથેસાથે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હતું એનું પણ ભાન થયું. પશ્ચિમના વિદ્વાનોએ પ્રાચીન ભારતના સાહિત્યની સમૃદ્ધિને અંજલિ અર્પી હતી એની પ્રેરણાથી અને એ દ્વારા આ નવશિક્ષિતોમાં એમના આ ભવ્ય વારસા પ્રત્યે સભાનતા પ્રેરી હતી એની સહાયથી આપણા આ નવશિક્ષિતોએ ભારતના આત્માની શોધનો, ભારતીયતાની ખોજનો આરંભ કર્યો. એમણે પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનું, પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાનું અધ્યયન અને અધ્યાપન કર્યું, એનું મનન-ચિંતન કર્યું. એમણે આપણા આંતરજીવનમાં સૂક્ષ્મ આધ્યાત્મિક સુધારણાનો, ભારતીય માનસને સ્વકીય સંસ્કૃતિમાં દૃઢમૂલ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ પુરુષાર્થ એક પરાધીન પ્રજા માટે આધ્યાત્મિક આશ્વાસનરૂપ હતો. આ સ્વમાન અને સ્વાભિમાનનો, આત્મસ્થાપના અને આત્મનિર્ભરતાનો પુરુષાર્થ હતો. સાથેસાથે એમણે પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ અને એના સાહિત્યને આત્મસાત્ કરવાનો પણ એવો જ પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમણે પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે કંઈ ઉત્તમ હતું એનો સમન્વય કર્યો. આ સમયને આપણે ‘સાક્ષરયુગ’ – ‘સમન્વયયુગ’ એવું નામ આપ્યું છે. આ આપણી પ્રથમ નવજાગૃતિનો બીજો તબક્કો હતો. આ બંને તબક્કાઓમાં પ્રથમ નવજાગૃતિનો સૌપ્રથમ લાભ ભાષા અને સાહિત્યને પ્રાપ્ત થયો. ભાષાનું પ્રફુલ્લન-ફલન થયું. સાહિત્યમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવ્યું. ગદ્ય અસ્તિત્વમાં આવ્યું. એમાં નિબંધ અને નવલકથાનું સ્વરૂપ સિદ્ધ થયું. આ સમયમાં અસંખ્ય ચિંતનાત્મક નિબંધો અને મહાકાવ્ય સમી નવલકથા આપણને પ્રાપ્ત થયાં.. કવિતામાં પરંપરાથી સંપૂર્ણ વિચ્છેદ થયો. મધ્યકાલીન કવિતામાં વસ્તુવિષયરૂપે એકમાત્ર ધર્મ હતો. આ સમયમાં કવિતાસમેત સમગ્ર સાહિત્ય એક ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિરૂપે પ્રતિષ્ઠિત થયું. કવિતામાં સમકાલીન જિવાતા જીવનના સામાજિક અને આધ્યાત્મિક વસ્તુવિષયનું બાહુલ્ય પ્રગટ થયું. પ્રેમ અને પ્રકૃતિનો એક સ્વતંત્ર વસ્તુવિષય-રૂપે સ્વીકાર-પુરુસ્કાર થયો. પરલોકના જીવનની નહિ પણ ઇહલોકના જીવનની, બોધલક્ષી નહિ પણ રસલક્ષી કવિતાનું સર્જન થયું. કવિનું મુક્ત વ્યક્તિત્વ સિદ્ધ થયું. એથી રંગદર્શિતાની આત્મલક્ષી સ્વાનુભવની ઊર્મિકવિતાનું સર્જન થયું. જોકે મધ્યકાલીન કવિતાની જેમ આ કવિતામાં પણ કવિનું રસવિશ્વ સાંકડું રહ્યું, કારણ કે એમાં કથાકાવ્ય કે મહાકાવ્યની કથનાત્મક કવિતા કે પદ્યનાટકની નાટ્યાત્મક કવિતાનું સર્જન ન થયું. આ ઊર્મિકવિતા સ્તોત્ર, ખંડકાવ્ય, સૉનેટ આદિ નવીન સ્વરૂપોમાં અને માત્રામેળ છંદોમાં નહિ પણ મિશ્ર અને પ્રવાહી એવા અક્ષરમેળ છંદોમાં રચવામાં આવી હતી. અક્ષરમેળ છંદો માટેનો આ પક્ષપાત એ ગુજરાતી કવિતાની એક વિરલ સિદ્ધિ છે, ભારતની કોઈપણ ભાષાની કવિતામાં નથી એવી સિદ્ધિ છે. ૧૮૭૨-૭૩માં નડિયાદમાં મણિલાલ અને બાલાશંકર આદિ મિત્રમંડળે ‘સ્વસુધારક સભા’ અને ‘પ્રાર્થનાસમાજ’ની સ્થાપના કરી હતી. એમાં મણિલાલ સક્રિય હતા. પછી ૧૮૮૨માં મુંબઈમાં ‘ગુજરાતી સોશિયલ યુનિયન’માં પુનર્લગ્ન વિશે ચર્ચાઓમાં પણ એ સક્રિય હતા. એ જ વરસમાં એ થિયૉસોફિકલ સોસાયટીના સભ્ય થયા હતા અને જડવાદ વિરુદ્ધ ચૈતન્યવાદની ચર્ચામાં અને પ્રાણવિનિમયના પ્રયોગોમાં પણ એ સક્રિય હતા. આ સમયમાં અંગ્રેજોના આગમન અને શાસન પછી ભારતભરમાં પૂર્વ અને પશ્ચિમની વચ્ચે, પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સંઘર્ષ થયો હતો. પૂર્વનો પ્રાચીન ધર્મ અને પશ્ચિમનો અર્વાચીન ધર્મ, પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ અને પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિ અંગે વાદ-વિવાદ અને સંવાદનું વાતાવરણ સર્જાયું હતું. એના કેન્દ્રમાં પૂર્વ-ભારતમાં રવીન્દ્રનાથ હતા અને પશ્ચિમ-ભારતમાં મણિલાલ હતા. પરધર્મ અને પરસંસ્કૃતિના આ આક્રમણ પ્રત્યે હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિના રક્ષણ અર્થે ત્રણ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકાર હતા  પરધર્મ અને પરસંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત અને હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ, પરધર્મ અને પરસંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ અને હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત, પરધર્મ અને પરસંસ્કૃતિ તથા હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિનો સમન્વય. પ્રથમ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકો હતા રમણભાઈ અને મલબારી, બીજા પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારક હતા મણિલાલ, ત્રીજા પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકોે હતા ગોવર્ધનરામ અને આનંદશંકર. આ સંઘર્ષમાં તથા વાદ-વિવાદ અને સંવાદના આ વાતાવરણમાં ચાર સંસ્થાઓ સક્રિય હતી. સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ અને થિયૉસોફિકલ સોસાયટી. પ્રત્યેકને સુધારા અંગેના પોતપોતાના વિચારો હતા. એમાંથી મણિલાલને પ્રાર્થનાસમાજ અને એના અગ્રણી સુધારક રમણભાઈ સાથે તીવ્ર સંઘર્ષ અને વાદવિવાદ થયો હતો. એમાં બાળલગ્ન, સ્ત્રીકેળવણી, જ્ઞાતિબંધન અંગે મણિલાલ અને રમણભાઈ વચ્ચે કોઈ સંઘર્ષ કે વાદવિવાદ ન હતો. સુધારાના કેન્દ્રમાં હતું લગ્ન. એથી પુનર્લગ્ન અથવા વિધવાવિવાહ અંગે એમની વચ્ચે તીવ્ર સંઘર્ષ અને વાદવિવાદ થયો હતો. મણિલાલે ધર્મ અને સંસ્કૃતિનો, સુધારાનો હિંદુધર્મના સંદર્ભમાં અને અદ્વૈતના સિદ્ધાંતના સંદર્ભમાં વિચાર કરવાનો પુરુષાર્થ કર્યો હતો. ધર્મ એટલે જીવનનું ધ્યેય, પ્રયોજન, જીવનનો હેતુ, ઉદ્દેશ. એનો નિર્ણય થાય પછી જ આચાર અથવા કર્તવ્યનો, સાધનનો નિર્ણય થાય. રમણભાઈનો સુધારો એ પશ્ચિમના જડવાદનું, બુદ્ધિવાદનું, દ્વૈતનું બાળક છે એવી મણિલાલની માન્યતા હતી. પશ્ચિમમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ભિન્નભિન્ન છે, એમનું દ્વૈત છે, જ્યારે ભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અભિન્ન છે, એમનું અદ્વૈત છે. એથી પશ્ચિમના પ્રભાવને કારણે ધર્મમાં વિકૃતિ આવી છે એવી મણિલાલને પ્રતીતિ હતી. એકમાત્ર હિન્દુધર્મ જ, માત્ર અદ્વૈત જ સર્વમાન્ય થવાને પાત્ર છે, જગતના સૌ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ છે એવી મણિલાલની શ્રદ્ધા હતી. એથી એમણે ભારતમાં અને પશ્ચિમમાં ધર્મનું સત્ય સ્વરૂપ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન – બલકે પ્રચાર કર્યો. ૧૮૮૫માં ‘પ્રિયંવદા’ અને ‘નારીપ્રતિષ્ઠા’, ૧૮૮૮માં ‘પ્રાણવિનિમય’, ૧૮૮૯માં ‘સિદ્ધાંતસાર’, ૧૮૯૦માં ‘સુદર્શન’ આદિ સામયિકો અને ગ્રંથો દ્વારા એમણે ભારતના સમાજના સામાન્યજનો અને શિક્ષિતજનો સમક્ષ ધર્મનું રહસ્યોદ્ઘાટન કર્યું. અંગ્રેજી ગ્રંથો, નિબંધો, વ્યાખ્યાનો, સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજી અનુવાદો આદિ દ્વારા એમણે પશ્ચિમના સમાજ સમક્ષ હિંદુધર્મની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો. મણિલાલ અને રમણભાઈમાં સંઘર્ષ અને વાદવિવાદને કારણે ક્યારેક પક્ષપાત છે, પ્રચારકતા છે. એટલે અંશે બંનેમાં સત્યશોધક વૈજ્ઞાનિક દૃષ્ટિ નથી. મણિલાલે પ્રાચીનનું નવીન અર્થઘટન કર્યું છે. રમણભાઈએ પ્રાચીનનું ખંડન કર્યું છે. મણિલાલની દૃષ્ટિએ રમણભાઈનો ધર્મ એ જડવાદ છે તો રમણભાઈની દૃષ્ટિએ મણિલાલનો ધર્મ એ રૂઢિવાદ છે. બંનેમાં વારંવાર ધર્મનું સ્વરૂપ નહિ પણ ધર્મની નિમ્ન કક્ષાનું એટલે કે સંપ્રદાયનું સ્વરૂપ પ્રગટ થાય છે. ગોવર્ધનરામ અને આનંદશંકરે આ સંઘર્ષ અને વાદવિવાદની મર્યાદા જોઈ-જાણી છે, બંનેની દૃષ્ટિનો દોષ નાણ્યો-પ્રમાણ્યો છે. એથીસ્તો પછીથી એમણે પ્રાચીન અને અર્વાચીન ધર્મનો, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય અને સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો છે. ‘આત્મવૃત્તાન્ત’ એ મણિલાલની દ્વિકેન્દ્રી આત્મકથા છે. એક કેન્દ્રમાં જ્ઞાન છે, બીજા કેન્દ્રમાં પ્રેમ છે. એના પરિઘ પર છે કુટુંબ, મિત્રો, શત્રુઓ, શિક્ષણ અને સમાજ. આ આત્મકથા એ જાણે કે ‘ગુપ્ત અહેવાલ’ – Private Diary – છે. એથી એ જાણે કે મણિલાલની આંતરિક એકોક્તિ છે, મણિલાલનું આત્મસંભાષણ છે. એમાં એમણે મુખ્યત્વે પોતાને વિશે તથા અન્ય વિશે નિર્ભીક અને નિર્દંભ આલેખન કર્યું છે. એમાં એમણે એમના ગુણોનું દર્શન કર્યું છે, પણ એથી વિશેષ તો એમના દોષોનું દર્શન કર્યું છે. આરંભમાં જ એમણે લખ્યું છે, ‘આ લખવામાં મારા ગુણ વિશે કાંઈ ન બોલતાં કેટલીક હકીકત જ માત્ર આપવી... પણ દોષ વિશે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું એ મારો મુખ્ય ઉદ્દેશ છે... માણસમાત્ર દોષગ્રસ્ત છે. હું પણ માણસ છું... જન્મથી માણસ પૂર્ણ હોતું નથી. ધીમેધીમે તેનામાં રહેલા અંકુર ખીલતે તે પૂર્ણ બને છે. તેમાં પણ વિચારવંત માણસો આત્મનિરીક્ષણ અથવા પોતાના અંતરની સૂક્ષ્મ તપાસ રાખવાથી ઘણે અંશે જલદી આત્મકલ્યાણ સાધવાને યોગ્ય થાય છે.’ બૉદલેરે પણ લગભગ આવું જ વિધાન કર્યું છે, ‘Man is naturally bad. If he is good it is so because of his own efforts.’ મનુષ્ય પ્રકૃતિથી નરસો છે. એ સરસો થાય છે તે તો એના સ્વપ્રયત્નથી. આ આત્મકથામાં મણિલાલનો જે ગુણ એટલે કે જ્ઞાન છે તે વિશે તો માત્ર હકીકતોનું નર્યું કથન જ છે. પણ એમનામાં જે દોષ છે, દૂષણ છે, દુરિત છે, કુત્સિત છે, કુરૂપ છે, કલુષિત છે એટલે કે પ્રેમ – બલકે કામ, મોહ, વિષયવાસના, દેહાસક્તિ છે એનું તો નિષ્ઠુર અને નિર્દય નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું છે, નિ:શેષ વિશ્લેષણ કર્યું છે. એમાં કોઈ આત્મવંચના કે આત્મપ્રતારણા નથી, છે માત્ર આત્મનિંદા કે આત્મભર્ત્સના, છે કેવળ અપરાધવૃત્તિનો એકરાર. એ વિશે તેઓ તીવ્રપણે સભાન છે. આ સભાનતા, આ આત્મજ્ઞાન એ જ આધ્યાત્મિકતા. આ સભાનતાને કારણે જ મનુષ્યમાં નિખાલસતા અને નિર્દોષતા છે, પાપીમાં પાપી મનુષ્યને માટે આશા છે. આ આત્મજ્ઞાનને કારણે જ મનુષ્ય સમભાવ અને સહાનુભૂતિને પાત્ર છે, અનુકંપા અને કરુણાને પાત્ર છે. એને કારણે જ આ આત્મકથામાં કરુણ નાટકમાં હોય એવો સંઘર્ષ છે. એથી આ આત્મકથા મણિલાલની આધ્યાત્મિક આત્મકથા છે. આયુષ્યના આરંભથી તે અંત લગી, સતત જીવનભર મણિલાલને સંસારની આ મરુભૂમિમાં પ્રેમમાં મૃગજળનો અનુભવ થયો હતો અને જ્ઞાનમાં કલ્પદ્વીપનો અનુભવ થયો હતો. મણિલાલનાં જીવન અને સાહિત્યના અઠંગ અભ્યાસી ધીરુભાઈ ઠાકરે મણિલાલના આ જ્ઞાન અને પ્રેમના અનુભવ વિશે મણિલાલ અને અન્ય સમકાલીન વ્યક્તિઓનાં પાત્રો દ્વારા એક નાટક રચ્યું છે. એના શીર્ષકમાં એમણે જે કલ્પન યોજ્યું છે એ કલ્પન યોજીને કહેવું હોય તો મણિલાલમાં જ્ઞાન એ ઊંચો પર્વત છે અને પ્રેમ એ ઊંડી ખીણ છે. મણિલાલ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, પ્રખર વિદ્વાન હતા. હિન્દુ- ધર્મ અને ભારતીય સંસ્કૃતિના એમના જ્ઞાનને કારણે એમની કીર્તિ માત્ર ગુજરાતમાં જ નહિ, માત્ર ભારતમાં જ નહિ, વિશ્વભરમાં વ્યાપી હતી. ગુજરાતીમાં આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરનાર એ પ્રથમ વ્યક્તિ હતા. એ પૂર્વે અને એ પછી આજ લગી કોઈ ગુજરાતીએ આવી કીર્તિ પ્રાપ્ત કરી નથી. એમના જ્ઞાનથી પ્રભાવિત એવા વિવેકાનંદ એમનાં દર્શને એમને ઘરે આવ્યા હતા. યુરોપ, અમેરિકા અને ઇંગ્લૅન્ડથી પરિષદોમાં ઉપસ્થિત થવા એમને એકાધિક વાર આમંત્રણ પ્રાપ્ત થયું હતું. પણ દ્રવ્ય અને સ્વાસ્થ્યના અભાવને કારણે તેઓ એકે પરિષદમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. પણ એમણે હિન્દુધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિશે નિબંધો રજૂ કર્યા હતા. એ નિબંધો અંગે વિદેશના અનેક વિદ્વાનોએ એમને પ્રશસ્તિપત્રો અને અભિનંદનપત્રો પાઠવ્યા હતા. એમના કેટલાક અંગ્રેજી ગ્રંથોનું પ્રકાશન ઇંગ્લૅન્ડમાં થયું હતું. ૧૮૭૬ લગીમાં નડિયાદમાં જ કિશોરાવસ્થામાં શાળાજીવન દરમિયાન જ એમની મનોભૂમિમાં જ્ઞાનનું બીજ વવાયું હતું. પછી ૧૮૮૧-૧૮૮૫માં મુંબઈમાં યુવાવસ્થામાં એનો અંકુર પ્રગટ્યો હતો અને પછી પ્રૌઢાવસ્થામાં આયુષ્યના અંત લગીમાં તો એ અનેક ફળફૂલથી સમૃદ્ધ એવા વિશાળ વૃક્ષરૂપે ફૂલ્યુંફાલ્યું હતું. માત્ર ૪૦ વર્ષના જીવનકાળમાં મણિલાલની આ જ્ઞાનસિદ્ધિ એક વિરલ સિદ્ધિ છે. ચોથા ધોરણમાં હતા ત્યારે એમને સંસ્કૃતમાં રસ ન હતો – બલકે આવડતને અભાવે સંસ્કૃત પ્રત્યે અણગમો હતો. સંસ્કૃતના વર્ગમાં જતા જ નહિ. પણ કેટલાક શિષ્યવત્સલ શિક્ષકોની સહાયથી એમને સંસ્કૃતમાં રસ ઉત્પન્ન થયો હતો. શાળાજીવનની બે ઘટનાઓ અત્યંત નોંધપાત્ર છે. અંગ્રેજી બીજા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયા હતા એથી શિક્ષકે એમને ત્રીજા ધોરણમાં નહિ પણ ચોથા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો. પણ પોતાને અભ્યાસ અંગે અસંતોષ હતો એથી સ્વેચ્છાએ આચાર્યને આગ્રહપૂર્વક વિનંતી કરીને ત્રીજા ધોરણમાં જ પ્રવેશ કર્યો હતો. પછીથી વિશ્વભરમાં સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને પ્રકાંડ પંડિત તરીકે પ્રસિદ્ધ થનાર મણિલાલ ૧૮૭૫માં મૅટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં જ નાપાસ થયા હતા. છતાં ૧૮૭૬માં બીજા વર્ષે સંસ્કૃતના વિષયનો ત્યાગ કર્યો ન હતો. એ વિષય સાથે જ મૅટ્રિકની પરીક્ષા આપી હતી અને પાસ થયા હતા. ૧૮૭૬-૧૮૮૦માં એમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો. એમણે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. વર્ડ્ઝવર્થ અને ભાંડારકર એમના અધ્યાપકો હતા અને તેઓ ફેલો તરીકે નિયુક્ત થયા હતા. ૧૮૮૧થી ૧૮૮૫ લગીનો મુંબઈનિવાસનો સમય જ્ઞાનના સંદર્ભમાં એમના જીવનનો સુવર્ણકાળ હતો. તેઓ મુંબઈમાં ગુજરાતી શાળાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. ૧૮૮૨માં એ ગુજરાતી સ્નાતકોના મંડળ ‘Gujarati Social Union’માં સભ્ય થયા હતા. એક સભામાં પુનર્લગ્ન વિશે એક કલાકની ચર્ચા યોજવામાં આવી હતી. એમાં એકમાત્ર મણિલાલે વિરુદ્ધમાં એવું વ્યાખ્યાન કર્યું કે તે ચર્ચા એક માસ લગી ચાલુ રહી હતી. એની ફલશ્રુતિરૂપે પછીથી ૧૮૮૫માં એમણે પ્રસિદ્ધ દીર્ઘ નિબંધ ‘નારીપ્રતિષ્ઠા’ લખ્યો હતો. અને એના અનુસંધાનમાં જ એમણે ૧૮૮૫થી ૧૮૯૮ લગી ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ માસિકનું સંપાદન કર્યું હતું અને એમાં અનેક વિવિધ વિષયો પર એમણે નિબંધો લખ્યા હતા. આ નિબંધોમાં ઓઘ અને ઓજસથી સભર અને સમૃદ્ધ એવું એમનું ગદ્ય છે. એને કારણે આજ લગી મણિલાલ ગુજરાતી ભાષાના સમર્થ અને સર્વશ્રેષ્ઠ ગદ્યકાર છે. ૧૮૮૨માં તેઓ થિયૉસોફિકલ સોસાયટીના આજીવન સભ્ય થયા હતા. અને એમણે એના ઉપક્રમે અનેક વ્યાખ્યાનો કર્યાં હતાં. ૧૮૮૫થી ૧૮૮૮ લગી મણિલાલ ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. અહીં ગાંધીજી અને બલવન્તરાય એમના વિદ્યાર્થીઓ હતા. પછીનાં વર્ષોમાં કલાપી અને અલ્પ સમય માટે કાન્ત એમના શિષ્યો જેવા હતા. ૧૮૮૬માં મુંબઈમાં નર્મદ સાથે એમના આ માનસપુત્રનું મિલન થયું હતું. ૧૮૮૧થી ૧૮૯૭ લગી સુધારા અંગે એમને રમણભાઈ સાથે ભારે ઉગ્ર વાદવિવાદ થયો હતો. એની ફલશ્રુતિરૂપે એમણે એમનો આકરગ્રંથ ‘સિદ્ધાંતસાર’ રચ્યો હતો. આ ગ્રંથ એ મણિલાલની જ્ઞાનસિદ્ધિની પરાકાષ્ઠા છે. એમાં એમની જીવનભરની જ્ઞાન-સાધનાનો નિષ્કર્ષ છે. ગુજરાતી ભાષાનો આ એક અતિવિરલ અદ્વિતીય ગ્રંથ છે. એમણે વર્ષો લગી ધર્મ અને સંસ્કૃતિના વિષયના અનેક પ્રશિષ્ટ ગ્રંથોનો અંગ્રેજી અને ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું હતું. વડોદરા રાજ્યના આશ્રયે ૧૮૯૨-૧૮૯૩માં એમણે પાટણના બાર ગ્રંથભંડારોના અસંખ્ય ગ્રંથોનો અહેવાલ તૈયાર કર્યો હતો. એને પરિણામે વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝનો જન્મ થયો હતો. બાલાશંકર ‘મહા મસ્તાન જ્ઞાની’ છે. એમનું જ્ઞાન એ સ્વયંસ્ફુરણાનું જ્ઞાન છે. એમના મગજનો તાર જુદો છે. મણિલાલનું જ્ઞાન એ તર્કસિદ્ધ, બુદ્ધિયુક્ત એવું પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન છે, સાધના-ઉપાસના દ્વારા સિદ્ધ થતું જ્ઞાન છે. મણિલાલના પિતા નભુભાઈ લોભી હતા અને માતા ક્રોધી હતાં. મણિલાલનું લગ્ન ૧૩-૧૪ વર્ષની વયે ૪ વર્ષની ફૂલી અથવા મહાલક્ષ્મી સાથે થયું હતું. એમનાં પત્ની સર્વ-અવગુણ-સંપન્ન હતાં. મણિલાલને કેટલાક મિત્રોએ જીવનભર ઉષ્મા આપી હતી, પણ એથીયે કંઈ વધુ શત્રુઓએ જીવનભર ત્રાસ આપ્યો હતો. આમ, મણિલાલ જીવનભર એકાકી અને એકલવાયા હતા. સમાજ અને શિક્ષણનું વાતાવરણ અત્યંત ભ્રષ્ટ અને અધમ હતું. એમના સમયમાં શેરીમાં અને શાળામાં કિશોરો સ્વચ્છંદી અને કુકર્મી હતા. એમના સહવાસથી મણિલાલને પણ કિશોરાવસ્થામાં જ જાતીય ઉન્માદ અને ઉદ્રેકનો અનુભવ થયો હતો. વળી એ કિશોરોમાં સજાતીય અને વિજાતીય એવા વિકૃત અને વિચિત્ર સંબંધો પ્રચલિત હતા. ૧૭-૧૮ વર્ષની વય લગી તો મણિલાલને આવા સંબંધો પ્રત્યે તિરસ્કાર હતો. એમણે જાતીય આવેગ અને આવેશનો અનુભવ કર્યો હતો, પણ સ્ત્રીઓ કે પુરુષો સાથે કોઈપણ પ્રકારના દેહસંબંધનો અનુભવ કર્યો ન હતો. પણ ૧૮૭૭માં એમનું ૧૮-૧૯ વર્ષનું વય હતું ત્યારે એ એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ અર્થે મુંબઈ ગયા હતા. મુંબઈ અનેક આકર્ષણો અને પ્રલોભનોનું નગર હતું. યુવાન વય હતું અને નિકટમાં કોઈ વડીલ કુટુંબીજન ન હતું. વળી કૉલેજના યુવાનો કુછંદી અને કુકર્મી હતા. એથી એમના સહવાસથી મણિલાલે મુંબઈમાં પ્રથમ વાર વેશ્યાગમન કર્યું હતું. એથી એમને સિફિલિસનો અસહ્ય અને અસાધ્ય વ્યાધિ થયો હતો. છતાં પણ એમણે બે-ત્રણ વાર વેશ્યાગમન કર્યું હતું. આ છે મણિલાલની પ્રેમની ખોજ માટેની પૂર્વભૂમિકા. મણિલાલમાં જેમ જ્ઞાનની અદમ્ય ક્ષુધા હતી તેમ પ્રેમની અશમ્ય તૃષા હતી. સ્વકીયા સાથે દેહ દ્વારા આનંદ અને અભેદનો અનુભવ એ હતો મણિલાલનો પ્રેમનો આદર્શ. એમણે જીવનભર માગ્યો’તો પ્રેમ પણ એમને મળ્યો’તો કામ. એમને જીવનભર સ્નેહ અને સહચારનો નહિ પણ વ્યભિચાર અને વિષયવાસનાનો જ અનુભવ થતો રહ્યો હતો. મણિલાલે જીવનભર કુટુંબની અને મિત્રકુટુંબોની સ્ત્રીઓ, નામી અને અનામી તથા પરિચિત અને અપરિચિત સ્ત્રીઓ, ભિન્નભિન્ન સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્તરની સ્ત્રીઓ, ભિન્નભિન્ન વર્ણ અને વયની સ્ત્રીઓ, ભિન્નભિન્ન ધર્મ અને જાતિની સ્ત્રીઓ સાથે પ્રેમગોષ્ઠિઓ, પ્રેમચેષ્ટાઓ અથવા સહશયનનો અનુભવ કર્યો હતો. એનો એમણે એમના ‘આત્મવૃત્તાન્ત’માં અનેક વાર ઉલ્લેખ કર્યો છે. એને પરિણામે એમને સિફિલિસ ઉપરાંત ચાંદી, પ્રમેહ, ફિરંગ આદિ અન્ય વ્યાધિ પણ થયા હતા. આ પ્રત્યેક અનુભવ વિશે એમણે નિર્ભીક અને નિર્દંભ એવું નિ:સંકોચ આલેખન કર્યું છે. ક્યારેક આવેગ અને આવેશપૂર્વક સુરુચિનો ભંગ થાય એવું અશિષ્ટ આલેખન પણ કર્યું છે. એમાં કશું જ પ્રચ્છન્ન નથી, બધું જ પ્રગટ છે. એથી એમાં નિખાલસતા અને નિર્દોષતા છે. આ અનુભવો પ્રત્યેનો પ્રતિભાવ અને પ્રત્યાઘાત પણ આપ્યો છે. એનો પ્રતિકાર કરવાનો, એમાંથી મુક્ત થવાનો વારંવાર સંકલ્પ કર્યો છે, પણ ક્યારેય એનું પાલન કરી શકાયું નથી. ક્યારેક તો નિર્વેદ અને નૈરાશ્યનો અનુભવ કર્યો છે. ક્યારેક સંન્યાસ માટેનો વિચાર પણ ચિત્તમાં ચમકી ગયો હતો. એમણે એમના જેવી જ્ઞાનની સિદ્ધિ ન હોય તો એમના જેવી પરિસ્થિતિમાં કોઈપણ મનુષ્ય આત્મહત્યા જ કરે એમાં આશ્ચર્ય નહિ એવું પણ વિધાન કર્યું છે. આ અનુભવોને કારણે એમણે શારીરિક અને માનસિક એવી દારુણ યાતના અને અસહ્ય વેદનાનો અનુભવ કર્યો હતો. ‘અભેદાનુભવમાં શરીરસંબંધ પાપકર્તા નથી’ એવું વિચિત્ર અને વિવેકશૂન્ય વિધાન પણ કર્યું છે. આવા પરમ જ્ઞાની આ અનુભવમાંથી મુક્ત ન થાય એ એક આશ્ચર્યજનક ઘટના છે. આ અનુભવમાંથી મુક્ત થવામાં એમની જ્ઞાનસિદ્ધિની એમને સહાય ન હતી. એથી એ અસહાય અને નિ:સહાય હતા. મણિલાલના જીવનમાં માત્ર શરીરમાં જ, શરીરથી જ પ્રેમની ખોજ હતી. એમાં ડેન્ટિની જેમ શરીર અને મન બંનેમાં, શરીર અને મન બંનેથી પ્રેમની ખોજ ન હતી. વળી શેક્સપિયરની જેમ એમાં બે મન, બે આત્મા વચ્ચેનું લગ્ન ન હતું, બે શરીર વચ્ચેનું જ મિલન હતું. એથી એમના જીવનમાં શરીર અને મન વચ્ચે, પ્રેમ અને જ્ઞાન વચ્ચે સંવાદ ન હતો, સંઘર્ષ હતો. એમનો પ્રેમનો અનુભવ એ ક્ષણિક સુખ અને આનંદનો, પણ શાશ્વત દુ:ખ અને શોકનો અનુભવ હતો. એમને શરીર અને મન વચ્ચે, પ્રેમ અને જ્ઞાન વચ્ચે અભેદનો અનુભવ ન થયો તે ન જ થયો. જ્ઞાની મણિલાલ અને પ્રેમી મણિલાલ જાણે કે એક જ વ્યક્તિ તથા બે ભિન્નભિન્ન વ્યક્તિ ન હોય! મણિલાલ એવા દ્વિદલ મનુષ્ય હતા. મનુષ્યનું શરીર અને મન એક ગૂઢ અને ગહન રહસ્ય છે. મનુષ્યમાત્ર અપૂર્ણ છે, સ્ખલનશીલ – પતનશીલ છે. અનેક પ્રયત્નો પછી, અગાધ પરિશ્રમ અને અગાઢ પુરુષાર્થ પછી પણ વિધાતાનો અનુગ્રહ હોય તો જ મનુષ્ય અલ્પાંશે પણ એની આ માનવસહજ અને માનવસુલભ મર્યાદામાંથી મુક્ત થાય. મણિલાલ એમની જ્ઞાનની શોધમાં સંપૂર્ણ સફળ થયા, પણ એમની પ્રેમની ખોજમાં એટલા જ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા એ એમના જીવનની મોટામાં મોટી કરુણતા છે. દિવાળીબાઈ જેવી એક અલ્પશિક્ષિત સ્ત્રીમાં પ્રેમની જે સૂઝસમજ હતી એ મણિલાલ જેવા મહાજ્ઞાનીમાં ન હતી એ એમના જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. આ અભેદમાર્ગના પ્રવાસીને પ્રેમમાં અભેદનો અનુભવ ન થયો એ એમનું એનાથીયે મોટું દુર્ભાગ્ય છે. વળી એમને જ્ઞાન અને પ્રેમના અભેદનો અનુભવ ન થયો એ એનાથીયે મોટી કરુણતા છે. જોકે આયુષ્યની અંતિમ ક્ષણોમાં ‘કાંઈ લાખો નિરાશામાં અમર આશા’નો અનુભવ થયો એ નાનુંસૂનું આશ્વાસન નથી. બોદલેરે જેમ પેરિસને સંબોધનરૂપે કહ્યું હતું તેમ મણિલાલ પણ પરમેશ્વરને સંબોધનરૂપે કહી શકે, ‘તેં મને કર્દમ અર્પ્યો પણ મેં એમાંથી કાંચન સર્જ્યું છે.’ મણિલાલનું આવું શાપિત આત્માનું જીવન હતું છતાં અથવા તો એથી જ એ આપણા આદર અને આપણી અનુકંપાના અધિકારી છે. એનું રહસ્ય છે એમની સત્યનિષ્ઠા, એમની સચ્ચાઈ. ૧૯મી સદીના ઉત્તરાર્ધના અર્વાચીન ગુજરાતી કવિતા સાહિત્યમાંની ચાર ગઝલો અત્યંત લોકપ્રિય રહી છે  ગોવર્ધનરામની ‘સુખી હું તેથી કોને શું  દુ:ખી હું તેથી કોને શું ’, બાલાશંકરની ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે!’, મણિલાલની ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ અને કલાપીની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.’ આ ગઝલોમાં જીવનનો ગહન અને ગંભીર અનુભવ પ્રગટ થયો છે એમાં એમની લોકપ્રિયતાનું રહસ્ય છે. મણિલાલે ‘અમર આશા’ ૧૮૯૮ના ઑક્ટોબરની પહેલીએ એમનું અવસાન થયું તે પૂર્વેના એકાદ માસ દરમિયાન એટલે કે આયુષ્યના અંતે, આયુષ્યના અંતિમ માસમાં રચી હતી. એથી ‘અમર આશા’માં મણિલાલનાં જીવન અને કવનની પરાકાષ્ઠા છે, એમના ઐહિક અને આધ્યાત્મિક, લૌકિક અને અલૌકિક અનુભવોનો અભેદ પ્રગટ થાય છે. એથી જ મણિલાલ જેવા જ એક અન્ય સત્યશોધક – મોહનલાલ કરમચંદ ગાંધીને ‘અમર આશા’ વિશે લેખ લખવાનું થયું હશે. ૧૮૯૧થી ૧૯૧૫ લગી ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે કેટલાક સમય માટે આફ્રિકામાં એમના દેશબંધુઓને સત્યાગ્રહની પ્રેરણા પ્રાપ્ત થાય એ માટે ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામયિક પ્રગટ કર્યું હતું. એમાં એમણે નિયમિત પોતાનાં લખાણો ઉપરાંત ક્યારેક અન્ય કેટલાક કવિઓનાં કાવ્યોને પણ સ્થાન આપ્યું હતું. એક અંકમાં ‘અમર આશા’ એના પરના લેખ સાથે પ્રગટ થયું હતું. એ લેખની નીચે કોઈની સહી ન હતી. તો એ લેખ કોનો હોય  એનો ઉત્તર પ્રાપ્ત થયો નથી અને હવે થશે પણ નહિ. તો એ ગાંધીજીનો જ લેખ હશે એમ માનવું રહ્યું. વળી એ સમયનાં એમનાં લખાણોમાં જે શૈલી હતી એવી જ આ લેખની શૈલી છે. ૧૯૦૩માં અર્વાચીન ગુજરાતી કવિતાનો એક ઉત્તમ સુવર્ણસંચય ‘કાવ્યમાધુર્ય’ પ્રગટ થયો હતો. એમાં ‘અમર આશા’ કાવ્ય સ્થાન પામ્યું હતું. ગાંધીજીને આ સંચયમાંથી ‘અમર આશા’ પ્રાપ્ત થયું હતું. એથી ૧૯૦૩ પછીના ‘ઇન્ડિયન ઓપિનિયન’ના કોઈ અંકમાં આ કાવ્ય એના પરના લેખ સાથે પ્રગટ થયું હશે. પછીથી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’માં જે કાવ્યો પ્રગટ કર્યાં હતાં, એ ૩૪ કાવ્યોનો ૪૪ પાનાંનો એક સ્વતંત્ર સંચય પ્રગટ કર્યો હતો. એમાં એકમાત્ર ‘અમર આશા’ પર જ એમણે જે લેખ લખ્યો હતો તે લેખ સાથે ‘અમર આશા’ પ્રગટ કર્યું હતું. અહીં એ આખો લેખ મૂળમાં જે જોડણી, વ્યાકરણ, વિરામચિહ્નો છે તે સાથે રજૂ કર્યો છે  ‘અમર આશા’ આ નામનું કાવ્ય ‘કાવ્યમાધુર્ય’ નામનાં પુસ્તકમાં છે. અમને લાગે છે કે એને અડી શકે એવાં ઘણાં કાવ્યો હાલના લખનારા કવિઓનાં નથી. તેમાં બે અર્થ ઘણી ખૂબીથી કવિએ સમાવ્યા છે. સાફ દિલના આશક માશુક વચ્ચે કેવો સૂફી પ્યાર હોવો જોઈએ તે બહુ રસિક ભાષામાં બતાવ્યું છે અને તે જ અર્થ ખુદાને શોધનાર મુમુક્ષુને સારૂ પણ લાગુ પડે છે. આ કાવ્યના લખનાર ગુજરાતમાં પ્રખ્યાત થઈ ગયેલા મરહુમ રા.રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે. તેમણે કાવ્યની અંદર ઉર્દુ શબ્દો બહુ વાપર્યા છે ને દાખલા પણ ફારસીમાંથી લીધા છે. તેમણે જે ઈબારત કાવ્યમાં લીધી છે તે ઉપરથી જણાય છે કે તેમણે જેમ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો તેમ ફારસી કિતાબોનું જ્ઞાન લીધેલું હોવું જોઈએ. બધા ધરમનું છેવટનું રહસ્ય એક ખુદાની શોધ જ છે એ તેમણે આબેહુબ બતાવ્યું છે. વળી આ કાવ્ય એ પણ બતાવે છે કે જે સંજોગો ગુજરાતી ભાષાને છે તે હીંદની બીજી ભાષાને નથી. તે ભાષા મુસલમાની ધોરણે, હિંદુ ધોરણે ને પારસી ધોરણે વાપરી શકાય છે. એટલે ભાષાને ત્રણ શણગાર છે, ને ત્રણેમાં તે સરસ દીપી શકે એવો ખ્યાલ આપણને આ કાવ્યથી કેટલેક દરજ્જે આવી શકે છે. છેવટમાં આ કાવ્ય મુસલમાની ઢબે લખનાર એ વિદ્વાન ને ચુસ્ત હિંદુ હતા એ બંને હિંદુ મુસલમાનને મગરૂર થવા જેવું છે. એવા પ્રયાસો ઠીક થયા છે એમ કાવ્યમાધુર્યમાં આપેલ ઉતારાઓથી આપણે જોઈ શકીએ છીએ. આમ આ કાવ્યમાંથી બહુ શીખવાનું છે એવું જોવાથી અમે તે વાંચનારની પાસે મુકીએ છીએ. અમારી ઉમેદ એવી છે કે નકામા નાટકોનાં ગાયન ગાવાને બદલે આવા કાવ્યો અમારા વાંચકો ગાતા થશે ને તે સમજશે. સમજ્યા વિનાનું ગાવું એ બરાડા પાડવા બરોબર છે. કાવ્યનો રાગ સહેલો ને મધુર છે. આ કાવ્ય બધા વાંચનાર એકદમ સમજી શકે તેવું નથી તેથી અમે તેની નીચે જેમ અમને સમજાયું છે તેમ સમજાવવા કોશીશ કરશું. પછી તેમાંથી વધારે અથવા વધારે બંધ બેસતો અર્થ મહેનતુ વાંચનાર ભલે ઘટાવી લે. (નોંધ  અહીં આ સાથે ગાંધીજીએ ‘અમર આશા’ કાવ્યનો પાઠ  પાંચેક પાઠાંતરો સાથે – અવતરણ-રૂપે આપ્યો હતો.) સનમ શબ્દનો સાધારણ અર્થ વહાલી એ છે. પણ તેનો અર્થ ખુદા અથવા જ્ઞાન એ પણ સમજવાથી બે અર્થ જે અગાડી સુચવ્યા તે ખુલી રહે છે. આમ અર્થ કરવાનો આધાર ઘણાં ફારસી કાવ્યો છે. ઉંમર ખય્યામનું કાવ્ય તો એવા જ અર્થમાં લેવાનું છે ને લેવાય છે. ખુદાને માશુકનું રૂપ ઘણાઓએ આપેલું છે. દુન્યવી પ્યારની સાથે જો ખુદાની ઉપરનો આપણો પ્યાર માપીએ તો એ માપ આશક માશુકના પ્યારમાં જ થોડું ઘણું મળી શકે છે. પહેલી લીટી લખનારનો હેતુ તુરત બતાવે છે કે નિરાશ થયેલો માણસ પણ આશાએ જીવે છે. એટલે કોઈએ સારાં કાર્યો કરતાં નિરાશ ન જ થવું. લાખો નિરાશામાં, પ્રયત્નોમાં આશા-સફળતા છુપાયેલી છે. વહાલાં આપણને ખંજર બરછી મારે તો તેમાં પણ રહમ-દયા રહેલી છે. ખુદા આપણી ઉપર ગજબ કરે તેથી ગુસ્સે ન થતાં તેનો ખરો અર્થ કરીએ કે તે પણ તેણે રહમ દિલથી કર્યું છે તો આપણે ખુદાએ બતાવેલો માર્ગ નહીં છોડીએ. આશક એ માશુકની જિંદગીભરની જુદાઈ રોઈ રોઈને ઘણીવાર કહાડે છે. દરમિયાન ગરદન કપાય તોપણ વસ્લની (ખરા મેળાપની) આશા એ તો અમર રહે છે. તેમ જ ખુદાથી આપણે વિખુટા છીએ છતાં તેની જ ઝંખના એ આપણું કર્તવ્ય છે, હજારો સાધુઓ, ઓલીયા તે ઝંખનામાં હોય છે ને મરતાં પણ ખુદાને મળવાની આશા રાખે છે. એક પણ ઘડી ખરા મેળાપની ન આવી તેટલામાં માશુક ચાલી ગઈ. તો પણ હજારો રાતો તેની સાથે વાતમાં કાઢી તે જ કમાઈ છે. ખુદાને મળવાનું (? તો) પ્રયત્ન કરતાં તે ન મળે, આપણે ગોથું ખાઈ જઈએ, તેથી શું  તેની બંદગી કરી એ નકામી નહીં જાય એ જ કમાણી ગણવી. પણ માશુક ન મળે, તે રિસાય. તેવી અથવા જે ખુદાની ઝંખનામાં ઘેલો થઈ રહેશે પણ પાછો નબળાઈથી દુનિયામાં મોહમાં પડી જશે તેથી લોક હાંસી જરૂર કરશે; મુસીબતનાં ખંજર ખાવાં પડશે. અને કતલ થવામાં પણ કદમ બોસી (પગ ચુંબન) છે એમ માનવું પડશે. તે જ ખરો પ્યાર. પણ માશુકને – ખુદાને – કસોટી કરવાનો હક છે. છતાં જે માણસ પાર ઉતરશે તેને કયામતમાં (આખરમાં) ઇન્સાફ મળશે જ. આમ ખરા પ્રેમની ઝાંખી કરાવીને હવે કવિ દાખલા આપે છે. એ પ્રેમ કેવો છે  શમા (બત્તી) ઉપર પરવાના (પતંગિયું) પડી ભસ્મ થાય છે તે અથવા શીરીને મેળવવા ફરહાદે મોટા પથ્થર ખોદ્યા ને જ્યારે તે ન મળી ત્યારે ઊંચેથી પડી જાન આપ્યો તે ખરો પ્રેમ છે. કેમ કે જે અગમ છે – સાધારણ પ્રયત્ને ન મળે, ન જણાય – તેને ગમ કરવામાં – મેળવવામાં ખરાબ થવું એમાં જ ખરી મજા લુટાઈ છે. શોધેલું મળે એ મજા નથી પણ શોધવાની મહેનત એ મજા છે એવો અનુભવ કોને નથી થયો  વળી આપણું ફના (જતું) કરવું ને આપણે ફના થવું તેમાં જ બાદશાહી છે. દેનાર બાદશાહ છે. સંઘરનાર તો કંજૂસમાં ખપે છે. મરવામાં જીવવાનો મંત્ર છે. ખરો મરશે તો ખરો જીવશે. એવી જ કેમ જાણે દીલબર(માશુક)ની દુહાઈ – તેનું ફરમાન ન હોય! ઝહર-ઝેર-નો પ્યાલો તું ઝટ શોધી લે. માશુકના હાથથી છેલો રફાઈલનો પ્યાલો પીવો તેમાં હકિકત (ખરો સાર) રહ્યો છે. તો જ ખુદા મળે. જે હુલ ખાય – ખંજર વગેરે પોતાના શરીરમાં ભોંકે – તે રફાઈલનો પ્યાલો પીએ છે. તે ઉપરથી રફાઈ શબ્દ છે એમ કાવ્યમાધુર્યમાં સમજ પાડી છે. હમેશાં માશુકની પાછળ દિલ તડપ્યા કરે એ જ તેને મળવાની રાહ-રસ્તો રોશન-જાહેર છે. કેમ કે હે સાંઈ, તડપ્યાં કરતાં જ્યારે તૂટી પડીએ ત્યારે તેમાં માશુક ખડી થાય છે. મરણ તુલ્ય મહેનત કરે જ ખુદા મળે. ચમનમાં (બગીચામાં) આવીને તું ગુલો-ગુલાબ પર આફરીન થઈ ઊભો છે. પણ તું બદનગુલ, ગુલાબના જેવો કોમળ હોય તો જ ગુલોના પ્યારથી-ગુલાબના ઝાડના કાંટાથી બચે. કાંટા વાગે તેમાંથી તે જ નીકળી જાય કે જેનું દિલ કઠોર નથી ને જે કદિ ગુસ્સો કરતો નથી ને સદાય સત્યવાન, કોમળ ને નીતિવાન છે. આ બધું વ્રત કેમ સચવાય, આમ કરવું પડે ને પછી કરતાંએ ખુદા મળે એ કેમ માની લેવાય  એવી શંકા થાય તેના જવાબમાં કવી કહે છે કે હજારો ઓલિયા, મુરશિદ, સાધુ-ફકીરો માશુકમાં-ખુદામાં-ડુબી ગયા-લીન થઈ ગયા છે. અને જે નથી ડુબ્યા એટલે જેનાથી લીન નથી થવાયું તે તેવી ઝંખનામાં મુવા છે એવાં સખ્ત કલામો-વચનો-કહેવાયાં છે. જેને આ કાવ્યના રસનાં કુંડાં પીવાની ઇચ્છા હોય તેને એટલી ભલામણ છે કે તેણે કાવ્ય એક વાર વાંચી ગાઈ જવું. ગાતાં ન આવડે તો બીજાની પાસેથી સાંભળવું. પછી ઉપલી ટીકા વાંચી જે શબ્દો ન આવડે અથવા જેનો અર્થ ન સમજાય તે બરોબર સમજી લેવો ને પછી કાવ્ય પાછું ખુબ વાંચ્યા કરવું. એટલે એનો બધો અર્થ મનની આગળ ખડો થશે જ. ઉપરની ટીકા લખનારે કાવ્ય પાંચેક વાર વાંચ્યું. પછી લખી કહાડ્યું. તેની ઉપરની પુસ્તકમાં આવેલી ટીકા વાંચીને પછી ખૂબ વિચાર્યું ને છેવટે ઉપલી ટીકા લખાઈ. દરિયામાંના મોતી તો મરજીવા જ લાવશે. બીજાને નહીં મળે ને મળશે તો તેને પારખીને પહેરશે નહીં.’ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સાક્ષરોની માન્યતા હતી  ભારતમાં અંગ્રેજોનું આગમન એ વિધાતાનો સંકેત છે. એને પરિણામે પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું મિલન થયું હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધ લગી તો ગુજરાતમાં વિદેશયાત્રાનો નિષેધ હતો. એથી ગુજરાતમાંથી તો કોઈ અંગ્રેજોના દેશમાં જવાનું ન હતું. મહીપતરામ અને મોહનદાસ ઇંગ્લૅન્ડ ગયા હતા. ગુજરાતે એમના આ ‘અપરાધ’ માટે પ્રાયશ્ચિત્તનો દંડ કર્યો હતો. અંગ્રેજોનું આ આગમન સમાજસુધારા અને સાંસ્કૃતિક સુધારાના સંદર્ભમાં આશીર્વાદરૂપ હતું; રાજકીય પરાધીનતા અને આર્થિક શોષણના સંદર્ભમાં શાપરૂપ હતું. ૧૮૫૭માં અંગ્રેજી શાસનનો આરંભ થયો અને તરત જ મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ૧૬મી સદીના પુનરુત્થાનની પરંપરાની પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિની સરજત જેવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. એમાં ભારતના સંવેદનશીલ તેજસ્વી નવયુવકોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો એમને પરિચય થયો હતો. એને પરિણામે તેઓને અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ અધમ હતું એનું ભાન થયું હતું. સાથેસાથે તેઓને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હતું, એનું પણ જ્ઞાન થયું હતું. પશ્ચિમના વિદ્વાનોએ પ્રાચીન ભારતના સાહિત્યની સમૃદ્ધિને અંજલિ અર્પી હતી. એની પ્રેરણાથી અને એ દ્વારા આ નવશિક્ષિત યુવકોમાં એમના આ ભવ્ય વારસા પ્રત્યે સભાનતા પ્રેરી હતી. એની સહાયથી એમણે ભારતના આત્માની ખોજનો આરંભ કર્યો હતો. એમણે પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાનું અધ્યયન અને અધ્યાપન કર્યું હતું. એમનું મનન-ચિંતન કર્યું હતું. એમણે ભારતના આંતરજીવનમાં સૂક્ષ્મ આધ્યાત્મિક સુધારણાનો, ભારતીય માનસને સ્વકીય સંસ્કૃતિમાં દૃઢમૂલ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. આ પુરુષાર્થ એક પરાધીન પ્રજા માટે આધ્યાત્મિક આશ્વાસનરૂપ હતો. આ સ્વમાન અને સ્વાભિમાનનો, આત્મસ્થાપના અને આત્મનિર્ભરતાનો પુરુષાર્થ હતો. સાથેસાથે એમણે પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ અને એના સાહિત્યને આત્મસાત્ કરવાનો પણ એવો જ પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. એમણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે કંઈ ઉત્તમ હતું એનો સમન્વય કર્યો હતો. આ સમય ‘સમન્વયયુગ’ અને ‘સાક્ષર યુગ’ કહેવાય છે. આમ, ગુજરાતમાં પ્રથમ નવજાગૃતિના યુગનો આરંભ થયો પછી સૌપ્રથમ તો ગુજરાતને એના જીર્ણશીર્ણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓના વિરૂપ અને વિકૃત સ્વરૂપનું ભાન થયું હતું. ગુજરાતને એની પ્રજા એક નિર્મૂલ પ્રજા છે એનું જ્ઞાન થયું હતું. એથી ગુજરાતે એના બાહ્યજીવનમાં સામાજિક સુધારણાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. આ સમય ‘સુધારાયુગ’ અને ‘સંક્રાન્તિયુગ’ કહેવાય છે. તો આ છે ‘સિદ્ધાન્તસાર’ની ઐતિહાસિક પૂર્વભૂમિકા. ‘સિદ્ધાન્તસાર’ એ મણિલાલનો આકરગ્રંથ છે. આ ગ્રંથ એક પ્રખર તત્ત્વચિંતક અને પ્રકાંડ પંડિતની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે, એમની પરિપક્વ પ્રતિભાનું ફળ છે. એમાં એમની અદ્વૈતની ભાવનાનો નિષ્કર્ષ છે. એમાં કુલ ૧૧ પ્રકરણો છે. એમાં એમણે અદ્વૈતની ઐતિહાસિક આલોચના કરી છે અને અદ્વૈતના સિદ્ધાન્તનો સાર આપ્યો છે, જગતના અન્ય સૌ ધર્મોનું વાચન, મનન અને ચિંતન કર્યું છે, અદ્વૈત સાથે એ સૌ ધર્મોની તુલના દ્વારા, અદ્વૈત અને એ સૌ ધર્મોમાં જે સમાન તત્ત્વો છે એનું આકલન કર્યું છે અને અંતે અદ્વૈતની આધારશિલા પર જગતભરમાં સર્વમાન્ય અને સર્વસ્વીકાર્ય એવા એક વૈશ્વિક ધર્મની સ્થાપના થાય એવી આશા અને અપેક્ષા પ્રગટ કરી છે. દસેક વર્ષનાં વાચન-મનન-ચિંતન પછી ૧૮૮૭માં એમણે આ ગ્રંથ પ્રગટ કર્યો હતો. અંગ્રેજોનાં આગમન અને શાસન પછી ભારતભરમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે, પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સંઘર્ષ થયો હતો. પૂર્વનો પ્રાચીન ધર્મ અને પશ્ચિમનો અર્વાચીન ધર્મ, પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ અને પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિ વચ્ચે વાદ-વિવાદ અને સંવાદનું વાતાવરણ સર્જાયું હતું. એના કેન્દ્રમાં પૂર્વભારતમાં રવીન્દ્રનાથ (બ્રહ્મોસમાજ વિરુદ્ધ હિન્દુસમાજ) અને પશ્ચિમ ભારતમાં મણિલાલ (પ્રાર્થનાસમાજ વિરુદ્ધ અદ્વૈત) હતા. પર-ધર્મ અને પરસંસ્કૃતિના આ આક્રમણ પ્રત્યે હિંદુધર્મ અને હિંદુ-સંસ્કૃતિના રક્ષણ અર્થે ત્રણ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકાર હતા. પરધર્મ અને પર-સંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત અને હિન્દુધર્મ અને હિન્દુ-સંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ અને પરધર્મ અને પરસંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ તથા હિન્દુધર્મ અને હિન્દુ-સંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત, પર-ધર્મ અને પર-સંસ્કૃતિ અને હિન્દુધર્મ અને હિન્દુ-સંસ્કૃતિ વચ્ચે સમન્વય. પ્રથમ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકો હતા રમણભાઈ અને મલબારી, બીજા પ્રકારના પ્રતિભાવ અને પ્રતિકારમાં અગ્રણી સુધારક હતા મણિલાલ અને ત્રીજા પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકો હતા ગોવર્ધનરામ અને આનંદશંકર. ૧૮૭૨-૭૫માં નડિયાદમાં બાલાશંકર, મણિલાલ તથા અન્ય મિત્રોએ બાલાશંકરના ઘરમાં અમદાવાદના ‘પ્રાર્થનાસમાજ’ના આદર્શને અનુસરીને એની લઘુઆવૃત્તિ જેવા ‘પ્રાર્થનાસમાજ’ તથા ‘સ્વસુધારક મંડળ’નો આરંભ કર્યો હતો અને ‘પ્રાર્થનાસમાજ’નાં ભક્તિનાં કાવ્યોના અનુકરણમાં કાવ્યો રચ્યાં હતાં અને એનું ગાયન કર્યું હતું. આમ, આયુષ્યના આરંભે મણિલાલ જાણે પ્રાર્થનાસમાજના સભ્ય જેવા હતા. પણ પછી ૧૮૮૧માં બી.એ. થયા પછી ૧૮૮૧થી ૧૮૮૫ લગી મણિલાલ મુંબઈમાં મ્યુનિસિપાલિટીમાં ગુજરાતી શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા. તે સમયમાં થિયૉસોફિકલ સોસાયટીના સક્રિય સભ્ય થયા હતા અને ગુજરાતી ગ્રૅજ્યુએટોના મંડળ ‘ગુજરાતી સ્પેશિયલ યુનિયન’માં વિધવાવિવાહ, પુનર્લગ્ન વિશેની એક ચર્ચામાં એમણે અન્ય સૌ સભ્યોના વિચારોનો પ્રતિકાર કર્યો હતો અને એના અનુસંધાનમાં એમણે એમનો પ્રસિદ્ધ નિબંધ ‘નારીપ્રતિષ્ઠા’ રચ્યો હતો. એમાં ‘સિદ્ધાન્તસાર’નું બીજ છે. ૧૮૫૧માં અમદાવાદમાં ‘પ્રાર્થનાસમાજ’ની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાંથી ઇંગ્લૅન્ડની યાત્રા કરનાર પ્રથમ ગુજરાતી એવા મહીપતરામ આરંભથી જ એના સભ્ય હતા. પછીથી મહીપતરામના સુપુત્ર રમણભાઈએ ‘પ્રાર્થનાસમાજ’ના સુધારાના પ્રમુખ નેતા તરીકે ભાગ ભજવ્યો હતો. ૧૮૮૪-૮૫માં વિદ્યાર્થીકાળમાં જ રમણભાઈના માનસ પર બર્ક, મિલ અને માર્ટિનોના વિચારોનો ભારે પ્રભાવ હતો. એથી તેઓ ઉદારમતવાદી સુધારાના પ્રમુખ નેતા થવાને પાત્ર હતા. તેઓ ૧૮૮૬-૮૭થી ૧૯૨૮ લગી ‘જ્ઞાનસુધા’ના તંત્રી હતા. એમાં એમણે સુધારા અંગેના એમના વિચારો વિશે અનેક લેખો લખ્યા હતા. મણિલાલને પ્રાર્થનાસમાજ અને એના અગ્રણી સુધારક રમણભાઈ સાથે આયુષ્યના અંત લગી, ૧૮૯૮ લગી દીર્ઘ સમયનો તીવ્ર સંઘર્ષ અને વાદ-વિવાદ થયો હતો. એમાં બાળલગ્ન, સ્ત્રીશિક્ષણ, જ્ઞાતિબંધન અંગે મણિલાલ અને રમણભાઈ વચ્ચે કોઈ સંઘર્ષ કે વાદ-વિવાદ ન હતો. સુધારાના કેન્દ્રમાં હતું લગ્ન. એથી પુનર્લગ્ન અથવા વિધવાવિવાહ અંગે એમની વચ્ચે તીવ્ર સંઘર્ષ અને વાદ-વિવાદ થયો હતો. મણિલાલે ૧૮૮૫થી ૧૮૯૮ લગી, આયુષ્યના અંત લગી ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ સામયિકોમાં એમના સુધારા વિશેના વિચારો અંગે અનેક લેખો લખ્યા હતા. ‘સિદ્ધાન્તસાર’માં મણિલાલે ધર્મ અને સંસ્કૃતિનો, સુધારાનો હિન્દુધર્મના સંદર્ભમાં અને અદ્વૈતના સિદ્ધાન્તના સંદર્ભમાં વિચાર કરવાનો પુરુષાર્થ કર્યો હતો. ધર્મ એટલે જીવનનું ધ્યેય, પ્રયોજન, જીવનનો હેતુ, ઉદ્દેશ. એનો નિર્ણય થાય પછી જ આચાર અને કર્તવ્યનો, સાધનનો નિર્ણય થાય. રમણભાઈનો સુધારો એ પશ્ચિમના જડવાદનું, બુદ્ધિવાદનું, દ્વૈતનું સંતાન છે, એવી મણિલાલની દૃઢ માન્યતા હતી. પશ્ચિમમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ભિન્નભિન્ન છે, એમનું દ્વૈત છે, જ્યારે ભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અભિન્ન છે, એમનું અદ્વૈત છે. એથી પશ્ચિમના પ્રભાવને કારણે ભારતમાં ધર્મમાં વિકૃતિ આવી છે એવી મણિલાલની દૃઢ પ્રતીતિ હતી. એકમાત્ર હિન્દુધર્મ જ, માત્ર અદ્વૈત જ સર્વમાન્ય અને સર્વસ્વીકૃત થવાને પાત્ર છે, જગતના સૌ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ છે, એવી મણિલાલની દૃઢ શ્રદ્ધા હતી. એથી એમણે ભારતમાં અને પશ્ચિમમાં ધર્મનું સત્ય સ્વરૂપ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન – બલકે પ્રચાર કર્યો હતો. ૧૮૮૫માં ‘પ્રિયંવદા’ અને ‘નારીપ્રતિષ્ઠા’, ૧૮૮૮માં ‘પ્રાણવિનિમય’, ૧૮૮૯માં ‘સિદ્ધાન્તસાર’ અને ૧૮૯૦માં ‘સુદર્શન’ આદિ ગ્રંથો અને સામયિકો દ્વારા એમણે ભારતના સમાજના સામાન્યજનો અને શિક્ષિતજનો સમક્ષ ધર્મનું રહસ્યોદ્ઘાટન કર્યું હતું. અંગ્રેજી ગ્રંથો, નિબંધો, વ્યાખ્યાનો, સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજી અનુવાદો આદિ દ્વારા એમણે પશ્ચિમના સમાજ સમક્ષ હિન્દુધર્મની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો હતો. મણિલાલ અને રમણભાઈમાં સંઘર્ષ અને વાદ-વિવાદને કારણે પક્ષાપક્ષી, પક્ષપાત, પૂર્વગ્રહ અને પ્રચારકતા છે એટલે અંશે બંનેમાં સત્યશોધક વૈજ્ઞાનિક દૃષ્ટિ નથી. મણિલાલે પ્રાચીનનું નવીન અર્થઘટન કર્યું છે. રમણભાઈએ પ્રાચીનનું ખંડન કર્યું છે. મણિલાલની દૃષ્ટિએ રમણભાઈનો ધર્મ એ જડવાદ છે, તો રમણભાઈની દૃષ્ટિએ મણિલાલનો ધર્મ એ રૂઢિવાદ છે. બંનેમાં વારંવાર ધર્મનું સ્વરૂપ નહિ પણ ધર્મની નિમ્નકક્ષાનું એટલે કે સંપ્રદાયનું સ્વરૂપ પ્રગટ થાય છે. ગોવર્ધનરામ અને આનંદશંકરે આ સંઘર્ષ અને વાદ-વિવાદની મર્યાદા જોઈ-જાણી છે, બંનેની દૃષ્ટિનો દોષ નાણ્યો-પ્રમાણ્યો છે. એથીસ્તો એમણે પ્રાચીન અને અર્વાચીન ધર્મનો, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય અને સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. આ જ સમયમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પૂર્વભારતમાં રવીન્દ્રનાથ પણ આ જ સંઘર્ષ અને વાદ-વિવાદ (બ્રહ્મોસમાજ વિરુદ્ધ હિન્દુસમાજ)માં સક્રિય હતા. પણ એમનાં ધર્મદર્શન અને સંસ્કૃતિદર્શનમાં એક મહાન કવિ તરીકે એ પક્ષાપક્ષી, પૂર્વગ્રહ, પક્ષપાત, પ્રચારકતા આદિથી પર અને મુક્ત હતા. ‘ગોરા’ નવલકથા, ‘ભારતતીર્થ’ કાવ્ય, ‘ભારતવર્ષેર ઇતિહાસેર ધારા’ વ્યાખ્યાન અને અન્ય અનેક સર્જનો એનાં સાક્ષી છે. આજે હવે વૈશ્વિક માનવતાવાદ અને યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિના યુગમાં પણ સમગ્ર વિશ્વ માટે રવીન્દ્રનાથના એ દર્શનનું મહાન મૂલ્ય છે અને ભવિષ્યમાં હશે, એ અર્થપૂર્ણ છે અને ભવિષ્યમાં હશે. રવીન્દ્રનાથના દર્શનની સાથે તુલના કરવાથી મણિલાલ અને રમણભાઈના દર્શનની મર્યાદા સ્પષ્ટ થાય છે. આજે હવે સમાજ અને સંસ્કૃતિમાં મહાન પરિવર્તન થયું છે ત્યારે મણિલાલ અને રમણભાઈના આ સંઘર્ષ અને વાદ-વિવાદ(polemics)નાં લખાણો કદાચ કાલગ્રસ્ત જેવાં પણ હશે. છતાં ‘નારીપ્રતિષ્ઠા’, ‘સિદ્ધાન્તસાર’, ‘ભદ્રંભદ્ર’ અને ‘રાઈનો પર્વત’ – આ નિબંધ, નવલકથા અને નાટકનાં સર્જનોથી ગુજરાતી સાહિત્ય અવશ્ય સમૃદ્ધ થયું છે.